Showing posts with label Film. Show all posts
Showing posts with label Film. Show all posts

08 December, 2018

હીરાલાલ સેન: ભારતીય સિનેમાના અસલી હીરો


ભારતની પહેલી ફિલ્મ કઈ હતી અને એ કોણે બનાવી હતી? જનરલ નોલેજ તરીકે પૂછાતા આ પ્રશ્નોના જવાબ આપણને નાનપણથી ગોખાઈ ગયા છે કે, ભારતની પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચંદ્ર' હતી, જે ધુંડીરાજ ગોવિંદ ફાળકેએ બનાવી હતી. ભારતીય સિનેમાના જનક ગણાતા એ ફિલ્મમેકરને આજે આપણે દાદાસાહેબ ફાળકે તરીકે ઓળખીએ છીએ. ફાળકે સાહેબે ત્રીજી મે, ૧૯૧૩ના રોજ દક્ષિણ મુંબઈના ગિરગાંવમાં આવેલા વિખ્યાત કોરોનેશન એન્ડ વેરાયટી હૉલમાં ચાળીસ મિનિટ લાંબી એ મૂંગી ફિલ્મ રજૂ કરી હતી. આજના ધારાધોરણો પ્રમાણે 'રાજા હરિશ્ચંદ્ર' શોર્ટ ફિલ્મ ગણાય, પરંતુ ઐતિહાસિક મહત્ત્વને ધ્યાનમાં રાખીને તેને ભારતની પહેલી ફૂલ લેન્થ ફિચર ફિલ્મનું બહુમાન મળ્યું છે. આ તો જાણીતી વાત થઈ પણ તમને જાણીને નવાઈ લાગશે કે, ફાળકે સાહેબે પહેલી ફિલ્મ રજૂ કર્યાના વર્ષો પહેલાં એક બંગાળી યુવકે ૧૮૯૭થી ૧૯૧૩ વચ્ચે એક-બે નહીં પણ કુલ ૩૦ ફિલ્મ બનાવી હતી.

***

એ ફિલ્મ મેકર એટલે હીરાલાલ સેન.

ભારતીય અને વિદેશી ફિલ્મ ઈતિહાસકારો પણ સ્વીકારે છે કે, ભારતના પહેલાં ફિલ્મ મેકર તરીકેનું બહુમાન હીરાલાલ સેનને જ મળવું જોઈએ. જોકે, હીરાલાલે જે કંઈ સર્જન કર્યું તેને ફિલ્મોના ખાનામાં મૂકી શકાય કે નહીં એ ચર્ચાનો વિષય છે કારણ કે, તેમની મોટા ભાગની ફિલ્મો માંડ અમુક સેકન્ડો કે મિનિટની હતી. ઐતિહાસિક નોંધોમાં માહિતી મળે છે કે, દાદાસાહેબ ફાળકેની ફિલ્મ રિલીઝ થયાના વર્ષો પહેલાં, ૧૯૦૩માં, હીરાલાલ સેને 'અલીબાબા એન્ડ ફોર્ટી થિવ્સ' નામની બે કલાક લાંબી ફૂલ લેન્થ ફિચર ફિલ્મ બનાવી હતી. એમ તો દાદાસાહેબ ફાળકેએ ભારતમાં પહેલી ફિલ્મ રિલીઝ કરી તેના ૧૭ વર્ષ પહેલાં, સાતમી જુલાઈ ૧૮૯૬ના રોજ, બોમ્બેની વૉટ્સન હોટેલમાં ઓગસ્ટ અને લુઈ લુમિયરે રજૂ કરેલી કુલ છ ફિલ્મ માંડ એક-એક મિનિટની જ હતી. આમ છતાં, ભારતમાં રજૂ કરાયેલી પહેલી ફિલ્મોની વાત આવે ત્યારે ફ્રાંસના લુમિયર બંધુઓને જ યાદ કરાય છે ને?

લુમિયર બંધુઓ, હીરાલાલ સેન યુવાનીમાં અને નીચેની તસવીરમાં (ડાબેથી પહેલા) ટેન્ટમાં બેસીને ફિલ્મ જોતા વૃદ્ધ હીરાલાલ સેન


લુમિયર બંધુઓ પાસે તો ફિલ્મ દર્શાવવા ટેક્નોલોજિકલ સપોર્ટ હતો અને બજેટનો પણ કોઈ પ્રશ્ન ન હતો, જ્યારે હીરાલાલ સેને ૧૮૯૭માં ટાંચા સાધનો અને મર્યાદિત બજેટમાં પહેલી ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલે કે, લુમિયર બંધુઓએ ભારતમાં પહેલી ફિલ્મ રજૂ કરી તેના એક જ વર્ષ પછી હીરાલાલે ફિલ્મ બનાવવાના ક્રાંતિકારી પ્રયોગ કર્યા હતા. આ સિવાય પણ તેમના નામે અનેક સિદ્ધિઓ બોલે છે. ક્યારેક તો હીરાલાલે ફક્ત ડોક્યુમેન્ટરી બનાવવાના હેતુથી ઐતિહાસિક ઘટનાઓના શોટ્સ લીધા હતા. ૧૯૦૧માં તેમણે બંગાળના વિખ્યાત ક્લાસિક થિયેટરના અનેક નાટકોના મહત્ત્વના દૃશ્યોનું  શૂટિંગ કરી લીધું હતું. ૧૯૦૩માં ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ પાંચમાનો દિલ્હીમાં ભવ્ય રાજ્યાભિષેક થયો, એ ઘટનાના પણ હીરાલાલે 'કોરોનેશન સેરેમની એન્ડ દરબાર' નામની ડોક્યુમેન્ટરી માટે શોટ્સ લીધા હતા.

૧૯૦૪માં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા કરવાનો નિર્ણય કર્યો તેના વિરોધમાં હજારો લોકોએ રેલી કાઢી હતી. અંગ્રેજોના આ નિર્ણય સામે બંગાળીઓનો ગુસ્સો દર્શાવવા હીરાલાલે બહુમાળી ઈમારત પર કેમેરા ગોઠવીને જંગી રેલીના દૃશ્યોનું શૂટિંગ કર્યું હતું. આ દરમિયાન બંગાળના ક્રાંતિકારી નેતા સુરેન્દ્રનાથ બેનરજીએ રેલીને સંબોધન કર્યું હતું. એ પ્રસંગની પણ હીરાલાલે વીડિયોગ્રાફી કરી હતી. આ નાનકડી ફિલ્મને ઈતિહાસકારો ભારતની પહેલી રાજકીય ડોક્યુમેન્ટરી ગણે છે. ૧૯૦૬માં બાળ ગંગાધર ટિળકે જાહેરમાં ગંગાસ્નાન કર્યું, એ દૃશ્યોનું શૂટિંગ કરીને પણ હીરાલાલે 'તિલક બાથિંગ એટ ધ ગંજીસ' નામે ડોક્યુમેન્ટરી બનાવી હતી. ૧૯૧૩માં તેમણે કુંભ મેળાના દૃશ્યોનું શૂટિંગ કરીને 'હિંદુ બાથિંગ ફેસ્ટિવલ એટ અલ્લાહાબાદ' નામની ડોક્યુમેન્ટરી બનાવી હતી.

***

હીરાલાલ સેન જમાનાથી કેટલા આગળ હતા એની વધુ એક સાબિતી તેમણે જાહેરખબર ક્ષેત્રે કરેલા પ્રયોગો પરથી મળે છે. તમે જબકુસુમ હેર ઓઈલનું નામ સાંભળ્યુ હશે! હીરાલાલે ૧૯૦૫માં આ હેર ઓઈલની એડવર્ટાઈઝ બનાવવા હુગલી નદીના કિનારે એક ભવ્ય બંગલૉમાં સેટ ડિઝાઈન કરાવ્યો હતો. એ જમાનામાં કોઈ પ્રોડક્ટની જાહેરખબર માટે ડિરેક્ટર સેટ ડિઝાઈન કરાવે એ પ્રયોગ જ નવતર હતો. એ જ વર્ષે તેમણે એડવર્ડ્'સ એન્ટિ મેલેરિયા ડ્રગની જાહેરખબર પણ બનાવી હતી. આટલા વર્ષો પહેલાં તેમણે દવા વેચવા અઠંગ એડગુરુ જેવી કમાલ કરી બતાવી હતી. આમ, દેશની પહેલી ફિલ્મ અને રાજકીય ડોક્યુમેન્ટરી જ નહીં, પહેલી એડવર્ટાઈઝમેન્ટ બનાવવાનો શ્રેય પણ હીરાલાલને જ જાય છે.

હીરાલાલ સેને ઉપયોગમાં લીધેલા કેમેરા, જે ફિલ્મ ઈતિહાસકાર અંજન બોઝના પરદાદા  અને
વિખ્યાત ફિલ્મ ડિસ્ટ્રિબ્યુશન કંપની અરોરા ફિલ્મ્સના સ્થાપક  અનાદિનાથ બોઝે ખરીદી લીધા હતા. 


ભારતીય સિનેમાના ઈતિહાસમાં હીરાલાલ સેનનું પ્રકરણ સુવર્ણ અક્ષરોમાં લખાવું જોઈએ, પરંતુ આજે સિનેમાના વિદ્યાર્થીઓ અને ઈતિહાસકારો સિવાય ભાગ્યે જ કોઈને તેમના વિશે પૂરતી જાણકારી છે. કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ૨૦૧૨થી તંબૂઓ ઊભા કરીને મૂંગી ફિલ્મો દર્શાવાય છે. ફિલ્મ રસિયા વીસમી સદીના માહોલનો અનુભવ કરી શકે માટે આ રીતે ફિલ્મો રજૂ કરાય છે. કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલે આ પ્લેટફોર્મને 'હીરાલાલ સેન મંચ' નામ આપ્યું છે. આ મહાન ફિલ્મ સર્જકને મળેલી સૌથી મોટી ઓળખ એટલે આ મંચ. આ સિવાય તેમના નામે કોઈ નાનો-મોટો એવોર્ડ કે પ્રમાણપત્ર સુદ્ધાં અપાતું નથી. આ વર્ષે દસમીથી ૧૭મી નવેમ્બર દરમિયાન યોજાયેલા ૨૪મા કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હીરાલાલ સેનની બાયોપિક 'હીરાલાલ' પણ પ્રદર્શિત થઈ. અરુણ રોયે બનાવેલી આ ફિલ્મ  બંગાળીમાં છે, પરંતુ આ ફિલ્મના કારણે હીરાલાલ સેને ભારતીય સિનેમાને કરેલું પ્રદાન ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યું છે.

***

હીરાલાલનો સિનેમા સાથેનો નાતો ખૂબ રસપ્રદ રીતે શરૂ થયો હતો. હીરાલાલનો જન્મ બીજી ઓગસ્ટ, ૧૮૬૬ના રોજ બંગાળના માણિકગંજ (હાલ બાંગ્લાદેશમાં) જિલ્લાના બાગજુરી ગામના જમીનદાર પરિવારમાં થયો હતો. તેમના જમીનદાર પિતા ચંદ્રમોહન સેન સફળ એડવોકેટ હતા. હીરાલાલને નાનપણથી જ પેઈન્ટિંગ અને સ્ટિલ ફોટોગ્રાફીમાં ભારે રસ હતો. જોકે, ફક્ત શ્રીમંતો અને અંગ્રેજો જ આવા મોંઘેરા શોખ રાખી શકતા હતા, અને, હીરાલાલ એ નસીબદારો પૈકીના એક હતા. ઈસ. ૧૮૮૭માં હીરાલાલે ભારતની સૌથી મોટી બુર્ન એન્ડ શેફર્ડ ફોટોગ્રાફી સ્પર્ધામાં ભાગ લઈને પ્રથમ મેડલ જીત્યો હતો. એ વખતે સ્ટિલ ફોટોગ્રાફીના સાધનોના સૌથી મોટા ડીલર તરીકે બુર્ન એન્ડ શેફર્ડ નામના ધરાવતી કંપની હતી.

કોલેજનો અભ્યાસ પૂરો કર્યો ત્યાં સુધી હીરાલાલ સ્ટિલ ફોટોગ્રાફીની સ્પર્ધાઓમાં કૌવત બતાવી ચૂક્યા હતા. આ દરમિયાન પ્રો. સ્ટિવન્સન નામના એક અંગ્રેજે કોલકાતાના સ્ટાર થિયેટરમાં 'ધ ફ્લાવર ઓફ પર્શિયા' નામની ફિલ્મનો શૉ યોજ્યો. એ શૉમાં હીરાલાલે પહેલીવાર ફિલ્મ જોઈ, અને, ફક્ત સ્ટિલ ફોટોગ્રાફી જાણતા હીરાલાલ 'મોશન પિક્ચર્સ' જોઈને જ ચોંકી ગયા. એ પછી તેમણે પણ અંગ્રેજી જર્નલોનો અભ્યાસ શરૂ કરીને પોતાનું 'ચલચિત્ર' બનાવવાનો પડકાર ઝીલી લીધો. એકસમાન શોખ ધરાવતા પ્રો. સ્ટિવન્સન અને હીરાલાલની દોસ્તી પણ જામી ગઈ. હીરાલાલે પ્રો. સ્ટિવન્સનના કેમેરા પર હાથ અજમાવવાનું શરૂ કર્યું અને તેમની ફિલ્મ 'ધ ફ્લાવર ઓફ પર્શિયા'માંથી થોડા દૃશ્યો લેવાની મંજૂરી પણ મેળવી લીધી.

કોલકાતાનું ઐતિહાસિક સ્ટાર થિયેટર, જ્યાં પ્રો. સ્ટિવન્સને યોજેયા શૉમાં
હીરાલાલ સેને પહેલીવાર ‘મોશન પિક્ચર’ જોયું હતું 


એ વર્ષ હતું, ૧૮૯૮. એ વર્ષે હીરાલાલે પ્રો. સ્ટિવન્સનની ફિલ્મમાંથી થોડા દૃશ્યો લઈને પોતાની પહેલી ફિલ્મ રજૂ કરી, 'ડાન્સિંગ સીન્સ ફ્રોમ ધ ફ્લાવર ઓફ પર્શિયા'. આઈએમડીબીએ પણ હીરાલાલની પહેલી ફિલ્મ તરીકે આ જ ફિલ્મની નોંધ કરી છે. એ પછી હીરાલાલે લંડનની વૉરવિક ટ્રેડિંગ કંપનીમાંથી સિનેમેટોગ્રાફ મશીન મંગાવ્યું. એ મશીન ખરીદવા હીરાલાલના પિતાએ એ જમાનામાં પુત્રને રૂ. પાંચ હજાર આપ્યા હતા. બંગાળમાં કળા અને સાહિત્ય ક્ષેત્રે આવેલી ક્રાંતિથી પ્રભાવિત એવા ચંદ્રમોહન સેનને પોતાનો પુત્ર સિનેમાની કળામાં રસ લે એમાં વાંધો ન હતો. ત્યાર પછી હીરાલાલે તેમના ભાઈ મોતીલાલ સેન સાથે રોયલ બાયોસ્કોપ કંપની શરૂ કરી. એ વળી ભારતની પહેલી ફિલ્મ કંપની ગણાય છે. આ કંપનીના બેનર હેઠળ તેઓ અમુક સેકન્ડની ફિલ્મો બનાવતા તેમજ યુરોપથી ફિલ્મો આયાત કરીને શ્રીમંતોની પાર્ટીઓ-લગ્નોમાં શૉ કરીને કમાણી કરતા.

***

એ જમાનામાં બંગાળના ફક્ત બે જ વિસ્તારમાં વીજળી પહોંચતી, હાવરા બ્રિજ અને મૈદાન. આ વિસ્તારોમાં પણ સતત વીજળી મળતી નહીં, એટલે હીરાલાલ ચુના અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા કરીને ફિલ્મના પડદામાં ઉજાસ લાવતા. આ કામમાં તેમને કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કોલેજના ફાધર ઈ. જે. લેફોન્ટે મદદ કરી હતી. ફાધર લેફોન્ટ વિદ્યાર્થીઓના ક્લાસ લેતી વખતે ફોનોગ્રાફ અને ચુના પર પ્રક્રિયા કરીને જલાવેલા ફાનસનો ઉપયોગ કરતા. જે જમાનામાં અમુક સેકન્ડોની ફિલ્મ રિલીઝ કરવી મોટી સિદ્ધિ ગણાતી, એ સમયે હીરાલાલે સિનેમા ક્ષેત્રે ઈનોવેશન કર્યા હતા. હીરાલાલ ખરા અર્થમાં સર્જક હતા. તેમણે એકાદ-બે ફિલ્મો બનાવીને સંતોષ માનવાના બદલે રંગભૂમિ અને રાજકીય ઘટનાઓનું શૂટિંગ કરી લીધું હતું એ વાત જ કેટલી રોમાંચક છે! હીરાલાલે એક જગ્યાએ કેમેરા ફિક્સ કરીને શૂટિંગ કરવાના બદલે ક્લોઝ અપ, પેનિંગ અને ટિલ્ટ જેવી ટેક્નિક્સથી શૂટિંગ કર્યું હતું.

હીરાલાલ સેનની બાયોપિક બનાવનારા (ક્લોકવાઈઝ) અરુણ રોય, મુખ્ય ભૂમિકામાં બંગાળી અભિનેતા કિંજલ નંદા
અને ગુજરાતી પારસી ફિલ્મ ઉદ્યોગસાહસિક જમશેદજી ફરામજી માદનની ભૂમિકામાં શાશ્વત ચેટરજી 

જોકે, હીરાલાલ નાની ઉંમરમાં જ ગળાના કેન્સરનો ભોગ બન્યા હતા. એ પછી ૧૯૧૩માં રોયલ બાયોસ્કોપ કંપનીએ નાદારી નોંધાવી, અને, હીરાલાલે કેમેરા સહિતના બધા જ સાધનો વેચી દીધા. ત્યાર પછી ૨૪મી ઓક્ટોબર, ૧૯૧૭ના રોજ હીરાલાલને સમાચાર મળ્યા કે, પશ્ચિમ બંગાળના ચિતપુરમાં આવેલા તેમના ભાઈના ગોડાઉનમાં આગ ફાટી નીકળી છે. એ ગોડાઉનમાં હીરાલાલે બનાવેલી બધી જ ફિલ્મોની પ્રિન્ટ બળીને ખાક થઈ ગઈ હતી. કદાચ આ જ કારણસર તેઓ ઈતિહાસમાં ગૂમનામ થઈ ગયા. આ ઘટનાના થોડા સમય પછી તેમનું પણ મૃત્યુ થઈ ગયું.

આશા રાખીએ કે, હીરાલાલની બાયોપિક હિન્દી સહિતની બીજી ભાષાઓમાં પણ રિલીઝ થાય અને આ મહાન ફિલ્મ સર્જકે ભારતીય સિનેમા માટે કરેલા પ્રદાનની જાણકારી વધુને વધુ લોકો સુધી પહોંચે!

નોંધઃ 

- હીરાલાલની ફિલ્મો બળી ગઈ એ માટે અરુણ રોયે ‘હીરાલાલ’માં જમશેદજી ફરામજી માદન જવાબદાર  હોવાનો સંકેત આપ્યો છે. આ વિશેના કોઈ સત્તાવાર પુરાવા નથી, પરંતુ ઐતિહાસિક તવારીખના આધારે  ફક્ત શંકાના આધારે તેમણે ફિલ્મમાં જમશેદજીને વિલન બતાવ્યા છે. 

- પશ્ચિમ બંગાળની વિખ્યાત ફૂટબોલ ક્લબ મોહન બાગાને ૧૯૧૧માં પહેલીવાર અંગ્રેજોની ઈસ્ટ યોર્કશાયર ફૂટબોલ ટીમને હરાવી હતી. એ મેચથી ફૂટબોલની રમતમાં અંગ્રેજોની જીતની અતૂટ પરંપરા તૂટી હતી. આ ઘટનાને કેન્દ્રમાં રાખીને પણ અરુણ રોયે ‘ઈગારો’ (એટલે અગિયાર) નામની બંગાળી ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ યૂ-ટ્યૂબ પર જોઈ શકાય છે. 

18 September, 2018

નીલ આર્મસ્ટ્રોંગની મુંબઈ અને વાયા જયપુર દિલ્હી મુલાકાત


આ કમનસીબ ઘટના છે. અમેરિકાએ મેળવેલી એ સિદ્ધિ માટે જાણે તેઓ શરમ અનુભવી રહ્યા છે. આ તો ભયંકર બાબત કહેવાય. તમે નીલ આર્મસ્ટ્રોંગ અથવા ચંદ્ર પર એપોલો ૧૧એ ઉતરાણ કર્યું એ વાત યાદ કરો એટલે તમારા મગજમાં અમેરિકાનો ઝંડો આવવો જ જોઈએ. આ જ કારણથી હું એ ફિલ્મ નહીં જોઉં...

‘ફર્સ્ટ મેન’માં આર્મસ્ટ્રોંગની ભૂમિકામાં રયાન ગોસલિંગ

નિવેદન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું છે. ચંદ્રની ધરતી પર જનારા પહેલા માનવી નીલ આર્મસ્ટ્રોંગના જીવન પર આધારિત 'ફર્સ્ટ મેન' ફિલ્મના વિરોધમાં તેમણે આ જાહેરાત કરી હતી. 'ફર્સ્ટ મેન' હજુ અમેરિકામાં રિલીઝ પણ નથી થઈ, ૧૨મી ઓક્ટોબરે થવાની છે. વાત એમ છે કે, ૨૯મી ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં 'ફર્સ્ટ મેન' પ્રદર્શિત કરાઈ અને કેટલાક વિવેચકોએ વાંધો ઉઠાવ્યો કે, નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્રની ધરતી પર અમેરિકાનો ધ્વજ ફરકાવતા હોય એ દૃશ્ય ફિલ્મમાં હોવું જ જોઈએ, પણ નથી! આ વાતથી અનેક અમેરિકનોની લાગણી દુભાઈ. એ પછી ફિલ્મનો વિરોધ કરવા અનેક લોકોએ, નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્રની ધરતી પર અમેરિકન ઝંડો ફરકાવતા હોય, એવી તસવીરો સોશિયલ મીડિયામાં અપલોડ કરવાનું શરૂ કર્યું. ટ્વિટર પર 'પ્રાઉડ ટુ બી એન અમેરિકન', 'એપોલો ૧૧', 'રોડ ટુ એપોલો ૫૦', 'જુલાઈ ૧૯૬૯', 'ઓનર' અને 'વન નેશન' જેવા હેશટેગનો ટ્રેન્ડ શરૂ થયો અને નીલ આર્મસ્ટ્રોંગની સિદ્ધિઓ વિશે ફરી એકવાર ચર્ચા છેડાઈ.

***

આ ફિલ્મ હજુ ભારતમાં રિલીઝ થઈ નથી, પરંતુ આપણે નીલ આર્મસ્ટ્રોંગે ભારતની મુલાકાત લીધી હતી એ વિશે એક-બે ઐતિહાસિક ઘટના યાદ કરીએ. 

૨૬મી ઓક્ટોબર, ૧૯૬૯ના રોજ નીલ આર્મસ્ટ્રોંગ, બઝ ઑલ્ડરિન અને માઈકલ કોલિન્સ વ્હાઈટ હાઉસના એક ખાસ વિમાનમાં મુંબઈની મુલાકાતે આવ્યા હતા. બપોરે આશરે ૨:૪૫ વાગ્યે તેમના વિમાને મુંબઈ એરપોર્ટ પર ઉતરાણ કર્યું ત્યારે મુંબઈ એરપોર્ટ પર વીસેક હજાર લોકો તેમને જોવા ઊમટી પડ્યા હતા. આર્મસ્ટ્રોંગ પછી ચંદ્રની ધરતી પર પગ મૂકનારા બીજા માણસ હતા, બઝ ઑલ્ડરિન. આર્મસ્ટ્રોંગ અને ઑલ્ડરિને ચંદ્ર પર બે કલાક અને એક મિનિટનો સમય વીતાવ્યો હતો. એ વખતે માઈકલ કોલિન્સે ચંદ્ર પર પાર્ક કરેલા અવકાશયાનનું સુકાન સંભાળ્યું હતું. મુંબઈમાં આ ત્રણેય અવકાશયાત્રીના સ્વાગતની જવાબદારી અમેરિકાના ભારતસ્થિત રાજદૂત કેનેથ કિટિંગને સોંપાઈ હતી. સુરક્ષાના પ્રશ્નો અત્યંત જટિલ હતા. અમેરિકા અને રશિયા વચ્ચે અવકાશી સિદ્ધિઓ મેળવવા ગળાકાપ હરીફાઈ ચાલી રહી હતી. અવકાશયાત્રીઓનું અપહરણ થઈ જવાનો પણ અમેરિકાને ડર હતો.


નીલ આર્મસ્ટ્રોંગ, બઝ ઑલ્ડરિન અને માઈકલ કોલિન્સ
અવકાશયાત્રીઓને ખુલ્લી કારમાં બેસાડીને મુંબઈમાં હોટેલ તાજ સુધી લઈ જવાયા
એ ‘લાઈફ’ મેગેઝિનની આર્કાઈવમાંથી લીધેલી દુર્લભ તસવીર

આ પ્રકારના જોખમો વચ્ચે પણ અમેરિકન પ્રમુખ રિચર્ડ નિક્સને ત્રણેય અવકાશયાત્રીને વિશ્વ પ્રવાસે મોકલવાનો નિર્ણય લીધો હતો. નિક્સન ઈચ્છતા હતા કે, અમેરિકાએ અવકાશ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓથી દુનિયા વાકેફ થાય. નિક્સન રશિયનોને બતાવી દેવા માંગતા હતા કે, અવકાશ ક્ષેત્રે અમેરિકા સામે તમારો ગજ વાગી શકે એમ નથી. આ અવકાશયાત્રીઓ મુંબઈ આવતા પહેલાં દુનિયાના ૧૯ દેશનો પ્રવાસ કરી ચૂક્યા હતા. મુંબઈ એરપોર્ટ પરથી બહાર નીકળતા જ આર્મસ્ટ્રોંગ સહિત ત્રણેય અવકાશયાત્રીને ખુલ્લી કારમાં બેસાડીને માહિમ, પ્રભાદેવી, વરલી નાકા, હાજી અલી, કેમ્પ્સ કોર્નર, ચોપાટી, મરીન ડ્રાઈવ અને આઝાદ મેદાન થઈને હોટેલ તાજ લઈ જવાયા. રોડ શૉમાં આશરે દસ લાખ ભારતીયોએ ત્રણેય અવકાશયાત્રીનું અભિવાદન કર્યું, જેમાં ભારતના પરમાણુ બોમ્બના પિતામહ્ ગણાતા રાજા રામન્ના અને તેમના પુત્રી નિરુપા પણ સામેલ હતા. એ જ દિવસે સાંજે ટાટા ઈન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં રામન્ના અને આર્મસ્ટ્રોંગની મુલાકાત થઈ. એ વખતે એટમિક કમિશનના અધ્યક્ષ વિક્રમ સારાભાઈ હતા. તેમણે આર્મસ્ટ્રોંગને હાથીની મૂર્તિ ભેટમાં આપી હતી.

તત્કાલીન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી આ પ્રકારનો મેગા શૉ રાજધાની દિલ્હીમાં થાય એમ ઈચ્છતા હતા, પરંતુ કદાચ અમેરિકાએ સુરક્ષાના કારણસર મુંબઈને પસંદ કર્યું હતું. મુંબઈ મુલાકાત પછી ત્રણેય અવકાશયાત્રીએ દિલ્હીની ઊડતી મુલાકાત લીધી હતી. એ પહેલાં બીજી પણ એક રસપ્રદ ઘટના બની. આ ત્રણેય અવકાશયાત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમેરિકા તેમના પ્રવાસનું ચોક્કસ આયોજન જ નહોતું કર્યું. વિશ્વના અનેક દેશોના સરકારી મહેમાન તરીકે જવાનું હોવા છતાં અમેરિકા છેલ્લી ઘડીએ તેમના પ્રવાસની તારીખો, સમય અને સ્થળ બદલી નાંખતુ. આ કારણસર તેઓ મુંબઈ પણ એક દિવસ વહેલા પહોંચ્યા હતા. મુંબઈની મહેમાનગતિ માણ્યા પછી ત્રણેય અવકાશયાત્રીને એક જ વિમાનમાં બેસીને દિલ્હીથી બીજા કોઈ દેશના પ્રવાસે જવાનું હતું. જોકે, અમેરિકાએ એ યોજના રદ કરી અને ત્રણેયને એક દિવસ રાજસ્થાન મોકલીને જયપુર રોકાવાની વ્યવસ્થા કરી.


ઓમકારસિંઘની (જમણે) ડેવિડ રોજર્સ અને નીલ આર્મસ્ટ્રોંગ સાથે
તેમના ઘરની દીવાલ પર શોભતી તસવીર (સૌજન્યઃ સંગીતા પ્રવીણેન્દ્ર)
રાજસ્થાનના એક ખેતરમાં (વચ્ચે ડાર્ક ટી-શર્ટમાં )  નીલ આર્મસ્ટ્રોંગ
(સૌજન્યઃ અમેરિકન દૂતાવાસ, દિલ્હી)

આ દરમિયાન જયપુરમાં એક આઈએએસ અધિકારીને આર્મસ્ટ્રોંગ સાથે 'ક્વૉલિટી ટાઈમ' વીતાવવાની તક મળી હતી. એ સરકારી અધિકારી એટલે રાજસ્થાન કૃષિ વિભાગના તત્કાલીન ઉપ સચિવ ઓમકારસિંઘ ઠાકુર. અત્યારે તેમની ઉંમર ૯૮ વર્ષ છે, પરંતુ યાદશક્તિ એટલી મજબૂત છે કે આર્મસ્ટ્રોંગ સાથેની મુલાકાત વિશે તેઓ મીડિયાકર્મી સાથે વિગતવાર વાત કરી શકે છે. ઓમકાર સિંહ અને આર્મસ્ટ્રોંગની મુલાકાત રસપ્રદ રીતે થઈ હતી. એ જમાનામાં અમેરિકાએ વિકાસશીલ દેશોમાં ખેતી, પશુપાલન અને માછીમારી જેવા ઉદ્યોગો વિશે જાગૃતિ ફેલાવવાનું કામ શરૂ કર્યું હતું. પીસ કોર્પ્સ નામની સંસ્થાની મદદથી અમેરિકા રાજસ્થાનમાં પણ આ કામ કરતું હતું. રાજસ્થાનના વિવિધ જિલ્લામાં પીસ કોર્પ્સના ૧૧ કાર્યકર હતા, જેમના વડા બ્રેડમેન નામના એક અમેરિકન હતા. બ્રેડમેને જ ઓમકારસિંઘને ફોન કરીને કહ્યું હતું કે, સાંજે તૈયાર રહેજો, એક ખાસ મહેમાનને મળવાનું છે. એ મહેમાન કોણ એ બ્રેડમેન કહેવા નહોતા માંગતા, પરંતુ ઓમકારસિંઘની જિદ સામે તેઓ ઝૂકી ગયા. નીલ આર્મસ્ટ્રોંગનું નામ સાંભળતા જ ઓમકારસિંઘ ચોંક્યા. તેમણે બ્રેડમેનને તુરંત જ પૂછ્યું કે, આ વિશે કોણ જાણે છે? બ્રેડમેને કહ્યું: કોઈ નહીં, તમે પણ કોઈને ના કહેતા...

જોકે, આર્મસ્ટ્રોંગને ગૂપચૂપ મળવાના સપનાં જોતા ઓમકારસિંઘ એક વાતથી પરેશાન હતા. આર્મસ્ટ્રોંગ સરકારી મહેમાન હતા અને પોતે ઉચ્ચ સરકારી અધિકારી. એટલે જ્યાં સુધી રાજસ્થાનના તત્કાલીન મુખ્ય મંત્રી મોહનલાલ સુખડિયા કે તેમના મુખ્ય સચિવનું આમંત્રણ ના મળે ત્યાં સુધી આર્મસ્ટ્રોંગને મળી ના શકે. ચાલાક બ્રેડમેને તેનો પણ રસ્તો કાઢ્યો. બ્રેડમેને આર્મસ્ટ્રોંગ સાથેની મુલાકાત માટે પોતાનું ઘર પસંદ કર્યું અને નક્કી કર્યું કે, મુખ્ય મંત્રી અને મુખ્ય સચિવ સાથે આર્મસ્ટ્રોંગની ઉડતી મુલાકાત કરાવીને વિદાય કરી દેવા અને ત્યાર પછી ઓમકારસિંઘને બોલાવીને શાંતિથી વાતો કરવી. આ યોજના ધાર્યા પ્રમાણે સફળ રહી. મોહનલાલ સુખડિયા આર્મસ્ટ્રોંગ સાથે થોડો સમય વીતાવીને નીકળી ગયા અને મુખ્ય સચિવ રાજસ્થાનમાં હાજર નહીં હોવાથી આવી ન શક્યા. 

મુલાકાતમાં બ્રેડમેને પીસ કોર્પ્સ-તહેરાનના વડા ડેવિડ રોજર્સને પણ સામેલ કર્યા હતા. આર્મસ્ટ્રોંગ અમેરિકાથી પોતાની સાથે બર્બન વ્હિસ્કી લાવ્યા હતા. આર્મસ્ટ્રોંગ સાથે બ્રેડમેન, ઓમકારસિંઘ અને રોજર્સે ગપ્પા મારવાનું શરૂ કર્યું. આ દરમિયાન બીજા પણ કેટલાક મહેમાનો હતા, જે બધા સામે બ્રેડમેનના પત્નીએ કથ્થક નૃત્ય રજૂ કર્યું. તેઓ જયપુર ઘરાનાના વિદ્યાર્થિની હતા. એ નૃત્ય જોઈને આર્મસ્ટ્રોંગ ખુશખુશાલ થઈ ગયા હતા. અહીં એ સવાલ થવો સ્વાભાવિક છે કે, આર્મસ્ટ્રોંગ જેવા 'સેલિબ્રિટી' અવકાશયાત્રી પીસ કોર્પ્સના અધિકારી બ્રેડમેનનું અને બ્રેડમેન ઓમકારસિંઘનું આટલું સન્માન કેમ કરતા હતા? રસપ્રદ વાત એ છે કે, આર્મસ્ટ્રોંગ પણ એક સમયે પીસ કોર્પ્સ’માં કામ કરતા હતા અને તેથી ભારતમાં ચાલતી વિવિધ કૃષિલક્ષી યોજનાઓમાં તેમને ખાસ રસ હતો, જ્યારે બ્રેડમેન અને ઓમકારસિંઘ ખાસ મિત્રો હતા. ઓમકારસિંઘ પહેલાંના કૃષિ સચિવ સાથે બ્રેડમેનને જામતું નહી, યોજનાઓ અટવાઈ જતી, પરંતુ ઓમકારસિંઘના હકારાત્મક વલણથી બ્રેડમેન ખુશ હતા. 
ઈન્દિરા ગાંધી સાથે નીલ આર્મસ્ટ્રોંગ

જયપુરમાં ઓમકારસિંઘ સાથે બહુ બધી વાતો કર્યા પછી આર્મસ્ટ્રોંગની જયપુર જોવાની પણ ઈચ્છા હતી, જે પૂરી ના થઈ. તેમણે એ જ દિવસે દિલ્હી જવા નીકળવું પડ્યુંઓમરકારસિંઘે પાછલી જિંદગીમાં બે વાર અમેરિકાની મુલાકાતે ગયા, પરંતુ આર્મસ્ટ્રોંગને એક પણ વાર મળી ના શક્યા. અમેરિકાની બીજી મુલાકાત વખતે ઓમકારસિંઘે વૉશિંગ્ટન મ્યુઝિયમની મુલાકાત લઈને સંતોષ માન્યો હતો, જ્યાં આજેય એપોલો- પ્રદર્શિત કરાયેલું છે, જેમાં બેસીને આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ગયા હતા. 

આર્મસ્ટ્રોંગની સેન્સ ઓફ હ્યુમર કેટલી તેજ હતી, એ વાતની સાબિતી આપતો એક કિસ્સો જોઈએ. દિલ્હીમાં આર્મસ્ટ્રોંગની મુલાકાત વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી અને વિદેશ મંત્રી નટવર સિંઘ સાથે થઈ. આ મુલાકાત વખતે નટવર સિંઘે વાતવાતમાં આર્મસ્ટ્રોંગને કહ્યું કે, ૨૦મી જુલાઈ, ૧૯૬૯ના રોજ તમે ચંદ્રની ધરતી પર ઉતરાણ કરવાના હતા એ દૃશ્ય જોવા અમારા 'મેડમ' પરોઢિયે સાડા ચાર વાગ્યા સુધી જાગ્યા હતા. આ વાત સાંભળીને આર્મસ્ટ્રોંગે સિક્સર ફટકારતા કહ્યું કે, 'તમને તકલીફ પડી એ બદલ મેડમ પ્રાઈમ મિનિસ્ટર હું તમારી માફી માંગુ છું. હવે બીજી વાર ચંદ્ર પર જઈએ ત્યારે અમે પૃથ્વી પરના સમયને ધ્યાનમાં રાખીશું.' ૨૫મી ઓગસ્ટ, ૨૦૧૨ના રોજ નીલ આર્મસ્ટ્રોંગ (જન્મઃ પાંચમી ઓગસ્ટ, ૧૯૩૦) નું અવસાન થયા પછી ખુદ નટવરસિંઘે આ વાત કરી હતી.

આ મહાન અવકાશયાત્રીએ પાછલી જિંદગી ઓહાયોમાં એક ફાર્મ ખરીદીને પશુપાલન કરવામાં વીતાવી હતી. એ સિવાય તેઓ ફક્ત શિક્ષણ ક્ષેત્રમાં રસ લેતા. નીલ આર્મસ્ટ્રોંગે નવેમ્બર ૧૯૭૦માં પણ ફરી એકવાર દિલ્હીની મુલાકાત લીધી હતી. એ વખતે તેમણે બલૂનિંગ ક્લબ ઓફ ઈન્ડિયાનું ઉદ્ઘાટન કર્યું હતું. એ પછી નવેમ્બર ૧૯૯૫માં તેઓ છેલ્લીવાર ભારતમાં મુંબઈના મહેમાન બન્યા હતા. 

25 June, 2018

ઉ. કોરિયા : કિડનેપિંગ, ફિલ્મ ઓર ધોખા


અત્યાર સુધી દુનિયાના અનેક દેશોના વડાઓએ સિંગાપોરની મુલાકાત લીધી હશે, પરંતુ ઈતિહાસમાં આજ સુધી ક્યારેય કોઈ નેતાને આવકારવા સિંગાપોરની ગલીઓમાં આટલા લોકો જમા નથી થયા. આપણા મહાન નેતાને આદર આપવા લોકો રસ્તા પર ઊભરાઈ રહ્યા છે. આપણા પૂજનીય નેતા તેમની અસામાન્ય રાજકીય કુનેહથી જટિલ વૈશ્વિક રાજકારણને યોગ્ય દિશામાં લઇ જઇ રહ્યા છે...

પ્રશંસાથી ફાટ-ફાટ થઇ રહેલા શબ્દો ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન માટે કહેવાયા છે. ઉત્તર કોરિયાએ પોતાના 'મહાન' નેતા અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની 'ઐતિહાસિક' મુલાકાત વિશે ૪૨ મિનિટની ડોક્યુમેન્ટ્રી બનાવી છે. કોરિયન સેન્ટ્રલ ટેલિવિઝને બનાવેલી આ શોર્ટ ફિલ્મમાં કિમ જોંગ ઉનના એટલા બધા વખાણ કરાયા છે કે, 'ખુશામત' શબ્દ પણ ઓછો પડે. મૂળ કોરિયન વોઇસ ઓવરમાં બનાવેલી આ ફિલ્મ યૂ ટ્યૂબ પર અંગ્રેજીમાં પણ જોવા મળે છે. તેમાં કિમ જોંગ ઉનને 'વેરી ટેલેન્ટેડ' કહેનારા ટ્રમ્પને પણ 'કુશળ' નેતા તરીકે રજૂ કરાયા છે. ચીવટપૂર્વક એડિટ કરાયેલી આ ફિલ્મમાં કિમ જોંગ ઉન બોલતા હોય ત્યારે ટ્રમ્પ ધ્યાનથી સાંભળતા હોય અને ક્યારેક હકારમાં માથું હલાવતા હોય એવા ‘રમૂજી’ દૃશ્યો પણ જોવા મળે છે.



એક સમયે કિમ જોંગને 'રોકેટ મેન' કહીને ઉત્તર કોરિયાને ખેદાનમેદાન કરી નાંખવાની ધમકી આપનારા ટ્રમ્પ માટે હવે તેઓ 'રોક સ્ટાર' કહે છે. એવી જ રીતે, ટ્રમ્પને 'માનસિક રીતે વિકૃત અમેરિકન ડોસો' કહેનારા કિમ જોંગ માટે ટ્રમ્પ હવે 'રિસ્પેક્ટેબલ ફ્રેન્ડ' છે.

***

કિમ જોંગ ઉનને ફિલ્મોનું વળગણ વારસામાં મળ્યું છે. તેમના પિતા કિમ જોંગ ઇલે ઉત્તર કોરિયાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા એવું પરાક્રમ કર્યું હતું, જે આજેય ઉત્તર કોરિયાના સરમુખત્યારશાહી ઈતિહાસનું સૌથી બદનામ પ્રકરણ છે. વિગતે વાત કરીએ. 

સિત્તેરના દાયકામાં ઉત્તર કોરિયાના સર્વસત્તાધીશ નેતા કિમ ઇલ સંગ હતા. ૧૯૪૮માં ઉત્તર કોરિયાનું સર્જન થયું ત્યારથી તેઓ ઉત્તર કોરિયામાં 'રાજ' કરી રહ્યા હતા. કિમ ઇલ સંગ ચાર દાયકાથી પણ વધુ સમય સુધી સર્વોચ્ચ પદે રહીને શાસન કરનારા વિશ્વના એકમાત્ર બિન-રાજવી (નોન-રોયલ) નેતા છે. કિમ ઇલ સંગે બે લગ્ન કર્યા હતા, જે થકી તેમને છ સંતાન હતા. આ સંતાનોમાં સૌથી મોટા અને અત્યંત મહત્ત્વાકાંક્ષી પુત્ર કિમ જોંગ ઇલની ઉત્તર કોરિયામાં ફેં ફાટતી હતી. કિમ જોંગ ઇલે ૧૯માં ફક્ત ૨૫ વર્ષની ઉંમરે જ પિતાની મંજૂરીથી ઉત્તર કોરિયાનું સૌથી મહત્ત્વનું ગણાતું પ્રોપેગેન્ડા એન્ડ એજિટેશન ડિપાર્ટમેન્ટ (બોલો, ત્યાં આવું પણ સત્તાવાર ખાતું છે) સંભાળી લીધું હતું. આ વિભાગ હેઠળ ઉત્તર કોરિયાની સરકાર ફિલ્મો, નાટકો અને પુસ્તક પ્રકાશન કરીને લોકોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રવાદનું તત્ત્વ જળવાઈ રહે તેનું બરાબર ધ્યાન રાખતી.

૧૯૪૮માં ઉત્તર કોરિયાની રચના થઇ ત્યારથી ૧૯૯૪ સુધી મૃત્યુપર્યંત
શાસન કરનારા કિમ ઇલ  સંગ (ડાબે) અને તેમના પુત્ર કિમ જોંગ ઇલ

આ વિભાગનું કામ હાથમાં લેતા જ કિમ જોંગ ઇલના શેતાની દિમાગમાં એક વિચાર ઝબક્યો. કિમ જોંગ ઇલ ઉત્તર કોરિયાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવવા ઈચ્છતો હતો. એ માટે તેને સિનેમાની આર્ટ અને બિઝનેસનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા ફિલ્મ સર્જકોની જરૂર હતી. પાડોશી દેશ દક્ષિણ કોરિયા દુનિયા સાથે જોડાયેલું હોવાથી ત્યાં ખૂબ સારી ફિલ્મો બનતી અને દુનિયાભરમાં વખણાતી પણ ખરી. સિનેમાનું બહોળું જ્ઞાન ધરાવતા કિમ જોંગ ઇલને આ વાત ખૂબ જ ખૂંચતી. તેની પાસે હોલિવૂડ અને હોંગકોંગની વીસેક હજાર ફિલ્મોનું કલેક્શન હતું. શોન કોનેરી અને એલિઝાબેથ ટેલર તેના પ્રિય કલાકારો હતા. ૧૯૭૩માં તેણે 'આર્ટ ઓફ સિનેમા' નામનું પુસ્તક પણ લખ્યું હતું. કિમ જોંગ ઇલના પુત્ર કિમ જોંગ ઉન આજેય આ પુસ્તકમાં રજૂ કરાયેલી 'પ્રચારની થિયરી'નો કલા અને સિનેમા ક્ષેત્રે ચુસ્ત અમલ કરે છે.

એ વર્ષોમાં દક્ષિણ કોરિયામાં શીન સાંગ-ઓક સૌથી પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર હતા. અગાઉ તેમણે ચોઇ ઇયુન-હી ઉર્ફ મેડમ ચોઇ નામની દક્ષિણ કોરિયાની અભિનેત્રી સાથે લગ્ન કર્યા હતા. કોરિયન ઉપખંડ, હોંગકોંગ અને ચીન જેવા દેશોમાં પણ તે સૌથી ગ્લેમરસ દંપતિ ગણાતું. આ દંપતિએ શીન સ્ટુડિયો હેઠળ બનાવેલી અનેક ફિલ્મો દક્ષિણ કોરિયામાં અને દુનિયાભરના ફિલ્મ ફેસ્ટિવલોમાં વખણાઈ હતી. જોકે, ૧૯૭૬માં શીન સાંગ-ઓકના અન્ય એક અભિનેત્રી સાથેના સંબંધથી બે બાળક હોવાની વાત બહાર આવતા ચોઇએ તેમની સાથે છૂટાછેડા લઇ લીધા હતા.

કિમ જોંગ ઇલે મનોમન નક્કી કર્યું કે, આ બંનેનું અપહરણ કરીને ઉત્તર કોરિયા લઇ આવીએ તો આપણે પણ ઉત્તમ ફિલ્મો બનાવી શકીએ. કિમ જોંગ ઇલના આદેશ પ્રમાણે ઉત્તર કોરિયાના જાસૂસોએ ૨૨મી જાન્યુઆરી, ૧૯૭૮ના રોજ હોંગકોંગના રિપલ્સ બે એરિયામાંથી ચોઇનું અપહરણ કરી લીધું. ચોઇ અચાનક ગાયબ થઇ જતાં હોબાળો મચી ગયો, પરંતુ કોઈ જાણતું ન હતું કે તેઓ ક્યાં છે. કિમ જોંગ ઇલે ચોઇને ઉત્તર કોરિયાના દરિયા કિનારાના નામ્પો શહેરમાં લાવવાનો હુકમ કર્યો હતો. નામ્પોમાં ચોઇને એક ભવ્ય વિલામાં બંદી બનાવી લેવાયા, પરંતુ તેમને એક અભિનેત્રીને છાજે એવી તમામ સુખસુવિધા અપાઈ.

કિમ જોંગ ઇલ વૃદ્ધાવસ્થામાં પોતાના પુત્ર અને ઉત્તર કોરિયાના
વર્તમાન શાસક કિમ જોંગ ઉન સાથે

ચોઇ તો કોરિયાની લોકસંસ્કૃતિ, ઇતિહાસ અને ભૂગોળથી સારી રીતે વાકેફ હતા જ, પરંતુ કિમ જોંગ ઇલની આગેવાનીમાં તેમને સમગ્ર ઉત્તર કોરિયાનો પ્રવાસ કરાવાયો. રાજધાની પ્યોંગયાંગના સ્મારકો, મ્યુઝિયમો અને અન્ય મહત્ત્વના સ્થળો બતાવાયા. કિમ જોંગ ઇલે પોતાના પિતા અને ઉત્તર કોરિયાના તત્કાલીન સર્વસત્તાધીશ કિમ ઇલ સંગની સિદ્ધિઓનું જ્ઞાન આપવા ચોઇ માટે એક ખાસ શિક્ષકની નિમણૂક કરી. કિમ જોંગ ઇલ ચોઇને અવારનવાર ફૂલો, બ્રાન્ડેડ કોસ્મેટિક્સ અને જાપાનીઝ લોન્જરી મોકલતો અને હાઇફાઇ પાર્ટી યોજે ત્યારે 'આઇ કેન્ડી' તરીકે તેને સાથે રાખતો. એટલું જ નહીં, ચોઇ ઉત્તર કોરિયા માટે સારામાં સારી ફિલ્મો બનાવશે એવી આશામાં ફિલ્મ, મ્યુઝિક શૉ અને ઓપેરા જોવા પણ લઇ જતો.

શીન સાંગ-ઓકે પણ ચોઇને શોધવાના પ્રયાસ કર્યા, પરંતુ તેમનો પતો ન મળ્યો. થોડા સમય પછી શીન સાંગ-ઓકના શીન સ્ટુડિયોનું લાયસન્સ પણ રદ થઇ ગયું. આ સ્થિતિમાં તેમણે દુનિયાના ઘણાં દેશોમાં ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો, જેથી તેઓ રેસિડન્ટ વિઝા લઇને સ્થાયી થઇ શકે. એ પછી શીને પણ બીજા લગ્ન કરી લીધા. આ રીતે છ મહિના વીતી ગયા. આ દરમિયાન શીન પણ કોઈ કામ માટે હોંગકોંગ ગયા અને કિમ જોંગ ઇલે તેમનું પણ અપહરણ કરાવી લીધું. શીનને ચોઇની જેમ ભવ્ય વિલામાં રહેવાની વ્યવસ્થા કરીને ફિલ્મો બનાવવાનો હુકમ કરાયો. જોકે, નજરકેદમાં રહીને ફિલ્મ બનાવવાની તેમણે ચોખ્ખી ના પાડી અને બે વાર ભાગવાનો પણ પ્રયાસ કર્યો. આ કારણસર કિમ જોંગ ઇલે તેમને બે વર્ષથી વધુ સમય જેલમાં ધકેલી દીધા હતા.

કિમ જોંગ ઇલ (ડાબે)ની સાથે ચોઇ ઇયુન-હી અને શીન સાંગ-ઓક

કિમ જોંગ ઇલે જેલમાં જ શીન સાંગ-ઓકને 'ઉત્તર કોરિયાના મૂલ્યો'ની તાલીમ આપવાની વ્યવસ્થા કરી. શીનને ધીરજપૂર્વક સમજાવવામાં આવ્યું કે, તેમનું અપહરણ કરીને ઉત્તર કોરિયા કેમ લાવવામાં આવ્યા છે? છેવટે ૧૯૮૩માં કિમ જોંગ ઇલે એક ભવ્ય ડિનર પાર્ટીનું આયોજન કર્યું. એ પાર્ટીમાં તેણે શીનની સાથે ચોઇને પણ લઇ આવવાનો હુકમ કર્યો. એ વખતે શીનને ખબર પડી કે, કિમ જોંગ ઇલે ચોઇને પણ અહીં બંદી બનાવી લીધી હતી. એ પાર્ટીમાં કિમ જોંગ ઇલે બંનેને ઉત્તર કોરિયા માટે ફિલ્મો બનાવાવનું તેમજ ફરી એકવાર પરણી જવાનું સૂચન કર્યું. આ સૂચનનો શીન અને ચોઇએ સ્વીકાર કર્યો. છેવટે ૧૯૮૩માં શીન સાંગ ઓક અને મેડમ ચોઇએ ઉત્તર કોરિયા માટે ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું.

આ દંપત્તિની મદદથી ઉત્તર કોરિયાએ કોરિયન ભાષામાં સાતેક ફિલ્મ બનાવી. આ બધી જ ફિલ્મના ડિરેક્ટર શીન છે, જ્યારે પ્રોડયુસર કિમ જોંગ ઇલ. તેમણે ૧૯૮૫માં 'સૉલ્ટ' નામની ફિલ્મ બનાવી. એ ફિલ્મ માટે મેડમ ચોઇને મોસ્કો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. આ દંપત્તિએ ઉત્તર કોરિયા માટે છેલ્લે 'પુલ્ગાસારી' નામની ફિલ્મ બનાવી, જે ૧૯૫૪માં આવેલી જાપાનની 'ગોડઝિલા' ફિલ્મની નબળી નકલ હતી. શીન અને મેડમ ચોઇ ઉત્તમ કળાત્મક ફિલ્મો બનાવી શકતા હતા, પરંતુ ફિલ્મ બનાવતી વખતે તેમણે ઉત્તર કોરિયાના શાસકોનો પ્રચાર થાય તેનું પૂરતું ધ્યાન રાખવું પડતું.

મેરેલિન મનરોએ ૧૯૫૩માં કોરિયાની મુલાકાત લીધી ત્યારે ચોઇ ઇયુન હી સાથે

આ રીતે ઉત્તર કોરિયામાં આઠેક વર્ષ વીતાવ્યા પછી, ૧૯૮૬માં, શીન અને ચોઇને વિયેના ફિલ્મ ફેસ્ટિવલમાં જવાની તક મળી. ત્યાં પહોંચતા જ તેમણે ઓસ્ટ્રિયાસ્થિત અમેરિકન દૂતાવાસનો સંપર્ક કરીને રાજકીય શરણ લઇ લીધું. આ અપહરણનો તેમને એટલો આઘાત લાગ્યો હતો કે, અમેરિકાના વર્જિનિયા સ્ટેટમાં તેઓ બે વર્ષ રહ્યા, પરંતુ પોતાના વતન દક્ષિણ કોરિયામાં કોઇનો સંપર્ક સુદ્ધા ના કર્યો. અમેરિકામાં સીઆઈએ અને એફબીઆઈએ તેમને સંપૂર્ણ રક્ષણ આપ્યું હતું. એટલે કિમ જોંગ ઇલે અમેરિકા પર શીન સાંગ-ઓક અને મેડમ ચોઇનું અપહરણ કરવાનો આરોપ મૂક્યો. આ દંપત્તિ દ્વારા જારી કરાયેલા નિવેદનને પણ ઉત્તર કોરિયાએ 'અમેરિકા દ્વારા જબરદસ્તીથી બોલાવડાવેલા શબ્દો' કહીને ફગાવી દીધા. બાદમાં શીન અને ચોઇ લોસ એન્જલસ જતા રહ્યા. ત્યાં શીન સાંગ-ઓકે પોતાનું નામ બદલીને 'સિમોન શીન' કરી નાખ્યું અને 'નિન્જા' આધારિત ત્રણેક ફિલ્મો બનાવી.

નેવુંના દાયકામાં શીન અને ચોઇ દક્ષિણ કોરિયા પરત જવાનું વિચારતા હતા, પરંતુ તેમને ડર હતો કે, ઉત્તર કોરિયાએ અપહરણ કર્યું હતું એ વાત કોઇ માનશે નહીં તો? આમ છતાં, ૧૯૯૪માં શીન હિંમતપૂર્વક દક્ષિણ કોરિયા પહોંચ્યા. ત્યાં તેમણે ફરી એકવાર ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું. એજ વર્ષે તેમને કાન ફિલ્મ ફેસ્ટિવલના જ્યૂરી તરીકે આમંત્રણ મળ્યું. ૧૧મી એપ્રિલ, ૨૦૦૬ના રોજ હિપેટાઇટિસના કારણે ૭૯ વર્ષની ઉંમરે શીનનું મૃત્યુ થયું. એ વખતે તેઓ ચંગીઝ ખાન પર મ્યુઝિકલ શૉ તૈયાર કરી રહ્યા હતા. ૧૨મી એપ્રિલ, ૨૦૦૬ના રોજ 'ગોલ્ડ ક્રાઉન કલ્ચરલ મેડલ' (મરણોત્તર)થી તેમનું સન્માન કરાયું, જે કળા ક્ષેત્રે અપાતો દક્ષિણ કોરિયાનો સર્વોચ્ચ પુરસ્કાર છે. શીનના મૃત્યુ પછી ચોઇ પણ એકલા પડી ગયા હતા. ૧૯૯૯માં તેઓ પણ કાયમ માટે દક્ષિણ કોરિયા જતા રહ્યા, જ્યાં ૧૬મી એપ્રિલ, ૨૦૧૮ના રોજ ડાયાલિસિસ વખતે ૯૧ વર્ષની વયે તેમનું મૃત્યુ થયું.

મેડમ ચોઇએ એકવાર કહ્યું હતું કે, ફિલ્મો બનાવવા મારું અપહરણ કરવા બદલ કિમ જોંગ ઇલને હું કદી માફ નહીં કરું...

05 June, 2018

નીચા નગરઃ ભારતીય સિનેમાની ભૂલાયેલી ક્લાસિક


ભારતમાંથી કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થયેલી પહેલી જ ફિલ્મ 'નીચા નગર' (૧૯૪૬)ને સૌથી મોટો 'ગોલ્ડન પામ' એવોર્ડ મળ્યો હતો. આ લખાય છે ત્યાં સુધી ભારતની એક પણ ફિલ્મને 'નીચા નગર' જેવું સન્માન મળ્યું નથી. બિમલ રોયની 'દો બીઘા જમીન' અને સત્યજિત રેની 'પાથેર પાંચાલી' પણ આ સન્માન મેળવી શકી ન હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, ‘નીચા નગરચેતન આનંદ જેવા નવાસવા ફિલ્મમેકરની પહેલી જ ફિલ્મ હતી.

ગયા અઠવાડિયે આ કોલમમાં આપણે ચેતન આનંદ વિશે વાત કરી. આજે 'નીચા નગર'ની વાત.
***
 
રશિયન સાહિત્યકાર મેક્સિમ ગોર્કીના ૧૯૦૨માં લખાયેલા 'લૉઅર ડેપ્થ' નાટકની ક્લાસિકમાં ગણના થાય છે. આ નાટક વાંચતી વખતે પાત્રોને લઈને થોડી મૂંઝવણ થઈ શકે. નાટકમાં ખાસ કોઈ પ્લોટ પણ નહીં, સીધેસીધી વાત આગળ વધ્યા કરે અને છતાં વાચક એકવાર વાંચવાનું ચાલુ કરે પછી તેમાં ખૂંપી જાય અને બીજી વાર વાંચવા મજબૂર થાય. આ નાટક પરથી આઠેક ફિલ્મો બની, જેમાં
જાપાનના ધુરંધફિલ્મસર્જક અકીરા કુરોસાવાની 'ડોન્ઝોકો' અને ચેતન આનંદની 'નીચા નગર' પણ સામેલ છે. ચેતન આનંદે યુવાનીના દિવસો ઉત્તરાખંડમાં વીતાવ્યા હતા. કદાચ એટલે 'નીચા નગર'માં પણ ઉત્તરાખંડ જેવો જ કુદરતી માહોલ છે.

‘નીચા નગર’નું પોસ્ટર 

નીચા નગર નામ પ્રમાણે જ પર્વતની તળેટીમાં આવેલું ગામ છે, જ્યાં ખેતી-મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. એવી જ રીતે, ધનવાનો પર્વત પર આવેલા ઊંચા નગરના સુંદર અને ભવ્ય ઘરોમાં રહે છે. ફિલ્મમાં ઘણાં બધા પાત્રોની ભૂમિકા મહત્ત્વની છે. કોઈ એક જ પાત્ર પર ફોકસ નથી પણ અનેક પાત્રોના આધારે લાલચ, ભ્રષ્ટાચાર, પ્રેમ, મૂંઝવણ અને લાચારી જેવા માનવીય પાસાંની વાત કરતા કરતા ફિલ્મ આગળ વધે છે. નીચા નગરમાં રૂપા (કામિની કૌશલ) નામની યુવતી રહેતી હોય છે, જે તેના જ ગામમાં રહેતા સાગર (એસ.પી.ભાટિયા)ને ચાહે છે. રૂપાનો ભાઈ બલરાજ (રફીક અનવર) નીચા નગરનો આગળ પડતો છોકરો છે. બલરાજનું પાત્ર ખાસ છે કારણ કે, એ ભૂમિકા પહેલાં બલરાજ સાહનીને ઑફર થઇ હતી. એવું કહેવાય છે કે, 'નીચા નગર'ના લેખક હાયાતુલ્લાહ અન્સારીએ બલરાજ સાહનીને ધ્યાનમાં રાખીને જ 'બલરાજ'નું પાત્ર લખ્યું હતું.

રૂપા અને બલરાજના મોટા ભાઈની પત્નીની ભૂમિકામાં છે, ઝોહરા સેહગલ. ફિલ્મમાં તે ફક્ત 'ભાભી' તરીકે ઓળખાય છે. નીચા નગરથી દૂર પર્વત પર 'ઊંચા નગર'માં રફી પીર પોતાના પરિવાર સાથે રહે છે. રફી પીરને 'સરકાર' નામ અપાયું છે. આ નામ બ્રિટીશ રાજની શોષણખોર નીતિ પર પણ પ્રહાર કરે છે. સરકારની પુત્રી માયા (ઉમા આનંદ) કોલેજિયન છે. બલરાજ પણ માયાની જ કોલેજમાં છે, અને, તેઓ બંને એકબીજાને પસંદ કરે છે.
બલરાજ (રફીક અનવર) અને માયા (ઉમા આનંદ)

નીચા નગરની કમનસીબી એ હોય છે કે, તે પ્રાઈમ લોકેશન પર આવેલું છે. એ જમીન પર સરકાર મહાકાય બિલ્ડિંગો બનાવીને તગડો નફો કરવા ઈચ્છતો હોય છે, પરંતુ ત્યાં રહેતા લોકો બીજે રહેવા જાય તો જ આ યોજના શક્ય બને. નીચા નગર નજીક ગંદા પાણીનું એક નાળું પણ ઊભરાતું હોય છે. જો એ વિસ્તાર સાફ થઇ જાય તો કોઇ પણ રિયલ એસ્ટેટ ડેવલપરને વિશાળ જમીનની લાલચ આપીને આ યોજનામાં ઝડપથી સામેલ કરી શકાય. એટલે લોભિયા અને ક્રૂર સરકારના શેતાની દિમાગમાં એક આઇડિયા આવે છે. ગંદકીથી ખદબદતું નાળું ખાલી કરવા તેને નીચા નગર તરફ વાળી દઇએ તો કેવું! એવું કરવાથી ત્યાં રહેતા લોકો બીજે જતા રહેશે અને બિલ્ડિંગ બનાવવાની યોજનાનો ઝડપથી અમલ થઇ શકશે. સરકાર આ આઈડિયાનો અમલ શરૂ કરે છે, અને, ફિલ્મ શરૂ થાય છે.

બલરાજ, રૂપા, સાગર અને હકીમ યાકૂબ ખાન ઉર્ફ ચાચા (હમીદ બટ) સહિતના થોડા ઘણાં લોકો સરકારને મળીને વિનંતી કરે છે કે, ગંદકીથી ખદબદતું નાળું 'નીચા નગર' તરફ આવશે તો અમારું જીવવું હરામ થઇ જશે. જોકે, સરકાર પોતાની યોજના સાથે બાંધછોડ કરવા તૈયાર નથી. ઊલટાનું તે ગ્રામજનો કહે છે કે, એ ગંદકીથી ભરેલું નાળું નથી, પરંતુ કેનાલ છે. એ કેનાલ જ નીચા નગરમાં સમૃદ્ધિ લાવશે, ખેતીને સિંચાઇનું પાણી મળશે અને ખેડૂતોના ઢોરોને પણ પીવાનું પાણી મળશે. ગ્રામજનો તો સરકારની આવી દલીલોથી જ હેબતાઇ જાય છે. સરકાર ગ્રામજનોની વાત સમજવા જ તૈયાર નથી અને મ્યુનિસિપાલિટી પણ સરકારના ઈશારે નાચે છે.


કામિની કૌશલ 

સરકાર સાથેની બેઠક પછી નીચા નગરના રહેવાસીઓ મૂંઝાઇ જાય છે પણ સાગર ખાસ કંઇ દુઃખી નથી. સાગર નીચા નગરમાં રહેતો આધુનિક યુવક છે. નીચા નગરના લોકો સીધાસાદા અને જમીન સાથે જોડાયેલા લોકો છે, જ્યારે સાગર પોતાને તેમનાથી અલગ સમજે છે. ગ્રામજનો સરકારને મળવા જાય છે એ પહેલાં એ વાત સરસ રીતે કહેવાઇ છે. જેમ કે, સરકારને મળવા જતી વખતે સાગર શૂઝ પોલિશ કરે છે અને કપડાં પરની કરચલીઓ પણ દૂર કરે છે. પહેલી મુલાકાતમાં સરકાર પણ સમજી જાય છે કે, આ બધા ગ્રામવાસીઓમાં ફક્ત સાગર જુદો છે. એટલે સરકાર સાગરને પ્રાઇવેટ મીટિંગ માટે તેડું મોકલે છે. સાગર પણ સરકારને ખુશી-ખુશી મળે છે. સરકાર સાગરને સીધી નોકરીની ઑફર કરે છે. મારા ત્યાં મહિને રૂ. ૩૦૦ના પગારે નોકરીએ આવી જા, પરંતુ નીચા નગરમાંથી કેનાલ પસાર કરાવવાની જવાબદારી તારી. એ પછી કોઈ દૃશ્ય બતાવાતું નથી, પરંતુ તેનો અર્થ સ્પષ્ટ હોય છે કે, હવે સાગર 'સરકારનો માણસ' છે.

છેવટે નીચા નગરમાં ગંદકીનો ઢેર ઠલવાય છે. એ દૃશ્ય જબરદસ્ત છે. નીચા નગર તરફ આવતી ભયાવહ્ ગંદકીના દૃશ્યમાં પાણીમાં તરતા મૃત પશુઓ, ગંદવાડમાંથી ઉઠતા પરપોટા અને નાળાના કિનારે લાઈનસર બેઠેલા ગીધડા પણ દેખાય છે. લોકોના ઘરોમાં ગંદુ પાણી ઘૂસી જાય છે. ગામમાં રોગચાળો ફાટી નીકળે છે. બાળકોની સ્થિતિ સૌથી બદતર હોય છે. નીચા નગરનું એક પ્રતિનિધિમંડળ સરકારને ફરી એકવાર મળવા જાય છે, પરંતુ તે કશું સાંભળવા તૈયાર નથી. નીચા નગરમાં સરકારની એક હોસ્પિટલ બંધાવે છે, જ્યાં બિમારોની બિલકુલ ફ્રીમાં સારવાર કરવાનો ઢંઢેરો પીટાય છે. આ દરમિયાન બલરાજ, રૂપા અને યાકૂબ ચાચા સરકાર સામે જુદી રીતે લડાઈ શરૂ કરે છે. તેઓ બિમારોની સારવાર માટે 'સેવા ઘર' રૂ કરે છે અને ગ્રામજનોને કહે છે કે, તમારે સરકારની હોસ્પિટલમાં જઇને તેના હાથા બનવાની જરૂર નથી.

સરકાર તરીકે રફી પીર 

આ દરમિયાન રૂપા અને બલરાજના મોટા ભાઈની પુત્રી બિમાર પડે છે. ત્યારે ભાભી (ઝોહરા સહેગલ) તેમની પુત્રીને સરકારની હોસ્પિટલમાં લઇ જવા દબાણ કરે છે. આ દૃશ્યમાં ગરીબોની લાચારી મજબૂત રીતે રજૂ કરાઇ છે. નીચા નગરના ગ્રામજનોને પૈસા અને સત્તાના જોરે મજબૂર કરી દેવાય છે. સખત મુશ્કેલીઓ વચ્ચે પણ તેઓ ગંદકીમાં જીવે છે કારણ કે, નીચા નગર છોડીને જવું હોય તો પણ જાય ક્યાં? એટલે ક્રૂર સરકાર બીજો હથકંડો અજમાવે છે. મ્યુનિસિપાલિટીમાં કહીને નીચા નગરના પીવાના પાણીના જોડાણો કપાવી દે છે. છેવટે બલરાજની આગેવાનીમાં ગ્રામજનો સરકાર સામે ક્રાંતિની મશાલ જલાવે છે. પિતા (સરકાર) અને પ્રેમી (બલરાજ)ના ઝગડામાં પીડા અનુભવતી માયા પણ આ આંદોલનમાં જોડાય છે.

બીજી તરફ, સરકાર ઉચ્ચ અધિકારીઓની મીટિંગ યોજે છે. એ મીટિંગમાં સરકારના માણસો ‘પ્રેક્ટિકલ’ કરીને એવું સાબિત કરતા હોય છે કે, નીચા નગરમાંથી પસાર થનારું નાળું ગંદુ નથી પણ તેમાંથી તો પી શકાય એવું પાણી વહે છે. ત્યારે સરકારની પુત્રી માયા નાળામાં પડે છે, કાદવ-કીચડ અને ગંદકીથી ખરડાય છે અને પછી ભર મીટિંગમાં એન્ટ્રી મારે છે. માયા મીટિંગમાં આવીને પોતાના વાળમાંથી ગંદકી નીચોવીને લોકોને બતાવે છે કે, નીચા નગરમાંથી પસાર થઇ રહેલા નાળું આવી ગંદકીથી ખદબદી રહ્યું છે. છેલ્લે સરકાર સામે નીચા નગરના રહેવાસીઓની જીત થાય છે.


સ્વ. ઝોહરા સેહગલ

'નીચા નગર'ની વાર્તા ખૂબ જ સામાન્ય છે. ધન અને સત્તા વિરુદ્ધ ગરીબી અને લાચારીની લડાઈ, પરંતુ ખ્વાજા અહેમદ અબ્બાસનું સટીક અને 'ટુ ધ પોઇન્ટ' સ્ક્રીન પ્લે તેમજ ચેતન આનંદનું ડિરેક્શન 'નીચા નગર'ને ખાસ બનાવે છે. જેમ કે, 'નીચા નગર'માં બલરાજ-માયાની પ્રેમકથા ગૌણ છે. કોઈ સરેરાશ હિન્દી ફિલ્મની જેમ તેઓ ઝાડની આસપાસ દોડાદોડ કરીને ગીતો નથી ગાતા કે કાલાઘેલા સંવાદોથી માથું નથી દુઃખાડતા. એવી જ રીતે, સાગર અને રૂપાની પ્રેમકથામાં પણ મેલોડ્રામા નથી. સાગર સરકારનો માણસ બની જતાં રૂપા સાથેના સંબંધનો અંત આવે છે, સિમ્પલ. બીજી પણ એક વાત નોંધવા જેવી છે કે, બલરાજની સરકાર સામેની લડાઇમાં માયા કોઈ મુશ્કેલી ઊભી નથી કરતી અને રૂપા પણ સાગરને ભૂલીને સરકાર સામેના આંદોલનમાં સક્રિય થઇ જાય છે. એ રીતે 'નીચા નગર' મજબૂત સ્ત્રીપાત્રોને રજૂ કરે છે. (બ્રિટીશ યુગમાં બહુ ઓછા સાહિત્યકારોએ મજબૂત સ્ત્રીપાત્રો રજૂ કર્યા હતા, જેમાંના એક હતા રવિન્દ્રનાથ ટાગોર)

આ ફિલ્મમાં પણ ટેકનિકલ અને નબળા અભિનય (જેમ કે, માયાનો) જેવી અનેક ખામીઓ છે, પરંતુ બ્રિટીશયુગમાં આવેલી મોટા ભાગની ફિલ્મોની વાર્તા ધર્મ, દોસ્તી-દુશ્મની કે પ્રેમલા-પ્રેમલીની આસપાસ ચકરાવા લેતી હતી ત્યારે 'નીચા નગર'ની ટીમે સિનેમાની મદદથી અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો. 'નીચા નગર' જમાનાથી આગળ હતી અને એટલે જ ક્લાસિક છે. ફિલ્મમાં સાત ગીત છે, જેમાં બે ક્રાંતિ ગીત છે અને સંગીતની દૃષ્ટિએ સારા છે.  


યૂ ટ્યૂબ પર જોવા મળતું નીચા નગરનું સૌથી સારું વર્ઝન 

કાન ફિલ્મ ફેસ્ટિવલની જ્યૂરીએ ૧૯૪૬માં બીજી બધી જ ફિલ્મોના બદલે 'નીચા નગર'ને જ કેમ 'ગોલ્ડન પામ' માટે પસંદ કરી, એ સમજવા યૂ ટ્યૂબ પર 'નીચા નગર' જોઇ લેજો.  

'નીચા નગર'ના કલાકારો અને કસબીઓની આજકાલ

'નીચા નગર' બાદ ચેતન આનંદે ઘણી ફિલ્મો બનાવી, જેમાં 'ફંટૂશ', 'હકીકત', 'હીર રાંઝા', 'હસતે જખ્મ' અને 'હિંદુસ્તાન કી કસમ' જેવી અનેક ઉત્તમ ફિલ્મોનો સમાવેશ થાય છે. 'નીચા નગર'ના કલાકારોમાં કામિની કૌશલ (રૂપા)ની ફિલ્મ કારકિર્દી સૌથી લાંબી રહી. 'બિરાજ બહુ' માટે ૧૯૫૫માં તેમને ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ મળ્યો હતો. 'નીચા નગર' બનાવવામાં પડદા પાછળ મહત્ત્વની ભૂમિકા ભજવનારા રફીક અનવર ('નીચા નગર'નો બલરાજ)ના પુત્રો પણ ફિલ્મ ક્ષેત્રે નામ કમાયા. રફીક અનવરે ઓસ્ટ્રેલિયન યહૂદી મૂળની એડિથ રીક સાથે લગ્ન કર્યા હતા. તેઓ છૂટા પડ્યા પછી એડિથ તેમના નાનકડા પુત્ર તારીકને લઇને લંડન જતા રહ્યા.


રફીક અનવરના પુત્ર તારીક અનવર અને તારીક અનવરના પુત્રી ગેબ્રિઅલ અનવર

અત્યારે તારીક ૭૨ વર્ષના છે અને હજુયે ફિલ્મ એડિટિંગ ક્ષેત્રે સક્રિય છે. 'અમેરિકન બ્યુટી' (૧૯૯૯) અને 'ધ કિંગ્સ સ્પિચ' (૨૦૧૦) માટે તેઓ ઓસ્કાર એવોર્ડ (એડિટિંગ) માટે નોમિનેટ થયા હતા. 'અમેરિકન બ્યુટી'ના એડિટિંગ બદલ તેમને બાફ્ટા એવોર્ડ પણ મળ્યો હતો. તારીક અનવરના પુત્રી ગેબ્રિઅલ અનવર પણ અભિનય ક્ષેત્રે છે. ૧૯૯૨માં આવેલી 'સેન્ટ ઓફ અ વુમન'માં અંધ લશ્કરી અધિકારી અલ પચીનો સાથે ટેન્ગો ડાન્સ કરનારી યુવતી એટલે ગેબ્રિઅલ અનવર. ભારતીય દર્શકોમાં તેઓ ૨૦૦૭માં રિલીઝ થયેલી ટેલિવિઝન સિરીઝ 'બર્ન નોટિસ'ની ભૂમિકાથી જાણીતા છે.

ચેતન આનંદે ઉમા આનંદ ('નીચા નગર'ની માયા) સાથે લગ્ન કર્યા હતા. એક સમયે તેઓ છૂટા પડ્યા પછી ચેતન આનંદ જાણીતી અભિનેત્રી પ્રિયા રાજવંશ સાથે રહેતા હતા. છઠ્ઠી જુલાઈ, ૧૯૯૭ના રોજ ચેતન આનંદનું મુંબઇમાં મૃત્યુ થયું હતું. એ પછી ૨૭મી માર્ચ, ૨૦૦૦ના રોજ પ્રિયા રાજવંશની મુંબઇમાં હત્યા થઇ. એ કેસમાં અદાલતે ચેતન આનંદના પુત્રો કેતન અને વિવેદ આનંદ સહિત તેમના બે નોકરને જન્મટીપની સજા ફટકારી હતી. 

નોંધઃ આ લેખનો પહેલો ભાગ અહીં