Showing posts with label Olympic. Show all posts
Showing posts with label Olympic. Show all posts

22 August, 2016

મહાન ઓલિમ્પિયન કેવા હોય છે?


બેજિંગ ઓલિમ્પિક ૨૦૦૮ની વાત છે. સવારના ૯:૫૬ વાગ્યા છે. ઓલિમ્પિક વિલેજના સ્વિમિંગ સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોને બાજુના સ્ટેડિયમમાં માઈકમાં થતી જાહેરાતો અને દર્શકોનો ગણગણાટ સંભળાઈ રહ્યો છે. જોકે, સ્વિમિંગ સ્ટેડિયમમાં થોડી ચણભણ સિવાય શાંતિ છે કારણ કે, ૨૦૦ મીટર બટરફ્લાય સ્વિમિંગની ફાઈનલ મેચ ચાલુ થવામાં હજુ થોડી વાર છે. વિશ્વના શ્રેષ્ઠ સ્વિમરોએ મનમાં ને મનમાં એકબીજાને હરાવવાનું નક્કી કરી લીધું છે. મોટા ભાગના ઓલિમ્પિયન આંખ બંધ કરીને એક અમેરિકન સ્વિમરથી આગળ નીકળવા ઊંડા શ્વાસ લઈ રહ્યા છે.

એટલામાં જ એક પછી એક સ્વિમરને ઈન્ટ્રોડ્યુસ કરાવવાનું ચાલુ થાય છે. દરેક સ્વિમર પોતાના નામની જાહેરાત સાથે જ બ્લોક પર ચઢીને, હાથ હલાવીને પ્રેક્ષકોનું અભિવાદન ઝીલી નીચે ઉતરે છે. પેલો અમેરિકન સ્વિમર પણ હંમેશાંની જેમ બ્લોક પર ચઢીને હાથ ઊંચો કરીને પ્રેક્ષકોની સામે નજર ફેરવીને હલકું સ્મિત આપે છે. મેચ શરૂ થવાની માંડ ચાર મિનિટ પહેલાં તેને કશુંક અજુગતું થવાનું હોય એવો ભાસ થયા કરે છે.

છેવટે મેચ શરૂ થાય છે. દરેક સ્વિમર પૂરી તાકાતથી ડાઈવ મારીને બટરફ્લાય સ્ટ્રોક્સ મારવાનું શરૂ કરે છે. અમેરિકન સ્વિમરને પાણીમાં કૂદતા જ ખ્યાલ આવી જાય છે કે, તેના ગોગલ્સમાં લિકેજ છે. ગોગલ્સમાં પાણી અને ભેજ છવાઈ ગયા છે. મેચના પહેલા લેપમાં તો થોડું ઝાંખું ઝાંખુ દેખાય છે એટલે વાંધો નથી પણ બીજા લેપમાં બધું જ ધૂંધળું દેખાય છે. જોકે, આ સ્થિતિમાં પણ તે કુલછે. ત્રીજા લેપમાં તો તે આસપાસના સ્વિમર કેટલા આગળ છે તે પણ જોઈ શકતો નથી! સ્વિમરની સુવિધા માટે પુલના તળિયે કાળા રંગની પટ્ટી હોય છે, એ પણ દેખાવાનું બંધ થઈ જાય છે. પુલની દીવાલ પર કાળા રંગનો ટીમાર્ક કરાયો હોય છે, જેથી સ્વિમર ટીમાર્ક સુધી આવે અને દીવાલને પગથી ધક્કો મારીને પછીનો લેપ શરૂ કરી શકે. આ ટીમાર્ક પણ તેને દેખાતો નથી. એટલે તેને ખબર જ નહોતી પડતી કે, હજુ કેટલા સ્ટ્રોક બાકી છે. જોકે, તેણે મનોમન ગણતરી કરી લીધી છે કે, ૨૦-૨૧ સ્ટ્રોક મારીએ ત્યાં સુધી દીવાલ આવી જાય છે.

અંધ અવસ્થામાં તે ત્રીજો લેપ પૂરો કરીને ચોથો લેપ શરૂ કરે છે. ચોથા લેપમાં પણ તે મનોમન ગણતરી કરીને સ્ટ્રોક મારે છે. ૧૯મો, ૨૦મો અને ૨૧મો સ્ટ્રોક વાગતા જ હાથ દીવાલને અડે છે. સ્ટેડિયમ ચિચિયારીઓથી ગૂંજી ઉઠે છે. જોકે, એ અમેરિકન સ્વિમરને ખબર નથી કે, આ હર્ષનાદ કોના માટે થઈ રહ્યો છે કારણ કે, તેને કશું જ દેખાતું નથી. છેવટે તે શાંત ચિત્તે પુલમાંથી માથું ઊંચું કરે છે, ગોગલ્સ કાઢે છે, સ્કોરબોર્ડ પર નજર કરે છે અને તેના ચહેરા પર ખુશહાલી છવાઈ જાય છે.

કેમ નહીં! કારણ કે, ૨૦૦ મીટર બટરફ્લાય તેણે ૧:૫૨:૦૩ સેકન્ડમાં પૂરી કરી લીધી હતી. એટલું જ નહીં, પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડીને ૧૧મો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ પણ જીતી લીધો હતો.

* * *

આ ‘મિ. કુલએટલે રમતગમતના ઈતિહાસના સૌથી મહાન ખેલાડીનું સન્માન મેળવનારો માઈકલ ફેલ્પ્સ. રિયો ઓલિમ્પિકમાં ચાર ગોલ્ડ મેડલ જીતતા જ ફેલ્પ્સના નામે જાતભાતના વર્લ્ડ રેકોર્ડ નોંધાયા છે. ફેલ્પ્સ અત્યાર સુધી ૨૬ મેડલ જીત્યો છે, જેમાંથી ૨૨ ગોલ્ડ, બે સિલ્વર અને બે બ્રોન્ઝ છે. આ ૨૬માંથી ૧૩ ઈન્ડિવિડ્યુઅલ (ટીમમાં નહીં) મેડલ છે. ફેલ્પ્સે ૧૩ ઈન્ડિવિડ્યુઅલ મેડલ જીતીને પૌરાણિક ગ્રીસના મહાન ઓલિમ્પિયન લિયોનિડાસનો ૨,૧૬૮ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. આશરે વીસેક સદી પહેલાં યોજાતી ઓલિમ્પિકમાં લિયોનિડાસે ૧૨ ઈન્ડિવિડ્યુઅલ મેડલ જીત્યા હતા. વિશ્વમાં ૧૭૪ દેશ તો એવા છે, જેમની પાસે એકલા ફેલ્પ્સ પાસે છે એટલા પણ મેડલ નથી.

બેજિંગ ઓલિમ્પિકમાં ગોગલ્સ વિના માઈકલ ફેલ્પ્સ

હા, ભારત પણ એમાંનું જ એક છે. વર્ષ ૧૯૮૦થી ૨૦૧૬ સુધી ભારત ઓલિમ્પિકમાં માંડ નવ ગોલ્ડ મેડલ જીત્યું છે, જેમાંથી આઠ હોકી અને એક શૂટિંગમાં છે. આ સિવાય ભારત પાસે એથ્લેટિક્સ, ટેનિસ, વેઈટ લિફ્ટિંગ, બોક્સિંગ, રેસલિંગ અને બેડમિન્ટન જેવી રમતોમાં છ સિલ્વર અને ૧૧ બ્રોન્ઝ છે. રિયો ઓલિમ્પિકમાં ફેલ્પ્સે ચાર બાય ૨૦૦ મીટર રિલેમાં અમેરિકન ટીમને ગોલ્ડ મેડલ અપાવ્યો અને આ મેચ પૂરી થયાના થોડા જ કલાકોમાં ૨૦૦ મીટર બટરફ્લાયમાં ઈન્ડિવિડ્યુઅલ ગોલ્ડ મેડલ જીત્યો. આ પ્રકારની સિદ્ધિ મેળવતા ભારતે ૨૮ વર્ષનો સમય લઈ લીધો છે. વર્ષ ૧૯૮૦માં ભારતીય હોકી ટીમે આઠમો ગોલ્ડ જીત્યો હતો. એ પછી બેજિંગ ઓલિમ્પિક ૨૦૦૮માં અભિનવ બિન્દ્રા શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યા, જે ઈન્ડિવિડ્યુઅલ ગેમમાં જીતાયેલો ભારતનો પહેલો ગોલ્ડ મેડલ હતો.

ફેલ્પ્સ હોવું એટલે શું એ જાણવા બીજી પણ કેટલીક આંકડાકીય સરખામણી કરીએ. ફેલ્પ્સ ૨૨ ગોલ્ડ મેડલ વિજેતા છે, જ્યારે બીજા નંબરે રશિયન જિમ્નાસ્ટ લારિસા લાટિનીના, ફિનલેન્ડના એથ્લેટ પાવો નૂર્મી, અમેરિકન સ્વિમર માર્ક સ્પિલ્ટ્સ અને અમેરિકન એથ્લેટ કાર્લ લુઈસ છે. આ ચારેય નવ ગોલ્ડ મેડલ વિજેતા છે.

* * *

આ આંકડા વાંચતા જ ખ્યાલ આવી જાય છે કે, માઈકલ ફેલ્પ્સ સ્પોર્ટ્સપર્સન નહીં પણ સ્પોર્ટ્સની દુનિયામાં સર્જાયેલી એક ઘટના છે. બેજિંગ ઓલિમ્પિકમાં ૨૩ વર્ષીય ફેલ્પ્સે ગોગલ્સ વિના ગોલ્ડ મેડલ જીત્યો અને વર્લ્ડ રેકોર્ડ પણ કર્યો એ માટે નસીબ નહીં પણ દોઢ દાયકાની સખત અને સતત મહેનત જવાબદાર હતી.

ફેલ્પ્સે આઠ જ વર્ષની ઉંમરે સ્વિમિંગ શરૂ કર્યું હતું. ફેલ્પ્સના કોચ બોબ બોમેને તેને વીડિયોટેપનામની એક ટ્રીક પણ શીખવાડી હતી. આ ટ્રીકના ભાગરૂપે ફેલ્પ્સે સ્વિમિંગ રેસની પ્રેક્ટિસ કર્યા પછી સૂતા પહેલા  દસ મિનિટ રોજેરોજની સ્વિમિંગ પ્રેક્ટિસનું વિઝ્યુઅલાઈઝેશન કરવાનું રહેતું. એટલે કે, પુલમાં રેસિંગ માટે કરેલી પ્રેક્ટિસની નાનામાં નાની ઘટના આંખ બંધ કરીને મનમાં દોહરાવવાની. જેમ કે, હોઠ પરથી પાણી ટપકી રહ્યું હતું, પગથી ધક્કો માર્યા પછી ફરી એકવાર શરીરને તાકાત મળી અને રેસ પૂરી કર્યા પછી માથા પરથી કેપ કાઢીને સ્કોરબોર્ડ પર નજર કરી- વગેરે મનોમન યાદ કરવાનું. આ માનસિક પ્રેક્ટિસ કરવાથી ફેલ્પ્સ ખૂબ ઝડપથી સમજી જતો કે તે ક્યાં ભૂલ કરે છે અને શું કરે તો બીજાથી આગળ નીકળી શકે!

ફેલ્પ્સ તેના કોચ બોબ બોમેન સાથે


વીડિયોટેપભૂલોમાંથી શીખીને આગળ વધવાની એક પ્રકારની માનસિક પ્રેક્ટિસ છે. આ ટ્રીકનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. ફેલ્પ્સ નાનપણથી જ એટેન્શન ડેફિસિટ હાયરપએક્ટિવિટી ડિસઓર્ડરનો ભોગ બન્યો હતો. આ પ્રકારના બાળકો એક કામ પૂરતી એકાગ્રતાથી કરી શકતા નથી અને તેમનામાં ચંચળતાનું પ્રમાણ પણ ખૂબ ઊંચું હોય છે. ફેલ્પ્સના કોચ બોમેન આ વાત જાણતા હોવાથી જ તેમણે ફેલ્પ્સને વીડિયોટેપપ્રેક્ટિસ માટે તૈયાર કર્યો હતો.

કોઈ પણ ચેમ્પિયનશિપમાં ભાગ લેતા પહેલાં ફેલ્પ્સના કોચ બોબ બોમેન તેને રોજેરોજ સ્વિમિંગ પુલમાં રેસ પૂરી કરવાના લક્ષ્યાંકો આપતા. આ પ્રેક્ટિસ જેવી તેવી નહીં પણ અસલી ઓલિમ્પિકમાં ભાગ લેતા હોઈએ એવી જ રહેતી. આ પ્રકારના લક્ષ્યાંકો પાર પાડવા ફેલ્પ્સ હંમેશા ઉત્સાહિત રહેતો. તે રોજેરોજ નાના-નાના લક્ષ્યાંકો પાર પાડતો, લક્ષ્યાંક પૂરું થઈ જાય તો કાગળ પર નવું લક્ષ્યાંક લખતો અને બીજા દિવસે નવું લક્ષ્યાંક પાર પાડવા ફરી સ્વિમિંગ પુલમાં આવી જતો. બેજિંગ ઓલિમ્પિકમાં ભાગ લેતા પહેલા ફેલ્પ્સ હજારો વાર જાત સાથે જ રેસ લગાવી ચૂક્યો હતો અને એટલી જ વાર વીડિયોટેપની પ્રેક્ટિસ કરી ચૂક્યો હતો. બેજિંગ ઓલિમ્પિકમાં ગોગલ્સ નકામા થઈ જવા છતાં તે સ્વસ્થ રહી શક્યો એનું રહસ્ય આ છે.

ફેલ્પ્સે ફોક્સ સ્પોર્ટ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “મેં આઠ વર્ષની ઉંમરે ઓલિમ્પિક ચેમ્પિયન બનવાનું સપનું જોયું હતું. એ માટે હું રોજ નાના નાના લક્ષ્યાંકો પૂરા કરતો.” ફેલ્પ્સ ક્યારેય સરળ લક્ષ્યાંકો નહોતો રાખતો કારણ કે, તે સારી રીતે જાણતો કે નાના નાના લક્ષ્યાંકોથી જ કામ કરવાની માનસિક શક્તિ મળે છે. કોઈ પણ વ્યક્તિના જીવનમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવી શકે છે અને અને ફેલ્પ્સ પણ તેમાંથી બાકાત નથી. ફેલ્પ્સ જેવો એથ્લેટ આલ્કોહોલનો વ્યસની તો કેવી રીતે હોઈ શકે, પણ ૧૯ વર્ષની ઉંમરે માનસિક સંઘર્ષનો સામનો કરી રહેલો ફેલ્પ્સ નવેમ્બર ૨૦૦૪માં આલ્કોહોલના ઈન્ફ્લુઅન્સ હેઠળ ડ્રાઈવિંગ કરતા ઝડપાયો હતો. આવી જ ઘટના સપ્ટેમ્બર ૨૦૧૪માં પણ બની હતી. ફેબ્રુઆરી ૨૦૦૯માં પણ ફેલ્પ્સ હુક્કો પીતો હોય એવી તસવીરે વિવાદ જગાવ્યો હતો. આ બધી જ ઘટનામાં ફેલ્પ્સે કાયદેસરની કાર્યવાહીનો સામનો કર્યો અને યુએસ સ્વિમિંગ એકેડેમીમાંથી સસ્પેન્શન પણ ભોગવ્યું.

ફેલ્પ્સે આઠ વર્ષની ઉંમરે કાગળ પર નક્કી કરેલા લક્ષ્યાંકો

આ વિવાદો વખતે ફેલ્પ્સે હિંમતથી જાહેરમાં ભૂલો સ્વીકારી અને માફી પણ માગી. આ કારણસર વિવાદો ત્યાં જ ખતમ થઈ ગયા. આલ્કોહોલ વિવાદોને બાદ કરીએ તો ફેલ્પ્સ (અત્યારે ઉંમર 31) આઠ વર્ષની ઉંમરથી કોચની સલાહ પ્રમાણે જ ચુસ્ત ડાયેટ લઈ રહ્યો છે. ફેલ્પ્સે તેના કોચની મદદથી ડેઈલી રુટિનને જ આદત બનાવી દીધું હતું. ફેલ્પ્સને ઈન્ટરવ્યૂમાં એક સવાલ વારંવાર પૂછાય છે કે, તમે વર્ષમાં કેટલા દિવસ પ્રેક્ટિસ કરો છો? ફેલ્પ્સ કહેતો કે, ‘‘વર્ષના ૩૬૫ દિવસ.’’ તે ખરેખર ૩૬૫ દિવસ પ્રેક્ટિસ કરતો. ફેલ્પ્સ તેનો જન્મદિવસ હોય કે માતા-પિતાનો, ક્રિસમસ વેકેશન હોય કે ન્યૂ યર- એ બધા જ દિવસે તે મેરીલેન્ડ સ્ટેટના બાલ્ટિમોરના સ્વિમિંગ પુલમાં પહોંચી જતો. બાલ્ટિમોર સ્કૂલ શરૂ થાય એ પહેલાં રોજ સવારે સાત વાગ્યે તેની પ્રેક્ટિસ ચાલુ થતી. એ પછી તે સ્કૂલે જતો અને ક્લાસીસ પૂરા થયા પછી ફરી ત્રણેક કલાક પ્રેક્ટિસ કરતો.

ટૂંકમાં ફેલ્પ્સ કંઈ આખો દિવસ સ્વિમિંગ પુલમાં પડ્યો નહોતો રહેતો પણ જે કંઈ પ્રેક્ટિસ કરતો તેમાં ગુણવત્તા અને સાતત્યનું પ્રમાણ ખૂબ જ ઊંચી કક્ષાનું રહેતું. એકવાર ફેલ્પ્સે કહ્યું હતું કે, “એક સમયે મેં ફક્ત એક ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવાનું લક્ષ્યાંક રાખ્યું હતું. કારણ કે, આ દુનિયામાં બધા લોકો એવું નથી કહી શકતા કે, હું ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ છું...” આ મહાન ઓલિમ્પિયને આવા નાના નાના લક્ષ્યાંકો રાખીને જ ૨૬ મેડલ જીતવાની પ્રચંડ સિદ્ધિ હાંસલ કરી છે.

આ લેખના શીર્ષકમાં એક સવાલ છે. તેનો જવાબ કદાચ આ છેઃ મહાન ઓલિમ્પિયન આવા હોય છે.

14 August, 2016

રિયો ઓલિમ્પિક : વિશ્વનો સૌથી મોટો ફૂડ ફેસ્ટિવલ


વિશ્વ વિખ્યાત યોદ્ધા નેપોલિયન બોનાપાર્ટે કહ્યું હતું કે, ''લશ્કરની કૂચ પેટ પર આધારિત હોય છે.'' આ વાત એથ્લેટને પણ એટલી જ લાગુ પડે છે. બ્રાઝિલના રિયો દ જનેરોમાં ઓલિમ્પિક પાંચમી ઓગસ્ટે શરૂ થયો હતો, જે ૨૧મી ઓગસ્ટ સુધી ચાલવાનો છે. જોકે, વિશ્વના ૨૦૫ દેશના ૧૧ હજાર ખેલાડીઓ રિયોના વાતાવરણમાં સેટ થવા મિડ જુલાઈમાં જ ત્યાં પહોંચી ગયા હતા. યજમાન દેશે દોઢેક મહિના સુધી આ તમામ ખેલાડીઓને તેમની જરૂરિયાત પ્રમાણે ખવડાવવા-પીવડાવવાનું હોય છે. આ સિવાય વિવિધ દેશની જુદી જુદી સ્પોર્ટ્સ ટીમના સાતેક હજાર અધિકારીઓને ત્રણેક વાર ભોજન આપવાની જવાબદારી પણ યજમાન દેશની હોય છે. એ માટે ઓલિમ્પિક વિલેજમાં જ સળંગ ૧૭ દિવસ સુધી, વિવિધ રમતોના ખેલાડીઓ માટે, જુદા જુદા પ્રકારની ૬૦ હજાર ડિશ તૈયાર કરવી પડે. આટલી ડિશનું અંદાજિત વજન જ અઢી લાખ કિલો થાય. જો એકાદ હજાર વ્યક્તિના લગ્ન સમારંભમાં બધાને એક સરખું ભોજન પીરસવાનું હોવા છતાં રસોડું એક મોટી જવાબદારી હોય, તો ઓલિમ્પિકના રસોડાનું મેનેજમેન્ટ કેટલું અઘરું હોય એ સમજી શકાય એમ છે! એટલે જ આ મેગા સ્પોર્ટ્સ ફેસ્ટિવલને દુનિયાનો સૌથી મોટો ફૂડ ફેસ્ટિવલ પણ કહી શકાય.  

દરેક રમતના એથ્લેટ માટે જુદું જુદું ભોજન

એક સમયે લગ્ન જેવા પ્રસંગોએ રસોડું સંભાળવાની જવાબદારી પરિવારના કોઈ નિષ્ણાત માણસને સોંપાતી. એવું પણ કહેવાતું કે, જો રસોડું હીટ તો પ્રસંગ પણ હીટ. આ વાત ઓલિમ્પિકને પણ એટલી જ લાગુ પડે છે કારણ કે, ઓલિમ્પિકનું સફળ આયોજન કરવું એ કોઈ પણ દેશ માટે ઈજ્જતનો સવાલ હોય છે. ઓલિમ્પિક જેવા સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજતા દેશો ઓલિમ્પિક વિલેજમાં ખાણીપીણીનો કોન્ટ્રાક્ટ કેટરર્સને સોંપી દે છે. હા, આજે લગ્નોમાં જે રીતે કેટરર્સને કોન્ટ્રાક્ટ આપવાનો ટ્રેન્ડ છે એવી જ રીતેરિયો ઓલિમ્પિકમાં કેટરિંગની જવાબદારી રસેલ પાર્ટનરશિપ નામની ઈન્ટરનેશનલ ફર્મને સોંપાઈ છે. લંડન ઓલિમ્પિક ૨૦૧૨ અને રશિયાના સોચી ઓલિમ્પિક ૨૦૧૪નો કેટરિંગ કોન્ટ્રાક્ટ પણ આ જ કંપનીને મળ્યો હતો. આ કંપનીએ ૨,૫૦૦ વ્યક્તિની મજબૂત કેટરિંગ ટીમ બનાવી છે, જેમનું કામ ઓલિમ્પિક વિલેજમાં તમામને આરોગ્યપ્રદ ભોજન-પાણી આપવાનું તેમજ ફૂડ પોઈઝન જેવી મુશ્કેલી ના આવે એ જોવાનું છે.

રિયો ઓલિમ્પિક વિલેજની ગ્રાન્ડ એથ્લેટ્સ રેસ્ટોરન્ટ

આ બધું તો સહેલું છે પણ સૌથી અઘરું કામ જુદી જુદી રમતોના ખેલાડીઓને તેમની જરૂરિયાત, આદત અને સૂચના પ્રમાણે જુદું જુદું ભોજન પૂરું પાડવાનું છે. એ માટે ઓલિમ્પિક વિલેજમાં ફૂટબોલના મેદાન જેટલું કદ ધરાવતી ગ્રાન્ડ એથ્લેટ્સ રેસ્ટોરન્ટ તૈયાર કરાઈ હોય છે. ત્યાં જઈને ખેલાડીઓ સ્પોર્ટ્સ ન્યુટ્રિશનિસ્ટ અને ડાયેટિશિયનની સલાહ પ્રમાણે જે જોઈએ એ ફૂડ ‘ફ્રી ઓફ ચાર્જ’ ઓર્ડર કરી શકે છે. ઓલિમ્પિકમાં યુસેન બોલ્ટ (રનર), માઇકલ ફેલ્પ્સ (સ્વિમર), સેરેના વિલિયમ્સ (ટેનિસ), યેલેના ઈસિનબેવા (પોલ વૉલ્ટર) અને બ્રેડલી વિગિન્સ (સાયકલિંગ) જેવા સુપર સ્ટાર ખેલાડીઓની પર્સનલ પ્રોફેશનલ ટીમ પણ હોય છે, જે તેમના ડાયેટથી માંડીને ટ્રેઇનિંગ સુધીની તમામ બાબતનું ધ્યાન રાખતી છે. રગ્બી, ફૂટબોલ, બાસ્કેટ બોલ જેવી રમતોની ટીમ પણ તેમના પર્સનલ ન્યુટ્રિશનિસ્ટ અને ડાયેટિશિયનની સલાહ પ્રમાણે ભોજન લે છે. જેમ કે, સ્વિમર કે બોક્સરનું વજન એક ગ્રામ પણ ના વધે એનું ધ્યાન રાખવાનું હોય છે. એ માટે ડાયેટિશિયનની સૂચના પ્રમાણે જ ખાવું-પીવું પડે છે.

પોષકદ્રવ્યો અને હાઈ કેલરી વાનગીઓની બોલબાલા

એક તંદુરસ્ત પુરુષ એક દિવસમાં માંડ ૨,૫૦૦ કેલરી અને એક મહિલા ૨,૨૦૦ કેલરી જેટલો ખોરાક લઈ શકે. કેલરી એ શરીરની ઊર્જા માપવાનો એકમ છે. એક કિલો પાણીને, એક ડિગ્રી સેલ્સિયસ ગરમ કરવા જોઈતી ઊર્જા બરાબર એક કેલરી. હવે ઓલિમ્પિયન એથ્લેટની ભૂખ શું હોય છે એ સમજીએ.

ઓલિમ્પિકમાં સૌથી ધરખમ ડાયેટ સ્વિમર્સનું હોય છે. ઓલિમ્પિયન સ્તરનો એક સ્વિમર એક દિવસમાં દસ હજાર કેલરી જેટલો ખોરાક હજમ કરી જાય છે. જેમ કે, અમેરિકન સ્વિમર માઈકલ ફેલ્પ્સ ઓલિમ્પિકમાં તેનું વજન એક ગ્રામ પણ વધવા નથી દેતો! એક બાજુ વજન વધારવાનું નથી હોતું અને બીજી બાજુ સ્પર્ધા વખતે પૂરેપૂરી શક્તિથી પર્ફોર્મન્સ આપી શકાય એ માટે વધુ પડતી કેલરી ખર્ચાય એવી પ્રેક્ટિસ-ટ્રેઇનિંગ બંધ કરાઈ હોય છે. આમ છતાં, ફેલ્પ્સ જેવો એક સ્વિમર સવારના નાસ્તામાં બાફેલા ઈંડા, ચીઝ, ટામેટા અને લેટસથી ભરેલી ત્રણ મોટી સેન્ડવિચ, એક વાટકી બાફેલું અનાજ-કઠોળ, ત્રણ ફ્રેન્ચ ટોસ્ટ અને ત્રણ ચોકલેટ ચિપ્સ પેનકેક ખાઇ જાય છે. આ ખાલી નાસ્તો છે. કોઈ પણ ખેલાડીનું આવું ડાયેટ તૈયાર કરતી વખતે તેને જોઈતી કેલરી અને પોષકદ્રવ્યોનું પૂરેપૂરું ધ્યાન રખાયું હોય છે.




ઓલિમ્પિકમાં એવા પણ ખેલાડીઓ હોય છે, જેમને વધારે પોષકદ્રવ્યોની જરૂર પડે છે પણ ખોરાકની નહીં. જેમ કે, મેરેથોન જેવી ગેમમાં કાર્ડિયોવાસ્ક્યુલર સ્ટ્રેન્થ (ફેફસાની તાકાત) એટલે કે ઓક્સિજન લેવાની શક્તિ વધારે જોઈએ. એ માટે મેરેથોન રનરને ખૂબ પોષકદ્રવ્યો ધરાવતા ખોરાકની જરૂર પડે, પરંતુ મેરેથોન પહેલાં શરીરનું વજન થોડું પણ ના વધે એનું પૂરતું ધ્યાન રાખવાનું હોય. એ માટે એક મેરેથોન રનર ૩,૬૦૦ કેલરી જેટલા ખોરાકમાંથી જ જોઈતા પોષકદ્રવ્યો મેળવી લે છે. મેરેથોન રનરના ડાયેટમાં તાજા બીટના જ્યૂસનો પણ અચૂક સમાવેશ કરાય છે કારણ કે, તેનાથી શરીરની ઓક્સિજન લેવાની શક્તિ વધે છે. એવી જ રીતે, ટ્રાયથ્લેટ એક દિવસમાં છ હજાર કેલરી જેટલો ખોરાક લે છે, જેમાંથી તે જોઈતા પોષકદ્રવ્યો મેળવી લે છે.

ગ્રાન્ડ એથ્લેટ્સ રેસ્ટોરન્ટમાં જુદી જુદી રમતના ખેલાડીઓને સહેલાઈથી ભોજન મળી રહે એનું પૂરતું ધ્યાન રાખવું પડે છે. જેમ કે, ઓલિમ્પિકમાં સરેરાશ ૧૮ વર્ષની ફિમેલ જિમ્નાસ્ટ આખા દિવસમાં માંડ ૧,૨૦૦ કેલરી જેટલો ખોરાક લે છે કારણ કે, ચેમ્પિયનશિપ વખતે શરીર હલકુંફૂલકું રાખવું જરૂરી હોય છે. આ સ્થિતિમાં જિમ્નાસ્ટ ફિઝિકલ સ્ટ્રેન્થ ટકાવી રાખવા શરીરને જોઈતા તમામ પોષકદ્રવ્યો બને એટલા ઓછા ભોજનમાંથી મેળવી લે છે, જેમાં બાફેલા ઈંડા, યોગર્ટ, સલાડ વિથ ચિકન કે ફિશ (માંડ એક પીસ)નો સમાવેશ થાય છે

એવું ના સમજતા કે, ઓલિમ્પિક વિલેજમાં બધું શુષ્ક ખાવાનું મળતું હશે. અહીં આંતરરાષ્ટ્રીય કક્ષાના કૂકની દેખરેખ હેઠળ એક એકથી ચડિયાતી વાનગીઓ તૈયાર કરી હોય છે, પરંતુ તેમાં ન્યુટ્રિશન્સ અને કેલરીને પણ એટલું જ મહત્ત્વ અપાયું હોય છે.

ધાર્મિક લાગણી ના દુભાય એની તકેદારી

આટલી માથાકૂટ ઓછી હોય એમ યજમાન દેશે જમૈકા, જાપાન, યુરોપિયન દેશો અને મુસ્લિમ દેશોના લોકોની ખાવાપીવાની આદતોનો ઊંડો અભ્યાસ કરીને ભોજન તૈયાર કરવું પડે છે. અનેક દેશોમાં ખાણીપીણીની આદતો ધર્મ સાથે સંકળાયેલી છે એટલે કોઈની લાગણી ના દુભાય અને વિવાદ ના થાય એ માટે પણ ચૌંકન્ના રહેવું પડે છે.

દાખલા તરીકે, મુસ્લિમ એથ્લેટ માટે ફક્ત હલાલ માંસની વાનગીઓ ઉપલબ્ધ હોવી જરૂરી છે. ઓલિમ્પિક વિલેજમાં મળતા ભોજન પર ન્યુટ્રિશનલ વેલ્યૂઝથી લઈને ધાર્મિક રીતે સંવેદનશીલ હોય એ તમામ માહિતી આપવી જરૂરી હોય છે. ઓલિમ્પિકમાં જુદી જુદી ફૂડ હેબિટ્સ ધરાવતા લોકોનો મેળાવડો જામે છે એટલે એકેય ભોજનમાં મરચું નથી નંખાતું, જેને જોઈએ એ અલગથી ચિલી પાવડર નાંખી શકે છે. યુરોપના અનેક દેશોના એથ્લેટ ફક્ત ફેટા ચીઝ જ ખાય છે, તો ઓલિમ્પિક વિલેજમાં તે પણ ઉપલબ્ધ હોય છે. આ ચીઝ ઘેંટાના દૂધમાંથી બનાવાઈ હોય છે. આ ઉપરાંત અનેક દેશોની ટીમોએ તેમના એથ્લેટની મેડિકલ જરૂરિયાત પ્રમાણે ખાસ પ્રકારના ભોજનની વ્યવસ્થા કરવાનું સૂચન કર્યું હોય તો તે પણ તૈયાર કરવાનું હોય છે.

આ બધી જ તૈયારીની સાથે ઓલિમ્પિકમાં યજમાન દેશે પોતાના વાયબ્રન્ટ કલ્ચરનું પણ પ્રદર્શન કરવાની તક ઝડવાની હોય છે. રિયો ઓલિમ્પિક વિલેજમાં પણ એક ખાસ રેસ્ટોરન્ટ તૈયાર કરાઈ છે, જ્યાં વિશ્વભરના એથ્લેટ બ્રાઝિલની એક એકથી ચડિયાતી આરોગ્યપ્રદ વાનગીઓની મજા માણી શકે છે.

ગોલ્ડ જીતવા ઘોડાઓનું પણ ડાયેટ

ઓલિમ્પિકમાં એથ્લેટ જેવી જ દેખભાળ ઘોડાઓની પણ કરવી પડે છે. હા, ઘોડાઓની. ઓલિમ્પિકમાં ઈક્વિસ્ટ્રિયન એટલે કે ઘોડેસવારીને લગતી ત્રણ સ્પર્ધા યોજાય છે. રિયો ઓલિમ્પિકમાં પણ જુદી જુદી ઈક્વિસ્ટ્રિયન ચેમ્પિયનશિપ માટે ૪૩ દેશ ક્વૉલિફાય થયા છે.




આ તમામ દેશો રિયોમાં પોતપોતાના ઘોડા લઈને આવ્યા છે. આ ઘોડાઓના ડાયેટની જવાબદારી પણ યજમાન દેશની જ હોય છે. હોર્સ જમ્પિંગ જેવી સ્પર્ધામાં ઘોડાને ફક્ત ૪૦ મિનિટ પ્રેક્ટિસ કરાવાય છે, જેના માટે એક જ વખતમાં ઘોડો વીસ હજાર કેલરી જેટલું ઘાસ અને શાકભાજી ખાઈ જાય છે. એક પણ ઘોડાને પ્રતિબંધિત દવા ના અપાઈ હોય એના ટેસ્ટમાંથી પસાર થવું પડે છે. આ પ્રકારના ટેસ્ટ વખતે ઘોડાની માનસિક તંદુરસ્તી જળવાઈ રહે એ માટે પણ તેના કેપ્ટને તેની આળપંપાળ કરવી પડે છે.   

આમ, ઓલિમ્પિક એ સ્પોર્ટ્સની સાથે મેગા ફૂડ ફેસ્ટિવલ પણ છે. આ મેગા ઈવેન્ટ પર દુનિયાભરની નજર હોય છે એટલે જ ઓલિમ્પિકના રસોડાનું મેનેજમેન્ટ 'મિલિટરી ડિસિપ્લિન'થી કરવું પડે છે. આ તો ફક્ત ઓલિમ્પિકની તૈયારીની વાત થઈ. વિશ્વ સ્તરીય એથ્લેટ પેદા કરવા સરકારોએ વર્ષો પછીનું વિચારીને જડબેસલાક આયોજન કરવું પડે છે. બોલ્ટ, ફેલ્પ્સ કે સેરેના જેવા મહાન ખેલાડીઓ બસ એમ જ પેદા નથી થતા!

***

જંક ફૂડ અને ફૂડ વેસ્ટનો વિવાદ

માસિનો બોકુરા
ઓલિમ્પિકમાં મેક્ડોનાલ્ડ્સ અને કોકા કોલા સૌથી મોટા સ્પોન્સર પૈકીના એક છે. કોકા કોલા વર્ષ ૧૯૨૮થી  અને મેક્ડોનાલ્ડ્સ વર્ષ ૧૯૭૬થી ઓલિમ્પિક સ્પોન્સર કરે છે. ઓલિમ્પિકમાં ભાગ લેતા કેટલાક એથ્લેટના પર્સનલ સ્પોન્સર પણ કોક અને મેક્ડોનાલ્ડસ હોય છે. આ કારણસર છેલ્લાં ઘણાં વર્ષોથી અમેરિકા સહિતના દેશોમાં આ બંને કંપનીઓને ઓલિમ્પિક સ્પોન્સરશિપ નહીં આપવાની માગ ઊઠી છે.  કોક અને મેક્ડોનાલ્ડ્સનો વિરોધ કરનારાનું કહેવું છે કે, સ્પોર્ટ્સ, ફિટનેસ અને ફિઝિકલ સ્ટ્રેન્થની બોલબાલા હોય ત્યાં જંક ફૂડનું માર્કેટિંગ કેવી રીતે થઈ શકે! જોકે, રિયો સહિત દરેક ઓલિમ્પિક વિલેજમાં મેક્ડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટ હોય જ છે, જ્યાં ૨૪ કલાક દરેક એથ્લેટને જે જોઈએ એ ફ્રી ઓફ ચાર્જ મળે છે. ઓલિમ્પિક વિલેજના કુલ ભોજનના દસેક ટકા જરૂરિયાત મેક્ડોનાલ્ડ પૂરી કરે છે. જોકે, મેક્ડોનાલ્ડની બધી જ વાનગી બિનઆરોગ્યપ્રદ છે એવી વાત કંપનીએ વિવિધ પુરાવા આપીને ફગાવી દીધી છે.

આ ઉપરાંત ફૂડ વેસ્ટને લઈને ઓલિમ્પિકમાં વિવાદ સર્જાઈ ચૂક્યા છે. જોકે, લંડન ઓલિમ્પિક ૨૦૧૨થી ફૂડ વેસ્ટમાંથી જરૂરિયાતમંદો માટે 'બેસ્ટ ફૂડ'ની યોજના અમલમાં મૂકાઈ છે. રિયો ઓલિમ્પિકમાં પણ તમામ ફૂડ વેસ્ટમાંથી આરોગ્યપ્રદ વાનગીઓ તૈયાર કરાઈ રહી છે. આ કામ ઈટાલિયન રેસ્ટોરન્ટના વિખ્યાત શેફ  માસિનો બોકુરાને સોંપાયું છે. બોકુરાની ઈટાલિયન રેસ્ટોરન્ટ માસિમો ફ્રેસેકાનાને વર્ષ ૨૦૧૬ની વર્લ્ડ બેસ્ટ ૫૦ રેસ્ટોરન્ટની યાદીમાં સ્થાન મળ્યું છે.

નોંધ: રિયો ઓલિમ્પિક ન્યૂઝ રૂમ અને સોશિયલ મીડિયા પર મંગાવેલી એક્સક્લુસિવ માહિતીના આધારે...

13 February, 2014

ઈતિહાસનો સૌથી વિવાદાસ્પદ સોચી વિન્ટર ઓલિમ્પિક

રશિયાના સોચી શહેરમાં સાતમી ફેબ્રુઆરીથી શરૂ થયેલો વિન્ટર ઓલિમ્પિક ધારણા કરતા વધુ વિવાદાસ્પદ રહ્યો છે. સોચી શહેરમાં ઓલિમ્પિક શરૂ થવાનો હતો પહેલાં ભ્રષ્ટાચાર, સમલૈંગિક એથ્લેટના માનવાધિકારો, ઓલિમ્પિક દરમિયાન સમલૈંગિકોના અધિકારોની તરફેણ કરતા જૂથોની દેખાવ કરવાની ધમકી તેમજ રશિયા અને તેના પાડોશી દેશોના આતંકવાદી જૂથોની ધમકી જેવા કારણોસર પહેલેથી વિવાદમાં હતો. બધા વિવાદો વચ્ચે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને ખુલ્લા મૂકેલા ઓલિમ્પિક ઓપનિંગ સેરેમનીમાં થયેલા કેટલાક ગોટાળાંએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. જોકેઆંતરરાષ્ટ્રીય સંબંધોના જાણકારોએ તો ત્યાં સુધી કહી દીધું છે કે, રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને પોતાને પ્રોજેક્ટ કરવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે શક્તિ પ્રદર્શન કરવા ઓલિમ્પિક મંચનો દુરુપયોગ કર્યો છે.

વર્ષ 1991માં યુએસએસઆરનું વિભાજન થયું પછી રશિયામાં પહેલીવાર વિન્ટર ઓલિમ્પિક યોજાયો છે. વર્ષ 1980માં રશિયાના મોસ્કો શહેરમાં સમર ઓલિમ્પિકનું આયોજન કરાયું હતું. 23મી ફેબ્રુઆરીએ પૂરા થનારા 22માં વિન્ટર ઓલિમ્પિકમાં ફિગર સ્કેટિંગ, સ્કેટિંગ, સ્કિઇંગ અને સ્નો બોર્ડ જેવી કુલ 15 રમતોના 98 ઇવેન્ટ યોજાવાનું ચાલુ થઈ ગયું છે. સોચી વિન્ટર ઓલિમ્પિક પર પહેલેથી રાજકીય રંગ લાગી ગયો છે અને 23મી ફેબ્રુઆરીએ પૂર્ણાહુતિ સમારંભ યોજાશે ત્યાં સુધી તેની ગણના અત્યાર સુધીના સૌથીપોલિટિકલ ઓલિમ્પિકતરીકે થઈ ગઈ હશે. સોચી ઓલિમ્પિકની ગણના અત્યાર સુધીના સૌથી ખર્ચાળ ઓલિમ્પિક તરીકે પણ થાય છે. સોચી ઓલિમ્પિકનું શરૂઆતનું બજેટ 12 બિલિયન યુએસ ડૉલર હતું, પરંતુ ઓલિમ્પિકનો ખર્ચ વધીને 51 બિલિયન અમેરિકન ડૉલર થઈ ગયો છે. સોચી ઓલિમ્પિકે વર્ષ 2008ના બેજિંગનો ખર્ચ 44 બિલિયન યુએસ ડૉલર થયો હતો, જેનો રેકોર્ડ સોચી વિન્ટર ઓલિમ્પિકે તોડી નાંખ્યો છે.

સોચી વિન્ટર ઓલિમ્પિકનું ભવ્ય ઓલિમ્પિક વિલેજ

ઓપનિંગ સેરેમનીમાં કરાયેલી આતશબાજીનું એક દૃશ્ય  

સોચી ઓલિમ્પિકના આયોજકોએ દુનિયા સામે વટ પાડી દેવા માટે હાઈ-ફાઈ ઓલિમ્પિક વિલેજ, ટેલિકોમ્યુનિકેશન, વીજળી અને ટ્રાન્સપોર્ટેશન સહિતના માળખા પાછળ બેફામ ખર્ચ કર્યો છે. જોકે, હાઈફાઈ ઓપનિંગ સેરેમનીમાં સૌથી પહેલો ગોટાળો ઓલિમ્પિક રિંગને લઈને સર્જાયો હતો. સોચી ઓલિમ્પિકના આયોજકોએ એવું આયોજન કર્યું હતું કે, વિશ્વના પાંચ ખંડોનું પ્રતિનિધિત્વ કરતી ડિઝાઈનર ઓલિમ્પિક રિંગને ફાયરવર્ક્સની મદદથી સ્ટેજ લાવવામાં આવશે, જે ધીમે ધીમે મૂળ આકારમાં આવીને એકબીજા સાથે જોડાઈ જશે. પરંતુ તેમાંની એક રિંગ મૂળ આકારમાં આવતી નથી. વિશ્વ સામે વટ પાડી દેવા આતુર રશિયાનો ગંભીર છબરડો જોઈને ઓલિમ્પિક વિલેજમાં હાજર લોકો રીતસરના ડઘાઈ ગયા હતા. ઓપનિંગ સેરેમનીનું જીવંત પ્રસારણ કરતી રશિયાની સરકારી ચેનલરોસિયા-1’ છબરડાના ફૂટેજ કટ કરવા પડ્યા હતા. રશિયાએ કબૂલ્યું છે કે, સ્ટેજ મેનેજરે પાયરોટેક્નિક્સ (આતશબાજીથી કલા-કારીગરી બતાવવાની પદ્ધતિ) પરનો કમાન્ડ ગુમાવી દેવાના કારણે છબરડો થયો હતો.

ઉપરાંત ઓલિમ્પિક ટોર્ચ લઈને આવેલા લોકોમાં અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા પર વંશીય ટિપ્પણી કરનારી ફિગર સ્કેટર એથ્લેટ ઈરિના રોડનિનાનો પણ સમાવેશ થતો હતો. ઈરિનાએ સપ્ટેમ્બર, 2013માં ટ્વિટર પર બરાક ઓબામા અને મિશેલ ઓબામાની એક મોર્ફ્ડ તસવીર અપલોડ કરી હતી. એવું કહેવાય છે કે, તસવીરમાંકેળાના ભૂખ્યાઓબામાની સરખામણી પ્રતીકાત્મક રીતે વાંદરા સાથે કરાઈ હતી. અંગે ટ્વિટર પર વિરોધ થતા રોડનિનાએ કહ્યું હતું કે, “ફ્રિડમ ઓફ સ્પિચ એટલે ફ્રિડમ ઓફ સ્પિચ, તમે તમારું સંભાળો.” એવી રીતે, રશિયામાં સમલૈંગિક વિરુદ્ધ કાયદો છે અને રશિયન પોલીસ સમલૈંગિકોના અધિકારો માટે લડતા દેખાવો કરતા લોકો સામે ખૂબ કડક હાથે કામ લે છે. રશિયન સરકારે રૂઢિચુસ્તોની ખફગી નહીં વ્હોરવાના આશયથી સમલૈંગિકો વિરુદ્ધ કાયદો બનાવ્યો છે વાત સોચી ઓલિમ્પિકમાં સાબિત થઈ ગઈ છે. કારણ કે, ઓલિમ્પિક ઓપનિંગ સેરેમનીમાં લિના કટિના અને જુલિયા વોલ્કોવાએનોટ ગોન્ના ગેટ યુએસનામનું ગીત હાથમાં હાથ પરોવીને ગાયું હતું. બંને ગાયિકાઓએ સ્ટેજ પર લેસ્બિયન હોવાનો અભિનય કરીને ગીત રજૂ કર્યું હતું.

ઓલિમ્પિક રિંગનો છબરડો 

ઓબામાના વિવાદાસ્પદ મોર્ફ્ડ પિક્ચરની ટ્વિટ

વિવાદાસ્પદ ટ્વિટ કરનારી ઈરિના રોડનિના
ઓપનિંગ સેરેમનીમાં વાંચન કરી રહેલા બ્રિટિશ ક્વિન

સોચી વિન્ટર ઓલિમ્પિક શરૂ થવાનો હતો એના ઘણાં સમય પહેલાંથી સમલૈંગિકોના હક્કો અને માનવાધિકારો મુદ્દે આંતરરાષ્ટ્રીય તખ્તા પર રાજકારણ રમાવાનું શરૂ થઈ ગયું હતું. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ સમલૈંગિકોના અધિકારો મુદ્દે સોચીમાં હાજરી આપવાનું ટાળીને ફક્ત એક પ્રતિનિધિમંડળ મોકલીને સંતોષ માન્યો હતો. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કલ અને બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરૂન સહિત વિશ્વના કેટલાક દેશોએ સોચીમાં કોઈને કોઈ કારણોસર હાજરી નહીં આપીને રશિયાને નીચું દેખાડવાનો પ્રયાસ કર્યો છે. બ્રિટનના પ્રિન્સેસ એને ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપી હતી, પરંતુ તેઓ સ્ટેજ પરના કાર્યક્રમનો આનંદ લેવાના બદલે પુસ્તક વાંચતા નજરે પડ્યા હતા. જોકે, સોચી ઓલિમ્પિકમાં યુનાઈટેડ નેશન્સના સેક્રેટરી જનરલ બાન કી મૂન તેમજ ચીન, જાપાન સહિતના કુલ 66 દેશના વડાએ હાજરી આપી હતી.

સોચી વિન્ટર ઓલિમ્પિકમાં અનેક છબરડાં થયા તો થયા જ છે, એની સાથે ઓલિમ્પિક વિલેજમાં એથ્લેટ અને પત્રકારો માટેનું આયોજન પણ અત્યંત અણઘડ હતું. પરિણામે વિવિધ દેશોના એથ્લેટ અને પત્રકારોએ ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સની મદદથી જાતભાતના નિવેદનો અને પિક્ચર અપલોડ કરીને રશિયાની પરેશાનીમાં વધારો કર્યો છે. ઓલિમ્પિક વિલેજમાં અધૂરુ બાંધકામ કરાયેલી હોટેલો, સિંક લિકેજ, ઊભરાતી ગટરો, ખાણીપીણીમાં જીવડાંની ફરિયાદો કરી રહ્યા છે. પરંતુ સોચી વિન્ટર ઓલિમ્પિકના આયોજકો મોટા ભાગની હોટેલના રૂમમાં વ્લાદિમિર પુતિનની તસવીર મૂકવાનું નથી ભૂલ્યા. એવી રીતે, આંતરરાષ્ટ્રીય મીડિયા જૂથોના કેટલાક પત્રકારોના રૂમમાં પીવાનું પાણી અને ઈન્ટરનેટ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નથી. હોટેલ રૂમના સિંકમાં જે પાણી આવે છે તેનાથી મ્હોં નહીં ધોવાની હોટેલ મેનેજર સલાહ આપી રહ્યા છે. કારણ કે, તેમાં કોઈજોખમી રસાયણોહોઈ શકે છે. સોચી ઓલિમ્પિક વિલેજ સાફસૂથરું દેખાય માટે રખડતાં કૂતરાઓને ઝેર અપાયું છે, જેની ઓલિમ્પિક વિલેજમાં લાશો પડેલી દેખાઈ રહી છે. મુદ્દે આયોજકો એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટોનો પણ વિરોધ સહન કરી રહ્યા છે. રખડતા પશુઓને ઝેર આપવાની મંજૂરી ખુદ વ્લાદિમિર પુતિને આપી હોવાના અહેવાલોના કારણે પુતિન સામે પણ તેઓ રોષે ભરાયા છે.

મધમાં મધમાખીની ટ્વિટ 

એથ્લેટના રૂમમાં પુતિનની તસવીરો 

પુતિનની ગર્લફ્રેન્ડ  એલિના ટોર્ચબેરરની ભૂમિકામાં 

આવી ફરિયાદોથી સ્વાભાવિક રીતે ઉહાપોહ મચી ગયો છે. સીએનએન જેવા પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય મીડિયા જૂથે પણ ફરિયાદ કરી છે કે, તેઓએ પાંચ મહિના પોતાના પત્રકારો માટે રૂમ બુક કરાવ્યા હોવા છતાં તેમને પ્રાથમિક સુવિધાઓ મળી નથી. રશિયન મીડિયાના મતે, તેમના દેશને વિશ્વ સમક્ષ નીચો દેખાડવા માટે પશ્ચિમી દેશોના પત્રકારો દરેક વાતને બઢાવી ચઢાવીને રજૂ કરી રહ્યા છે. રશિયાએ ખૂબ મહેનતથી ચાળીસ હજાર બેઠકો ધરાવતું સ્ટેડિયમ તૈયાર કર્યું છે. આટલું મોટું આયોજન કરાઈ રહ્યું હોય ત્યારે તે બિલકુલ ખામી ના રહે શક્ય નથી. રશિયન મીડિયાની વાતમાં સત્યનો અંશ જરૂર છે. વાતમાં કોઈ શંકા નથી કે અમેરિકા અને યુરોપના દેશો રશિયાને નીચું દેખાડવાના ભરપૂર પ્રયાસ કર્યા છે. પરંતુ સામે પક્ષે ઓલિમ્પિક જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના રમતગમત સમારંભમાં રશિયાએ ગોટાળાની હારમાળા સર્જીને બીજા દેશોને રાજકારણ ખેલવાની તક આપી છે.

પશ્ચિમી મીડિયાના સમાચારોથી ઉશ્કેરાઈને રશિયાના નાયબ વડાપ્રધાન દમિત્રિ કોઝાકે દલીલ કરી છે કે, અમારી પાસે હોટેલના રૂમમાં ભાંગફોડ કરાયાના સર્વેઇલન્સ ફૂટેજ છે. લોકો પાણીના નળ બંધ કર્યા વિના હોટેલ રૂમ છોડીને જતા રહે છે... ખેર, નાયબ વડાપ્રધાનની દલીલ પછીપ્રાઈવેસીમાટે અત્યંત સંવેદનશીલ અમેરિકન અને યુરોપિયનો ભડક્યા હતા. છેવટે દમિત્રિ કોઝાકના પ્રવક્તાએ વૉલ સ્ટ્રીટ જર્નલ સમક્ષ ફેરવી તોળ્યું હતું કે, “...નાયબ વડાપ્રધાનથી ભૂલથી બોલી ગયા છે. હોટેલ રૂમમાં અમે સર્વેઇલન્સ કેમેરા નથી લગાવ્યા.”

રશિયાએ ભવ્યાતિભવ્ય ઓપનિંગ સેરેમની યોજીને વિશ્વને કંઈક બતાવી દેવાનો પ્રયાસ જરૂર કર્યો છે, પણ આટઆટલા છબરડાં પછીય એ પ્રયાસ કઢંગો સાબિત થયો છે. યુરોપિયન મીડિયા પણ રશિયાને વિશ્વ સમક્ષ નીચું પાડવા સોચી વિન્ટર ઓલિમ્પિકની નાની ભૂલોને પણ બઢાવી-ચઢાવીને રજૂ કરી રહ્યું છે અને સોચી ઓલિમ્પિકનેપુતિન્સ ઓલિમ્પિકનું બિરુદ પણ આપી દીધું છે. ઓપનિંગ સેરેમની વખતે ટેનિસ ખેલાડી મારિયા શારાપોવા ઓલિમ્પિક ટોર્ચ લઈને સ્ટેડિયમમાં પ્રવેશે છે અને ભૂતપૂર્વ જિમ્નાસ્ટ એલિના કાબેએવાને સોંપે છે. એલિના એક સમયે પુતિનની ગર્લફ્રેન્ડ હતી હજુ તેઓ એલિના પ્રત્યે કુણી લાગણી ધરાવે છે, એવા અહેવાલો વિશ્વભરના માધ્યમોમાં ચમક્યા હતા. આ તમામ સમાચારોના તાણાવાણા જોડ્યા પછી એટલું ચોક્કસ કહી શકાય કે, વ્લાદિમિર પુતિને દુનિયાને કંઈક બતાવી દેવાના નશામાં ગંભીર ભૂલો કરી છે અને સોચી વિન્ટર ઓલિમ્પિકને અત્યાર સુધીનો સૌથીપોલિટિકલ ઓલિમ્પિકસાબિત કરી દીધો છે

નોંધઃ તમામ તસવીરો ઈન્ટરનેટ પરથી લીધી છે.