Showing posts with label ગૂગલ. Show all posts
Showing posts with label ગૂગલ. Show all posts

17 December, 2018

ફેસબૂકની દુનિયામાં ડીલિટ ડેટાનો પણ ધીકતો ધંધો


ફેસબૂક, ગૂગલ, ટ્વિટર કે એમેઝોન જેવી શૉપિંગ સાઈટ્સ યુઝર્સના ડેટા ચોરી લે છે એ તો જૂની વાત થઈ ગઈ. હવે બીજી એક મુશ્કેલી શરૂ થઈ છે. ઈન્ટરનેટ જગતની ફેસબૂક જેવી તમામ લોકપ્રિય કંપનીઓ યુઝર્સે ડીલિટ કરી દીધેલા ડેટાનો પણ ધીકતો ધંધો કરે છે. આ પ્રકારના ધંધાના પ્રકાર જ ફક્ત જુદા જુદા હોય છે. કમ્પ્યુટરમાં તમે તમારો ડીલિટ કરેલો ડેટા રિસાઇકલ બિનમાં જાય, અને, તમે ત્યાંથી પણ તેને ડીલિટ કરી દો તેનો અર્થ એ થાય કે એ ડેટા હવે હંમેશા માટે નેસ્તનાબૂદ થઈ ગયો. જોકે, આ વાત કમ્પ્યુટર સિસ્ટમ સુધી જ લાગુ પડે છે. જો તમે ફેસબૂક કે ગૂગલ કે ટ્વિટર જેવા કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ પર સક્રિય હોવ તો આ નિયમ લાગુ પડતા નથી.

દુનિયામાં અનેક આઈટી એન્જિનિયર્સ કે હેકરો સાબિત કરી ચૂક્યા છે કે, તમે સોશિયલ મીડિયામાં ફિડ કરેલો ડેટા ડીલિટ કરી દીધો હોય તો પણ એ જ ડેટા 'ગૂગલિંગ' કરતા બીજી વાર પણ દેખાઈ શકે છે. એરિક સ્મિટ્સ ગૂગલના ચેરમેન હતા ત્યારે એકવાર જાહેરમાં એવું બોલ્યા હતા કે, 'ઈન્ટરનેટની દુનિયામાં ડીલિટના બટનનો અભાવ એ ચિંતાનો વિષય છે.' સ્મિટ્સનું નિવેદન જ સાબિત કરે છે કે, યુઝર્સ ડેટા ડીલિટ કરીને ભ્રમમાં રહે છે. થોડું ઘણું ટેકનિકલ જ્ઞાન ધરાવતો કોઈ પણ યુઝર 'પ્રયોગો' કરીને ફેસબૂક જેવી સાઈટ પરથી ડીલિટ કરેલો ડેટા પાછો લાવી શકે છે. 





આપણે સોશિયલ મીડિયામાં કોઈ પણ વેબસાઈટ પર એકાઉન્ટ બનાવીએ ત્યારે મોટા ભાગે 'પ્રાઈવેસી પોલિસી' વાંચતા નથી. ફેસબૂકની વાંચજો. ફેસબૂકે તેમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, 'અમે ડીલિટ કરેલું કન્ટેન્ટ ચોક્કસ સમય સુધી બેકઅપ કોપી તરીકે સચવાયેલું હોઈ શકે છે...' આ વાક્યમાં ફેસબૂકે 'ચોક્કસ સમય' માટે 'રિઝનેબલ પીરિયડ' શબ્દનો ઉપયોગ કર્યો છે. આ રિઝનેબલ પીરિયડ એટલે કેટલો સમય? આ વાતનો ફોડ પાડવાનું ફેસબૂકને જરૂરી નથી લાગતું. કેટલી ગંભીર વાત છે! સોશિયલ મીડિયાની સૌથી જાયન્ટ કંપની યુઝર્સનો ડેટા ડીલિટ નથી કરતી અને કહેતી પણ નથી કે, એ ડેટા તેમની પાસે ક્યાં સુધી રહેશે! એ ડેટાનું તેઓ શું કરે છે એ પણ આપણને ક્યારેય જાણવા મળતું નથી. જોકે, ફેસબૂક આપણી પર દયા કરતી હોય એમ લખે છે કે, 'જોકે, તમારો ડીલિટ કરેલો ડેટા બીજા માટે ઉપલબ્ધ નથી...'

ટૂંકમાં, ફેસબૂક આડકતરી રીતે એમ કહે છે કે, તમારો ડેટા બીજા નહીં જોઈ શકે પણ અમે તેનો 'ઉપયોગ' કરી શકીએ છીએ. ફેસબૂકની પ્રાઈવેસી પોલિસી કેટલી વિવાદાસ્પદ છે તેનું બીજું એક ઉદાહરણ જોઈએ. ફેસબૂક લખે છે કે, 'યુઝર્સ ફેસબૂક પરથી તેમનો ડેટા ડીલિટ કરે ત્યારે કેટલીક માહિતી અમારા સર્વર પરથી કાયમ માટે ડીલિટ થઈ જાય છે, પરંતુ કેટલીક માહિતી ત્યારે જ ડીલિટ થાય છે જ્યારે તમે તમારું ફેસબૂક એકાઉન્ટ ડીલિટ કરો...

બોલો! કેટલીક માહિતી ડીલિટ નથી થતી તેનો અર્થ શું? કેટલીક એટલે કેટલી? ફેસબૂક કઈ માહિતી ડીલિટ નથી કરતું? આ કોઈ સવાલનો જવાબ આપણો પણ ફેસબૂકને જરૂરી નથી લાગતો. આ વાત પરથી એવી શંકા થાય છે કે, ફેસબૂક યુઝર્સની નહીંવત માહિતી જ ડીલિટ થવા દે છે, જ્યારે મોટા ભાગની માહિતીનો તે કાયમ માટે સંગ્રહ કરી લે છે! ફેસબૂક અહીં નથી અટકતી. એ બિન્દાસ કહે છે કે, કેટલીક માહિતી ત્યારે જ ડીલિટ થાય છે, જ્યારે તમે તમારું એકાઉન્ટ કાયમ માટે ડીલિટ કરો. આ વાત સમજો. ફેસબૂક એકાઉન્ટ કાયમ માટે ડીલિટ કર્યા પછી પણ 'કેટલીક' માહિતી જ ડીલિટ થાય છે. વળી, ફેસબૂક એકાઉન્ટ તાત્કાલિક ડીલિટ થઈ શકતું નથી. તમે ફેસબૂક એકાઉન્ટ ડીલિટ કરો ત્યારે તે થોડા દિવસનો સમય લે છે. આ દરમિયાન યુઝર ફરી લોગ-ઇન કરે તો એકાઉન્ટ ડીલિટ થતું નથી.

પશ્ચિમી દેશોમાં ડેમોક્રેસી, પ્રાઈવેસી અને ફ્રિડમ ઓફ એક્સપ્રેશન જેવા મુદ્દે સોશિયલ મીડિયાને કેન્દ્રમાં રાખીને વિચારવાની ક્યારનીય શરૂઆત થઈ ગઈ છે. ફેસબૂકનો ઉદય થયા પછી પશ્ચિમી મીડિયા સતત એ સવાલ ઉઠાવી રહ્યું છે કે, ફેસબૂક એકાઉન્ટ ડીલિટ કરવાની પ્રક્રિયા આટલી ધીમી કેમ? જોકે, ફેસબૂક પર તેની કોઈ અસર નથી. ફેસબૂક અને બ્રિટનની કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીનું ડેટા ચોરી કૌભાંડ બહાર આવ્યા પછી માર્ક ઝકરબર્ગ પર તવાઈ આવશે એવું લાગ્યું હતું, પરંતુ એવું કશું થયું નથી. ફેસબૂક જેવા પ્લેટફોર્મ પર થર્ડ પાર્ટી ઘૂસણખોરી કરીને યુઝર્સનો ડેટા ચોરે ત્યારે આ મુદ્દો વધારે જટિલ થઈ જાય છે. જેમ કે, ફેસબૂક અને બ્રિટીશ કંપની કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીનું કૌભાંડ. આ કંપનીએ અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રચાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ફેસબૂક પર આવી અનેક થર્ડ પાર્ટી ડેટાની લાલચમાં વિચરતી હોય છે. 

કેમ્બ્રિજ એનાલિટિકા ફેસબૂક પર ઓનલાઈન સર્વે અને એપ સર્વિસ આપીને શું કરતી હતી એ વાત ફેસબૂક જાણતી જ ના હોય એવું હોઈ શકે? માર્ક ઝકરબર્ગ સામે તવાઈ આવી એટલે તેમણે ફેસબૂક પરથી કેમ્બ્રિજ એનાલિટિકાનું એકાઉન્ટ ડીલિટ કરવાનો આદેશ આપી દીધો અને એક સત્તાવાર નિવેદન ફટકારી દીધું કે, ફેસબૂકની ડિજિટલ ફોરેન્સિક ટીમ કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીની એક્ટિવિટીનું ઓડિટ કરશે. બસ, રાત ગઈ, બાત ગઈ. એ પછી આ કેસમાં શું થયું એ વિશે શંકાસ્પદ રીતે કશું બહાર આવ્યું જ નહીં. 

આપણું ઓનલાઈન બિહેવિટર ગૂગલ કે ફેસબૂક પૂરતું મર્યાદિત નથી. આ બે પ્લેટફોર્મ સિવાય પણ આપણી ઓનલાઈન હાજરી હોય છે. આપણા મોબાઈલ નંબરો, બેંકોના ડેબિટ-ક્રેડિટ કાર્ડ, આધાર અને લાયસન્સ જેવા અનેક પુરાવાની મદદથી થર્ડ પાર્ટી ડેવલપર્સ કે એડવર્ટાઈઝર્સ સતત આપણો ડેટા ભેગો કરે છે. આ ડેટાનો તેઓ પોતે ઉપયોગ કરે છે અથવા વેચે છે. યાહૂ અને ટમ્બલર જેવી કંપનીઓ યુઝર્સનો ડેટા ડીલિટ કરવાની ખાતરી આપીને પોતાનું માર્કેટિંગ કરે છે, અને, આવી ખાતરી આપ્યા પછી પણ  તેઓ કહે છે કે, તમે ડીલિટ કરેલી માહિતીનો બીજા દ્વારા ઉપયોગ થતો હોઈ શકે છે. 

કોઈ પણ આઈટી કંપની થર્ડ પાર્ટી તમારા ડેટાનો ઉપયોગ નહીં કરે એવી ગેરંટી આપી શકતી નથી. પશ્ચિમી દેશો પણ આ દુષણને કાબૂમાં રાખી શકતા નથી કારણ કે, આ ૨૧મી સદીમાં અસ્તિત્વમાં આવેલા નવા પ્રકારના અનૈતિક કામ છે અને તેને રોકવાના કાયદા જ નથી. આ કંપનીઓ સાબિત કરી દે છે કે, ડેટા એનાલિસિસ કરવું એ અમારો હક છે અને કાયદો એ સાબિત નથી કરી શકતો કે, ડેટા એનાલિસિસ એ કાયદા વિરોધી છે. તમને જાણીને નવાઈ લાગશે. ઈન્ટરનેટની દુનિયામાંથી તમારો ડેટા ડીલિટ કરવાની સર્વિસ આપતી કંપનીઓ પણ છે. આ કંપનીઓનું કહેવું છે કે, અમારા ગ્રાહકો અમને ડેટા ડીલિટ કરવાના પૈસા નથી ચૂકવતા, પરંતુ ડેટા હંમેશા માટે ડીલિટ થઈ ગયો છે એવી ખાતરી આપવાના પૈસા ચૂકવે છે. 

આ પ્રકારના સર્વિસ પ્રોવાઈડર ફેસબૂક જેવી કંપનીઓની પ્રાઈવેસી પોલિસીને અદાલતોમાં પડકારીને ડેટા ડીલિટ કરાવી આપે છે. ભારત જેવા દેશોમાં લોકો પ્રાઈવેસીને લઈને ગંભીર નથી, પરંતુ અમેરિકા અને યુરોપિયન દેશોમાં એવું નથી. આ દેશોના નાગરિકો તો 'રાઈટ ટુ બી ફોરગોટન'ને લઈને પણ અતિ સંવેદનશીલ છે. રાઈટ ટુ બી ફોરગોટન એટલે ભૂલવાનો અધિકાર. હા, ગૂગલ અને ફેસબૂક જેવી વેબસાઈટો તમને તમારો ખરાબ ભૂતકાળ યાદ કરાવ્યા કરે તો તમે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકો છો. 

મારિયો કોસ્ટેજા ગોન્ઝાલેસ નામના એક સ્પેનિશે ૨૦૦૯માં ગૂગલ પર કેસ કર્યા પછી રાઈટ ટુ બી ફોરગોટનની બોલબાલા વધી ગઈ હતી. એકવાર મારિયો ગૂગલિંગ કરી રહ્યો હતો ત્યારે તેને જાણવા મળ્યું કે, સોળ વર્ષ પહેલાં તે આર્થિક તંગી અનુભવતો હતો ત્યારે તેણે તેનું ઘર વેચી દીધું હતું. એ પછી તો મારિયોએ સારી એવી કમાણી કરી પણ ગૂગલમાંથી હજુ એ માહિતી ભૂંસાઈ ન હતી. એટલે તેણે સ્પેનના રાઈટ ટુ બી ફોરગોટન કાયદા હેઠળ ગૂગલ પર કેસ કર્યો. યુરોપિયન ડેટા પ્રોટેક્શનની કલમ ૧૭ પણ તમામ વ્યક્તિને રાઈટ ટુ બી ફોરગોટન આપે છે. આ કેસનો ચુકાદો આપતી વખતે યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસે કહ્યું હતું કે, લોકોનો ડેટા કંટ્રોલ કરતી ગૂગલ જેવી કંપનીઓ કોઈ વ્યક્તિની વિનંતી પછી ડેટા ડીલિટ નહીં કરે તો તેમને આકરો દંડ ફટકારવામાં આવશે.

પ્રાઈવેસી મુદ્દે અત્યંત સંવેદનશીલ અમેરિકા અને યુરોપિયન દેશોએ આ ચુકાદાને વધાવી લીધો હતો. જોકે, ફ્રી સ્પિચ અને ફ્રી ઈન્ફોર્મેશનના કટ્ટર સમર્થકોએ યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસના ચુકાદાની આકરા શબ્દોમાં ટીકા કરતા કહ્યું હતું કે, જે માહિતી અખબારોમાં આવી ગઈ તેને ગૂગલ પરથી દૂર કરવાનો શું અર્થ? આ દલીલને ફગાવી દેતા યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસે કહ્યું હતું કે, આ પ્રકારની માહિતી અખબારોમાં ભલે આવી, એ માહિતી સહેલાઈથી મળતી નથી, પરંતુ ગૂગલ જેવા સર્ચ એન્જિન કોઈની જૂની અપ્રસ્તુત માહિતીને શોધવાનું કામ વધારે સરળ બનાવે છે. એટલે યુઝરની વિનંતી પછી તે દૂર કરવી જ જોઈએ. 

પશ્ચિમી દેશો આઈટી કંપનીઓને સાણસામાં લેવા એકબીજાના કાયદાનો અભ્યાસ કરીને નવા કાયદા ઘડવાની તૈયારી કરી રહ્યા છે. ભારતમાં પણ ફેસબૂકના ૫૦ કરોડથી વધારે યુઝર્સ છે. અહીં પણ ફેસબૂક જેવા માધ્યમોની મદદથી લોકશાહી સાથે ખિલવાડ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વિદેશી કંપનીઓ ભારતીયોના ડેટા વેચી રહી છે, ચોરી રહી છે અને તેનો દુરુપયોગ કરી રહી છે, પરંતુ આપણને કેમ ચિંતા નથી?

21 March, 2018

ભારત વર્લ્ડ ક્લાસ ટેક કંપની કેમ ઊભી ના કરી શકે?


ઈન્ડિયન કલ્ચરમાં સફળતાનો માપદંડ એકેડેમિક એક્સલન્સ પર આધારિત છે. અહીં સફળતા એટલે ભણો, શીખો, પ્રેક્ટિસ કરો અને સારી જોબ લઈને સારું જીવન જીવો. અહીં પણ ઘણું ખરું સિંગાપોર જેવું જ છે. ભણો અને ભણો, સખત કામ કરો, એમબીએ કરો, તમારી પાસે મર્સીડિઝ હોવી જોઈએ, પણ ક્રિએટિવિટી ક્યાં છે? તમારું વર્તન પ્રેડિક્ટેબલ થઇ જાય ત્યારે ક્રિએટિવિટી ખતમ થઇ જાય છે. અહીં બધા જ સરખા છે...

એપલના કો-ફાઉન્ડર સ્ટિવ વોઝનિયાક ગયા મહિને નવી દિલ્હીમાં યોજાયેલી ગ્લોબલ બિઝનેસ સમિટમાં ભાગ લેવા આવ્યા ત્યારે તેમણે આ વાત કરી હતી. કેટલાકે વોઝનિયાકના નિવેદનને વખોડયું, તો કેટલાકે ઓવર સિમ્પ્લિફિકેશન કરીને કોરસ ગાન શરૂ કર્યું કે, વોઝનિયાક ઈઝ રાઈટ. અહીં કોઇ રિસ્ક લેતું નથી, કોઈ એક્સપિરિમેન્ટ્સ કરતું નથી અને એ દિશામાં ખાસ કોઇ ડેવલપમેન્ટ પણ નથી... વગેરે વગેરે. વોઝનિયાકે મીડિયા સાથેની વાતચીતમાં ટેક્નોલોજી કંપનીઓના સંદર્ભમાં આ મુદ્દો ઉપાડયો હતો. એ પણ ખૂબ સાહજિકતાથી અને બિલકુલ કડવાશ વિના. તેમણે કહ્યું પણ ખરું કે, હું કંઈ પુરાતત્ત્વવિદ નથી. હું ભારતીય સંસ્કૃતિને સારી રીતે જાણતો નથી, પરંતુ ભારતીય ટેક કંપનીઓ કંઇ કાઠું કાઢી રહી હોય એવું મને દેખાતું નથી. અહીં મોટી કંપની કઇ છે, કદાચ ઇન્ફોસીસ? પરંતુ ઇન્ફોસીસમાં કશું ક્રાંતિકારી કામ નથી રહ્યું અને આ વાત હું પહેલાં પણ ત્રણ વાર કરી ચૂક્યો છું...

આ મુદ્દે વોઝનિયાકની ઝાટકણી કાઢીને આખા મુદ્દાનું ઓવર સિમ્પ્લિફિકેશન નથી કરવું. આપણને ખરેખર એવો સવાલ થવો જ જોઈએ કે, ભારતમાં ટેક્નોલોજી કંપનીઓ કેમ સફળ નથી થતી? માનવ જીવનને બદલી નાંખે એવી ટેક્નોલોજી લાવવામાં ભારત કેમ સરેઆમ નિષ્ફળ છે? અહીં આપણે આ સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ કરીશું. લેટ્સ સ્ટાર્ટ.  

એપલ શરૂ કરી ત્યારે સ્ટિવ વોઝનિયાક અને સ્ટિવ જોબ્સ 

ભારતની ઈન્ફોસીસ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ પ્રા. લિ. જેવી મહાકાય આઈટી કંપનીઓનું ટેક્નોલોજીમાં પ્રદાન નહીંવત છે. વાત સાચી. છેલ્લાં કેટલાક સમયમાં આઈટી કંપનીઓના રિસર્ચ અને ઈનોવેશનના કારણે માણસના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા છે, પરંતુ ૨૦૧૭ના ફોર્ચ્યુન ૫૦૦ કંપનીની યાદીમાં ફક્ત સાત ભારતીય કંપની છે અને એમાંની ત્રણ પ્રાઈવેટ છે: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ અને રાજેશ એક્સપોર્ટ્સ. આ ત્રણમાંથી એકેયે ટેક્નોલોજી કંપની નથી. અહીં ટેક કંપનીનો અર્થ સમજવા જેવો છે. આ પ્રકારની કંપનીઓ માનવજીવનમાં ધરખમ ફેરફારો કરવા કોઇ ક્રાંતિકારી સંશોધન કરે છે, ઇનોવેશનને પ્રોત્સાહન આપે છે અને એ માટે વધુને વધુ પૈસા ખર્ચે છે.

આવી કંપનીની વાત થાય એટલે સૌથી પહેલાં મગજમાં લેરી પેજ અને સર્ગેઇ બ્રિનની ગૂગલ કે બિલ ગેટ્સની માઇક્રોસોફ્ટનું નામ દિમાગમાં આવે. ઇલોન મસ્કની ટેસ્લા પણ એવી જ કંપની છે. ઈન્ટરનેટની મદદથી આખું વિશ્વ માઉસની ક્લિક પર આપી દીધા પછી ગૂગલ ડ્રાઇવરલેસ કારથી લઇને એવા સંખ્યાબંધ પ્રોજેકટ્સ પર કામ કરે છે, જે માણસનું જીવન બદલી નાંખશે. માઇક્રોસોફ્ટ વર્ચ્યુઅલ રિયાલિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દિશામાં કામ કરી રહી છે. ટેસ્લા આખી દુનિયાનું ટ્રાન્સપોર્ટેશન સરળ બનાવવા તનતોડ મહેનત કરી રહી છે. ડેલ કમ્પ્યુટર્સ કે એપલે કન્ઝ્યુમર ડિઝાઇનિંગના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું છે. એપલ પાસે તો ૯,૮૦૦ ડિઝાઇનિંગ પેટન્ટ છે. દુનિયાની ૪૧ ટકા પેટન્ટ તો એકલા અમેરિકા પાસે છે, ૨૮ ટકા સાથે જાપાન બીજા નંબર છે અને ત્રીજા નંબરે ૧૫ ટકા સાથે નાનકડું દક્ષિણ કોરિયા છે.

તો ભારતીય કંપનીઓ ક્યાં કાચી પડે છે? આ મુદ્દો સમજવા આપણે સિમ્પ્યુટરનું ઉદાહરણથી લઇએ. ભારતીય વિજ્ઞાની ડૉ. સ્વામી મનોહરની આગેવાનીમાં સાત વિજ્ઞાનીએ પર્સનલ કમ્પ્યુટરનો વિકલ્પ બની શકે એવું હેન્ડી કમ્પ્યુટર વિકસાવ્યું, જેનું નામ હતું સિમ્પ્યુટર. સિમ્પ્યુટર વિકસાવવા નવેમ્બર ૧૯૯૯માં સિમ્પ્યુટર ટ્રસ્ટ પણ બનાવાયું હતું. આ ટ્રસ્ટનો હેતુ જ સસ્તું કમ્પ્યુટર વિકસાવીને ભારતમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાનો હતો. બજારમાં આવતા જ ૫૦ હજાર સિમ્પ્યુટર વેચાઇ ગયા. કર્ણાટકે જમીનોના રેકોર્ડ તૈયાર કરવા, નાની લોનોનું દસ્તાવેજીકરણ કરવા અને છત્તીસગઢે ઇ-એજ્યુકેશન માટે સિમ્પ્યુરનો ઉપયોગ કર્યો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ઓટોમોબાઇલ એન્જિનની ખામીઓ શોધવા અને ગોવાએ ખાણકામમાં ટ્રેકિંગ કરવા સિમ્પ્યુટરનો ઉપયોગ શરૂ કર્યો. અનેક રાજ્યોએ ટ્રાફિક ગુનો કરતા લોકોને શોધવા અને મેમો ફાડવા ટ્રાફિક પોલીસને સિમ્પ્યુટર આપ્યા. યુકે અને ઘાના વચ્ચે ઇલેક્ટ્રોનિક મની ટ્રાન્સફરમાં પણ સિમ્પ્યુટરનો ઉપયોગ શરૂ થયો.

સ્ટિવ વોઝનિયાક ભારત આવ્યા ત્યારે

ટૂંકમાં, મની ટ્રાન્સફરથી લઈને દસ્તાવેજીકરણ અને વેધર, ખેડૂતોને મદદ કરવા કોમોડિટી પ્રાઈઝિંગ જેવા ક્ષેત્રમાં સિમ્પ્યુટરે ધમાકો મચાવી દીધો. આ સ્ટાઇલિશ ફૂલ્લી ટચસ્ક્રીન ગેજેટને 'ન્યૂયોર્ક ટાઇમ્સ'એ ૨૦૦૧નું 'કમ્પ્યુટર ટેક્નોલોજીની દુનિયાનું સૌથી મહત્ત્વનું ઇનોવેશન' ગણાવ્યું હતું. જોકે, શરૂઆતમાં મળતી અણધારી સફળતાથી જીવનભર સફળતા નથી મળ્યા કરતી. સિમ્પ્યુટરના સર્જકો પણ હોશિયાર જ હતા, તેમનો હેતુ સારો હતો પણ ૨૦૦૬માં સિમ્પ્યુટરનું ઉત્પાદન બંધ કરવું પડયું. કેમ ખબર છે? કારણ કે, તેમની પાસે ઉત્તમ ગુણવત્તા ધરાવતું હાર્ડવેર ઉત્પાદન કરવા મૂડી જ નહોતી. ભારતીયો ધર્મના નામે અબજોનું દાન કરે છે પણ રિસર્ચ-ઇનોવેશન માટે આપણા વિજ્ઞાનીઓ પાસે મૂડીનો સતત અભાવ હોય છે. સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ખ્યાલ ધરાવતા સ્ટાર્ટ અપને વેન્ચર કેપિટલિસ્ટ મળતા નથી. ભલે પછી તે ગમે તેવા સોશિયો-ઇકોનોમિક પરિવર્તનો કરવા સક્ષમ હોય. આપણને ફક્ત ઇશ્વરમાં શ્રદ્ધા છે પણ જીવતા જાગતા માણસોમાં નહીં.

આ સ્થિતિમાં ઇનોવેશન કરીને માર્કેટમાં કેવી રીતે ટકી શકાય? ભારતની પણ એકેય કંપનીએ સિમ્પ્યુટરને બચાવવાનો પ્રયાસ ના કર્યા. આપણી કંપનીઓની 'કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી'ના ખયાલાત ગ્લોસી પેજમાં તૈયાર કરેલા એન્યુઅલ રિપોર્ટની રંગીન તસવીરોમાં કેદ છે. સિમ્પ્યુટર પ્રોજેક્ટની નિષ્ફળતા હજુયે પ્રસ્તુત છે. એક કંપનીને માર્કેટમાં ટકી રહેવા મૂડી જોઈએ અને સ્કિલ્ડ વર્કર્સનો ફોર્સ જોઇએ. જો એવું હોય તો જ પ્રોડક્ટમાં ક્રાંતિકારી સુધારા થઈ શકે. ભારતીય કંપનીઓના કર્તાહર્તાઓ આ સ્થિતિમાં ઘી હોમવાનું કામ કરે છે. તેઓ પશ્ચિમી દેશોના કોર્પોરેટ્સ કરતા પણ વધુ મની માઈન્ડેડ છે. આ લોકો સ્માર્ટ બિઝનેસના નામે રિસર્ચ કરતા નથી અને કરવા દેતા નથી. તેમને ઝડપી અને વધુ રિટર્ન જોઇએ છે. રિસર્ચ માટે કરાતો ફિઝુલ ખર્ચ તો કંપનીની બેલેન્સ શીટ બગાડવા બરાબર છે. ભારતીય કંપનીની જેમ, એક સરેરાશ ભારતીય પણ આવી જ માનસિકતા ધરાવે છે. આ લોકો પર શેરબજાર હાવી છે.

ભારતમાં ટેક કંપનીઓનો વિકાસ નહીં થવા માટે બીજું પણ એક મહત્ત્વનું કારણ છે. ભારતની આઝાદીને ફક્ત ૭૦ વર્ષ થયા છે અને આટલા વર્ષોમાં આપણી પાસે ખાસ કોઈ મૂડી ઊભી થઈ નથી. ઊલટાનું,  અંગ્રેજોએ ભારતના અર્થતંત્રને જબરદસ્ત ફટકા માર્યા પછી આપણને આઝાદી આપી હતી, જ્યારે પશ્ચિમના વિકસિત દેશો દાયકાઓથી જંગી મૂડી ઊભી કરી રહ્યા છે. ભારતની તો વસતી પણ સતત વધી રહી છે, જે બહુ જ મોટા મધ્યમ અને ગરીબ વર્ગને જન્મ આપી રહી છે. વસતીની સાથે મોંઘવારી પણ વધી રહી છે અને એટલે જ આપણા દેશમાં પૈસો સામાન્ય માણસને સુરક્ષાની ભાવના આપે છે. આપણું માળખું કુટુંબલક્ષી છે. ભારતનું સામાજિક માળખું પણ યુવાનોને ફક્ત 'સેટલ' થવાનું પ્રોત્સાહન આપે છે. વળી, સંતાનોને સારું ભણાવીને સેટલ કરવાની જવાબદારી માતા-પિતાની છે અને સંતાનો પાસે અપેક્ષા રખાય છે કે, તેઓ ઘડપણમાં મા-બાપની સારસંભાળ રાખે.

સ્વામી મનોહર સિમ્પ્યુટર સાથે 

એવી જ રીતે, પશ્ચિમના વિકસિત દેશોમાં નાગરિકોની મૂળભૂત ‘જવાબદારી’ સરકારો લે છે. તેઓ માટે 'પૈસો એ જ પરમેશ્વર' ના હોય એ સમજી શકાય છે. પૈસો સુખ નથી ખરીદી શકતો એ કિતાબી વાતો છે. વ્યાસપીઠ પર બેસીને આ પ્રકારના ઉપદેશો આપવા સહેલા છે, પરંતુ એક સામાન્ય માણસો આ બધી વાતો એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખે છે. ચપોચપ વેચાતા પુસ્તકો પર નજર કરી જોજો. આજના યુવાનોને ઝડપથી સફળ થવાની અને કરોડપતિ થવાની ટીપ્સ વધારે આકર્ષે છે.

આપણી યુનિવર્સિટીઓ પણ એ જડ સામાજિક માળખું તોડવામાં મદદ કરવાના બદલે રિસર્ચ, પ્રેક્ટિકલને નહીં પણ જોબ પ્લેસમેન્ટને મહત્ત્વ આપે છે. સ્કૂલોમાં ગૂગલ પર સર્ચ કરતા શીખી ગયા પણ 'ઇન્ફોર્મેશન પોલ્યુશન'ના જમાનામાં હીરા અને કાંકરા જુદા કરવાની દિશા યુનિવર્સિટીઓએ બતાવવાની હોય. જો કોઈ એન્જિનિયરો કંઈક નવું કરવા માંગતા હોય તો ભારતમાં તેમને યોગ્ય વાતાવરણ જ નથી મળતું, જેથી તેઓ વિદેશી કંપનીઓમાં કામ કરવા જતા રહે છે. જેમ કેગૂગલમાં સુંદર પિચાઇ. જો એ દુ:ખી થવા જેવી બાબત નથી તો ખુશ થવા જેવી બાબત પણ નથી જ. 'ટાઈમ્સ હાયર એજ્યુકેશન'ના યુનિવર્સિટી રેન્કિંગ રિપોર્ટ પ્રમાણે, ટોપ ૨૦૦ યુનિવર્સિટીમાં ભારતની એક પણ નથી. ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સ-બેંગલુરુ જેવી ઈન્સ્ટિટટયુટનો નંબર પણ ૨૫૦થી ૩૦૦ની વચ્ચે આવે છે. આપણે બધી બાબતમાં ચીન સાથે સરખામણી કરીએ છીએ પણ ચીનની બે યુનિવર્સિટી ટોપ ૩૦૦માં છે અને સાત ટોપ ૨૦૦માં છે.

ભારતનો જીડીપી ૧૯૯૦ સુધી ચીનના જીડીપીના ૮૩ ટકા જેટલો હતો, જ્યારે ૨૦૧૧ સુધીમાં આ આંકડો ૪૩ ટકાએ પહોંચી ગયો હતો. ચીનને આ સફળતા રાતોરાત નથી મળી. ચીન સજ્જડ યુનિવર્સિટી સિસ્ટમ ઊભી કરવામાં સફળ રહ્યું હોય તો જ અલીબાબા, હ્યુઆવેઇ અને ટેન્સેન્ટ હોલ્ડિંગ જેવી કંપનીઓ ઊભી થઈ શકે. આ કારણસર ચીન વૈશ્વિક અર્થતંત્રમાં પણ ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ચીન ભારતની જેમ ફક્ત 'બજાર' નથી પણ દાયકાઓથી મેન્યુફેક્ચરિંગ હબ છે. કદાચ એટલે જ ચીનના સ્કિલ્ડ વર્કર સારી રીતે જાણે છે કે, આજના જમાનાની જરૂરિયાત શું છે. જેમ કે, આઈ ફોનનું ઉત્પાદન પણ ચીનમાં થાય છે. અમેરિકાની વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ચાઈનીઝ વિદ્યાર્થીઓની સંખ્યા પણ ભારત કરતા બે ગણી છે. ગ્લોબલ ટેલેન્ટેડ વર્ક ફોર્સમાં ભારત કરતા ચીનની ભાગીદારી વધારે છે. ચીન પાસે ભારત કરતા અનેકગણા વધારે આંત્રપ્રિન્યોર છે, જે નોકરી કરવાનું નહીં નોકરીઓ કેવી રીતે ઊભી કરીએ એ દિશામાં વિચારે છે. ફોર્ચ્યુન ૫૦૦ યાદીમાં ચીનની ૧૧૫ કંપની છે.     

ખેડૂતોથી લઈને ટ્રાફિક પોલીસ પાસે સિમ્પ્યુટર 

આઝાદી પછીના સાત દાયકામાં ભારત તેની 'વૈવિધ્યસભર' મુશ્કેલીઓ સામે લડી લડીને ઘણું આગળ વધ્યું છે. એ માટે આપણા ખૂબ સમય અને પૈસા ખર્ચાયા છે, પરંતુ હવે ફક્ત ને ફક્ત મજબૂત શિક્ષણ પદ્ધતિ પાછળ સંપૂર્ણ શક્તિ ખર્ચવાનો સમય આવી ગયો છે. નવી નવી મુશ્કેલીઓ ઊભી કરીને દેશની મહામૂલી મૂડી વેડફવાનું આપણને પોસાય એમ નથી. આ વાત સમજવા રોકેટ સાયન્ટિસ્ટ નહીં પણ સજ્જ નાગરિક હોઇએ એટલું કાફી છે.

આશા રાખીએ કે, ભારતમાં ઝડપથી આ પરિવર્તનનો પવન ફૂંકાય અને એ જોવા વોઝનિયાક જીવતા હોય!

20 December, 2017

ગૂગલ કે ફેસબૂક જેવા 'ડિજિટલ દેશો'નો સુપરપાવર


લોકશાહીમાં પ્રજાને મત આપવાનો હક મળે છે. એ 'મત' પ્રજાનો અભિપ્રાય (ઓપિનિયન) અને અવાજ (વોઇઝ) છે. લોકતાંત્રિત પદ્ધતિમાં રાજ કરવા નેતાઓને પ્રજાની સંમતિ મળે છે પણ એ 'અધકચરી' હોય છે. એટલે જ લોકશાહી શાસનની સર્વોત્તમ પદ્ધતિ નથી, પરંતુ શાસન કરવાનો તેનાથી સારો વિકલ્પ પણ બીજો કોઈ નથી. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા હોવા છતાં ઈન્ટરનેટ પર હજારો લોકો તેમને કેમ ધિક્કારી રહ્યા છે? અમેરિકાની જ થિંક ટેન્ક પ્યૂ રિસર્ચે કરેલા સર્વેક્ષણ પ્રમાણે, ફક્ત વીસ ટકા અમેરિકનોને વ્હાઈટ હાઉસમાંથી ચાલતી સરકારમાં વિશ્વાસ છે. આવું કેમ? આ પ્રકારના પ્રશ્નોના કારણે લોકશાહી સામે પણ આંગળી ચીંધાવી સ્વાભાવિક છે, અને ચીંધાવી જ જોઈએ. જાહેર ચર્ચાવિમર્શથી જ લોકશાહી વધુ પરિપક્વ બને છે.

આ તો સ્ટેટ, નેશન એટલે કે ભારત, ચીન, અમેરિકા અને બ્રિટન જેવા દેશોની વાત થઈ, પરંતુ ઈન્ટરનેટ યુગમાં ફેસબૂક અને ટ્વિટર જેવા 'નેટ સ્ટેટ' કે 'ડિજિટલ સ્ટેટ' પણ અસ્તિત્વમાં આવ્યા છે. હવે દુનિયામાં ફક્ત સ્ટેટ-નેશનનો ઈજારો નથી. આપણે ડિજિટલ દેશોના યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ. ભારત જેવા દેશો પૃથ્વી પર છે, જ્યારે ફેસબૂક, ટ્વિટર કે ઈન્સ્ટાગ્રામ જેવા દેશો ઈન્ટરનેટ પર. પાયાનો ફર્ક આટલો જ છે, બાકી બંને પ્રકારના દેશ વચ્ચે ઘણી સામ્યતાઓ છે. સાચુકલા દેશોની જેમ ડિજિટલ દેશમાં પણ જુદા જુદા અભિપ્રાયો આપતા લોકો છે. ત્યાં પણ રાજકીય પક્ષો છે, જૂથો (ગ્રૂપ્સ) છે, વાડાબંધી છે, સમાજ છે, વિચારોનું આદાનપ્રદાન છે અને અસામાજિક તત્ત્વો પણ છે.




એક સીધાસાદા ઉદાહરણથી આ મુદ્દો સમજીએ. જેમ કેફેસબૂક એક નેટ સ્ટેટ કે ડિજિટલ સ્ટેટ છે. ફેસબૂકના કુલ યુઝર્સ બે અબજ છે, જેને ફેસબૂક નામના દેશની વસતી ધારી લઈએ. ચીનની વસતી ૧.૪૦ અબજ છે એટલે ફેસબૂક પર મૂકાતા અભિપ્રાયો કેટલા મહત્ત્વના છે એ સમજી શકાય એમ છે. ફેસબૂક પર પણ દેશમાં હોય છે એવો બોલકો વર્ગ છે. આ વર્ગનો અવાજ બુલંદ છે અને વત્તે-ઓછે અંશે તેની અસર ચૂંટણીઓ પર પડે છે. ઈન્ટરનેટના કારણે આખું વિશ્વ એક ગામડું (ગ્લોબલ વિલેજ-વિશ્વગ્રામ) બની રહ્યું હોવાથી ડિજિટલ દેશોની અવગણના ના કરી શકાય. ડિજિટલ દેશમાં કોમ્યુનિકેશન અત્યંત ઝડપી છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતની અસર ફ્રાંસ, બ્રિટન કે ભારત પર પણ પડી શકે છે. અત્યારે એ અસર ઓછી હશે, પરંતુ ભવિષ્યમાં એ વધશે. 

ડિજિટલ દેશમાં અલ કાયદા, ઇસ્લામિક સ્ટેટ જેવા આતંકવાદી જૂથો પણ છે. આ પ્રકારના નાના-મોટા વિધ્વંસક જૂથો વાંદરા જેવા છે, જે ઈન્ટરનેટની નિસરણી પર ચઢીને દુનિયાભરમાં આતંક-અરાજકતા ફેલાવી રહ્યા છે. ઈન્ટરનેટના કારણે જ શસ્ત્રો વિનાનું યુદ્ધ વધુ ગંભીર બની ગયું છે. સોશિયલ મીડિયામાં ખેલાતા યુદ્ધમાં ગોળીઓ નથી છૂટતી પણ વિધ્વંસક વિચારોની મિસાઇલો છૂટે છે. આ વિચારો ગમે ત્યાં ગોળીઓ છોડાવી શકે છે. ઇસ્લામિક સ્ટેટે ફેસબૂક, ટ્વિટર અને યુ ટ્યૂબ પર કરેલા કુપ્રચારના કારણે જ અમેરિકાથી લઈને યુરોપ સુધી કત્લેઆમ થઈ રહી છે. કટ્ટરવાદી વિચારધારાનો ફેલાવો પણ પરમાણુ હથિયારો જેટલો જ ખતરનાક છે.

કટ્ટરવાદી વિચારો એક દેશ માટે જેટલા ખતરનાક છે, નાથી પણ વધુ જોખમી ડિજિટલ દેશોમાં છે કારણ કે, આ દેશો ખુદ એક ‘કોમ્યુનિકેશન ચેનલ’ છે. કટ્ટરવાદના ઝેરની અસર પેઢી દર પેઢી આગળ વધતી રહે છે અને ડિજિટલ દેશમાં તો તે જંગલની આગની જેમ ફેલાય છે. જોકે, ડિજિટલ દેશના ‘નેટિઝન’ આવું કંઈ વિચારતા નથી. ત્યાં તો લાઈક્સ, હીટ્સ, કોન્ટેક્ટ્સ, બિઝનેસ અને ફાસ્ટફૂડિયા વિચારોની બોલબાલા છે. સત્ય, આદર્શ, સિદ્ધાંતોનું પાલન કરવા હિંમત અને ધીરજ જોઈએ પણ એ બધું બોરિંગ છે, જ્યારે ઘાંટા પાડીને કહેવાતા જૂઠમાં થ્રીલ છે. તેમાં દલીલબાજી કરીને સામેવાળાને ચૂપ કરી દેવાનો વિકૃત આનંદ પણ મળે છે. બાવા, બાપુ, બાબા અને ક્યારેક પત્રકારોનું હળવું ચિંતન મમળાવતી પ્રજા લાંબુ વિચારવાની તસ્દી ના લેતી હોય તો એમાં નવાઈ ના લાગવી જોઈએ. આ પ્રકારની પ્રજા મનલુભાવન અને ઉપરથી તાર્કિક લાગતી જૂઠી દલીલો ગોખીને પલાયનવાદ સ્વીકારી લે છે. કમનસીબે, તેમાં મીડિયોકર લેખકો-કોલમકારો (પત્રકારો નહીં)નો પણ સમાવેશ થાય છે. જાહેરમાં શાબ્દિક હિંસા પર ઉતરવાને મર્દાનગી સમજતા એ કલમઘસુઓના કારણે જ સામાન્ય નાગરિકો પણ તેમના જેવું જ (મીડિયોકર) બોલતા અને વિચારતા શીખતા જાય છે. 





જોકે, ડિજિટલ દેશની એક વાત સારી છે. ત્યાં ખેલાતા યુદ્ધ મોટા ભાગે અહિંસક હોય છે, જેથી વિધવાઓ અને અનાથોની સંખ્યા વધતી નથી. ગૂગલફેસબૂક અને ટ્વિટર જેવા ડિજિટલ દેશની સરખામણી અમેરિકા જેવા સુપરપાવર સાથે પણ કરી શકાય કારણ કે, તેઓ પણ વિકસિત દેશોની જેમ બીજા દેશોમાં બિઝનેસ કરવા શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવતા ખચકાતા નથી. આ દેશોમાં પણ નાના-નાના જૂથો હોય છે. એ લોકોને પાર્ટી-શાર્ટી અને ફન, ફિલ્મ્સ સિવાય બીજા કશામાં રસ નથી. ઈન્ટરનેટ પર આવેલા ઈન્સ્ટાગ્રામ કે સ્નેપચેટ કંઈક એવા જ ડિજિટલ દેશો છે. આ પ્રકારના દેશો પૃથ્વી પરના સંપૂર્ણ વિકસિત દેશો જેવા છે, જ્યાં લગભગ બધું જ સુંદર અને સારું છે અને ત્યાંની લાઈફ સ્મૂધ એન્ડ સ્લો છે. જેમ કે, અત્યંત સુખી-સમૃદ્ધ સ્કેન્ડેનેવિયન દેશો. યુરોપના સ્કેન્ડેનેવિયા નામના પ્રદેશમાં આવેલા ડેનમાર્ક, નોર્વે, સ્વિડન, ફિનલેન્ડ અને આઈસલેન્ડ વગેરે સ્કેન્ડેનેવિયન દેશો તરીકે ઓળખાય છે.

એ દેશોમાં બધાને બધુ સહેલાઈથી મળી ગયું છે, પરંતુ મુશ્કેલી ભારત કે અમેરિકા જેવા દેશોની છે. એટલે જ આ દેશોમાં એક્ટિવિઝમ છે. ડિજિટલ સ્ટેટની સાથે ડિજિટલ એક્ટિવિઝમનો પણ જન્મ થયો છે. વિકિલિક્સ અને એનોનિયમ્સ જેવા હેક્ટિવિસ્ટ (હેકર+એક્ટિવિસ્ટ) અમેરિકા જેવા સુપરપાવરની સાથે ગૂગલ જેવા ડિજિટલ દેશોને પણ આડકતરી રીતે ભીંસમાં રાખે છે. તંદુરસ્ત લોકશાહીમાં એ પણ આવકાર્ય છે. ડિજિટલ દેશોના 'નાગરિકો'ની રાષ્ટ્રીયતા જુદી જુદી હોય છે. જેમ કેફેસબૂક કે ટ્વિટર જેવા ડિજિટલ સ્ટેટના યુઝર્સ ફક્ત એક જ દેશમાં નથી રહેતા પણ દુનિયાભરમાં ફેલાયેલા છે. આ બધા જ નાગરિકો જુદા જુદા દેશ, ધર્મ, જાતિ, રંગના હોવા છતાં સહેલાઈથી એકબીજા સાથે જોડાઈને 'એક' થઈ રહ્યા છે, જે ભવિષ્યના સોશિયલ મીડિયાની સૌથી મોટી તાકાત હશે!

આ વાત પણ એક ઉદાહરણથી સમજીએ. ઈન્ટરનેટની દુનિયાના સુપરપાવર ગણાતા ગૂગલે ૨૦૧૩માં  સારું કામ કરતી નાની-નાની ન્યૂઝ વેબસાઇટને સાયબર હુમલાથી બચાવવા 'પ્રોજેક્ટ શિલ્ડ' ચાલુ કર્યો હતો. આ યોજનાનો હેતુ ચૂંટણીઓ વખતે મતદારો જાગૃત થાય એવું કન્ટેન્ટ પીરસતી, માનવાધિકારોને પ્રોત્સાહન આપતી તેમજ વાણી સ્વાતંત્ર્ય જેવા મૂલ્યોની તરફેણ કરતી ન્યૂઝ વેબસાઈટને ઓનલાઈન ગુંડાગીરી સામે ફ્રીમાં સુરક્ષા પૂરી પાડવાનો હતો. એ માટે ગૂગલે કેટલાક ધારાધોરણો બનાવીને અમુક વેબસાઇટ પસંદ કરી. એ પસંદગી કરતી વખતે ગૂગલે એ વેબસાઇટ કયા દેશની છે એ ના વિચાર્યું, પણ ગૂગલે ફક્ત કન્ટેન્ટના આધારે એ વેબસાઇટોની પસંદગી કરી હતી. આમ પણ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર તરાપ મારવામાં આવે ત્યારે સ્પિરિટ બતાવવામાં મેઇન સ્ટ્રીમ કરતા સોશિયલ મીડિયા વધુ આક્રમક પુરવાર થાય છે કારણ કે, તેનો ઢાંચો જ લોકતાંત્રિક છે. છાપા કે ચેનલમાં સામાન્ય વ્યક્તિનો સીધો કોઈ અવાજ નથી હોતો, પરંતુ સોશિયલ મીડિયામાં એ ખામી નથી. 




ગૂગલના પ્રોજેક્ટ શિલ્ડ સામે અમેરિકા કે યુરોપિયન દેશોને વાંધો ન હતો, પરંતુ આફ્રિકા, એશિયાના દેશોએ આ યોજનાને ગેરકાયદે ગણાવી હતી. એટલું જ નહીં, કેટલાક દેશોમાં પ્રોજેક્ટ શિલ્ડને ગૂગલનું કાવતરું કે ગોરખધંધા પણ ખપાવી દેવાઈ હતી. જોકે, હજુયે આ યોજના ચાલુ છે કારણ કે, પ્રોજેક્ટ શિલ્ડ સાથે ગૂગલનો પાયાનો સામાજિક પરિવર્તનનો ખ્યાલ પણ વણાયેલો છે. આ પ્રકારની યોજનાઓથી ગૂગલને ખાસ કોઈ આર્થિક ફાયદો છે જ નહીં. એવી જ રીતે, ઇન્ટરનેટ પર એનોનિયમ્સ નામનો ડિજિટલ દેશ ઘણાં સમયથી સાયન્ટોલોજી નામના વિજ્ઞાન આધારિત ધર્મ વિરુદ્ધ આક્રમક અભિયાન ચલાવી રહ્યો છે. આ ડિજિટલ દેશ ગૂગલથી ઘણો અલગ છે. સાયન્ટોલોજીના વિરોધ મુદ્દે બધાનો અભિપ્રાય અલગ હોઈ શકે છે, પરંતુ એનોનિયમ્સે ગેરકાયદે રીતે સારું કામ કરીને સારી એવી લોકપ્રિયતા હાંસલ કરી છે. 

ઈસ્લામિક સ્ટેટે નવેમ્બર ૨૦૧૫માં પેરિસમાં આતંકવાદી હુમલો કર્યો એ પછી એનોનિયમ્સના યુઝર્સે (નાગરિકો) આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા વીસ હજાર ટ્વિટર એકાઉન્ટ હેક કરી દીધા હતા. એનોનિયમ્સની ઓનલાઈન આર્મીએ આ કામ ફક્ત ૪૮ કલાકમાં પાર પાડ્યું હતું. જે કામ માટે સરકારે ચોક્કસ ગાઇડલાઇન અનુસરવી પડે, પેપર વર્ક કરવું પડે અને ઘણો બધો સમય બરબાદ કરવો પડે, એ જ કામ એનોનિયમ્સના ‘બળવાખોર નાગરિકોએ’ ગણતરીના કલાકોમાં પૂરું કરી દીધું. પૃથ્વી પરના દેશોની જેમ ડિજિટલ દેશો પણ આ પ્રકારની ગુપ્ત સત્તા-શક્તિનો દુરુપયોગ કરી શકે છે. ભવિષ્યમાં એ બધું વિચારીને પણ કાયદા-કાનૂન બનશે. 

આજે ભારત કે અમેરિકા જેવા દેશો પણ બિનસત્તાવાર રીતે હેકરોની મદદ લે જ છે, પરંતુ તેની અનેક મર્યાદા છે. આ પ્રકારના કામમાં વિવિધ દેશો સાથે થયેલી આંતરરાષ્ટ્રીય સંધિઓનો ભંગ થવાનું જોખમ રહે છે અને ક્યાંક કાચું કપાય તો જવાબ આપવો ભારે પડી શકે છે, જ્યારે ડિજિટલ દેશોને 'પવિત્ર ગાય' જેવું બંધારણ કે કાયદા-કાનૂનનો ડર હોતો જ નથી. આ સ્થિતિનો ફાયદો ઉઠાવવા જ અમેરિકા, ચીન અને રશિયા જેવા દેશોએ ઈન્ટરનેટના વિકસિત ડિજિટલ દેશોનો વ્યૂહાત્મક લાભ લેવાનું શરૂ કરી દીધું છે. 

ગૂગલ કે ફેસબૂક જેવા ડિજિટલ દેશો ઈન્ટરનેટ પર મોટી 'જમીનો' કબજે કરીને અમેરિકા, યુરોપ, એશિયા અને આફ્રિકાના કરોડો લોકો સુધી પહોંચી ગયા છે, જેની માહિતી યુગમાં અવગણના ના કરી શકાય. 

નોંધઃ પ્રતીકાત્મક તસવીરો ગૂગલ પરથી લીધી છે. 

13 December, 2016

૨૧મી સદીમાં ગૂગલનું સામ્રાજ્ય


નેવુંના દાયકામાં ઈન્ટરનેટની પહેલી તેજી આવી ત્યારે એવું કહેવાતું કે, ૨૧મી સદીમાં ઈન્ટરનેટ જે વ્યક્તિના જીવનનો અભિન્ન હિસ્સો બની ગયું હશે તેઓ ઈન્ડિયન, અમેરિકન કે ચાઈનીઝ સિટીઝનની જેમ 'નેટિઝન' તરીકે ઓળખાશે! એટલે જ ધુરંધર ફ્યુચરોલોજિસ્ટ એલ્વિન ટોફલરે ગૂગલનો ઉદ્ભવ થયો એ પહેલાં ભવિષ્ય ભાખ્યું હતું કે, ૨૧મી સદી માહિતી યુગની હશે! ગૂગલની શોધ થતા જ આ વાત વધુને વધુ મજબૂત રીતે સાબિત થવાની શરૂઆત થઈ ગઈ હતી. ગૂગલ તમામ પ્રકારની માહિતીનો સ્રોત નહીં, ધસમસતો ધોધ છે.

હાલના ગૂગલના ફેલાવાની સરખામણી રોમ કે બ્રિટીશ સામ્રાજ્ય સાથે કરી શકાય! ગ્રીસના એલેક્ઝાન્ડર ધ ગ્રેટે છેક ભારત સુધી રોમન સામ્રાજ્ય ફેલાવ્યું હતું. એ પછી મજબૂત શાસકો તરીકે બ્રિટીશરોનો ઉદ્ભવ થયો. બ્રિટીશરોનું સામ્રાજ્ય પણ દુનિયાભરમાં વિસ્તરેલું હતું. પૃથ્વીના પશ્ચિમ ગોળાર્ધમાં સૂરજ ડૂબે તો પૂર્વ ગોળાર્ધમાં ઊગે અને પૂર્વ ગોળાર્ધમાં ડૂબે તો પશ્ચિમ ગોળાર્ધમાં ઊગે. એ ન્યાયે પૃથ્વીના બંને ગોળાર્ધના અનેક દેશોમાં બ્રિટીશરોનું શાસન હોવાથી એવું કહેવાતું કે, બ્રિટીશ સામ્રાજ્યનો સૂરજ કદી ડૂબતો નથી. જોકે, રોમન રાજાઓ હોય કે બ્રિટીશ શાસકો, આ તમામે પોતાનું સામ્રાજ્ય ફેલાવવા ખૂબ લાંબો સમય લીધો અને કત્લેઆમ પણ કરી, પરંતુ ગૂગલે એક પણ ગોળી છોડ્યા વિના ફક્ત બે દાયકામાં અમર્યાદ સત્તા હાંસલ કરી છે. એટલું જ નહીં, ગૂગલે પ્રાચીન રોમ કે બ્રિટીશ સામ્રાજ્ય કરતા વધારે દેશોમાં કબજો કર્યો છે. હાલ દુનિયાના ૯૬ ટકા માનવ વિસ્તારની સૌથી લોકપ્રિય વેબસાઈટ ગૂગલ અથવા યૂ ટ્યૂબ છે. નવેમ્બર ૨૦૦૬માં ગૂગલે ૧.૬૫ અબજમાં યૂ ટ્યૂબ પણ ખરીદી લીધી હતી.




ગૂગલ આપણને સર્ચ, ઈ મેઈલ, યૂ ટ્યૂ, મેપ્સ, ટ્રાન્સલેટ, પ્લસ, ફોટોઝ, ડ્રાઈવ, કેલેન્ડર, બુક્સ અને ક્રોમ સહિતની તમામ સુવિધા ફ્રીમાં આપે છે. કદાચ આ ફ્રી સર્વિસના કારણે જ ઈન્ટરનેટ સિટીઝન 'ગૂગલ સિટીઝન' બની ગયા છે. આપણે એન્ડ્રોઈડ સ્માર્ટફોન ખરીદીએ ત્યારે પણ ગૂગલ કોન્ટેક્ટથી માંડીને ફોટોગ્રાફ્સ, ફાઈલ્સ જેવો બધો ડેટા સાચવવાની ફ્રી સુવિધા આપે છે. વર્ષ ૨૦૧૬માં એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો માર્કેટ શેર ૮૭.૬ ટકા હતો, જ્યારે આઈ ફોનનો માંડ ૧૧.૭ ટકા. હવે તો ગૂગલ પાસે પોતાનો જ એક્સક્લુસિવ સ્માર્ટફોન છે, જે ટેકનિકલી ગૂગલ સાથે વધારે ગાઢ રીતે જોડાયેલો છે. દુનિયામાં કરોડો લોકો એવા છે, જે ફેસબૂક કે ટ્વિટરમાં લોગ-ઇન થવા માટે પણ ગૂગલનો ઉપયોગ કરે છે. આમ, ટૂથ પેસ્ટ લેવા જતી વ્યક્તિ દુકાનદાર પાસે 'કોલગેટ' માગે, કંઈક એવી જ મજબૂત ઈજારાશાહી ઈન્ટરનેટની દુનિયામાં ગૂગલ પાસે છે. જોકે, મુશ્કેલી પણ એ જ છે. એટલે જ અમેરિકા જેવા દેશોએ ગૂગલ જેવી ટેક કંપનીઓ ઈન્ટરનેટની દુનિયામાં ઈજારાશાહી ઊભી કરીને યુઝર્સ સાથે અન્યાય ના કરે એ માટે શું કરી શકાય, એ દિશામાં વિચારવાનું શરૂ કરી દીધું છે.

સિલિકોન વેલીના ટેક્નોલોજી થિંકર્સ સવાલ કરી રહ્યા છે કે, ઈન્ટરનેટ યુઝર્સ અત્યારે જે (થોડી ઘણી) સ્વતંત્રતા અને ગુપ્તતા ભોગવી રહ્યા છે, એ ભવિષ્યમાં હેમખેમ રહેશે ખરી? ખાસ કરીને દુનિયાભરમાં ફેસબૂકે ફ્રી બેઝિક્સના નામે નેટ ન્યુટ્રાલિટી પર પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો એ પછી આ પ્રશ્ન વધારે ગંભીર બની ગયો છે. સાદી ભાષામાં કહીએ તો નેટ ન્યુટ્રાલિટી એટલે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ તમામ વેબસાઈટો-ડેટાને એકસમાન મહત્ત્વ મળવું જોઈએ તે! અત્યારે આવું છે જ, પણ ફેસબૂકના કર્તાહર્તા માર્ક ઝકરબર્ગ ઈન્ટરનેટની દુનિયામાં પણ વર્ણવ્યવસ્થા લાવવા માગતા હતા. આપણે ઈન્ટરનેટ ડેટા પ્લાન ખરીદ્યા પછી કમ્પ્યુટર કે સ્માર્ટફોનની મદદથી ઈચ્છીએ તે વેબસાઈટ પર જઈ શકીએ. ઈન્ટરનેટ વેચતી કંપનીનું કામ ત્યાં પૂરું થઈ જાય પણ ફેસબૂકને તેનાથી સંતોષ નહોતો. ઝકરબર્ગ ઈચ્છતા હતા કે, હું ભારત જેવા દેશોમાં ગામડે ગામડે ફ્રી ઈન્ટરનેટ આપું અને પછી અમુકતમુક કંપનીઓ સાથે કરાર કરું અને એ કંપનીઓની વેબસાઈટ ઝડપથી ખૂલે એવી ગોઠવણ કરી આપું!

એટલે કે, ફેસબૂક અને ફ્લિપકાર્ટ કરાર કરે અને તમે એફબીના ફ્રી ઈન્ટરનેટ યુઝર હોવ તો તમારા સ્માર્ટફોનમાં ફ્લિપકાર્ટ ઝડપથી ખૂલી જાય! ટૂંકમાં વેબસાઈટનો અપલોડ ટાઈમ ફેસબૂક નક્કી કરે. આમ, ફેસબૂક સાથે જે કંપનીઓ જોડાય એમને જલસા પણ જે કંપનીઓ ઈન્ટરનેટની દુનિયામાં ઓછું રોકાણ કરીને ધંધો કરવા આવી છે એમનું તો અસ્તિત્વ છે કે નહીં એય ખબર ના પડે! હા, તમે એફબીના ફ્રી ઈન્ટરનેટ યુઝર હોવ તો પણ એમેઝોન કે સ્નેપડીલ પરથી ખરીદી કરી જ શકો, પણ એ વેબસાઈટો ટેકનિકલી પાવરફૂલ હોય તો પણ ફ્લિપકાર્ટ જેવા ઝડપથી ખૂલવાના ફાયદા એને ના મળે. ફેસબૂક અને ફ્લિપકાર્ટે આવા કરાર કરી પણ દીધા હતા, પણ ભારે વિરોધ પછી ફ્લિપકાર્ટે એ કરાર રદ કર્યો અને ફેસબૂક પણ ભારતમાં ફ્રી બેઝિક્સ સર્વિસ ચાલુ કરી ના શકી. ટૂંકમાં ફેસબૂક 'ફ્રી બેઝિક્સ' જેવા છેતરામણા નામે સેવા નહીં પણ મેવા ખાવા માગતી હતી. ફેસબૂક ગરીબ દેશોમાં ફ્રી ઈન્ટરનેટની મદદથી 'ગેરકાયદે ઈજારાશાહી' ઊભી કરીને રોકડી કરવા માગતી હતી.

દુનિયામાં આ પ્રકારની ઈજારાશાહીનું પોસ્ટર બોય ગૂગલ છે. આ અત્યંત ગંભીર મુદ્દો છે. ઈન્ટરનેટનો કોમર્શિયલ ઉપયોગ શરૂ થયાના ૩૫ જ વર્ષમાં સિલિકોન વેલીની ગણીગાંઠી કંપનીઓ દુનિયાભરમાં અમર્યાદ ઈજારાશાહી ભોગવી જ રહી છે, પરંતુ હજુયે તેમને સંતોષ નથી. અત્યારે અમેરિકામાં એટી એન્ડ ટી કંપનીએ ડેટા ફ્રી ટેલિવિઝન ઓફર કરી છે, જેને લઈને ફરી એકવાર નેટ ન્યુટ્રાલિટી અંગે વિવાદ સર્જાયો છે.

માઈક્રોસોફ્ટ, એપલ, એમેઝોન જેવી કંપનીઓ એક્સક્લુસિવ પ્રોડક્ટ કે સર્વિસ વેચીને નામ અને દામ કમાઈ રહી છે, જ્યારે ગૂગલ કે ફેસબૂક જેવી કંપનીઓ પાસે જુદા પ્રકારની સત્તા છે. આ પ્રકારની કંપનીઓ પાસે જે સત્તા છે તેને હાવર્ડ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર અને ટેક ગુરુ શોષાના ઝુબોફે 'સર્વેઇલન્સ કેપિટાલિઝમ' નામ આપ્યું છે. સરળ ભાષામાં કહીએ તોસર્વેઇલન્સ કેપિટાલિઝમ એટલે ડેટાના આધારે દુનિયાભરના લોકોની અંગત જિંદગીમાં ડોકિયું કરવાની સત્તા. આ કંપનીઓ ડેટાનો હથિયારની જેમ ઉપયોગ કરે છે. આ ડેટા કેટલો અમૂલ્ય છે એવું દર્શાવવા એક નવો ભાષા પ્રયોગ પણ અસ્તિત્વમાં આવ્યો છે, ડેટા ઈઝ ન્યૂ ઓઈલ.

આ ડેટા આપણે જ કંપનીઓને આપી દઈએ છીએ. આપણે કોઈ કંપનીની વેબસાઈટ પર જઈએ ત્યારે 'આઈ એગ્રી' પર ક્લિક કરીએ છીએ. તેનો અર્થ એ છે કે, હું થર્ડ પાર્ટીને મારી બધી માહિતી વાંચવાની મંજૂરી આપું છું. એ ક્લિક કરતી વખતે આપણે 'ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ' કદી વાંચતા નથી અને વાંચીએ તો પણ કશું કરી શકતા નથી કારણ કે, જ્યાં સુધી 'આઈ એગ્રી' પર ક્લિક ના કરીએ ત્યાં સુધી વેબસાઈટમાં આગળ જઈ શકાતું નથી! આ એક પ્રકારની દાદાગીરી છે. ૨૧મી સદીના નેટિઝનને સગવડ જોઈતી હોય તો 'ફેસિલિટી' અને 'પ્રાઈવેસી' વચ્ચે 'ફેસિલિટી' જ પસંદ કરવી પડે છે, બંને સાથે મળતું નથી. ઈન્ટરનેટ સર્ચ ટ્રાફિક, ફેસબૂક લાઈક, પોસ્ટ, હેશટેગ, ટ્વિટ, બ્લોગ, યૂ ટ્યૂબ સર્ચ અને અપલોડ સહિતના સોશિયલ મીડિયા બિહેવિયર થકી એક વ્યક્તિના, આખા સમાજના કે કોઈ વિસ્તારના જાતભાતના ડેટા મેળવી શકાય છે. કયા વિસ્તારના લોકો કયા રાજકીય પક્ષ સાથે છે એનો પણ અંદાજ મેળવી શકાય છે.

ઈન્ટરનેટ ટ્રાફિક પરથી જાણકારી મળી છે કે, ઓનલાઈન પોર્ન જોવામાં પાકિસ્તાન પહેલું છે, તો ભારત છઠ્ઠા નંબરે છે. એવી જ રીતે, ઓનલાઈન શોપિંગના પણ દેશ અને વિસ્તાર પ્રમાણે આંકડા મેળવી શકાય છે. આ બધો ડેટા છે, જેનો ગૂગલ જેવી કંપનીઓ ધંધો કરે છે પણ એમાંથી આપણને કાણો પૈસોય મળતો નથી કારણ કે, એ લોકો નેટિઝનને 'ફ્રી સર્વિસ' આપી જ રહ્યા છે અને આપણને તેની આદત થઈ ગઈ છે. આ ડેટાનો કેવી રીતે ઉપયોગ થાય છે એ નાનકડા ઉદાહરણથી સમજીએ. તમે ગૂગલ પર ‘વિન્ટર સેલ’ સર્ચ કરીને સ્વેટર, લેધર જેકેટ વગેરે જુઓ ત્યારે ગૂગલ એ ડેટા વાંચી લે છે. એ પછી તમે કોઈ પણ ન્યૂઝ વેબસાઈટ પર જાઓ તો ગૂગલ તમને એ વેબપેજની બાજુમાં એ પ્રોડક્ટની એડ્સ બતાવ્યા કરશે! એટલું જ નહીં, ગૂગલ તમને ઈ મેઈલ પણ કર્યા કરશે.

આ પ્રકારના ડેટા પર કબજો ધરાવતી ટેક કંપનીઓ અમેરિકા જેવા દેશો માટે પણ માથાના દુ:ખાવા સમાન છે. ટેક કંપનીઓ જે ડેટા ભેગો કરે છે તેનો કેવી રીતે ઉપયોગ કરે છે એ દિશામાં દેખરેખ રાખવી અમેરિકા માટે પણ ખૂબ જ અઘરું અને ખર્ચાળ છે. રાષ્ટ્રીય સુરક્ષા સિવાયના કોઈ પણ પ્રશ્ને આ કંપનીઓને મનાવી શકાતી નથી કે તેમની સાથે દાદાગીરી પણ થઈ શકતી નથી! વળી, ગૂગલ જેવી કંપનીઓ સરહદ પાર કોઈ બીજા દેશો સાથે શિંગડા ભરાવે તો પણ અમેરિકન સરકાર મધ્યસ્થી કરી શકતી નથી કારણ કે, ગૂગલ કે ફેસબૂક જેવી કંપનીઓને એક જ દેશના નહીં પણ જે તે દેશોના સ્થાનિક કાયદા લાગુ પડે છે. આ મુદ્દો સમજવા રાઈટ ટુ બી ફોરગોટનનો ચુકાદો ઉત્તમ ઉદાહરણ છે.

વર્ષ ૨૦૦૯માં સ્પેનનો મારિયો કોસ્ટેજો ગોન્ઝાલેઝ ગૂગલિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે ગૂગલ પર જોયું કે, ૧૬ વર્ષ પહેલાં હું આર્થિક સંકડામણમાં હતો ત્યારે મારા ઘરની હરાજી થઈ ગઈ હતી અને આ બધું જ ગૂગલ પર દેખાઈ રહ્યું છે. આ માહિતી જોઈને મારિયો ખિન્ન થઈ ગયો અને તેણે સ્પેનના રાઈટ ટુ બી ફોરગોટન કાયદા હેઠળ ગૂગલ પર કેસ કરી દીધો. મારિયોનું કહેવું હતું કે, આ વાત મને વારંવાર યાદ કરાવવાનો શું અર્થ? આ પ્રકારની માહિતી મારી સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનારી અને માનહાનિ કરનારી છે વગેરે... છેવટે મે ૨૦૧૪માં યુરોપિયન કોર્ટે સ્પેનિશ કાયદાના આધારે મારિયોની તરફેણમાં ચુકાદો આપ્યો ત્યારે ગૂગલ જેવી કંપનીઓનું ઓનલાઈન માહિતી આપવાનું સ્વાતંત્ર્ય, વ્યક્તિગત સ્વાતંત્ર્ય અને સ્પેનનો ‘ખરાબ દિવસો ભૂલવાના હક્ક’નો કાયદો સામસામે ટકરાયા હતા. 

આ સ્થિતિમાં સ્વતંત્રતા અને ગુપ્તતા જેવા મુદ્દે અત્યંત સંવેદનશીલ વિકસિત દેશો પણ ચિંતા સેવી રહ્યા છે કે, આખરે ઈન્ટરનેટ પર રાજ કરતી ટેક કંપનીઓ પર કાબૂ કેવી રીતે રાખી શકાય! અત્યારે તો એવું લાગે છે કે, ૨૧મી સદીમાં ઈન્ટરનેટનું સંચાલન વિવિધ દેશોની સરકારો પાસે નહીં, પણ ગૂગલ કે ફેસબૂક જેવી ટેક કંપનીઓ પાસે હશે! 

જોકે, ઈતિહાસ ગવાહ છે કે, મહાન સામ્રાજ્યોનું સંચાલન કરવું અઘરું થઈ પડે છે! શું ગૂગલ સાથે પણ એવું જ થશે કે પછી ૨૧મી સદીમાં તેનું સામ્રાજ્ય ઓર મજબૂત થશે?

ગૂગલ જાણે!

નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે ;)