Showing posts with label Football. Show all posts
Showing posts with label Football. Show all posts

18 July, 2018

સૈલન મન્ના : બૂટબોલ નહીં, ફૂટબોલના મહારથી


ફૂટબોલની રમત નિયમિત રીતે પ્લેબોય, સેલિબ્રિટી, રેસિસ્ટ, બિલિયોનેર્સ, ફેશન મોડેલ્સ અને બગડી ગયેલા યુવાનો પેદા કરે છે, પરંતુ આ રમત ક્યારેય સંતપુરુષનું સર્જન નથી કરતી. જોકે, તેમાં એક અપવાદ છે, શૈલેન્દ્રનાથ મન્ના. તેઓ કોલકાતામાં મૃત્યુ પામ્યા ત્યારે હુગલી નદીના કિનારે આવેલા કિઓરતાલા સ્મશાન ઘાટ સુધી જઈ રહેલી સ્મશાન યાત્રામાં બે હજાર લોકો ઊમટ્યા હતા. એ લોકોએ એક ઉત્તમ ફૂટબોલરથી ઘણું વધારે ગુમાવ્યું હતું...

૨૭મી ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ ભારતીય ફૂટબોલર શૈલેન્દ્રનાથ મન્નાનું મૃત્યુ થયું ત્યારે બ્રિટનથી પ્રકાશિત થતાં 'ધ ઇકોનોમિસ્ટ' સામયિકે તેમને શ્રદ્ધાંજલિ આપતા લેખમાં આ શબ્દો લખ્યા હતા. બંગાળી લેખક રોનોજોય સેને 'નેશન એટ પ્લે: એ હિસ્ટરી ઓફ સ્પોર્ટ્સ ઈન ઈન્ડિયા' પુસ્તકમાં એક પ્રકરણ લખ્યું છે, 'ફ્રિડમ ગેમ્સ: ધ ફર્સ્ટ ટુ ડિકેડ્સ ઓફ ઇન્ડિપેન્ડન્સ'. આ પ્રકરણમાં તેઓ નોંધે (પાના નં.૧૯૧) છે કે, આજ સુધી ભારતના કોઈ ફૂટબોલરને આવું સન્માન મળ્યું નથી.

ગયા અઠવાડિયે આપણે ભારતીય ફૂટબોલના સુવર્ણ દિવસોને યાદ કરવાના બહાને ગોસ્થા પાલની વાત કરી. આજે શૈલેન્દ્રનાથ મન્ના ઉર્ફ સૈલન મન્ના ઉર્ફ મન્ના દાને યાદ કરવાના બહાને બીજી થોડી વાત.

***

ગોસ્થા પાલની જેમ મન્ના દાએ પણ ભારતીય ફૂટબોલ ટીમને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવા લાયક બનાવી હતી. ૧૯૪૮માં લંડન ઓલિમ્પિકમાં ભારતીય ફૂટબોલ ટીમે ભારતની સરખામણીમાં ઘણી મજબૂત ગણાતી ફ્રાંસની ટીમને હંફાવી હતી. એ મેચ ફ્રાંસે ૨-૧થી જીતી હતી, પરંતુ સૈલન મન્નાની કપ્તાની હેઠળ ભારતીય ફૂટબોલ ટીમે ફ્રાંસ સામે કરેલા ડિફેન્સની દુનિયાએ નોંધ લેવી પડી હતી. આ એ દિવસોની વાત છે, જ્યારે યુરોપની ફૂટબોલ ટીમો ફિટનેસ અને ફૂટબોલની વૈજ્ઞાનિક પદ્ધતિથી તાલીમ લઈને મેદાનમાં ઉતરતી અને ભારતને બ્રિટીશરોથી આઝાદી મળ્યાને માંડ એક વર્ષ થયું હતું. દેશ અરાજકતામાંથી પસાર થઈ રહ્યો હતો. બ્રિટીશ રાજની દાયકાઓ સુધી ગુલામી ભોગવનારા ભારતીયો માટે 'ગોરા સાહેબોની રમત'માં ભારતીય ખેલાડીઓ ગોરા ખેલાડીઓને જ હરાવે એ ખૂબ મોટી વાત હતી.




‘નેશન એટ પ્લે’ પુસ્તકની અનુક્રમણિકા

ફ્રાંસ સામેની મેચમાં ઉત્તમ દેખાવ કર્યા પછી લંડન ઓલિમ્પિકનું ઉદ્ઘાટન કરનારા કિંગ જ્યોર્જ ચોથા અને પ્રિન્સેસ માર્ગારેટે ભારતીય ફૂટબોલ ટીમને પણ બકિંગહામ પેલેસની પાર્ટીમાં આમંત્રિત કર્યા હતા. એ વખતે પ્રિન્સેસે મન્ના દાને પૂછ્યું કે, ખુલ્લા પગે ફૂટબોલ રમતા ડર નથી લાગતો? ત્યારે મન્ના દાએ જવાબ આપ્યો હતો કે, 'ખુલ્લા પગે ફૂટબોલને કાબૂમાં રાખવામાં ઘણું સરળ રહે છે.' એ સમયે ભારતના મોટા ભાગના ખેલાડીઓને ખુલ્લા પગે (અથવા ફક્ત મોજા કે એન્કલેટ) રમતા જોઈને મજાકમાં એવું પણ કહેવાતું કે, 'અસલી ફૂટબોલ તો ભારતમાં રમાય છે, બીજે બધે તો બૂટબોલ રમાય છે.'

અહીં બીજી પણ એક વાત સમજવા જેવી છે. બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કોલકાતામાં થાણું ઊભું કર્યું હોવાથી ઉત્તરપૂર્વ ભારત (આજના બાંગ્લાદેશ સહિત) ફૂટબોલ અને ક્રિકેટના ગાઢ પરિચયમાં આવ્યું હતું. આ દરમિયાન ભારતીયોએ પણ આ બંને રમત રમવાનું શરૂ કર્યું, પરંતુ ત્યાંના ગરીબ વિસ્તારોમાં ફૂટબોલનો ખાસ્સો વિકાસ થયો કારણ કે, ફૂટબોલમાં કોઈ ખર્ચ ન હતો. ભારતીય યુવકોને શૂઝનો ખર્ચ પોસાતો નહીં હોવાથી તેઓ ખુલ્લા પગે ફૂટબોલ રમતા, જ્યારે ક્રિકેટ રમવા વધુ ખેલાડીઓ અને બીજા મોંઘા સાધનોની જરૂર પડતી. આજેય દુનિયાભરમાં ક્રિકેટ કરતા ફૂટબોલ અનેકગણી વધુ લોકપ્રિય છે, અને, વિશ્વની અનેક ફૂટબોલ ટીમોમાં ઝૂંપડપટ્ટીમાં ઉછરેલા યુવકોની બોલબાલા છે, એનું એક કારણ આ પણ છે.



સૈલન મન્ના



ફૂટબોલ મનોરંજન અને પ્રેક્ટિસ માટે એકલા રમી શકાય એવી 'સામાન્ય' માણસના ઝનૂનની રમત હતી, બલકે છે, જ્યારે ક્રિકેટ શરૂઆતથી ધનવાનોની રમત હતી. બ્રિટનમાં ક્રિકેટ 'જેન્ટલમેન' રમતા અને જોવા પણ એવા જ લોકો આવતા. એ જ બ્રિટીશ રોયલ માનસિકતા ભારતમાં પણ આવી. અહીં પણ ક્રિકેટને મહારાજાઓ અને ધનવાન પારસીઓનું પ્રોત્સાહન મળ્યું, જેના કારણે પશ્ચિમ ભારતના રાજવી પરિવારોનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ક્રિકેટ ખાસ્સી વિકસી. ટૂંકમાં, ભારતીય ફૂટબોલરોની તાલીમ શરૂઆતથી જ ખુલ્લા પગે થઈ અને આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ કોઈ કડક નિયમો નહીં હોવાથી 'બૂટબોલ'ના બદલે 'ફૂટબોલ' ચાલી ગયું.

ઓલિમ્પિકમાં સૈલન મન્નાની આગેવાનીમાં ઉત્તમ દેખાવ કર્યા પછી ભારતીય ફૂટબોલ ટીમને ૧૯૫૦માં બ્રાઝિલમાં આયોજિત ફૂટબોલ વિશ્વકપમાં પણ આમંત્રણ મળ્યું હતું. જોકે, ભારતીય ટીમ બ્રાઝિલ ના ગઇ. એ પછી એવું તૂત ચાલ્યું કે, ભારતીય ફૂટબોલરો શૂઝ પહેર્યા વિના રમવા માંગતા હોવાથી તેમને મંજૂરી ના અપાઈ. તો કોઈએ ત્યાં સુધી અફવા ફેલાવી કે, ભારતીય ફૂટબોલ ટીમ પાસે શૂઝ ખરીદવાના પૈસા ન હતા તેથી તેઓ બ્રાઝિલ જઇ ના શક્યા. આ બંને વાત ખોટી છે.



હાવરા મ્યુનિસિપલ સ્ટેડિયમ, જે હવે મન્ના દા સ્ટેડિયમ તરીકે ઓળખાય છે 

વાત એમ હતી કે, દ્વિતિય વિશ્વ યુદ્ધ પછી ૧૯૫૦માં બ્રાઝિલમાં પહેલો ફૂટબોલ વિશ્વ કપ યોજાયો ત્યારે વિશ્વના અનેક દેશો આર્થિક સંકડામણ અને અરાજકતાના માહોલમાંથી પસાર થઇ રહ્યા હતા. એ સ્થિતિમાં અનેક ફૂટબોલ ટીમોએ ઉમેદવારી પાછી ખેંચી લીધી, જેથી બ્રાઝિલ ફૂટબોલ વિશ્વ કપમાં કુલ ટીમની સંખ્યા ફક્ત ૧૩ રહી ગઈ. કદાચ એટલે જ ભારતીય ફૂટબોલ ટીમ સહેલાઇથી ક્વૉલફાય થઇ હતી, એ વાતને પણ નજરઅંદાજ ના કરી શકાય. આ દરમિયાન બ્રાઝિલ ફૂટબોલ ફેડરેશનઑલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન સમક્ષ ભારતીય ફૂટબોલ ટીમની મુસાફરીનો ખર્ચ ઉઠાવવાની પણ તૈયારી બતાવી હતી, પરંતુ ઑલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશને ભારતીય ટીમને બ્રાઝિલ ના મોકલી અને ઉમેદવારી પણ પાછી ના ખેંચી.

નિયમ પ્રમાણે, ફૂટબોલ રમવા શૂઝ પહેરવા ફરજિયાત હતા એ વાત ખરી પણ એ મુદ્દો જ ન હતો. ઑલ ઈન્ડિયા ફૂટલોલ ફેડરેશને બ્રાઝિલ વિશ્વકપમાં ફૂટબોલ ટીમ નહીં મોકલવાના અનેક કારણ આપ્યા હતા, જેમાં વિશ્વ કપ માટે બ્રાઝિલ જવાનો જંગી ખર્ચ, પ્રેક્ટિસ ટાઈમનો અભાવ, વિદેશી હુંડિયામણની અછત અને લાંબી દરિયાઈ મુસાફરી માટે ભારતીય ફૂટબોલરો તૈયાર નથી એવું પણ એક કારણ સામેલ હતું. એ પછી કોઈએ પેલું શૂઝવાળું તૂત ચલાવ્યું અને કેટલાક ઈતિહાસકારોએ પણ તેની નોંધ લઈ લીધી. એકવાર સૈલન મન્નાએ કહ્યું હતું કે, ભારત સરકાર બ્રાઝિલ ફૂટબોલ વિશ્વ કપ માટે ઓલિમ્પિક જેટલી ગંભીર ન હતી...     

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ એમ. કે. નારાયણન અને મુખ્યમંત્રી મમતા બેનરજીએ
મન્ના દાને ‘બંગાવિભૂષણ’ પુરસ્કારથી સન્માનિત કર્યા ત્યારે

ભારતીય ફૂટબોલ ટીમ ૧૯૫૧ની એશિયન ગેમ્સમાં પહેલો આંતરરાષ્ટ્રીય સુવર્ણ ચંદ્રક પણ મન્ના દાની કપ્તાની હેઠળ જ જીતી હતી.  એક ઉત્તમ કપ્તાન તરીકે મન્ના દાએ અનેક ફૂટબોલર તૈયાર કર્યા અને એક કપ્તાનમાં કેવા ગુણો હોવા જોઈએ તેનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું. ઇંગ્લિશ ફૂટબોલ એસોસિયેશને ૧૯૫૩માં મન્ના દાને વિશ્વના દસ સર્વશ્રેષ્ઠ ફૂટબોલ કપ્તાનોમાં સ્થાન આપ્યું હતું. આ પ્રકારનું સન્માન મેળવનારા તેઓ એકમાત્ર એશિયન ફૂટબોલર હતા. આંતરરાષ્ટ્રીય ફૂટબોલની વીસ વર્ષની કારકિર્દીમાં મન્ના દાએ એક પણ વાર ફાઉલ નહોતું કર્યું અને કોઈ ગોરા રેફરીએ તેમને યલો કાર્ડ પણ નહોતું બતાવ્યું. ફૂટબોલરો અને તેના ચાહકોમાં પણ મન્ના દાને 'સંત' જેવું સન્માન મેળવ્યું હતું.

એકવાર ડુરાન્ડ ફૂટબોલ કપની સેમી ફાઈનલમાં મન્ના દાની મોહન બાગાન અને બોર્ડર સિક્યોરિટી ફોર્સની ટીમ વચ્ચે જોરદાર ટક્કર થઇ. એ મેચ ડ્રો રહી, પરંતુ બંને ટીમના ખેલાડીઓ જબરદસ્ત આક્રમક રીતે રમ્યા હોવાથી મોહન બાગાનના મોટા ભાગના ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા. એ સ્થિતિમાં એવું નક્કી થયું કે, ફાઈનલમાં મોહન બાગાન નહીં પણ બીએસએફ ટીમ રમશે. એ મેચ જોવા આવેલા મોહન બાગાનના વીસેક હજાર ચાહકોને ખબર પડતા જ તેમણે જોરદાર હોબાળો કર્યો. ત્યારે પણ મન્ના દાએ જ સમજાવટથી ટોળાને શાંત પાડ્યું હતું અને બીએસએફની ટીમને ફાઇનલ માટે અભિનંદન આપીને બાજી સંભાળી લીધી હતી. મન્ના દાની આગેવાનીમાં ભારતીય ફૂટબોલ ટીમ થોડા તો થોડા સમય માટે અત્યંત મજબૂત ફૂટબોલ ટીમ તરીકે ઉભરી હતી.

***

મન્ના દાનો જન્મ પહેલી સપ્ટેમ્બર, ૧૯૨૪ના રોજ પશ્ચિમ બંગાળના હાવરામાં થયો હતો. હાવરા યુનિયનથી ફૂટબોલ કારકિર્દી શરૂ કરનારા મન્ના દા ૧૮ વર્ષની ઉંમરે જ મોહન બાગાન ક્લબમાં જોડાયા હતા. ત્યાર પછી તેઓ સળંગ ૧૯ વર્ષ આ ક્લબ વતી રમ્યા. ૧૯૫૦થી ૫૫ દરમિયાન તેમણે મોહન બાગાન ફૂટબોલ ક્લબની કપ્તાની પણ સંભાળી. આ ૧૯ વર્ષના ગાળામાં મન્ના દાએ ફૂટબોલમાંથી ફક્ત રૂ. ૧૯ની કમાણી કરી હતી. આ વાત ખુદ મન્ના દાએ કબૂલી હતી. જોકે, મન્ના દાનું ગુજરાન જિયોગ્રાફિકલ સર્વે ઓફ ઈન્ડિયાની નોકરીમાંથી ચાલતું. કમાણીને લઈને મન્ના દાને જીવનમાં ક્યારેય ફરિયાદ નહોતી કરી.

એસિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મળ્યા પછી જવાહરલાલ નહેરુએ મન્ના દાનું ગોલ્ડ મેડેલિયન આપીને સન્માન કર્યું હતું. એ પણ તેમણે ભારત સરકારને સ્મૃતિ તરીકે ભેટમાં આપી દીધો હતો. મન્ના દાએ પોતાની ફૂટબોલ ટીમના બ્લેઝર-ટાઇની ચેરિટી માટે નિલામી કરી દીધી હતી. બે દાયકા ફૂટબોલ રમ્યા પછી મન્ના દા કોચ અને આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે બીજા ત્રીસેક વર્ષ મોહન બાગાન સાથે સંકળાયેલા રહ્યા.

ભારત સરકારે ૧૯૧૭૧માં તેમનું પદ્મશ્રી આપીને સન્માન કર્યું, ત્યારે તેઓ ગોસ્થા પાલ પછી પદ્મ પુરસ્કારથી સન્માનિત બીજા ફૂટબોલર બન્યા. કોલકાતામાં ૮૭ વર્ષની વયે મન્ના દાનું અવસાન થયું ત્યારે બંગાળના જ નહીં, દેશના અનેક અખબારોએ તેમના મૃત્યુને 'ફૂટબોલમાં એક યુગનો અંત' કહીને અંજલિ આપી હતી.

ગોસ્થા પાલઃ મોહન બાગાન ફૂટબોલ ક્લબનો ભૂલાયેલો ‘ક્રિકેટર’


ફિફા ફૂટબોલ વર્લ્ડ કપનો ફિવર પૂરજોશમાં જામ્યો છે, દુનિયાની અનેક ચુનંદા ફૂટબોલ ટીમો બહાર ફેંકાઈ ગઈ છે અને વૉટ્સએપ પર ભારતીય ફૂટબોલની મજાક કરતા મેસેજ ફરી રહ્યા છે ત્યારે ભારતના ફૂટબોલ ઈતિહાસના સુવર્ણ પ્રકરણને યાદ કરવાના બહાને આપણા બે પોતીકા ફૂટબોલ સ્ટારને યાદ કરીએ. આ બંને ફૂટબોલરે ભારતીય ફૂટબોલને કિક મારીને આંતરરાષ્ટ્રીય ફલક પર મૂકી દીધો હતો પણ એ પછી આપણી સરકારો અને ફૂટબોલ સંસ્થાઓ એ વારસો આગળ ધપાવી ના શકી. જરા, વિગતે વાત કરીએ.

ભારતીય ફૂટબોલ ટીમની ચીનની દીવાલ

કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમની સામે કાળા રંગનું એક પૂતળું છે. પૂતળાની નીચે બંગાળી ભાષામાં કંઈક લખ્યું છે. એ વિશે કોઈ બંગાળીને પૂછીએ ત્યારે ખબર પડે છે કે, આ ગોસ્થા બિહારી પાલનું પૂતળું છે. જોકે, પ્રાદેશિક અભિમાનથી ફાટફાટ સરેરાશ બંગાળી પણ તેમના વિશે ખાસ કંઈ જાણતો નથી હોતો. ઈડન ગાર્ડનથી ઓતરામ ઘાટ સુધી જતા રસ્તાનું નામ પણ 'ગોસ્થા પાલ માર્ગ' છે પણ લગભગ કોઈ બંગાળી આ રસ્તાને એ નામથી નથી ઓળખતો. પૂતળું જોઈને ફક્ત એટલું અનુમાન લગાવી શકાય છે કે, ગોસ્થા પાલ જાણીતા ફૂટબોલર હોવા જોઈએ. ઇડન ગાર્ડન માર્ગ પર આવેલી વિખ્યાત મોહન બાગાન ફૂટબોલ ક્લબે ગોસ્થા પાલ સિવાય એક પણ ફૂટબોલરનું લાઈફસાઈઝ પૂતળું મૂકાવ્યું નથી. આ સન્માન મેળવનારા તેઓ પહેલાં ફૂટબોલર છે.


ગોસ્થા પાલ

ગોસ્થા પાલ કોઈ સામાન્ય ફૂટબોલર ન હતા. બ્રિટીશ ભારતમાં તેઓ ભારતીય ફૂટબોલ ટીમની 'ચિનેર પ્રાચીર' એટલે કે ચીનની દીવાલ કહેવાતા. અખંડ ભારતના બાંગ્લાદેશમાં આવેલા ફરીદકોટમાં ૨૦મી ઓગસ્ટ, ૧૮૯૬ના રોજ તેમનો જન્મ થયો હતો. ઘોડિયામાં હતા ત્યારે જ પરિવાર સાથે કોલકાતા આવીને વસી ગયા. ગોસ્થાએ ૧૧ વર્ષની વયે ઉત્તર કોલકાતાની કુમારતુલી ક્લબમાં ફૂટબોલ રમવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન જુલાઈ ૧૯૧૧ના એક દિવસે સખત વરસાદ વચ્ચે કુમારતુલી પાર્કમાં કેટલાક બાળકો ફૂટબોલ રમી રહ્યા હતા, જેમાં પંદરેક વર્ષના ગોસ્થા પણ હતા. કાલીચરણ મિત્રા નામના ફૂટબોલરે આત્મવિશ્વાસથી ડિફેન્ડ કરતા ગોસ્થાને જોયા. મિત્રા ઉત્તમ ફૂટબોલર હોવાની સાથે બ્રિટીશરોનું પ્રભુત્વ ધરાવતા ઈન્ડિયન ફૂટબોલ એસોસિયેશનના સભ્ય પણ હતા. તેઓ તુરંત જ ગોસ્થાની કાબેલિયત પારખી ગયા. મિત્રાએ ગોસ્થાનું નામ-ઠામ જાણી લીધું અને તેમને દુખીરામ મજૂમદાર પાસે લઈ ગયા.

દેશદાઝથી લાલઘૂમ મોહન બાગાનમાં પ્રવેશ

૧૯મી સદીના બંગાળમાં અનેક બાળકોને ઉત્તમ ફૂટબોલ રમતા કરવાનું શ્રેય દુખીરામ મજૂમદારને જાય છે. તેઓ ૧૮૮૪માં સ્થપાયેલી આર્યન ફૂટબોલ ક્લબના 'ફાધર ફિગર' ગણાતા. એ વખતે બંગાળમાં બે એલિટ ફૂટબોલ ક્લબ હતી, મોહન બાગાન અને આર્યન. મજૂમદારે ગોસ્થાને તાલીમ આપવાનું શરૂ કર્યું અને એ પછી જે કંઈ થયું, એ ઈતિહાસ છે. એ દિવસોમાં મોહન બાગાન અને આર્યન વચ્ચે સારામાં સારા ફૂટબોલ ખેલાડીઓને પોતાની ક્લબમાં લઈ આવવાની હોડ હતી. મોહન બાગાનના પ્રતિભાશાળી ફૂટબોલર રાજેન સેને પણ ૧૬ વર્ષના મજબૂત કદકાઠી ધરાવતા ગોસ્થા પાલને પોતાની ક્લબના સભ્ય બનાવી દીધા. રાજેન સેન બ્રિટીશરોને હરાવનારી લોકપ્રિય ફૂટબોલ ક્લબ મોહન બાગાનના આગળ પડતા સભ્ય હતા.


દુખીરામ મજુમદાર 

અંગ્રેજોનું પ્રભુત્વ ધરાવતું ઈન્ડિયન ફૂટબોલ એસોસિયેશન પોતાના સ્થાપના વર્ષ ૧૮૯૩થી દર વર્ષે 'ઈન્ડિયન ફૂટલોબ એસોસિયેશન (આઈએફએ) શિલ્ડ' નામની ફૂટબોલ ટુર્નામેન્ટ યોજતું. આ ટુર્નામેન્ટમાં અંગ્રેજ લશ્કરની વિવિધ ટીમોની જ જીત થતી. જોકે, ૧૯૧૧માં બંગાળી યુવકોની મોહન બાગાન ક્લબે ઈસ્ટ યોર્કશાયર રેજિમેન્ટને ૨-૧થી હરાવી અને એ પરંપરા તૂટી. એ ટીમને જીતાડવામાં રાજેન સેને પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારતના ગરીબ અને મધ્યમ વર્ગના યુવકોએ પહેલીવાર ગોરા લશ્કરી સાહેબોને હરાવ્યા હતા. ભારતીય ફૂટબોલ ઈતિહાસની એ સૌથી મહત્ત્વની ક્ષણ હતી. રમતના મેદાન પર થતી હરીફાઈને પણ અંગ્રેજો 'રાજ સામેના પડકાર'ના રૂપમાં જોતા. એવી જ રીતે, ભારતીયો પણ શોષણખોર બ્રિટીશ રાજના ખેલાડીઓને હરાવીને જીતનો સંતોષ અને ઉન્માદ અનુભવતા.

આ પ્રકારના માહોલમાં ગોસ્થા પાલે સત્તરેક વર્ષની ઉંમરે રાષ્ટ્ર દાઝથી લાલઘૂમ મોહન બાગાન ફૂટબોલ ટીમમાં રમવાનું શરૂ કર્યું.

મોહન બાગાનનું નામ વિદેશોમાં ગૂંજતુ કર્યું

ગોસ્થા પાલ ૧૯૧૩માં પહેલીવાર ડેલહાઉસી ફૂટબોલ ક્લબ સામેની મેચ રમ્યા, પરંતુ ડિફેન્ડર તરીકે સારો દેખાવ ના કરી શક્યા અને વિરોધી ટીમે બે ગોલ ફટકારી દીધા. એ વખતના અનેક ફૂટબોલ ખેલાડીઓની જેમ ગોસ્થા પણ ખુલ્લા પગે રમતા, પરંતુ ડેલહાઉસી જેવા ખૂબ ઠંડા પ્રદેશમાં બર્ફીલા કરાથી ભરેલા મેદાનમાં તેઓ કૌવત ના બતાવી શક્યા. કોલકાતાના ફૂટબોલ ચાહકોએ એ નાનકડા છોકરાનો એવો હુરિયો બોલાવ્યો કે, ગોસ્થા એવું જ માનવા લાગ્યા કે આટલી મોટી ક્લબમાં મારી કારકિર્દી શરૂ થતા પહેલા જ ખતમ થઇ ગઇ. તેમણે ધારી લીધું કે, હવેની મેચમાં તેઓ 'આઉટ' છે. જોકે, તેમના આશ્ચર્ય વચ્ચે રાજેન સેને ગોસ્થોની ફિલ્ડ પોઝિશન ચેન્જ કરીને તેમને બીજીવાર ચાન્સ આપ્યો. એ પછી ગોસ્થા પાલ સળંગ ૨૨ વર્ષ, ૧૯૩૫ સુધી, મોહન બાગાન માટે ફૂટબોલ રમ્યા. ગોસ્થા પાલ બહુ જ બધા ગોલ કરનારા ખેલાડી ન હતા, પરંતુ તેમના કાર્યકાળમાં જ ભારતીય યુવાનોમાં ફૂટબોલે લોકપ્રિયતા હાંસલ કરી હતી.

આઈએફએ શિલ્ડની એક મેચમાં ગોસ્થા પાલે ડ્યૂક ઓફ કોર્નવૉલ્સ લાઇટ ઇન્ફન્ટ્રી- રંગૂન નામની અંગ્રેજ ટીમ સામે કરેલા દેખાવ પછી 'ધ ઇંગ્લિશમેન' નામના એક બ્રિટીશ અખબારે તેમને ભારતીય ટીમની ગ્રેટ વૉલ ઓફ ચાઇનાનું બિરુદ આપ્યું હતું. ૧૯૨૧થી ૧૯૨૬ સુધી તેઓ મોહન બાગાન ફૂટબોલ ટીમના કેપ્ટન રહ્યા. તેમના કારણે જ ૧૯૨૩માં (૧૯૧૧ પછી પહેલીવાર) મોહન બાગાન આઈએફએ શિલ્ડ ટ્રોફીમાં ફાઇનલમાં પહોંચી. જોકે, જીતી ના શકી.


મોહન બાગાન ક્લબે ૧૯૧૧માં આઈએફએ શિલ્ડમાં પહેલીવાર
ઇસ્ટ યોર્કશાયર રેજિમેન્ટને હરાવી એ ભારતીય ફૂટબોલરોની ટીમ

એજ વર્ષે બોમ્બેમાં આયોજિત પ્રતિષ્ઠિત રોવર્સ કપની ફાઈનલમાં પણ મોહન બાગાન પહોંચી હતી. ગળાકાપ હરીફાઈ ધરાવતી એ ટુર્નામેન્ટમાં પહેલીવાર ભારતીય ખેલાડીઓની કોઈ ટીમે આ સિદ્ધિ મેળવી હતી, પરંતુ અંગ્રેજ લશ્કરની ડરહામ લાઇટ ઇન્ફન્ટ્રી સામે તેમની હાર થઇ. એ મેચ પછી જ બ્રિટીશ ભારતમાં ગોસ્થા પાલને લિજેન્ડરી સ્ટેટસ મળ્યું. ગુલામી કાળના એ વર્ષોમાં અંગ્રેજ અધિકારીઓને ભારતીય યુવકો હંફાવે એ વાત જ ભારતીય દર્શકોને 'કિક' આપતી હતી. યાદ રાખો, અંગ્રેજ શાસનમાં ભારતીય ફૂટબોલ ટીમના ખેલાડીઓ ગાંઠનું ગોપીચંદન કરીને રમતા, આપણી ક્લબો આર્થિક રીતે શક્તિશાળી નહીં હોવાથી કોચિંગ માટે પણ ખર્ચ કરી શકે એમ ન હતી. એ જમાનામાં ગોસ્થા પાલ મોહન બાગાનને આ ઊંચાઈ સુધી લઈ ગયા હતા.

ક્રિકેટ મેચમાં ધોતી પહેરીને અનોખો સત્યાગ્રહ

ઈસ. ૧૯૨૪માં પહેલીવાર વિદેશ (શ્રીલંકા) રમવા જતી ભારતની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમનું સુકાન ગોસ્થા પાલને સોંપાયું હતું. મોહન બાગાન ક્લબને ૧૯૨૫માં વિશ્વની બીજા નંબરની સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટ ડુરાન્ડ કપમાં રમવાનું આમંત્રણ મળ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ગોસ્થા પાલે મોહન બાગાનને સેમી ફાઈનલ સુધી પહોંચાડી, પરંતુ અંગ્રેજોની શેરવૂડ ફોરેસ્ટ સામે તેઓ ટકી ના શક્યા. આજે દંતકથા સમાન ગણાતી મોહન બાગાન ફૂટબોલ ક્લબને મજબૂત કરવામાં તેમજ ઉત્તરપૂર્વ ભારતમાં ફૂટબોલને લોકપ્રિય કરવા ગોસ્થા પાલે 'ખરા અર્થમાં' લોહી અને પરસેવો એક કર્યા હતા. તેઓ બૂટ પહેર્યા વિના ફૂટબોલ રમતા ત્યારે અંગ્રેજ ખેલાડીઓ મજબૂત બૂટથી જાણી જોઇને ઇજા કરીને ભારતીય ખેલાડીઓને લોહીલુહાણ કરી નાંખતા.

મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત થઇને રમતના મેદાન પર સૌથી પહેલો 'અનોખો' સત્યાગ્રહ કરવાનો શ્રેય પણ ગોસ્થા પાલને જાય છે. બહુ ઓછા લોકો જાણે છે કે, મોહન બાગાન ક્લબ એક સમયે ક્રિકેટ પણ રમતી. ક્રિકેટમાં મોહન બાગાનની કટ્ટર હરીફ ટીમ હતી, કોલકાતા ક્રિકેટ ક્લબ. અંગ્રેજોનું પ્રભુત્વ ધરાવતી આ ક્લબ સામે ૧૯૨૮માં યોજાયેલી એક મેચમાં ગોસ્થા પાલ અને બીજા કેટલાક ક્રિકેટર ધોતી પહેરીને મેદાનમાં ઉતર્યા હતા. તેમનો વિરોધ ગોરા રેફરીઓની અન્યાયી રંગભેદી નીતિ સામે હતો. જોકે, શરૂઆતમાં એકેય ગોરા ક્રિકેટરે વિરોધ ના કર્યો પણ ગોસ્થા પાલે ચાર બૉલમાં બે વિકેટ લેતા જ અંગ્રેજી ક્રિકેટરોએ એમ્પાયર સમક્ષ વિરોધ નોંધાવ્યો કે, ધોતી 'દેશી' યુનિફોર્મ છે. ક્રિકેટ માટે એ પેન્ટ જ સૌથી યોગ્ય ડ્રેસ છે.


ગોસ્થા પાલની યાદમાં બહાર પાડેલી ટપાલ ટિકિટ

અંગ્રેજોએ એમ્પાયરને કહી દીધું કે, ગોસ્થા પાલ સહિત બધા ક્રિકેટરો પેન્ટ પહેરશે તો જ મેચ ચાલુ રહેશે. જોકે, તેઓ રાજી ના થયા અને મેચ અટકી ગઇ. એ પછી સતત છ વર્ષ સુધી મોહન બાગાન અને કોલકાતા ક્રિકેટ ક્લબ એકબીજા સાથે ના રમ્યા. ગોસ્થા પાલ પર મહાત્મા ગાંધીના આઝાદીના આંદોલનનો એટલો પ્રભાવ હતો કે, ૧૯૩૪માં તેમણે રંગભેદ વિરોધી આંદોલનને ટેકો જાહેર કરવા દક્ષિણ આફ્રિકા રમવા જતી ભારતીય ટીમનું કેપ્ટનપદ સંભાળવાની ના પાડી દીધી હતી.

અંગ્રેજ સૈનિક સાથે ગોસ્થાની માતાનો ભેટો

ગોસ્થા પાલ ભારતભરમાં (અખંડ ભારત) કેટલા લોકપ્રિય હશે એ વાતનું અનુમાન એક કિસ્સા પરથી આવી શકે છે. ૧૯૪૮માં ગોસ્થા પાલના માતા નવીન કિશોરી દેવી પુત્રને મળવા રેલવેમાં બાંગ્લાદેશથી કોલકાતા આવી રહ્યા હતા. ભારતના ભાગલા થઇ ચૂક્યા હતા, જેથી ભારતીય અને અંગ્રેજ સૈનિકો ગમે ત્યારે, ગમે તે વ્યક્તિને પકડીને પૂછપરછ કરતા. નવીન કિશોરી દેવી લોખંડની નાનકડી પેટી લઇને જતા હતા એટલે એક અંગ્રેજ સૈનિકે તેમને પકડયા. તેમણે કહ્યું કે, હું વિધવા છું અને મારા પુત્રને મળવા જઇ રહી છું. આમ છતાં, અંગ્રેજ સૈનિકે તેમની પેટીના તાળા ખોલાવ્યા. પેટીમાં તો થોડા કપડાં અને ગોસ્થા પાલની એક તસવીર હતી. એ જોઈને પેલા સૈનિકે પૂછ્યું કે, આ તસવીર કેમ સાથે રાખી છે?

ત્યારે વૃદ્ધાએ જવાબ આપ્યો કે, એ મારો પુત્ર છે. આ વાત સાંભળીને અંગ્રેજ સૈનિકે હતપ્રત થઇને પૂછ્યું કે, તમે ગોસ્થા પાલના માતા છો? એ પછી તેણે વૃદ્ધાની માફી માંગી અને ટ્રેનમાં બારી પાસે બેસાડીને રવાના કર્યા. જોકે, આ ઘટનાથી ગોસ્થા પાલના માતા ગભરાઇ ગયા. તેઓ પુત્રને મળ્યા ત્યારે આ વાત જણાવીને સૌથી પહેલો સવાલ કર્યો કે, તુ કરે છે શું? ત્યારે ગોસ્થા પાલ ખડખડાટ હસી પડ્યા અને માતાને જવાબ આપ્યો, 'કશું નથી કરતો, ફક્ત બોલને કિક મારવાનું કામ કરું છું.'

આ કિસ્સો જાણીતા ફૂટબોલ રિસર્ચર અને ગોસ્થા પાલના પુત્ર નિલાંશુ પાલે નોંધ્યો છે.  

***

૨૭મી એપ્રિલ, ૧૯૬૨ના રોજ ભારત સરકારે ગોસ્થા પાલનું પદ્મ શ્રી આપીને સન્માન કર્યું. ૧૯૯૮માં ગોસ્થા પાલના માનમાં તેમની તસવીર સાથેની ટપાલ ટિકિટ પણ બહાર પડાઈ. આ બંને સન્માન મેળવનારા તેઓ દેશના પહેલા ફૂટબોલર છે. ગોસ્થા પાલ પછી બીજા પણ એક ફૂટબોલરને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા. 

એ વાત અહીં બીજા લેખમાં.