Showing posts with label પારસી. Show all posts
Showing posts with label પારસી. Show all posts

23 April, 2017

મેહેર બાબા : ઓસ્કરથી ગ્રેમી એવોર્ડ વિજેતાઓ સુધી


આ કોલમમાં પાંચમી એપ્રિલે મેહેર બાબાએ ગાંધીજીને વાંચવા આપેલું પુસ્તક રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું છે અને હજુ સુધી મળ્યું નથી એ વિશે વાત થઈ. હવે મેહેર બાબા વૈશ્વિક સ્તરે પ્રચંડ લોકપ્રિયતા કેવી રીતે પામ્યા એ વિશે વાત કરીએ.

૧૧મી સપ્ટેમ્બર, ૧૯૩૧ના રોજ સવારે આઠ વાગ્યે એસ.એસ. રજપૂતાના સ્ટીમર ઇંગ્લેન્ડના માર્સેલ્સ બંદરે લાંગર્યું. 'મેહેર બાબાનું જીવનચરિત્ર' પુસ્તકમાં નોંધ છે કે, ''મેહેર બાબા અને તેમની મંડળી માર્સેલ્સથી ટ્રેનમાં બેસીને લંડનના વિક્ટોરિયા સ્ટેશને પહોંચ્યા ત્યારે ગાંધીજીને જોવા ત્યાં હજારો લોકો ભેગા થયા હતા.''  આ જ સ્થળેથી મેહેર બાબા અને ગાંધીજી છૂટા પડ્યા. માર્સેલ્સમાં મેહેર બાબાને લેવા મેરેડીથ સ્ટાર નામના ગૂઢવાદી કવિ આવ્યા હતા. તેઓ ૩૦મી જૂન, ૧૯૨૮ના રોજ હરિયાણાના ટોકામાં મેહેર બાબાને મળ્યા હતા. એ પછી મેહેરાબાદના આશ્રમમાં પણ તેમણે થોડો સમય વીતાવ્યો અને વર્ષ ૧૯૨૯માં ઇંગ્લેન્ડ પરત જઇને નોર્થ ડેવનમાં મેહેર બાબાની પ્રેરણાથી ધ્યાન આશ્રમ શરૂ કર્યો.

પશ્ચિમી દેશોને મેહેર બાબાની ઓળખાણ કરાવવાનું તેમજ યુરોપના ગૂઢવાદીઓમાં મેહેર બાબાનો પ્રચાર-પ્રસાર કરવાનું શ્રેય મેરેડીથ સ્ટારને જાય છે. જોકે, મેહેર બાબા સાથે થોડો વખત રહ્યા પછી અત્યંત કડક સ્વભાવના મેરેડીથ સ્ટારને તેમની સાથે વાંકુ પડ્યું. ડિસેમ્બર ૧૯૩૨માં તેમણે બાબાને પત્ર લખીને કહ્યું હતું કે,  ''મને મારા ૪૦૦ પાઉન્ડ પાછા આપો અથવા અધ્યાત્મિક અનુભૂતિ કરાવો. નહીં તો હું તમને છોડીને જતો રહીશ અને તમે પ્રપંચી છો એવો પર્દાફાશ કરીશ...'' આ પત્ર લખ્યાના દોઢ વર્ષ પછી મેરેડીથ સ્ટારે નોર્થ ડેવનનો આશ્રમ વિખેરી નાંખ્યો. આ વાતની નોંધ 'મેહેર પ્રભુ: લોર્ડ મેહેર, ધ બાયોગ્રાફી ઓફ અવતાર ઓફ ધ એજ, મેહેર બાબા' જેવું લાંબુલચક નામ ધરાવતા મેહેર બાબાના જીવનચરિત્રમાં પણ છે, જે બાબાના અનુયાયી વીરસિંઘ કલચુરીએ આલેખ્યું છે.

હોલિવૂડ સ્ટાર્સ સાથે બાબાની મુલાકાત

ઇંગ્લેન્ડમાં આશરે એકાદ વર્ષ દરેક ક્ષેત્રની હસ્તીઓને મળ્યા પછી મેહેર બાબા ૨૦મી મે, ૧૯૩૨ના રોજ દરિયાઈ મુસાફરી કરીને પહેલીવાર અમેરિકા પહોંચ્યા. ત્યાં બાબાએ બ્રિટીશ અભિનેતા અને કોરિયોગ્રાફર ક્વિટિન ટોડની મદદથી 'મેસેજ ટુ અમેરિકા' શીર્ષક હેઠળ એક હજાર શબ્દોમાં નિવેદન જારી કર્યું. આ નિવેદનમાં બાબાએ મૌન અંગે જણાવ્યું કે, ''હું બોલીશ ત્યારે મારો અસલી સંદેશ દુનિયા સાંભળશે અને તેનો સ્વીકાર થશે.'' બાબાએ વર્ષ ૧૯૩૪માં હોલિવૂડના ઓપન એમ્ફિથિયેટર 'હોલિવૂડ બાઉલ'માં એક કાર્યક્રમ યોજીને મૌન તોડવાની જાહેરાત પણ કરી. જોકે, બાદમાં અચાનક આ યોજના પડતી મૂકીને કહ્યું કે, ‘‘હજુ એ સમય આવ્યો નથી.’’ આવું કહીને બાબા કેનેડાથી દરિયાઇ મુસાફરી કરીને હોંગકોંગ જવા નીકળી ગયા.

 (ક્લોક વાઈઝ) મેરેડીથ સ્ટાર અને મેહેર બાબા, ભાઉ કલચુરી અને મેહેર બાબા.
હોલિવૂડમાં ક્વિન્ટિન ટોડ અને તલ્લુલાહ બેંકહેડ સાથે વચ્ચે મેહેર બાબા.

અમેરિકામાં મેહેર બાબાની મુલાકાત ત્રણ ઓસ્કર સહિત અનેક એવોર્ડ જીતનારા હોલિવૂડ સ્ટાર ગેરી કૂપર સાથે થઈ. એ મુલાકાત વખતે કૂપર ધુરંધર અભિનેતા જરૂર હતો, પરંતુ હજુ ઓસ્કર જીત્યો ન હતો. ભારતમાં પણ ફિલ્મ ક્ષેત્રની હસ્તીઓ મેહેર બાબાથી પ્રભાવિત હોવાના ઉલ્લેખો મળે છે. કદાચ મેહેર બાબા પારસી હોવાથી તેમજ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પારસીઓ મોટા પ્રમાણમાં હોવાથી એવું હોઈ શકે! રસપ્રદ વાત એ છે કે, ભારતની પહેલી બોલતી ફિલ્મ 'આલમ આરા'ના ડિરેક્ટર અરદેશર ઇરાની પણ બાબાના અનુયાયી હતા. અમેરિકામાં મેહેર બાબા આલફ્રેડ હિચકોકની ફિલ્મ 'લાઇફબોટ' ફેઇમ એક્ટ્રેસ તલ્લુલાહ બેંકહેડ, ફ્રેન્કેન્સ્ટાઇન સિરીઝની ફિલ્મોથી જાણીતા થયેલા બ્રિટીશ એક્ટર બોરિસ કાર્લોફ, હોલિવૂડનો પહેલો પશ્ચિમ અમેરિકન સુપરસ્ટાર ટોમી મિક્સ, ફ્રેંચ એક્ટર મોરિસ શેવાલિયર અને જર્મન-અમેરિકન એક્ટર-ડિરેક્ટર અર્નેસ્ટ લુબિક (કહેવાતા ઉચ્ચ વર્ણના લોકો પર સેક્સી સ્ટાઇલમાં વ્યંગ કરતી ફિલ્મો માટે આજેય 'લુબિક્સ ટચ' જેવો રૂઢિપ્રયોગ થાય છે) જેવી હસ્તીઓને મળ્યા.

વ્હાઇટ હાઉસ જેવું મહત્ત્વ ધરાવતો બંગલૉ

હોલિવૂડ સ્ટાર દંપતિ ડગ્લાસ ફેરબેન્ક અને મેરી પિકફોર્ડ પણ મેહેર બાબાના અનુયાયી હતા. આ દંપતિએ મેહેર બાબાને હોલિવૂડમાં લોકપ્રિય બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ફેરબેન્ક હોલિવૂડ સ્ટાર બનતા પહેલા નામચીન લશ્કરી અધિકારી રહી ચૂક્યા હતા. દ્વિતિય વિશ્વયુદ્ધમાં અમેરિકન પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટે ફેરબેન્કને દક્ષિણ અમેરિકામાં નેવલ ઓફિસર તરીકે સ્પેશિયલ ડ્યૂટી સોંપી હતી. લશ્કરી સેવા બદલ છ મેડલ જીતનારા ફેરબેન્કે ૧૦૦થી પણ વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. રૂડયાર્ડ કિપલિંગની કવિતા 'ગૂંગા દિન' પરથી એ જ નામે ૧૯૩૯માં રિલીઝ થયેલી ફિલ્મમાં પણ ફેરબેન્કે મુખ્ય ભૂમિકામાં હતા. અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં રિલીઝ થયેલી 'ગૂંગા દિન' બોક્સ ઓફિસ પર સુપરહીટ સાબિત થઈ હતી.


બેવરલી હિલ્સમાં આવેલા પિકફેર બંગલૉમાં ડગ્લાસ ફેરબેન્ક અને મેરી પિકફોર્ડ

ફેરબેન્કની પત્ની મેરી પિકફોર્ડ પણ હોલિવૂડ સ્ટાર હતી, જેના નામે ૧૦૦થી પણ વધુ ફિલ્મો બોલે છે. હોલિવૂડનું અત્યંત પ્રભાવશાળી ગણાતું આ દંપતિ કેલિફોર્નિયાના બેવરલી હિલ્સમાં ૧૮ એકરમાં ફેલાયેલા ૨૫ બેડરૂમ ધરાવતા 'પિકફેર' બંગલૉમાં રહેતું. 'લાઈફ' મેગેઝિને પિકફેર બંગલૉને 'વ્હાઈટ હાઉસથી થોડુંક જ ઓછું મહત્ત્વ' ધરાવતા સ્થળ તરીકે નવાજ્યું હતું કારણ કે, ત્યાં ફિલ્મ, રાજકારણ અને લશ્કરી ક્ષેત્રની હસ્તીઓનો મેળાવડો જામતો. ડગ્લાસ ફેરબેન્ક અને મેરી પિકફોર્ડે પહેલી જૂન, ૧૯૩૨ના રોજ પિકફેર બંગલૉમાં મેહેર બાબા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં બાબાએ હોલિવૂડને સંદેશ આપ્યો.

અમેરિકામાં મેહેર બાબા બે વર્ષ સુધી આવી હાઈ પ્રોફાઈલ હસ્તીઓ સાથે ગાઢ સંપર્કમાં રહ્યા. એ પછી તેઓ છેક ૧૯૫૦માં અમેરિકાની બીજી મુલાકાતે આવ્યા. એ વખતે અનેક લોકો તેમને ડ્રગ્સનો નશો અને આધ્યાત્મિક અનુભૂતિ વિશે સવાલો કરતા. આ લોકોને મેહેર બાબાએ આધ્યાત્મિક અનુભૂતિ અને ડ્રગ્સ લીધા પછી થતા ચિત્તભ્રમ વચ્ચેનો ભેદ સમજાવ્યો. વર્ષ ૧૯૬૨માં તેમણે 'ગોડ ઇન ધ પિલ' શીર્ષક ધરાવતા એક લેખમાં એલએસડી સહિતના ડ્રગ્સથી થતા શારીરિક અને માનસિક નુકસાનની વાત કરી તેમજ નશાખોરી આધ્યાત્મિક અનુભૂતિમાં પણ બાધારૂપ છે એવું સમજાવ્યું. મેહેર બાબાના આ ડ્રગ્સ વિરોધી સંદેશનો હોલિવૂડ અને મ્યુઝિકની દુનિયામાં પ્રચંડ પ્રભાવ પડ્યો.

'ડોન્ટ વરી, બી હેપ્પી'નું સર્જન

ભારત પરત ફરીને મેહેર બાબાએ દેશીવિદેશી મંડળીજનો સાથે બ્લૂ રંગની બસમાં બેસીને દેશભરમાં આધ્યાત્મિક પ્રવાસ કર્યો. આ પ્રવાસેથી પરત ફર્યા ત્યારે અનેક અખબારોને તેને 'કૌભાંડ' ગણાવ્યું, જેની નોંધ વીરસિંઘ કલચુરીએ લખેલા બાબાના જીવનચરિત્રમાં પણ છે. વર્ષ ૧૯૫૦માં મેહેર બાબાએ અમેરિકાના સાઉથ કેરોલિના અને ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ધ્યાન આશ્રમો શરૂ કર્યા. આ દરમિયાન ૧૯૬૭માં 'ધ હુ' રોકબેન્ડના બ્રિટીશ ગાયક, સંગીતકાર અને ગીતકાર પીટ ટાઉન્સહેન્ડે બાબા વિશે સાંભળ્યું. આ દિગ્ગજ સંગીતકારે ૧૯૬૯માં 'ટોમી' નામનું આલબમ બનાવીને મેહેર બાબાને સમર્પિત કર્યું. 'ધ હુ'ના સભ્યોએ ૧૯૭૧માં બાબાને સંપૂર્ણ સમર્પિત 'બાબા ઓ'રિયલી' નામનું ગીત પણ બનાવ્યું.

(ક્લોક વાઈઝ ) ગ્રેમી એવોર્ડ વિનર ધુરંધર મ્યુઝિશિયન, સિંગર, ગિટારિસ્ટ પીટ ટાઉન્સહેન્ડ,
મેલેની સાફ્કા અને ‘ડોન્ટ વરી બી હેપ્પી’ના સર્જક બોબી મેકફેરિન 

એ પછીયે ટાઉન્સહેન્ડે મેહેર બાબાને ધ્યાનમાં રાખીને રાખીને હેપ્પી બર્થડે, આઈ એમ, હુ કેમ ફર્સ્ટ અને વિથ લવ જેવા ગીતો લખ્યા અને રેકોર્ડ પણ કર્યા. રોક, પાવર પોપ અને જેઝની દુનિયામાં ટાઉન્સહેન્ડની ગણના વિશ્વના અત્યંત પ્રતિભાશાળી સંગીતકારોમાં થાય છે. વિશ્વના ટોપ ૫૦ ગિટારિસ્ટમાં પણ ટાઉન્સહેન્ડનું નામ અચૂક મૂકાય છે. વર્ષ ૨૦૦૧માં લાઈફ ટાઈમ એચિવમેન્ટ ગ્રેમી એવોર્ડ મળ્યો એ પહેલાં ટાઉન્સહેન્ડ દુનિયાભરમાં માન-અકરામ કમાઇ ચૂક્યા હતા. વિખ્યાત ફોક અને કંટ્રી મ્યુઝિશિયન, સિંગર મેલેની સાફકાએ પણ બાબા માટે 'મેહેર બાબા લાઇવ્સ અગેઇન' ગીત રેકોર્ડ કર્યું હતું. વર્ષ ૧૯૮૮માં બોબી મેકફેરિને બાબાથી પ્રભાવિત થઈને 'ડોન્ટ વરી બી હેપ્પી' નામનું ગીત રેકોર્ડ કર્યું. આ ગીતે પણ ગ્રેમી એવોર્ડ જીત્યો અને લાંબા સમય સુધી યુએસ પોપ હીટમાં નંબર વન રહ્યું. 'ડોન્ટ વરી બી હેપ્પી' એ મેહેર બાબાનો તકિયા કલામ હતો, જે તેમના પોસ્ટર્સ, કાર્ડ્સમાં અચૂક વાંચવા મળે છે.

***

દુનિયાભરમાં બાબાની લોકપ્રિયતા વધવાના કારણે અનેક વિદેશી પત્રકારો પણ બાબાને મળવા આવતા અને તેમની ટીકા પણ કરતા. પોલ બ્રન્ટન પણ આવા જ એક પત્રકાર હતા, જે આખા ભારતના આધ્યાત્મિક ગુરુઓને મળ્યા હતા. બ્રન્ટને નોંધ્યું હતું કે, બાબા અનેક વખત યુદ્ધોની આગાહી કરીને વિશ્વના અંતનો દિવસ જાહેર કરતા અને દરેક વખતે તારીખો બદલી નાંખતા. મેહેર બાબાને એક વખત આધ્યાત્મિક અનુભૂતિ થઈ હશે, એનાથી વિશેષ કશું જ નહીં.

જોકે, મેહેર બાબાના અનુયાયીઓને આ બાબતોથી કોઈ ફર્ક નથી પડતો. અહેમદનગર નજીક સ્થાપેલા મહેરાબાદના આશ્રમમાં આજેય મેહેર બાબાની સ્મૃતિઓ જીવંત છે. મેહેર બાબા જે ઘરમાં રહેતા તે 'મેહેરાઝાદ'ને મ્યુઝિયમમાં પરિવર્તિત કરી દેવાયું છે. પાણીની અછત ધરાવતો આ વિસ્તાર બાબાના અનુયાયીઓએ દત્તક લીધો છે. મેહેરાઝાદની દીવાલો પર બાબાની તસવીરો, તેમની પથારી, જૂની ચીજવસ્તુઓ તેમજ જે બ્લૂ બસમાં તેમણે ભારતભ્રમણ કર્યું હતું એ બધું જ એવું ને એવું સચવાયેલું છે. મેહેર બાબાનું તત્ત્વજ્ઞાન 'ડિસ્કર્સ' અને 'ગોડ સ્પિક્સ' નામના પુસ્તકોમાં (ગુજરાતી સહિત દરેક જાણીતી ભાષામાં) ઉપલબ્ધ છે.

મેહેર બાબા અને મેહેરા ઇરાનીનું વિવાદાસ્પદ પ્રકરણ

રાધાકૃષ્ણના અંદાજમાં
મેહેર બાબા અને મેહેરા ઈરાની
મેહેર બાબાની વાત કરતી વખતે મેહેરા દેવીનો ઉલ્લેખ કરવો જ પડે. મેહેર બાબા સાકોરીના ઉપાસની મહારાજના આશ્રમમાં રહેતા હતા ત્યારે ૧૫મી ઓક્ટોબર, ૧૯૨૨ના રોજ મેહેરા ઇરાનીની મુલાકાત બાબા સાથે થઈ. એ વખતે મેહેરા ઇરાનીની ઉંમર ફક્ત ૧૫ વર્ષ હતી અને તેઓ માતા સાથે બાબાને મળવા આવ્યા હતા. આ મુલાકાતના બે વર્ષ પછી, ૧૯૨૪માં, મેહેરા ઇરાની મેહેરાબાદમાં બાબાની આશ્રમ મંડળીમાં જોડાઈને મેહેરા દેવી બની ગયા. મેહેર બાબા મેહેરાને 'પૃથ્વી પરનો સૌથી પવિત્ર આત્મા' કહેતા. બાબા તેમને 'રાધા' તરીકે પણ સંબોધતા અને તેઓ બંને કૃષ્ણ-રાધા જેવા કપડાં પહેરીને તસવીરો પણ પડાવતા. આશ્રમમાં મેહેરાને સ્પર્શવાનો, સાંભળવાનો અને જોવાનો બાબા સિવાય કોઈને અધિકાર ન હતો. આશ્રમમાં મેહેરા દેવીનું નામ પણ કોઈ બોલી ન શકતું. મેહેરા દેવીની વાત કરવા મેહેર બાબાએ મંડળીજનોને 'મિસિસ હિટલર' અને 'મિસિસ ચર્ચિલ' જેવા કોડનેમ બોલવાનો આદેશ આપ્યો હતો. ડેવિડ ફેન્સ્ટર નામના લેખકે બાબા અને મેહેરા ઇરાનીના સંબંધ વિશે સંપૂર્ણ છણાવટ કરીને 'મેહેરા-મેહેર : એ ડિવાઇન રોમાન્સ' નામનું પુસ્તક પણ લખ્યું છે. 

આ પ્રકારના માહોલમાં મેહેર બાબા અને મેહેરા દેવીના સંબંધને લઈને આશ્રમમાં ચણભણ થવી સ્વાભાવિક હતી. મેહેરા દેવીનું કુટુંબ પારસી સમાજમાં નામના ધરાવતું. અનેક અગ્રણી પારસીઓએ માતા-પુત્રીના મેહેર બાબાના સંબંધ સામે વાંધો ઉઠાવ્યો હતો. મેહેરાના કાકા કર્નલ મેરવાન સોરાબ ઇરાનીને તો તેમના પરિવારની સ્ત્રીઓ પર મેહેર બાબાના પ્રભાવ સામે સખત વાંધો હતો. તેમણે મેહેર બાબાને પારસી સમાજનું કલંક તેમજ દંભી, પ્રપંચી સાબિત કરવા એડીચોટીનું જોર લગાવ્યું હતું.

10 April, 2017

મેહેર બાબા, ગાંધીજી અને એક ખોવાયેલું પુસ્તક


મેહેર બાબાએ કરેલા એક મહાન પ્રયોગને સમજવાની દરકાર સુદ્ધા ના કરાઈ. તેમણે અતિ ઉન્માદી અને પાગલોને શોધવા આખા દેશમાં રઝળપાટ કરી હતી કારણ કે, એ લોકો ઈશ્વરની સૌથી વધારે નજીક હોય છે. પાગલોને ફક્ત તેમની સમજશક્તિને ફરી એકવાર ઝકઝોરી શકે એવા વ્યક્તિની જ જરૂર હોય છે. એ પછી તેઓ પણ ગુરુ બની શકે છે...

દરેક ગુરુએ એ કક્ષાએ પહોંચતા પહેલાં પાગલ બનવું પડે છે. તેણે જબરદસ્ત પાગલપનમાંથી પસાર થવું પડે છે. જોકે, દરેક પાગલો કંઈ ગુરુ નથી હોતા. જો પાગલ એક પાગલ તરીકે જ મૃત્યુ પામે તો એ પણ ચોક્કસ ઇશ્વરને મળે છે, પરંતુ બીજા લોકોને ઇશ્વર સુધી પહોંચવામાં મદદ નથી કરી શકતો...

જો કોઈ પાગલ પ્રબુદ્ધ માણસના શરણે હોય તો તે કહેવાતા ડાહ્યા માણસ કરતા વધારે ઝડપથી આત્મજ્ઞાન ઝડપથી મેળવી શકે છે. આ પૂર્વની પરંપરા છે, જેને એક વ્યક્તિએ પુન: જીવિત કરી અને એ વ્યક્તિ એટલે મેહેર બાબા...

આ ખૂબ જ વિચિત્ર દુનિયા છે. અહીં મહાન કામની કદર ના પણ થાય! કોઈને મેહેર બાબાના કામથી હેરાની જ ના થઈ. મધર ટેરેસાને નોબેલ પુરસ્કાર મળ્યો કારણ કે તેમણે ગરીબ અને અનાથ બાળકોની સેવા કરી, પરંતુ કોઈએ મેહેર બાબાને નોબેલ પુરસ્કાર આપવાનું ના વિચાર્યું, જેમણે ખરેખર મહાન કામ કર્યું હતું. આવી વ્યક્તિઓ સદીઓમાં એક પાકતી હોય છે...

***  

મેહેર બાબા વિશે આ અભિપ્રાયો ક્રાંતિકારી વિચારક ઓશો રજનીશે આપ્યા હતા. ઓશો અનેક પ્રવચનોમાં પોતાના અનુયાયીઓને મેહેર બાબાએ કરેલા આધ્યાત્મિક પ્રયોગો કેટલા મૂલ્યવાન છે એ સમજાવતા. મેહેર બાબા આઝાદીની લડતના કાળમાં થઈ ગયેલા ગૂઢ રહસ્યવાદી પરંપરાના આધ્યાત્મિક ગુરુ હતા. ૭૪ વર્ષના આયુષ્યમાં મેહેર બાબાએ ચાર દાયકાથી પણ વધુ સમય સુધી મૌન પાળ્યું હતું. મેહેર બાબા વિશે ભારતીયો ઘણી ઓછી જાણકારી ધરાવે છે, પરંતુ એક સમયે અમેરિકા-યુરોપની હાઈ સોસાયટી તેમજ કંઈક અંશે પાગલપનમાં જીવન વ્યતિત કરતા પોપ સિંગર, રોક સ્ટાર, મ્યુઝિશિયન અને હોલિવૂડ સ્ટાર્સમાં તેમણે પ્રચંડ લોકપ્રિયતા મેળવી હતી. જોકે ભારતમાં મેહેર બાબાનું જીવન, તેમણે કરેલા આધ્યાત્મિક પ્રયોગો અને ગૂઢ આધ્યાત્મિક વિચારોની ઐતિહાસિક દૃષ્ટિએ પણ મૂલવણી નથી થઈ, જે આપણી ઈતિહાસ પ્રત્યેની ઘોર ઉદાસીનતા દર્શાવે છે.

૧૯ વર્ષની વયે જ આધ્યાત્મિક અનુભૂતિ

આજેય ભારતમાં ગુજરાત સહિત અમેરિકા, યુરોપના અનેક દેશો, ઓસ્ટ્રેલિયા, રશિયા, ચીન, જાપાન, કોરિયા, ઈઝરાયેલ અને ઈરાન જેવા દેશોમાં પણ મેહેર બાબાના અનુયાયીઓ છે. ગુજરાતી ભાષામાં પણ મેહેર બાબાની પ્રાર્થનાઓ છે. મેહેર બાબાના અનુયાયીઓ દૃઢપણે માને છે કે, મેહેર બાબાને પૃથ્વી પર પાંચ અવતારી પુરુષોએ મોકલ્યા હતા. આ પાંચ 'અવતાર' એટલે ૧. પૂણેના હજરત બાબાજાન ૨. શિરડીના સાંઇ બાબા ૩. સાકોરીના ઉપાસની મહારાજ ૪. નાગપુરના હઝરત તાજુદ્દીન બાબા અને ૫. કેડગાંવના નારાયણ મહારાજ. ગીતામાં કહેવાયું છે કે, યદા યદા હિ ધર્મસ્ય, ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્. આ કારણસર એવી માન્યતા અસ્તિત્વમાં આવી છે કે, સમયાંતરે ભારતભૂમિ પર ખુદ ઈશ્વર અવતાર ધારણ કરીને આવે છે. એ થિયરી પ્રમાણે મેહેર બાબાના અનુયાયીઓ તેમને આવા જ એક અવતારી પુરુષ ગણે છે.

મેહેર બાબા, ચાર અવતારી પુરુષ અને બાબાના અંતિમ દર્શન

૨૫મી ફેબ્રુઆરી, ૧૮૯૪ના રોજ પૂણેના પારસી પરિવારમાં જન્મેલા મેહેર બાબાનું મૂળ નામ હતું, મેરવાન શેરિયાર ઇરાની. ૧૯ વર્ષની વયે જ આધ્યાત્મિક અનુભૂતિ થતા મેરવાન સળંગ સાત વર્ષ દેશભરમાં રઝળપાટ કરીને ઉપરોક્ત પાંચેય અવતારી પુરુષો, સંતો અને ફકીરોને મળ્યા. મેરવાનના એ વર્ષો 'બુદ્ધત્વ'ની પ્રાપ્તિ સાથે સરખાવાય છે. એ પછી તેમણે મેહેર બાબા નામ ધારણ કરીને ૨૭ વર્ષની ઉંમરે પોતાને અવતારી પુરુષ જાહેર કર્યા. ૧૦મી જુલાઈ, ૧૯૨૫ના રોજ મેહેર બાબાએ મૌન પાળવાનું શરૂ કર્યું, જે ૩૧મી જાન્યુઆરી, ૧૯૬૯ના રોજ તેમના મૃત્યુ સુધી ચાલ્યું. મૌન કાળમાં તેઓ આલ્ફાબેટ બોર્ડ અને ખાસ પ્રકારના હાવભાવથી સંવાદ કરતા.

મેહેર બાબા અને ગાંધીજીની મુલાકાત

વર્ષ ૧૯૩૧માં મેહેર બાબા એસ.એસ. રજપૂતાના સ્ટીમરમાં બેસીને પહેલીવાર પશ્ચિમી દેશોના પ્રવાસે નીકળ્યા. એ જ વહાણમાં ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા લંડન જઈ રહ્યા હતા. આ દરમિયાન મેહેર બાબા અને ગાંધીજીની એકથી વધુ વખત મુલાકાત થઈ. તેઓની સૌથી પહેલી મુલાકાત વિશે 'મહાદેવભાઈની ડાયરી' અને 'મેહેર બાબાનું જીવનચરિત્ર' પુસ્તકોમાં ઉલ્લેખ મળે છે. 'મહાદેવભાઈની ડાયરી'માંથી જાણવા મળે છે કે, જમશેદ મહેતાએ ગાંધીજીને તાર કરીને મેહેર બાબાને ખાસ મળવાનું સૂચન કર્યું હતું. (જમશેદ મહેતા કરાચીસ્થિત ગાંધીજીના સાથીદાર હતા. તેઓ કરાચીના પહેલા ચૂંટાયેલા મેયર હતા. અત્યારે પણ પાકિસ્તાનમાં તેઓ 'મેકર ઓફ મોડર્ન કરાચી' તરીકે જાણીતા છે.) આ સૂચનને પગલે આઠમી સપ્ટેમ્બર, ૧૯૩૧ના રોજ મહાદેવ દેસાઈ ગાંધીજીને મેહેર બાબાની કેબિન પર મળવા લઈ ગયા. એ વખતે પણ બાબાએ ગાંધીજી સાથે મૂળાક્ષરવાળા પાટિયા પર આંગળી મૂકીને વાતો કરી. ગાંધીજી અને મેહેર બાબા વચ્ચે શું વાત થઈ, એ વિશે વાંચો મહાદેવભાઈના જ શબ્દોમાં.

એસ.એસ. રજપૂતાના સ્ટીમરના સનડેક પર આરામની મુદ્રામાં ગાંધીજી 

''... એમણે બાપુની સત્યની ભક્તિ વિશે બહુ વખાણ કર્યા. તમે તમારી દેશસેવામાં પણ ભગવાન જોવા ઈચ્છો છો એ વિશે શંકા નથી, એમ જણાવ્યું. પણ સલાહ એ આપી કે, તમે જવાબદારી ના લો તો સારું. ગરીબના દુ:ખની પણ જવાબદારી તમારે ન લેવી.''

બાપુ : લઉં છું અને નથી લેતો. ન લઉં તો પાખંડી ગણાઉં.

બાબા : પણ તમને પાખંડનો શેનો ડર હોય?

બાપુ : પણ જગતને માટે તો, મારે, મને, પાખંડી ગણવાનો અધિકાર હોવો જ જોઈએ. બાકી મારા મન સાથે તો ભગવાન સાથે લડી લઉં છું કે, 'ભગવાન તુ જાણે, ગાળો પડે તે પણ તારા ઉપર, અને વખાણ થાય તે પણ તારા.'

બાબા : બરોબર છે. મારી ભલામણ છે કે વિલાયતથી આવીને કામ કરવાનું છોડી એકાંતમાં બેસી જાઓ.  અને એકાંત લો ત્યારે મારે ત્યાં આવજો.

બાપુ : એવો સમય આવશે તો જરૂર આવીશ. એ સમય આવે ત્યારે બોલવાની જરૂર ન પડે, આવી રીતે ઈશારા કરવાની કે મૂળાક્ષરની પાટી ઊભી કરી તેના આંકડા બતાવવાની પણ જરૂર ન રહે. એકાંતમાં બેસી જવાની સ્થિતિ આપોઆપ આવી જશે. ઈશ્વર જ એ માર્ગ સુઝાડશે, જેમ હંમેશા માર્ગ સુઝાડયા કીધો છે. તો પછી જ્યાં હોઉં ત્યાં હું નાચીશ...

ગાંધીજીને વાંચવા અપાયેલું એ પુસ્તક

મેહેર બાબા અને ગાંધીજીની પહેલી મુલાકાત દરમિયાન બીજી પણ એક મહત્ત્વની ઘટના બની. બાબાએ ગાંધીજીને એક પુસ્તક વાંચવા આપ્યું, જે તેમણે મહારાષ્ટ્રના અહેમદનગર નજીક સ્થાપેલા આશ્રમમાં ૧૯૨૫-૨૬ દરમિયાન લખ્યું હતું. ઓક્ટોબર ૧૯૨૫માં મેહેર બાબાએ તેમના અનુયાયીઓને ચાર ફૂટ પહોળું અને સાત ફૂટ લાંબુ એક ટેબલ બનાવવાનું કહ્યું. આ ટેબલને બાબા 'ટેબલ કેબિન' કહેતા. આ ટેબલ કેબિનમાં એક વર્ષ સુધી બેસીને બાબાએ એ પુસ્તક લખ્યું હતું. વર્ષ ૧૯૨૭માં તેમણે જાહેરાત કરી કે, આ પુસ્તક ભવિષ્યમાં વેદ, અવેસ્તા, બાઇબલ અને કુરાનની જેમ વિશ્વભરમાં ઓળખાશે, જેનો દરેક ધર્મ-જાતિના લોકો સ્વીકાર કરશે. આ મહાન કામ પૂરું થઈ ગયા પછી હું લખવાનું બંધ કરી દઈશ...

મેહેરાબાદનું એ ટેબલ કેબિન, જેમાં બેસીને બાબાએ એ પુસ્તક લખ્યું હતું

મેહેર બાબાની સાથે રહેતા અંગત અનુયાયીઓની ટુકડીને આ પુસ્તક વાંચવાની પરવાનગી હતી. આ ટુકડીને તેઓ 'મંડળી' કહેતા. એસ.એસ. રજપૂતાના સ્ટીમરમાં ઇંગ્લેન્ડ જતી વખતે મેહેર બાબા કાળા રંગની પેટીમાં મૂકીને આ પુસ્તક સાથે લઇ ગયા હતા. 'મહાદેવભાઈની ડાયરી'માં નોંધ છે કે, મેહેર બાબાએ ગાંધીજીને એ પુસ્તક સાથેની પેટી આપી હતી, પરંતુ એની ચાવી ખોવાઈ ગઈ હતી. તેથી ગાંધીજીએ એ પેટી તોડાવીને પુસ્તક વાંચવાની બાબાને ખાતરી આપી. મેહેર બાબાના અનુયાયીઓનું કહેવું છે કે, બાબાએ ગાંધીજી સિવાય કોઈને એ પુસ્તક વાંચવા આપ્યું ન હતું. એ પુસ્તકમાં ગાંધીજીના વિવિધ સવાલો, શંકાઓનું સમાધાન હતું.

ઇંગ્લેન્ડમાં થોડો સમય વીતાવ્યા પછી મેહેર બાબા ૨૦મી મે, ૧૯૩૨ના રોજ પહેલીવાર અમેરિકા ગયા ત્યારે પણ એ પુસ્તક સાથે જ લઈ ગયા હતા. એનો અર્થ એ કે, ગાંધીજીએ એ પુસ્તક પાછું આપી દીધું હતું.

અને પુસ્તક અચાનક ગાયબ થઈ ગયું

અમેરિકાથી ભારત પરત ફર્યા પછી મેહેર બાબાએ એ પુસ્તક મુંબઈની એક બેંકના લોકરમાં મૂકાવી દીધું, જ્યાં તે સળંગ ૨૧ વર્ષ સુધી રખાયું. આ દરમિયાન બાબાએ રામજૂ અબ્દુલ્લા નામના એક અનુયાયીને એ પુસ્તક બેંકમાંથી પાછું લઈ આવવા કહ્યું. એ પછી પુસ્તક આશ્રમમાં આવ્યું ય ખરું, પણ ૧૯૫૮માં રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું. મેહેર બાબાના મૃત્યુના છ દિવસ પહેલાં, ૨૫મી જાન્યુઆરી ૧૯૬૯ના રોજ એરચ જેસ્સાવાલાએ બાબાને એ પુસ્તક ક્યાં છે એ વિશે સવાલ પૂછ્યો હતો, જેના જવાબમાં બાબાએ કહ્યું હતું કે, ''એ સારા હાથમાં છે.'' જેસ્સાવાલા નવ વર્ષની ઉંમરથી જ બાબાની મંડળીમાં જોડાઈ ગયા હતા. બાબાએ મૌન લઈને ઈશારાથી વાત કરવાનું ચાલુ કર્યા પછી જેસ્સાવાલા તેમના દુભાષિયા તરીકે કામ કરતા હતા. 


ઇન્ફિનિટ ઇન્ટેલિજન્સ અને ઇન ગોડ્સ હેન્ડ પુસ્તકો

બાબાના મૃત્યુના થોડા દિવસ પછી, ૧૯૬૯માં, મેહેરાબાદ આશ્રમના એક રૂમમાંથી ૨૫૫ પાનાંનું હાથથી લખાયેલું પુસ્તક મળ્યું, પરંતુ એ બાબાના અક્ષરો ન હતા. આ ઘટનાના વર્ષો પછી, ૧૯૯૮માં, મેહેર બાબાના અક્ષરોમાં લખાયેલું ૩૯ પાનાનું એક નાનકડું પુસ્તક મળી આવ્યું. આશ્ચર્યની વાત એ છે કે, એ પુસ્તક અને ૧૯૬૯માં મળેલા ૨૫૫ પાનાના પુસ્તકમાં ઘણી સમાનતા હતા. એટલે એવું પણ મનાયું કે, કોઈએ બાબાએ લખેલા પુસ્તકનું વિસ્તૃત સમજૂતી આપીને સારા અક્ષરોમાં લખવાનો પ્રયાસ કર્યો હશે! શેરિયાર પ્રેસ દ્વારા વર્ષ ૨૦૦૦માં એ ૩૯ પાનાના પુસ્તકનું 'ઈન ગોડ્સ હેન્ડ' નામે અને ૧૯૬૯માં મળેલા ૨૫૫ પાનાના પુસ્તકનું 'ઇન્ફિનિટ ઇન્ટેલિજન્સ' નામે પ્રકાશન કરાયું હતું.

***

આજેય કોઈ ખાતરીપૂર્વક કહી શકે એમ નથી કે, મેહેર બાબાએ ટેબલ નીચે બેસીને લખ્યું હતું એ પુસ્તક એટલે પેલું ૩૯ પાનાનું પુસ્તક. જો એવું હોય તો કહી શકાય કે, મેહેર બાબાએ ગાંધીજીને વાંચવા આપ્યું હતું એ પુસ્તક 'ઈન ગોડ્સ હેન્ડ'ની હસ્તપ્રત જ હતી. ખેર, એવા કોઈ જ પુરાવા નહીં હોવાથી આ પુસ્તક આજેય 'ખોવાયેલું' જ ગણાય છે.

આ રહસ્યમય ઘટના સાથે સંકળાયેલા અનેક સવાલો ઇતિહાસમાં જ દફન થઈ ગયા છે. જેમ કે, મેહેર બાબાએ લખેલા ૩૯ પાનાના પુસ્તકની સમજૂતી આપવાનો પ્રયાસ કોણે કર્યો હતો? ગાંધીજીએ કાળા રંગની પેટી તોડાવીને એ પુસ્તક વાંચવાની મેહેર બાબાને ખાતરી આપી, પરંતુ એ પછી ગાંધીજીએ એવું કર્યું હતું ખરું? એસ.એસ. રજપૂતાના સ્ટીમર પર ગાંધીજી અને મેહેર બાબા એકથી વધુ વખત મળ્યા હતા, ત્યારે તેઓ બંને વચ્ચે એ પુસ્તક વિશે વાત થઈ હતી?

ગાંધી સાહિત્ય કે મેહેર બાબા વિશે લખાયેલા સાહિત્યમાં આ અંગે કોઈ જ ઠોસ જાણકારી મળતી નથી!

14 March, 2017

આનંદીબાઇ અને મોતીબાઇઃ બ્રિટીશ રાજમાં 'મેડિકલ'ના પ્રયોગો


સૌરમંડળમાં ચંદ્ર પછી બીજા નંબરના સૌથી તેજસ્વી એવા શુક્ર ગ્રહ પર ૫.૫ અંશ ઉત્તર અને ૨૮૮.૮ અંશ પૂર્વ દિશામાં 34.3 કિલોમીટરનો વ્યાસ ધરાવતો મહાકાય ખાડો આવેલો છે. આ ખાડાને આનંદીબાઇ જોશીના નામ પરથી ‘Joshee’ (જોશી) નામ અપાયું છે. અમેરિકાની વિનસ મેગલન ક્રેટર ડેટાબેઝ નામની સંસ્થા જુદા જુદા ક્ષેત્રની મહિલાઓને સન્માન આપવાના હેતુથી શુક્રના વિવિધ ખાડાને આ રીતે નામ આપે છે. આનંદીબાઇ જોશીએ ૧૩૧ વર્ષ પહેલાં એમ.ડી.ની ડિગ્રી લઇને ભારતના પહેલા મહિલા ડૉક્ટર બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી. મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રે એવી જ સફળતા મેળવનારા બીજા સન્નારી એટલે મોતીબાઇ કાપડિયા. મોતીબાઇએ ૧૨૮ વર્ષ પહેલાં મેડિકલમાં ઉચ્ચ શિક્ષણ મેળવીને ગુજરાતના પહેલાં મહિલા ડૉક્ટર બનવાનું બહુમાન મેળવ્યું હતું. આ બંને મહિલાઓએ અત્યંત રૂઢિચુસ્ત સમાજની ઉપરવટ જઈને મેડિકલની ડિગ્રી મેળવી હતી અને ડૉક્ટર બનવાનું સપનું પૂરું કર્યું હતું. 

પહેલાં આનંદીબાઇની વાત. આનંદીબાઇએ એક સદીથી પણ વધુ પહેલાં અનેક સામાજિક મુશ્કેલીઓનો સામનો કરીને ફક્ત ૨૧ વર્ષની વયે ડૉક્ટર ઇન મેડિસિન, (એમ.ડી.)ની ડિગ્રી મેળવી હતી. ૩૧મી માર્ચ, ૧૮૬૫ના રોજ મહારાષ્ટ્રના મરાઠી બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા આનંદીબાઇનો પરિવાર કલ્યાણમાં સ્થાયી થયો હતો. એક સમયે તેમના પિતા મોટા જમીનદાર હતા, પરંતુ આનંદીબાઇના જન્મ પહેલા તેમણે બધી જ સંપત્તિ ગુમાવી દીધી હતી. આ દરમિયાન તેમના પરિવારે નવ વર્ષની વયે જ આનંદીબાઇને ગોપાલરાવ જોશી નામના એક વિધુર સાથે પરણાવી દીધા. એ વખતે મોટી ઉંમરના પુરુષ સાથે નાની છોકરીઓના લગ્ન સામાન્ય બાબત ગણાતી. આનંદીબાઇનું મૂળ નામ યમુના હતું, 'આનંદીબાઇ' નામ તેમને પતિ તરફથી મળ્યું હતું.

ડૉ. આનંદીબાઇ જોશી

જોકે, ગોપાલરાવ કંઇક અંશે વિરોધાભાસી અને રસપ્રદ વ્યક્તિત્વ ધરાવતા માણસ હતા. નવ વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા હોવા છતાં તે સુધારાવાદી વિચારો ધરાવતા. તેમના પર જાણીતા સમાજ સુધારક ગોપાલ હરિ દેશમુખનો જબરદસ્ત પ્રભાવ હતો. દેશમુખ બાળ લગ્નો, દહેજપ્રથા અને બહુપત્નીત્વના જબરદસ્ત વિરોધી હતા. બ્રિટીશ રાજે વર્ષ ૧૮૬૭માં ગોપાલ હરિ દેશમુખની બદલી અમદાવાદના ન્યાયાધીશ તરીકે કરી હતી. રતલામ સ્ટેટના દીવાન તરીકે પણ તેમણે સેવા આપી હતી. બ્રિટીશ રાજે દેશમુખને 'રાવ બહાદુર' અને 'જસ્ટિસ ઓફ પીસ' જેવા સન્માનો આપ્યા હતા. અમદાવાદમાં પ્રાર્થના સમાજની પહેલી શાખા શરૂ કરનારા પણ દેશમુખ જ હતા. તેઓ સેશન્સ જજ તરીકે નિવૃત્ત થયા હતા. દેશમુખે સમાજ સુધારા માટે વિવિધ મરાઠી પત્રોમાં ૧૦૮ જેટલા ક્રાંતિકારી લેખો લખ્યા હતા.

આ પ્રકારના ગુરુનો પ્રભાવ ધરાવતા ગોપાલરાવ આનંદીબાઇને ઉચ્ચ અભ્યાસ માટે સતત પ્રોત્સાહન આપતા. એક મરાઠી બ્રાહ્મણ પરિવારનું ફરજંદ હોવાના કારણે ગોપાલરાવ સંસ્કૃતના વિદ્વાન હતા અને અંગ્રેજી પણ શીખતા હતા. ગોપાલરાવે જોયું કે, આનંદીબાઇને પણ અંગ્રેજી શીખવામાં રસ છે, જેથી તેમણે પત્નીને અંગ્રેજીનો અભ્યાસ કરાવવાનું ચાલુ કર્યું. આ દરમિયાન ફક્ત ૧૪ વર્ષની વયે આનંદીબાઇ માતા બન્યા, પરંતુ સારવારના અભાવે દસેક દિવસમાં જ તેમના બાળકનું મૃત્યુ થયું. આ ઘટનાથી  આનંદીબાઇ ખળભળી ઉઠ્યા અને તેમનામાં આધુનિક ઔષધશાસ્ત્રનો ઉચ્ચ અભ્યાસ કરવાના બીજ રોપાયા. ગોપાલરાવે પણ આનંદીબાઇની ઇચ્છાને માન આપીને એ દિશામાં વિચારવાનું શરૂ કર્યું.

ગોપાલરાવે ૧૮૮૦માં અમેરિકાના જાણીતા મિશનરી રોયલ વિલ્ડર સાથે પત્રવ્યવહાર કરીને આનંદીબાઇ માટે મેડિકલ ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસ વિશે જાણકારી મેળવી. વિલ્ડરે આનંદીબાઇને મેડિકલ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ માટે તમામ સુવિધા આપવાની તૈયારી બતાવી, પરંતુ એ માટે ખ્રિસ્તી ધર્મ અપનાવી લેવાનો પ્રસ્તાવ મૂક્યો. જોકે, રૂઢિચુસ્ત મરાઠી બ્રાહ્મણ દંપતિએ ધર્મ પરિવર્તનની વાત એક જ ઝાટકે ફગાવી દીધી. એ સમયે મિશનરીઓના પત્રવ્યવહારો ધાર્મિક સામાયિકોમાં નિયમિત રીતે પ્રકાશિત થતા. ગોપાલરાવ અને વિલ્ડરનો પત્રવ્યવહાર પણ 'પ્રિન્સ્ટન્સ મિશનરી રિવ્યૂ'માં પ્રકાશિત થયો, જે ન્યૂ જર્સીમાં રહેતી થિયોડિસિયા કાર્પેન્ટર નામની ઉચ્ચ વર્ગની મહિલાએ વાંચ્યા. ભારતના એક રૂઢિચુસ્ત પરિવારનો પુરુષ પોતાની પત્નીને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવા આતુર છે, એ વાતથી જ થિયોડિસિયા પ્રભાવિત થઈ ગયા. થિયોડેસિયાએ જોશી દંપત્તિને અમેરિકામાં રહેવા-જમવાની સુવિધા આપવાની તૈયારી બતાવી.

પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં આનંદીબાઇના બેચમેટ
જાપાનના કેઇ ઓકામી અને સીરિયાના તાબેટ ઇસ્લામબૂલી

એ વખતે પતિ સાથે કોલકાતામાં રહેતા આનંદીબાઇની તબિયત ખૂબ જ ખરાબ રહેતી. આનંદીબાઇને સતત માથાનો દુ:ખાવો, શ્વાસમાં તકલીફ અને તાવની ફરિયાદ રહેતી. એ વખતે પણ થિયોડિસિયાએ જ તેમને અમેરિકાથી દવાઓ મોકલીને સાજા થવામાં મદદ કરી હતી. આ દરમિયાન જોશી દંપત્તિએ અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં મેડિકલનો ઉચ્ચ અભ્યાસ કરવા અરજી કરી. ત્યાં આનંદીબાઇને એડમિશન મળી ગયું અને તેમણે કોલકાતાથી દરિયાઇ માર્ગે અમેરિકા જવાની તૈયારી શરૂ કરી. આ વાત મરાઠી સમાજમાં વાયુવેગે પ્રસરી જતા મરાઠા સમાજના રૂઢિચુસ્ત આગેવાનોએ જોશી દંપતિનો જોરદાર વિરોધ કર્યો. આ સ્થિતિ થાળે પાડવા આનંદીબાઇએ ફક્ત ૧૯ વર્ષની ઉંમરે પશ્ચિમ બંગાળની સેરામપોર કોલેજના હૉલમાં એક ભાષણ કરીને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો કે, અત્યારે ભારતને મહિલા તબીબોની ખૂબ જરૂર છે. તેમણે ભારતમાં મહિલા મેડિકલ કૉલેજ ખોલવાના પોતાના લક્ષ્યની પણ વાત કરી.

આ પ્રવચનની ધારી અસર થઇ અને આખા ભારતમાંથી આનંદીબાઇને અમેરિકા ભણવા જવા પૈસા મળવા લાગ્યા. એ વખતના વાઇસરોયે પણ આનંદીબાઇને પ્રેમથી રૂ. ૨૦૦ની ભેટ મોકલાવી હતી. આખરે જૂન ૧૮૮૩માં આનંદીબાઇ અમેરિકા પહોંચ્યા, જ્યાં થિયોડિસિયાએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું. એવું કહેવાય છે કે, અમેરિકાની ધરતી પર પગ મૂકનારી પહેલી મહિલા પણ આનંદીબાઇ જ હતા. અમેરિકામાં હવામાન અને ડાયટ ધરમૂળથી બદલાઇ જવાથી આનંદીબાઇને શરૂઆતમાં ઘણી તકલીફો પડી. તેઓ ટી.બી.નો પણ ભોગ બન્યા. આ બધી જ મુશ્કેલીઓમાંથી નીકળીને ૧૧મી માર્ચ, ૧૮૮૬ના રોજ તેમને એમ.ડી.ની ડિગ્રી હાંસલ કરી. આનંદીબાઇએ 'ઓબ્સ્ટેટ્રિક્સ અમોન્ગ આર્યન હિંદુઝ' વિષયમાં થિસીસ રજૂ કર્યો હતો. આનંદીબાઇએ મેડિકલની ડિગ્રી મેળવી ત્યારે રાણી વિક્ટોરિયાએ પણ તેમને શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો.

વર્ષ ૧૮૮૬માં આનંદીબાઇ ડૉક્ટર બનીને પરત ફર્યા ત્યારે ભારતમાં તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું હતું. કોલ્હાપુર સ્ટેટના રાજાએ આનંદીબાઇની નિમણૂક આલ્બર્ટ એડવર્ડ હોસ્પિટલના મહિલા વૉર્ડના ફિઝિશિયન ઇનચાર્જ તરીકે કરી. આ હોસ્પિટલ આજે છત્રપતિ શાહુ મહારાજ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને છત્રપતિ પ્રમિલાતાઇ રાજે હોસ્પિટલ તરીકે ઓળખાય છે. જોકે, આનંદીબાઇનું ફક્ત ૨૧ વર્ષની વયે ૨૬મી ફેબ્રુઆરી, ૧૮૮૭ના રોજ મૃત્યુ થયું અને મરાઠા સમાજ શોકાતુર થઇ ગયો. આનંદીબાઇના પરિવારે તેમની રાખ અમેરિકા મોકલી હતી, જે આજેય થિયોડિસિયા કાર્પેન્ટર પરિવારના સ્મશાનમાં તૈયાર કરાયેલી આનંદીબાઇની સમાધિમાં સચવાયેલી છે.

કાર્પેન્ટર પરિવારના કબ્રસ્તાનમાં આનંદીબાઇની સમાધિ

વર્ષ ૧૮૮૮માં કેરોલિન હેલી ડૉલ નામના નારીવાદી લેખિકાએ આનંદીબાઇનું જીવનચરિત્ર પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકમાં તેમના જીવનની અનેક અજાણી હકીકતો બહાર આવી. દૂરદર્શને પણ 'આનંદી ગોપાલ' નામે એક હિન્દી સિરિયલનું પ્રસારણ કર્યું હતું. શ્રીક્રિશ્ના જોશીએ આનંદીબાઇના જીવનમાં કલ્પનાના રંગો ઉમેરીને એક 'આનંદી ગોપાલ' નામે એક મરાઠી નવલકથા લખી હતી, જેનો અંગ્રેજી અનુવાદ આશા દામલેએ કર્યો છે. આ નવલકથા પરથી નાટક પણ ભજવાઇ ચૂક્યું છે. મરાઠી લેખિકા અંજલિ કિર્તનેએ આનંદીબાઇના જીવન પર ઊંડું સંશોધન કરીને 'ડૉ. આનંદીબાઇ જોશી: કાલ આની કતૃત્વ' નામનું મરાઠી પુસ્તક પણ લખ્યું છે. આનંદીબાઇના મૃત્યુના વર્ષો પછી થયેલા સંશોધનોમાં એવું પણ બહાર આવ્યું કે, તેમના મૃત્યુ માટે તેમના પતિ ગોપાલરાવની મહત્ત્વાકાંક્ષાઓ પણ જવાબદાર હતી. (એ વિશે વિગતે વાત ફરી ક્યારેક). 

આવા જ બીજા સન્નારી એટલે મોતીબાઇ કાપડિયા. મોતીબાઇએ પણ રૂઢિચુસ્તતા જેવી મુશ્કેલીઓમાંથી હેમખેમ પસાર થઇને ગુજરાતના પહેલા મહિલા ડૉક્ટર બનવાનું બહુમાન મેળવ્યું છે. પારસી પરિવારમાં જન્મેલા મોતીબાઇનો જન્મ ૧૮૬૭માં બોમ્બેના પ્રગતિશીલ પારસી પરિવારમાં થયો હતો. મોતીબાઇને પણ આનંદીબાઇની જેમ પરિવારજનોની સંપૂર્ણ મદદ મળી હતી. આ પારસી પરિવારે મોતીબાઇને મુંબઇની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરાવવા પ્રવેશ અપાવ્યો ત્યારે તત્કાલીન શ્રેષ્ઠીઓના ભવાં તંગ થઇ ગયા હતા. જોકે, ૧૮૮૯માં મોતીબાઇએ મેડિકલમાં સ્નાતકની ડિગ્રી લીધી. બાદમાં તેમનો પરિવાર ગુજરાતના અમદાવાદમાં સ્થાયી થયો. એ વખતે અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ રણછોડલાલ છોટાલાલે કાળુપુરમાં વિક્ટોરિયા જ્યુબિલી હોસ્પિટલ બંધાવી હતી. મોતીબાઇનો આત્મવિશ્વાસ જોઇને તેમણે આ હોસ્પિટલનો બધો જ કારભાર મોતીબાઇને સોંપી દીધો. અહીં મોતીબાઇએ સળંગ ચાળીસ વર્ષ સુધી આરોગ્ય ક્ષેત્રે આક્રમક રીતે કામ કર્યું. મોતીબાઇ ગુજરાતના પહેલા મહિલા તબીબ જ નહીં, પણ એક ક્રાંતિકારી સમાજ સુધારક પણ હતા.


અમદાવાદમાં મોતીબાઇ કાપડિયા હૉલનું ભૂમિપૂજન કરતી વખતે અન્ય મહિલા આગેવાનો સાથે  (ડાબેથી બીજા)
મોતીબાઇ અને (ઇનસેટ તસવીર) અમદાવાદ, કાલુપુરની વિક્ટોરિયા હોસ્પિટલમાં તેમનું પૂતળું 

વર્ષ ૧૮૯૪માં વિક્ટોરિયા હોસ્પિટલમાં એક દલિત મહિલા સારવાર કરાવવા આવી. મોતીબાઇ તુરંત જ તેની સારવારની તૈયારી કરવા લાગ્યા, પરંતુ હોસ્પિટલ સત્તાવાળા અને સમગ્ર સ્ટાફ તેમની વિરુદ્ધ થઈ ગયો. આ બધાએ ભેગા થઇને મોતીબાઇને ગાળો પણ ભાંડી અને ‘શ્રાપ’ પણ આપ્યા. મોતીબાઇની સમજાવટ પછીયે આ લોકો ટસના મસ ના થયા તો તેમણે બધાની ઉપરવટ જઇને પણ એ દલિત મહિલાની સારવાર કરી. આજથી એક સદીથી પણ વધુ સમય પહેલાં એ એક ક્રાંતિકારી પગલું હતું. આ ઘટના પછી કેટલીક મહિલાઓ વિક્ટોરિયા હોસ્પિટલની નોકરી છોડીને જતી રહી, પરંતુ એ વખતે બીજી કોઈ મહિલા હોસ્પિટલ નહીં હોવાથી તેઓ ફરી મોતીબાઇ સાથે જોડાઇ ગઇ. 

એ જમાનામાં મોતીબાઇએ સમાજ સુધારાના આશયથી ગુજરાત લેડીઝ ક્લબની પણ સ્થાપના કરી હતી, જેથી મહિલાઓ ત્યાં ભેગી થઇને વૈચારિક આદાનપ્રદાન કરી શકે. મોતીબાઇના સામાજિક પ્રદાનની નોંધ લઇ બ્રિટીશ રાજે તેમને 'કૈસર એ હિંદ'થી નવાજ્યા હતા. મોતીબાઇએ લોકોના આરોગ્યની ચિંતા કરતા કરતા વર્ષ ૧૯૩૦માં આ દુનિયાને અલવિદા કહી.

આજની યુવતીઓ તો આર્મી, એન્જિનિયરિંગ, સાયન્સ, ટેક્નોલોજી, ફાઇનાન્સ અને સ્પેસ જેવા ક્ષેત્રે પણ કારકિર્દી બનાવી રહી છે, જે થોડા વર્ષો પહેલાં ફક્ત પુરુષોનો ઇજારો ગણાતો. એક સમયે ભારતમાં અનેક પ્રતિભાશાળી સ્ત્રીઓ ફક્ત જાતિગત ભેદભાવના કારણે ઈચ્છે એ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી ન શકતી. દાયકાઓ પહેલાં આવી મુશ્કેલીઓ સામે લડીને મહિલાઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરણા આપનારી તેમજ દેશના વૈચારિક નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપનારી આ બંને મહિલાઓને ઇતિહાસ હંમેશા યાદ રાખશે.

નોંધઃ તસવીરો વિકિમીડિયા કોમન્સમાંથી લીધી છે. 

08 March, 2017

ફિયરલેસ નાદિયા: સ્ત્રીશક્તિનું ફિલ્મી પ્રતીક


ભારતનો પહેલો સુપરહીરો ‘હીરો’ નહીં પણ ‘હીરોઇન’ હતી. એ અડધી બ્રિટીશ અને અડધી ગ્રીક હતી. એનો વાન ગોરો અને આંખો નીલી હતી. પ્રેમ, સુંદરતા, આનંદ અને કામુકતાની ગ્રીક દેવી એફ્રોડાઇટનું એને વરદાન હતું. એ મજબૂત બાંધાની, આત્મવિશ્વાસુ અને બિંદાસ સ્ત્રી હતી. એ હાથમાં બંદૂક અને કમર પર હંટર રાખતી. ગુંડા-મવાલીઓને એ ચાબુકથી ફટકારતી, બે હાથમાં ઉઠાવીને જમીન પર પટકતી અને ક્યારેક તો ધાંય ધાંય કરીને વીંધી પણ નાંખતી. એ ઊંચી બિલ્ડિંગ પરથી સમરશોટ મારીને ઘોડા પર બેસીને અલોપ થઈ જતી. ‘પંજાબ કા બેટા’, ‘રાજપૂત’ અને ‘બહાદુર’ નામના ઘોડા એના મિત્રો હતા. ‘ટાઇગર’ નામનો આલ્શેસિયન કૂતરો એનો પડછાયો હતો. અરે, સિંહો પણ એની સાથે નમ્રતાથી વર્તતા. દુનિયા એને ‘હંટરવાલી’, ‘ડાયમંડ ક્વિન’, ‘તૂફાન ક્વિન’, ‘ફાઇટિંગ ક્વિન’, ‘હરિકેન હંસા’, ‘મિસ ફ્રન્ટિયર મેલ’ અને ‘પંજાબ મેલ’ જેવા નામે ઓળખતી. વો કૌન થી? કહેવાની જરૂર નથી કે, એ ફિયરલેસ નાદિયા હતી.

ફિયરલેસ નાદિયા અને ‘રંગૂન’માં જુલિયાના કિરદારમાં કંગના

વિશાલ ભારદ્વાજની ૨૪મી ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી ‘રંગૂન’નું ટ્રેલર જોઈને જ ગપસપ શરૂ થઈ હતી કે, આ ફિલ્મમાં કંગનાનો જુલિયા તરીકેનો કિરદાર ફિયરલેસ નાદિયાથી પ્રેરિત છે. વિશાલ ભારદ્વાજે આ દાવો ફગાવી દીધો છે, પરંતુ વાડિયા મૂવિટોન પ્રા. લિ.ના વારસદારોએ તેમની સામે કોપીરાઇટ ભંગની ફરિયાદ નોંધાવી છે. અભિનેત્રી તરીકે નાદિયાની ફિલ્મ કારકિર્દી વાડિયા મૂવિટોનની ‘ધ પ્રિન્સેસ એન્ડ હંટર’ (૧૯૩૫) નામની એક્શન ફિલ્મથી શરૂ થઈ હતી. એ પછી નાદિયાએ ચાળીસેક એક્શન ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી. ભારતીય ફિલ્મોના ઈતિહાસમાં એકેય અભિનેત્રીના નામે આટલી બધી ‘ફિમેલ લીડ’ ફિલ્મો નથી બોલતી. નાદિયાએ જીવનભર વાડિયા મૂવિટોન સાથે કામ કર્યું. આ ફિલ્મ સ્ટુડિયોના સ્થાપકો મૂળ ગુજરાતના સુરતીઓ હતા, એટલે નાદિયાની વાત કરતી વખતે વાડિયા મૂવિટોનનો ઉલ્લેખ ના કરીએ તો વાત અધૂરી ગણાય!

વાડિયા મૂવિટોનનું ટ્રેન સાથેનું ‘લવ અફેર’

જમશેદ બોમન હોમી વાડિયા અને હોમી વાડિયા નામના મૂળ સુરતના બે પારસી ભાઈએ ૧૯૩૩માં વાડિયા મૂવિટોનની સ્થાપના કરી. ફિલ્મોની દુનિયામાં જમશેદજી ‘જેબીએચ વાડિયા’ તરીકે ઓળખાતા અને તેમનું નામ ખૂબ આદર સાથે લેવાતું. વાડિયા મૂવિટોન શરૂ કરતા પહેલાં જમશેદજી ‘વસંત લીલા’ (૧૯૨૮) સહિત ૧૧ મૂંગી ફિલ્મો બનાવી ચૂક્યા હતા. આ બધી જ મૂંગી ફિલ્મોનું ડિરેક્શન, ફોટોગ્રાફી અને રાઇટિંગને લગતું ઘણું બધું મહત્ત્વનું કામ વાડિયા બંધુઓ જ સંભાળતા. જેબીએચ વાડિયાએ ૧૯૩૨માં ‘તૂફાન મેઇલ’ નામની મૂંગી એક્શન ફિલ્મ બનાવી, જેનો મોટા ભાગનો હિસ્સો ચાલતી ટ્રેન પર ફિલ્માવાયો હતો. આ ફિલ્મ પછી જ વાડિયા મૂવિટોનનું ટ્રેન સાથેનું ‘લવ અફેર’ શરૂ થયું.



વાડિયા બંધુઓની ફિલ્મોગ્રાફી પર નજર કરતા થોડી રમૂજ થાય છે કે, તેઓ ‘મિસ ફ્રન્ટિયર મેઇલ’ (૧૯૩૬), ‘હરિકેન હંસા’ (૧૯૩૭), ‘તુફાન એક્સપ્રેસ’ (૧૯૩૮) અને ‘પંજાબ મેઇલ’ (૧૯૩૯) અને ‘રિટર્ન ઓફ તુફાન મેઇલ’ (૧૯૪૨) જેવા ધસમસતા શીર્ષકો ધરાવતી ફિલ્મો સાથે એક યા બીજી રીતે સંકળાયેલા હતા. ‘રિટર્ન ઓફ તુફાન મેઇલ’ બનાવવા રણજિત મુવિટોને વાડિયા મુવિટોન સાથે જોડાણ કર્યું હતું. એ રીતે ભારતમાં મૂંગી ફિલ્મોની સિક્વલ બનાવવાનું શ્રેય પણ વાડિયા બંધુઓને જાય છે. ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે, ૧૯૩૦થી ૧૯૩૨ વચ્ચે ભારતમાં ૧,૩૦૦ મૂંગી ફિલ્મ રિલીઝ થઈ, જેમાંથી અડધી ગુજરાતીઓની માલિકીના સ્ટુડિયોમાં બની હતી.

વાડિયા મૂવિટોનની સ્થાપના કર્યા પછી વાડિયા બંધુઓએ ફિલ્મની દુનિયામાં અનેક રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા. જેમ કે, એક પણ ગીત વિનાની ફિલ્મ ‘નૌજવાન’ (૧૯૩૭), દેશના ભાગલા પછી સિંધી ભાષાની પહેલી ફિલ્મ ‘એકતા’ તેમજ ભારતની પહેલી ટેલિ સિરીઝ ‘હોટેલ તાજ મહલ’ પણ વાડિયા મૂવિટોને  જ બનાવી હતી. દેશની પહેલી અંગ્રેજી ફિલ્મ ‘કોર્ટ ડાન્સર’ (૧૯૪૨) બનાવવાનું ભગીરથ કામ પણ તેમણે જ પાર પાડ્યું હતું. આ ફિલ્મ હિન્દી અને બંગાળીમાં ‘રાજ નર્તકી’ નામે બની હતી, જેમાં એક નૃત્યાંગના ચંદ્રક્રિતી નામના રાજાના પ્રેમમાં પડે છે એવી વાર્તા છે. આ રાજાની ભૂમિકા પૃથ્વીરાજ કપૂરે ભજવી હતી. આ ઉપરાંત સુરતના કડોદ નજીક હરિપુરા ગામમાં યોજાયેલી કોંગ્રેસની વાર્ષિક બેઠકની ફૂલલેન્થ ડોક્યુમેન્ટ્રી ‘હરિપુરા કોંગ્રેસ’ પણ વાડિયા મૂવિટોને જ બનાવી હતી.

વાડિયા બંધુઓની પહેલી ‘બોલતી’ ફિલ્મ

વાડિયા મુવિટોનની સ્થાપના કર્યા પછી વાડિયા બંધુઓએ બોલતી (ટૉકી) એક્શન ફિલ્મ બનાવવાનો ક્રાંતિકારી વિચાર કર્યો. ક્રાંતિકારી એટલા માટે કે, જમશેદજી અને હોમી વાડિયા આ દિશામાં વિચારી રહ્યા હતા ત્યારે અરદેશર ઈરાનીની ભારતની પહેલી બોલતી ફિલ્મ ‘આલમ આરા’ રિલીઝ થયાને માંડ બે વર્ષ થયા હતા. ‘આલમઆરા’ ૧૪મી માર્ચ, ૧૯૩૧ના રોજ રિલીઝ થઈ હતી. જોકે, વેપારી સાહસમાં વાડિયા બંધુઓનો જોટો જડે એમ ન હતો. વાડિયા બંધુઓએ ૧૯૩૩માં જેબીએચ વાડિયાએ જ લખેલી વાર્તા પરથી વાડિયા મુવિટોનની પહેલી બોલતી ફિલ્મ ‘લાલ-એ-યમન’ બનાવી. આ ફિલ્મનું ડિરેક્શન જેબીએચ વાડિયાએ અને સિનેમેટોગ્રાફીનું કામ હોમી વાડિયાએ સંભાળ્યું હતું. ‘લાલ-એ-યમન’માં બોમન શ્રોફ નામના હીરોએ જબરદસ્ત એક્શન દૃશ્યો ભજવ્યા હતા, પરંતુ એ દૃશ્યોને હેમખેમ પાર પાડવાનો શ્રેય સ્ટંટ ડિરેક્ટર નાદિયાને પણ મળ્યો. 

જેબીએચ વાડિયા અને હોમી વાડિયા 

આ ફિલ્મની સફળતા પછી વાડિયા મુવિટોને નાદિયાને લઈને એક યાદગાર એક્શન ફિલ્મ બનાવી, ‘હંટરવાલી’. વાડિયા બંધુઓ ‘હંટરવાલી’માં કોઈ કસર છોડવા માંગતા ન હતા. આ ફિલ્મ પાછળ તેમણે ૧૯૩૫માં રૂ. બે લાખનો ખર્ચ કર્યો હતો, પરંતુ આટલી મોંઘી ફિલ્મ બની ગયા પછી એકેય ડિસ્ટ્રિબ્યુટર તે ખરીદવા તૈયાર ના થયો. આ સ્થિતિમાં પણ વાડિયા બંધુઓએ ગમેતેમ કરીને ‘હંટરવાલી’ રિલીઝ કરી. બોક્સ ઓફિસ પર ‘હંટરવાલી’ બ્લોકબસ્ટર સાબિત થઈ. આ ફિલ્મે તેના બજેટથી પાંચ ગણી વધુ કમાણી કરી હતી. એ પછી તો ટેક્નોલોજી અને ફોટોગ્રાફી ટેકનિકનો ઉપયોગ કરીને પહેલવહેલી એક્શન ફિલ્મો બનાવવા વાડિયા બંધુઓએ જાતભાતના અખતરા શરૂ કર્યા. એટલે તેઓ ભારતીય એક્શન ફિલ્મોના પણ પિતામહ્ ગણાય છે. 

‘હંટરવાલી’ બનાવતી વખતે નાદિયા તો ઠીક, વાડિયા બંધુઓને પણ અંદાજ ન હતો કે, વિદેશી મૂળ ધરાવતી આ સ્ત્રી ભારતીય ફિલ્મોના ઇતિહાસમાં ‘ફિયરલેસ નાદિયા’ અને ‘હંટરવાલી’ તરીકે અમર થઈ જવાની છે! ‘હંટરવાલી’ની સફળતા વટાવવા વાડિયા મુવિટોને એ જ વર્ષે ‘ધ પ્રિન્સેસ એન્ડ ધ હંટર’ અને ૧૯૪૩માં ‘હંટરવાલી કી બેટી’ જેવી ફિલ્મો પણ બનાવી. ‘હંટરવાલી’ બ્રાન્ડ નેમ બની જતા વાડિયા બંધુઓએ લગભગ દરેક ફિલ્મમાં નાદિયાના હાથમાં હંટર થમાવી દીધી હતી. 

સ્ત્રીસશક્તિકરણ માટે પણ ગેમ ચેન્જર

‘હંટરવાલી’ નાદિયાની કારકિર્દી માટે જ નહીં, ફિલ્મો થકી સ્ત્રી સશક્તિકરણનો પવન ફૂંકવામાં પણ ગેમ ચેન્જર સાબિત થઈ. બ્રિટીશ કાળમાં ભારતીય ફિલ્મો-નાટકોમાં સ્ત્રીઓનું પાત્ર પુરુષો ભજવતા અને અભિનય ‘ઈજ્જત વગરનું કામ’ ગણાતું. એ સમયે રૂપેરી પડદા પર નાદિયા ‘બોલ્ડ’ કહી શકાય એવા કપડાં પહેરીને આવતી અને સ્ત્રી સમાનતાની હિમાયત કરતી. વાડિયા બંધુઓએ લગભગ બધી જ ફિલ્મમાં નાદિયાને ‘અન્યાય સામે લડતી’ અને ‘પુરુષનું આધિપત્ય ફગાવી દેનારી’ ક્રાંતિકારી સ્ત્રી તરીકે રજૂ કરી. વાડિયા બંધુઓએ અનેક ફિલ્મોમાં નાદિયાના મુખે સ્ત્રી સમાનતાની હિમાયત કરતા સંવાદો પણ મૂક્યા. એ દૃષ્ટિએ ફિલ્મ થકી સ્ત્રીસશક્તિકરણને દિશા આપવામાં પણ જેબીએચ વાડિયાને યાદ કરવા પડે.


ગેમ ચેન્જર ફિલ્મ ‘હંટરવાલી’નું પોસ્ટર અને એ ફિલ્મના હીરો જ્હોન કાવસ સાથે નાદિયા

સુરત શહેરના પારસી પરિવારમાં ૧૩મી સપ્ટેમ્બર, ૧૯૦૧ના રોજ જન્મેલા જમશેદજીએ ફર્સ્ટ ક્લાસ બી.એ., એમ.એ. અને પછી એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કર્યો હતો, પરંતુ તેમનું પેશન હતું સિનેમા. યુવાન વયથી જ જમશેદજી ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં પણ સક્રિય હતા. આ દરમિયાન તેઓ વિખ્યાત ક્રાંતિકારી નેતા અને સમાજ સુધારક એમ.એન. રોયના સંપર્કમાં આવ્યા. રોય સાથેની મિત્રતાના કારણે જ જમશેદજીના મનમાં સિનેમા જેવા સબળ માધ્યમથી સામાજિક સુધારાની દિશામાં કંઈક કરવાના વિચાર મજબૂત થયા હતા. રોયના વૈચારિક પ્રભાવના કારણે વાડિયા બંધુઓની ફિલ્મોમાં ફિયરલેસ નાદિયા અજાણતા જ સ્ત્રી ક્રાંતિના પ્રતીક તરીકે ઊભરી હતી.

નાદિયા ભારતીય નહીં, સ્કોટિશ હતી

આઠમી જાન્યુઆરી, ૧૯૦૮ના રોજ સ્કોટિશ પરિવારમાં જન્મેલી નાદિયાનું અસલી નામ મેરી એન ઈવાન્સ હતું. નાદિયાના પિતા હર્બર્ટ ઈવાન્સ ઓસ્ટ્રેલિયામાં બ્રિટીશ લશ્કરમાં ફરજ બજાવતા. વર્ષ ૧૯૧૩માં હર્બર્ટ ઈવાન્સની બદલી ભારત થતાં તેઓ બોમ્બે સ્થાયી ગયા. એ વખતે મેરીની ઉંમર પાંચ વર્ષ હતી. ભારત આવ્યાના બે જ વર્ષમાં હર્બર્ટ ઈવાન્સ પહેલા વિશ્વયુદ્ધમાં જર્મનો સામેના યુદ્ધમાં શહીદ થઈ ગયા. એટલે ઈવાન્સ પરિવાર પેશાવરમાં (હાલ પાકિસ્તાનમાં) સ્થાયી થયો. પેશાવરમાં જ મેરીએ ઘોડેસવારી, શૂટિંગ, જિમ્નાસ્ટિક જેવી કળાઓ શીખી. આ દરમિયાન મેરીએ સર્કસમાં પણ કામ કર્યું અને બેલે ડાન્સ પણ શીખી. ઈવાન્સ પરિવાર ૧૯૨૮માં ફરી મુંબઈ આવ્યો. અહીં મેરીએ સારી નોકરી મેળવવા સ્ટેનો ટાઇપિંગ પર હાથ અજમાવ્યો.

લુગદી સાહિત્યનો મહારથી જ્હોનસ્ટન મેકકલી અને
હોલિવૂડનો લેટેસ્ટ ઝોરો (પર્સનલ ફેવરિટ) એન્ટોનિયો બેન્ડરેસ 

મેરી એન ઈવાન્સને કોઈ ફિલ્મ ડિરેક્ટરે નાદિયા નામ નહોતું આપ્યું, પરંતુ એક જ્યોતિષે મેરીને કારકિર્દીમાં આગળ વધવું હોય તો ‘એન’થી શરૂ થતું નામ અપનાવવાની સલાહ આપી હતી. એટલે મેરીએ પોતાનું જ નવું નામ પાડ્યું, નાદિયા. એ પછી તો નાદિયાએ પેશાવરમાં અને સર્કસમાં શીખેલી કળાઓને ફિલ્મી પડદે રજૂ કરવામાં જેબીએચ વાડિયા નિમિત્ત બન્યા, પરંતુ નાદિયાને સ્ટારડમ અપાવ્યું હોમી વાડિયાએ.

‘લાલ-એ-યમન’ બનાવતી વખતે જેબીએચ વાડિયાએ જ નાદિયાને બ્રેક આપ્યો હતો. હોમી વાડિયાનો જન્મ ૨૨મી મે, ૧૯૧૧ના રોજ થયો હતો. મોટા ભાઈથી તેઓ દસ વર્ષ નાના હતા. મેટ્રિક પછી ભણવાનું છોડીને તેઓ પણ જેબીએચ સાથે ફિલ્મમેકિંગમાં જોડાઈ ગયા. હોમી વાડિયાના દિમાગમાં યુવાનીથી જ લુગદી સાહિત્યના મહારથી જ્હોન્સ્ટન મેકકલીએ સર્જેલા કાલ્પનિક પાત્ર ‘ઝોરો’ પરથી ફિલ્મ બનાવવાના વિચારો ઘુમરાતા હતા. વાડિયા મૂવિટોનની અમુક ફિલ્મોમાં માસ્ક, ઓવરકોટ, બૂટ અને હાથમાં તલવાર સાથે સજ્જ ઝોરોની નકલ કરી હોય એવા પાત્રો પણ દેખાયા. જોકે, નાદિયાની એન્ટ્રી થયા પછી હોમી વાડિયાએ ઝોરોના દેખાવમાં થોડો ફેરફાર કરીને નાદિયાને જ માસ્ક, હંટર અને ફૂલ બૂટમાં પેશ કરવાનો અખતરો કર્યો, જેને દર્શકોએ હોંશે હોંશે અપનાવી લીધો.

***

નાદિયા અને હોમી ૧૯૪૦માં ગળાડૂબ પ્રેમમાં પડી ચૂક્યા હતા. આ સંબંધને લઈને ફક્ત જમશેદજી હોમીની સાથે હતા. વિદેશી યુવતી સાથે લગ્ન કરવાની વાત કરતા જ વાડિયા પરિવાર બંને ભાઈઓની વિરુદ્ધ થઈ ગયો હતો. વળી, ફિલ્મ મેકિંગને કારકિર્દી તરીકે અપનાવીને પણ વાડિયા બંધુઓ વડીલોની નારાજગી વ્હોરી ચૂક્યા હતા. ખાસ કરીને હોમી વાડિયાના માતા ધૂનમાઈ ખૂબ રૂઢિચુસ્ત હતા. આ સંજોગોમાં હોમી અને નાદિયા લગ્ન કરીને સાથે ન રહી શક્યા, પરંતુ ધૂનબાઈના મૃત્યુ પછી, ૧૯૬૧માં, હોમીએ નાદિયા સાથે લગ્ન કર્યા. એ વખતે હોમી ૫૦ વર્ષના હતા, જ્યારે નાદિયા ૫૩નાં. 

હોમીના મૃત્યુના આઠ વર્ષ પહેલાં નવમી જાન્યુઆરી, ૧૯૯૬ના રોજ નાદિયાનું મૃત્યુ થયું. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પહેલી બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ સુપર હીરોઈન, એક્શન સ્ટાર અને સ્ટંટ ડિરેક્ટર તરીકે નાદિયાને ફિલ્મ રસિયા હંમેશા યાદ રાખશે!