Showing posts with label ડોનાલ્ડ ટ્રમ્પ. Show all posts
Showing posts with label ડોનાલ્ડ ટ્રમ્પ. Show all posts

08 November, 2017

ફેસબૂક અને ફેક ન્યૂઝ : ધંધા હૈ પર ગંદા હૈ યે...


ફેસબૂક અને વૉટ્સએપ જેવા સોશિયલ મીડિયા માધ્યમોના જમાના પહેલાં 'ન્યૂઝ'નો અર્થ ફક્ત 'સમાચાર' થતો હતો, પરંતુ હવે બીજા પણ એક ન્યૂઝ લોકપ્રિયતા મેળવી રહ્યા છે અને એ છે, ફેક ન્યૂઝ. આ પ્રકારના ન્યૂઝનો ફેલાવો કરવાનું સૌથી ઉત્તમ હથિયાર એટલે સોશિયલ મીડિયા. ભારતમાં ફેસબૂક અને વૉટ્સએપ સૌથી વધારે લોકપ્રિય છે. ટ્વિટર પર શબ્દોની મર્યાદા છે, પરંતુ ફેસબૂક-વૉટ્સએપ પર લાંબા લખાણો લખીને એકસાથે લાખો લોકોને પહોંચાડી શકાય છે. ટ્વિટર એલિટ ક્લાસનું પ્લેટફોર્મ છે, પરંતુ ફેસબૂક-વૉટ્સએપની પહોંચ મધ્યમ વર્ગ અને ગરીબો સુધી પણ છે. ફેસબૂક કે બીજા કોઈ પણ સોશિયલ મીડિયામાં વહેતા સમાચારોની જનમાનસ પર કેટલી અસર થાય છે અને મતપેટી પર તેની કેવી અસર પડે છે- એ ચોક્સાઇપૂર્વક ના જાણી શકાય, પરંતુ આ માધ્યમો થકી ફેલાવાતી ખોટી માહિતીના કારણે મતપેટી પર અસર પડે છે એ વાતમાં કોઈ શંકા નથી. આઈઆરઆઈએસ નામનું રિસર્ચ ફાઉન્ડેશન તેમજ ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના સંયુક્ત અભ્યાસમાં પણ આ વાત સાબિત કરી ચૂક્યા છે.

સોશિયલ મીડિયા યુવા પેઢી સિવાયના પણ લાખો લોકોના જીવનનું અભિન્ન અંગ છે. આપણી લોકસભાની ચૂંટણીઓ હોય કે અમેરિકા, ફ્રાંસ અને જર્મનીની ચૂંટણીઓ- આ બધામાં ફેસબૂકે અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાથી ફેક ન્યૂઝ સામે પણ સવાલ ઊઠવા સ્વાભાવિક છે. અમેરિકન પ્રમુખપદની ચૂંટણી વખતે જ આ વિવાદની શરૂઆત થઈ ગઈ હતી. અમેરિકામાં વર્ષ ૨૦૧૬ના અંતમાં પ્રમુખપદની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલતો હતો ત્યારે ફેસબૂકની હીટ્સ ૧૭ ટકા વધી હતી. ફેસબૂકને આ ઓનલાઈન ટ્રાફિક ફેક કે મરચું-મીઠું ભભરાવીને તૈયાર કરેલી અંશતઃ ફેક માહિતીના કારણે મળ્યો હતો, જેના કારણે ફેસબૂકની આવક બે જ મહિનામાં ૪૭ ટકા વધી હતી. ટૂંકમાં, ફેસબૂકને ફેક માહિતીમાંથી પણ કરોડો ડોલરનો નફો થયો હતો.



આ વિવાદમાં ફેસબૂક એવો મુદ્દો ઉઠાવી શકે છે કે, અમારું તો કામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આપવાનું છે. જો કોઈ આ પ્લેટફોર્મ પર ખોટા સમાચારો ફેલાવે તો ફેસબૂક શું કરે? પરંતુ અમેરિકા અને યુરોપિયન દેશોમાં ફેસબૂક પર આવતી માહિતીની વિશ્વસનિયતા સામે સવાલ ઉઠ્યા પછી ખુદ માર્ક ઝકરબર્ગે ફેસબૂકના બચાવમાં મેદાનમાં ઉતરવું પડ્યું હતું કારણ કે, આ મુદ્દો સીધો ફેસબૂકની આવક સાથે સંકળાયેલો છે. ગયા મહિને બરાક ઓબામાએ પણ ઝકરબર્ગને ફેક ન્યૂઝ મુદ્દે ચેતવણી આપી હતી. એ પછી ઝકરબર્ગે ફેક ન્યૂઝને ગંભીરતાથી લેવાનું આશ્વાસન પણ આપ્યું, પરંતુ અનેક વખત ડાહ્યાડમરા નિવેદનો કર્યા પછી ફેસબૂક ફેક ન્યૂઝને કાબૂમાં રાખવાની વાત સિફતપૂર્વક ભૂલાવી દે છે.

એકવાર ફેસબૂકે એવી પણ દલીલ કરી હતી કે, ચૂંટણીની વાત કરીએ તો આ પ્લેટફોર્મ ઉપર ફેક કન્ટેન્ટનો હિસ્સો ખૂબ ઓછો છે અને તેના કારણે મતદારો પ્રભાવિત ના થઈ શકે. મતદાર તો વ્યક્ગિત ગમા-અણગમા અને અનુભવના આધારે જ કોને મત આપવો એ નક્કી કરતો હોય છે. જોકે, ફેસબૂકની આ દલીલ ફક્ત અંશતઃ સાચી છે. ભલે કન્ટેન્ટ ઓછું હોય પણ ચૂંટણી વખતે ફેક ન્યૂઝનો એકધારો મારો ચાલતો હોય ત્યારે મતદારો પ્રભાવિત થઈ શકે છે. સાક્ષરતાનો ઊંચો દર ધરાવતા અમેરિકા અને બીજા યુરોપિયન દેશોને પણ ફેસબૂકના ફેક ન્યૂઝની ચિંતા હોય તો ભારત જેવા દેશ માટે આ ફિકર કરવી જ પડે. એક સમયે ચૂંટણી પ્રચારનો અર્થ જાહેર સભાઓ, રેલીઓ, ગલીએ-ગલીએ નાનકડી સભાઓને સંબોધન કરવું અને કાર્યકરો સાથે ખુલ્લી ટ્રક કે કારમાં બેસીને પોતાને મત આપવાની અપીલ કરવી એવો થતો હતો. હવે એવું નથી. લોકસભાની તો ઠીક, કોર્પોરેશનોની ચૂંટણી પણ ગલીઓની દીવાલો પરથી ફેસબૂક વૉલ પર આવી ગઈ છે. ભારત જેવા વિકાસશીલ દેશોમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધ્યા પછી રાજકીય પક્ષો પણ ચૂંટણી પ્રચાર માટે પણ સોશિયલ મીડિયા કે સાયબર આર્મી રાખે છે, રાખવું પડે છે.

ફ્રાંસની ચૂંટણી વખતે અમેરિકા-ભારત જેવા દેશોના અનુભવ પરથી ફ્રેંચ સરકારે પણ ફેસબૂકના ફેક ન્યૂઝને ઓળખવા દસ સૂચન કર્યા હતા. ફ્રેંચ સરકારે તટસ્થ મતદાન થાય એ માટે સોશિયલ મીડિયામાં આવતી માહિતીને ક્રોસ ચેક કરવાની પ્રજાને પણ અપીલ કરી હતી. કદાચ આ પ્રકારના પગલાંથી ફ્રાંસની ચૂંટણીમાં જમણેરી (કે જૂનવાણી?) વિચારો ધરાવતા નેતાઓ બહુ ફાવ્યા ન હતા. એવી જ રીતે, જર્મનીમાં પણ રૂઢિચુસ્ત વિચારો ધરાવતા પક્ષોએ ૮૦ ટકા ચૂંટણી પ્રચાર કરવા ફેસબૂક પર જ કર્યો હતો, જ્યારે વીસ ટકામાં બીજા બધા જ માધ્યમો હતા. આ વિવાદો પછી ફેસબૂકે બ્રિટનની ફૂલ ફેક્ટ અને બીજી એક આંતરરાષ્ટ્રીય સંસ્થા ફર્સ્ટ ડ્રાફ્ટ સાથે મળીને સાચી માહિતીને ઓળખી કાઢવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. અત્યાર સુધી ફેસબૂક ફિચર્ડ (સ્પોન્સર્ડ) આર્ટિકલ્સમાં આપેલી માહિતીની ખરાઈ કરતું ન હતું, પરંતુ હવે કરે છે. આ પ્રકારના આર્ટિકલ્સ પણ ત્રણેક તબક્કામાંથી પસાર થયા પછી જ ફેસબૂક પર પ્રકાશિત કરાય છે. જોકે, આ પ્રકારની ચકાસણી ફક્ત અંગ્રેજી ભાષામાં લખાયેલી માહિતીની જ થાય છે.

ફેસબૂકે એવો પણ નિયમ બનાવ્યો છે કે, જે ફેસબૂક એકાઉન્ટ સતત ખોટી માહિતી ફેલાવતું હશે તેમાં જાહેરાતો મૂકવાની મંજૂરી નહીં અપાય. ફેસબૂક માનતું હતું કે, જાહેરાતો નહીં મળે એટલે ખોટી માહિતી  પણ અપલોડ થતી ઓછી થઈ જશે, પરંતુ રાજકીય પક્ષોને અથવા જેમને ખોટી માહિતી કોઈ પણ ભોગે ફેલાવવી છે તેમને તો કમાણીની જરૂર જ નથી. તેઓ માટે ચૂંટણીમાં મહત્તમ બેઠકો જીતવી એ જ સૌથી મોટી કમાણી છે. રાજકીય પક્ષો તો એક પેજ બંધ કરાય તો બીજું શરૂ કરશે અને ફેસબૂક કોઈને પેજ બનાવતું રોકી શકે એમ નથી. એકવાર તો ઝકરબર્ગે જાહેરમાં જ કબૂલ્યું હતું કે, 'ફેક ન્યૂઝને કાબુમાં લેવાનો અમારી પાસે કોઈ ઉપાય નથી.'

હવે સવાલ એ છે કે, ફેક ન્યૂઝ માટે ફેસબૂકને જ કેમ નિશાન બનાવાય છે? આ સવાલનો સીધોસાદો જવાબ એ છે કે, ફેસબૂક પર જ સૌથી વધારે ફેક ન્યૂઝ આવે છે. ફેસબૂક યુઝર એકસાથે પાંચ હજાર ફેસબૂક યુઝર સાથે ફ્રેન્ડશિપ કરી શકે છે એ તેનું સૌથી સબળું પાસું છે અને એટલે ફેક ન્યૂઝની બાબતમાં સૌથી ખતરનાક પાસું પણ એ જ છે. વળી, આ પાંચ હજાર લોકો તમામ ફેસબૂક પોસ્ટ રિ-શેર કરી શકે છે. એટલું જ નહીં, મોબાઈલ એપના કારણે યુઝર્સ ફેસબૂકની માહિતીને કોપી-પેસ્ટ કરીને વૉટ્સએપમાં પણ સહેલાઈથી વહેતી કરે છે. ફેક ન્યૂઝ રોકવા કામ કરતા નિષ્ણાતોનો દાવો છે કે, ફેસબૂક ફેક ન્યૂઝ પર કાબૂ રાખી શકે છે, પરંતુ એમ કરવામાં ફેસબૂકના 'ધંધા' પર અસર પડી શકે એમ છે. ફેસબૂક જાણી જોઈને ફેક ન્યૂઝને સંપૂર્ણપણે બંધ કરવા નથી ઈચ્છતું. જો ફેસબૂક દ્વારા બહુ આકરા પગલાં ભરવામાં આવે તો કદાચ કરોડો યુઝર્સ ગુમાવવા પડે, યુઝર્સ ઘટે તો ટ્રાફિક ઘટે અને ટ્રાફિક ઘટે તો એડવર્ટાઝિંગની આવક પણ ઘટે. એટલે જ તો આટલા સમયથી વિવાદ થતાં હોવા છતાં ઝકરબર્ગના પેટનું પાણીય નથી હલતું. અમુક અહેવાલો પછી તો એવી પણ છાપ ઉપસી છે કે, ઝકરબર્ગ હોમ કન્ટ્રી અમેરિકાને પણ ગાંઠતા નથી.

જેમ કે, અમેરિકન પ્રમુખની ચૂંટણીમાં હિલેરી ક્લિન્ટનને મ્હાત આપવા ટ્રમ્પની ટીમે ફેસબૂકનો આક્રમક ઉપયોગ કર્યો હતો. અમેરિકન મીડિયાએ તો ડોનાલ્ડ ટ્રમ્પના વિજય પછી કેટલાક અહેવાલો ટાંકીને એવો પણ દાવો કર્યો હતો કે, ટ્રમ્પની તરફેણમાં અમેરિકન મતદારોને રીઝવવા અને હિલેરી ક્લિન્ટનને વધુમાં વધુ બદનામ કરવા રશિયન પ્રમુખ પુતિને પણ સક્રિય ભાગ ભજવ્યો હતો. આ પ્રકારના સમાચારો ફેલાવવા ટ્રમ્પ અને પુતિને ફેસબૂકનો પણ મોટા પાયે ઉપયોગ કર્યો હતો. અમેરિકન લોકશાહી માટે એ આઘાતજનક સમાચાર હતા. આટલું ઓછું હોય તેમ એવું પણ બહાર આવ્યું કે, અમેરિકન પ્રમુખપદની ચૂંટણી વખતે એક રશિયન કંપનીએ અસંખ્ય જાહેરાતો આપી હતી અને એ બધી જ ફેક ફેસબૂક એકાઉન્ટ સાથે જોડાયેલી હતી. આ જાહેરાતોએ અમેરિકન મતદારોનું માનસ પ્રભાવિત કર્યું હતું. આ આક્ષેપો પછી ફેસબૂકે અમેરિકન ચૂંટણી વખતે રશિયન કંપનીએ આપેલી ઓનલાઈન જાહેરખબરોની વિગતોનો સંપૂર્ણ અહેવાલ અમેરિકન કોંગ્રેસને સોંપવો પડ્યો હતો, પરંતુ એ દિશામાં રહસ્યમય રીતે ઢીલી તપાસ થઈ રહી છે. રશિયા સાથે મળીને કરાયેલા આ કથિત કૌભાંડની તપાસ કરવાની અમેરિકામાં હજુયે માંગ થઈ રહી છે.

વેલ, ચૂંટણીઓમાં ફેસબૂક પર ફેલાવાતા ફેક ન્યૂઝ મુદ્દે ઝકરબર્ગ અનેક નિવેદનો કરી ચૂક્યા છે અને જાહેરમાં માફી પણ માગી ચૂક્યા છે. રાજકીય જાહેરખબરોમાં વધુ પારદર્શકતા લાવવા ઝકરબર્ગે નવી ફેસબૂક પોલિસી પણ જાહેર કરી છે, પરંતુ ફેક ન્યૂઝ રોકવા માટે ફેસબૂકે કદાચ બહુ મોટી આવક ગુમાવવી પડે એમ છે. એ માટે ઝકરબર્ગ કોઈ કાળે તૈયાર ના થાય. તો ફેક ન્યૂઝની અસર ઓછી કરવાનો ઉપાય શું?

ફેસબૂક જ ને. બીજું શું? 

નોંધઃ આ રેફરન્સ ધરાવતા બીજા લેખો વાંચવા નીચેના લેબલ્સ પર ક્લિક કરો... 

21 November, 2016

શું ટ્રમ્પ આ વાત સમજશે?


અમેરિકામાં 'દબંગ' ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા એટલે આતંકવાદનો સફાયો થઈ જશે. ખાસ કરીને સીરિયા અને ઈરાકમાં પાંગરીને છેક યુરોપ અને અમેરિકા સુધી પોતાની પાંખો પ્રસરાવી ચૂકેલા ઈસ્લામિક સ્ટેટનો ખાત્મો તો નક્કી જ છે. આ ઉપરાંત ઈસ્લામિક સ્ટેટ જેવા આતંકવાદી જૂથોની વિચારધારાથી પ્રભાવિત અમેરિકામાં રહેતા કોઈ એકલદોકલ યુવકોના લૉન વુલ્ફ એટેકનો પણ ખતરો નહીં રહે. કારણ? કારણ કે, ટ્રમ્પ ગેરકાયદે મુસ્લિમ વસાહતીઓ, ગુનેગારો અને શંકાસ્પદોને અમેરિકામાં રહેવા દેશે તો લૉન વુલ્ફ એટેક થશે ને!

જો રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પની જીત પછી તમે આવું કંઈ માનતા હોવ તો તમે હજુયે 'બોર્નવિટા બોય' (કે ગર્લ) છો. અમેરિકા હોય કે ભારત, બ્રિટન હોય કે ફ્રાંસ- કોઈ પણ દેશની માસ સાયકોલોજીના પાયાના નિયમો અફર હોય છે. લોકોને ડરાવી-બીવડાવીને અને કાલ્પનિક ભય બતાવીને થોડો ઘણો સમય મૂર્ખ બનાવી શકાય છે. આ પ્રકારની સ્થિતિ દેશે-દેશે બદલાતી હોય છે અને એમાંય એકસાથે અનેક પરિબળો કામ કરતા હોય છે. આવા રાજકીય સંજોગોના નિર્માણ પાછળ સત્તાધારી પક્ષોની નબળાઈ, કૌભાંડો, પ્રજાની પરેશાની અને અસંતોષ, સ્થાનિક વેપારી નીતિઓમાંથી સર્જાયેલો અન્યાય બોધ અને તેમાંથી ઊભા થયેલા બેકારી જેવા પ્રશ્નો જવાબદાર હોઈ શકે છે. હાલના અમેરિકાની સ્થિતિ કંઈક આવી છે. આ સંજોગોની રોકડી કરીને ટ્રમ્પે સાબિત કરી નાંખ્યું છે કે, 'બોલ બચ્ચનગીરી' કરીને ગમે તેવા શિક્ષિત અને મુક્ત વિચારધારા ધરાવતા સમાજને પણ 'ટોળા'માં પરિવર્તિત કરી શકાય છે અને દમ હોય તો અમેરિકાના પ્રમુખ પણ બની શકાય છે.

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સામે લડવા ઈરાકી મહિલાને તાલીમ આપી રહેલો અમેરિકન સૈનિક

ટ્રમ્પ પ્રમુખ તો બની ગયા પણ હવે તેઓ ચૂંટણીમાં કહેલી વાતોનો કેટલો અને કેવી રીતે અમલ કરશે એની અમેરિકામાં જ નહીં, દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. આ ચૂંટણી પહેલાં (અને પછીયે) જ રાજકીય નિષ્ણાતો સોઈ ઝાટકીને કહી ચૂક્યા છે કે, ટ્રમ્પ પ્રમુખ બનશે તો દુનિયાભરના રાજકીય અને સમીકરણો બદલાશે. વેપારી નીતિઓની વાત છે ત્યાં સુધી ટ્રમ્પ બહુ બહુ તો ઘરઆંગણે થોડી ઘણી રોજગારી ઊભી કરશે, ચીની માલની આયાત રોકવા થોડાઘણાં હથકંડા અજમાવશે, મેક્સિકો જેવા દેશોના ગેરકાયદે નાગરિકો સામે થોડું ઘણું આકરાપણું દાખવશે અને આતંકવાદ સામે ટ્રમ્પ આક્રમકતા બતવાશે અથવા તો એવી છબિ ઊભી કરવાનો પ્રયાસ કરશે. બીજું બધું તો ઠીક છે પણ આતંકવાદને લગતી નીતિમાં ટ્રમ્પના ‘ટ્રમ્પ કાર્ડ’ ઊંધા પડ્યા તો અમેરિકા અને યુરોપ જ નહીં, ભારત જેવા દેશોએ પણ ભોગવવાનું આવશે. કેવી રીતે?

જો ટ્રમ્પ ઈરાક અને સીરિયામાં ઈસ્લામિક સ્ટેટનો ખાત્મો કરવાની લ્હાયમાં કોઈ દુ:સાહસ કરશે તો તેના આફ્ટર શૉક્સ કેવા હશે એ સમજવા અલ કાયદા અને ઈસ્લામિક સ્ટેટ ઉત્તમ ઉદાહરણ છે. અફઘાનિસ્તાનમાં સિત્તેર-એંશીના દાયકામાં સોવિયેત યુનિયનના સૈનિકોનો ખાત્મો કરવા અમેરિકાએ અલ કાયદાના લડવૈયાઓને શારીરિક અને શૈક્ષણિક તાલીમ આપવા ભરપૂર મદદ કરી હતી. એ વખતે અમેરિકાને અંદાજ પણ નહોતો કે, આ લડવૈયાઓને અપાતી તાલીમ ફક્ત અમેરિકા જ નહીં, આખી દુનિયા માટે ખતરનાક સાબિત થવાની છે! શસ્ત્રોની તાલીમ તો ફક્ત શારીરિક હતી પણ શૈક્ષણિક તાલીમમાં 'વિચારધારાના ફેલાવા'નો સમાવેશ થતો હતો. શસ્ત્રોની તાલીમ પામેલા અને ‘શિક્ષણ’ મેળવીને ચોક્કસ વિચારધારાથી પ્રભાવિત આ લડવૈયાઓએ જ અમેરિકાના 'ટ્વિન ટાવર પર હુમલો કર્યો હતો, જે ૯/૧૧ તરીકે જાણીતો છે. એ ઘટના પછી સોવિયેત યુનિયન સામે લડતા અલ કાયદાના 'લડવૈયા' અમેરિકા માટે રાતોરાત 'આતંકવાદી' થઈ ગયા હતા.

૯/૧૧ પછી અમેરિકાએ રાષ્ટ્રીય સુરક્ષા તેમજ વિદેશ અને ઈમિગ્રન્ટ નીતિમાં ધરખમ ફેરફારો કર્યા. બાદમાં અફઘાનિસ્તાનને ધમરોળીને હજારો તાલીબાનોને ખતમ કરી અલ કાયદાને પણ નબળું પાડી દીધું. જોકે, અફઘાનિસ્તાનમાં અલ કાયદા નબળું પડ્યું એ પછીયે આતંકવાદ ખતમ ના થયો, ઊલટાનો વધ્યો. તાલીબાનો ખતમ થયા પણ ઓસામા બિન લાદેન નામે ઊભો થયેલો 'વિચાર' ના મર્યો. અમેરિકાએ જ તૈયાર કરેલા આ આતંકવાદીઓ અફઘાનિસ્તાન, આફ્રિકા અને યુરોપના દેશોમાં નાના-મોટા જૂથોમાં વહેંચાઈ ગયા, જે હજુયે સક્રિય છે. આ ઉપરાંત અનેક 'તૈયાર લડવૈયા' ઈસ્લામિક સ્ટેટ જેવા નવા આતંકવાદી જૂથો સાથે જોડાઈ ગયા અને તેઓ પણ અનેક દેશોમાં સક્રિય થયા. બેલ્જિયમ અને ફ્રાંસ જેવા દેશોમાં થયેલા હુમલા એની સાબિતી છે. અહીં એ વાત પણ નોંધવી પડે કે, ટ્વિન ટાવરના હુમલા પછી અમેરિકામાં નાના-મોટા છમકલાંને બાદ કરતા કોઈ મોટો આતંકવાદી હુમલો સફળ થઈ શક્યો નથી. આ વાત દર્શાવે છે કે, અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા નીતિ જડબેસલાક છે.

હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. અમેરિકામાં કોઈ હુમલો નથી થયો એ કબૂલ પણ અમેરિકન નાગરિકો વિશ્વભરમાં ફેલાયેલા છે અને તેઓ દુનિયાભરના દેશોનો પ્રવાસ કરે છે. આતંકવાદીઓ અમેરિકામાં ઘૂસી નથી શકતા તો શું, હવે તેઓ દુનિયાભરના પ્રવાસન સ્થળોએ અમેરિકનો-યુરોપિયનોને લક્ષ્યાંક બનાવે છે. અમેરિકનો પણ મુસ્લિમ દેશો સહિત દુનિયાભરમાં વેપાર-ધંધો કરે છે. આ સ્થિતિમાં ઈરાક, સીરિયા કે આફ્રિકાના કોઈ દેશમાં માથાફરેલ ઈસ્લામિક સત્તા આવે તો અમેરિકાનો વાળ પણ વાંકો ના થાય એ શક્ય નથી. એટલે જ અમેરિકા આ બંને દેશમાંથી ઈસ્લામિક સ્ટેટને ખતમ કરવા સમજી વિચારીને ખેલ ખેલી રહ્યું છે. આ બંને દેશમાં આતંકવાદ સામે લડવા અમેરિકાએ વિવિધ સ્તરે લાંબા ગાળાની વ્યૂહાત્મક નીતિઓ અમલમાં મૂકી છે. પરંતુ ઈરાકમાં સદ્દામ હુસૈનને ખતમ કરવા 'પોલિટિકલી ઈનકરેક્ટ' પગલું લીધા પછી જ ઈસ્લામિક સ્ટેટ નામનું ‘જીન’ બાટલીમાંથી બહાર આવ્યું છે અને આતંકવાદ વધ્યો છે, જેનો અમેરિકાને પણ ભય છે. અફઘાનિસ્તાન અને ઈરાકનો ઈતિહાસ ગવાહ છે કે, અમેરિકાની ભૂલોના કારણે તેમણે તો ઠીક, આખી દુનિયાએ આતંકવાદનો સામનો કરવો પડ્યો છે! અત્યારે અલ કાયદા અને ઈસ્લામિક સ્ટેટ ભારતને નડી જ રહ્યા છે ને?

આ 'જો અને તો'ના અનુમાનો સાથે બીજા પણ કેટલાક મુદ્દા ધ્યાનમાં રાખવા જેવા છે. સૌથી પહેલી વાત એ કે, અમેરિકામાં ૯/૧૧ હુમલો થયો ત્યારે રિપબ્લિકન પાર્ટીની સરકાર હતી અને પ્રમુખ હતા જ્યોર્જ બુશ. આ જાણકારી આપવાનો અર્થ એ નથી કે, આતંકવાદ વધ્યો એ માટે રિપબ્લિકન પાર્ટી જવાબદાર છે. ટ્વિન ટાવરના હુમલાની તૈયારી તો અલ કાયદાએ ઘણાં વર્ષો પહેલાં શરૂ કરી દીધી હતી. જ્યોર્જ બુશ અગાઉ અમેરિકન પ્રમુખપદે ડેમોક્રેટિક પાર્ટીના બિલ ક્લિન્ટન હતા. સિત્તેર-એંશીના દાયકામાં અમેરિકાએ સોવિયેત યુનિયન સામે અફઘાનિસ્તાનના મુજાહિદ્દિનનોને મદદ કરવાનું શરૂ કર્યું ત્યારે ડેમોક્રેટિક પાર્ટીના જિમી કાર્ટર અમેરિકન પ્રમુખ હતા. કાર્ટરની વિદાય પછી વર્ષ ૧૯૮૧માં અમેરિકન પ્રમુખપદે રિપબ્લિકન પાર્ટીના રોનાલ્ડ રેગન આવ્યા અને એમણે પણ એ જ નીતિઓ ચાલુ રાખી.  

આ તમામ અમેરિકન પ્રમુખોના કાર્યકાળમાં અમેરિકાની આતંકવાદ સામેની લડાઈ ચાલી જ રહી હતી અને હજુયે ચાલી રહી છે. એ વખતે પણ અમેરિકા જે કરવું હોય તે કરતું જ હતું, પણ અમેરિકાની મુક્ત અને ખુલ્લું મન ધરાવતા અમેરિકન સમાજની છબિને નુકસાન પહોંચાડ્યા વિના. એ અસલી અમેરિકા હતું. ૯/૧૧ પછી અમેરિકાને ફૂલપ્રૂફ કરવાનું કામ કોઈ શોરબકોર વિના શરૂ થઈ જ ગયું હતું. એ પછી તો અમેરિકાએ આતંકવાદ વિરોધી અભિયાનમાં ઘણી મોટી સફળતાઓ મેળવી છે. આતંકવાદી જૂથો દ્વારા મુસ્લિમ દેશોમાં અમેરિકા વિરોધી જુવાળ ઊભો કરવાના સફળ પ્રયાસ પછીયે અમેરિકા આતંક વિરોધી અભિયાનમાં મુસ્લિમ દેશો અને મુસ્લિમ નાગરિકોનો સાથ મેળવી શક્યું છે. દુશ્મનના મગજમાંથી 'દુશ્મની' જ ખતમ કરી નાંખવી એ જ યુદ્ધની અસલી જીત છે અને આજના જમાનામાં દેશ કે સમાજને એ વાત વધારે લાગુ પડે છે. અમેરિકા અને યુરોપિયન દેશોના સૈનિકો ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સાથે સીધી લડાઈ નથી લડી રહ્યા, પરંતુ ઈરાક અને સીરિયાના સૈનિકોને સાથે રાખીને આ કામ કરી રહ્યા છે. આ એક વ્યૂહ છે, સ્પેશિયલ ફોર્સનું ઓપરેશન છે, માસ્ટર સ્ટ્રોક છે. આ ખ્રિસ્તીઓ વિરુદ્ધ ઈસ્લામની લડાઈ નથી, એવું સાબિત કરવામાં આ પ્રકારનો જ ‘ઈતિહાસ’ જ કામમાં આવે છે.

ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટન માટેના ચૂંટણી પ્રચારમાં અમેરિકન પ્રમુખ બરાક ઓબામા કિર્ઝ ખાનના પુત્ર હુમાયુ ખાનની શહીદીનો ખાસ ઉલ્લેખ કરતા હતા. પાકિસ્તાની મૂળના કિર્ઝ ખાનનો પુત્ર હુમાયુ ખાન અમેરિકન લશ્કરમાં કેપ્ટન હતો અને ઈરાક યુદ્ધ મોરચે આતંકવાદીઓ સામે લડતી વખતે શહીદ થયો હતો. કિર્ઝ ખાને ટ્રમ્પ વિરુદ્ધ આપેલું ભાષણ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. ધર્મ, જાતિ, ઓળખ અને પ્રદેશોની ઓળખના આધારે યુદ્ધો લડવા એ જૂનીપુરાણી પદ્ધતિ છે. યુદ્ધનો આ 'આઉટડેટેડ' પ્રકાર છે, જે 'સો કૉલ્ડ મોડર્ન સિવિલાઈઝ્ડ' લોકો નથી લડતા.

અમેરિકામાંથી દરેક મુસ્લિમને હાંકી કાઢવો શક્ય નથી એ વાત યાદ રાખીને ઓબામા સરકાર ઈસ્લામિક સ્ટેટ સામે લડી જ રહી હતી, એ વાત ટ્રમ્પના સમર્થકો સમજે તો ઘણું. ઈરાક અને સીરિયામાં ઈસ્લામિક સ્ટેટ નબળું પડવું જ જોઈએ, પણ જો ઈસ્લામિક સ્ટેટનો ટ્રમ્પ સ્ટાઈલમાં ખાત્મો થશે તો અમેરિકા અને યુરોપ પર ખતરો વધશે. કદાચ ઓબામા આ વાત સમજી ગયા હતા.

શું ટ્રમ્પ આ વાત સમજશે?

09 November, 2016

અબ કી બાર ટ્રમ્પ સરકાર?


અમેરિકન પ્રમુખપદના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનું ચૂંટણી સૂત્ર છે, મેક અમેરિકા ગ્રેટ અગેઇન. મીડિયાની બદોલત એક સરેરાશ ભારતીય જાણે છે કે, ટ્રમ્પ એ જાતિવાદી, રંગભેદી, મહિલા વિરોધી, મુસ્લિમ વિરોધી, ભારતીય-ચાઈનીઝ-મેક્સિકન લોકોને ખુલ્લેઆમ ગાળો ભાંડતો, પોતાની જ પુત્રી વિશે અસભ્ય ટિપ્પણી કરતો બેશરમ અને સનકી પ્રકારના અમેરિકાના પ્રમુખપદના ઉમેદવાર છે.

ટ્રમ્પ આવા હોવા છતાં અનેક મહિલાઓ, ભારતીયો, ચાઈનીઝ અને મેક્સિકન અને બ્લેક આફ્રિકન તેમની તરફેણ કરી રહ્યા છે. ટ્રમ્પ સમર્થકો છાતી ઠોકીને કહે છે કે, મીડિયા ટ્રમ્પના નિવેદનોને તોડી-મરોડીને અને વધારે ઉશ્કેરણી સાથે રજૂ કરે છે. ટ્રમ્પની 'બદનામી' માટે તેમની ફ્રેન્કનેસ અને મીડિયાના પૂર્વગ્રહો- એ બંને બાબત થોડી ઘણી જવાબદાર છે... અમેરિકન પ્રમુખપદની ચૂંટણીના અંતિમ તબક્કામાં ટ્રમ્પને મળતો પ્રતિભાવ જોતા આ 'છેતરામણી દલીલો' સાચી લાગી શકે છે, પણ એ ભ્રમ છે! રસપ્રદ વાત એ છે કે, અત્યારે ટ્રમ્પની તરફેણમાં ખૂલીને બહાર આવેલી સૌથી મોટી અમેરિકન લઘુમતી કોઈ હોય તો તે છે, ભારતીય અમેરિકનો. ભારતીય અમેરિકનો કેમ અને કઈ તર્જ પર ટ્રમ્પનું સમર્થન કરી રહ્યા છે એ ગણતરી અને ગણિત ખૂબ જ રસપ્રદ છે.


શલભકુમાર અને ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાની છેલ્લી વસતી ગણતરી પ્રમાણે, ભારતીય અમેરિકનોની વસતી ૩૦ લાખ, ૪૩ હજાર જેટલી છે, જેમાં ૫૧ ટકાથી પણ વધુ હિંદુઓ, ૧૮ ટકા ખ્રિસ્તીઓ, ૧૪ ટકા નાસ્તિકો, દસ ટકા મુસ્લિમો, પાંચ ટકા શીખો અને ચાર ટકા જૈનોનો સમાવેશ થાય છે. આમ, અમેરિકાની કુલ વસતીમાં ભારતીય અમેરિકનોનું પ્રમાણ માંડ એક ટકો છે. હવે એક સીધી સાદી વાત સમજી લો. અમેરિકામાં વસતા તમામ ભારતીય અમેરિકનો હિંદુ નથી અને જે છે એ બધા જ ટ્રમ્પના સમર્થનમાં નથી. ટ્રમ્પ ઈસ્લામોફોબિયામાં ઘી હોમીને એક સરેરાશ અમેરિકનને પોતાની તરફેણમાં કરવામાં સફળ થયા છે.

આ વાત એક અમુકતમુક હિંદુઓને પણ લાગુ પડે છે. ટ્વિન ટાવર પરનો આતંકવાદી હુમલો, ઈસ્લામિક સ્ટેટનો ઉદય અને તેના આતંકીઓ દ્વારા યુરોપિયન દેશોમાં થયેલા હુમલા પછી અમેરિકા-યુરોપમાં ઈસ્લામવિરોધી લાગણી બળવત્તર બની છે, હજુયે બની રહી છે, જ્યારે હિંદુ-મુસ્લિમોનો ઈતિહાસ તો સદીઓથી લોહિયાળ રહ્યો છે. આ સ્થિતિ ટ્રમ્પની ઉમેદવારીને આડકતરી રીતે મજબૂત કરવામાં મદદરૂપ થઈ રહી છે. ટ્રમ્પે વૈશ્વિક સ્થિતિના આ કોકટેલની ચૂંટણી પ્રચાર વખતે ભરપૂર રોકડી કરી છે, જેમાં તેઓ મહદ્અંશે સફળ પણ થયા છે.

હાલ અનેક અમેરિકન હિંદુઓ ટ્રમ્પ પ્રમુખ બને એ માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, એ આ વાતની સાબિતી છે. ટ્રમ્પ ભારતીયો સહિતના 'આઉટસાઇડર'ના અંગ્રેજી ઉચ્ચારોની ખુલ્લેઆમ મજાક ઉડાવી ચૂક્યા છે પણ ‘સહિષ્ણુ’ ભારતીય અમેરિકનો આ વાત ભૂલી ગયા છે. શિકાગો સ્થિત ભારતીય અમેરિકન બિઝનેસમેન, આંત્રપ્રિન્યોર શલભકુમારે તો રિપબ્લિકન હિંદુ કોએલિશન નામની સંસ્થા પણ સ્થાપી દીધી છે. ૬૭ વર્ષીય શલભકુમાર મિલિયોનેર છે અને ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં લાખો ડૉલર્સ ખર્ચ કરી રહ્યા છે. હજુ ગયા મહિને જ શલભકુમારે 'આતંકવાદથી પીડિત હિંદુઓ' માટે ભંડોળ ભેગું કરવા ન્યૂ જર્સીમાં એક ડાન્સ શૉનું આયોજન કર્યું હતું. આ ડાન્સ શૉમાં પર્ફોર્મર કોણ હતું ખબર છે? મલાઈકા અરોરા ખાન. ટ્રમ્પે હિંદુ વિધિ પ્રમાણે દીવો પ્રગટાવીને આ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. એ પછી ટ્રમ્પે કહ્યું હતું કે, 'હું હિંદુઓનો બહુ જ મોટો ચાહક છું...'

આ શૉમાં રિપબ્લિકન હિંદુ કોએલિશનના સમર્થકો 'ટ્રમ્પ અગેઇન્સ્ટ ટેરર', 'ટ્રમ્પ ગ્રેટ ફોર ઈન્ડિયા' અને 'ટ્રમ્પ ફોર ફાસ્ટર ગ્રીન કાર્ડ્સ' જેવા બેનરો લઈને બેઠા હતા. રિપબ્લિકન હિંદુ કોએલિશને ‘ક્રૂક્ડ હિલેરી- વૉટ ફોર રિપબ્લિકન, વૉટ ફોર ઈન્ડિયા-યુએસ રિલેશન' નામની વીડિયો એડવર્ટાઈઝમેન્ટ પણ બનાવી છે. આ વીડિયોમાં હિલેરી ક્લિન્ટનને પાકિસ્તાન તરફી, આતંકવાદી દેશ પાકિસ્તાનને આર્થિક ટેકો પૂરો પાડવામાં મદદ કરનારા તેમજ નરેન્દ્ર મોદીને વિઝા નહીં આપનારા નેતા તરીકે ચીતરવામાં આવ્યા છે. મુંબઈ અને પઠાણકોટ હુમલા પછી ભારતીય અમેરિકનોમાં પણ પાકિસ્તાન વિરોધી લાગણીએ જોર પકડ્યું છે. આ પ્રકારની લાગણીને ઉત્તેજન આપતી એક એડમાં તો હિંદુઓને એવી પણ ચેતવણી અપાઈ છે કે, હિલેરી ક્લિન્ટનના સલાહકાર હુમા આબેદિન મૂળ પાકિસ્તાની છે. જો હિલેરી જીતશે તો તેઓ ચિફ ઓફ સ્ટાફ બનશે. આ પ્રકારની માહિતી આપવા રિપબ્લિકન હિંદુ કોએલિશને ઘરે ઘરે હજારો પેમ્ફ્લેટ નંખાવ્યા છે.

વર્ષ ૨૦૧૩માં શલભકુમાર યુએસ કોંગ્રેસના કેટલાક સભ્યોની નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરાવવા ભારત આવ્યા હતા કારણ કે, મોદી પર અમેરિકામાં પ્રતિબંધ હોવાથી તેઓ અમેરિકા જઈ શકે એમ ન હતા. શલભકુમાર ડેમોક્રેટ્સના કટ્ટર વિરોધી કેમ છે એ સમજી શકાય એમ છે, પરંતુ તેઓ કોના દોરીસંચાર હેઠળ કામ કરી રહ્યા છે એ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. રિપબ્લિકન હિંદુ કોએલિશનના સભ્યોનું કહેવું છે કે, જેવી રીતે ભારતમાં નરેન્દ્ર મોદીને તક અપાઈ એવી જ રીતે, ટ્રમ્પને પણ તક આપવી જોઈએ. કદાચ તકવાદી ટ્રમ્પ છેલ્લે છેલ્લે ભારતીય અમેરિકનોની નાડ પારખી ગયા છે.

એટલે જ તેમણે એક વીડિયો એડવર્ટાઈઝમેન્ટ બનાવીને ભારતીયોને હિંદી ભાષામાં દિવાળીની શુભેચ્છા પણ પાઠવી હતી. ટ્રમ્પે ઈન્ડિયન અમેરિકન એડવાઝરી કાઉન્સિલની સલાહ પ્રમાણે જ આવી જુદી જુદી ૫૯ વીડિયો એડ તૈયાર કરાવી છે, જેમાં તેઓ 'અબ કી બાર ટ્રમ્પ સરકાર' અને 'વૉટ ફોર રિપબ્લિકન, વૉટ ફોર ઈન્ડિયા-યુએસ રિલેશન્સ' જેવા સૂત્રો બોલીને પોતાને મત આપવાની અપીલ કરી રહ્યા છે.

ટ્રમ્પનું હિંદુઓ માટેનું વલણ ઘણું નરમ લાગી રહ્યું છે, પરંતુ ટ્રમ્પની મુસ્લિમ નીતિ આક્રમક છે. મુસ્લિમો ટ્રમ્પની સાથે નથી કારણ કે, મુસ્લિમો સામેનો અણગમો ટ્રમ્પ બહુ છુપાવતા નથી. એક વાત યાદ રાખો. બીજા કોઈ પણ સમાજ-જૂથની સરખામણીમાં ટ્રમ્પ ફક્ત મુસ્લિમો માટે એકદમ સ્પષ્ટ છે. બીજી તરફ, કેટલાક ભારતીયોની જેમ ચાઈનીઝ, મેક્સિકન, યહૂદીઓ અને યુરોપિયનો પણ ટ્રમ્પના સમર્થનમાં છે. કદાચ, આ હકીકતો અમેરિકન મીડિયા જાણી જોઈને ભૂલી રહ્યું છે. આ સ્થિતિ સાબિત કરે છે કે, મીડિયાએ પણ ‘અસલી સમાચાર’ આપવાના બદલે જાણ્યે-અજાણ્યે ટ્રમ્પ વિરોધી સમાચારો પર વધારે જોર આપ્યું હતું. (જો ટ્રમ્પ જીતશે તો આ વાત થોડે ઘણે અંશે સાચી સાબિત થશે!)

જોકે, રિપબ્લિકન હિંદુ કોએલિશન અમેરિકાના બધા જ હિંદુઓનું પ્રતિનિધિત્વ નથી કરતું એ પણ હકીકત છે. અનેક સર્વેક્ષણો એકબીજાથી વિરોધાભાસી ચિતાર રજૂ કરી રહ્યા છે ત્યારે ભારતીય અમેરિકનો ખરેખર કોની સાથે છે એ જાણવા કેટલાક આંકડા પર નજર કરીએ. એશિયન અમેરિકનોનો ઝોક કોની તરફ છે એ જાણવા ત્રણ પ્રતિષ્ઠિત સંસ્થાએ એક પ્રશ્નાવલિ તૈયાર કરીને ઊંડુ વિશ્લેષણ કર્યું છે. આ સંસ્થાઓમાં એશિયન અમેરિકન્સ એડવાન્સિંગ જસ્ટિસ, એશિયન એન્ડ પેસિફિક આઈલેન્ડર અમેરિકન વૉટ તેમજ એશિયન અમેરિકન્સ એન્ડ પેસિફિક આઈલેન્ડર્સ ડેટાનો સમાવેશ થાય છે.

આ સંસ્થાઓએ ભારતીય અમેરિકનો સહિત ચાઈનીઝ, વિયેતનામીઝ, જાપાનીઝ, કોરિયન અને ફિલિપિનો એમ તમામ એશિયન લઘુમતીઓના સર્વેક્ષણો કર્યા છે. આ સંસ્થાઓના ડેટા પ્રમાણે, અમેરિકામાં આશરે ૬૦ ટકા ભારતીય અમેરિકનો હજુયે રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પ વિશે સારો અભિપ્રાય નથી ધરાવતા, જ્યારે ફક્ત ૧૭ ટકા લોકો ટ્રમ્પની સ્પષ્ટ તરફેણ કરે છે. એવી જ રીતે, આશરે ૬૫ ટકા ભારતીય અમેરિકનો ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટન વિશે સારો અભિપ્રાય ધરાવે છે, પરંતુ ૧૭ ટકા લોકો તેમના વિરોધી છે.

આ સંસ્થાઓએ તૈયાર કરેલી પ્રશ્નાવલિમાં એક રસપ્રદ પ્રશ્ન હતો. વાંચો. શું પ્રમુખપદનો ઉમેદવાર આક્રમક રીતે મુસ્લિમ વિરોધી પ્રતિક્રિયા આપતો હોય તો તમે અન્ય મુદ્દે તેની સાથે સહમત થશો?, શું તમે એ ઉમેદવારને મત આપશો કે બીજાને? આ સવાલના જવાબમાં ૫૯ ભારતીય અમેરિકનોએ કહ્યું હતું કે, અમે મુસ્લિમ વિરોધી ઉમેદવારને નહીં, બીજા ઉમેદવારને મત આપીશું... જોકે અમેરિકાના કુલ મતદારોમાં ભારતીય અમેરિકનોની વસતી ઘણી જ ઓછી છે એટલે ચૂંટણીના પરિણામો પર તેની અસર નહીંવત રહેશે. આ સર્વેક્ષણો પ્રમાણે, ૮૩ ટકાથી પણ વધુ એશિયનો ઓબામાને ચાહે છે. ઓબામાની આવી લોકપ્રિયતાનો ફાયદો હિલેરી ક્લિન્ટનને મળી શકે છે.

એવું પણ કહેવાય છે કે, ભારતીય અમેરિકનો પરંપરાગત રીતે ડેમોક્રેટ્સના સમર્થકો છે. વર્ષ ૨૦૧૨માં પણ રિપબ્લિકન ઉમેદવાર મીટ રોમનીને ફક્ત ૧૬ ટકા  ભારતીય અમેરિકનોએ મત આપ્યા હતા. આ પ્રકારની સ્થિતિમાં હિંદુ અમેરિકન ફાઉન્ડેશન નામની બીજી એક સંસ્થા તકેદારી ખાતર જાહેરાત કરી હતી કે, કોઈ પણ વ્યક્તિ-સમાજ-જૂથને ધર્મ, જાતિ, ચામડીનો રંગ અને લૈંગિક અભિગમ (સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન) એ મૂળભૂત હિંદુ મૂલ્યોનું વિરોધી છે.

આ બધા સર્વેક્ષણો-આંકડા પછીયે લાગી રહ્યું છે કે, ટ્રમ્પ આતંકવાદ, ઈસ્લામિક સ્ટેટ અને પાકિસ્તાનના નામે લોકોને ડરાવીને થોડા ઘણાં અમેરિકનો અને અન્ય લઘુમતીઓનું સમર્થન મેળવવામાં સફળ થયા છે. ખેર, હવે તો ચૂંટણી પરિણામો પછી જ ખબર પડશે કે, અમેરિકાને ફરી એકવાર 'ગ્રેટ' બનાવવાની તક કોને મળે છે!

નોંધઃ તસવીરો ગૂગલ પરથી લીધી છે.