Showing posts with label Japan. Show all posts
Showing posts with label Japan. Show all posts

02 October, 2017

બૌદ્ધ સાધુ નિચિદાત્સુ ફૂજી: ગાંધીજીના જાપાની અંતેવાસી


જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અમદાવાદ આવ્યા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ગાંધીજીની આત્મકથાની સાથે ત્રણ વાંદરાની મૂર્તિ પણ ભેટમાં આપી હતી. આ ત્રણ વાંદરા ગાંધીજી સાથે ગાઢ રીતે જોડાઈ ગયા છે, પરંતુ ગાંધીજીને એ ત્રણ વાંદરાની મૂર્તિ જાપાનના નિચિદાત્સુ ફૂજી નામના બૌદ્ધ સાધુએ ભેટમાં આપી હતી. ફૂજીએ ગાંધીજીને આપેલી ત્રણ વાંદરાની સફેદ આરસપહાણની મૂર્તિ આજેય અમદાવાદના સાબરમતી આશ્રમમાં સચવાયેલી છે. આબેને એ અસલી મૂર્તિની પ્રતિકૃતિ ભેટમાં અપાઈ હતી. ગાંધી સાહિત્યમાં ફૂજી વિશે ખૂબ જ ઓછી માહિતી મળે છે, પરંતુ જે કંઈ માહિતી મળે છે ખૂબ જ રસપ્રદ છે. જેમ કે, ગાંધીજીના અમુક પત્રો અને તેમણે કરેલી મુલાકાતોની નોંધોમાંથી તેઓ બૌદ્ધ સાધુ ફૂજી, જાપાન અને બૌદ્ધ ધર્મ વિશે શું વિચારતા હતા એ વિશે જાણવા મળે છે.  

આ તમામ બાબતો એકબીજા સાથે જોડાયેલી હોવાથી જરા વિગતે વાત કરીએ.     

***

'ગાંધીજીનો અક્ષરદેહ'માં નોંધ્યા પ્રમાણે, ગાંધીજીએ ૧૮મી જુલાઈ, ૧૯૪૨ના રોજ જાપાનના લોકોને સંબોધીને અંગ્રેજી ભાષામાં એક પત્ર લખ્યો હતો. પત્ર ખાસ્સો લાંબો છે, કુલ ૧૨૫૮ શબ્દ. એ પત્રમાં 'પ્રત્યેક જાપાનવાસીને' એવું સંબોધન કરીને ગાંધીજી પહેલા જ ફકરામાં લખે છે કે, ''પ્રારંભમાં જ મારે કબૂલ કરી લેવું જોઈએ કે તમારા પ્રત્યે મારે કશી બૂરી લાગણી નથી તોપણ ચીન પરના તમારા આક્રમણ પ્રત્યે મારો ઊંડો અણગમો છે. તમારા ઉન્નત સ્થાન પરથી તમે સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષાના ઊંડા ખાડામાં ઉતરી પડયા છો. તમારી મહત્ત્વાકાંક્ષા તમે સિદ્ધ કરી શકવાના નથી અને તમારે હાથે કદાચ એશિયાના ભાગલા પડી જશે તથા અજાણતામાં તમે સમગ્ર દુનિયાને ભાઈચારા ભરેલા એક સમવાયતંત્ર નીચે એકત્ર થતી અટકાવશો. આવા સમવાયતંત્ર વિના માનવજાતને માટે કશી આશા દેખાતી નથી...''

ફૂજીએ ગાંધીજીને ભેટમાં આપેલી ત્રણ વાંદરાની મૂર્તિ

ગાંધીજીનું જાપાનને કહેવું હતું કે, આખી દુનિયા ભાઈચારો રાખીને એક 'વિશ્વગ્રામ' તરફ આગળ વધી રહી છે, પરંતુ તેમાં તમે ખલેલ પાડી રહ્યા છો...

વાત એમ હતી કે, સાતમી જુલાઈ, ૧૯૩૭ના રોજ જાપાને ચીન પર હુમલો કર્યો હતો. એ ભીષણ યુદ્ધ નવમી સપ્ટેમ્બર, ૧૯૪૫ના રોજ પૂરું થયું હતું. એશિયાના અત્યાર સુધીના સૌથી લાંબા ગણાતા એ યુદ્ધમાં બંને દેશના ૪૦ લાખ સૈનિકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે ચીન અને બર્માના નિર્દોષ નાગરિકોના મોતનો આંકડો બે કરોડ, વીસ લાખે પહોંચ્યો હતો. ચીનની સાથે સોવિયેત યુનિયન, બ્રિટન અને અમેરિકા હતા અને  જાપાન સાથે એટલા ટચુકડા દેશો હતા, જે નકશામાં માંડ દેખાય છે! આ સંદર્ભે ગાંધીજીએ ઉપરોક્ત પત્ર લખ્યો હતો.

એ પત્રના બીજા જ ફકરામાં ગાંધીજી બૌદ્ધ સાધુ ફૂજીનો ઉલ્લેખ કરતા લખે છે કે, ''પચાસ વર્ષથીયે પૂર્વે લંડનમાં અઢાર વર્ષની ઉંમરનો એક વિદ્યાર્થી હતો ત્યારે સદ્ગત સર એડવિન આર્નોલ્ડના લખાણો વાંચીને તમારી પ્રજાના ઘણાં ઉત્તમ ગુણોને ઓળખીને હું તમારી કદર બૂજતો થયો હતો. રશિયાના સશસ્ત્ર સૈન્યો ઉપર તમે મેળવેલા જવલંત વિજયની વાર્તા જાણીને મને રોમહર્ષ થયો હતો. ૧૯૧૫ની સાલમાં દક્ષિણ આફ્રિકાથી હું હિંદ પાછો ફર્યો ત્યાર પછી અમારે ત્યાં આશ્રમવાસી થઈને રહી ગયેલા જપાની ભિક્ષુઓની સાથે મારો ગાઢ સંપર્ક થયો હતો. તેઓ પૈકી એક તો સેવાગ્રામના આશ્રમના અણમૂલ સહવાસી બન્યા હતા, અને તેમની કર્તવ્યપાલનની ચીવટ, તેમનું મોભાદાર વર્તન, દૈનિક ઉપાસના માટેની તેમની એકધારી ભક્તિ, તેમનું મિલનસારપણું, વિવિધ પરિસ્થિતિમાં જળવાતી તેમની સમતા, અને અંતરની શાંતિની પ્રતીતી કરાવતું તેમના મુખ પરનું સ્વાભાવિક સ્મિત, એ સર્વ ગુણોથી તેઓ અમને સર્વને પ્રિય થયા હતા. અને હવે જ્યારે ગ્રેટ બ્રિટન સામે તમારી લડાઈની જાહેરાતના કારણે તેમને અમારી વચ્ચેથી ઉઠાવી લેવામાં આવ્યા છે, ત્યારે એ પ્રિય સાથીની અમને ખોટ સાલે છે. તેમની સ્મૃતિમાં તેઓ તેમની દૈનિક પ્રાર્થના અને તેમનું નાનકડું નગારું અમને સોંપી ગયા છે, અને એ જ નગારાના ઘોષથી અમારી સવારની અને સાંજની પ્રાર્થનાઓનો અમે પ્રારંભ કરીએ છીએ.''

ગાંધીજીના આ લખાણમાંથી બૌદ્ધ સાધુ ફૂજીનું વ્યક્તિત્વ કેવું હશે એની કલ્પના કરી શકાય છે. આ ઉપરાંત એ ઐતિહાસિક તથ્ય પણ માલુમ પડે છે કે, બ્રિટન સામે યુદ્ધ જાહેર થયા પછી જાપાને આશ્રમમાંથી ફૂજીને પરાણે બોલાવી લીધા હશે! આ લખાણ ગાંધીજીના યુદ્ધ અંગેના વિચારોની રીતે પણ મહત્ત્વનું છે. જેમ કે, જાપાને ચીન પર આક્રમણ કર્યું એ અંગે ગાંધીજીએ સખત વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ રશિયાએ જાપાન પર આક્રમણ કર્યું અને જાપાનીઓએ રશિયનો સામે વિજય મેળવ્યો એ વાતથી ગાંધીજીને 'રોમહર્ષ' થયો હતો.

***

'ગાંધીજીનો અક્ષરદેહ'ના ૮૨ દળદાર ગ્રંથોમાં (દરેક ગ્રંથના સરેરાશ ૫૦૦થી વધુ પાના) આવા ઘણાં ઐતિહાસિક તથ્યો ધરબાયેલા છે. હવે સવાલ એ છે કે, મહારાષ્ટ્રના વર્ધામાં આવેલા સેવાગ્રામ આશ્રમમાં આવીને વસેલા એ બૌદ્ધ સાધુ  ફૂજી ગાંધીજીને ક્યારે મળ્યા હતા? 'ગાંધીજીના અક્ષરદેહ'માં નોંધ્યા પ્રમાણે, ચોથી ઓક્ટોબરે ફૂજી અને ઓકિત્સુ નામના બે બૌદ્ધ સાધુ ગાંધીજીને મહારાષ્ટ્રના સેવાગ્રામ આશ્રમમાં મળવા આવ્યા હતા. આ દરમિયાન ગાંધીજી અને ફૂજી વચ્ચે શું વાતચીત થઈ હતી? ફૂજી ગાંધીજીને મળવા કેમ આવ્યા હતા? તેમના વચ્ચે બૌદ્ધ ધર્મ મુદ્દે કોઈ ચર્ચા થઈ હતી? આવા અનેક સવાલોના જવાબ 'ગાંધીજીના અક્ષરદેહ'માં કરાયેલી એક નોંધમાંથી મળે છે. 


નિચિદાત્સુ ફૂજી (ક્લોક વાઈઝ),  તેઓ જ્યાં રોકાયા હતા એ મુંબઈના વરલીમાં
આવેલો  બૌદ્ધ મઠ અને 18મી જાન્યુઆરી, 1979ના રોજ વડાપ્રધાન મોરારજી
દેસાઈના હસ્તે નહેરુ અન્ડરસ્ટેન્ડિંગ એવોર્ડ સ્વીકારતી વખતે ફૂજી...  

'જાપાની બૌદ્ધ પુરોહિતોને સલાહ' એવા શીર્ષક હેઠળ કરાયેલી એ નોંધમાં ગાંધીજી કહે છે કે, ''તમને મળી શક્યો અને રસદાયક વાતચીત થઈ શકી એથી મને આનંદ થયો. તમારો લાંબો પત્ર હું કાળજીપૂર્વક વાંચી ગયો છું.

બૌદ્ધ ધર્મ હિંદુસ્તાનમાં પુનર્જીવિત થાય એ જોવાની તમારી ઈચ્છા હું પૂરેપૂરી સમજી શકું છું. ફક્ત એટલું તમારા ધ્યાન પર લાવવા માંગુ છું કે બૌદ્ધ ધર્મનો ગમે તે અર્થ થતો હોય, ગૌતમ બુદ્ધના ઉપદેશનો સાર હિંદુ ધર્મમાં સમાવી લેવામાં આવ્યો છે, અને મારે માટે, તુલનાત્મક દૃષ્ટિએ જોતા, એ મહાન સુધારકના ઉપદેશની વિશુદ્ધતા હિંદુસ્તાનમાં સૌથી વધુ જળવાયેલી છે. જે દેશોએ એને અપનાવી લીધો છે તેમાં, મને લાગે છે કે, એ વિકૃત થઈ ગયો છે : દા. ત. બુદ્ધનો ઉપદેશ મુખ્યત્વે કરીને માનવ માનવ વચ્ચે બંધુભાવ હોવો જોઈએ એવો ન હતો પણ જીવમાત્ર વચ્ચે બંધુભાવ હોવો જોઈએ એવો હતો. તેમ એમાં નવાઈ પામવા જેવું કશું નથી. મારે મતે, બુદ્ધે કોઈ નવો ધર્મ સ્થાપ્યો નહતો. શ્રેષ્ઠ હિંદુ તરીકે તેમણે હિંદુ ધર્મને નવું સ્વરૂપ આપ્યું હતું. આથી હું તમને એમ સૂચવું છું કે, તમારે સંસ્કૃત અને પાલિના અભ્યાસ દ્વારા એ ઉપદેશ વિશેનું જ્ઞાાન વધારવું. જે પરિસ્થિતિમાં એ ઉપદેશ બંધબેસતો થતો હતો અને જેમાંથી એ ઉદ્ભવ્યો હતો એ જાણવા માટે સંસ્કૃતનું જ્ઞાાન આવશ્યક છે, અને દેખીતી રીતે જ પાલિનો અભ્યાસ આવશ્યક છે કારણ મૂળ ધર્મગ્રંથો એ ભાષામાં છે. અને તમે હિંદી પ્રજા જોડે તમારું ભાગ્ય જોડવાનો નિર્ણય કર્યો છે એટલે હું હિંદી કે હિંદુસ્તાની શીખવાની જરૂર પ્રત્યે  તમારું ધ્યાન દોરું છું...''     

***

આમ, ફૂજી ભારતમાં બૌદ્ધ ધર્મ પુનર્જીવિત કરવા માંગતા હતા. એ પછી તેઓ મહારાષ્ટ્રના વર્ધા સ્થિત સેવાગ્રામ આશ્રમમાં અંતેવાસી બનીને રહ્યા. તેમના માનમાં ગાંધીજીએ આશ્રમમાં બીજા ધર્મોની પ્રાર્થના સાથે બૌદ્ધ ધર્મના મંત્રનો પણ સમાવેશ કર્યો હતો. ભારત આવ્યા એ પહેલાં જ ૧૯૧૭માં ફૂજીએ 'નિપ્પોઝન મ્યોહોજી દાઇસંગા' એટલે કે જાપાન બુદ્ધ સંઘની સ્થાપના કરી હતી. આ સંઘના ૧,૫૦૦ બૌદ્ધ ભિખ્ખુઓએ ફૂજીની આગેવાનીમાં જાપાન સહિત વિશ્વભરમાં વિશ્વ શાંતિ સ્થાપવાનું આંદોલન શરૂ કર્યું હતું. તેમણે વિશ્વ શાંતિ માટે દુનિયાભરમાં પીસ પેગોડા (બૌદ્ધ મઠ) બાંધવાનો નવતર કીમિયો અજમાવ્યો હતો. ફૂજીએ આ પ્રકારના મઠ બંધાવાની શરૂઆત પરમાણુ હુમલાનો ભોગ બનેલા હીરોશીમા અને નાગાસાકી શહેરથી કરી હતી. ફૂજીના સંઘે ભારત સહિત અમેરિકા, બ્રિટન જેવા દેશોમાં પણ આવા મઠ બંધાવ્યા હતા.

આ પ્રત્યેક મઠનું સંચાલન ફૂજી એક નિવાસી ભિખ્ખુને સોંપી દેતા. એ દિવસોમાં કોઈ પણ જાપાની ભારત કે પશ્ચિમી દેશોના પ્રવાસે જાય ત્યારે બૌદ્ધ મઠમાં રોકાતા. બીજા દેશોથી જુદી જ સંસ્કૃતિમાંથી આવતા જાપાનીઓને એ બૌદ્ધ મઠોમાં થોડી રાહત મળતી. વળી, ફૂજીનો સંઘ વધુને વધુ જાપાની યુવાનોને આ પ્રકારના પ્રવાસ માટે પ્રોત્સાહિત કરતો. એવી જ રીતે, કૃષિ અને ઔદ્યોગિક ટેક્નોલોજીના અભ્યાસ માટે ભારતીયો જાપાન જાય ત્યારે ફૂજીનો સંઘ તેમને મઠમાં રોકાવાની વ્યવસ્થા કરી આપતો. પશ્ચિમી દેશોમાં 'શાંતિ અને અહિંસાના ધર્મ' તરીકે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસારમાં પણ આ મઠોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બૌદ્ધ ધર્મ અને અહિંસાનો સંદેશ આપવા ફૂજીએ ૧૯૫૮માં 'જાપાન ભારત સર્વોદય મિત્ર સંઘ'ની પણ સ્થાપના કરી હતી. આ પ્રકારની પ્રવૃત્તિથી જાપાનના ભારત, અમેરિકા અને બ્રિટન સાથેના સાંસ્કૃતિક સંબંધ ઘણાં મજબૂત બન્યા હતા.

બિહારના નાલંદા જિલ્લાના રાજગીરમાં ફૂજીએ બંધાવેલો વર્લ્ડ પીસ પેગોડા

એક સમયે જાપાન અત્યંત આક્રમક યુદ્ધખોર દેશ હતો અને શાંતિની વાતો કરનારાને જીવનું જોખમ હતું- એવા સમયે ફૂજી વિશ્વ શાંતિનો સંદેશ લઈને જાપાનનો ખૂણેખૂણો ફરી વળ્યા હતા. એકવાર ફૂજીએ સંસ્મરણો વાગોળતા હતું કે, ''એ સમયે જાપાનમાં યુદ્ધનો વિરોધ કરનારાને સીધા જેલ ભેગા કરાતા કારણે કે, તેઓ લઘુમતીમાં હતા.'' જોકે, જાપાનને આ પ્રકારના શાંતિદૂતોની કોઈ પરવા ન હતી. ચીન સાથે લોહિયાળ જંગ ચાલી રહ્યો હોવા છતાં સાતમી ડિસેમ્બર, ૧૯૪૧ના રોજ જાપાને હવાઈ ટાપુ પર આવેલા અમેરિકાના નૌકા દળ બેઝ પર્લ હાર્બર પર હુમલો કર્યો. પરિણામે અમેરિકાએ છઠ્ઠી અને નવમી ઓગસ્ટ, ૧૯૪૫ના રોજ હીરોશીમા-નાગાસાકી પર પરમાણુ બોંબ ઝીંક્યા, જેમાં દોઢ લાખ નાગરિકો તો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા અને આગામી અનેક પેઢીઓ ખોડખાંપણ સાથે જન્મી. એ પછી જાપાનના યુદ્ધખોર માનસમાં કેવા બદલાવ આવ્યા એ જાણીતી વાત છે.

***

નિચિદાત્સુ ફૂજી ૧૯૬૫માં ભારત પરત ફર્યા. બાદમાં તેમણે બિહારના નાલંદા જિલ્લાના રાજગીરમાં વર્લ્ડ પીસ પેગોડા બંધાવ્યો, જે આજેય બૌદ્ધ શ્રદ્ધાળુઓનું પવિત્ર સ્થાનક છે. છઠ્ઠી ઓગસ્ટ, ૧૮૮૫ના રોજ ખેડૂત પરિવારમાં જન્મેલા ફૂજીનું નવમી જાન્યુઆરી, ૧૯૮૫ના રોજ અવસાન થયું. ફક્ત ૧૯ વર્ષની વયે બૌદ્ધ ભિખ્ખુ તરીકે દીક્ષા લેનારા ફૂજી ૧૦૦ વર્ષ જીવ્યા અને જિંદગીભર શાંતિ-અહિંસાનો ઉપદેશ આપતા રહ્યા.

આજે તો હીરોશીમા અને નાગાસાકીમાં મોતનું તાંડવ જોઈ-અનુભવી ચૂકેલા જાપાનીઓ ગાંધીજીને અત્યંત આદરની દૃષ્ટિએ જુએ છે એ સમજી શકાય એમ છે, પરંતુ ગાંધી કે બુદ્ધને સમજવા હજુ આવી કેટલી વિભિષિકાની જરૂર પડશે?

નોંધઃ ગાંધીજીનો અક્ષરદેહમાં લેવાયેલી નોંધોની જોડણી અને ફકરા એજ પ્રમાણે રાખવામાં આવ્યા છે. આ લેખનો ભાગ-2 અહીં

02 April, 2014

મૃત્યુદંડની 46 વર્ષ રાહ જોયા પછી મુક્તિ


જાપાનના યુવા બોક્સર ઈવાઓ હાકામાડાને વર્ષ 1968માં ચાર લોકોની હત્યા કરવા બદલ ફાંસીની સજા સંભળાવાઈ હતી, પણ જાપાનની અદાલતે આ કેસમાં ફેર સુનવણીનો હુકમ કરીને તેને મુક્ત કરવાનો આદેશ કર્યો છે. પહેલી નજરે ખૂબ જ સામાન્ય લાગતા આ સમાચારને વિશ્વભરના મીડિયામાં સ્થાન મળ્યું છે. કેમ? કારણ કે, જાપાન જેવા સમૃદ્ધ અને વિકસિત દેશની જેલમાં મૃત્યુદંડની રાહ જોઈ રહેલા હાકામાડાને ‘યોગ્ય પુરાવાના અભાવે’ 48 વર્ષ પછી મુક્ત કરવો પડ્યો છે. આ સમાચારોથી જાપાન સહિતના દેશોમાં હાકામાડા પ્રત્યે સહાનુભૂતિનું મોજું ફરી વળ્યું છે અને ન્યાય પ્રક્રિયા ઝડપી બનાવવા જે કોઈ સુધારા જરૂરી હોય તેનો તાત્કાલિક અમલ કરવાની માગ પ્રબળ બની છે. આ દરમિયાન કેટલાક લોકોએ મૃત્યુદંડની સજા નાબૂદ કરી દેવાનો પણ મુદ્દો ઉઠાવ્યો છે. પરંતુ આ કેસ પર નજર કરતા જણાય છે કે, હાકામાડાને મૃત્યુદંડની સજા સંભળાવવાના કારણે નહીં પણ કાયદાકીય પ્રક્રિયાની વિવિધ ખામીઓના કારણે વધારે નુકસાન પહોંચ્યું છે. કમનસીબે ભારત જાપાન સાથે બીજી કોઈ વાતમાં નહીં પણ ન્યાય પ્રક્રિયાના વિલંબમાં તેની સાથે સ્પર્ધામાં છે અને એટલે જ ઈવાઓ હાકામાડાનો કેસ ભારત માટે પણ દાખલારૂપ છે.  

વર્ષ 1960માં હાકામાડાને જેલ થઈ ત્યારે તેની ઉંમર બત્રીસેક વર્ષ હતી તે જાપાનનો જાણીતો પ્રોફેશનલ બોક્સર હતો. હાકામાડા પર એક જ કુટુંબના ચાર લોકોની હત્યાનો આરોપ છે. આટલા વર્ષોની કાયદાકીય પ્રક્રિયા પછી 27મી માર્ચે અદાલતે હાકામાડાને મુક્ત કરવાનો આદેશ કર્યો ત્યારે તેની ઉંમર 78 વર્ષ છે. મૃત્યુદંડની રાહ જોવામાં જેલમાં સૌથી વધુ સમય વીતાવવાનો વિશ્વ વિક્રમ હાકામાડાના નામે છે. 10મી માર્ચ, 2011ના રોજ હાકામાડાના 75મા જન્મદિવસે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે તેને આ અંગેનું પ્રમાણપત્ર પણ આપ્યું હતું. જાપાનની અદાલતોએ તેની સામે પુરાવા એકત્રિત કરવા માટે આશરે અડધી સદી જેટલો સમય લીધો, પરંતુ તેઓઠોસ પુરાવાએકત્રિત ના કરી શક્યા. હાકામાડાને જે પુરાવાના આધારે દોષી જાહેર કરાયો હતો તેમાં જાપાન પોલીસે તેની પાસે લખાવેલું કબૂલાતનામું મુખ્ય હતું, પણ પોલીસ પર આરોપ છે કે, આ ગુનો કબૂલવા તેની પર પાશવી અત્યાચાર કરાયા હતા. જોકે, તેનો અર્થ એ નથી કે, હાકામાડા દોષી ન હતો પણ એ પછી એકત્રિત કરાયેલા તમામ પુરાવા પરથી હાકામાડા નિર્દોષ હોય એવું વધુ યોગ્ય રીતે સ્પષ્ટ થયું છે.

અરધી સદી જેટલો સમય જેલમાં વીતાવ્ય પછી
બહાર આવી રહેલો વૃદ્ધ ઈવાઓ હાકામાડા

હાકામાડા આ કાયદાકીય ચુંગાલમાં કેવી રીતે સપડાયો એ સમજવા તેનો કેસ પહેલેથી જાણવો જરૂરી છે. હાકામાડા ફિધરવેઇટ બોક્સર તરીકે નિવૃત્ત થયો એ પછી જાપાનના શિઝુઓકા પ્રાંતમાં મિસો (જાપાનની પરંપરાગત વાનગી)ની ફેક્ટરીમાં કામ કરતો હતો. અહીં તેણે નોકરી શરૂ કરી એના કેટલાક વર્ષો પછી વર્ષ 1966માં આ કંપનીના મેનેજર, તેની પત્ની અને તેમના બે બાળકોની બળી ગયેલી લાશો મળી આવી હતી. આ કેસમાં પ્રથમ દૃષ્ટિએ પોલીસે નોંધ્યું હતું કે, આ ચારેય વ્યક્તિની હત્યા કરીને તેમની લાશો સળગાવી દેવાઈ છે અને તેમની સાથે લૂંટફાટ થયાના પણ પુરાવા છે. આ ઘટનાના એક મહિના પછી પોલીસે હાકામાડાની ધરપકડ કરી હતી. હાકામાડાને ગુનેગાર ઠેરવવા માટે પોલીસે લોહીથી લથબથ કેટલાક કપડાં પુરાવા તરીકે રજૂ કર્યા હતા, જેમાં એક પેન્ટનો પણ સમાવેશ થતો હતો અને ખરી મુશ્કેલી પણ તેના કારણે જ થઈ હતી.

હાકામાડાને અદાલતમાં ન્યાયાધીશ સામે આ પેન્ટ પહેરાવીને સાબિત કરાયું હતું કે, આ પેન્ટ હાકામાડાનું છે જ નહીં, કારણ કે તેની સાઈઝ ખૂબ જ નાની છે. હજુ થોડા મહિના પહેલાં જ હાકામાડાના વકીલોએ પુરાવા તરીકે રજૂ કરાયેલા વિવિધ કપડાં પરથી મળેલા લોહીનો ડીએનએ ટેસ્ટ કરાવવાનું સૂચન કર્યું હતું. નવાઈની વાત તો એ છે કે, લોહીથી લથબથ એક પણ કપડાં પર હાકામાડાનું લોહી ન હતું. જાપાનની અદાલતે ઈવાઓ હાકામાડાને મુક્ત કરવાનો હુકમ કર્યો ત્યારે ડીએનએ રિપોર્ટની ખાસ નોંધ લઈને કહ્યું હતું કે, “...તેની નિર્દોષ હોવાની સંભાવના સન્માનજનક રીતે સ્પષ્ટ થઈ ગઈ છે અને હજુ તેને વધુ સમય ગોંધી રાખવો એ અસહ્ય અન્યાય છે...”

આ સમગ્ર કેસની રૂપરેખા જોતા એટલું સ્પષ્ટ છે કે, ઈવાઓ હાકામાડાના કેસની આડમાં ફાંસીની સજા યથાવત્ રાખવી જોઈએ કે નહીં એના કરતા જાપાનની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં વહેલી તકે સુધારા થવા જોઈએ એની વ્યાપક અર્થમાં ચર્ચા થવી વધુ જરૂરી છે. છેલ્લાં કેટલાક દાયકામાં જાપાનની ન્યાય પ્રણાલી સામે અનેકવાર આંગળી ચીંધાઈ છે. વર્ષ 2007માં જાપાન પોલીસે દારૂ અને રોકડના બદલામાં ચૂંટણીમાં મતો ખરીદવાના આરોપસર કુલ 13 વ્યક્તિની ધરપકડ કરી હતી, જેમાંથી એક વ્યક્તિએ તે નિર્દોષ જાહેર થાય એ પહેલાં જ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ તમામ લોકો પાસે જાપાન પોલીસે બળજબરીથી ગુનાની કબૂલાત કરાવી હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી. આ દરમિયાન પણ જાપાનની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં સુધારાની ચર્ચા થઈ હતી પણ આ ઘટનાને હાકામાડાના કેસ જેટલું મહત્ત્વ મળ્યું ન હતું.


હાકામાડાને અદાલતમાં પેન્ટ પહેરાવીને
ખરાઈ કરાઈ ત્યારની ફાઈલ તસવીર

આ પ્રકારની ચર્ચાને અંતે વર્ષ 2009થી જાપાન સરકારે ન્યાય પ્રક્રિયામાં સુધારાના ભાગરૂપે દરેક ફોજદારી કેસમાં કબૂલાતને લગતી પ્રક્રિયામાં કેટલાક ફેરફાર કર્યા છે. આમ છતાં, જાપાનમાં આજે પણ અદાલતોમાં નોંધાતા 99 ટકાથી વધુ ગુનાનો મુખ્ય પુરાવો પોલીસે તૈયાર કરેલું કબૂલાતનામું હોય છે. માનવાધિકારવાદીઓ આ આંકડાથી પરેશાન છે કારણ કે, જાપાન પોલીસ ગુનાની કબૂલાત કરાવવા દુનિયાભરમાં બદનામ છે. આ ઉપરાંત જાપાનમાં પોલીસ આરોપીની પૂછપરછ કરતી હોય ત્યારે ફરજિયાત વીડિયો રેકોર્ડિંગ કરવાના નિયમો બનાવવાના પ્રયાસ કરાયા છે પણ પોલીસ વિભાગ દ્વારા તેનો જોરદાર વિરોધ થાય છે. પોલીસનું કહેવું છે કે, કોઈ પણ આરોપીની પૂછપરછ કરતી વખતે રેકોર્ડિંગ મશીન બંધ કરવાની સત્તા પોલીસ પાસે હોવી જ જોઈએ. આ મુદ્દે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ જવાની જાણીતી દલીલ કરાય છે.

અમેરિકા જેવા દેશોમાં અદાલતી ચુકાદા આપતી વખતે ગુનાની કબૂલાતને નહીં પણ સાંયોગિક પુરાવાને વધુ મહત્ત્વ અપાય છે. જાપાન જેવા નાનકડા અને એડવાન્સ ટેક્નોલોજી ધરાવતા દેશમાં સીસીટીવી કેમેરા ગોઠવીને જડબેસલાક સિસ્ટમ ઊભી કરવી પ્રમાણમાં સહેલી છે. આમ છતાં, જાપાન સરકાર ખૂબ ધીમી ગતિએ ન્યાય પ્રક્રિયામાં સુધારા કરી રહી છે. અમેરિકા જેવા દેશોમાં પણ ખોટી રીતે કબૂલાત કરાવ્યાના સમાચારો ચમકતા રહે છે. માનવાધિકારવાદીઓની ચળવળના કારણે અમેરિકાએઈનોસન્સ પ્રોજેક્ટશરૂ કરવો પડ્યો હતો, જે અંતર્ગત ડીએનએ ટેસ્ટની મદદથી 300 જેટલા કહેવાતા ગુનેગારોને નિર્દોષ જાહેર કરીને મુક્ત કરવા પડ્યા હતા. જોકે, આ મુદ્દે જાપાન કે અમેરિકાની સીધી સરખામણી થઈ શકે નહીં. જાપાનમાં મૃત્યુદંડની સજામાં ક્યારેય ફેર સુનવણીના આદેશ કરાતા નથી, અને ઈવાઓ હાકામાડાનો કિસ્સો એ રીતે પણ વિશિષ્ટ છે. જાપાનમાં વકીલો ભાગ્યેજ ફેર સુનવણીની અપીલ કરે છે. કારણ કે, જો કોઈ વ્યક્તિ ગુનેગાર જાહેર થયા પછી નિર્દોષ છૂટી જાય તો વકીલ તેને પોતાની અને ન્યાયાધીશની કારકિર્દી પરના ધબ્બા તરીકે જુએ છે.

આ કેસમાં હાકામાડાને ગુનેગાર માનતા સરકારી વકીલો ફેર સુનવણીના હુકમથી જ નારાજ છે, જ્યારે હાકામાડાને ન્યાય અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારી આંતરરાષ્ટ્રીય સંસ્થા એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, “આ કેસમાં અદાલતના ફેર સુનવણીના હુકમને પડકારવો એ ખૂબ ક્રૂર અને અન્યાયી પગલું લેખાશે... હાકામાડાને ન્યાય આપવાનો સમય પણ વીતી ગયો છે... આ ગુનો તેણે કર્યો જ નથી એવું તે ચાર દાયકા પહેલાં જ જણાવી ચૂક્યો છે...” ટોકિયો અદાલતે વર્ષ 1968માં અને જાપાનની સર્વોચ્ચ અદાલતે વર્ષ 1980માં હાકામાડાની મૃત્યુદંડની સજા યથાવત્ રાખી હતી. આ સંજોગોમાં જાપાન સરકાર તેને ગમે ત્યારે મૃત્યુદંડ ફટકારી શકે એમ હતી. આ દરમિયાન હાકામાડાના વકીલોએ ફેર સુનવણી માટે અરજી કરી અને છેક વર્ષ 2008માં આ અરજીને ફગાવી દેવાઈ ત્યારે ત્રણ દાયકા નીકળી ગયા હતા. છેવટે 27મી માર્ચ, 2014ના રોજ અદાલતે હાકામાડાના કેસમાં ફરી એકવાર ફેર સુનવણીનો આદેશ આપ્યો, જે બીજી વાર કરાયેલી અરજી પરનો ચુકાદો હતો. જાપાનની ન્યાય પ્રણાલીમાં તાકીદે સુધારા કરવાનો અવાજ હાકામાડાના કેસના કારણે જ મજબૂત બન્યો છે.

હાકામાડાને ન્યાય અપાવવા માટે માનવાધિકારવાદીઓતેની બહેન હિડેકો હાકામાડા અને બોક્સિંગની દુનિયાના તેના મિત્રોએ ભંડોળ ભેગું કર્યું હતુંઆજે પણ સ્થાનિક બોક્સિંગ ફેડરેશન બોક્સિંગ રિંગની બાજુમાં એક ખુરશી હાકામાડાના માનમાં ખાલી રાખે છેજાપાનના જાણીતા ન્યાયાધીશ નોરીમિચી કુમામોટોનો સૂર પણ હાકામાડાની તરફેણમાં ઉઠ્યો એ પછી આ કેસ વધુ હાઈ પ્રોફાઈલ બન્યો હતોરસપ્રદ વાત એ છે કેહાકામાડાને મૃત્યુદંડ ફટકારનારા ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠમાં કુમામોટોનો પણ સમાવેશ થતો હતોઆ અંગે તેમણે કહ્યું હતું કે, “હું માનું છું કેહાકામાડા નિર્દોષ છેપણ અન્ય બે ન્યાયાધીશો હાકામાડાને નિર્દોષ જાહેર કરવા અસંમત હોવાથી અદાલતે એ નિર્ણય લીધો હતો...” આ ચુકાદાના સાત મહિના પછી તેમણે રાજીનામું આપી દીધું હતું.

ઈવાઓ હાકામાડાનો કેસ આખા વિશ્વ માટે દાખલારૂપ છેહાલના સંજોગોમાં મૃત્યુદંડની સજા નાબૂદ કરવી જોઈએ કે નહીં એ નહીં પણ ન્યાય પ્રક્રિયામાં તમામ સ્તરે ખામીઓ દૂર થાય અને લોકોને ઝડપથી ન્યાય મળે એ મુદ્દો વધારે મહત્ત્વનો છેઆશા રાખીએ કે ફક્ત જાપાન જ નહીંપણ ભારત પણ આવા કોઈ હાકામાડાની રાહ જોયા વિના ન્યાય પ્રણાલીની ખામીઓ દૂર કરવા તાકીદે પગલાં ભરે

નોંધઃ તસવીર ગૂગલ પરથી લીધી છે. 

09 January, 2014

તૃતીય વિશ્વયુદ્ધ અકસ્માતે શરૂ થઈ શકે છે


શું દુનિયામાંથી યુદ્ધનો ભય ક્યારેય સંપૂર્ણપણે નાબૂદ થશે ખરો? આ સવાલનો જવાબ પણ ભગવાનનું અસ્તિત્વ છે કે નહીં?- એ સવાલ જેટલો જ અઘરો થઈ ગયો છે. એક સમયે એવું મનાતું હતું કે, હવેના યુદ્ધ મેદાનો કે આકાશમાં નહીં પણ વેપારની દુનિયામાં લડાશે. 21મી સદીના યુદ્ધોમાં તોપગોળાના અવાજો ઓછા સંભળાશે અને છતાં હારેલા દેશને વધુ નુકસાન જશે. આંતરરાષ્ટ્રીય સંબંધોના નિષ્ણાતોનું માનવું છે કે, છેલ્લાં એક દાયકામાં વૈશ્વિક સ્તરે થયેલી ઉથલપાથલો દર્શાવે છે કે, વિશ્વમાં ગમે ત્યારે તૃતીય વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અને આ વખતનું વિશ્વયુદ્ધ પણ દ્વિતિય વિશ્વયુદ્ધની જેમ એશિયામાંથી શરૂ થશે અને એ માટે ઈતિહાસ ચીન કે જાપાનને જવાબદાર ઠેરવશે.

ભારત જેવા ‘સોફ્ટ કન્ટ્રી’ સાથે પણ ચીને છેલ્લાં એક દાયકામાં ઘણું અક્કડ વલણ દાખવ્યું છે. ચીને ભારત સાથેની દક્ષિણ પશ્ચિમી સરહદો પર વારંવાર હક્ક જમાવવાનો પ્રયાસ કર્યો છે. આ વખતે ચીને જાપાન સાથેની પૂર્વીય દરિયા કિનારાના આકાશમાં હજારો ચોરસ કિલોમીટરના એરસ્પેસને પોતાનો એર ડિફેન્સ ઝોન જાહેર કરી દીધો છે. આ વિસ્તારમાં આઠ ટાપુઓથી બનેલા સેનકાકુ નામના વિસ્તાર પર પણ ચીને દાવો કર્યો છે. આ ટાપુઓ પર તાઈવાન પણ દાવો કરી રહ્યું છે, પરંતુ વર્ષ 1971માં અમેરિકાએ અહીંના વહીવટી હક્ક જાપાનને આપ્યા હતા અને ચીન ભારે ગુસ્સે થયું હતું. કારણ કે, વર્ષ 1968માં માલુમ પડ્યું હતું કે, આ વિસ્તારના પેટાળમાં ખનીજતેલનો જથ્થો હોવાની સંભાવના છે.

વિવાદાસ્પદ સેનકાકુ વિસ્તારના કેટલાક ટાપુઓ 

ચીનનો દાવો છે કે, આ વિસ્તાર 14મી સદીથી ચીનનો હિસ્સો છે. આ આઠ ટાપુઓનો વિસ્તાર ચીનની સંસ્કૃતિમાં દિઆયુ નામે જાણીતો છે. અમેરિકાએ યુનાઈટેડ સ્ટેટ્સ સિવિલ એડમિનિસ્ટ્રેશન ઓફ ધ રયુક્યુ આઈલેન્ડ્સ હેઠળ વર્ષ 1945થી 1972 સુધી આ વિસ્તારનો વહીવટ કર્યો હતો. બાદમાં અમેરિકા અને જાપાને ઓકિનાવા રિવર્સન એગ્રિમેન્ટ હેઠળ તેનો વહીવટ જાપાનને સોંપી દીધો હતો. સ્વાભાવિક રીતે જ ચીન જેવું રાષ્ટ્ર અમેરિકાની આવી ગુસ્તાખી સહન ના કરે. ચીને સેનકાકુ પર દાવો કરતા જાપાન તો ઠીક અમેરિકા સહિતના જાપાનના મિત્ર રાષ્ટ્રોના પેટમાં તેલ રેડાયું છે અને ફરી એકવાર વર્ચસ્વની ‘શાંત લડાઈ’ ચાલુ થઈ ગઈ છે, જે સમગ્ર વિશ્વને અકસ્માતે વિશ્વયુદ્ધ તરફ લઈ જાય એટલી ગંભીર બની શકે છે. આ ટાપુઓ ફ્રી એર ઝોન છે એવું દર્શાવવા અમેરિકાએ અહીંના આકાશમાં બે બોમ્બર વિમાનો ઉડાડીને પણ ચીનને આડકતરી ધમકી આપી છે.

ચીને યુદ્ધ જેવી સ્થિતિ માટે જાપાનને જવાબદાર ઠેરવતા કહ્યું હતું કે, “જાપાન વૈશ્વિક શાંતિ માટે ગંભીર મુશ્કેલી છે અને તે પોતાની યુદ્ધખોર માનસિકતા બતાવીને વિશ્વયુદ્ધને ઝડપથી નજીક લાવી રહ્યું છે...” જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે આ ઘટનાને ચીનની નવી ‘ગેમ’ ગણાવતા ધમકી આપી છે કે, ચીનનું એક પણ ડ્રોન આ વિસ્તારમાં દેખાશે તો જાપાન તેને ફૂંકી મારશે. આ નિવેદનને ગંભીરતાથી લઈને ચીને અમેરિકા સહિતના દેશોને જણાવ્યું છે કે, જો યુદ્ધ થશે તો તે માટે સંપૂર્ણપણે જાપાન જ જવાબદાર હશે! જોકે, ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીઝ સહિતની અનેક સંસ્થાઓનું માનવું છે કે, ખરેખર ચીન સહિતનો કોઈ પણ દેશ યુદ્ધ નથી ઈચ્છતો. અત્યારે ચીન ફક્ત દબાણ ઊભું કરવા માટે આવું વર્તન કરતું હોઈ શકે છે. આમ છતાં જાપાન, અમેરિકા, ચીન તેમજ યુરોપ-એશિયાના દેશો આ મુદ્દે ચિંતિત છે.

જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબ

હાલ સમગ્ર વિશ્વ એકબીજા સાથે વેપારી સંબંધો ધરાવે છે, જેનાથી તમામ દેશોને પરસ્પર ફાયદો થઈ રહ્યો છે. કદાચ એટલે જ જાપાન, ચીન અને અમેરિકા એકબીજા સાથે હજુ પણ સૌજન્યપૂર્વકનો વ્યવહાર કરી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે, ચીન અમેરિકામાં અબજો ડૉલરનું દેવું ધરાવે છે. અહીં એ પણ યાદ રાખવું જોઈએ કે, બે દેશો એકબીજાની તાકાતનો અંદાજ કાઢવામાં થાપ ખાઈ જાય છે અને એ ખોટી ગણતરીના કારણે જ યુદ્ધની સ્થિતિનું નિર્માણ થાય છે. વર્ષ 1914માં વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે બ્રિટન અને જર્મની એકબીજાના સૌથી મોટા વેપારી ભાગીદારો હતા. કદાચ એટલે જ અમેરિકાની નેવલ વૉર કોલેજના પ્રોફેસર પીટર ડટને જાપાન-ચીન મુદ્દે અમેરિકન સરકારને ચેતવણી આપતા કહ્યું છે કે, “હાલના દરિયાઈ નીતિનિયમોને ચીનનો પડકાર વૈશ્વિક શાંતિમાં નાનું ગાબડું પાડી શકે છે.” ટૂંકમાં વિશ્વયુદ્ધ ફાટી નીકળે એવી સ્થિતિ ના સર્જાય તો પણ નાની-મોટી ખુવારી થાય તો નવાઈ નહીં. પરંતુ આવી સ્થિતિ વૈશ્વિક સ્તરે અશાંતિ પેદા કરી શકતી હોવાથી અમેરિકન સરકારે હંમેશાની જેમ આ મુદ્દો અત્યંત ગંભીરતાથી લીધો છે.

પ્રો. પીટર ડટને તો ત્યાં સુધી કહ્યું છે કે, “અમેરિકાની સૌથી મોટી ચિંતા અલ-કાયદા જેવા આતંકવાદી સંગઠનો નહીં પણ ‘લાંબી રેસના ઘોડા’ જેવું ચીન છે. ચીન બીજા દેશના જોખમે એશિયામાં તેનો મિલિટરી પાવર વધારી રહ્યું છે.” હાલ ચીન સતત તેની મિસાઈલ શક્તિ વધારી રહ્યું છે. ચીન પાસે એંશી યુદ્ધ જહાજો તેમજ જળ-જમીન પરથી હુમલા કરી શકે એવા 300 જેટલા જહાજો છે. આ ઉપરાંત ચીને અમેરિકન નેવીનો સામનો કરવા અનેક જહાજોને ‘કેરિયર કિલર’ તરીકે ડિઝાઈન કર્યા છે. ચીનની શક્તિ જોઈને જ પેસિફિક સમુદ્રમાં અમેરિકાએ પોતાના એરફોર્સ બેઝને દસ બિલિયન ડૉલરના ખર્ચે અપગ્રેડ કરવાની ફરજ પડી હતી. આ બેઝ પર અમેરિકા એર-ટુ-સર્ફેસ, ક્રૂઝ મિસાઈલ, હૉક ડ્રોન અને ફાઈટર પ્લેનોથી સજ્જ હોય છે, જ્યાંથી ખૂબ ઓછા સમયમાં ચીન પર હુમલો કરવો શક્ય છે.

આ સ્થિતિને અનેક નિષ્ણાતો જાપાન અને ચીનની નહીં પણ અમેરિકા-ચીનના કૉલ્ડ વૉર તરીકે જોઈ રહ્યા છે. અમેરિકા જગત જમાદાર બનવા માટે યુરોપ, એશિયા અને આફ્રિકાના નાનામાં નાના દેશના રાજકાજમાં ચંચુપાત કરે છે. બીજી તરફ, ચીન પણ પોતાને સુપરપાવર સાબિત કરવા સતત એવું દર્શાવે છે કે, તે વિશ્વમાં અમેરિકા સહિતના કોઈ પણ રાષ્ટ્રને તાબે નથી થતું. અમેરિકાની સુપરપાવર તરીકે ટકી રહેવાની અને ચીનની સુપરપાવર બનવાની આ ઈચ્છા કદાચ વૈશ્વિક શાંતિ માટે જોખમી સાબિત થઈ શકે છે. આ સ્થિતિ ભારત માટે પણ વિશિષ્ટ છે. એનડીએ સરકારના કાર્યકાળથી ભારત-અમેરિકાના સંબંધોમાં ઘણો સુધારો થયો છે અને પાકિસ્તાન સાથેનો ‘મોહભંગ’ થયા પછી એશિયામાં ‘સંતુલન’ ઊભું કરવા અમેરિકા ભારતને વ્યૂહાત્મક મદદ કરી રહ્યું છે. બીજી તરફ, 9/11ની ઘટના, ઈસ્લામિક આતંકવાદનો ફેલાવો અને ચીનના અક્કડ વલણને કારણે પણ અમેરિકાનો ભારત તરફનો ઝોક વધ્યો છે. વર્ષ 2010માં પણ ઓબામા સરકારે પેસિફિક સમુદ્રમાં ‘વ્યૂહાત્મક સંતુલન’ ઊભું કરવા મહત્ત્વના નિર્ણયો લીધા હતા.

આંતરરાષ્ટ્રીય સંબંધોના વિશ્લેષકોના મતે, અમેરિકાએ ચીન સામે વ્યૂહાત્મક લડાઈ તો ક્યારનીય ચાલુ કરી દીધી છે. અમેરિકા વિશ્વ સમક્ષ સતત એમ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે, અમેરિકા અને તેના મિત્રરાષ્ટ્રોમાં લોકશાહી છે, અહીં માનવાધિકારોની વાત થાય છે અને આંતરરાષ્ટ્રીય કાયદા-કાનૂની છે, પરંતુ ચીનમાં આપખુદશાહી પ્રવર્તે છે, જ્યાં માનવાધિકારો કે આંતરરાષ્ટ્રીય કાયદા-કાનૂનની સ્થિતિ પણ ખાડે ગઈ છે. વૈશ્વિક મીડિયામાં ચીન વિરુદ્ધના આ સૂરમાં અમેરિકાના વ્યૂહાત્મક યુદ્ધનો ધ્વનિ સાંભળી શકાય છે. અમેરિકાને પેસિફિક સમુદ્રમાં પણ વર્ચસ્વ જોઈતુ હોવાથી તે જાપાનને મદદ કરી રહ્યું છે. જ્યારે ચીનની દલીલ છે કે, પેસિફિક સમુદ્રમાં ચીનની દરિયાઈ સરહદો નજીક અમેરિકાના યુદ્ધજહાજો અને વિમાનો દ્વારા થતી દેખરેખને અમે કેવી રીતે સહન કરી શકીએ? આ કામ સેટેલાઈટ ટેક્નોલોજીની મદદથી પણ થઈ શકતું હોવા છતાં અમેરિકા અહીં એરબેઝ ઊભો કરીને શું સાબિત કરવા માગે છે? આ ઉપરાંત અમેરિકન સૈનિકો અહીં પરેડ કરીને પણ ચીનના સન્માન પર તરાપ મારે છે.

આંતરરાષ્ટ્રીય કૂટનીતિના કેટલાક પશ્ચિમી નિષ્ણાતોએ પણ ચીનની દલીલો સ્વીકારતા કહ્યું છે કે, અનેક પશ્ચિમી દેશોએ ચીનનું સદીઓ સુધી શોષણ કર્યું છે. કદાચ એટલે જ પશ્ચિમી દેશો તરફના ચીનના વલણમાં ફેરફાર થવાનો અવકાશ નથી. જ્યાં સુધી શક્તિશાળી દેશો વર્ચસ્વ જમાવવાની લાલચ છોડીને નિસશસ્ત્રીકરણની પ્રક્રિયામાં આગળ નહીં વધે ત્યાં સુધી દુનિયામાંથી યુદ્ધનો ખતરો ટળવાનો નથી. કમનસીબે, બે વિશ્વયુદ્ધો પછી પણ વિશ્વભરના દેશોમાં મિલિટરી બજેટ વધી રહ્યું છે, જે દર્શાવે છે કે તમામ દેશો વચ્ચે અવિશ્વાસની ખાઈ વધુને વધુ પહોળી થઈ રહી છે.

નોંધઃ પહેલી તસવીર ગૂગલ પરથી લીધી છે.