Showing posts with label નરેન્દ્ર મોદી. Show all posts
Showing posts with label નરેન્દ્ર મોદી. Show all posts

11 October, 2013

મોદી વિ. કેજરીવાલઃ મોબાઈલ કંપનીઓના ‘હીરો હીરાલાલ’


આપણા દેશમાં ચૂંટણીઓ હોય ત્યારે રાજકીય પક્ષો દ્વારા યોજાતી જાહેર સભાઓ, રેલીઓ અને ગલીએ ગલીએ યોજવામાં આવતી નાની-મોટી સભાઓનું આયોજન થાય ત્યારે આસપાસના દુકાનકારોને તડાકો પડી જતો હતો. આવા નાના-મોટા દુકાનદારો અને ચ્હાની કિટલીવાળા માટે કયા રાજકીય પક્ષનો ઉમેદવાર પ્રચાર કરવા આવ્યો છે કે પછી ચૂંટણીમાં કોણ જીતશે, કોણ હારશે એના કરતા વધુ મહત્ત્વ પોતાની ઘરાકીનું રહેતું. જોકે, આજકાલ ચૂંટણી પ્રચાર પણ હાઈટેક થઈ ગયો છે અને ‘રોકડી’ની ચિંતા કરનારા પણ હાઈટેક થઈ ગયા છે. આ વર્ષે કદાચ પહેલી જ વાર એવું થયું છે કે, વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ગેમ ડેવપલપરોએ જાણીતા રાજકારણીઓની મોબાઈલ ગેમ્સ ડિઝાઈન કરીને બજારમાં મૂકી છે.

અત્યાર સુધી ચૂંટણી વખતે ખેસ, દુપટ્ટા, ટોપીઓ, પોસ્ટરો, લાઉડ સ્પીકર ભાડે આપનારા અને કિટલીવાળા નાનો-મોટો ધંધો કરી લેતા હતા પણ હવે તેમાં ગેમ ડેવલપરો પણ જોડાઈ ગયા છે. કારણ કે તેઓ પણ જાણે છે કે, ભારતમાં ચૂંટણી પણ એક તગડો બિઝનેસ છે. ભારતમાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. ભારત સરકારના સત્તાવાર આંકડા મુજબ, હાલ દેશમાં 55 કરોડ 48 લાખ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. કારણ કે, એપલ, સેમસંગ, નોકિયાની સાથે માઈક્રોમેક્સ, કાર્બન, ઈન્ટેક્સ, આઈ બોલ અને ઝોલો જેવી કંપનીઓમાં ખૂબ જ સસ્તા સ્માર્ટફોન વિકલ્પ ઉપલબ્ધ છે. હવે મૂળ મુદ્દો એ છે કે, ભારતીયો દ્વારા વૉટ્સએપ સહિતના મેસેજિંગ એપની મદદથી સૌથી વધુ ફોરવર્ડ થતા જોક રાજકારણને લગતા હોય છે. આ વાત જ સાબિત કરે છે કે, સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકતા કે કરતા ભારતીયો માટે આજે પણ રાજકારણ એક રસપ્રદ વિષય છે.



આ વાતને ધ્યાનમાં રાખીને જ સોફ્ટવેર કંપનીઓએ રાજકારણીઓને ‘હીરો’ તરીકે દર્શાવતી મોબાઈલ ગેમ્સ ડિઝાઈન કરવાની શરૂઆત કરી દીધી છે. સ્માર્ટફોન ગેમ્સની દુનિયામાં ‘ટેમ્પલ રન’ જેવી અત્યંત લોકપ્રિય ગેમથી લગભગ કોઈ અજાણ્યું નહીં હોય. આ ગેમ જેવું જ ભળતું નામ ધરાવતી ‘મોદી રન’ નામની ગેમ જુલાઈ, 2013માં રિલીઝ થઈ હતી. આ ગેમ રિલીઝ થઈ ત્યારે કદાચ કંપનીને પણ ખ્યાલ ન હતો કે, ‘મોદી રન’ આટલી ઝડપથી ‘રન’ કરશે. આ એક્શન ગેમમાં કુર્તા-પાયજામામાં સજ્જ નરેન્દ્ર મોદીને દરેક વિઘ્નો પાર કરીને દિલ્હી સુધી દોડાવવાના છે. ટૂંકમાં ‘હીરો હીરાલાલ’ને ભારતના 18 રાજ્યોમાંથી મત ઉઘરાવવામાં મદદ કરીને દિલ્હી સલ્તનત સોંપવાની છે. એટલે કે, જે યુઝર્સ 18 લેવલ પાર કરીને મોદીને દિલ્હી સુધી પહોંચાડી દે તે ‘વિન’ થઈ જાય છે. ગૂગલ પ્લે સ્ટોરમાં આ ગેમના ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે કે, “જો તમે મોદીના ચાહક છો અથવા તો તમે ભાજપને ટેકો આપો છો તો તમને આ એપ ગમશે. આ ગેમ મોદી કે ભાજપ દ્વારા માન્યતા પ્રાપ્ત નથી. આ ગેમનો હેતુ ફક્ત ભારતીય ચૂંટણીની પેરોડી કરીને મનોરંજન મેળવવાનો છે.”

‘મોદી રન’ ગેમ અમેરિકાની ‘દેક્સાટી’ નામની ગેમ ડેવલપર કંપનીએ ડિઝાઈન કરી છે. કહેવાની જરૂર નથી કે, કંપનીએ આ ગેમ કેમ બનાવી છે. અમેરિકન સરકાર નરેન્દ્ર મોદીને વિઝા આપે કે ના આપે એનાથી દેક્સાટીને કંઈ લેવા-દેવા નથી. આ ગેમની રિલીઝ વખતે દેક્સાટીએ કહ્યું હતું કે, “...અમને લાગે છે કે, આજે ભારતના મધ્યમ વર્ગમાં મોદી સૌથી લોકપ્રિય ભારતીય સેલિબ્રિટી છે...” દેક્સાટીના મતે આ તો હજુ શરૂઆત છે. કારણ કે, ‘મોદી રન’ તો કંપનીએ રાજકારણ આધારિત ગેમ ચાલી શકે કે નહીં તેનો કયાસ કાઢવા ખાતર જ લૉન્ચ કરી છે. અત્યાર સુધી ‘મોદી રન’ એક લાખથી પણ વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે. ‘મોદી રન’ની લોકપ્રિયતા જોઈને દેક્સાટીએ ઓક્ટોબરના અંત સુધીમાં ભારતીય ચૂંટણીઓ પર આધારિત વધુ બે ગેમ લૉન્ચ કરવાની જાહેરાત કરી દીધી છે. 


ગૂગલ પ્લે સ્ટોરમાં મોદી રન સામે ફક્ત એક જ ‘હીરો હીરાલાલ’ ટક્કર લઈ રહ્યા છે. આ ગેમ પણ ‘ટેમ્પલ રન’ના ભળતા જ નામે એટલે કે ‘આમ આદમી રનર’ નામે ડિઝાઈન કરાઈ છે. અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનથી પ્રભાવિત ‘ગ્રીડી-ગેમ મીડિયા’ નામની કંપનીએ બીજી ઓક્ટોબરે જ આ ગેમ રિલીઝ કરી છે. આ ગેમમાં એક્ટિવિસ્ટમાંથી રાજકારણમાં આવેલા અને હાથમાં સાવરણી પકડીને દોડી રહેલા ‘હીરો’ને તમામ વિઘ્નો પાર કરાવવાના છે. આમ આદમી પક્ષનું પ્રતીક સાવરણી છે. ગ્રીડી-ગેમ મીડિયાનો દાવો છે કે, આ ગેમ ડિઝાઈન કરવા કંપનીએ અરવિંદ કેજરીવાલનો ચૂંટણી પ્રચાર ખૂબ જ નજીકથી સમજવા માટે સુવ્યવસ્થિત તંત્ર ગોઠવ્યું હતું. નવાઈની વાત તો એ છે કે, અરવિંદ કેજરીવાલ અન્ના હજારે સાથે હતા તે સમયથી કંપની તેમને ‘ફોલો’ કરી રહી છે.

આ ગેમની થીમ ખૂબ જ રસપ્રદ છે. ‘આમ આદમી રન’ ગેમમાં પરિસ્થિતિને સ્વીકારી લેવાની છે અથવા તો તેને બદલવા માટે જવાબદારી ઉપાડવાની છે. આ એક એવી ગેમ છે જેમાં એક કોમન મેન પાસે સુપરપાવર છે પણ તેનો ઉપયોગ કરવા માટે લોકોનો સહકાર હોવો જરૂરી છે. ‘આમ આદમી રન’માં મતના રૂપમાં સામાન્ય માણસનો સહકાર મળે છે, એટલે કે મત ઉઘરાવીને શહેરની તમામ મુશ્કેલીઓ દૂર કરવાની છે. આ એક એવું શહેર છે જેને રોજેરોજ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ મુશ્કેલીઓમાં રસ્તાઓ પર પાણી ફરી વળવા, વીજતંત્ર ખોરવાઈ જવું, ફ્લાયઓવર તૂટી પડવો અને ભ્રષ્ટાચારી નેતાઓ વગેરેનો સમાવેશ કરાયો છે. જોકે, આ તમામ મુશ્કેલીઓથી યુઝર્સે દૂર ભાગવાનું છે અથવા તો તેમનો સામનો કરીને સામાન્ય માણસનો સહકાર મેળવવા પ્રયાસ કરવાનો છે. જો તમે આમ કરશો તો જ તમે છેવટે શહેરને તમામ મુશ્કેલીઓમાંથી મુક્ત કરી શકશો.

ગૂગલ પ્લે સ્ટોર પર આ ગેમના ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે કે, “આ ગેમ રમીને તમે આમ આદમી પાર્ટીની રચના માટે વેઠવી પડેલી મુશ્કેલીઓ વિશે જાણી શકો છો.” ‘આમ આદમી રન’માં દરેક વિઘ્નો પાર પાડીને આમ આદમી પક્ષની રચના કરવાની છે અને છેલ્લે ‘સ્વરાજ’નું લેવલ અનલોક કરવાનું છે. જો આ લેવલ અનલોક ના થઈ શકે તો યુઝર્સ ફેસબુક ફ્રેન્ડ્સને પણ તે અનલોક કરવા આમંત્રણ આપી શકે છે. ‘મોદી રન’ને નરેન્દ્ર મોદી કે ભાજપનું સમર્થન નથી, પરંતુ ‘આમ આદમી રન’ને આમ આદમી પાર્ટીની મંજૂરી બાદ ડિઝાઈન કરાઈ છે. એટલે જ આ ગેમ રમીને આમ આદમી પાર્ટીને ડોનેશન પણ આપી શકાય છે અને ડોનેશન માટે પણ ફેસબુક ફ્રેન્ડ્સને આમંત્રિત કરી શકાય છે. એ વાતમાં કોઈ શંકા નથી કે, ગ્રીડી-ગેમ મીડિયાએ પૂરતું સંશોધન કરીને ‘આમ આદમી રન’ ડિઝાઈન કરી છે. આ ગેમ રિલીઝ થઈ એના પહેલાં જ દિવસે ગૂગલ પ્લે સ્ટોરથી ‘આમ આદમી રન’ પાંચ હજારથી પણ વધુ લોકોએ ડાઉનલોડ કરી હતી. જોકે, ‘મોદી રન’ છેક જુલાઈમાં રિલીઝ થઈ હતી તેથી ડાઉનલોડિંગમાં તે સ્વાભાવિક રીતે જ ‘આમ આદમી રન’થી ઘણી આગળ છે.

ભારતમાં મોબાઈલ માર્કેટ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે અને દેશભરમાં મોબાઈલ ગેમ્સ, એપ્સનો બિઝનેસ વર્ષ 2016 સુધીમાં રૂ. 27 અબજે પહોંચી જવાની ધારણા છે. આ પ્રકારની ગેમ્સ કે એપ્સ ડિઝાઈન કરતા ડેવલપરોની આવકનો એકમાત્ર સ્રોત જાહેરખબરો હોય છે. જોકે, ગેમ હીટ જાય તો આ જાહેરખબરોની આવક લાખો-કરોડોમાં પહોંચી શકે છે. મુંબઈ અને બેંગલુરુની અનેક કંપનીઓ હવે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીઓ પહેલાં રાજકારણીઓ આધારિત ગેમ્સ ડિઝાઈન કરવાનું વિચારી રહી છે. આ કંપનીઓ જાણે છે કે, ભારતીય રાજકારણથી મોટું કોઈ સર્કસ નથી અને કદાચ ગેમ્સની મદદથી ‘આમ આદમી’ થોડી વાર પોતાનો રોષ ભૂલીને આનંદ માણી લે છે અને ગેમ ડેવલપરોએ તેમાંથી પણ કમાણી કરવાનું શરૂ કરી દીધું છે. 

અન્ના આંદોલન વખતે ‘એંગ્રી અન્ના’ ગેમ લૉન્ચ કરાઈ હતી

અન્ના હજારે આંદોલન વખતે આખા દેશમાં ભ્રષ્ટાચાર સામેનો જુવાળ પરાકાષ્ઠાએ હતો ત્યારે અમેરિકન અને ભારતીય કંપનીએ મળીને વર્ષ 2011માં ‘એંગ્રી અન્ના’ નામની ગેમ લૉન્ચ કરી હતી. જોકે, આ ગેમ ફક્ત મોબાઈલ આધારિત નહીં પણ વેબ આધારિત ગેમ હતી. નોઈડા સ્થિત ‘ગીકમેન્ટર’ નામની કંપનીએ ડિઝાઈન કરેલી આ ગેમ ‘ગેમસલાડ’ નામની અમેરિકન હોસ્ટેડ કંપનીની વેબસાઈટ પર આજે પણ રમી શકાય છે. ગેમ માર્કેટમાં અત્યંત લોકપ્રિયતા ધરાવતી ‘એન્ગ્રી બર્ડ્સ’ નામની ગેમ પરથી જ ‘એંગ્રી અન્ના’ ડિઝાઈન કરાઈ હતી. ગેમસલાડની વેબસાઈટના આંકડા દર્શાવે છે કે, અત્યાર સુધી પાંચ લાખથી પણ વધારે લોકો ‘એંગ્રી અન્ના’ ડાઉનલોડ કરી ચૂક્યા છે. ‘એંગ્રી અન્ના’ ગેમમાં હીરો તરીકે અન્નાની સાથે બાબા રામદેવ અને કિરણ બેદી હતા, જ્યારે વિલન તરીકે ડૉ. મનમોહન સિંહ, કપિલ સિબ્બલ, પી. ચિદમ્બરમ અને સુરેશ કલમાડીના મહોરા મૂકવામાં આવ્યા હતા. રાજકારણ અને રાજકારણીઓ પર ટીકા કરવા માટે ગેમ્સ બનાવવાની શરૂઆત અમેરિકન કંપનીઓએ કરી હતી. 

14 May, 2013

મોદીનું ગુજરાતઃ આધી હકીકત, આધા ફસાના


કર્ણાટકની ચૂંટણીઓમાં વિજય મેળવ્યા પછી કોંગ્રેસે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું હતું. કારણ કે, નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં ચૂંટણી સભાઓ ગજવીને કોંગ્રેસને આડે હાથ લીધી હતી. પરંતુ વડાપ્રધાનપદના આ ઉમેદવારે જ્યાં જ્યાં પ્રચાર કર્યો ત્યાં ભાજપની હાર થતા કોંગ્રેસના નેતાઓ ગેલમાં આવી ગયા છે. આ ચૂંટણી પહેલાં અહેવાલો હતા કે, મોદી પોતાને વડાપ્રધાનપદ માટે પ્રોજેક્ટ કરી રહ્યા હોવાથી કર્ણાટક ચૂંટણી તેમના માટે લિટમસ ટેસ્ટ છે. પરિણામે મોદીએ જ્યાં જ્યાં પ્રચાર કર્યો ત્યાં કોંગ્રેસ અને રાજકીય વિશ્લેષકોની નજર હતી. એવું બિલકુલ માનવાની જરૂર નથી કે, મીડિયા કારણ વિના મોદીને આડે હાથ લઈ રહ્યું છે. હકીકત એ છે કે, નરેન્દ્ર મોદી છેલ્લાં ઘણાં સમયથી પોતાને અત્યંત આક્રમક રીતે વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા હોવાથી જ રાજકીય વિશ્લેષકોની તેમના પર નજર રહે છે. વળી, મોદી થોડા પ્રચાર અને થોડા અપપ્રચારનો હોંશિયારીપૂર્વક ઉપયોગ કરીને રાજકીય લાભ ખાટવાની એક પણ તક છોડતા નથી. આ કારણોસર જ મીડિયામાં તેમની ઝીણામાં ઝીણી સફળતા કે નિષ્ફળતાનું માઈક્રોસ્કોપિક સ્કેનિંગ થાય છે.

નરેન્દ્ર મોદીની વડાપ્રધાનપદની દાવેદારીને રાજકીય વિશ્લેષકો અને મીડિયા પણ એટલું ગંભીરતાથી લઈ રહ્યું છે કે, મીડિયામાં છાશવારે મોદી વિરુદ્ધ રાહુલ, મોદી વિ. નીતિશ, મોદી વિ. અડવાણી તેમજ મોદી વિ. ઓબામા જેવી તાર્કિક-અતાર્કિક સરખામણી થતી રહે છે અને તેમને પોઝિટિવ કે નેગેટિવ રાજકીય માઈલેજ મળતું રહે છે. મોદીના ચાહકો સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને સુપરમેન તરીકે ચીતરી રહ્યા છે. તેઓ મોદીને કંઈક એવી રીતે રજૂ કરે છે જાણે બધી સમસ્યાઓનો એકમાત્ર જવાબ મોદી જ હોય. મોદી ફેસબુક, ટ્વિટર અને યુ-ટ્યુબ સહિતની સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સનો સ્વપ્રચાર માટે ભરપૂર ઉપયોગ કરે છે. ફેસબુક પર તેમના સત્તાવાર પેજની સાથે ‘મોદીનું ગુજરાત’ નામનું પેજ પણ છે. આ તમામ સાઈટ્સ નિયમિત અપડેટ થાય છે. મોદીના સત્તાવાર ફેસબુક પેજ પર સ્કિલ+વિલ+ઝીલ= વિન એવું સૂત્ર અને તેમની વિજયી મુદ્રા ધરાવતો કવર ફોટોગ્રાફ છે. વળી, તેઓ નિયમિત બ્લોગિંગ પણ કરે છે.

ફેસબુક પર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સત્તાવાર પેજનો પ્રિન્ટ સ્ક્રીન

ફેસબુક પર નરેન્દ્ર મોદીનું ‘મોદીનું ગુજરાત’ નામનું ફેન પેજ

વડાપ્રધાનપદની દાવેદારી માટે થઈ રહેલા આટલા આક્રમક અભિયાન અને સ્વપ્રચારના કારણે જ ભાજપ અને તેના સાથી પક્ષોના નેતાઓનું આ તરફ ધ્યાન ખેંચાયું છે. મોદી આડકતરી રીતે પોતાને બીજાથી ચડિયાતા, વહીવટમાં કુશળ, મજબૂતાઈથી નિર્ણય લઈ શકનારા, વિદેશી રોકાણો આકર્ષવા સતત પ્રયત્નશીલ અને રાજ્યના વિકાસ માટે સતત રચ્યાપચ્યા રહેતા નેતા ગણાવે છે. મોદીના વડાપ્રધાનપદ માટેની દાવેદારી માટે મુખ્યત્વે ત્રણ વાત પર ભાર મૂકાય છે. એક, મોદી નવા વિચારો અને કુશળ વહીવટી દૃષ્ટિ ધરાવતા નેતા છે. બીજું, કોમી રમખાણોનું લાંછન હોવા છતાં તેઓ સમાજના દરેક વર્ગના હિતમાં કામ કર્યું છે અને કરી રહ્યા છે. ત્રીજું, પ્રજા તેમને સ્વીકારે પણ છે. પરિણામે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે તેમનાથી સારો વડાપ્રધાનપદનો ઉમેદવાર હોઈ જ ના શકે. પરંતુ એનડીએ અને ભાજપના અન્ય સિનિયર નેતાઓ આવું માને છે કે નહીં તે વાત પણ મહત્ત્વની છે. ઉપરોક્ત ત્રણેય મુદ્દામાં થોડું ઘણું વજૂદ હોઈ શકે છે અને કદાચ એટલે જ તેઓ સતત ત્રણ ચૂંટણીમાં વિજય હાંસલ કરી શક્યા છે.

પરંતુ અહીં એ વાતનો પણ ઉલ્લેખ કરવો જોઈએ કે, જાતીય અસમાનતા, કુપોષણના પ્રશ્નો, જાહેર આરોગ્યનું ખખડધજ માળખું, બાળમૃત્યુ દરની ચિંતાજનક સ્થિતિ, માથાદીઠ આવક અને વાસ્તવિક વિદેશી રોકાણ જેવા અનેક મુદ્દે મોદીના ચાહકો મૌન છે. હા, મોદીના કાર્યકાળમાં ગુજરાતમાં માળખાકીય વિકાસ પ્રમાણમાં સારો થયો છે. પરંતુ ગરીબાઈ, કુપોષણ, માથાદીઠ આવક અને જાહેર સાહસોની બાબતમાં કશું વાયબ્રન્ટ નથી અને તેને કોઈ સંજોગોમાં વિકાસનું સફળ મોડેલ ગણી જ ના શકાય. વર્ષ 2013ના આંકડા મુજબ, સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતા રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ નથી થતો. આ યાદીમાં પહેલાં નંબરે બિહાર છે, ત્યાર પછી મધ્યપ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, ગોવા, ઝારખંડ, મિઝોરમ, ત્રિપુરા અને સિક્કિમ છે. આ તમામ રાજ્યો પછી 11મા નંબરે ગુજરાત છે. આ યાદીમાં પહેલા નંબરે બિહાર અને બીજે મધ્ય પ્રદેશ છે એ રસપ્રદ યોગાનુયોગ છે. કારણ કે, બિહારમાં નીતિશકુમારની આગેવાનીમાં ભાજપના સાથી પક્ષ જનતાદળ (યુ)ની અને મધ્યપ્રદેશમાં શિવરાજસિંઘ ચૌહાણના મુખ્યમંત્રી પદે ભાજપની સરકાર છે.

આ બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ વિકાસ કાર્યો કર્યા છે. ભાજપ અને સંઘ પરિવારના અનેક નેતાઓ માને છે કે, નીતિશકુમારનું વિકાસ મોડેલ ગુજરાત કરતા વધુ ‘પીપલ ફ્રેન્ડ્લી’ છે. તાજેતરમાં જ જનતાદળ (યુ)ના અધ્યક્ષ શરદ યાદવે કહ્યું હતું કે, “નરેન્દ્ર મોદી ગુજરાતના વિકાસ મોડેલની વાત કરે છે. પરંતુ અમે ઘણાં વર્ષોથી ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં કામ કરી છીએ, જ્યાં ભયાનક ગરીબી છે. તમે કયા વિકાસની વાત કરો છો?  ભારત જેવા દેશમાં તમે બધાને સાથે લઈને ના ચાલો તો તમારી પાસે ક્યાંથી વિકાસ હોય?” બીજી તરફ, ભાજપ તેના વડાપ્રધાનપદના ઉમેદવાર માટે ગુજરાતના વિકાસ મોડેલને આગળ ધરવાનો પ્રયાસ કરે છે. આ મુદ્દે પણ શરદ યાદવ તર્કબદ્ધ જવાબ આપે છે. તેઓ કહે છે કે, “ભારત જેવા વિશાળ દેશમાં વિકાસનું એક જ મોડેલ ના હોઈ શકે. દરેક રાજ્ય પાસે જુદા જુદા સ્રોત છે. ખેતી આધારિત રાજ્ય બિહારમાં આવું મોડેલ ના ચાલે, જ્યારે ઝારખંડ ખનીજ સંપત્તિ ધરાવતું રાજ્ય છે. વડાપ્રધાન પદની વાતને આટલા નીચા સ્તરે ના લાવો. આ સિવાય પણ અનેક મહત્ત્વના મુદ્દા છે, પરંતુ મીડિયા એક વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરીને તેને મહત્ત્વહીન બનાવી દે છે.”

નીતિશકુમાર પણ જાહેરમાં કહી ચૂક્યા છે કે, એનડીએનું સુકાન ‘રાજધર્મ’ નિભાવી જાણતો હોય એવા સેક્યુલર નેતાના હાથમાં હોવું જોઈએ. આમ કહીને નીતિશકુમારે આડકતરી રીતે મોદી અંગે પોતાનો અભિપ્રાય આપી દીધો છે. મોદીના આક્રમક પ્રચારના કારણે જ ભાજપના સાથી પક્ષો ઈચ્છી રહ્યા છે કે, ભાજપે લોકસભાની ડિસેમ્બર સુધીમાં વડાપ્રધાનપદના ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરવી જોઈએ. નવી દિલ્હીમાં 13 અને 14 એપ્રિલે  યોજાયેલી જનતાદળ (યુ)ની રાષ્ટ્રીય કારોબારીમાં ભાજપને વર્ષ 2013ના અંત સુધીમાં વડાપ્રધાનપદનો ઉમેદવાર જાહેર કરવાનું સૂચન કરાયું હતું અને એ વાત પર ભાર મૂકાયો હતો કે, આ હોદ્દા માટે પસંદ કરેલી વ્યક્તિ સેક્યુલર હોવી જરૂરી છે. નવાઈની વાત તો એ છે કે, જનતાદળ (યુ)ની જેમ શિવસેના પણ આડકતરી રીતે મોદી પ્રત્યે અણગમો દર્શાવી ચૂકી છે.

શિવસેનાના મુખપત્ર ‘સામના’માં મોદીનો ઉલ્લેખ કર્યા વિના કહેવાયું હતું કે, કોઈને વડાપ્રધાનપદ માટે પસંદ કરતી વખતે પાંચ-દસ બેઠકોનો ફાયદો થઈ શકે છે, પરંતુ કેટલાક જૂના સાથી પક્ષો નારાજ થશે તો 25 બેઠકો ગુમાવવાનો વારો આવશે. આ ઉપરાંત તેમાં એનડીએને અર્જુનના રથ સાથે સરખાવીને ચેતવણી અપાઈ હતી કે, રથ એકથી વધુ ઘોડાથી ચાલતો હોય છે અને તેમાં દરેક ઘોડો મહત્ત્વનો હોય છે. શિવસેનાના સ્થાપક સ્વ. બાલ ઠાકરેએ જાહેરમાં કહ્યું હતું કે, આગામી લોકસભાની ચૂંટણીમાં તેમના મતે વડાપ્રધાનપદના શ્રેષ્ઠ ઉમેદવાર સુષ્મા સ્વરાજ છે, જે હાલ લોકસભાના વિરોધ પક્ષના નેતા તરીકે ફરજ નિભાવી રહ્યા છે. તેમણે સુષ્મા સ્વરાજને પ્રતિભાશાળી અને બુદ્ધિશાળી ગણાવીને કહ્યું હતું કે, “મને લાગે છે કે આ પદ માટે તે એકમાત્ર યોગ્ય ઉમેદવાર છે. વડાપ્રધાન તરીકે તે સારું કામ કરશે.” હાલ વડાપ્રધાનપદ મુદ્દે ભાજપ તેના સાથી પક્ષોને જવાબ આપી શકવાની સ્થિતિમાં નથી, પરંતુ હવે એ જાહેર થઈ ચૂક્યું છે કે મોદીની સંભવિત પસંદગી મુદ્દે સાથી પક્ષોની સ્પષ્ટ ના છે.

એવું કહેવાય છે કે, ખુદ એલ.કે. અડવાણી અને સુષ્મા સ્વરાજ પણ વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે મોદીને નથી ઈચ્છતા. ભાજપ પ્રમુખ રાજનાથ સિંઘે નરેન્દ્ર મોદીના જાહેરમાં વખાણ કર્યા તેને પણ મોદીના ચાહકોએ હરખપદુડા થઈને વધાવી લીધા હતા. પરંતુ રાજનાથ સિંઘે સુષ્મા સ્વરાજની કામગીરીની પણ પ્રશંસા કરી હતી. જ્યારે સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, આજે પણ ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે સૌથી પહેલી પસંદ એલ.કે. અડવાણી જ છે. જોકે, આ બધી જ મુશ્કેલીઓમાંથી હેમખેમ બહાર નીકળવા માટે મોદી વધુને વધુ આક્રમક રીતે સ્વપ્રચાર કરી રહ્યા છે. એવું કહેવાય છે કે, મોદીને પસંદ કરતા કેટલાક ઉદ્યોગગૃહોએ મોદીની સ્વીકૃતિ જાણવા એક રાષ્ટ્રીય સ્તરનું સર્વેક્ષણ કરાવ્યું છે. આ સર્વેક્ષણ મુજબ, આગામી લોકસભા ચૂંટણીમાં મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે તો ભાજપ 190 બેઠકો મેળવી શકે છે. જ્યારે તેમની પસંદગી ના કરાય તો ભાજપ વધુમાં વધુ 160 બેઠકો મેળવી શકે. ભાજપના નીચેના સ્તરના નેતાઓ અને કાર્યકરોમાં આ વાત ખૂબ હોંશિયારીપૂર્વક ફેલાવવામાં આવી છે.

જોકે, મોદીનો આક્રમક સ્વપ્રચાર તેમની નકારાત્મક છબી ઉપસાવે છે. આ ઉપરાંત વહીવટ કરવાની તેમની આપખુદ શૈલી અને ‘વિકાસ’નું માઈક્રોસ્કેનિંગ થાય છે. કમસેકમ આ કારણોસર મોદી વિરોધીઓએ તેમનો ખાસ આભાર માનવો જોઈએ.

સોશિયલ મીડિયાની પહોંચનો ઉપયોગ

દેશભરના રાજકારણીઓમાં સોશિયલ મીડિયાનો સૌથી હોંશિયારીપૂર્વક ઉપયોગ નરેન્દ્ર મોદીએ કર્યો છે એ વાતમાં કોઈ શંકા નથી. ગૂગલ હેન્ગઆઉટનો ઉપયોગ કરીને સંવાદ કરનારા પણ તે પહેલાં રાજકારણી છે. મોદી પોતાની આગવી છબી ઉપસાવવા સોશિયલ મીડિયાનો અત્યંત ફોકસ્ડ ઉપયોગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાના કારણે જ ભારતનો મધ્યમવર્ગ તેમને એક મર્દ, આક્રમક અને અવિરત સિદ્ધિઓ મેળવી રહેલા નેતા તરીકે જુએ છે. મોદી વિરોધીઓ કહે છે કે, મોદી અને તેના ટેકેદારો ઓનલાઈન અપપ્રચાર કરે છે. પરંતુ મોદીને જવાબ આપવા તેઓ આ જ માધ્યમનો યોગ્ય ઉપયોગ કેમ નથી કરતા તે મુદ્દે તેઓ ચૂપ છે. જોકે, ભાજપના સિનિયર નેતાઓ કહે છે કે, ઓનલાઈન પ્રવૃત્તિ સ્વયંભૂ છે. પરંતુ એવું કહેવાય છે કે, મોદીએ સ્વપ્રચાર માટે સુવ્યવસ્થિત તંત્ર ગોઠવ્યું છે. નડિયાદના ભાજપના આઈટી સેલમાંથી મોદીની તરફેણમાં આક્રમક અભિયાન ચલાવાય છે. ડિસેમ્બર, 2012 સુધી ફેસબુક કે ટ્વિટર પર ગુજરાતના વિકાસના ગુણગાન ગવાતા હતા, પરંતુ ત્યાર પછી મોદીને વડાપ્રધાનપદના ઉત્તમ ઉમેદવાર સાબિત કરવા ‘એક હી વિકલ્પ મોદી’ જેવા અભિયાનો ચાલુ થયા છે. અહીં મોટી સંખ્યામાં બિનનિવાસી ભારતીય પરિવારો રહેતા હોવાથી ગુજરાતના વિકાસની વાત અન્ય દેશોમાં ફેલાવવા આ સેલ મહત્ત્વની કામગીરી કરી રહ્યો છે. આવા સેલ ગુજરાતના લગભગ દરેક જિલ્લામાં સક્રિય છે, પરંતુ તે કેટલો સક્રિય છે તેનો આધાર જે તે જિલ્લા પ્રમુખ પર આધારિત છે.