Showing posts with label કાશ્મીર. Show all posts
Showing posts with label કાશ્મીર. Show all posts

19 January, 2021

સેનાની એક પોસ્ટ દેખાઈ અને અમારી જાન બચી ગઈ


કાશ્મીર ખીણમાં ઈન્ડિયન આર્મીની પોસ્ટ નજીક પહોંચો ત્યારે પૂછવામાં આવે એટલું જ બોલો, આઈડી માંગે તો બતાવો, બહુ ફ્રેન્ડ્લી થવાની કોશિષ ના કરો. એ વાત કરે તો ઠીક છે, નહીં તો સલામ મારીને ચાલતી પકડો અને કેમેરા ભૂલથીયે ના કાઢો...

***

મેહુલને જોતા જ હું એલર્ટ થઈ ગયો કારણ કે, તેની સામે હું મજબૂત દેખાવા માંગતો હતો. મારી નકારાત્મક અસર બીજા પર થાય એવી સ્થિતિ હું સર્જવા નહોતો માંગતો. મેં મેહુલને કહ્યું, બહુ ઠંડી લાગે છે યાર, અને ભૂખ પણ લાગી છે. ચલ, અહીં તો ચોકલેટ્સ ખાઈ જ લઈએ. આટલું બોલીને મેં રકસેકમાંથી હાઈ કેલરી હોમ મેડ ચોકલેટ્સ કાઢી. એ ચોકલેટ્સ પણ મેહુલની વાઈફે જ બનાવી હતી. ચોકલેટ્સ ખાઈને ફરી અમે ચાલવાનું ચાલુ કર્યું. રણપ્રદેશ જેવા એ લીલાછમ અફાટ મેદાનનો અંત હજુયે નજીક દેખાતો ન હતો. અમને ખબર હતી કે, આ રૂટ પર ઈન્ડિયન આર્મીની પોસ્ટ આવશે. એટલે અમારી નજર દૂર દૂર સુધી ત્રિરંગો શોધી રહી હતી, પરંતુ વરસાદ, ધુમ્મસ અને થાકના કારણે અમે માનસિક સંતુલન સાધીને દૂર સુધી જોઈ પણ શકતા ન હતા.

આ સ્થિતિમાં અમે હારી-થાકીને ચાલતા હતા, ત્યાં જ અચાનક ઈન્ડિયન આર્મીની એક પોસ્ટ દેખાઈ. એ પોસ્ટ જાણે અમારો રસ્તો રોકવા જ જમીનમાંથી બહાર આવી હોય એવો અમને અનુભવ થયો. અમારામાં સ્ફૂર્તિ આવી અને અમે ઝડપથી પોસ્ટ સુધી પહોંચી ગયા. પોસ્ટ બહાર ભારતીય સેનાનો એક જવાન ઊભો હતો. તેણે અમને કહ્યું, ‘કમ ઓન, આજા આજા, અંદર આજા...’ સામાન્ય રીતે, કાશ્મીર વેલી એરિયામાં તહેનાત ભારતીય સેનાનો એકેય જવાન ટ્રેકર્સ કે લોકલ્સ સાથે ફ્રેન્ડ્લી બિહેવ નથી કરતો. ટ્રેકર્સને પણ સલાહ અપાય છે કે, ઈન્ડિયન આર્મીની પોસ્ટ નજીક પહોંચો ત્યારે તમને પૂછવામાં આવે એટલું જ બોલો, આઈડી માંગે તો બતાવી દો, બહુ ફ્રેન્ડ્લી થવાની કોશિષ ના કરો, એ કંઈ વાત કરે તો ઠીક છે, નહીં તો સલામ મારીને ચાલતી પકડો અને કેમેરા કાઢીને ફોટોગ્રાફ્સ તો ભૂલથીયે ક્લિક ના કરો...

આ સલાહ મને બરાબર યાદ હતી. જોકે, અહીં તો જવાન સામેથી અમને અંદર બોલાવી રહ્યો હતો. અમારી હાલત જોઈને કદાચ તેને દયા આવી હશે! એ જવાનનું આમંત્રણ મળતા જ અમે સીધા પોસ્ટમાં ઘૂસ્યા. અંદર નજર કરતા જ ખબર પડી કે, ત્યાં અમારા ગાઇડ અશફાકની સાથે રાહુલ, નિશી અને લક્ષ્મીનાથને પણ અંદર ઊભા રહેવાની મંજૂરી અપાઈ છે. એ બધા અમારા ગ્રૂપના જ ટ્રેકર હતા. એ જ લોકોએ પેલા જવાનને કહ્યું હતું કે, બીજા બે ટ્રેકર પાછળ આવી રહ્યા છે. આશરે ચાર બાય ચાર ફૂટની એ પોસ્ટમાં એક જવાન સહિત અમે સાત જણાં ઊભા હતા અને છતાં ઠંડીથી થર થર કાંપી રહ્યા હતા. અમારો સુપરફિટ કાશ્મીરી ગાઈડ અશફાક પણ તેમાંથી બાકાત ન  હતો.



હિમાલયના લીલાછમ અફાટ મેદાનો અને તેના સરોવરોના સૌંદર્યને ઘૂંટડે ઘૂંટડે માણીને આગળ વધી રહેલા ટ્રેકર્સ.  

એ વખતે બીજો એક જવાન આર્મી પોસ્ટ નજીક બનાવેલી ખોલીમાંથી એક બોટલ લઈ આવ્યો. ના, તમે વિચારો છો એવું ન હતું. એ કેરોસીનની બોટલ હતી. તે ખાસ અમારા માટે કેરોસીન લેવા પોસ્ટની સામે બનાવેલા એક બંકર જેવા સ્ટોરમાં ગયો હતો. એ કેરોસીનથી એક જવાને પ્રાયમસ સળગાવ્યો અને અમારા બધાની વચ્ચે મૂક્યો. નાનકડી ખોલીમાં ભડભડ જ્વાળાઓ ફેંકી રહેલા પ્રાયમસની આસપાસ સાત-આઠ જણા ઊભા હોવા છતાં અમે સખત અને સતત ધ્રુજતા હતા. અમે પ્રાયમસની આગમાં હાથ નાંખતા હતા ત્યારે એક જવાને અમને ટોક્યા પણ ખરા. છેવટે અશફાકે બધા જ ટ્રેકરને નજીક આવવાનું કહી પોતાનું જેકેટ કાઢ્યું અને તેનાથી બધાના માથા કવર કરીને ગરમી આપવાનો પ્રયાસ કર્યો. થોડીવાર પછી અમે રાહત અનુભવી અને બહાર વરસાદ પણ બંધ થઈ ગયો હતો.

ત્યાં જ એક જવાને કહ્યું, ‘અભી આપ નીકલ જાઓ, બારિશ ભી રૂક ગઈ હૈ. જલદી સે બેઝ કેમ્પ તક કા ડિસ્ટન્સ કવર કર લો.’ અમે બધા જ અત્યંત ઈમોશનલ થઈ ગયા હતા. જવાનોનો કેવી રીતે આભાર માનવો એ ખબર પડતી ન હતી. બધાની આંખ ભીની હતી. ત્યાં જ રાહુલ નામનો એક કોલેજિયન જવાનના પગમાં જ પડી ગયો. વરસાદના કારણે અનેક ટ્રેકરની ધીરજ ખૂટી ગઈ હતી. રાહુલ પણ તેમાંનો જ એક હતો. હિમાલયની હાડમારીઓમાં તેણે માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. જોકે, જવાને તેને તરત જ ઊભો કરીને કહ્યું કે, ‘અરે યાર, હમે શરમાઓ મત. જાઓ ચલો અબ આગે નીકલો. બારિશ રૂક ગઈ હૈ...’

અમે પણ પોસ્ટમાંથી જવાનોનો આભાર માની ફરી એકવાર ચાલવાનું શરૂ કર્યું. આશરે દોઢ-બે કલાકની થકવી નાંખતી સફર પછીયે બેઝ કેમ્પ દેખાતો ન હતો. હવે મારી સાથે રાહુલ અને નિશી હતા, જ્યારે બાકીના ટ્રેકર પાછળ હતા. આ દરમિયાન રસ્તામાં અમને લોકલ કાશ્મીરી ટ્રેકર્સનું એક ગ્રૂપ મળ્યું, એ બધા પણ ડેરા-તંબૂ સાથે લઈને ટ્રેક કરવા જ નીકળ્યા હતા. અમારી સાથે થોડી વાતચીત કર્યા પછી એ ગ્રૂપમાંના એક યુવકે મને પૂછ્યું ‘સુબહ સે બારિશ મેં નીકલે હો તો ભૂખ લગી હોગી, સહી ના?’ મેં કહ્યું, ‘હા. બહોત ભૂખ લગી હૈ, લેકિન હમે પહેલે બેઝ કેમ્પ તક પહુંચના હૈ. હમારે પાસ પિછલે બેઝ કેમ્પ કા પેક ફૂડ ભી હૈ, લેકિન ઠંડ કી વજહ સે વો અબ ખાને લાયક નહીં રહા’

આ વાત સાંભળીને તેણે હસીને કહ્યું ‘હમારે પાસ થોડા ખાના હૈ. બહોત નહીં હૈ, લેકિન જિતના ભી હૈ વો મિલ બાંટ કે ખાયેંગે.’ આટલું બોલીને તેમણે રકસેકમાંથી ડ્રાયફ્રૂટ્સ અને ચોકલેટ્સ કાઢીને અમને ઓફર કર્યા. તેમણે જે કંઈ અમને આપ્યું એ અમે હાથમાં લીધું, પરંતુ આ શું? હું, રાહુલ કે નિશી ડ્રાયફ્રૂટ્સ આંગળીમાં પકડીને ખાઈ પણ ના શક્યા. ચોકલેટનું રેપર પણ નીકળતું ન હતું કારણ કે, સતત ઠંડા પાણીના મારના કારણે અમારી આંગળીઓ થીજીને કડક થઈ ગઈ હતી અને કોણીથી હાથ વળવામાં પણ મુશ્કેલી પડતી હતી. અમે હથેળીઓ ઘસવાનું ચાલુ કર્યું અને થોડી વાર પછી એકબીજાને ખવડાવ્યું. કેલરી લઈને અમે ફરી ઝડપથી ચાલવાનું શરૂ કર્યું. ત્યાં થોડી વારમાં બીજી એક મુશ્કેલી આવી. અમે માંડ થોડા આગળ વધ્યા ત્યાં અમારા જ ગ્રૂપની નિકીતા નામની એક ટ્રેકર રસ્તામાં મળી. ખડકાળ જમીનમાં માનસિક સંતુલન નહીં રહેવાના કારણે તેના દાંત વચ્ચે જીભ આવી ગઈ હતી. એ વખતે અમારા ગાઈડે તેને ખભા પર ઊચકીને થોડો રસ્તો પાર કરાવ્યો.


રસ્તામાં દેખાયેલા અખરોટના વૃક્ષો (ઈનસેટ તસવીરમાં લીલા કોચલામાં દેખાતું અખરોટ), જ્યારે બીજી તસવીરોમાં હિમાલયના ઝરણાંનું પાણી પીને તરસ છીપાવતો હું.

એ પછીનું કામ અમારા ટીનએજર ગાઇડ અશફાકે સંભાળી લીધું. અમારા ગ્રૂપના બધા જ ટ્રેકરને સહીસલામત બેઝ કેમ્પ સુધી પહોંચાડવામાં અશફાકનો રોલ ખૂબ જ મહત્ત્વનો હતો. હું તેને બહુ સવાલો પૂછતો. આ ઉપરાંત હું તેને તકલીફ ના પડે એનું ધ્યાન રાખતો કારણ કે, તેણે મેહુલને ટ્રેક પૂરો કરવામાં પણ ખૂબ મદદ કરી હતી. અમારી ઉંમરમાં ઘણો ફર્ક હતો, પરંતુ અમારી દોસ્તી જામી ગઈ હતી. પહાડો પર એ મારો ‘પાર્ટનર ઈન ક્રાઈમ’ હતો. એક અઘરા રૂટ પર અશફાકે એક સિનિયર સિટીઝનને પીઠ પર ઊંચકીને રસ્તો ક્રોસ કરાવ્યો હતો. તેઓ પાછા જઈ શકે એમ નહીં હોવાથી અશફાકે એ નિર્ણય લીધો હતો. એકવાર તેણે મને વાતવાતમાં કહ્યું હતું કે, મેરા કામ કિસી કો ઉઠા કે ટ્રેક પૂરા કરાના નહીં હૈ, ગાઈડ કા કામ સિર્ફ આગે આગે ચલકે ટ્રેકર્સ કો રાસ્તા દિખાના ઓર છોટી-મોટી હેલ્પ કરના હૈ. ફિર ભી, કોઈ ઈન્સાન પીછે છુટના નહીં ચાહિયે, હમારી જિમ્મેવારી હૈ, સબકો સાથ લેકે ચલને કી. યહી તો ઈન્સાનિયત હૈ...

અશફાક ડૉક્ટર બનવા માંગતો હતો અને ફક્ત પોકેટ મની માટે ટ્રેકિંગ ગાઈડ તરીકે કામ કરતો હતો. જોકે, તેને સારા માઉન્ટેઇનિયર બનવાની પણ લાલચ હતી. એટલે તેણે આ કામ પસંદ કર્યું હતું. આશરે 12 કિલોમીટરનો ટ્રેક કરીને અમે 11860 ફૂટની ઊંચાઈએ આવેલા સતસર બેઝ કેમ્પ પહોંચ્યા ત્યાં સુધી અશફાક સાથે ઘણી વાતો થઈ. સતસરમાં અમારા કેમ્પ લીડર ભાવનગરના એક ગુજરાતી હતા, રાવલ સાહેબ. એ દિવસે મારા દોસ્ત નીશિતને ગુલાબજાંબુ ખાવાની ઈચ્છા થયા કરતી હતી, અને, રાવલ સાહેબે ટ્રેકર્સ માટે ખરેખર ગુલાબજાંબુ બનાવડાવ્યા હતા. ધેટ વોઝ મોસ્ટ શૉકિંગ મોમેન્ટ ઓફ હૉલ ટ્રેક.

તમે સમજી શકો છો, અમે કેટલા ખુશ થયા હોઈશું! થાકેલા-પાકેલા અને ભૂખ્યા ડાંસ ટ્રેકર્સને રાવલ સાહેબે ગુલાબજાંબુ બનાવ્યા હોવાની વાત કરી ત્યારે કોઈ બે ઘડી માની પણ નહોતું શક્યું કે, હિમાલયમાં આટલી ઊંચાઈ પર અમને ગરમાગરમ ગુલાબજાંબુ ખાવા મળશે! કોઇ ટ્રેકરનો અવાજ પણ આવ્યો કે, ‘આને કહેવાય ગુજરાતી...’ દરેક ટ્રેકરને ફક્ત બે ગુલાબજાંબુ અપાયા. મને પહેલા ક્યારેય ગુલાબજાંબુ આટલા બધા ટેસ્ટી નહોતા લાગ્યા. એ દિવસે અમે ભીના કપડાં બદલીને ડિનર લીધું અને સ્લિપિંગ બેગમાં ઘૂસીને ઘસઘસાટ સૂઈ ગયા. સવારે વહેલા ઊઠતા જ અમે ઝડપથી સવારના કામ પતાવ્યા.

સાતમા દિવસે અમારે 12 કિલોમીટરનો ટ્રેક કરીને 11482 ફૂટ ઊંચાઈએ આવેલા ગંગાબલ પહોંચવાનું હતું. ગંગાબલ અને નંદકોલ તળાવ સંયુક્ત રીતે ગંગાબલ તરીકે વધુ જાણીતા છે. આ જોડિયા સરોવર 16,870 ફિટ ઊંચા હરમુખ પર્વતની તળેટીમાં આવેલા છે. હરમુખ અપભ્રંશ શબ્દ છે. તેનું મૂળ નામ છે ‘હરમુકુટ’, એટલે કે ‘હરિનો, ભગવાન શિવનો મુકુટ’. સ્થાનિકો એમ પણ કહે છે કે, ‘ઈસકા મુખ હર તરફ સે દિખતા હૈ, ઇસલિયે ઇસકા નામ હૈ, હરમુખ.’ હરમુખની તળેટીમાં સાક્ષાત શિવજીના ચરણોમાં આશરો મળ્યો હોય એવી અનુભૂતિ થાય છે. કાશ્મીરી હિંદુઓની માન્યતા પ્રમાણે, હરમુખમાં જ શિવજીનો વાસ છે. ગંગાબલ અને નંદકોલ પહોંચવા ટ્રેકર્સ 13,428 ફૂટ ઊંચાઈએ આવેલો ઝાક પાસ ક્રોસ કરે ત્યારે હરમુખની ગોદમાં આવેલા આ બે સુંદર સરોવર એકસાથે જોવા મળે છે.




ગંગાબલ-નંદકોલ નામના જોડિયા સરોવરો અને અમારો બેઝ કેમ્પ. ત્યાંથી હિમાલયની તળેટી
તરફ નીચે ઉતરતી વખતે દેખાયેલા પાલતુ પશુઓ અને અંતરિયાળ વિસ્તારોમાં દેખાયેલા મકાનો.


ગંગાબલ નંદકોલથી થોડું મોટું સરોવર છે, જેને ગ્લેશિયર્સ અને વરસાદ થકી પાણી મળે છે. ગંગાબલ નાની નાની ધારાઓ થકી નંદકોલને પાણી આપે છે, જ્યારે નંદકોલ વાંગથ નાલા તરીકે ઓળખાતા એક કુદરતી વહેણને પાણી આપે છે અને એ વહેણમાંથી એક મહાકાય નદીનું સર્જન થાય છે, સિંધ. સિંધ નદી નજીકથી પસાર થતી વખતે ગુજ્જર જાતિના વણઝારા પશુપાલકો અને તેમના ઘરો પણ જોવા મળે છે, જે ભારતથી લઈને છેક અફઘાનિસ્તાન સુધી ફેલાયેલા છે.

કાશ્મીર ગ્રેટ લેક્સમાં ગંગાબલ છેલ્લો બેઝ કેમ્પ છે. એ દિવસે ટ્રેકર્સ સામાન્ય રીતે મોડા સૂએ છે અને કેમ્પ પર ગીત-સંગીત, અંતાક્ષરીની રમઝટ જામે છે. આટઆટલી મુશ્કેલીઓ પછી પણ એવું થાય છે કે, અહીંથી ક્યારેય પાછા જવાનું જ ના હોય તો કેવું! હિમાલયની ગોદમાં ગાઢ નિદ્રાની લક્ઝરી માણવાનો એ છેલ્લો દિવસ હતો. એ વિચારથી મન ખિન્ન થઇ ગયું હતું. આઠમા દિવસની વહેલી સવારે ટેન્ટની બહાર આવીને હું હિમાલયને મનમાં ને મનમાં શાંતચિત્તે કહું છું કે, હું આવીશ, ફરી એકવાર, તને મળવા. એ દિવસે હું થોડા ભારે મન સાથે હું તૈયાર થયો.

આઠમા દિવસે અમે હિમાલયની તળેટીમાં આવેલા નારંગ ગામ પહોંચવા દસ કિલોમીટરનો ટ્રેક શરૂ કર્યો. નારંગ જતી વખતે હિમાલયની દુર્ગમ, રહસ્યમય અને હવે પોતીકી લાગી રહેલી વાદીઓ આહિસ્તા આહિસ્તા પાછળ છૂટતી જતી હતી. પાંચ-છ કિલોમીટરનું અંતર કાપ્યા પછી ચારો કરવા આવેલા ઢોર દેખાવાનું શરૂ થયું. એ પછી એકલદોકલ પશુપાલકો, દુકાનો, નાનકડા ગામ, રસ્તામાં પડેલા ફૂડ પેકેટના પાઉચ અને પ્લાસ્ટિકની બોટલો દેખાવાનું શરૂ થયું. બધા જ ટ્રેકર્સ ધીમે ધીમે નારંગ પહોંચ્યા. નારંગમાં અમે જુદી જુદી કારમાં બેસીને સોનમર્ગ બેઝ કેમ્પ જવા રવાના થયા. એ વખતે કારમાં પેલું ગીત વાગતું હતું:

બિચ રાહ મેં દિલવર, બિછડ જાયે કહીં હમ અગર

ઓર સુની સી લગે તુમ્હેં, જીવન કિ યે ડગર

હમ લોટ આયેંગે, તુમ યૂંહી બુલાતે રહેના

કભી અલવિદા ના કહેના... 

સંપૂર્ણ.

નોંધ: આ સીરિઝનો ભાગ-1 અને ભાગ-2 

28 December, 2020

...અને બે-ત્રણ મિનિટમાં જ મારી આખી લાઈફ રિવાઈન્ડ થઈ ગઈ!


વરસાદના કારણે સર્જાયેલા વિઘ્નમાં કોઈ ટ્રેકરને ભાન ન હતું કે, બીજાને શું મુશ્કેલી પડી રહી છે. બધા જાણે જીવ બચાવીને ભાગતા હતા. જોકે, હું ગર્વથી કહી શકું છું કે, એ અત્યંત કપરા રૂટમાં બીજાનો વિચાર કરીને આગળ વધ્યા હતા, એ ત્રણેય ગુજરાતી હતા  

***

ગડસરથી સતસર જતી વખતે વરસાદમાં થોડું પલળ્યા પછી હું ઠંડીથી થોડો ધ્રુજી રહ્યો હતો. હજુ થોડા સમય પહેલા સુધી મને અંદાજ ન હતો કે, રેઈનકોટ સાથે નહીં રાખીને મેં બહુ જ મોટી ભૂલ કરી છે, પરંતુ થોડી વાર પછી બર્ફીલા પવન સાથેના વરસાદનો અનુભવ થતાં જ મારા શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું. મારી પાસે રેઈનકોટ નથી એ વિચારથી જ હું અંદરથી હલબલી ગયો હતો. 

જોકે, મારી પાસે એક વિન્ડચીટર હતું, વરસાદ અને હિમાલયની બર્ફીલી હવાથી બચવા મેં વિન્ડચીટર તો પહેરી લીધું પણ વરસાદનું જોર વધતા ખબર પડી કે, વિન્ડચીટર પાણી રોકી શકે એમ નથી. એટલે મેં ટ્રેકર દોસ્ત નીશીતનું બીજું એક વિન્ડચીટર પણ પહેરી લીધું. એ રેઈનકોટમાં સજ્જ હતો એટલે તેણે મને તેની રેઈન શીટ પણ આપી દીધી. રેઈન શીટ બે હાથથી પકડી રાખવી પડે. ખડકાળ ઢોળાવ પર ચઢાણ કરતી વખતે મારા બે હાથ રેઈન શીટના કારણે બંધાઈ ગયા હતા. હિમાલયના સૂસવાટા મારતા વરસાદી પવનમાં રેઈન શીટ હું માંડ સીધી રાખી શકતો હતો. 



હિમાલયની પથરાળ ટેકરીઓ પાર કરીને દેખાયેલા અલ્પાઈન લેક

આ સ્થિતિમાં ચાલવાનું શરૂ કર્યાના એકાદ કલાકમાં જ સામે એક પર્વત દેખાયો. બહુ ઊંચો નહીં પણ પહોળાઈમાં ખૂબ જ વિસ્તરેલો. હિમાલયના આવા નાનકડા ખડકાળ વિસ્તારોમાંથી આગળ વધવાના રૂટ ક્યારેક ખૂબ મુશ્કેલ પણ હોય. ક્યાંક ટેકરી ઓળંગવાની આવે તો ક્યાંક પાતળી હવાના કારણે હોશ ઊડી જાય એવું ચઢાણ પણ આવે. ટ્રેકર્સ માટે એ પહાડ ક્રોસ કરવો માંડ એકાદ કલાકનું કામ હતું, પરંતુ વરસાદના કારણે આખો પહાડ ચીકણો થઈ ગયો હતો. હિમાલય વોલ્કેનિક રોકમાંથી બનેલો લાવાકૃત પહાડ નથી, પરંતુ પાણીના પ્રવાહ સાથે ઘસડાઈને આવેલા મહાકાય પથ્થર, રેતી અને કાંકરામાંથી બનેલો જળકૃત એટલે કે સેડિમેન્ટરી રોક છે. આવા પહાડના ઢોળાવો વરસાદ પડ્યા પછી ખૂબ જ ચીકણા થઈ જાય. એમાંય અમારા રૂટ પર ગાય, ઘોડા અને ઘેંટા-બકરા જેવા પશુઓનું મળમૂત્ર પથરાયેલું હતું, જે પાણીના ધીમા પ્રવાહના કારણે આખી ટેકરી પર વિસ્તર્યું હતું. આખો ઢોળાવ વધુ ચીકણો થઈ ગયો હતો. રસ્તામાં મળેલા એક કાશ્મીરીએ અમને કહ્યું પણ ખરું, ‘ભાઈ, જરા સમ્હલ કે ચલના, પૂરી પહાડી ગ્રીસ જૈસી ચિકની હો ગઈ હૈ...’

બધા જ ટ્રેકર્સ ઝડપથી એ પહાડી ઓળંગવા ઝઝૂમી રહ્યા હતા, જેમાં 66 વર્ષીય વૃદ્ધ અબ્બાસભાઈ અને સિનિયર સિટિઝન દંપતિ સાળુકે અંકલ અને આંટી પણ હતા. વરસાદ પડતો હોવાથી બધા જ ટ્રેકરનું એક જ લક્ષ્ય હતું, ઝડપથી પહાડી ઓળંગીને નીચે ઉતરી જાઓ. ચઢાણ કરતી વખતે બીજા ટ્રેકરના શ્વાસ સંભળાય એટલી ચીર શાંતિ પથરાઈ ગઈ હતી. સતત બોલબોલ કરતી કોલેજિયન છોકરીઓનો પણ અવાજ આવતો બંધ થઈ ગયો હતો. હિમાલયના ભવ્ય કોતરોમાંથી ફક્ત હવા, વરસાદ અને ઝરણાંનો અવાજ પડઘાઈ રહ્યો હતો. અમારા જેવા ફિટ ટ્રેકર્સ પણ હક્કાબક્કા થઈને ‘ગ્રીસ જૈસી ચિકની પહાડી’ પર ચઢવા બે હાથનો પણ બે પગની જેમ ઉપયોગ કરતા હતા. 

એક પણ ટ્રેકર ઉપર જોતો સુદ્ધા ન હતો. બધાની નજર ચીકણી જમીન પર ક્યાં ડગલું મૂકવું તેના પર મંડરાયેલી હતી. ચઢાણ અઘરું હોવાથી મેં રેઈન શીટ ફોલ્ડ કરીને રકસેક બેલ્ટમાં ભરાવી દીધી હતી. હું વરસાદમાં પલળી રહ્યો હતો. અમારા ઢીંચણ સુધીના પેન્ટ કાદવ કીચડથી ખરડાઈ ગયા હતા. ચીકણી માટીમાં ડગલું ભરવા પગનો પંજો પણ સહેલાઈથી ઊઠતો ન હતો. પાતળી હવાના કારણે શૂઝના તળિયે ચોંટતો કાદવ-કીચડ પણ વજનદાર લાગતો હતો. ઊંચાઈવાળા વિસ્તારોમાં પાતળી હવાના કારણે માણસ તૂટી કેમ જાય છે, તેનો સાક્ષાત અનુભવ થઈ રહ્યો હતો. એ સ્થિતિમાં પણ હું બે ઘડી થંભ્યો, અને, વરસાદમાં સ્નાન કરી રહેલા મહર્ષિ હિમાલયનું એ દૃશ્ય નજરોમાં કેદ કરી લીધું. 

અમે આગળ વધી રહ્યા હતા ત્યાં જ સામે બીજી એક સીધી ટેકરી દેખાઈ. તેની તળેટીમાં જઈને મેં ઉપર નજર કરી. એ સ્થળ સ્વર્ગીય સુંદરતા ધરાવતું હતું. વરસાદના કારણે ટેકરી પર નાની-મોટી અનેક જળધારાઓ જીવંત થઈ ગઈ હતી. જાણે ટેકરીને લપેટાઈ ગયેલું ઓક્ટોપસ. અમારે એ જળધારાઓની સામે ઉપર ચઢવાનું હતું. એ બહુ અઘરું ન હતું કારણ કે, બે ધારાની વચ્ચેથી નીકળવા ઘણી જગ્યા હતી. જોકે, ઝરણાના રૂટ પર નાના કાંકરાથી માંડીને મહાકાય પથરા ગોઠવાયેલા હતા. એક-બે વાર મોટા પથ્થર પર પગ મૂક્યા પછી ખબર પડી કે, આ મહાકાય પથ્થરો તો જાણે કોઈની રાહ જોઈને જ બેઠા છે. જો તેમને ચીકણી જમીન પર થોડું પ્રોત્સાહન મળે તો સીધા નીચે ગબડી શકે છે. 


વરસાદી વાદળો ઘેરાતા જ અમે યાદગીરી માટે થોડી ક્લિક્સ કરીને કેમેરા બેગ પેક કરી દીધી.

જો એ વખતે પાછળ કોઈ ટ્રેકર ચઢતો હોય તો તેનો જીવ જોખમાઈ શકે. આ બાબતનું ધ્યાન રાખીને અમે ઉપર ચઢવાનું શરૂ કર્યું, પરંતુ સાળુકે આંટી અને અબ્બાસભાઈ માટે ચઢવું લગભગ અશક્ય હતું. સાળુકે અંકલ તો આંટીથી ક્યાંય આગળ પહોંચી હતા. અમારો માંડ 19 વર્ષનો ગાઈડ અશફાક દૂરના એક રૂટ પર ટોવેલનું દોરડું બનાવીને એક-બે છોકરીઓને ઉપર ખેંચી રહ્યો હતો. વરસાદના કારણે સર્જાયેલા વિઘ્નમાં મારા અને નીશીત સિવાય એક પણ ટ્રેકરને ભાન ન હતું કે, બીજા ટ્રેકરને શું મુશ્કેલી પડી રહી છે. બધા જાણે પોતપોતાનો જીવ બચાવીને ભાગી રહ્યા હતા. હું પણ બીજા ટ્રેકર્સ ગયા એ રૂટ પરથી મારા ગાઈડ સાથે આગળ વધી શકું એમ હતો, પરંતુ મેં મનોમન સાળુકે આંટીને ટેકરી ક્રોસ કરાવવાનું વિચારી લીધું. 

આ નિર્ણય લેવાનું બીજું એક કારણ હતું, મારો દોસ્ત મેહુલ. અમે કાશ્મીર ગ્રેટ લેક્સ ટ્રેક માટે અમદાવાદથી જ સાથે હતા. મેહુલને ટ્રેકના પહેલા જ દિવસે નીચનાઈ કેમ્પથી વિષ્ણુસર કેમ્પ સુધી જતા પગમાં મચકોડ આવી હતી. એટલે મેહુલે પણ ઝરણાવાળા રૂટ પર જ આવવું પડે એમ હતું. નીશીત અને બીજા બે ટ્રેકર પણ એ રૂટ પર હતા. આગળની ટેકરી ઓળંગતી વખતે હું ખાસ્સો પલળ્યો હોવાથી થોડો ડરી ગયો હતો. હું ગમે ત્યારે હાયપોથર્મિયાનો શિકાર થઈ શકું એમ હતો. હિમાલયમાં ટ્રેકિંગ કરતી વખતે સૌથી મોટો ભય એ જ હોય છે. હાયપોથર્મિયામાં શરીરનું તાપમાન જોખમી રીતે નીચું જતું રહે, જેના કારણે ધબકારા અચાનક ઘટી જવા, અશક્તિ, બેચેની, મૂંઝવણ, માનસિક સંતુલન રાખવામાં તકલીફ પડવી, કશું યાદ ના રહેવું, ઘેન ચઢવું અને બોલવામાં તકલીફ પડવી જેવા લક્ષણો અનુભવાય. એ સ્થિતિમાં એક જ ઉપાય છે, મેન્ટલી અને ઈમોશનલ રીતે મજબૂત રહેવું. 

આ ટ્રેકમાં હું શરૂઆતથી જ ફિઝિકલી, મેન્ટલી અને ઈમોશનલી ફિટ મહેસૂસ કરતો હતો. મારામાં આવેલા સુપરનેચરલ પાવર માટે બે કારણ જવાબદાર હતા. પહેલું, હિમાલયની ભવ્યાતિભવ્ય સુંદરતા જોઈને મારામાં ગજબની શક્તિનો સંચાર થયો હતો. જે સ્થળે દરેક કાશ્મીરી પણ જઈ શકતો નથી એ સુંદર સરોવરો જોયા પછી હું મારી જાતને ખૂબ નસીબદાર સમજતો હતો. બીજું કારણ એ હતું કે, હું શારીરિક-માનસિક રીતે થાકી ગયેલી કોઈ પણ વ્યક્તિને સાથે લઈને આગળ જતો હતો. કદાચ તેના કારણે મને ભારોભાર ઊર્જા મળી રહી હતી. આ બાબત અનુભવ વિના સમજાય એમ નથી. હું સારી રીતે જાણતો હતો કે, ટ્રેકિંગ કે ઈવન જાત્રા વખતે બીજાને સાથે રાખીને અને મદદ કરીને આગળ વધવાથી આપણને પણ ચમત્કારિક શક્તિ મળે છે.

ટ્રેકિંગ એ ટીમ વર્ક છે. ટ્રેક સૌથી પહેલા કોણે પૂરો કર્યો, એ મહત્ત્વનું નથી હોતું. તમે કેટલા લોકોને ટ્રેક પૂરો કરવામાં મદદ કરી એ પણ એટલું જ મહત્ત્વનું છે. આ બાબત ટ્રેક વખતે જેમની ફિટનેસ જળવાઈ રહે છે એમને લાગુ પડે છે. જે લોકો ટ્રેકમાં અધવચ્ચે જ લથડી ગયા હોય અને માંડ આગળ વધતા હોય તેમણે ફક્ત એટલું જ વિચારવાનું હોય કે, આપણે બીજા ટ્રેકર્સ માટે બને એટલા ઓછા બોજારૂપ બનીએ. નીશીતને વાયરલ ઈન્ફેક્શન હતું, મેહુલ પણ પગની મચકોડના કારણે ઢીલો પડી ગયો હતો અને મારી પાસે રેઈનકોટ ન હતો. આમ છતાં, અમે ત્રણેય અને બીજા એક-બે ટ્રેકરે સાળુકે આંટી અને અબ્બાસભાઈને સાથે રાખીને ઝરણાવાળી ટેકરી ક્રોસ કરી. હું ગર્વથી કહી શકું છું કે, એ અત્યંત કપરા રૂટમાં બીજાનો વિચાર કરીને આગળ ગયા હતા, એ ત્રણેય ગુજરાતી યુવાનો હતા. 



વરસાદ પછી દેખાયેલી હિમાલયન લિઝાર્ડ,  ગ્લેશિયર વૉટર લઈને પહાડ પરથી ધસમસતા નીચે ઉતરી રહેલા ઝરણાં અને અમે ધીમે ધીમે પાર કરેલા અફાટ મેદાનો. 

ઝરણાવાળી ટેકરી ઓળંગ્યા પછીયે અમારે સપાટ મેદાન સુધી પહોંચવા આશરે બે કલાક સુધી અત્યંત ચીકણી નાની નાની કેડીઓ પર ચાલવાનું આવ્યું. વરસાદ હજુયે ધીમી ધારે વરસી રહ્યો હતો, પરંતુ સાંજ નજીક આવતી હોવાથી ઠંડીનું જોર વધવા લાગ્યું. મેં ફરી એકવાર મારી રેઈન શીટ પકડી લીધી. કેડીઓ પર ચાલતી વખતે શારીરિક અને માનસિક સંતુલન જાળવવાની સાથે મારે તોફાની પવનમાં રેઈન શીટ સીધી રાખવા પણ મહેનત કરવી પડતી. રેઈન શીટ પકડી રાખવાના કારણે મારા હાથ પણ સતત પલળી રહ્યા હતા અને મારી આંગળીઓ સુન્ન પડી ગઈ હતી. 

આ સ્થિતિમાં ઘણું ચાલ્યા પછી હિમાલયના ઊંચા પહાડો વચ્ચે એક વિશાળ મેદાન દેખાયું. તેની ક્ષિતિજ પર પહાડોની પાછળ દૂર દૂર સુધી પહાડો અને તેની પાછળ આકાશમાં રૂના ઢગલા જેવા વાદળો દેખાઈ રહ્યા હતા. હિમાલયની છીંકણી અને સફેદ રંગની નાની નાની ડુંગરીઓની ટોચ એ વાદળોમાં ખૂંપી ગઈ હતી. મને ખૂબ જ ઠંડી લાગી રહી હતી. કકડીને ભૂખ પણ લાગી હતી, પરંતુ સૂસવાટા મારતા પવનના કારણે બ્રેક લઈને રકસેકમાંથી ચોકલેટ્સ કાઢવાના પણ હોશ ન હતા. જીવનું જોખમ હોવાથી બસ એક જ ધૂન હતી, વરસાદ બંધ ના થાય ત્યાં સુધી ચાલતા રહેવું અને ઝડપથી બેઝ કેમ્પ પર પહોંચી જવું. બધા જ ટ્રેકર દેખાતા બંધ થઈ ગયા હતા કારણ કે, મેહુલ લેગ ઈન્જરીના કારણે ધીમે ચાલતો હતો અને તેથી મેં પણ સ્પિડ ઘટાડી દીધી હતી. હું અને મેહુલ લગભગ સાથે ચાલતા હતા, પરંતુ થોડી વાર પછી મેં સ્પિડ વધારવાનું અને મેહુલ આઈ રેન્જમાં રહે એ રીતે તેનાથી આગળ રહેવાનું નક્કી કર્યું. 

થોડી વાર પછી હું મેહુલથી આશરે પોણો કિલોમીટર આગળ હતો, પરંતુ તેને સહેલાઈથી જોઈ શકતો હતો. ઠંડીથી બચવા મારે એ રીતે ચાલવું જરૂરી હતું. લીલા ઘાસના એ વિશાળ મેદાનમાં કરોડો પથ્થરો વિખરાયેલા હતા. જોકે, આડશ લઈને બર્ફીલા પવન અને વરસાદથી બચી શકાય એટલા કદનો એક પણ પથ્થર દેખાતો ન હતો. વૃક્ષો પણ દૂર દૂર માંડ દેખાતા હતા. આ પ્રકારની સ્થિતિમાં ફિઝિકલી અને મેન્ટલી ફિટ રહેવા ઈમોશન્સને કાબુમાં રાખવા અત્યંત જરૂરી હોય છે. મને એ ખબર હોવા છતાં હું ધીરજ ગુમાવી રહ્યો હતો. 

છેવટે મેં થાકીપાકીને વરસતા વરસાદમાં ઊભા રહેવાનું નક્કી કર્યું. ઠંડા પાણીના મારના કારણે મારા મસલ્સ જકડાઈ ગયા હતા. હું ઈમોશનલી બ્રેક થઈ રહ્યો હતો. છેવટે અચાનક જ હું એક નાનકડા પથ્થર પર બેસી ગયો. થોડી ક્ષણોમાં તો વિચાર પણ કરી લીધો કે, બસ હવે અહીં જ મરીશ. એ પથ્થરની થોડી આડશ લઈને હું બર્ફીલી હવાથી બચવા ફાંફા મારતો હતો. મેં આંખ બંધ કરીને મારા પરિવાર અને દોસ્તોને યાદ કર્યા. આ ટ્રેક શરૂ થયો એ પહેલા મેં બેઝકેમ્પ પરથી મારા પરિવારજનો સહિત કેટલાક સાથે વાત કરી લીધી હતી કારણ કે, અહીંના ઊંચાઈવાળા દુર્ગમ વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક તો ક્યાંથી હોય!હિમાલયની વાદીઓમાંથી મને એ 'છેલ્લી' વાતોના પડઘા સંભળાઈ રહ્યા હતા. એટલામાં તો મને ખૂબ જ નજીકથી મોત દેખાયું અને એ બે-ત્રણ મિનિટમાં જ મારી આખી લાઈફ રિવાઈન્ડ થઈ ગઈ. 

એટલામાં જ મેહુલ આવી પહોંચ્યો અને તેને જોતા જ હું એલર્ટ થઈ ગયો. 

એ પછી શું થયું? 

વાંચો આવતા અંકે...

નોંધઃ આ સીરિઝનો ભાગ-1 વાંચો અહીં...

21 December, 2020

કાશ્મીર ગ્રેટ લેક્સ ટ્રેક : ફિટનેસ, માઈન્ડ અને ઈમોશન્સનો એસિડ ટેસ્ટ


હિમાલયની વાદીઓમાં વાતાવરણ ગમે ત્યારે બદલાઈ જાય છે, અને છતાં, મેં બેઝ કેમ્પ પર રેઈનકોટ ભૂલી જવાનું હિમાલયન બ્લન્ડર કર્યું હતું. આ ભૂલ મને બહુ જ ભારે પડવાની હતી. જોકે, જિંદગીમાં કરેલી નાની-મોટી ભૂલો જ રસપ્રદ કહાનીઓને જન્મ આપતી હોય છે. 

***

મેં દુનિયામાં ક્યાંય કાશ્મીર જેવું સૌંદર્ય જોયું નથી. ત્યાં હિમાલયના પહાડો વચ્ચે જતા એવું લાગે છે કે, કાશ્મીર ખીણ તો ખૂબ જ નાની છે અને પહાડો ખૂબ મોટા. કાશ્મીરનું એ દૃશ્ય મહાકાય હિમાલય વચ્ચે મિનિયેચર પેઇન્ટિંગ દોર્યું હોય એવું લાગે છે. એ નજારો ભવ્ય હોય છે. અને હા, ત્યાંના લોકો પણ ખૂબ સુંદર હોય છે... 

કાશ્મીર વિશેનું આ ક્વૉટ જાણીતા લેખક સલમાન રશદીનું છે. આ ક્વૉટનો અક્ષરશઃ અનુભવ કરવો હોય તો કાશ્મીરમાં નહીં પણ કાશ્મીર ખીણના અંતરિયાળ વિસ્તારોમાં રખડપટ્ટી કરવી પડે. કાશ્મીર ખીણ વિશે આતંકથી લઈને તેના સૌંદર્ય વિશે ઘણું બધું વાંચ્યા-સાંભળ્યા પછી મારે પણ ત્યાંના બર્ફીલા પહાડી જંગલોમાં ઓતપ્રોત થઈ જવું હતું. એક પત્રકાર તરીકે કાશ્મીર ખીણની ભૂગોળને નજીકથી સમજવી હતી, ખીણ વિસ્તારમાં રહેતા લોકોને મળવું હતું અને કાશ્મીર ખીણ એક્સપ્લોર કરવી હતી. છેવટે આ કીડાને શાંત કરવા ઓગસ્ટ 2017માં મેં કાશ્મીર ગ્રેટ લેક્સ ટ્રેક કરવાનું નક્કી કર્યું. કાશ્મીરનું અસલી સૌંદર્ય કાશ્મીર ખીણના ‘વર્જિન’ જંગલોમાં પથરાયેલું છે, અને ત્યાં સુધી પહોંચવાનો એક જ રસ્તો છે, બેકપેક તૈયાર કરો અને પહાડ ચઢવા માંડો. થોડા વર્ષો પહેલાં ભારતીય સેના ત્યાં જવાની મંજૂરી નહોતી આપતી, પરંતુ અત્યારે ત્યાં જઈ શકાય છે. 

કાશ્મીર ગ્રેટ લેક્સ સામાન્ય રીતે દસેક દિવસનો ટ્રેક છે પણ એવું કહેવાય છે કે, એ દસ દિવસની યાદો જીવનભર પીછો નથી છોડતી. કાશ્મીર ગ્રેટ લેક્સ ટ્રેક શ્રીનગરથી એંશી કિલોમીટર દૂર ગંદેરબલ જિલ્લામાં સોનબર્ગથી શરૂ થાય છે. અહીંના ઘાસિયા મેદાનો સૂર્યકિરણો ઝીલીને સોના જેવા પીળા રંગની કાશ્મીરી શાલ ઓઢી લે છે. એટલે આ પ્રદેશને નામ મળ્યું ‘સોનમર્ગ’. સોનમર્ગ એટલે સોનાના ઘાસના મેદાનો. વિદેશીઓ સોનમર્ગને ‘મિડોઝ ઓફ ગોલ્ડ’ કહે છે. આજે તો સોનમર્ગ ટુરિસ્ટ હબ છે પણ ચીને સદીઓ પહેલાં જે સિલ્ક રૂટ બનાવ્યો હતો, તે વાયા સોનમર્ગથી ખાડી (ગલ્ફ) દેશો સુધી જતો હતો. સોનમર્ગ તેના ગ્લેશિયર્સના કારણે ભારતીય સેના માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વનું છે. સોનમર્ગનું આવું જ એક સુંદર ગ્લેશિયર એટલે થાજીવાસ. ‘બજરંગી ભાઈજાન’ના મોટા ભાગના પહાડી દૃશ્યોનું શૂટિંગ થાજીવાસમાં થયું હતું. 



સોનમર્ગમાં હિમાલયના પહાડી જંગલોની તળેટીમાં આવેલું યૂથ હોસ્ટેલનું બિલ્ડિંગ, જ્યાં અમારો પહેલો બેઝ કેમ્પ હતો. 

થાજીવાસ પહોંચતા જ અંદાજ આવી જાય છે કે, નીચાણવાળા ટુરિસ્ટ પોઈન્ટ પર આવું અલૌકિક સૌંદર્ય છે તો કાશ્મીર ખીણના ‘અનટચ્ડ’ પ્રદેશો કેવા હશે! ઊનાળામાં પ્રવાસીઓ ટટ્ટુ પર બેસીને થાજીવાસ જાય અને સાંજ સુધીમાં પાછા આવી જાય, પરંતુ ટ્રેકર્સને એક્લિમટાઈઝેશન વૉકના ભાગરૂપે ટ્રેક કરીને થાજીવાસ જવું પડે. એક્લિમટાઈઝ કે એક્લિમેશન એટલે જે તે સ્થળના વાતાવરણ-હવામાનને અનુકૂળ થવાની પ્રક્રિયા. એક્લિમટાઈઝેશન વૉક પછી ટીમ લીડરને દરેક ટ્રેકરની ફિટનેસનો અંદાજ આવી જાય, અને ટ્રેકરને પણ પોતાની ક્ષમતાની ખબર પડી જાય! થાજીવાસ ગયા પછી અનેક લોકો ગ્રેટ લેક્સ જવાનું માંડી વાળે છે. 

હિમાલયમાં ઊંચાઈવાળા વિસ્તારની હવા પાતળી હોય, વાતાવરણ ખૂબ ઠંડુ હોય, દિવસ અને રાતના તાપમાનમાં બહુ મોટો ફેરફાર હોય. આ પ્રકારના વાતાવરણમાં ઉલટી જેવું થવું, માથું દુઃખવું અને થોડું ચાલતા જ શ્વાસ ફૂલવા માંડે વગેરે થાય. એટલે પ્લેન (સપાટ) રીજનમાંથી હાર્શ માઉન્ટેઇન ટેરેઇનમાં હ્યુમન બોડીને સેટ થવા બે દિવસનું એ વૉર્મ અપ સેશન જરૂરી છે. ટ્રેકના પહેલાં બે દિવસ 8,792 ફૂટની ઊંચાઈએ આવેલા સોનમર્ગમાં જ વીતે, જેમાં એક્લિમટાઈઝેશન વૉકથી માંડીને બીજા ટ્રેકર્સ સાથે ઓરિએન્ટેશન હોય. અમારા 27 લોકોના ગ્રૂપમાં 55થી 70 વર્ષની ઉંમરના ચારેક ટ્રેકર પણ સામેલ હતા, જેમાં એક સિનિયર સિટીઝન દંપત્તિ પણ હતું. અમે ત્રીજા દિવસે બેકપેક તૈયાર કરીને સવારે દસ વાગ્યે સોનમર્ગથી 11,948 ફૂટની ઊંચાઈએ આવેલા નીચનાઈ કેમ્પ જવા ટ્રેક શરૂ કર્યો. 

નીચનાઇ જતી વખતે રસ્તામાં પાછું વળીને નીચનાઇ ખીણની ક્ષિતિજ જોઇએ ત્યારે અલૌકિક દૃશ્યો દેખાવાનું શરૂ થઈ ગયું. હિમાલયની તળેટીની ગંદકી અને ત્યાં પડેલા ફૂડ પેકેટ, રેપર્સ, પાણીની બોટલોનું પ્રમાણ ઉપર ચઢતી વખતે ઘટી રહ્યું હતું. આટલા સુંદર સ્થળે પણ પ્લાસ્ટિકનું પ્રદૂષણ જોઈને મને ઘણું દુઃખ થયું. આશરે સાત કલાક નીચનાઇ ખીણ સહિતના વિસ્તારોમાંથી પસાર થઇને અમે સોનમર્ગથી આઠેક કિલોમીટર દૂર આવેલા નીચનાઈ પહોંચ્યા. નીચનાઈ એટલે ગ્રેટ લેક્સનો સૌથી પહેલો હાઈ ઑલ્ટિટ્યુડ બેઝ કેમ્પ. ત્યાં હાઈ ઑલ્ટિટ્યુડની પહેલી રાત્રિ હતી એટલે બધા જ ટ્રેકર ટેન્ટમાં જઈને સ્લિપિંગ બેગમાં ઘૂસીને વહેલા સૂઈ ગયા. એ રાત્રે મોટા ભાગના ટ્રેકર્સે મહિનાઓ પછી અત્યંત ગાઢ નિદ્રાનો અનુભવ કર્યો. 


સોનમર્ગ બેઝકેમ્પથી એક્લિમટાઈઝેશન વૉક શરૂ કરતી વખતે જોવા મળેલું સૌંદર્ય. અહીં રસ્તાની સાથે સાથે
સિંધ નાલા નદી વહે છે અને તેની આસપાસ જવાનોને તાલીમ આપવા ભારતીય સેનાના કેટલાક કેમ્પ પણ છે. 

ચોથા દિવસની વહેલી સવારે ઊઠીને હું ટેન્ટની બહાર આવ્યો ત્યારે એક વિશાળ પહાડ જાણે મારી રાહ જોઈને ઊભો હતો! એ પહાડની વિશાળતા જોઈને મને લાગ્યું કે, તેજથી ફાટફાટ કોઈ ધ્યાનસ્થ ઋષિ મારી રાહ જોઈ રહ્યા છે અને આંખ બંધ કરીને બેઠેલા એ ઋષિએ અનુભવી પણ લીધું કે, હું આવી ગયો છું! હું પણ એ વિશાળ પહાડ સામે પડેલા એક પથ્થર પર થોડી વાર બેસી રહ્યો. બસ એમ જ. એ દિવસે કાશ્મીર ખીણમાં હિમાલયને અત્યંત નજીકથી જોઈને બધા જ ટ્રેકર્સ સ્ફૂર્તિલા અને ખુશખુશાલ દેખાતા હતા. નીચનાઈ કેમ્પમાં અમે દૈનિક ક્રિયાઓ પતાવીને કોફી-ચ્હા, નાશ્તો કર્યો અને લંચ પેક લઈને વિષ્ણુસર જવા ઉપડ્યા. 

વિષ્ણુસર જવા દરિયાઈ સપાટીથી 13,858 ફિટ ઉપર આવેલો નીચનાઈ પાસ ક્રોસ કરવો પડે. આ ટ્રેકની સૌથી પહેલી ચેલેન્જ જ નીચનાઈ પાસ છે. ‘માઉન્ટેઇન પાસ’ એટલે પર્વતમાળાઓની વચ્ચેથી ખીણના કિનારે કિનારે આગળ નીકળતો રસ્તો. આશરે 12 કિલોમીટર ચાલીને નીચનાઈથી વિષ્ણુસર પહોંચતા સાત કલાક લાગે, પરંતુ રસ્તામાં જોવા મળતું કુદરતી સૌંદર્ય ટ્રેકર્સને શારીરિક અને માનસિક રીતે થાકવા નથી દેતું. વિષ્ણુસર બેઝ કેમ્પ પહોંચતા કેમ્પ લીડરે અમારું સ્વાગત કર્યું, ઈન્ટ્રોડક્શન કર્યું અને ધીમેથી કહ્યું ‘પેલી ટેકરીની પાછળ વિષ્ણુસર છે, તમે ત્યાં જઈને સમય વીતાવી શકો છો...’ 

એ શબ્દો સાંભળીને બધામાં અચાનક જ શક્તિ આવી ગઈ. ટ્રેકર્સની નજર ચાર દિવસથી હિમાલયના સુંદર અલ્પાઈન સરોવરો જોવા તરસતી હતી. અમે ખૂબ ઝડપથી ટેકરી ઓળંગીને વિષ્ણુ સરોવરના કિનારે પહોંચ્યા. કેટલાક ટ્રેકર્સ પહેલીવાર અલ્પાઈન ઓલિગોટ્રોફિક લેક જોઈ રહ્યા હતા. અલ્પાઇન લેક એટલે દરિયાઇ સપાટીથી ઉપર બર્ફીલા પહાડો વચ્ચે આવેલા સરોવરો. આ પ્રકારના સરોવરોમાં સૂક્ષ્મ જીવન ખૂબ જ ધીમેથી પનપતું હોય, લીલ-શેવાળ પણ નહીંવત હોય. ઇકોલોજીની ભાષામાં તેને ‘ઓલિગોટ્રોફિક’ કહેવાય. કુદરતી કરામત જુઓ. ઊંચાઈ પર ઓક્સિજન ના હોય પણ અલ્પાઇન ઓલિગોટ્રોફિક લેકના પાણીમાં ઓક્સિજન પ્રચુર માત્રામાં હોય અને તેનું પાણી હાઇ ડ્રિકિંગ ક્વોલિટી ધરાવતું હોય. હિમાલયની નદીઓ અને ઝરણાને આ પ્રકારના ઓક્સિજન પ્રચુર તળાવોમાંથી જ પાણી મળે છે. એટલે જ ઉંચાઈ પર મળતું કુદરતી પાણી પીવાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળતી. આ પાણીમાં ટ્રાઉટ જેવી કેટલીક પ્રજાતિની માછલીઓની વસતી પણ વધારે હોય. વિષ્ણુસરમાં પણ બ્રાઉન ટ્રાઉટ નામની માછલીઓ મોટા પ્રમાણમાં છે. 

કાશ્મીર ગ્રેટ લેક્સ ટ્રેકનું સૌથી મોટું આકર્ષણ રસ્તામાં જોવા મળતા પાંચ અલ્પાઇન સરોવર જ છે, જેમાંના કેટલાકનું નામકરણ ભગવાનોના નામ પરથી કરાયું છે. વિષ્ણુ-સર એટલે વિષ્ણુ ભગવાનનું સરોવર. 12,170 ફૂટ ઊંચાઈએ આવેલા વિષ્ણુસર સહિતના બધા જ સરોવરોની સરેરાશ લંબાઇ વધુમાં વધુ એક કિલોમીટર અને લંબાઇ અડધો કિલોમીટર. વર્ષોથી મૌન ધારણ કરીને શાંતિ અનુભવી રહેલા કોઈ રહસ્યમય સંતના ચહેરા જેવા વિષ્ણુસરના શાંત પાણીના મનોમન ઘૂંટડા લેતી વખતે અહેસાસ પણ નથી થતો કે, હિમાલય પર્વતમાળાઓની ટોચ પરથી હરણાની જેમ ફલાંગો મારીને નીચે ઉતરતી નીલમ નદીને વિષ્ણુસરમાંથી જ પાણી મળે છે. કોઇ નદીના મુખ સુધી પહોંચવાનો અનુભવ અલૌકિક હોય છે અને કાશ્મીર ખીણમાં તો આવો ભરપૂર અનુભવ મળે છે. 



પાંચમા દિવસે વહેલી સવારે અમે વિષ્ણુસરથી ગડસર સરોવર જવા નીકળ્યા. ત્યાં પહોંચવા 13,763 હજાર ફૂટની ઊંચાઈએ આવેલો ગડસર પાસ ક્રોસ કરવાનો હતો. ગડસર પાસ પર ચારેક હજાર મીટરની ઊંચાઈએ પહોંચીએ ત્યારે આ ટ્રેકનો સૌથી જોખમી રસ્તો શરૂ થાય, પરંતુ એ જ સ્થળેથી વિષ્ણુસર અને કિશનસર એકસાથે જોઇ શકાય છે. કિશનસર એટલે કૃષ્ણ ભગવાનનું સરોવર. કિશનસરને ગડસર પાસ નજીક આવેલા ગ્લેશિયરમાંથી પાણી મળે છે. કિશનસરની નાનકડી ધારાઓમાંથી જ વિષ્ણુસરનું સર્જન થાય છે. આમ, વિષ્ણુસર અને નીલમ નદીના પાણીનો સ્રોત એક જ છે, કિશનસર. 

કાશ્મીરમાં ઠંડી પડે ત્યારે આ બધા જ અલ્પાઈન લેક થીજી જાય. સામાન્ય લોકો માટે ત્યાં જવું અશક્ય છે, પરંતુ ગરમીના દિવસોમાં સ્થાનિક પશુપાલકો આ સરોવરોની આસપાસના લીલોતરીભર્યા મેદાનોમાં ઘેંટા-બકરા ચરાવતા જોવા મળે છે. ગડસર પાસ ક્રોસ કરીને ગડસર પહોંચતા આશરે દસેક કલાક થઈ જાય. ગડસર 10,777 ફૂટની ઊંચાઈએ આવેલું નયનરમ્ય સરોવર છે. આ સરોવરની આસપાસનો પ્રદેશ રંગબેરંગી જંગલી ફૂલોથી છવાયેલો છે. જાણે કુદરતે ગડસરને આપેલી ફોટોફ્રેમ. આ દૃશ્ય જોઈને મને મોગલ રાજા જહાંગીરના પેલા વિખ્યાત શબ્દો યાદ આવી ગયા, જે તેમણે 17મી સદીમાં કાશ્મીરનું સૌંદર્ય જોઈને જ ઉચ્ચાર્યા હતા. 

ગર ફિરદોસ બાર-રુહે જમીન અસ્ત, હમી અસ્તો, હમી અસ્તો, હમી અસ્તો... 

પૃથ્વી પર ક્યાંય સ્વર્ગ છે તો એ અહીં છે, અહીં છે, અહીં છે... 

ગડસરમાં એક યાદગાર રાત્રિ વીતાવીને છઠ્ઠા દિવસે સવારે આઠેક વાગ્યે અમે સતસર જવા નીકળ્યા. એ દિવસે હિમાલયની વાદીઓમાં સૂરજનું જોર ઓછું હતું અને ધીમે ધીમે વરસાદ પણ વરસી રહ્યો હતો. મારા સિવાય બધા જ ટ્રેકર્સે રેઈનકોટ પહેર્યો હતો. હિમાલયની વાદીઓમાં વાતાવરણ ગમે ત્યારે બદલાઈ જાય છે, અને છતાં, મેં બેઝ કેમ્પ પર રેઈનકોટ ભૂલી જવાનું હિમાલયન બ્લન્ડર કર્યું હતું. આ ભૂલ મને બહુ જ ભારે પડવાની હતી. જોકે, જિંદગીમાં કરેલી નાની-મોટી ભૂલો જ રસપ્રદ કહાનીઓને જન્મ આપતી હોય છે. 

અને, મારી સાથે પણ એવું જ થયું. શું થયું? 

વાંચો આવતા અંકે... 

25 June, 2013

શ્રીનગરમાં લાલચોકની મુલાકાતનું સાહસ


કાશ્મીર પ્રવાસ ભાગ-1માં આપણે પટનીટોપ, શ્રીનગર, ગુલમર્ગ અને સોનમર્ગમાં પડેલી મુશ્કેલીઓ વિશે જાણ્યું. હવે ભાગ-2માં વાંચો નફરત અને ધિક્કારના પાટનગર શ્રીનગર પ્રવાસનું વર્ણન...

શ્રીનગરમાં અમે બે રાત્રિ હાઉસબોટમાં રોકાવાના હતા. દૂરથી જોયું તો દાલ સરોવર ખૂબ જ મનોહર લાગતું હતું, પરંતુ હાઉસબોટમાં રોકાયા ત્યારે ખબર પડી કે આપણે જો શહેરોને કોંક્રિટનું જંગલ કહેતા હોઈએ તો દાલ સરોવરને શિકારા અને હાઉસબોટનું જંગલ કહેવું પડે. પાણી પર તરતી શિકારા અને હાઉસબોટ આપણને જાણે કે નવા જ શહેરમાં આવી ગયા હોઈએ તેવો અનુભવ કરાવે છે. શરૂઆતમાં થોડી વાર આ દૃશ્ય જોવામાં કદાચ સારું લાગે, પરંતુ બાદમાં સરોવરનું શહેરીકરણ થયું હોવાનું લાગ્યા વગર રહેતું નથી. હાઉસબોટના રૂમ ખૂબ જ સાંકડા અને બંધિયાર હોય છે અને હવા-ઉજાસ માટે બારીઓ ખોલવામાં આવે તો મચ્છર અને અન્ય જીવજંતુઓનું જોખમ રહે છે. વળી, હાઉસબોટમાં બાથરૂમ-સંડાસનો કચરો ક્યાં ઠલવાય છે અને ન્હાવા-ધોવા માટેનું પાણી ક્યાંથી આવે છે તે પણ એક પ્રશ્ન છે. કારણ કે અહીં ક્યાંય ડ્રેનેજ લાઈનો નંખાઈ હોય એવું જણાતું નથી. આ બાબતનો પુરાવો એ વાત પરથી મળે છે કે હાઉસબોટમાં પીવાના પાણીની વ્યવસ્થા સુદ્ધાં હોતી નથી. હાઉસબોટમાં રહેનાર વ્યક્તિએ બજાર કરતાં બમણા ભાવે લોકલ કંપનીનું મિનરલ વોટર ખરીદવું પડે છે.

ગુલમર્ગથી થાકીને આવ્યા હોવાથી હાઉસબોટમાં પહેલી રાત ખૂબ સરસ રીતે પસાર થઈ ગઈ. બીજા દિવસે વહેલી સવારે અમે શ્રીનગર લોકલમાં ફરવા ગયા. સૌપ્રથમ અમે શ્રીનગરના પ્રખ્યાત મુઘલ ગાર્ડન-નિશાતમાં ગયા. ઉનાળો  હોવાથી અહીં ફૂલોનું પ્રમાણ ઘટી ગયું હતું, પરંતુ વિશાળ જગ્યામાં પથરાયેલો નિશાત ગાર્ડન ધોમધખતા તાપમાં પણ ઠંડક આપતો હતો. આ બગીચામાં પાંગરેલા ફૂલોના ખજાના અને તેની સુંદરતા વિશે જે વાંચ્યું હતું તેમાંથી નહીંવત વસ્તુઓ અમે માણી શક્યા. જોકે અમે ઉનાળામાં ગયા હોવાથી આવી પરિસ્થિતિ સર્જાઈ હોવાનું બાદમાં અમને સમજાયું. નિશાત ગાર્ડનમાંથી અમે બહાર નીકળ્યા ત્યારે પે એન્ડ પાર્કના એક કર્મચારી સાથે કોઈ વ્યક્તિ ઝઘડી રહી હતી. ખૂબ મોટા અવાજે ઝઘડો થતો હોવાથી અમે કુતુહલવશ ત્યાં પહોંચ્યાં અને ઝઘડો કરી રહેલી વ્યક્તિને આ અંગેનું કારણ પૂછ્યું. તે વ્યક્તિએ કહ્યું કે હું અહીંનો સ્થાનિક ડ્રાઈવર છું અને પ્રવાસીઓને લઈને આવ્યો છે. પાર્કિંગના સ્ટાફનો કર્મચારી મને પ્રવાસી સમજીને કાશ્મીરી ભાષામાં ગંદી ગાળો (ગાળો અહીં લખી શકાય તેમ નથી) આપતો હતો. તે વ્યક્તિની હિંમત કઈ રીતે થઈ મને ગાળો આપવાની? 

દાલ સરોવરમાં હાઉસ બોટ

ડ્રાઈવરની વાત સાંભળીને મને થયું કે અત્યાર સુધી અમે જેટલી જગ્યાએ ફર્યા છીએ તે દરેક જગ્યાએ સ્થાનિક લોકોએ અમને તેમની ભાષામાં આવી જ ગાળો આપી હશે ને! અમારા જેવા કેટલાય પ્રવાસીઓને તેઓ આ રીતે ગાળો આપતા હશે! પ્રવાસીઓને તેઓ આટલી બધી નફરત શા માટે કરે છે? જે પ્રવાસીઓના કારણે કાશ્મીરનું અર્થતંત્ર ચાલે છે, તે જ પ્રવાસીઓ પ્રત્યે આટલો બધો અણગમો હોય તો પ્રવાસીઓએ શા માટે કાશ્મીર જવું જોઈએ? નિશાત ગાર્ડન, શાલિમાર ગાર્ડન અને ચશ્મ-એ-શાહી બાદ અમે શ્રીનગરના પ્રખ્યાત લાલ ચોકમાં જવાનું વિચાર્યું. આ દરમિયાન બપોર થઈ ગઈ હોવાથી અમે દાલ સરોવર પાસે આવેલી એક શાકાહારી હોટલમાં ભોજનની વિધિ આટોપી અને લાલ ચોક જવા નીકળી ગયા. અમારી કારના કેપ્ટને સ્પષ્ટ શબ્દોમાં લાલ ચોક નહીં જવાની સલાહ આપી હોવા છતાં અમે નવું સાહસ ખેડવા નીકળ્યા.

રીક્ષા કરીને અમે લાલ ચોકના બજારની એકદમ મધ્યમાં ઉતર્યા. અમારા ઉતરતાની સાથે જ સેંકડો નજરો અમારા તરફ તાકવા લાગી. શરૂઆતમાં અમને આ સાહજિક લાગ્યું, પરંતુ ધીમે-ધીમે સમજાયું કે આ નજરોમાં અમારા જેવા પ્રવાસીઓ માટે ભારોભાર અણગમો હતો. નજરોની ભાષા સમજવામાં કદાચ અમારી ભૂલ થઈ હશે તેવું વિચારી અમે આગળ વધ્યા. એક દુકાનદારને કાશ્મીરી ડ્રેસનો ભાવ પૂછ્યો, તે વ્યક્તિએ એટલી તોછડાઈથી જવાબ આપ્યો કે અમે તેની દુકાનમાં જવાની હિંમત કરી નહીં. બાદમાં ડ્રાયફ્રુટની દુકાનમાં પણ અમને તેવો જ અનુભવ થયો. અમારે લાલ ચોકમાંથી ખરીદી કરવી હતી અને કાશ્મીરની પ્રખ્યાત વસ્તુઓ ઘરે લાવવી હતી, પરંતુ અમારી સાથે વાત કરવા કોઈ તૈયાર થતું ન હતું. આખરે અમે લાલ ચોકમાંથી રવાના થવાનું જ ઉચિત સમજ્યું. શ્રીનગરના લાલ ચોકમાં નહીં જવાની અમને શા માટે સલાહ અપાઈ હશે તે અમને હવે સમજાઈ ગયું હતું.

લાલ ચોકના બજારનું એક દૃશ્ય

આ સમયે મને અમારા એક પરિચિત ટુર ઓપરેટર સાથે બનેલી ઘટના યાદ આવી. આ ટુર ઓપરેટર ગાંધીનગરમાં રહે છે અને તેઓ દર વર્ષે કાશ્મીરમાં પોતાની ટુર લઈને જાય છે. તેમના વ્યાપારિક હિતને ધ્યાનમાં રાખીને અહીં તેમનું નામ લખતો નથી. આ ટુર ઓપરેટર ફેબ્રુઆરી મહિનામાં લક્ઝરી લઈને પ્રવાસે ગયા હતા. કુખ્યાત આતંકવાદી અફઝલને ફાંસી અપાઈ ત્યારે તેઓ શ્રીનગરમાં ફરતા હતા. નવમી ફેબ્રુઆરીએ અફઝલને ફાંસી અપાયા બાદ શ્રીનગરનું વાતાવરણ ખૂબ જ તંગ થઈ ગયું હતું પણ આટલી હદે સ્થિતિ ખરાબ હશે તેની તેમને ખબર ન હતી. દાલ સરોવર સ્થિત રાજ્ય પોલીસ વડાની ઓફિસ અને સીઆરપીએફના કેમ્પની નજીકથી તેમની બસ પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ બસ પર પથ્થરમારો થયો. આગળ જઈ શકાય તેવી સ્થિતિ ન હતી. જેમ-તેમ કરીને તેમણે બસને સીઆરપીએફના કેમ્પમાં ઘૂસાડી દીધી અને ફરજ પરના જવાનોને રક્ષણ આપવા વિનંતી કરી. સ્થિત પારખીને જવાનોએ બસના તમામ યાત્રીઓનું રક્ષણ કર્યું અને સ્થિતિમાં સુધારો આવ્યા બાદ તેમને સુરક્ષિત રીતે હોટલ સુધી પહોંચાડી દીધા. અફઝલને ફાંસી અપાયા બાદ સરકારે સલામતી બંદોબસ્ત વધારી દીધો હતો, પરંતુ અમે ગયા ત્યારે લશ્કર અને સીઆરપીએફની મોટા ભાગની ટુકડીઓ ખસેડી લેવાઈ હતી. આ ટુકડીઓ ખસેડીને સ્થાનિક અને કેન્દ્રીય નેતાઓએ લોકસભા ચૂંટણીના દાવ-પેચ રમવાની શરૂઆત કરી દીધી હોય તેવું લાગ્યું.

કાશ્મીરનું મોટાભાગનું અર્થતંત્ર પ્રવાસીઓ પર નિર્ભર છે અને તેમાં પણ મોટાભાગના પ્રવાસીઓ ગુજરાતના હોય છે. આ પ્રવાસીઓની સલામતી માટે સ્થાનિક પોલીસ પૂરતી નથી. આ કામ આર્મી કે સીઆરપીએફને જ સોંપી દેવું જરૂરી છે. એક વર્ષ અગાઉ શ્રીનગરમાં લશ્કર અને સીઆરપીએફના જવાનોને ઠેર-ઠેર તૈનાત કરાયા હતા. અમદાવાદ રહેતા મારા સાળા મનીષભાઈ ગત સપ્ટેમ્બરમાં શ્રીનગર ગયા ત્યારે તેમને કોઈ વાતનો ભય ન હતો. શિકારામાં બેઠા બાદ શિકારાના ચાલકે તેમની પાસેથી વધારે પૈસા પડાવવાનો પેંતરો ગોઠવવા માંડ્યો હતો. તેણે અગાઉ નક્કી કરેલા રૂ. ૫૦૦ ઉપરાંત વધારાના રૂ. ૫૦૦ ચૂકવવા માટે શિકારા ચાલક દર બે મિનિટે મનીષભાઈને આગ્રહ કરતો હતો. શિકારાની મજા ધીમે-ધીમે સજામાં બદલાતી હોવાનું જાણીને મનીષભાઈએ તેને કહ્યું કે, “હવે તુ મને કિનારા પર જ લઈ જા. મારે તારી સાથે નથી ફરવું. હું આર્મીને તારી ફરિયાદ કરીશ. આર્મીનું નામ સાંભળતા જ તે વ્યક્તિએ હોઠ સીવી લીધા અને કિનારા પાસે પહોંચ્યા બાદ વિનંતી કરી કે, આર્મીને મારી ફરિયાદ કરશો તો તેઓ મને મારશે.” કોઈ પ્રવાસી સાથે ખરાબ વર્તન થયાની ફરિયાદ કરવામાં આવે તો આર્મીના જવાનો તેને ગંભીરતાથી લે છે.

કાશ્મીરમાં લશ્કર-સીઆરપીએફની હાજરી હોય તો શું થઈ શકે છે અને તેમને હટાવી લેવામાં કેટલું જોખમ રહેલું છે તે દર્શાવતા બે વાસ્તવિક કિસ્સા ઉપર જણાવ્યા છે. અમારા પ્રવાસના સમયગાળા દરમિયાન શ્રીનગર, સોનમર્ગ, ગુલમર્ગ સહિતના મોટા ભાગના સ્થળોએ લશ્કર કે સીઆરપીએફના જવાનોની હાજરી નહીંવત હતી. રાજ્ય સરકારે પ્રવાસીઓની સલામતી માટે ટુરિસ્ટ પોલીસ નામનો અલાયદો વિભાગ શરૂ કર્યો છે, પરંતુ આ વિભાગના જવાનો ભાગ્યે જ ક્યાંક નજરે ચડ્યા હતા. કદાચ લશ્કરના જવાનો સોનમર્ગ અને ગુલમર્ગમાં હોત તો અમને જે દુઃખદ અનુભવો થયા તે ન થયા હોત.

લાલ ચોકમાંથી પરત ફર્યા બાદ અમે દાલ સરોવરની આસપાસની દુકાનોમાં ફર્યા અને રાત્રે ભરાતા બજારમાં ખરીદી કરી. આ ખરીદી વખતે અમને કેટલાક ગુજરાતી પ્રવાસીઓ મળ્યા, જેઓ સોનમર્ગ અને ગુલમર્ગ જઈને આવ્યા હતા. આ તમામ પ્રવાસીઓને પણ અમારા જેવા જ અનુભવ થયા હતા. શ્રીનગરમાં અમારી તે છેલ્લી રાત હતી અને તે ક્યારે સવાર પડે તેની રાહ જોતાં અમે સૂઈ ગયા. શ્રીનગરથી પહેલગામ, વૈશ્નોદેવી થઈને અમે જમ્મુ પહોંચ્યા અને જમ્મુથી ટ્રેન પકડીને ભારે હૈયે કાશ્મીરમાં ફરી નહીં આવવાનો સંકલ્પ કર્યો. અમારી સાથે ટ્રેનમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતના કેટલાક પ્રવાસીઓ હતા. આ તમામ પ્રવાસીઓને તેમના કાશ્મીર પ્રવાસ અંગે પૂછ્યું તો તેઓ પણ પોતાના આ પ્રવાસ દુઃખદ ગણાવતા હતા અને ફરીથી કાશ્મીર નહીં જવાની ઈચ્છા ધરાવતા હતા.
                                                                                                    (સંપૂર્ણ)
નોંધઃ લાલ ચોકના બજારની તસવીર ગૂગલ પરથી લીધી છે.

13 June, 2013

યહાં હમારા કાનૂન ચલતા હૈ


છાપાઓની પૂર્તિ અને ટેલિવિઝન શૉમાં દેખાડવામાં આવતા પ્રવાસ અને અસલી પ્રવાસમાં કેટલીકવાર બહુ મોટો ફર્ક હોય છે. અહીં આપણે કાશ્મીરની વાત કરવી છે. કાશ્મીર વિશે વાંચ્યા, સાંભળ્યા અને ટીવીમાં જોયા પછી આપણા માનસપટલ પર કાશ્મીરની એક રોમેન્ટિક છબી રચાઈ જાય છે. પરંતુ ‘ગુજરાત ગાર્ડિયન’ દૈનિક સાથે જોડાયેલો પત્રકાર મિત્ર શ્રેયસ પંડિત તેના પરિવાર સાથે (શ્રેયસના માતા-પિતા, પત્ની, ભાઈ-ભાભી અને બંને ભાઈના બે બાળકો) કાશ્મીર ફરવા ગયો અને ત્યાં તેને કેવા કડવા અનુભવો થયા તેનું બયાન કરતો એક લેખ ‘ગુજરાત ગાર્ડિયન’ની ટ્રાવેલ પૂર્તિ (13મી જૂનનો અંક) માટે લખ્યો. આ લેખ વાંચીને સ્વાભાવિક રીતે જ અનેક લોકો ચોંકી ગયા. અમને બંનેને આ વાત વધુને વધુ લોકો સુધી પહોંચે એ જરૂરી લાગી અને એટલે આ બ્લોગ પર પણ હું એ લેખ મૂકી રહ્યો છું.

વાંચો શ્રેયસ પંડિતના કાશ્મીર પ્રવાસના રસપ્રદ અહેવાલનો ભાગ-1 

ધરતી પરનું સ્વર્ગ એટલે કે કાશ્મીર. પ્રાચીન કાળના ઋષિઓથી માંડીને આધુનિક સમયના અનેક સાહિત્યકારોને ઉત્તમ વિચારો માટેની પવિત્ર ઊર્જા પૂરી પાડનારી સ્વપ્નભૂમિ એટલે કાશ્મીર. કાશ્મીર અંગે સાંભળેલી અને વાંચેલી આવી અનેક કથાઓના મીઠા સંસ્મરણને યાદ કરીને અમે મે મહિનાના ત્રીજા અને ચોથા સપ્તાહ દરમિયાન સપરિવાર કાશ્મીરને માણવા અને જાણવાનો કાર્યક્રમ બનાવ્યો. ટ્રેનમાં જમ્મુ પહોંચ્યા બાદ અમે સીધા પટનીટોપ ગયા અને અહીં રાતવાસો કર્યો. હરિયાળા પર્વતોની વચ્ચે વસેલું પટનીટોપ વહેલી સવારે જાણે કે વાદળો સાથે વાતો કરવામાં ગુલતાન હતું. પટનીટોપની ખુશનુમા આબોહવા અમને અહીં રોકાવા માટે લલચાવી રહી હતી, પરંતુ અમારે ખૂબ ઝડપથી સોનમર્ગ અને ગુલમર્ગ જવું હતું એટલે પટનીટોપમાં વધારે રોકાયા નહીં.

પટનીટોપથી સીધા શ્રીનગર પહોંચ્યા. શ્રીનગરથી વહેલી સવારે નીકળીને અમે સોનમર્ગ ગયા. બરફના ગોળા બનાવીને તોફાન-મસ્તી કરવા માગતા કે સ્કીઈંગ, ઘોડેસવારી કરવા માગતા લોકો માટે સોનમર્ગ એક આદર્શ સ્થળ છે. ફિલ્મોમાં જોયેલા દૃશ્યો અને કાશ્મીરીઓના આતિથ્યભાવના ઊંચા ખ્યાલને મનમાં રાખીને અમે સોનમર્ગ પહોંચ્યા અને કાશ્મીરીઓની મહેમાનનવાઝીની વાતો સાંભળીને કરેલી કલ્પનાઓ પત્તાના મહેલની જેમ કડડભૂસ તૂટી પડે એના દુઃખદ અનુભવોની શરૂઆત થઈ. સોનમર્ગમાં બરફની વચ્ચે જતાં પહેલાં ઠંડીથી બચવા માટેના ખાસ પ્રકારના કોટ અને બૂટ ભાડેથી લેવા પડે છે. એક જગ્યાએ અમે કોટ અને બૂટ ભાડે લેવા ઊભા રહ્યા. દુકાનદારે ચાર વ્યક્તિ માટેના સૂટનું ભાડું રૂ. 600 નક્કી કર્યું અને કપડાં પહેરાવી દીધા. અમે જેવા કપડાં પહેર્યા કે તરત જ તેણે રૂ. 600ના બદલે રૂ. 800 ભાડું માગ્યું. અમે તેને પૂછ્યું કે આવું કેમ? રૂ. 600 નક્કી કર્યા પછી તમારી જબાન ફરી કેમ ગઈ? દુકાનદાર કહે, “અહીં તો આ જ ભાવ ચાલે છે અને હવે તમે કપડાં પહેરી લીધા એટલે પૈસા તો આપવા જ પડશે.” અમારી કારના ડ્રાઈવર સાથે જ હતા, પરંતુ સ્થાનિકોની સામે બોલવાની હિંમત નહીં હોવાનું જણાવીને તેણે હાથ ઊંચા કરી દીધા. આસપાસમાં ટુરિસ્ટ પોલીસ કે લશ્કરના જવાનો પણ હતા નહીં એટલે દુકાનદારની વાત માન્યા સિવાય છુટકો ન હતો. કાશ્મીર સરકારે સહેલાણીઓની સલામતી માટે ટુરિસ્ટ પોલીસ નામનો અલાયદો વિભાગ બનાવ્યો છે, પરંતુ આ વિભાગના કર્મચારીઓ હકીકતમાં શું કરે છે તેનો જવાબ અમને બાદમાં મળી ગયો.

શ્રેયસ પંડિત પત્ની અને તેના પુત્ર સાથે

કપડાંવાળાની મનમાનીને તાબે થયા બાદ અમે સોનમર્ગ પહોંચ્યા. સોનમર્ગમાં કાર પાર્ક થતાની સાથે જ એક ઘોડાવાળો અમારી પાસે આવ્યો અને એક વ્યક્તિના રૂ. ૩૫૦૦ લેખે ઘોડેસવારી કરવા જણાવ્યું. જોકે અમારી ઈચ્છા પગપાળા જવાની હોવાથી અમે ઘોડા પર બેસવાની ના પાડી. ઘોડા ભાડે લેવાની ના પાડતા જ ઘોડામાલિકે કહ્યું કે, તમે અહીંયા પૈસા ખર્ચવા આવ્યા છો અને તમારે અમારા માટે જ પૈસા ખર્ચવાના છે, તો ના કેમ કહો છો? તમારે જો ઘોડા પર ના બેસવું હોય તો અહીંથી જતા રહો. પૈસા ખર્ચવા તૈયાર ના હોય એવા લોકોની અહીં કોઈ જરૂર નથી. અમે ફરી એકવાર અમારા ડ્રાઈવર અને ટુર કેપ્ટન દર્શનભાઈને બોલાવ્યા. અહીં પણ દર્શનભાઈ કશું ન કરી શક્યા. આ દરમિયાન પાંચ-છ ઘોડાવાળા અમને ઘેરી વળ્યા અને રીતસરના ધમકાવતા હોય તેવી ભાષામાં વાત કરવા લાગ્યા. આ સમયે અમે આસપાસ ટુરિસ્ટ પોલીસને શોધવા ફાંફા માર્યા પણ કોઈ દેખાયું નહીં. ઘોડાવાળાઓની આક્રમકતા વધતી જોઈને અમને અમારી સલામતીની ચિંતા થઈ અને ચૂપચાપ ઘોડા પર બેસી ગયા. ઘોડા પર બેઠા બાદ અમે રસ્તામાં જોયું કે છેક સુધી પાકો રસ્તો બનેલો હતો અને ગાડી લઈને ત્યાં સુધી જઈ શકાયું હોત. આ અંગે અમે અમારા કેપ્ટનને પૂછ્યું કે તેઓ શા માટે અમને લઈ ગયા ન હતા? તો તેમણે જણાવ્યું કે, કોઈ પણ ટેક્સી કે બસવાળો ત્યાં સુધી લઈ જશે નહીં. ભૂલેચૂકે કોઈ ત્યાં જાય તો ઘોડાવાળા તેમના પર હુમલો કરી દે છે. કેપ્ટનની આ વાત સાંભળીને અમને ઘણી નવાઈ લાગી અને થયું કે, ભલા પોલીસ આટલી બધી નઠારી હોઈ શકે! જો કે તેમની વાત કેટલી સાચી હતી તે અમને બીજા દિવસે ગુલમર્ગમાં જાણવા મળી ગયું.

ગુલમર્ગ પહોંચતાની સાથે જ ગાઈડ હોવાનો દાવો કરતો એક દાઢીધારી યુવાન અમારી ગાડી સાથે લટકી ગયો અને તેણે અમને પૂછ્યું કે, તમારે ગાઈડ જોઈએ છે? અમે ના પાડી તો કહે કે, “તમારી મરજી, પણ હું તો તમારી સલામતી માટે કહેતો હતો.” ગાઈડની વાતને અવગણીને અમે આગળ વધ્યા. ગુલમર્ગમાં રાજેશ ખન્નાના પ્રખ્યાત ગીત ‘જય જય શિવ શંકર, કાંટા લગે ના કંકર’ નું શુટિંગ જે મંદિર પર થયું હતું ત્યાં દર્શન કરીને અમે રોપ-વેનો આનંદ માણવા ગંડોલા પહોંચ્યા. અહીં રોપ-વેની ટિકિટ માટે બે લાંબી લાઈન હતી. એક પ્રવાસીઓની અને બીજી ગાઈડની. નિયમ મુજબ બંને લાઈનમાંથી એક-એક વ્યક્તિનો વારો આવવો જોઈએ. જોકે ગાઈડ અને ટિકિટ આપનારા સ્ટાફ વચ્ચે સાંઠગાંઠ હોવાના કારણે માત્ર ગાઈડને જ ટિકિટ અપાતી હતી. એક-એક ગાઈડ ૨૦-૨૫ ટિકિટ લઈ જતો હતો અને રૂ. ૪૦૦માં લીધેલી એક-એક ટિકિટ બાજુમાં જ ઊભેલા પ્રવાસીને રૂ. ૬૦૦માં વેચી દેતો હતો. સમય બચાવવા માટે પ્રવાસીઓ પણ ટિકિટોના કાળાબજારને પ્રોત્સાહન આપતા હતા. આ સમગ્ર ઘટના બનતી હતી ત્યારે ટુરિસ્ટ પોલીસનો એક જવાન થોડે દૂર ઊભો હતો, પણ તે ગંડોલાની ટિકિટબારી બાજુ નજર રાખવાના બદલે પીઠ બતાવીને ઊભો હતો અને મસ્તીથી સિગારેટના કશ ખેંચતો હતો.

પોલીસ, ગાઈડ અને સ્ટાફની આ મિલિભગતથી કંટાળેલા એક પ્રવાસીએ જ્યારે ક્રમ મુજબ પોતાનો વારો હોવાનો દાવો કર્યો ત્યારે ગાઈડો ઉશ્કેરાઈ ગયા અને અમારા આશ્ચર્ય વચ્ચે તેમણે એ પ્રવાસીને પીટવાનું શરૂ કર્યું. પ્રવાસીને માર મારવાની શરૂઆત કરતાં પહેલા ગાઈડે ખૂબ જ મોટો ઘાંટો પાડીને તમામ પ્રવાસીઓ સમક્ષ એલાન કર્યું કે, “યહ હમારી ઝમીન હૈ ઔર યહાં પે હમારા કાનૂન ચલતા હૈ.” જોકે નસીબજોગે અન્ય પ્રવાસીએ આ ઘટનાને સાક્ષીભાવે જોવાના બદલે વળતો પ્રતિકાર કર્યો. પોતાના માનીતા ગાઈડને માર પડતો જોઈને ટુરિસ્ટ પોલીસનો કર્મચારી દોડતો-દોડતો આવ્યો અને તેણે પણ પ્રવાસીઓને ધમકાવ્યા. ગુલમર્ગના ઘોડાવાળા અને પોલીસની સાંઠગાંઠ ખૂબ કુખ્યાત છે એવું અમને બાદમાં જાણવા મળ્યું. અમે પહેલગામમાં જે હોટલમાં રોકાયા હતા તે હોટલના માલિકે અમારો કિસ્સો સાંભળીને કહ્યું કે, “તમે પ્રવાસી હતા એટલે સસ્તામાં પતી ગયું, પણ જો કોઈ ડ્રાઈવર હોત તો મામલો બગડ્યો હોત!” બાદમાં તેણે અમને એક કિસ્સો કહ્યો. તેણે માર્ચ મહિનામાં પોતાના એક ડ્રાઈવરને ગુલમર્ગ મોકલ્યો હતો. ગુલમર્ગ પહોંચ્યા બાદ આ ડ્રાઈવરે પોતાના પ્રવાસીને સલાહ આપી કે, તમે પહેલા ગંડોલામાં રોપ-વેમાં બેસી આવો અને પછી ઈચ્છા હોય તો ઘોડેસવારી કરજો. એક ઘોડાવાળાએ આ સંવાદ સાંભળી લીધો અને પછી તો અનેક ઘોડાવાળાઓએ ભેગા થઈને તે ડ્રાઈવરને ઢોર માર માર્યો. ગુલમર્ગમાં જાહેરમાં આ ઘટના બની હોવા છતાં ઘોડાવાળાઓને રોકનારું કોઈ ન હતું. સરકારે કોઈ કારણોસર લશ્કરને ખસેડી લીધું હતું અને પોલીસ વાહનચાલકો પાસેથી દંડ ઉઘરાવવાનો હોય ત્યારે જ નજરે પડતી હતી.

સોનમર્ગની ધમકીભરી ભાષા અને ગુલમર્ગની મારામારીને જોયા બાદ અમે રીતસરના ગભરાઈ ગયા હતા, પણ પછી એવું વિચાર્યું કે હવે આપણે બે રાત શ્રીનગરમાં રોકાવાનું છે અને શ્રીનગર એ રાજ્યનું પાટનગર હોવાથી અહીંની પરિસ્થિતિ ચોક્કસ જુદી જ હશે! આમ પણ કાશ્મીરના પ્રવાસન પ્રધાને જ્યારે આપણને, ગુજરાતીઓને ભાવભર્યું આમંત્રણ આપ્યું છે અને સલામતીની ખાતરી આપી છે એટલે અહીં તો ચિંતા કરવા જેવું કશું હશે જ નહીં. જોકે, શ્રીનગરમાં ફરતી વખતે અમને જાણવા મળ્યું કે કાશ્મીરના સ્થાનિક લોકો આપણા જેવા પ્રવાસીઓને ‘હિન્દુસ્તાની’ કહે છે અને પોતાની ઓળખ ‘કાશ્મીરી’ તરીકેની આપે છે. શ્રીનગરના બહુચર્ચિત લાલ ચોક, દાલ સરોવર અને મુઘલ ગાર્ડનની મુલાકાત વખતે અમારા અનુભવ કેવા રહ્યા તે અંગેની વાત આવતા અંકમાં...

નોંધઃ કાશ્મીર અહેવાલના ભાગ-2 વાંચવા અહીં ક્લિક કરો.