Showing posts with label આરોગ્ય. Show all posts
Showing posts with label આરોગ્ય. Show all posts

21 November, 2017

અખાડા અને ક્રોસફિટ: ફિટનેસનું ક્રોસ કનેક્શન


તમે અનેકવાર 'તારક મહેતાના ઉલટા ચશ્મા'ના આત્મારામ તુકારામ ભીડેની અદામાં સાંભળ્યું હશે કે, 'અમારા જમાનામાં તો લોકો જિમમાં નહીં, અખાડામાં જતા હતા અને દેશી કસરત કરતા હતા.'' આવું બોલનારા મોટા ભાગના લોકોનો ગર્ભિત ઈશારો એવો હોય છે કે, જિમ કરતા અખાડા સારા. અખાડામાં બનાવેલી બોડી સારી અને અખાડિયન વધુ શક્તિશાળી હોય વગેરે. આ પ્રકારના લોકો બીજી પણ એક બચકાના દલીલ કરતા હોય છે કે, આઝાદીકાળ વખતે અખાડા પ્રવૃત્તિએ યુવાનોને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવવાનું કામ કર્યું હતું. હા કર્યું હતું, તો શું? હવે અખાડા છે જ નહીં. તો યંગસ્ટર્સ કસરત કરવા જાય ક્યાં? અખાડા શારીરિક અને માનસિક ઘડતર માટેના ઉત્તમ સ્થળ હતા તો ભૂલાઈ કેમ ગયા? એક જ વાક્યમાં જવાબ આપવો હોય તો કહી શકાય કે, આપણી સંકુચિત માનસિકતા, વૈજ્ઞાનિક અભિગમનો અભાવ અને આઉટ ઓફ બોક્સ વિચારવાની અસમર્થતાના કારણે અખાડા સમય સાથે કદમ મિલાવી ના શક્યા અને ભૂલાઈ ગયા.

આજે અખાડાની વાત કરવાનું કારણ છે, ક્રોસફિટ. ક્રોસફિટ એક ફિટનેસ રેજિમન એટલે કે પ્રિસ્ક્રાઈબ્ડ એક્સરસાઈઝ અને ડાયેટ છે, પરંતુ ક્રોસફિટ એક્સરસાઇઝ ફોલો કરતા લોકો ચર્ચમાં જતા હોય એવી ઊંડી શ્રદ્ધા, એકાગ્રતા અને શાંત ચિત્તે ક્રોસફિટ જિમમાં જાય છે. એટલે જ એવું કહેવાય છે કે, ક્રોસફિટ એ અમેરિકાનો બીજો ધર્મ છે અને તેમનો 'પોપ' ગ્રેગ ગ્લાસમેન છે. પોપ જેવું કલ્ટ સ્ટેટસ મેળવનારા ગ્રેગ ગ્લાસમેન કોઈ સાધુ નથી. તેઓ પહેલાં જિમ્નાસ્ટ હતા અને હવે અમેરિકા, યુરોપની ફિટનેસ ઈન્ડસ્ટ્રીની હસ્તી ગણાય છે. તેમના દિમાગમાં ૧૯૯૬થી ફિઝિકલ એક્સરસાઈઝની સાયન્ટિફિક તાલીમ આપે એવું જિમ શરૂ કરવાના વિચારો ઘુમતા હતા. છેવટે ૨૦૦૦ની સાલમાં તેણે પત્ની (પૂર્વ) લોરેન જેનાઇ સાથે મળીને 'ક્રોસફિટ' નામની એક કંપનીની સ્થાપના કરી અને એ જ નામનો ટ્રેડમાર્ક રજિસ્ટર કરાવ્યો. ગ્લાસમેને કેલિફોર્નિયાના સાન્તા ક્રૂઝમાં પહેલું જિમ શરૂ કર્યું અને થોડા સમયમાં જ વૉશિંગ્ટનના સિએટલમાં પહેલું ક્રોસફિટ એફિલિયેટ જિમ પણ ખૂલી ગયું. એ પછી ૨૦૦૫ સુધી અમેરિકામાં માંડ ૧૩ ક્રોસફિટ જિમ ખૂલ્યા.


ગ્રેસ ગ્લાસમેન

અને અત્યારે? અત્યારે દુનિયાના ૧૨૦ દેશમાં ૧૩ હજારથી વધુ ક્રોસફિટ જિમ છે. અમેરિકામાં પહેલું સ્ટારબક્સ  કાફે ૧૯૭૧માં ખૂલ્યું હતું અને હાલ તેની સંખ્યા ૧૨,૫૦૦ છે. આ આંકડા પરથી સમજી શકાય છે કે, ક્રોસફિટનો વિકાસ કેટલો ઝડપથી થઈ રહ્યો છે! ભારતમાં પણ મુંબઈ, દિલ્હી, નોઇડા, ગુરગાંવ, ચંદીગઢ, બેંગલુરુ અને પૂણે સહિતના શહેરોમાં કુલ ૧૫ ક્રોસફિટ જિમ છે. ક્રોસફિટ જિમમાં ટીપિકલ જિમ જેવી કસરત નથી કરાવાતી, પરંતુ સ્ટેમિના વધે એવી હાઇ ઇન્ટેન્સિટી ઇન્ટવરલ ટ્રેઇનિંગ અપાય છે. ક્રોસફિટમાં રનિંગ, એરોબિક્સ, પુશ અપ્સ, પુલ અપ્સ, ચિન અપ્સ, રોપ ક્લાઇમ્બિંગ, સ્કીપિંગ (દોરડા કૂદવા), જમ્પિંગ અને સ્ક્વૉટ જેવી સેલ્ફ બોડી વેઇટ (કેલિસ્થેનિક્સ) એક્સરસાઈઝ મુખ્ય છે.

રસપ્રદ વાત એ છે કે, આ બધી એક્સરસાઈઝ બિલકુલ અખાડામાં કરાવાતી કસરતો જેવી જ છે. અખાડામાં પણ ખાડો ખોદવો અને પૂરવો, દોડવું, દંડ મારવા (પુશ અપ્સ), પુલ અપ્સ, દોરડા કૂદવા, સ્ક્વૉટ (ઉઠકબેઠક) અને ફ્રોગ જમ્પ (જાંઘ અને પેટના સ્નાયુઓ માટે) જેવી કસરત મુખ્ય છે. ક્રોસફિટ જિમમાં મોડર્ન જિમ જેવા ઇક્વિપમેન્ટ પણ નથી હોતા. તેઓ  કસરત કરવા ફક્ત ડમ્બેલ્સ, બાર બેલ (વેઇટ લિફ્ટિંગ માટેનું સાધન), કેટલ બેલ્સ (નાનકડા પર્સ જેવા આકારનું સાધન), વજનદાર ટાયર, સ્ટોન બૉલ (પથ્થરના ગોળા) અને યોગા બોલ પર આધાર રાખે છે. એવી જ રીતે, અખાડામાં પણ મગદળ, લાકડાના બ્લોક, મહાકાય ટાયર અને દોરડાની મદદથી જ જુદી જુદી કસરત કરાય છે. પ્રાચીન અખાડામાં ટાયરો ન હતા, પરંતુ આજકાલ અખાડામાં ટાયરની જેમ બીજા પણ કેટલાક મોડર્ન ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરાય છે.





ક્રોસફિટર્સ બાર બેલની વજનદાર પ્લેટને દોરડાથી બાંધીને કમરે ભરાવે છે અને જિમમાં રાઉન્ડ મારે છે. આ કસરત તેઓ પગના સ્નાયુઓની તાકાત વધારવા, કાફ મસલ્સ મજૂબત કરવા કરે છે. અખાડામાં આ જ કસરત જુદા સાધનોથી કરાય છે. અખાડિયનો લાકડાના વજનદાર બ્લોકને દોરડાથી બાંધે છે, દોરડું કમરમાં કે છાતી પર રાખે છે અને માટીથી ભરેલા અખાડામાં ચક્કરો મારે છે. આજકાલ પંજાબ-હરિયાણાના કેટલાક અખાડામાં આ કસરત માટે ટાયરોનો પણ ઉપયોગ થાય છે. ક્રોસફિટ જિમમાં આવી અનેક કસરત વારાફરથી કરાવાય છે. આ બધી જ કસરત પૂરી થાય ત્યારે ‘સર્કિટ’ પૂરી થઈ એમ કહેવાય. મોર્ડન ફિટનેસ રેજિમનની ભાષામાં તેને 'હાઇ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેઇનિંગ' કહેવાય. અખાડામાં પણ સ્ટેમિના વધારવા બિલકુલ આવી જ રીતે ઉપરાછાપરી બધી કસરત કરાવાય છે.

આ પ્રકારની હાઇ સ્ટેમિના તાલીમમાં બર્પીઝ નામની કસરત અચૂક કરાવાય છે. બર્પીઝ એટલે દંડ મારીને તરત જ ઊભા થઈને કૂદકો મારવાનો અને કૂદકો માર્યા પછી નીચે જઈને ફરી દંડ મારવાનો. આવી જ કસરત અખાડામાં પણ કરાય છે, જેને ઊભા દંડ કહેવાય છે. અખાડિયન દંડ મારીને ઊભો થઈ જાય છે અને ફરી પાછો નીચે જઈને દંડ મારે છે. બર્પીઝમાં કૂદકો મારવામાં આવે છે, જ્યારે ઊભા દંડમાં કૂદકો નથી મારવામાં આવતો. આ કસરતમાં જબરદસ્ત કેલરી ખર્ચાય છે. પેટના મસલ્સ મજબૂત કરવા, સ્ટેમિના વધારવા અને ઈવન સિક્સ પેક બનાવવામાં પણ આ કસરત અસરકારક છે. બર્પીઝ દેખાવમાં જેટલી સરળ છે એટલી જ અઘરી છે. અખાડા અને ક્રોસફિટમાં બીજી પણ કેટલીક સામ્યતાઓ છે. અખાડિયન માટે અખાડો મંદિરથી કમ નથી. અખાડિયનો અખાડામાં જ હનુમાનજીની ભક્તિ કરે છે અને અખાડો શરૂ કરતા પહેલાં દીવા-અગરબત્તી પણ કરે છે. એવી જ રીતે, ક્રોસફિટર્સ માટે તેમનું જિમ ચર્ચ છે.




ક્રોસફિટમાં પણ અખાડા જેવી ગુરુશિષ્ય પરંપરા અસ્તિત્વમાં આવી રહી છે. અમેરિકા અને યુરોપના ક્રોસફિટ જિમમાં તાલીમ આપતા કોચને ‘ગુરુજી’ જેવો માન-મરતબો મળે છે. આ બધા કોચને ગ્રેસ ગ્લાસમેનની સાયન્ટિફિક એક્સરસાઇઝ અને ડાયેટનો ફેલાવો કરીને લોકોને હેલ્થી લાઇફસ્ટાઇલ આપવાની ફિલોસોફીમાં વિશ્વાસ છે. ગ્લાસમેનનો જન્મ ૨૨મી જુલાઈ, ૧૯૫૮ના રોજ થયો હતો. તેઓ અત્યારે ૬૧ વર્ષની આસપાસની ઉંમરના વૃદ્ધ છે, તેમની પાસે હોલિવૂડ સ્ટાર જેવું કરિશ્માઇ વ્યક્તિત્વ નથી અને સિક્સ પેક બોડી પણ નથી અને છતાં ક્રોસફિટ ફોલો કરતા કોલેજિયનો તેમના ઓટોગ્રાફ લે છે. વળી, ગ્લાસમેન કોલેજ ડ્રોપ આઉટ છે, નાસ્તિક છે અને બિલિયોનેર બિઝનેસમેન પણ નથી, પરંતુ  ક્રોસફિટની સફળતા પછી તેઓ હાવર્ડ બિઝનેસ સ્કૂલ અને હાવર્ડ રિલિજિયન સ્કૂલમાં ભાષણો આપી ચૂક્યા છે. આ રમૂજ ગણાય કે વિધિની વક્રતા?

હાવર્ડ બિઝનેસ સ્કૂલે વિદ્યાર્થીઓને કંઈક શીખવવા માટે ગ્લાસમેનને ભાષણ કરવાનું આમંત્રણ આપ્યું હતું. બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને ક્રોસફિટનું બિઝનેસ મોડેલ ઘણું રસપ્રદ લાગે છે કારણ કે, કોઈ પણ વ્યક્તિ ક્રોસફિટનું સર્ટિફિકેટ લઈને ક્રોસફિટ એફિલિયેડ જિમ શરૂ કરી શકે છે. એ માટે એફિલિયેટેડ જિમના માલિકે ક્રોસફિટ કંપનીને વર્ષે ફક્ત ત્રણ હજાર ડૉલર ચૂકવવાના હોય છે. ક્રોસફિટના બિઝનેસ મોડેલ પરથી એવું લાગે છે કે, ગ્રેસ ગ્લાસમેનને અત્યારે ફક્ત ક્રોસફિટનો વધુને વધુ ફેલાવો કરવામાં જ રસ છે. કદાચ ક્રોસફિટના ઝળહળતી સફળતા પાછળ આ સીધુ સાદું બિઝનેસ મોડેલ પણ ઘણું મહત્ત્વનું છે. ગ્લાસમેન જે કંઈ કમાય છે તેનો મોટા ભાગનો હિસ્સો ક્રોસફિટનો ફેલાવો કરવામાં ખર્ચી કાઢે છે. આ બધું સમજવા માટે જ તેમને હાવર્ડ બિઝનેસ સ્કૂલમાં આમંત્રણ અપાયું હતું. એવી જ રીતે, ક્રોસફિટને એક ધર્મની જેમ ફોલો કરાતું હોવાથી ગ્લાસમેનને ધર્મનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સમક્ષ ભાષણ આપવા બોલાવાયા હતા.




અમેરિકામાં એવું કહેવાય છે કે, ક્રોસફિટ 'બાઇકર ગેંગ દ્વારા ચલાવાતો સંપ્રદાય' છે કારણ કે, ક્રોસફિટ જિમની દુનિયા જ કંઈક ખાસ હોય છે. ત્યાં આવતા બધા જ લોકો પાસે જીવનમાં કંઈક લક્ષ્ય હોય છે, જે તેઓ મેડિટેશન જેટલી ગંભીરતાથી કસરત કરીને સિદ્ધ કરે છે. આ લક્ષ્ય પાર પાડવા કોચ (ગુરુ) અને બીજા લોકોની (અનુયાયીઓ) પણ મદદ મળે છે. વળી, ક્રોસફિટમાં જુદી જુદી સ્પોર્ટ્સના એથ્લેટની જેમ ગર્ભવતીઓ, ફિઝિકલી ચેલેન્જડ અને બાળકો માટે પણ સ્પેશિયલાઇઝ એક્સરસાઈઝ હોય છે. કોઈ ટીપિકલ જિમમાં ભાખોડિયા ભરતા બાળકો જોવા નહીં મળે, પરંતુ ક્રોસફિટમાં એ સામાન્ય બાબત છે. ત્યાં બધા જ લોકો બીજાને પણ પોતાના જેવું કરવાની પ્રેરણા આપે છે. એટલે ક્રોસફિટ જિમમાં એક પરિવાર જેવો માહોલ સર્જાય છે. ત્યાં બધા જ સરખા છે. કોઈ જ ભેદભાવ નથી. ક્રોસફિટ જિમમાં દરેક ચેમ્પિયન એથ્લેટ્સ નવાસવા યુવાનોને કે જુનિયર્સને પોતાના જેવા બનવામાં પૂરેપૂરી મદદ કરે છે. ધર્મ કે સંપ્રદાય એટલે એકસરખી શ્રદ્ધામાં વિશ્વાસ કરતા લોકોનું જૂથ કે નેટવર્ક. એટલે એવું પણ કહેવાય છે કે, ધર્મ-સંપ્રદાયો ક્યારેય મૃત્યુ નથી પામતા, ફક્ત પરિવર્તન પામે છે. ક્રોસફિટ આધુનિક ધર્મનું જ એક સ્વરૂપ છે. ટ્રેકિંગ, કેમ્પિંગ, સાયકલિંગ કે રીડિંગ, પોએટ્રી, થિયેટર જેવી એક્ટિવિટી કરતા હાર્ડકોર 

ક્રોસફિટના વિકાસ અને સફળતા પાછળ સોશિયલ મીડિયાએ પણ અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી છે. દુનિયાભરમાં ખૂલેલા ક્રોસફિટ જિમ ફ્રેન્ચાઇઝી નથી, પરંતુ સર્ટિફાઇડ ટ્રેઇનરોનું કન્ફેડરેશન (સંઘ) છે. તેઓ યુ ટ્યૂબ, ટ્વિટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ક્રોસફિટના ઓથેન્ટિક સોર્સ પરથી સતત ક્રોસફિટર્સ સાથે સંપર્કમાં રહે છે, નવું શીખે છે અને બીજાને શીખવાડે છે. કોઈ પણ વ્યક્તિ ક્રોસફિટની ઓનલાઈન ટ્રેઇનિંગ લઈને સર્ટિફાઇડ ક્રોસફિટ ટ્રેઇનર બની શકે છે. દુનિયામાં હાર્ડકોર ક્રોસફિટરની સંખ્યા માંડ ૪૦ લાખ છે, પરંતુ દુનિયાભરના ફિટનેસ ફ્રેક યુવાનો સોશિયલ મીડિયામાં સતત ક્રોસફિટના વીડિયો અને ઈમેજીસ અપલોડ કરતા હોવાથી પણ ક્રોસફિટને લાભ મળી રહ્યો છે. જેમ કે, અમદાવાદ, સુરત કે રાજકોટમાં ક્રોસફિટ જિમ નથી, પરંતુ ક્રોસફિટની વિવિધ કસરતોનું અનુકરણ કરનારા યુવાનો છે. આવા લોકો જિમમાં કે મ્યુનિસિપલ ગાર્ડનમાં ક્રોસફિટ જેવી કસરતો કરીને સંતોષ માને છે. 

ટૂંકમાં, ક્રોસફિટ જેવા જ વિકાસની સંભાવના અખાડામાં પણ છે. અખાડિયન માટે અખાડો ધર્મસ્થળ છે. અખાડિયન ખૂબ જ શ્રદ્ધાથી અખાડામાં આવે છે, સાફસફાઈ કરે છે, કુશ્તી માટે માટી પાથરીને રિંગ તૈયાર કરે છે, ગુરુ પાસે તાલીમ લે છે, જુનિયર્સને તૈયાર કરે છે અને મંદિરની જેમ દીવો-અગરબત્તી પણ કરે છે. એટલે જ આપણે અખાડાને સંપૂર્ણ સાયન્ટિફિક એપ્રોચ સાથે સજીવન કરવાની જરૂર છે. આ સાયન્ટિફિક એપ્રોચના અભાવના કારણે જ અખાડિયનની બોડીમાં ક્રોસફિટર જેવું ફિનિશિંગ કે સ્ટેમિના નથી હોતો. પંજાબ અને હરિયાણામાં એવા અનેક અખાડા છે જ, જ્યાં મેડિકલ સાયન્સ અને ટેક્નોલોજીનો સ્વીકાર કરીને ઓલિમ્પિક કક્ષાના રેસલર તૈયાર કરાઈ રહ્યા છે. ક્રોસફિટ જિમની જેમ અખાડામાં પણ પુરુષ-સ્ત્રી વચ્ચે કોઈ ભેદભાવ ના હોવા જોઈએ. દાયકાઓ સુધી અખાડામાં પુરુષોનું આધિપત્ય રહ્યું. અખાડો એટલે પુરુષો જ જઈ શકે એ જૂનવાણી અને સંકુચિત માન્યતા છે. થેંક્સ ટુ 'દંગલ' અને ‘સુલતાન’ ટીમ. જૂનું એટલું સારું એવું માનનારા લોકો ચોક્કસ કુંડાળામાંથી બહાર આવીને કશું વિચારતા નથી, પરિવર્તનો સ્વીકારતા નથી અને આવા લોકોના કારણે જ સમૃદ્ધ પરંપરાઓ પણ નેસ્તનાબૂદ થઈ જાય છે. અખાડા તેનું જ એક ઉદાહરણ છે.

આઝાદી પછી અનેક ક્ષેત્રોમાં આધુનિકતાનો વાયરો ફૂંકાયો. એ વાવાઝોડામાં આપણે અનેક બાબતોમાં પરંપરા સાથે આધુનિકતાનો સમન્વય કરીને આપણી સંસ્કૃતિ જીવંત રાખવામાં નિષ્ફળ રહ્યા. અખાડા સાથે પણ એવું જ થયું, પણ હવે આપણે ક્રોસફિટમાંથી બોધપાઠ લઈને દેશભરમાં અખાડા સજીવન કરી નવી શરૂઆત કરવી જોઈએ. 

13 July, 2017

અથ શ્રી ‘જાંબુ પુરાણ કથા’


એક સમયે સ્કૂલ રિસેસમાં ચાર-પાંચ દોસ્તારો ભેગા થઈને લારી કે ખૂમચાવાળા પાસેથી કાચી કેરી, આમળા, ચણી બોર, ફાલસા, રાયણ, કોઠું, શેતુર, ગોરસ આંબલી, કાકડી, ટામેટાં, તરબૂચના બિયાં, ટેટીના બિયાં, જાંબુ, શીંગ-ચણા, દાળિયા, વટાણા કે કચુકા જેવી જાતભાતની ચીજોનો મિસમેચ બ્રેકફાસ્ટ ઓર્ડર કરીને મેગા પાર્ટી કરતા હોય એવા દૃશ્યો સામાન્ય હતા. આ બધામાં જાંબુ સિઝનલ ફ્રૂટ હોવાથી રથયાત્રા આવે એના થોડા દિવસ પહેલાં લારીઓમાં દેખાવાના શરૂ થતાં. ખૂમચાવાળો માંડ બે-ત્રણ રૂપિયામાં ચાટ મસાલો કે મીઠું ભભરાવેલા જાંબુ કાગળના પડીકામાં ભરી આપતો. જાણે જાંબુ ચાટ. જાંબુનો સ્વાદ થોડો એસિડિક કહી શકાય એવો ખાટ્ટોમીઠો અને ઉપરથી થોડી ખારાશ-ખટાશ-તીખાશ ધરાવતો મસાલો. બસ અને ટ્રેનની મુસાફરીમાં પણ આવો જ જાંબુ ચાટ ઝાપટવાની જયાફતો ઉડાવાતી. જાંબુ ચાટની મજા માણ્યા પછી સ્કૂલમાં હોઈએ તો એકબીજાને જાંબુડિયા રંગની જીભ બતાવાની અને શેરીમાં રમતા હોઈએ તો આસપાસ પાર્ક કરેલા વાહનોના કાચમાં જઈને જીભ જોવાની. આવું કરીશું તો કોણ શું કહેશે અને કેવું લાગશે એવી બધી બાળસહજ બેપરવાઇમાંથી ખુશીઓના ફુવારા ફૂટતા.

આ તો પૈસા ખર્ચીને ખાવાની વાત થઈ પણ ઝાડ પરથી જાંબુ પાડીને ખાવામાં પણ ઓનલાઈન શૉપિંગ કર્યા પછી પાંચ આંકડાનું વાઉચર ફ્રીમાં મળ્યું હોય એનાથીયે વધારે આનંદ આવતો. આજેય જૂના અમદાવાદના કેટલાક વિસ્તારોમાં મોગલ અને અંગ્રેજકાળના સ્થાપત્યોની આસપાસ જાંબુના વૃક્ષો અડીખમ ઊભા છે. અંગ્રેજ કાળમાં કોઈ મહત્ત્વના સ્થળ સુધી પહોંચવાના રસ્તે વૃક્ષો ઊગાડાતા. વૃક્ષ જ જે તે સ્થળ સુધી પહોંચવાનું સરનામું. નવી દિલ્હીના હાઈલી સિક્યોર્ડ લ્યુટયેન્સ બંગલૉઝ એરિયામાં પીપળો, લીમડો, અંજીર અને અર્જુનની સાથે જાંબુના વૃક્ષો પણ હજુયે જોવા મળી રહ્યા છે. બ્રિટીશ ભારતમાં જે તે વિસ્તારમાં સુંદરતા અને ઠંડક વધારવા તેમજ પાણીનો પ્રશ્ન વિચારીને વૃક્ષો ઊગાડાયા હતા. દિલ્હી રાજપથની આસપાસનો વિસ્તાર હજુયે જાંબુના મહાકાય વૃક્ષોથી બનેલી લીલીછમ છત્રીઓથી ઘેરાયેલો છે. અંગ્રેજકાળમાં જાંબુના વૃક્ષની પસંદગી કદાચ એટલે કરાઈ હતી કે, જાંબુડો બારેમાસ પાંદડાથી ભર્યોભર્યો રહે છે. બીજા વૃક્ષોની જેમ જાંબુનું ઝાડ પાનખરમાં બોડું નથી થઈ જતું. જો જાંબુના બદલે ઠંડા અને ભેજવાળા વિસ્તારના વિદેશી વૃક્ષો ઊગાડવામાં આવે તો ખાતર-પાણી વધારે જોઈએ, પરંતુ જાંબુનું તો વતન જ ભારતીય ઉપખંડ છે. અહીં જ તેનો જન્મ થયો હતો. ઉત્ક્રાંતિકાળમાં જ જાંબુડાને ઓછી જરૂરિયાતોથી ભરપૂર જીવન જીવવાની કુદરતી બક્ષિસ મળેલી છે.

જાંબુ ફલિન્દા 

વૈજ્ઞાનિક ભાષામાં સાયઝિજિયમ ક્યુમિની નામે ઓળખાતા જાંબુ ફ્લાવરિંગ પ્લાન્ટ કેટેગરીમાં આવતી મિર્ટેસિયા જાતિના ફળ છે. જામફળ, વિદેશી મરી અને લવિંગ પણ આ જ જાતિ સાથે સંકળાયેલા છોડ છે. ભારતની દરેક મુખ્ય ભાષામાં જાંબુનું નામ છે. જેમ કે, સંસ્કૃતમાં 'જાંબુ ફલિન્દા' જેવું શાસ્ત્રીય નામ અપાયું છે, તો હિન્દીમાં ‘જામુન’, મરાઠીમાં ‘જાંભુલ’, બંગાળીમાં ‘જામ’, તમિલમાં ‘નગા પઝમ’, મલયાલમમાં ‘નવલ પઝમ’, તેલુગુમાં ‘નેરેન્ડુપન્ડુ’ અને કન્નડમાં ‘નિરાલે હન્નુ’ નામે જાંબુ ઓળખાય છે. એક સમયે પશ્ચિમી દેશોના લોકો જાંબુને બ્લેકબેરી હતા, પરંતુ અદ્દલ જાંબુ જેવી લાગતી બ્લેકબેરી રોઝેસિયા જાતિનું ફળ છે. બ્લેકબેરી વૃક્ષો પર દ્રાક્ષ જેવા ઝુમખામાં ઊગે છે, જ્યારે જાંબુ ઝુમખામાં નથી થતાં. આ તફાવત ખબર પડ્યા પછી પશ્ચિમી દેશોએ જાંબુને ઈન્ડિયન બ્લેકબેરી, મલબાર પ્લમ કે જાવા પ્લમ જેવા નામ આપ્યા છે. યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ એગ્રિકલ્ચરે છેક ૧૯૧૧માં ફ્લોરિડામાં પહેલીવાર જાંબુની ખેતી શરૂ કરાવી હતી. અમેરિકામાં વાયા બ્રાઝિલ જાંબુ ગયા હતા, જ્યારે બ્રાઝિલમાં પોર્ટુગીઝો થકી ભારતીય જાંબુ પહોંચ્યા હતા. એ પછી તો આ પ્રદેશના પક્ષીઓ થકી જાંબુના બીજ ખૂબ મોટા વિસ્તારમાં ફેલાઈ ગયા અને થોડા દાયકામાં તો લેટિન અમેરિકાના ગુયાના, સુરિનામ, ટ્રિનિદાદ અને ટોબેગો જેવા દેશોમાં પણ જાંબુના વૃક્ષો દેખાવા લાગ્યા.

આ ઐતિહાસિક તથ્યો જ સાબિત કરે છે કે, જાંબુ ભારતીય ઉપખંડનું એક્સક્લુસિવ ફળ છે. ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં જાંબુને ઘણું મહત્ત્વ અપાયું હોવાની પણ સાબિતીઓ છે. મરાઠી-કોંકણી સંસ્કૃતિમાં લગ્નનો માંડવો જાંબુના પાનથી સજાવાય છે. દક્ષિણ ભારતમાં તો જાંબુની ડાળખી કે છોડ રોપીને લગ્નવિધિ શરૂ કરાવાય છે. આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળ જેવા રાજ્યોના ખેડૂતો બળદગાડું, ખેતીના ઓજારો તેમજ ઘરના બારી-દરવાજા બનાવવા જાંબુના વૃક્ષનું લાકડું વાપરતા. હિંદુ ધર્મગ્રંથો અને પ્રાચીનતમ સંસ્કૃત પુસ્તકોમાં પણ જાંબુના ઉલ્લેખ છે. પુરાણોમાં પૃથ્વીલોકને સાત ખંડમાં વહેંચવામાં આવી છે. પ્લક્ષ દ્વીપ, શાલ્મલી દ્વીપ, કુશ દ્વીપ, ક્રોંચ દ્વીપ, શાક દ્વીપ, પુષ્કર દ્વીપ અને જંબુ દ્વીપ. આ જંબુદ્વીપ એટલે જાંબુના વૃક્ષોથી શોભતો પ્રદેશ. અહીં દ્વીપ શબ્દ 'ખંડ'ના અર્થમાં છે. જૈન અને બૌદ્ધ ધર્મમાં પણ જંબુદ્વીપની વાત કરાઈ છે. ઉત્તરપ્રદેશના હસ્તિનાપુરમાં આવેલું દિગમ્બર જૈનોનું તીર્થ આ 'પૌરાણિક જંબુદ્વીપ'ની તર્જ પર જ ડિઝાઈન કરાયું છે. વિષ્ણુપુરાણમાં તો જંબુદ્વીપમાંથી કેવી નદી વહે છે એનું રસિક વર્ણન કરતા કહેવાયું છે કે, મેરુ પર્વતની તળેટીના જાંબુના મહાકાય વૃક્ષો પર ઊગેલા હાથી આકારના જાંબુના ફળ પાકીને નીચે પડે છે. આ ફળો પર્વત પર ટકરાઈને નીચે પડે છે ત્યારે તેમાંથી રસ નીકળીને સુંદર નદીનું સર્જન થાય છે. અહીં રહેતા લોકો તેનું જ પાણી પીએ છે. આ જળનું પાન કરવાથી પરસેવો, દુર્ગંધ, વૃદ્ધત્વ અને ઈન્દ્રિયક્ષયમાંથી છુટકારો મળે છે. આ નદીને જાંબુ નદી કહે છે. જાંબુ નદીના કિનારાની માટી અને જાંબુનો રસ મિશ્રિત થાય પછી મંદ મંદ પવન ફૂંકાતા જંબુનદ નામની ધાતુ બને છે. અહીંના સિદ્ધપુરુષો આ જ માટીના આભૂષણો પહેરે છે...

જૈન ખગોળ પ્રમાણે જંબુદ્વીપની રચના

ઉત્તરપ્રદેશના હસ્તિનાપુરમાં ૨૫૦ ફૂટના વ્યાસમાં  ડિઝાઈન કરાયેલું
જંબુદ્વીપ અને ૧૦૧ ફૂટ ઊંચો સુમેરુ પર્વત

મહાભારતના અશ્વમેઘ પર્વના અધ્યાય ૪૩ના પહેલાં જ શ્લોકમાં બ્રહ્માજીના મુખે એક સંવાદમાં કહેવાયું છે કે, ''... વડલો, જાંબુ, પીપળો, સેમલ, સીસમ, મેષશૃંગ અને પોલો વાંસ- આ લોકના વૃક્ષોના રાજાઓ છે, એ વાતમાં કોઈ શંકા નથી...'' સેમલ એટલે ઈન્ડિયન કોટનવુડ અને મેષશૃંગ એટલે ગુડમારનો વેલો. 'ભાગવત્ પુરાણ'માં પણ ક્યાંક ક્યાંક જાંબુના ઉલ્લેખ મળે છે. જેમ કે, દસમા સ્કંધના વીસમા અધ્યાયમાં કહેવાયું છે કે, ''વર્ષાઋતુમાં વૃંદાવન આવી જ રીતે પાકેલા ખજૂર અને જાંબુથી શોભાયમાન રહેતું...'' તો દસમા સ્કંધના ૩૦મા અધ્યાયમાં બીજા અનેક વૃક્ષોની સાથે જાંબુને પણ યમુના કિનારે બિરાજમાન મહાકાય સુખી વૃક્ષ ગણાવાયું છે. મહાભારતમાં 'દશાર્ણ' નામના એક પ્રદેશનું વર્ણન છે. આ દશાર્ણ એટલે આજના ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ વચ્ચે વહેંચાયેલો બુંદેલખંડનો પ્રદેશ. આ પ્રદેશમાં કુલ દસ નદીઓ વહેતી એટલે તેનું નામ પડયું, દશાર્ણ. આ દશાર્ણ પ્રદેશનો 'મેઘદૂત'માં ઉલ્લેખ કરતા મહાકવિ કાલિદાસ કહે છે કે, ''...આ પ્રદેશમાં વરસાદ પછી જાંબુના લતામંડપો ફૂલેફાલે છે અને એટલે જ અહીં યાયાવર હંસો થોડા દિવસ રોકાઈ જાય છે...''

કૃષ્ણના શરીરનો રંગ જાંબુડિયો છે કારણ કે, કૃષ્ણ વિષ્ણુનો અવતાર છે અને વિષ્ણુનો સંબંધ પાણી સાથે છે અને પાણીનો રંગ જાંબુડિયો છે. કૃષ્ણ અને શિવનું શરીર ભૂરું, વાદળી, નીલવર્ણું કે જાંબુડિયા રંગનું હોવા પાછળ બીજું પણ એક કારણ અપાયું છે. પ્રકૃતિએ રચેલા આકાશ અને દરિયો જાંબુડિયા રંગના છે એટલે મૂર્તિકારો અને ચિત્રકારોએ પણ હિંદુ દેવતાઓનું શરીર નીલા રંગનું બનાવ્યું છે. નીલો રંગ આકાશ-દરિયા જેવી સ્થિરતા, ધૈર્ય, શીતળતા, સાહસ અને સમર્પણનું પ્રતિનિધિત્વ કરે છે. કૃષ્ણના પેલા વિખ્યાત ભજનમાં પણ એક પંક્તિ આવે છે, 'આંબુ લીંબુ ને જાંબુ બોલે, શ્રીકૃષ્ણ શરણં મમ:' ટૂંકમાં, જાંબુ એ ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલું અતિ પૌષ્ટિક ફળ છે અને એટલે જ રથયાત્રામાં પણ જાંબુનો પ્રસાદ આપવામાં આવે છે.

જાંબુનું આખેઆખું વૃક્ષ એટલે કે ફળ, ઠળિયા, ફૂલ, છાલ અને લાકડું બધું જ ઉપયોગી છે. જાંબુના ઠળિયાને સૂકવીને-શેકીને-દળીને બનાવેલું ચૂરણ ડાયાબિટીસમાં અકસીર છે કારણ કે, જાંબુના તત્ત્વો સ્ટાર્ચને ગ્લુકોઝમાં પરિવર્તિત થતાં રોકવાની ક્ષમતા ધરાવે છે. ડાયાબિટીસ મટાડવાનો દાવો કરતી હર્બલ ટીમાં પણ જાંબુના ઠળિયાનું ચૂરણ મિશ્રિત કર્યું હોય છે. જાંબુના એસિડિક તત્ત્વોમાં પથરી ઓગાળવાનો ગુણ પણ રહેલો છે. જાંબુનું ચૂરણ પાયોરિયા જેવા દાંતના રોગમાં ફાયદાકારક છે. કબજિયાત, મરડો, કૃમિ અને પથરી જેવા પાચનતંત્રને લગતા રોગોમાં પણ જાંબુ અને જાંબુના ઠળિયાનું ચૂરણ લાભદાયી છે. પેટ સારું રહે તો ત્વચા પણ સારી રહે. એ રીતે જાંબુનું સેવન કરવાથી સુંદર ત્વચા પણ મળે છે.

જાંબુડિયું શરબત

જાંબુમાં વિટામિન 'બી' કોમ્પ્લેક્સ અને 'સી' ભરપૂર પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત જાંબુ કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટાશિયમ અને સોડિયમ જેવા ખનીજ તત્ત્વોનો પણ ભંડાર છે. આ તમામ તત્ત્વો કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખે છે, જેથી હૃદયરોગ થતો અટકે છે અથવા કાબૂમાં રહે છે. જાંબુમાં કેટલાક એન્ટિ ઓક્સિડન્ટ્સ પણ હોય છે. સીધી સાદી ભાષામાં કહીએ તો એન્ટિ ઓક્સિડન્ટ્સ એટલે એવા તત્ત્વો કે જે શરીરમાં ઓક્સિજન સાથે ભળીને સડો કરતા તત્ત્વોને અટકાવે. આમ, ઓક્સિડાઇસેશનને અટકાવે એવા તત્ત્વો એટલે એન્ટિ ઓક્સિડન્ટ્સ. જેમ કે, વિટામિન સી પણ એન્ટિ ઓક્સિડન્ટ જ છે. જાંબુમાં પોલિફેનોલન્સ જેવા અનેક બાયોએક્ટિવ ફાયટોકેમિકલ્સ પણ હોય છે. પોલિફેનોલ્સ કેન્સરના કોષો સામે લડનારા કેમિકલ તરીકે જાણીતું છે. કદાચ એટલે જ કિમોથેરેપી લેતા દર્દીઓને જાંબુનો જ્યૂસ પીવાનું સૂચન કરાય છે.

આયુર્વેદમાં જ નહીં, ચીન અને યુનાની ઔષધશાસ્ત્રમાં પણ જાંબુથી થતાં ફાયદાનું વિસ્તૃત વર્ણન મળે છે. આયુર્વેદમાં તો જાંબુ ક્યારે અને કેવા સંજોગોમાં ના ખાવા જોઈએ એની પણ વિગતવાર વાત કરાઈ છે. જેમ કે, સાંધાના દુ:ખાવા, લકવો, વાઇ, આંચકી જેવા રોગોમાં તેમજ ગર્ભવતીઓને, ભૂખ્યા પેટે અને શરીરે સોજા રહેતા હોય એવા લોકોને જાંબુ ખાવાની આયુર્વેદમાં 'ના' છે.

ખેર, આ જાંબુ પુરાણ હવે અહીં જ અટકાવીએ.

10 July, 2017

ડાયાબિટીસ અમીરોનો નહીં, આમ આદમીનો રોગ


એક સમયે ડાયાબિટીસ ઉર્ફે મધુપ્રમેહ દુુનિયાભરમાં રાજરોગ તરીકે ઓળખાતો કારણ કે, આ રોગ સામાન્ય રીતે સુખસુવિધામાં રહેતા સંપન્ન લોકોને જ થતો. જોકે, ઔદ્યોગિક ક્રાંતિ પછી આરામની નોકરીઓ વધી, બેઠાડું જીવન જીવનારા લોકો વધ્યા, સમૃદ્ધિ વધી, લાઈફ ફાસ્ટ થઈ, ફાસ્ટ ફૂડ-કોકાકોલા યુગ શરૂ થયો, તણાવ વધ્યો અને મેંદો-ખાંડ આધારિત વાનગીઓએ સામાન્ય માણસના ડાયટ પર રીતસરનું આક્રમણ થયું. આ બધા જ પરિબળોના કારણે આજે આખી દુનિયા ડાયાબિટીસના અજગરી ભરડામાં આવી ગઈ છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે અત્યાર સુધીનું દેશનું સૌથી મોટું સર્વેક્ષણ કરીને સાબિત કર્યું છે કે, ભારતના શહેરો તો ઠીક, ગ્રામ્ય વિસ્તારોમાં પણ ડાયાબિટીસ ફક્ત અમીરોનો રોગ નથી રહ્યો, બલકે મધ્યમ વર્ગ અને ગરીબોમાં તેનું પ્રમાણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. આ સંસ્થાએ પહેલીવાર ઉત્તર પૂર્વીય રાજ્યોના ડાયાબિટીસના દર્દીઓના આંકડા પણ રજૂ કર્યા છે. ભારતની જેમ અમેરિકા, યુરોપિયન દેશો તેમજ તેલ સમૃદ્ધ ખાડી દેશોમાં પણ ડાયાબિટીસ અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આ દેશો તો ઘણી મજબૂત હેલ્થકેર સિસ્ટમ ધરાવે છે અને છતાં ડાયાબિટીસથી ગભરાય છે. કેમ? કારણ કે, કોઈ પણ દેશના આર્થિક અને સામાજિક માળખાને નુકસાન પહોંચાડવા ડાયાબિટીસ કાફી છે. એ વિશે વાત કરતા પહેલાં ડાયાબિટીસની આંકડાકીય વિગતો પર નજર કરીએ.



ટકાવારીની દૃષ્ટિએ એક લાખની વસતી સામે ડાયાબિટીસના સૌથી વધારે દર્દી ફિનલેન્ડ, સ્વિડન, સાઉદી અરેબિયા, નોર્વે અને યુકે જેવા અતિ સમૃદ્ધ દેશોમાં છે, પરંતુ સંખ્યાની રીતે ડાયાબિટીસના સૌથી વધારે દર્દીઓ ધરાવતા પહેલાં ત્રણ દેશ ચીન, ભારત અને અમેરિકા છે. વર્ષ ૧૯૮૦માં ચીનમાં ડાયાબિટીસના બે કરોડ, ૪૦ લાખ દર્દી હતા, જે ૨૦૧૪માં વધીને ૧૦ કરોડ, ૨૯ લાખે પહોંચી ગયા છે. ચીન પણ ભારતની જેમ વસતી વધારો અને બેફામ ઔદ્યોગિકીરણની મદદથી વિકાસના રાહ પર દોડવાની મજબૂરીથી પીડાઈ રહ્યું છે. ચીની ભોજન તો પરંપરાગત ઔષધીય જ્ઞાનના આધારે વિકસ્યું છે. ચીની વાનગીઓમાં ચરબી પણ પ્રમાણમાં ઓછી હોય છે. આમ છતાં, ઔદ્યોગિક ક્રાંતિની આડઅસરના કારણે ચીન ડાયાબિટીસના સૌથી વધારે દર્દી ધરાવતો દેશ બની ગયો છે. ભારતની સ્થિતિ પણ કંઈક આવી જ છે. વર્ષ ૧૯૮૦માં ભારતમાં ડાયાબિટીસના એક કરોડ, ૧૯ લાખ દર્દી હતા, જ્યારે હાલ છ કરોડ, ૪૫ લાખથી પણ વધુ ભારતીયો ડાયાબિટીસનો કાયમી ભોગ બની ગયા છે.

હવે આ આંકડા કેમ ગંભીર છે એ વિશે વાત કરીએ. ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના અહેવાલ પ્રમાણે, વિશ્વમાં દર છ સેકન્ડે એક માણસ ડાયાબિટીસ અથવા ડાયાબિટીસના કારણે થતાં રોગથી મૃત્યુ પામે છે. એક અંદાજ પ્રમાણે મધ્યમ આવક ધરાવતા પરિવારમાં એક વ્યક્તિ ડાયાબિટીસનો ભોગ બને તો આવકનો આશરે ૨૦થી ૨૫ ટકા હિસ્સો સારવાર પાછળ ખર્ચાઈ જાય છે. જો પરિવારમાં ડાયાબિટીસ ધરાવતું બાળક જન્મે તો ૩૫ ટકા જેટલી આવક તેની સારવાર પાછળ ખર્ચાઈ જાય છે. એક વ્યક્તિ ડાયાબિટીસની સળંગ પાંચ વર્ષ સારવાર કરાવે તો રૂ. દોઢેક લાખ અને સારવાર દસ વર્ષ ચાલે તો રૂ. ચારેક લાખનો ખર્ચ થઈ જાય છે. આ આંકડા દેશના શહેરી અને ગ્રામ્ય વિસ્તારની સરેરાશ પ્રમાણે નક્કી કરાયા છે, જે વિસ્તાર પ્રમાણે જુદા જુદા હોઈ શકે છે. કહેવાનો અર્થ એ છે કે, ડાયાબિટીસ જેવો રોગ પરિવારની કમર તોડી નાંખે છે. એકલા અમેરિકામાં જ ડાયાબિટીસની સારવાર પાછળ થતો કુલ ખર્ચ ૨૪૫ અબજ ડૉલર છે.

ડાયાબિટીસના કારણે કિડની ફેઇલ્યોર, હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક, હાયપર ટેન્શન અને આંખની દૃષ્ટિ નબળી થઈ જવાની સંભાવના પણ ઘણી વધી જાય છે. ડાયાબિટીસના દર્દીઓને બીજા રોગમાંથી સાજા થતા પણ થોડો વધુ સમય લાગે છે કારણ કે, તેઓને સામાન્ય દર્દી કરતા થોડી વધુ સાવચેતીથી સારવાર આપવી પડે છે. ડાયાબિટીસના કેટલાક પાયાના લક્ષણોના કારણે દર્દીઓએ સામાજિક ભેદભાવ પણ સહન કરવો પડે છે. જેમ કે, વારંવાર પેશાબે જવું, ધૂંધળું દેખાવું, બોલવામાં ગરબડ થવી, વારંવાર મૂંઝવણ થવી અને ઝડપથી થાકી જવું. આ લક્ષણોના કારણે ડાયાબિટીસના દર્દીઓના સામાજિક સંબંધો અને કારકિર્દી પર નકારાત્મક અસર પડી શકે છે! ભારત તો ઠીક, અમેરિકા અને યુરોપના વિકસિત દેશોમાં પણ ડાયાબિટીસના દર્દીઓએ સમાજના નકારાત્મક વલણના કારણે માનસિક ભાર હેઠળ રહેવું પડતું હોવાના દાખલા નોંધાય છે અને એમાંય સ્ત્રીઓએ તો વધારે ભોગવવાનું આવે છે.

એંશીના દાયકાથી અત્યાર સુધી ભારતીય સ્ત્રીઓમાં ડાયાબિટીસનું પ્રમાણ ૮૦ ટકા વધ્યું છે, પરંતુ આ રોગ ધરાવતી સ્ત્રીઓએ કેવો મનોવૈજ્ઞાનિક ભાર સહન કરવો પડતો હશે એ મુદ્દે ભારતમાં ખાસ કોઈ સર્વેક્ષણો થયા નથી. ભારતમાં ગર્ભકાળ વખતે ડાયાબિટીસનો ભોગ બનતી સ્ત્રીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ડાયાબિટીસ લઈને જન્મી રહેલા બાળકોનો દર પણ ધીમે ધીમે વધી રહ્યો છે. અત્યારે ભારતમાં ૧૫ વર્ષથી ઓછી ઉંમરના એક લાખથી પણ વધારે બાળકો ટાઈપ-૧ ડાયાબિટીસ ધરાવતા હોવાનો અંદાજ છે. ડાયાબિટીસ બે પ્રકારના હોય છે. ટાઈપ-૧ અને ટાઈપ-૨.

સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન નામનું હોર્મોન પૂરતા પ્રમાણમાં પેદા ના થાય ત્યારે વ્યક્તિ ટાઈપ-૧ ડાયાબિટીસનો ભોગ બને છે. શરીર ઈન્સ્યુલિનની મદદથી લોહીમાં રહેલું ગ્લુકોઝ ઓગાળીને કાર્બોહાઇડ્રેટ, ચરબી અને પ્રોટીનનું સંતુલન જાળવી રાખે છે. આ સિસ્ટમ ખોરવાય એટલે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય અને ડાયાબિટીસ થાય છે. આ વાત તો મેડિકલ સાયન્સ જાણે છે, પરંતુ આ સિસ્ટમ કેમ ખોરવાય છે એ હજુ સુધી વિજ્ઞાાન નથી જાણતું. ડાયાબિટીસને જડમૂળમાંથી નિર્મૂળ કરી નાંખે એવી દવા શોધવા એ જાણવું જરૂરી છે. મેડિકલ સાયન્સને શંકા છે કે, વારસામાં મળતી કોઈ જનીનિક ખામીના કારણે આ રોગ થતો હોઈ શકે! એ જનીનો ઓળખવા માટેના સંશોધનો ચાલુ જ છે. ડાયાબિટીસ ટાઈપ-૧ની કોઈ દવા નથી. આ રોગ ફક્ત ઈન્સ્યુલિન થેરેપી અને ડાયાબિટીક ડાયેટ જેવા નુસખાથી વકરતો અટકાવી શકાય છે. જોકે, શરીરને બહારથી ઈન્સ્યુલિન આપવાના કારણે અનેક દર્દીઓમાં કુદરતી રીતે ગ્લુકોઝ બનવાની સિસ્ટમમાં ભંગાણ પડે છે. આવું થાય ત્યારે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જોઈએ એના કરતા પણ ઘટી જાય છે અને ડાયાબિટીસનો દર્દી લૉ બ્લડ પ્રેશરનો પણ ભોગ બને છે.  

હવે ડાયાબિટીસ ટાઈટ-૨ની વાત કરીએ. સ્વાદુપિંડમાં પેદા થતાં ઈન્સ્યુલિનનો શરીર યોગ્ય રીતે ઉપયોગ ના કરી શકે ત્યારે પણ લોહીમાં ગ્લુકોઝ-સુગરનું પ્રમાણ વધી જાય છે. આ રોગ ડાયાબિટીસ ટાઈપ-૨ તરીકે ઓળખાય છે. ટાઈપ-૨ ડાયાબિટીસ ચયાપચયની પ્રક્રિયા ખોરવાઈ (મેટાબોલિક ડિસઓર્ડર) જવાના કારણે થતો રોગ છે. થોડા વર્ષો પહેલાં ટાઈપ-૨ ડાયાબિટીસ ફક્ત પુખ્તવયના લોકોમાં જ જોવા મળતો, પરંતુ હવે આ બિમારી બાળકોમાં પણ દેખાવા લાગી છે. દુનિયામાં મોટા ભાગના ડાયાબિટીસના દર્દીઓ ટાઈપ-૨ ડાયાબિટીસ ધરાવે છે. આ રોગ પોષકણયુક્ત આહાર, કસરત અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવીને કાબૂમાં લઈ શકાય છે. અરે, જડમૂળથી નીકળી ગયો હોય એવા પણ દાખલા નોંધાયા છે.

દુનિયામાં ૧૯૬૦ પછી મેદસ્વીપણા અને ટાઈપ-૨ ડાયાબિટીસથી પીડાતા લોકોની સંખ્યા સમાંતરે વધી છે. અમેરિકા અને યુરોપના વિકસિત દેશોની વાત તો અલગ છે, પરંતુ ભારતમાં તો આ સ્થિતિમાંય તેલ-મરીમસાલા અને ખાંડથી ભરપૂર વાનગીઓ તેમજ સોફ્ટ ડ્રિંક્સનું વેચાણ પણ સતત વધી રહ્યું છે. આ પ્રકારના ખાદ્યોમાં કેલરી ઊંચી અને પોષક દ્રવ્યો ઓછા હોય છે. વળી, ભારતમાં યુવાનોની વસતી વધારે હોવા છતાં, અમેરિકા અને યુરોપિયન દેશોથી ઉલટું, સ્પોર્ટ્સ અને ફિટનેસ કલ્ચરનો સંપૂર્ણ અભાવ છે. વસતીના પ્રમાણમાં મેદાનો અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સંખ્યા પણ નહીં બરાબર છે. આ સ્થિતિમાં મોટા ભાગના યુવાનો બાળપણથી જ ક્વૉલિટી ગ્રાઉન્ડ સ્પોર્ટ્સ અને હાર્ડકોર ફિઝિકલ એક્ટિવિટીથી વંચિત રહી જાય છે.

કોઈ પણ રોગ સામે લડવા દવા જેટલી જ જરૂર 'અવરેનેસ'ની પણ છે. ભારતમાં મેલેરિયા, કોલેરા, એઇડ્સ, ટીબી, ડેન્ગ્યૂ, ચિકનગુનિયાથી બચવા માટે સરકારે નાના-મોટા અભિયાનો છેડીને જાહેર આરોગ્યની સ્થિતિ સુધારવાના સફળ પ્રયાસ કર્યા જ છે, પરંતુ ડાયાબિટીસને લઈને લોકો જાગૃત થાય એ માટે સરકારી રાહે રાષ્ટ્રીય સ્તરનું અભિયાન નથી છેડાયું. છેલ્લાં એકાદ દાયકામાં જે કોઈ નાના-મોટા અભિયાનો થયા છે એ અપૂરતા છે, તેની પહોંચ ઓછી છે અને એ પ્રયાસો ખાનગી ધોરણે અને સ્વૈચ્છિક સંસ્થાઓએ કર્યા છે, સરકારે નહીં. કેરળમાં તો ડાયાબિટીસ સામે લડવા ફેટ ટેક્સ લાગુ કરાયો હતો. યુકેમાં પણ સરકારે ડાયાબિટીસને કાબૂમાં લેવા ગળી વાનગીઓ અને પીણાં પર સુગર ટેક્સ ઝીંક્યો છે, પરંતુ ભારતમાં આ પ્રકારના કરવેરા ઝીંકવાથી જાહેર આરોગ્યમાં સુધારો થશે એવું માનવું અઘરું છે.

હાલ વિશ્વમાં ડાયાબિટીસના કુલ ૪૨.૨૦ કરોડ દર્દી છે, જેમાંથી અડધાથી વધુ તો ચીન, ભારત, અમેરિકા, બ્રાઝિલ અને ઈન્ડોનેશિયામાં જ છે. બીજો પણ એક યોગાનુયોગ જુઓ. દુનિયામાં સૌથી વધારે શેરડી પકવતા ટોપ-૧૦ દેશોમાં પણ આ પાંચેય દેશોનો સમાવેશ થાય છે. આ તમામ દેશોમાં ખાંડ સસ્તી છે, સરળ રીતે ઉપલબ્ધ છે અને ખાંડથી ભરપૂર વાનગીઓની બોલબાલા છે. મેડિકલ સાયન્સ કહે છે કે, માનવ શરીરને ખાંડની જરૂર જ નથી.

તો પછી માણસજાતના ડાયેટ પર ખાંડનું આક્રમણ થયું કેવી રીતે? એ વાત ફરી ક્યારેક.

23 October, 2016

ભૂખ એટલે નસોમાં બળેલા લોહીની વરાળ


ભૂખ તો બધાને લાગે છે. પશુઓ, પક્ષીઓ, જળચરો અને વૃક્ષોને પણ ભૂખ લાગે છે પણ ભૂખનો 'સ્વાદ' બહુ ઓછા લોકોને ખબર હોય છે. ભૂખનો સ્વાદ એટલે શું?

ભૂખ રોજેરોજ કરોડો લોકોને મળવા આવે છે પણ બહુ ઓછા લોકો તેને રોટીથી ભગાડે છે, ભગાડી શકે છે. દુનિયામાં લાખો લોકો એવા પણ છે, જેમની પાસે ભૂખને મારવા રોટી નથી. આ એવા લોકો છે જે ભૂખ્યા રહીને ભૂખને મારે છે, ભૂખનો શિકાર કરે છે. જોકે, ભૂખનો શિકાર કરવામાં તેમને વારંવાર સફળતા નથી મળતી. એક દિવસ ભૂખ આવે છે, બિલ્લી પગે, અને ખુદ શિકારીનો જ શિકાર કરીને જતી રહે છે, બિલ્લી પગે. આ એવા કમનસીબો હોય છે, જેમને ભૂખે બરાબર સ્વાદ ચખાડ્યો હોય છે. ભૂખનો સ્વાદ એટલે મોતનો સ્વાદ. એટલી બધી ભૂખ કે પછી ક્યારેય ભૂખ આવવાને લાયક જ નથી રહેતી. ભૂખ જ્યાં આવે છે એ શરીરનું જ અસ્તિત્વ ખતમ થઈ ગયું હોય છે.

ભૂખ લાગે ત્યારે જેમની પાસે તૈયાર ટિફિન હોય છે, ભાવતું ભોજન રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર કરવાની કે ઘરે મમ્મી-પત્ની પાસે ભાવતું ભોજન બનાવડાવવાની ચોઈસ હોય છે, એ લોકો નસીબદાર છે. આપણા જેવા કરોડો લોકોને ભૂખનો અસલી સ્વાદ ખબર નથી પણ આપણે ભૂખ એટલે શું એ સમજી જરૂર શકીએ.

*** 
  
દુનિયામાં સૌથી વધારે અનાજ અને દૂધનું ઉત્પાદન કરતા ભારતમાં દર વર્ષે અનેક લોકો ભૂખ અને કુપોષણથી મરી જાય છે. અમેરિકાની ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટયુટ દર વર્ષે કયા દેશમાં કેટલા લોકો ભૂખે મરે છે અને કુપોષણથી કમોતે મરે છે એના આંકડા જાહેર કરે છે. જેમ વિવિધ દેશના જીડીપી, માથાદીઠ આવક અને ફુગાવાના આંકડા હોય છે એવી જ રીતે, ભૂખના પણ આંકડા હોય છે. આ આંકડા ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (જીએચઆઈ) તરીકે ઓળખાય છે.





આ વર્ષે જાહેર કરાયેલા જીએચઆઈ પ્રમાણે, સૌથી વધારે ભૂખે મરતા ૧૧૮ દેશમાં ભારતને ૯૭મું સ્થાન મળ્યું છે. જોકે, જીએચઆઈમાં ક્રમનું નહીં, પણ વસતીના પ્રમાણમાં કયા દેશમાં કેટલા ટકા લોકો વધારે ભૂખ અને કુપોષણથી પીડાય છે એનું મહત્ત્વ વધારે હોય છે. જીએચઆઈમાં ભારતનું સ્થાન આફ્રિકાના અત્યંત ગરીબ અને પછાત નાઇજર, ચાડ, ઇથિઓપિયા, સિયેરા લિયોન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન જેવા દેશો સાથે છે. ભારતનો જીએચઆઈ સ્કોર (ટકા નહીં) આ બધા દેશો જેવો જ છે. જેમ કે, વર્ષ ૨૦૧૬માં ભારતનો જીએચઆઈ સ્કોર ૨૮.૫ છે, જ્યારે પાકિસ્તાનનો ૩૩.૪ ટકા છે. એટલે કે ભારત કરતા પાકિસ્તાનમાં વધારે લોકો ભૂખમરા અને કુપોષણથી પીડાય છે. પાડોશી દેશોમાં ભારતની સ્થિતિ એકમાત્ર પાકિસ્તાન કરતા સારી છે. રાષ્ટ્રવાદીઓ માટે આ 'આનંદના' સમાચાર છે. ખેર, એ સિવાય બાંગ્લાદેશ (૨૭.૧), શ્રીલંકા (૨૫.૫), મ્યાંમાર (૨૨), નેપાળ (૨૧.૯) અને ચીન (૭.૭) વગેરે દેશોના બાળકોની સ્થિતિ ભારત જેટલી બદતર નથી. રાષ્ટ્રવાદીઓ માટે આ 'આંખ આડા કાન કરવા' જેવા સમાચાર છે.

ભારત મોટો દેશ છે એટલે તેના હાલ ખસ્તા છે એવી દલીલો આપણી પલાયનવાદી માનસિકતાની નિશાની છે. ભારતની વસતી વધારે છે એટલે વધારે લોકો ભૂખે મરે છે કે કુપોષણથી પીડાય એ વાત સાચી, પરંતુ વસતી તો ચીનમાં પણ વધારે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક રાજકીય વિશ્લેષકો અને અર્થશાસ્ત્રીઓ ભારતની સરખામણી ચીન સાથે કરે છે કારણ કે, આ બંને દેશ લગભગ સરખી મુશ્કેલીઓથી પીડાઈ રહ્યા છે. હવે ચીનના આંકડા જુઓ. ચીનનો જીએચઆઈ સ્કોર ફક્ત ૭.૯ છે, જ્યારે ભારતનો ૨૮.૫ ટકા. ભારતની કુલ વસતીના ૧૫.૨ ટકા લોકો કુપોષણથી પીડાઈ રહ્યા છે, જ્યારે ચીનમાં ફક્ત ૮.૮ ટકા. એવી જ રીતે, ભારતમાં કુપોષિત માતાના કારણે જન્મથી જ કુપોષણનો કાયમી ભોગ બનેલા બાળકો ૩૮.૭ ટકા છે, જ્યારે ચીનમાં આ આંકડો ૮.૧ ટકા છે. ભારતમાં ગર્ભવતીઓને પોષણયુક્ત ભોજન નહીં મળતું હોવાથી આ આંકડો આટલો ઊંચો છે. 

ચીનમાં પણ વસતી વધારાની મુશ્કેલી છે પણ ચીને દરેક ક્ષેત્રમાં મુશ્કેલીઓ સામે લડવા જડબેસલાક યોજનાઓ બનાવી છે. ભારતમાં પણ ભૂખમરા અને કુપોષણ સામે લડવા વિશ્વની સૌથી મોટી યોજનાઓ ચાલે છે, મધ્યાહ્ન ભોજન અને આંગણવાડી. જોકે, આ પ્રકારની યોજનાઓમાં પણ બાળકોના હિસ્સાનું ઘણું બધું ભોજન નાના-મોટા રાજકારણીઓ અને સરકારી અધિકારીઓ જ હજમ કરી જાય છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં અનેક લોકો આ યોજનાઓમાંથી જ તગડા થયા છે, આર્થિક અને શારીરિક એમ બંને અર્થમાં.

એવું પણ નથી કે, ભારતમાં અન્નનું ઉત્પાદન ઓછું થાય છે. દેશમાં ૧૨૫ કરોડ લોકોને બે ટંક ભોજન આપી શકાય એનાથી પણ વધારે અન્નનું ઉત્પાદન થાય છે. ભારત તો હરિયાળી અને શ્વેત ક્રાંતિના ગુણગાન ગાતા થાકતું નથી. નવાઈની વાત એ છે કે, વર્ષ ૨૦૦૮માં પંજાબ જેવા હરિયાળી ક્રાંતિના 'પોસ્ટર બોય' રાજ્યનો જીએચઆઈ સ્કોર ૩૦.૯ એટલેે કે 'એક્સ્ટ્રિમલી એલાર્મિંગ'ના ખાનામાં હતો. એવી જ રીતે, શ્વેત ક્રાંતિ માટે દેશવિદેશમાં નામના પામેલા સમૃદ્ધ ગુજરાતના દોઢ લાખ બાળકો સિવિયર એક્યુટ માલન્યુટ્રિશન એટલે કે અત્યંત ગંભીર કુપોષણનો ભોગ બનેલા છે.

ભારત જાતભાતના વિરોધાભાસોથી ભરેલો દેશ છે. અહીં એક તરફ લાખો લોકો ભૂખે મરે છે અને બીજી તરફ, ગોદામોના અભાવે કે ખામીયુક્ત જાહેર વિતરણ વ્યવસ્થાના કારણે જગતના તાતે લોહી-પરસેવો સીંચીને પકવેલું લાખો ટન અન્ન સડી જાય છે. તાજા આંકડા પ્રમાણે, ભારતમાં દર વર્ષે આશરે ૬૭ કરોડ ટન અન્નનો બગાડ થાય છે, જેની કિંમત આશરે રૂ. ૯૨ હજાર કરોડ જેટલી થાય છે! આ આંકડામાં ફક્ત ગોદામોમાં અને ટ્રાન્સપોર્ટેશન વખતે બગડી જતા અન્નનો સમાવેશ કરાયો છે, હોટેલ-રેસ્ટોરન્ટ અને લગ્નોમાં વેડફાતા રાંધેલા ખોરાકનો નહીં.

'સંવેદનશીલ દેશપ્રેમીઓ' દલીલ કરે છે કે, દેશ મોટો છે એટલે મેનેજમેન્ટ થઈ શકતું નથી પણ આ બધી બકવાસ દલીલો છે. મેનેજમેન્ટ કરવું સરળ પડે એટલે જ તો દેશ રાજ્યો, જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવ્યો છે. ભૂખ અને કુપોષણ સામે લડવા આ બધી જ યોજનાઓનો ઉપરથી નીચે સુધી અમલ થાય જ છે, પણ મૂળ મુદ્દો ભ્રષ્ટાચાર, રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ અને જાહેર વિતરણ વ્યવસ્થાની ખામીઓનો છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતને સ્થાન અપાવવામાં આ પ્રકારના પરિબળો પણ એટલા જ કારણભૂત છે.

વર્ષ ૨૦૧૩માં સરકારે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો પસાર કરીને ભૂખ અને કુપોષણ સામે લડવા ત્રણ મોટી યોજનાનો અમલ કર્યો હતો, પરંતુ આ યોજનાઓ વચ્ચે પણ સંકલનનો અભાવ છે. જેમ કે, શહેરોમાં આંગણવાડીઓ ચલાવવાનું કામ ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ (આઈસીડીએસ) હેઠળ થાય છે, જ્યારે ગર્ભવતીઓ-બાળકોના આરોગ્ય માટે તેમની સાથે સંપર્કમાં રહેવાનું અને તેમની જરૂરિયાતો સંતોષવાનું કામ મ્યુનિસિપાલિટીઓ કરે છે. મુશ્કેલી એ છે કે, આઈસીડીએસ અને મ્યુનિસિપાલિટીનું તંત્ર એકબીજા સાથે કામ કરવાના બદલે સ્વતંત્ર રીતે કામ કરે છે. પરિણામે યોજનાનો અમલ બિનઅસરકારક રીતે થાય છે. ગુજરાતમાં પણ આ ફરિયાદો થઈ ચૂકી છે. આ તો શહેરોની વાત થઈ, પણ આટલા વર્ષો પછીયે ભારતના હજારો ગામડામાં ગર્ભવતી સ્ત્રીઓ અને નવજાત શિશુઓના પોષણ અંગે પાયાની સમજણ અને જાગૃતિ સુદ્ધાં નથી.

કદાચ એટલે જ ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં કહેવાયું છે કે, ભારત સરકારે 'સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ' અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધી ભૂખ અને કુપોષણ જેવી મુશ્કેલીઓને સંપૂર્ણ રીતે ખતમ કરવાનું આયોજન કર્યું છે, પરંતુ ભારત સરકારને તેમાં સફળતા નહીં મળે... 

શું આપણે ધારીએ તો આ શબ્દોને ખોટા ના પાડી શકીએ?

જીએચઆઈનું માપ કેવી રીતે કઢાય છે?

ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટયુટે વિશ્વભરમાં ભૂખથી થતા મોત સામે લડવા વર્ષ ૨૦૦૬થી ગ્લોબલ હંગર ઈન્ડેક્સ જાહેર કરવાનું શરૂ કર્યું હતું. આ ઈન્ડેક્સનું માપ કાઢવા મુખ્ય ચાર માપદંડનો આધાર લેવાય છે. ૧. વસતીના પ્રમાણમાં કુપોષણથી પીડાતા લોકો. ૨. પાંચ વર્ષથી ઓછી ઉંમરના સંપૂર્ણ કુપોષિત બાળકોની ટકાવારી ૩. કુપોષિત માતાના કારણે જન્મથી જ કુપોષણનો કાયમી ભોગ બનેલા બાળકોની ટકાવારી અને ૪. ભૂખમરા-કુપોષણના કારણે પાંચ વર્ષથી ઓછી ઉંમરે મૃત્યુ પામતા બાળકો. આ ચારેય માપદંડો પ્રમાણે ભારતની સ્થિતિ ભયાનક છે.

આ સંસ્થા ફક્ત ઈન્ડેક્સ જાહેર કરીને બેસી નથી રહેતી, પરંતુ વિકાસશીલ દેશોને ભૂખ અને કુપોષણ સામે લડવા કૃષિ વિજ્ઞાન, ટેક્નોલોજી, જાહેર વિતરણ વ્યવસ્થા અને ક્લાઈમેટ ચેન્જ જેવા તમામ મુદ્દે મદદરૂપ થાય છે.

(શીર્ષક પંક્તિ : ચંદ્રકાંત બક્ષી)