Showing posts with label ટાગોર. Show all posts
Showing posts with label ટાગોર. Show all posts

06 August, 2018

મોબ લિન્ચિંગના જમાનામાં 'કાબુલીવાલા'ની પ્રસ્તુતતા


રહેમત કાબુલી માટે પણ તે સાવ નિશ્ચિંત ન હતી. એટલે તે મને કાબુલી તરફ ખાસ નજર રાખવાનો આગ્રહ કર્યા કરતી. હું તેના વહેમને હસી કાઢું, તો તે મારા પર પ્રશ્નોની ઝડી વરસાવતી.

કદીયે શું કોઈના છોકરા ચોરાયા નથી?, શું કાબુલમાં ગુલામોનો વેપાર નથી ચાલતો?, આવડા મોટા કાબુલી માટે નાનકડી છોકરીને ઉપાડી જવી એ સાવ અશક્ય છે?

છેવટે મારે પણ કબૂલ કરવું પડ્યું કે, એવું બિલકુલ અશક્ય તો નથી પણ આ વાત મારા માન્યામાં નથી આવતી. જોકે, મારા શબ્દોની તેના પર કોઈ અસર નહોતી થતી. કાબુલીને લઈને તેનો ભય યથાવત્ રહેતો, પરંતુ મારી પત્નીને લઈને હું કાબુલીને વગર વાંકે ઘરે આવવાની મનાઈ ના ફરમાવી શક્યો અને તેઓ વચ્ચેની આત્મીયતાને રોકી ના શકાઈ.

આ લખાણ રવીન્દ્રનાથ ટાગોરની જાણીતી વાર્તા 'કાબુલીવાલા'માંથી લેવામાં આવ્યું છે. 'કાબુલીવાલા' વાર્તા એક નવલકથાકારના મોંઢે કહેવાઈ છે, જેને ટાગોરે નામ નથી આપ્યું. ઉપરોક્ત લખાણમાં એ નવલકથાકાર તેની પત્નીની વાત કરે છે. તેની પત્ની રહેમત કાબુલીને લઈને ખૂબ જ શંકાશીલ હોય છે કારણ કે, અફઘાનિસ્તાનથી આવતા કાબુલીઓ છોકરાઓને ઉપાડી જાય એવી તેને શંકા છે. જોકે, પત્નીની ટકટક પછી પણ નવલકથાકાર તેને ઘરે આવતા રોકી નથી શકતો, અને, છેવટે રહેમત કાબુલી અને નવલકથાકારની પાંચ વર્ષની દીકરી મિની વચ્ચે ગાઢ આત્મીયતા બંધાઈ જાય છે.



સોશિયલ મીડિયાની બદોલત બાળકોને ચોરી જવાની અફવાઓનું બજાર ગરમ છે અને ટોળા હત્યા કરી રહ્યા છે ત્યારે ફરી એકવાર 'કાબુલીવાલા' વાંચતી વખતે અત્યારનો માહોલ પડઘાય છે. આ વાર્તાના નામ  પરથી જ ખ્યાલ આવે છે કે, તેનું મુખ્ય પાત્ર 'કાબુલીવાલા' છે. કાબુલીવાલા ઉર્ફે રહેમત કાબુલી. કાબુલીવાલા દર વર્ષે કાબુલથી સૂકામેવા લઈને કોલકાતા વેચવા આવતો. એટલે તેના નામ પાછળ કાબુલીવાલાનું લટકણિયું લાગી ગયું હતું. તે મોટો વેપારી ન હતો, પરંતુ છૂટક સૂકોમેવો વેચીને ગુજરાન ચલાવતો. કાબુલી લોકોને ઉધાર માલ પણ આપતો અને વતન જતી વખતે ઉઘરાણી કરી લેતો.

નવલકથાકારના ઉચ્ચ મધ્યમવર્ગીય બંગાળી પરિવાર સાથે કાબુલીનો પરિચય પણ આ જ રીતે થયો હતો. નવલકથાકારનું ઘર પણ રસ્તા પર હતું. તેઓ ત્યાં બેસીને જ લખતા. કાબુલી નવલકથાકારના ઘર નજીકથી જાય ત્યારે મિનીને અચૂક યાદ કરે. મિની ખૂબ જ બોલબોલ કરતી બાળકી હતી, જે એકાગ્રચિત્તે નવલકથા લખતા લેખક પિતાને જાતભાતના સવાલો પૂછીને પરેશાન કરતી, અને, એવું જ વર્તન કાબુલી સાથે પણ કરતી. નવલકથાકાર અને કાબુલીની ઉંમર લગભગ સરખી હતી. આ વાર્તામાં ટાગોરે નવલકથાકાર અને મિની (પિતા-પુત્રી)ના કાબુલી સાથેના સંબંધને આબાદ રીતે ઉપસાવ્યો છે. એવી જ રીતે, ટાગોરે કાબુલીનું વર્ણન પણ વાચક સામે દૃશ્ય ખડું થઈ જાય એ રીતે કર્યું છે. જુઓ, ટાગોરના જ શબ્દોમાં.

મિની ઓચિંતી અગડમ બગડમ રમવાનું છોડીને બારી પાસે દોડી અને જોરથી બૂમો મારવા લાગી. કાબુલીવાલા, એ ઈ કાબુલીવાલા.

મેલા ઢીલા કપડાં પહેર્યાં છે, માથે પાઘડી છે, ખભા પર ઝોળી છે અને હાથમાં બે ચાર સૂકામેવાની પેટીઓ છે. એવો એક ઊંચો કાબુલી ધીમે પગલે રસ્તા પરથી જતો હતો. તેને જોઈને મારી દીકરી કેટલી ખુશખુશાલ થઈ ગઈ એ કહેવું અઘરું છે. તેણે શ્વાસભેર બોલવાનું શરૂ કર્યું. મને થયું કે, હમણાં જ મારા પર આફત આવી સમજો અને મારું સત્તરમું પ્રકરણ અધૂરું રહી જશે.

જોકે, મિનીની બૂમો સાંભળીને કાબુલીએ હસીને મારા ઘર તરફ મોં ફેરવ્યું અને એ તરફ આવવા લાગ્યો. ત્યાં તો મિની અદ્ધર શ્વાસે ઘરની અંદર દોડીને ક્યાંક સંતાઈ ગઈ. તેના મનમાં એવું હતું કે, કાબુલીવાલાની ઝોળીની અંદર મિની જેવી બીજી બે-ચાર છોકરીઓ પૂરેલી છે...

આ વર્ણનમાં ટાગોરે કહી દીધું છે કે, કાબુલીનો પહેરવેશ અને દેખાવ બંગાળીઓથી અલગ છે. મિનીની માન્યતા છે કે, તેની ઝોળીમાં બીજી બે-ચાર બાળકી છે. આ વાત હળવાશથી કહેવાઈ છે પણ મિનીના મગજમાં આવો ખ્યાલ આવ્યો ક્યાંથી? એ વિશે ટાગોરે કોઈ ફોડ પાડ્યો નથી. નવલકથાકારની શંકાશીલ પત્નીએ જ કદાચ મિનીને આવું કહ્યું હતું કારણ કે, તે નહોતી ઈચ્છતી કે મિની કાબુલી સાથે વાતો કરે. જોકે, કાબુલીવાલાનો નવલકથાકાર ખૂબ જ ખુલ્લા વિચારો ધરાવતો સમજદાર પુરુષ છે. તેને કાબુલી અને મિનીના સંબંધને લઈને કોઈ તકલીફ નથી. આ રીતે ટાગોરે કલમના જોરે માનવતામાં આશા જીવંત રાખી છે.

તપન સિંહાએ બનાવેલી બંગાળી ફિલ્મ ‘કાબુલીવાલા’નું દૃશ્ય

ટાગોર લખે છે કે: દર વર્ષે જાન્યુઆરી અડધો પૂરો થાય કે તરત જ રહેમત કાબુલી વતન જતો રહેતો. આ દરમિયાન તે ઉધાર માલનું લેણું વસૂલવામાં ખાસ્સો વ્યસ્ત રહેતો. એ માટે તેને ઘરે ઘરે ફરવું પડતું. આમ છતાં, તે એકાદવાર તો મિનીને મળવા આવી જ પહોંચતો. એ જોઈને એમ લાગે કે, એ બંને વચ્ચે કોઈ ષડ્યંત્ર ચાલી રહ્યું છે. કોઈ વાર કાબુલી સવારે આવી ન શકે, તો સાંજે આવતો. અંધારિયા ઓરડામાંથી એ ખુલ્લા-પહોળા પાયજામા અને ઝોળીવાળા એ કદાવર માણસને જોઈને મનમાં કંઈક આશંકા પેદા થતી, પરંતુ મિનીને 'કાબુલીવાલા, એ...ઈ કાબુલીવાલા...' કહીને હસતી દોડતી જતી જોઉં ત્યારે એ જુદી જુદી ઉંમરના મિત્રો વચ્ચે હસીમજાક ચાલુ થાય ત્યારે મારું મન પ્રફૂલ્લિત થઇ જતું.

કાબુલી અફઘાનિસ્તાનનો પશ્તુન હતો. ઊંચો અને કદાવર હતો, પરંતુ મિનીને મળે ત્યારે બાળક સાથે બાળક જેવો નિર્દોષ બનીને મજાકમસ્તી કરતો. ત્યાર પછી વાર્તામાં ટાગોર કાબુલી માટે થોડા ક્રૂર થયા છે. થયું એવું કે, કોઈ વ્યક્તિએ કાબુલી પાસેથી રામપુરી શાલ લીધી હતી, પરંતુ તેણે જૂઠ્ઠું બોલીને પૈસા આપવાનો ઈનકાર કર્યો. આ બાબતે ઉગ્ર ઝગડો થતા કાબુલીએ તેને છરો ભોંકી દીધો. કાબુલીના હાથે હત્યા થઈ ગઈ. આ દરમિયાન પોલીસ કાબુલીને લઈને જઈ રહી હતી ત્યારે પણ મિની આવીને બૂમો મારે છે, 'કાબુલીવાલા, એ...ઈ કાબુલીવાલા...'  અને મિનીને જોતા જ કાબુલી ખુશ થઈ જાય છે. જેલ જતો હોય છે તો પણ!

કાબુલી વારંવાર મિનીને કહેતો હોય છે કે, તું સાસરે ના જતી. મિનીને ખબર નહોતી કે, સાસરું એટલે શું, પરંતુ તે કાબુલીને સામો સવાલ કરતી કે, તમે સાસરે જવાના છો? પોલીસ કાબુલીને લઈને જતી હતી ત્યારે પણ મિનીએ આ જ સવાલ કર્યો અને કાબુલીએ જવાબ આપ્યો કે, 'ત્યાં જ જઉં છું...' આ વાત કરીને ટાગોરે કાબુલીની બેફિકરાઈ દર્શાવી છે. રહેમત કાબુલીને ખૂન કેસમાં આઠેક વર્ષની જેલ થઈ. નવલકથાકાર પણ કાબુલીને ભૂલી ગયો અને મિની પણ મોટી થઈ ગઈ. મિનીની બહેનપણીઓની સંખ્યા વધતી ગઈ. નવલકથાકાર અને તેની પુત્રી વચ્ચે અંતર વધી ગયું છે, પરંતુ મિની લગ્ન કરીને સાસરે જશે એ વાતથી જ પિતા દુ:ખી છે.

આ વાત  પણ ટાગોરે મજબૂત રીતે રજૂ કરી છે, વાંચો : ...ત્યાં તો મારા મારા ઘર આગળ શરણાઈ વાગવી શરૂ થઈ ગઈ હતી. તેનો અવાજ જાણે મારી છાતીના હાડપિંજરમાંથી ધબકીને બહાર નીકળતો, અને, ભૈરવીના કરૂણ સૂરમાં નજીક આવી રહેલી વિયોગની વ્યથાને શરદના તડકાની સાથે આખી પૃથ્વી પર ફેલાવી દેતો હતો. આજે મારી મિનીના લગ્ન હતા. સવારથી ઘરમાં ભારે ધમાલ હતી. માણસોનું આવનજાવન ચાલુ હતું. આંગણામાં વાંસ નાંખી મંડપ બંધાઈ રહ્યો હતો. ઘરના તમામ ઓરડા અને પરસાળમાં તોરણો લટકાવવાનો અવાજ થઈ રહ્યો હતો. બૂમાબૂમ-દોડધામનો પાર ન હતો...

બિમલરોયે બનાવેલી ‘કાબુલીવાલા’નું પોસ્ટર, જેમાં કાબુલીની
ભૂમિકા બલરાજ સહાનીએ ભજવી હતી  

આમ, નવલકથાકારના ઘરમાં લગ્નપ્રસંગનો માહોલ બરાબર જામ્યો હતો ત્યાં જ રહેમત કાબુલી જેલમાંથી છૂટીને મિનીને મળવા આવી પહોંચ્યો. મિનીના પિતા શુભ દિવસે એક 'ખૂની'ને ઘરમાં જોઈને થોડા હલબલી ગયા અને તેને પાછા જવાનું કહ્યું, પરંતુ કાબુલીએ ડરતા ડરતા પૂછી લીધું કે, 'મિનીને જરા મળી શકાશે ખરું?' કાબુલીને અંદાજ ન હતો કે, મિની હવે બાળકી નથી. એ સાસરે જઈ રહી છે. તેને હતું કે, હમણાં જ મિની 'કાબુલીવાલા, એ...ઈ કાબુલીવાલા...' એવી બૂમો મારતી આવશે. જોકે, નવલકથાકાર કાબુલીને ભારપૂર્વક કહી દે છે કે, ઘરમાં ધમાલ હોવાથી મિનીને મળી નહીં શકાય. એ પછી કાબુલી સ્તબ્ધ થઈને થોડી વાર ઊભો રહી ગયો. સલામ, કહીને ભગ્ન હૃદયે પાછો વળી ગયો અને ફરી પાછા વળીને કહ્યું: આ અંગૂર-કિસમિસ અને બદામ મિની મારી કિકી માટે લાવ્યો છું. એને આપવાની કૃપા કરજો.

નવલકથાકારે એ લઈ લીધું અને પૈસા આપવા હાથ લંબાવ્યો ત્યારે તેણે એ પૈસા ના લીધા અને કહ્યું કે, 'મારે પણ દેશમાં આવી જ એક દીકરી છે. એનું મોં યાદ કરીને હું તમારી કિકી માટે જરાતરા સૂકોમેવો લઈ આવું છું. હું કંઈ વેપાર કરવા નથી આવતો.' આટલું બોલીને તેણે પહોળા અંગરખામાં છાતી પાસે રાખેલો એક ચોળાયેલો કાગળ કાઢીને નવલકથાકારને બતાવ્યો. કાગળ પર ફક્ત એક નાનકડા હાથની છાપ હતી. એ તેણે હાથ પર કાજળ લગાવીને લીધી હતી. દીકરીનું સ્મરણ આ રીતે છાતીસરસું રાખીને તે કોલકાતાના રસ્તાઓ પર સૂકોમેવો વેચવા આવતો. એ કાગળ જોઈને નવલકથાકારની આંખ ઊભરાઈ ગઈ. નવલકથાકાર ભૂલી ગયો કે કાબુલી મેવાવાળો છે અને તે બંગાળના ઉચ્ચ વંશનો સંસ્કારી પુરુષ છે. નવલકથાકારને અહેસાસ થયો કે, કાબુલી પણ તેના જેવો જ એક પિતા છે.

નવલકથાકારે તુરંત જ મિનીને અંદરના ઓરડામાંથી બોલાવી. કુટુંબની બીજી સ્ત્રીઓએ વિરોધ કર્યો પણ નવલકથાકારે તેને ધરાર બોલાવી. લાલ-રેશમી સાડીમાં સજ્જ મિની કપાળમાં ચંદન સાથે બહાર આવી. વધૂના વેશમાં તે શરમાતી સંકોચાતી આવીને ઊભી રહી અને કાબુલી તેને જોઈને ચોંકી ગયો. એ બંને વચ્ચે પહેલાની જેમ નિર્દોષ વાર્તાલાપ જામ્યો નહીં. તેણે મિનીને પૂછી લીધું કે, તું સાસરે ચાલી? મિની પહેલાની જેમ જવાબો આપી ના શકી. રહેમત કાબુલીનો સવાલ સાંભળીને શરમાઈને બસ ઊભી રહી.

મિનીના ગયા પછી કાબુલીને પણ ભાન થયું કે, કાબુલમાં તેની પુત્રી પણ સાસરે જવા લાયક થઈ ગઈ હશે. તે જમીન પર બેસી ગયો. આઠ વર્ષમાં તે પણ મોટી થઈ ગઈ હશે અને હવે કાબુલ જઈને તેની સાથે નવેસરથી ઓળખાણ કરવી પડશે. એ કોલકાતાની કોઈ ગલીમાં જઈને બેઠો એ પહેલાં નવલકથાકારે તેને પૈસાની એક મોટી નોટ હાથમાં પકડાવી દીધી અને કહ્યું કે, રહેમત તુ પણ દેશમાં તારી છોકરી પાસે પહોંચી જા. તમે બાપ-બેટી સુખેથી મળો તો મિનીનું કલ્યાણ થશે.

લગ્ન માટે બચાવેલા રૂપિયા કાબુલીને આપી દેવાથી નવલકથાકાર લગ્નમાં વીજળીનો ભપકો અને બેન્ડનો ખર્ચ કરી ના શક્યા. કેટલીક સ્ત્રીઓએ બબડાટ પણ કર્યો, પરંતુ છેલ્લી લીટીમાં ટાગોર પેલા નવલકથાકારના મોંઢે કહે છે કે: ...પરંતુ કોઈ અનેરા મંગલ પ્રકાશમાં મારો શુભ ઉત્સવ ઝળહળી ઉઠ્યો.
***

'કાબુલીવાલા' આશરે સવાસો વર્ષ પહેલાં, ૧૮૯૭માં, પ્રસિદ્ધ થઈ હતી. આ વાર્તા વાંચતી વખતે માલુમ પડે છે કે, એ વખતે કાબુલીઓ ગુલામીના વેપારમાં સંડોવાયેલા હશે! એક સરેરાશ બંગાળી તેમના પહેરવેશ, ખાન-પાન અને દેખાવના કારણે તેમને જુદી રીતે જોતો, પરંતુ ટાગોરે તેમની વાર્તામાં કાબુલીને 'ખૂની' દર્શાવીને ગુનેગાર નથી દર્શાવ્યો. આ ટાગોરના શબ્દોની તાકાત છે. ગુનાખોરી અટકાવવાનું કામ કાયદાનું છે અને માનવીય મૂલ્યોમાં વિશ્વાસ જીવંત રાખવાનું કામ સાહિત્યનું. ટાગોરે આ કામ બખૂબી કરી બતાવ્યું છે.

'કાબુલીવાલા'નો ગુજરાતી સહિત અનેક ભાષામાં અનુવાદ થયો છે. ગુજરાતીમાં આ વાર્તા રમણલાલ સોની અને મહાદેવ દેસાઈ જેવા બે ધુરંધર સહિત અનેક લોકોએ અનુવાદ કરી છે. 'કાબુલીવાલા' પરથી આ જ નામે ૧૯૫૭માં બંગાળી અને ૧૯૬૧માં હિન્દી ફિલ્મ પણ બની ચૂકી છે, પરંતુ ટાગોરની વાર્તામાંથી પસાર થવાનો અનુભવ કંઈક ઓર જ છે.

નોંધઃ પ્રતીકાત્મક તસવીરો ગૂગલ પરથી લીધી છે. 

23 May, 2017

ટાગોરના 'તરંગી' વાનગી પ્રયોગો


આમશોટ્ટો દૂધેય ફેલી 
તાહાતેય કોડોલી ડોલી
શોંદેશ માખિયા દિયા તાહેય
હાપૂશ-હુપુશ શોબ્દો
ચરીદિક નિસ્તોબ્ધો
પીપરા કન્ડિયા જાયે પાતે...

ના, અહીં ગુજરાતી ફોન્ટમાં ગરબડ નથી થઈ ગઈ. તમે બરાબર જ વાંચી રહ્યા છો. રવીન્દ્રનાથ ટાગોરે  બંગાળીમાં લખેલા આ કાવ્યમાં તેમના ભોજનપ્રેમની પ્રતીતી થાય છે. કવિવર કહેવા માગે છે કે, સુંવાળા સુંવાળા આમ પાપડ (કેરીનો રસ તડકે સૂકવીને બનાવેલા પાપડ) દૂધમાં નાંખો, થોડા પોચા પોચા કેળા પણ એમાં ઝબોળો અને પછી થોડું સોંદેશ (બંગાળી મીઠાઈ) પણ લઈ લો. એ પછીની નીરવ શાંતિમાં જઠરાગ્નિ ઠરી રહ્યો હોય એવો હાપૂશ-હુપુશ (એક પ્રકારનો અવાજ) અવાજ સંભળાશે. અરે, કીડીઓ પણ ખાલી વાસણો જોઈને તેમના માળામાં પાછી ફરશે અને આંસુડા સારશે.

'નિમંત્રણ' નામના અન્ય એક કાવ્યમાં પણ ટાગોરનો કેરી પ્રેમ છતો થાય છે. એ કાવ્યમાં ગુરુદેવ કહે છે કે, બીજું કશું ના હોય તો વાંસની ટોપલીમાં ગુલાબી ઝાંયવાળી થોડી કેરીઓ રેશમના રૂપેરી રૂમાલમાં લપેટીને લાવજો... આ કાવ્યોમાં ટાગોરના ભોજનપ્રેમની માત્ર નાનકડી ઝલક મળે છે. આજે બહુ ઓછા લોકો જાણે છે કે, ટાગોરે જીવનના ઉત્તરાર્ધના આશરે ચાળીસ વર્ષ સુધી જુદી જુદી વાનગીઓ બનાવવાના પ્રયોગો કર્યા હતા. રસપ્રદ વાત એ છે કે, બાળવયે જ લખવાનું શરૂ કરનારા ટાગોરે પહેલું કાવ્ય ભોજન વિશે જ લખ્યું હતું. સાહિત્ય અને સંગીતની જેમ તેઓ સ્વાદ-સુગંધના પણ જાણતલ અને માણતલ હતા. આજકાલ તો લોકો પોતાનાથી અલગ પ્રકારનો ખોરાક ખાનારા પ્રત્યે પણ સહિષ્ણુ નથી રહી શકતા, ત્યારે ટાગોર જેવા મહામેઘાવી વિશ્વમાનવના ‘સેક્યુલર’ ભોજન પ્રેમને ખાસ યાદ કરવો જોઈએ.


રવીન્દ્રનાથ ટાગોર

ટાગોર ૧૯૦૧માં ૪૦ વર્ષની વયે (આયુષ્ય કુલ ૮૦ વર્ષ) તેમના પિતાની માલિકીની શાંતિનિકેતન એસ્ટેટમાં રહેવા જતા રહ્યા હતા. આ એસ્ટેટને તેમણે આશ્રમમાં પરિવર્તિત કરી દીધી હતી. આ આશ્રમ સ્થાપતા પહેલાં ટાગોરે અગાધ વાંચન અને પ્રવાસ કરીને અન્ય ધર્મો, સમાજ, ગીતસંગીત, કળા-સંસ્કૃતિ અને ભોજનની આદતોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેઓ ખરા અર્થમાં વિશ્વ માનવ બની ચૂક્યા હતા. કદાચ એટલે જ ટાગોરને હોમ સિકનેસ જેવું કશું ન હતું. તેઓ નાનપણથી એક ઘરમાં લાંબો સમય સુધી રહ્યા ન હતા, કદાચ રહી શકતા જ ન હતા. શાંતિનિકેતનમાં પણ ટાગોરે અનેક ઘર અને કોટડીઓ બનાવી હતી. એ તમામ કોટડીમાં તેઓ વારાફરથી રહેવા જતા. આશ્ચર્યની વાત એ છે કે, ભોજનની બાબતમાં પણ ટાગોરે સતત આવા પ્રયોગો કર્યા હતા.

એક સમયે ટાગોરે શાંતિનિકેતનમાં ફક્ત ઉકાળેલા ભાત અને માટીના વાસણમાં બાફેલા શાકભાજી ખાવાનું શરૂ કર્યું હતું, જેથી બીજા લોકોએ પણ પરાણે એ પ્રયોગ કરવો પડતો. મહારાષ્ટ્રના સેવાગ્રામ આશ્રમથી  શાંતિનિકેતનમાં મહેમાન બનેલા કેટલાક સભ્યોએ ટાગોરને કહ્યું કે, લસણ પાચન માટે ખૂબ જ સારું છે. તો ગુરુદેવે સવાર-સાંજના ભોજન સાથે લસણની પેસ્ટ નાંખીને બનાવેલા ભજિયા ખાવાનું શરૂ કરી દીધું હતું. જીવનના એક તબક્કે ટાગોરને લાગ્યું કે, સૌથી ઉત્તમ આહાર તો બાફેલા શાકભાજી જ છે. વળી, બંગાળીઓ ૧૫ જાતની જુદી જુદી વાનગી બનાવવા ઘણો બધો સમય બગાડે છે. એ રીતે પણ બાફેલું ખાઈ લેવું ઉત્તમ છે. આવો વિચાર કરીને ટાગોર મહિનાઓ સુધી બાફેલા બટાકા, દૂધી, કોળું અને કારેલા પર લીંબુ નીચોવીને ખાઈ લેતા હતા.


ટાગોરે શાંતિનિકેતનમાં બનાવેલું (ક્લોકવાઈઝ) મૂળ ઘર ઉત્તરાયણ, પીળા રંગની દ્વિજ વિરામ કુટિર, ચીકણી માટીમાંથી 
બનાવેલી કુટિર શ્યામલી, સફેદ રંગનું ઘર ઉદયન અને વૃક્ષોની છાયામાં ઊભેલું પુનાસ્યા 

ટાગોર વારંવાર રહેવાનું સ્થળ બદલતા તેનાથી પરિવારના બીજા સભ્યોને ખાસ તકલીફ નહોતી, પરંતુ તેમના જાતભાતની વાનગીઓ બનાવવાના પ્રયોગોથી શાંતિનિકેતનના બીજા સભ્યો રીતસર ચિંતિત રહેતા. થોડી રમૂજી બાબત એ પણ છે કે, ગુરુદેવ ખૂબ જ ઓછું ભોજન લેતા અને ચિત્રવિચિત્ર વાનગીઓ બનાવવાના પ્રયોગો કરાવીને બીજાને ખવડાવતા. આ ઉપરાંત તેઓ રસોઈ બનાવવાથી માંડીને વિવિધ વાનગીઓની ડાઇનિંગ ટેબલ પરની સજાવટનું એક કલાકાર જેવી બારીક દૃષ્ટિથી ધ્યાન રાખતા. તેઓ બધી જ વાનગીઓ આરસપહાણના સુંદર થાળી-વાટકામાં તૈયાર કરાવતા અને પછી જ ચીવટપૂર્વક પીરસવાનું શરૂ થતું. ગુરુદેવ ભોજન લેવામાં ઓછો રસ લેતા, પરંતુ રસોઈ બનવાથી માંડીને પીરસાય ત્યાં સુધીની બધી જ બાબતોની જાત-તપાસ કરતા.

એકવાર ટાગોર એવું જાણી લાવ્યા કે, લીમડાના પાંદડાનો ગાળ્યા વિનાનો જ્યૂસ અને એરંડાના તેલમાં તળેલા પરાઠા શરીર, મગજ અને આત્મા માટે ઉત્તમ છે. થોડા દિવસ તેમણે આ પ્રયોગ પણ કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, ટાગોર પરિવારની સ્ત્રીઓ પણ ગુરુદેવમાં ઊંડો વિશ્વાસ રાખી તેમના વાનગી પ્રયોગોમાં સાથ આપતી. ટાગોરના પત્ની મૃણાલિની દેવીના હસ્તે જેકફ્રૂટ યોગર્ટ કરી, દહીં માલપુઆ, સુરણની જલેબી, ફૂલગોબી સોંદેશ, પરવર-જિંઘાનું રાયતું તેમજ મસ્ટર્ડ (સરસવ) પેસ્ટમાં રાંધેલા માંસ જેવી એક એકથી ચડિયાતી વાનગીઓ જન્મી હતી. બંગાળમાં દાયકાઓથી દરિયાઈ ખોરાક, સુરણ અને ખાંડથી ભરપૂર મીઠાઈઓ ભરપૂર ખવાય છે, જે તેની ભૂગોળ અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને આભારી છે. શાંતિનિકેતનમાં મૃણાલિની દેવીનું અલાયદું રસોડું પણ હતું. ત્યાં તેઓ  જાતભાતના વાનગી પ્રયોગો કરતા અને ટાગોરના તરંગી વિચારોનો પણ અમલ કરતા. એ સમયે સ્ત્રીઓમાં સ્વાદિષ્ટ રસોઈ બનાવવાની આવડત હોય તો એ ખૂબ મોટો ગુણ ગણાતો.

ટાગોરે ૧૮૮૬માં તેમના જેવા જ ભેજાબાજોની 'ખામ ખેયેલી સભા' એટલે કે 'તરંગી લોકોની ક્લબ' શરૂ કરી હતી. આ ક્લબના સભ્યોમાં વિજ્ઞાાની જગદીશચંદ્ર બોઝ, દેશબંધુ ચિત્તરંજન દાસ, સાહિત્યકાર શરદચંદ્ર ચટોપાધ્યાય, શાસ્ત્રીય ગાયક રાધિકાનાથ ગોસ્વામી અને બંગાળી કવિ-સંગીતકાર દ્વિજેન્દ્રલાલ રે જેવી હસ્તીઓનો સમાવેશ થતો. આ ક્લબની બેઠકમાં ખાણીપીણી સૌથી મહત્ત્વનો હિસ્સો રહેતો. આ દરમિયાન ભોજનની જવાબદારી મૃણાલિની દેવી સંભાળી લેતા અને બધી જ વાનગીઓ આગવી તહેજીબથી પીરસાતી. શાંતિનિકેતનના રસોડામાં અમુક શાકભાજીની છાલ અને બિયામાંથી પણ સ્વાદિષ્ટ વાનગી બનાવવાના પ્રયોગો થયા હોવાનું નોંધાયું છે. 


બોર્નવિટાની જાહેરખબરમાં ગુરુદેવ અને દસમી જુલાઈ, ૧૯૧૨ના રોજ ગીતાંજલિના પ્રકાશન વખતે ઈન્ડિયા સોસાયટી-લંડન 
દ્વારા આયોજિત પાર્ટીનું મેન્યૂ. આ મેન્યૂમાં વિસિચિયસ (બટાકામાંથી બનતો એક પ્રકારનો સૂપ), પ્રોન (જિંઘા) કોકટેલ, એગ્સ ફ્લોરેન્ટાઈન, કિચ લોરેઇન (ઓપન પેસ્ટ્રી જેવી નોનવેજ કેક),  ચિકન અ લા કિવ,  શેફર્ડ્સ પાઈ, ફોન્ડૂ, ફિશ વેરોનિક,
રેટેટ્યૂલી  (શાકભાજીનો વઘારેલો સલાડ), બ્લેક ફોરેસ્ટ રુલેડ અને એપલ સ્ટ્રુડેલ જેવી વાનગીઓનો ઉલ્લેખ છે.

શાંતિનિકેતનમાં આવ્યા પછી ટાગોરે અમેરિકા, યુકે, ઇટાલી, સ્પેન, તૂર્કી, આર્જેન્ટિના તેમજ બાલીજાવા, મલેશિયા અને સિંગાપોરનો પ્રવાસ કર્યો હતો. ટાગોર ખરા પ્રવાસી હતા તેથી જ્યાં જાય ત્યાંથી રાજકીય, સાહિત્યિક અને ગીત-સંગીતની જેમ ભોજનની પણ ઊંડી જાણકારી લઈને આવતા. જે કોઈ દેશોમાં ટાગોરના માનમાં ભોજન સમારંભો યોજાય ત્યારે તેઓ એક મેન્યૂ કાર્ડ અચૂક સાથે રાખી લેતા. આજેય વિશ્વભારતીની આર્કાઇવ્સમાં એ મેન્યૂ કાર્ડ સચવાયેલા છે. ગુરુદેવે આપેલી માહિતીના આધારે શાંતિનિકેતનમાં પશ્ચિમી વાનગીઓ બનતી અને ફ્યૂઝન વાનગીઓના પણ પ્રયોગો થતાં. ટાગોરે પશ્ચિમી દેશોના કલાત્મક વાસણોનો પણ સંગ્રહ કર્યો હતો, જેમાં તેઓ બંગાળી વાનગીઓનો લુત્ફ ઉઠાવતા.

ટાગોરને વાંસનું શાક પણ ખૂબ જ ભાવતું. વર્ષ ૧૯૧૩માં નોબલ પુરસ્કાર મળ્યા પછી ટાગોરની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરી. એ પછી ઉત્તર-પૂર્વ ભારત અને પૂર્વ બંગાળ (આજનું બાંગ્લાદેશ)ના લોકો ટાગોરને શાંતિનિકેતન મળવા આવે ત્યારે વાંસ (રાંધીને ખાઈ શકાય એવું) લઈને આવતા. આજેય આ પ્રદેશોમાં વાંસનું શાક મોટા પાયે ખવાય છે. બંગાળની પ્રખ્યાત 'ચોરચોરી' પણ ટાગોરની પસંદીદા વાનગી હતી. બટાકા, કોળું, શક્કરિયા અને રીંગણ જેવા શાકભાજીને સરસવના તેલમાં સાંતળીને બનાવાતી આ વાનગીમાં ક્યારેક માછલીનો પણ ઉપયોગ થાય છે. સવાર-સાંજનું ભોજન લેવામાં ટાગોર ટિપિકલ બંગાળી હતા, પરંતુ માંસ-માછલી અને સૂપની બાબતમાં તેઓ પશ્ચિમી હતા. જર્મનીની બોર કેમિકલ કંપનીએ ૧૮૯૮માં સેનેટોજિન નામનું બ્રેઇન ટોનિક બજારમાં મૂક્યું હતું. ગુરુદેવ રોજ રાત્રે એ પીને સૂઈ જતા. બ્રિટીશકાળમાં ટાગોર બોર્નવિટાની પ્રિન્ટ જાહેરખબરમાં દેખાયા હતા.


આ બંને પુસ્તકમાં ટાગોર પરિવારના રસોડાની અંતરંગ માહિતી મળે છે

આશ્ચર્યની વાત એ છે કે, જીવનની અંતિમ ક્ષણ સુધી લેખન કરનારા ટાગોરે અમુક કવિતાઓને બાદ કરતા ભોજન વિશે ખાસ કંઈ લખ્યું નથી. જોકે, ટાગોર પરિવારની સ્ત્રીઓ જાતભાતની વાનગીઓ અને પ્રયોગોની ડાયરીમાં નોંધ (બંગાળી ભાષામાં) કરતી. એ આદતના કારણે જ આપણને બંગાળી ભોજનના ઇતિહાસને લગતા ઉત્તમ પુસ્તકો મળી શક્યા છે. આવું જ એક પુસ્તક એટલે 'વિમેન ઓફ ધ ટાગોર હાઉસહોલ્ડ'. આ પુસ્તક ચિત્રા દેબે બંગાળીમાં જ લખ્યું હતું, જેનો સ્મિતા ચૌધરી અને સોના રોયે અંગ્રેજી અનુવાદ કર્યો છે. પેગ્વિન ઈન્ડિયાએ ૨૦૧૦માં પ્રકાશિત કરેલા આ પુસ્તકમાં ટાગોર પરિવારની સ્ત્રીઓ સાથે સંકળાયેલો રોચક ઇતિહાસ આલેખાયો છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૫માં કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસે 'કલિનરી કલ્ચર ઓફ કોલોનિયલ ઇન્ડિયા' નામે પ્રકાશિત કરેલા પુસ્તકમાં પણ ટાગોર પરિવારના રસોડાની માહિતી મળે છે. ટાગોર પરિવારના રસોડામાં શું બનતું, ટાગોર પરિવારની સ્ત્રીઓએ કઈ કઈ વાનગીઓની શોધ કરી તેમજ સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં ટાગોર પરિવારના અમૂલ્ય પ્રદાન વિશે જાણકારી મેળવવા માગતા લોકો માટે આ બંને પુસ્તકો તૃપ્તિનો લાંબો ઓડકાર આપે એવા છે.

આશરે ત્રણ સદીનો ઇતિહાસ ધરાવતા ટાગોર પરિવારે રાજકીય, સામાજિક, સાહિત્ય, ગીત-સંગીતની જેમ ભારતની આહાર સંસ્કૃતિના વિકાસમાં પણ જબરદસ્ત પ્રદાન આપ્યું છે એ વાંચતી વખતે અચંબિત થયા વિના રહી શકાતું નથી!

28 December, 2015

ટાગોર-ઓકામ્પોઃ ફ્રોમ આર્જેન્ટિના વિથ લવ...


મને ખાલી હાથે વિદાય આપ
રખેને પ્રેમની તેં ચૂકવેલી કિંમત
મારા હૃદયની નિર્ધનતાને ઉઘાડી પાડે
એટલે એજ સારું છે હું નિઃશબ્દ રહું
અને મને ભૂલી જવામાં તને મદદ કરું

રવીન્દ્રનાથ ટાગોરે આર્જેન્ટિનાની વિક્ટોરિયા ઓકામ્પો નામની એક સન્નારીને 'આશંકા' નામનું આ કાવ્ય (અહીં મૂળ બંગાળી કાવ્યના અંગ્રેજી અનુવાદનો ભાવાનુવાદ મૂક્યો છે.) અર્પણ કર્યું હતું. આ કવિતામાં ટાગોર વિક્ટોરિયાને કહે છે કે, હું નિઃશબ્દ થઈ જાઉં એ સારું છે જેથી મને ભૂલી જવામાં તને મદદ કરી શકું. જોકે, ટાગોર અને ઓકામ્પો જીવનના અંત સુધી એકબીજાને ભૂલી શક્યા ન હતા. ઊલટાનું ટાગોર જીવનના અંતિમ ૧૭ વર્ષ વિક્ટોરિયાને લાગણીમય પત્રો લખીને 'લાઈવ કોન્ટેક્ટ'માં રહ્યા હતા.

વિક્ટોરિયા નવેમ્બર ૧૯૨૪માં આર્જેન્ટિનાથી ટાગોરને પત્ર લખીને આ કવિતાનો જવાબ આપતા લખે છે કે,  ''ફરી નિહાળવાની કોઈ તક મળવાની ન હોય તો પણ ભારતનું તમારું પોતાનું આકાશ તમે ભૂલી શકો ખરા? મારે માટે તમે એ આકાશ જેવા છો. પ્રત્યેક કળી અને એકેએક પર્ણથી પોતાને પ્રકાશમાં દૃઢમૂળ કરવા વૃક્ષ જેમ શાખાઓ પસારે છે તેમ મારાં હૃદય ને મન તમારા તરફ વળ્યાં છે. બારીમાંથી ડોકાઈ સૂર્યનો અણસાર પામવાથી વૃક્ષને કદી સંતોષ થાય ખરો? એને તો થાય કે સૂરજ એના પર વરસે, તેને ભીંજવી નાંખે અને સૂર્યનું તેજ ચૂસી તેનું નાનામાં નાનું જીવડું પણ ફૂલમાં ખીલી ઊઠવાનો આનંદ ઊજવે. આકાશમાંથી વરસતા પ્રકાશને લઈને જ વૃક્ષ પોતાની જાતને ઓળખે છે, પ્રકાશ સાથે એકાકાર થઈને જ વૃક્ષ મહોરે છે. વૃક્ષ પ્રકાશને કદી ભૂલી ન શકે, કારણ કે પ્રકાશ જ તેનું જીવન છે...'' 

નવેમ્બર ૧૯૨૪માં ટાગોર આર્જેન્ટિનામાં પહેલીવાર વિક્ટોરિયાને  મળે છે ત્યારે તેમની ઉંમર હતી ૬૩ વર્ષ, જ્યારે વિક્ટોરિયાની ઉંમર હતી ૩૪ વર્ષ. આ મુલાકાત પછી ટાગોર અને વિક્ટોરિયાએ અજાણતા જ સર્જેલું 'પત્ર સાહિત્ય' વાંચતા આપણી સમક્ષ ટાગોર અને વિક્ટોરિયાના જીવનનું, તેમના વ્યક્તિત્વનું એક અનોખું પાસું ખૂલે છે. ટાગોર-વિક્ટોરિયાની મુલાકાત એક રસપ્રદ અકસ્માત હતો. વર્ષ ૧૯૧૩માં 'ગીતાંજલિ' માટે નોબલ પુરસ્કાર મળ્યા પછી ટાગોર વૈશ્વિક સ્તરની ખ્યાતનામ હસ્તી હતા. બંગાળમાં શાંતિનિકેતન અને વિશ્વભારતીની સ્થાપના થઈ ગઈ હતી અને તેની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરી રહી હતી. આ સંસ્થાઓ માટે ભંડોળ ભેગું કરવા ટાગોર વિશ્વભ્રમણ કરી રહ્યા હતા.

રવીન્દ્રનાથ ટાગોર અને વિક્ટોરિયા ઓકામ્પો

આ દરમિયાન ઓક્ટોબર ૧૯૨૪માં ટાગોરને લેટિન અમેરિકાના નાનકડા દેશ પેરુના સ્વાતંત્ર્ય સંગ્રામની શતાબ્દી વર્ષની ઉજવણીમાં ભાગ લેવાનું આમંત્રણ મળ્યું હતું. ટાગોર હાજર રહે તો પેરુ સરકાર વિશ્વભારતી માટે એક લાખ ડૉલરનું દાન આપવાની હતી. એ પછી ટાગોરે મેક્સિકોની મુલાકાતે જવાનું હતું અને ત્યાંની સરકાર પણ એક લાખ ડૉલરનું દાન આપવાની હતી. આ આમંત્રણ પહેલાં જ ૬૦ વર્ષ વટાવી ચૂકેલા ટાગોર ચીન-જાપાનના ચાર મહિનાના પ્રવાસેથી થાકીને પરત ફર્યા હતા. આમ છતાં, શાંતિનિકેતનને આર્થિક મજબૂતી આપવાના હેતુથી તેઓ દરિયાઈ માર્ગે લેટિન અમેરિકા જવા નીકળ્યા. જોકે, જહાજમાં ટાગોરની તબિયત બગડતા તબીબોએ તેમને સંપૂર્ણ આરામની સલાહ આપી. ટાગોરને એવી પણ સલાહ અપાઈ કે, પેરુની સરમુખત્યાર સરકાર તેમના જેવી વિભૂતિને 'સરકારી કાર્યક્રમ'માં હાજર રાખે તો વિશ્વમાં અયોગ્ય સંકેતો જઈ શકે છે! (આ સલાહ કોણે આપી હતી એ જાણી શકાયું નથી.) આ કારણોસર ટાગોર અને તેમના અમેરિકન સેક્રેટરી લિયોનાર્ડ એમહર્સ્ટે આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ એરિસમાં રોકાવું પડ્યું.

જોકે, ટાગોરને અનિશ્ચિત દિવસો સુધી હોટેલમાં રોકાવું પોસાય એમ નહોતું એટલે લિયોનાર્ડે મદદ માટે સંપર્કો કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેને જાણકારી મળી કે, બ્યુનોસ એરિસથી થોડે દૂર સાન ઈસિદ્રોમાં વિક્ટોરિયા ઓકામ્પો નામની ટાગોરની એક ઘેલી વાચક અને ચાહક રહે છે. વિક્ટોરિયાએ ફક્ત ૨૨ વર્ષની વયે મનગમતા યુવક સાથે લગ્ન કર્યા હતા પણ લગ્નજીવન ભંગાણે ચડતા તેમણે 'લિગલ સેપરેશન' મેળવ્યું હતું. એ દુઃખદ દિવસોમાં 'ગીતાંજલિ'નો ફ્રેન્ચ અનુવાદ વાંચીને વિક્ટોરિયાના મનને શાંતિ મળી હતી. તેમણે ટાગોરના અંગ્રેજી, ફ્રેન્ચ અને સ્પેનિશ અનુવાદો પણ વાંચ્યા હતા. આર્જેન્ટિનાના અગ્રણી અખબારોમાં પણ વિક્ટોરિયા પ્રસંગોપાત લખતા હતા. તેમણે ગાંધી, રસ્કિન (બ્રિટીશ કળા વિવેચક, વિચારક) અને દાંતે વિશે લેખો લખ્યા હતા. ટાગોર આર્જેન્ટિના આવ્યા ત્યારે યોગાનુયોગે તેમણે 'રવીન્દ્રનાથને વાંચવાનો આનંદ' શીર્ષક હેઠળ એક લેખ લખ્યો હતો. આર્જેન્ટિનાના સાહિત્ય જગતમાં વિક્ટોરિયા ઓકામ્પો એક ઊભરતું નામ હતું. તેમનું એક નાનકડું પુસ્તક પણ પ્રગટ થયું હતું અને એક નાટકના પ્રકાશનની તૈયારી થઈ રહી હતી. તેઓ પણ ટાગોરની જેમ સ્કૂલમાં નહીં પણ ઘરે ભણ્યા હતા અને જમીનદાર પરિવાર સાથે સંકળાયેલા હતા.

વિક્ટોરિયાને જ્યારે ખબર પડી કે, ટાગોર આર્જેન્ટિના આવ્યા છે ત્યારે તેની ખુશીનો પાર ના રહ્યો. તેમણે ટાગોર જેવા મહાન યજમાનને નદી કિનારે આવેલો 'વિલા મિરાલરિયો' રહેવા આપી દીધો અને પોતે પિતાના ઘરે રહેવા જતા રહ્યા. આ વિલામાં ટાગોર ૫૦ દિવસ રોકાયા. અહીં એક આર્મચેર (આરામખુરશી) પર બેસીને ટાગોરે ઘણી બધી કવિતાઓ-ગીતોનું સર્જન કર્યું. આર્જેન્ટિનાથી પરત ફરતી વખતે વિક્ટોરિયાએ તેમને આ આર્મચેર ભેટ આપી હતી, જેને ભારત લાવવા માટે ટાગોરે જહાજના કેબિનનો દરવાજો તોડાવી નંખાવ્યો હતો. આ આર્મચેર આજેય શાંતિનિકેતનમાં છે. નવેમ્બર ૧૯૨૪માં વિલા મિરાલરિયોમાંથી તેઓ વચ્ચે પત્રવ્યવહાર અને રોમેન્ટિક સંબંધ શરૂ થયો હતો. ટાગોર-વિક્ટોરિયાએ એકબીજાને ૬૦ પત્ર લખ્યા હતા, જે તેમના વચ્ચે કેવો શારીરિક આકર્ષણયુક્ત અને નાજુક લાગણીમય પ્રેમસંબંધ હતો એ વાતના લેખિત પુરાવા છે. તેઓનો સંબંધ એટલી નાજુક ક્ષણે પહોંચ્યો હતો કે, નવેમ્બર-ડિસેમ્બર ૧૯૨૪માં એક જ સ્થળે અને ક્યારેક એક જ ઘરમાં હોવા છતાં તેમણે રુબરુ વાત કરવાના બદલે એકબીજાને પત્રો લખ્યા હતા. આવા કુલ નવ પત્ર છે. એક પત્રમાં વિક્ટોરિયા લખે છે કે, ''લાગણી હૃદયતંત્રને હલબલાવી મૂકે ત્યારે બોલી શકાતું નથી...'' વિક્ટોરિયાએ અનેક પત્રો વહેલી પરોઢે અને મધરાત્રે લખ્યા છે, જે પત્રો પર લખેલા સમય પરથી ખબર પડે છે. ૧૫મી જાન્યુઆરી, ૧૯૨૫ના રોજ વિક્ટોરિયાએ ટાગોરને લખેલા પત્રમાં 'ગુરુદેવ' સંબોધન કર્યું છે અને કૌંસમાં એક મુગ્ધ પ્રેમિકાની જેમ લખ્યું છે કે, વન થાઉઝન્ડ ટાઈમ્સ ડિયર.



વિક્ટોરિયાનો ટાગોર પ્રત્યેનો પ્રેમ ઉત્કટ હતો. આ ઉત્કટતા પાછળ વિક્ટોરિયાની ઉંમર જવાબદાર હોઈ શકે. ટાગોર મધરાત્રે વાતો કરે, કવિતાઓ બોલે અને વિક્ટોરિયા મંત્રમુગ્ધ થઈને સાંભળ્યા કરે એવું પણ ઘણીવાર થયું હશે, એવું પત્રો વાંચીને ખબર પડે છે. ટાગોરે લખ્યું છે કે, ''એકલતાનો ભારે બોજ લઈને હું જીવી રહ્યો છું... મારા અંતરને કોઈ પામે એવી મારી અભિલાષા ફક્ત સ્ત્રીના પ્રેમ વડે સંતોષોઈ શકે એમ છે... તુ મને ચાહે છે એટલે જ આ બધી વાતો તને કહી શકું છું...'' આ પ્રકારના લખાણોમાં ટાગોરની ઊંડી એકલતાની વેદનાનું પ્રતિબિંબ પડે છે. અંગ્રેજીના 'વિક્ટરી' શબ્દ પરથી જ વિક્ટોરિયા શબ્દ બન્યો હોવાથી ટાગોરે પાછળથી તેમને 'વિજયા' કહેવાનું શરૂ કર્યું હતું. વિક્ટોરિયાએ પણ અનેક પત્રોમાં પોતાની સહી 'વિજયા' કરી છે. ટાગોરના જીવનમાં વિજયાનું આગમન ઠંડી હવાની લહેરખી સમાન હતું. આ મુલાકાત પછી જ ટાગોરે જીવનના ઢળતા પડાવે ઉચ્ચ કક્ષાનું સાહિત્ય સર્જ્યું હતું અને ચિત્રો દોરવાનું પણ શરૂ કર્યું હતું. વર્ષ ૧૯૩૦માં ટાગોરે વિજયાની મદદથી જ પેરિસમાં પોતાના સિલેક્ટેડ ચિત્રોનું પ્રદર્શન કર્યું હતું. આ ચિત્ર પ્રદર્શન જ તેમની વચ્ચેની બીજી અને આખરી મુલાકાત માટે નિમિત્ત બન્યું હતું. ટાગોર પેરિસ ગયા ત્યારે તેમની પાસે ૪૦૦ ક્લાસિક ચિત્રોનો પોર્ટફોલિયો હતો.

ટાગોરે આર્જેન્ટિના જતી વખતે જહાજમાં લખેલા તેમજ આર્જેન્ટિના પહોંચીને લખેલા કાવ્યો-ગીતો વર્ષ ૧૯૨૫માં પ્રકાશિત 'પૂરબી' કાવ્યસંગ્રહમાં સમાવાયા છે, જે તેમણે વિજયાને અર્પણ કર્યા છે. 'પૂરબી'ની એક કવિતામાં તેઓ વિજયાને 'ગેરસમજ નહીં કરવા' અને 'પાછું વળીને નહીં જોવા'ની સલાહ આપે છે. જોકે, આવી કવિતા લખનારા ટાગોર ૨૬મી જાન્યુઆરી, ૧૯૩૯ના રોજ વિજયાને એવું પણ લખે છે કે, ''... આપણે જુદા જ વાતાવરણ વચ્ચે મળીએ એ ગોઠવવાનો વારો હવે તારો છે. એવી મુલાકાત તારા જીવનની વિરલ ઘટના બની રહેશે એની ખાતરી આપું છું...'' આમ, ટાગોરે પ્રેમમાં સભાનતા-સંયમની વાત કરતી કવિતાઓ જરૂર લખી પણ જીવનના અંતિમ વર્ષોમાં લખેલા પત્રોમાં વિજયાને મળવાની ટાગોરની આતુરતા છુપી રહી શકી નથી. ટાગોર-વિક્ટોરિયાના પ્રેમમાં ઉંમર આડે નહોતી આવી શકી કારણ કે, તેઓ બાહ્ય દેખાવના નહીં પણ એકબીજાના વ્યક્તિત્વના પ્રેમમાં હતા. આર્જેન્ટિનાના એ ૫૦ દિવસ પછીયે તેઓ સતત ૧૭ વર્ષ 'જીવંત પત્રો' થકી સહવાસમાં રહ્યા અને સાથે વિકસ્યા પણ ખરા. 

વર્ષ ૧૯૮૦માં શાંતિનિકેન, વિશ્વભારતી અને રવીન્દ્ર ભવને ટાગોર-વિક્ટોરિયાના પત્રોનું સંપાદન કરવાનું કામ બ્રિટન સ્થિત કેતકી કુશારી ડાયસન નામના સંશોધક-લેખિકાને સોંપ્યું હતું. આ પ્રોજેક્ટના ભાગરૂપે તેમણે 'ઈન યોર બ્લોસમિંગ ફ્લાવર-ગાર્ડન' નામના દળદાર પુસ્તકમાં આ પત્રો અને તેની સાથે સંકળાયેલો સંપૂર્ણ ઈતિહાસ આલેખ્યો છે. સંદર્ભો સમજવામાં મુશ્કેલી ના પડે એટલે આ પુસ્તકમાં પત્રો સાથે નોંધો-ટિપ્પણીઓ પણ છે. આ જ પુસ્તક પરથી ગુજરાતીમાં મહેશ દવેએ 'રવીન્દ્ર-ઓકામ્પો પત્રાવલિ' નામે નાનકડું સંકલિત પુસ્તક પણ તૈયાર કર્યું છે. 

નોંધઃ ટાગોર-વિક્ટોરિયાના પત્રો પરથી ધાંસુ ડિરેક્ટર માનવ કોલે ‘કલર બ્લાઈન્ડ’ નામનું નાટક તૈયાર કર્યું છે. પૃથ્વી થિયેટર-મુંબઈમાં સાતમીથી નવમી જાન્યુઆરી, 2016 દરમિયાન આ નાટકના સાત શો થવાના છે, જેની ટિકિટો બુક માય શૉ પરથી બુક કરાવી શકાય છે.