Showing posts with label RTI. Show all posts
Showing posts with label RTI. Show all posts

09 September, 2012

ભ્રષ્ટાચારી આઈએએસ અધિકારીઓ સીબીઆઈના સકંજામાં


બ્રિટનના જાણીતા ઈતિહાસકાર, રાજકારણી અને લેખક સર જ્હોન ડાલબર્ગે છેક 19મી સદીમાં કહ્યું હતું કે, “સત્તાનો ઝોક ભ્રષ્ટાચાર તરફ હોય છે, અને સંપૂર્ણ સત્તા સંપૂર્ણ ભ્રષ્ટાચાર પેદા કરે છે....” પરંતુ બાદમાં આ જાણીતું ક્વૉટ વિન્સ્ટન ચર્ચિલના નામે ચડાવી દેવાયું હતું. એની વે, આજે અહીં એવા જ આઈએએસ અધિકારીઓની વાત કરવી છે જેઓ ડાલબર્ગના એ પ્રખ્યાત ક્વૉટને સાચું સાબિત કરી રહ્યા છે. હાલ દેશમાં કૌભાંડોની મોસમ ખીલી છે અને આપણે રોજેરોજ નવા-નવા કૌભાંડી રાજકારણીઓના નામ બહાર આવી રહ્યા છે. આ રાજકારણીઓએ પોતાની અમર્યાદ સત્તાનો ઉપયોગ કોઈને કોઈ રીતે ભ્રષ્ટાચાર કરવામાં કર્યો છે. પરંતુ આ રાજકારણીઓને કૌભાંડો કરવામાં સૌથી વધુ મદદ આઈએએસ અધિકારીઓની મળે છે. એક તરફ વિનોદ રાય જેવા માથાફરેલ અધિકારી છે, જે એ વાતની સાબિતી આપે છે કે, એક અધિકારી ધારે તો શું નથી કરી શકતો? તો બીજી તરફ, કૌભાંડી આઈએએસ અધિકારીઓનો પણ પાર નથી.

એક આરટીઆઈમાં બહાર આવ્યું છે કે, જાન્યુઆરી 2011થી માર્ચ 2012 સુધીમાં જ દેશભરમાં 24 સિનિયર આઈએએસ અધિકારી સામે સીબીઆઈએ ભ્રષ્ટાચાર મુદ્દે તપાસ કરી છે. આ તમામ અધિકારીઓ સામે સીબીઆઈએ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ જમીન કૌભાંડ, અપ્રમાણસર મિલકત અથવા ખોટા નીતિવિષયક નિર્ણયો લેવા જેવા ગુના નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, આ હાઈ-પ્રોફાઈલ બ્યુરોક્રેટ્સ સામે કેસ આગળ વધારવા સીબીઆઈએ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેઈનિંગની મંજૂરી લેવી ફરજિયાત છે. અહેવાલો છે કે, ટૂંક સમયમાં આ તમામ આઈએએસ અધિકારીઓ સામે ચાર્જશીટ ફાઈલ કરીને કાયદેસરની પ્રક્રિયા હાથ ધરાશે.

અહીં આવા કેટલાક બ્યુરોક્રેટ્સની યાદી આપી છે, જેમની સામે ભ્રષ્ટાચારના કેસમાં તપાસ ચાલી રહી છે.

સિદ્ધાર્થ બેહુરાઃ સીબીઆઈએ પૂર્વ ટેલિકોમ મંત્રી એ.રાજા સાથે બેહુરાની પણ 2સ્પેક્ટ્રમ કેસમાં ધરપકડ કરી હતી. વર્ષ 1973ની બેચના યુ.પી. કેડરના આઈએએસ બેહુરા આ કૌભાંડના મુખ્ય આરોપીઓ પૈકીના એક છે. બેહુરાની ધરપકડ કરાઈ ત્યારે તેઓ નિવૃત્ત હતા. સીબીઆઈએ એ.રાજા અને અન્યો સહિત તેમની સામે પણ ચાર્જશીટ દાખલ કરી હતી.

સિદ્ધાર્થ બેહુરા 

પ્રદીપ વ્યાસઃ મહારાષ્ટ્રમાં આદર્શ હાઉસિંગ સોસાયટી કૌભાંડના આરોપી પ્રદીપ વ્યાસ વર્ષ 1989 બેચના મહારાષ્ટ્ર કેડરના આઈએએસ છે, જેમની સીબીઆઈએ તાજેતરમાં જ ધરપકડ કરી હતી. તેમની પર આરોપ છે કે, તેઓ મુંબઈમાં ઓગસ્ટ 2002થી મે 200દરમિયાન જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે આદર્શ કૌભાંડમાં આંખ આડા કાન કર્યા હતા. આ ઉપરાંત તેમણે આદર્શમાં ઘર ખરીદવા જે લાયક ન હતા તેમને પણ ખોટા દસ્તાવેજો સ્વીકારી લઈને ઘર ફાળવી આપ્યા હતા. તેમના પત્ની સીમા વ્યાસ પણ આઈએએસ છે, અને આદર્શમાં ફ્લેટના માલિક છે.

પ્રદીપ વ્યાસ 

જયરાજ ફાટકઃ વર્ષ 1978ની બેચના મહારાષ્ટ્ર કેડરના જયરાજ ફાટક પણ આદર્શ કૌભાંડના આરોપી છે. આ કૌભાંડ વખતે તેઓ રાજ્ય શહેરી વિકાસ વિભાગમાં મુખ્ય સચિવ હતા, અને તેમના પર હાઈ-રાઈઝ કમિટીની મંજૂરી લીધા વિના મુંબઈમાં 100 મીટરથી ઊંચું બિલ્ડિંગ બનાવવાની સંમતિ આપવાનો આરોપ છે. આદર્શ બિલ્ડિંગમાં તેમના પુત્રના નામે ફ્લેટ છે.

જયરાજ ફાટક  

કે. સુરેશકુમારઃ તેઓ વર્ષ 1982ની બેચના મધ્યપ્રદેશના આઈએએસ અધિકારી છે, અને તેમના પર વર્ષ 2007માં એક વિદેશી જહાજને ગેરકાયદે રીતે લંગરવાની મંજૂરી આપી હતી. એટલું જ નહીં, જહાજને લંગરવાની મંજૂરી આપ્યા પછી તેમણે જહાજના કેપ્ટન પાસેથી કોઈ ચાર્જ પણ વસૂલ્યો ન હતો. ઊલટાનું જહાજને વધારાની જગ્યા ફાળવી આપી હતી અને કોઈ કાયદેસરનો ખર્ચ પણ વસલ્યો ન હતો. આમ કરતા તંત્રને રૂ. 20 કરોડનું જંગી નુકસાન થયું હતું. સીબીઆઈએ તેમના ઘરે દરોડા પાડીને રૂ. 2.36 કરોડની જંગી રોકડ જપ્ત કરી હતી.

બી.વી. સેલવારાજઃ યુનિયન ટેરીટરી કેડરના વર્ષ 1981ની બેચના સેલવારાજે લક્ષદ્વીપમાં એક કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવાની ખાતરી આપીને લાંચ લીધી હતી.

અબ્રાહમ વરિકમક્કલઃ યુનિયન ટેરિટરી કેડરના વર્ષ 1998 બેચના અધિકારી વરિકમક્કલ વર્ષ 2006થી 2009 દરમિયાન એક કોન્ટ્રાક્ટર સાથે મળીને કાવતરું રચ્યું હતું. તેમણે લક્ષદ્વીપમાં નિયમોનું ઉલ્લંઘન કરીને આ કોન્ટ્રાક્ટરને નદીની રેતી અને ગ્રેનાઈટ પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

એલ.વી. સુબ્રમણ્યમઃ આંધ્રપ્રદેશના વર્ષ 1983ની બેચના અધિકારી સુબ્રમણ્યમ એમ્માર અને એજીએફ કૌભાંડમાં આરોપોનો સામનો કરી રહ્યા છે. તેમણે અન્ય આઈએએસ બી.પી. આચાર્ય સાથે મળીને મિલકત સંબંધિત કૌભાંડ આચર્યું હતું, જેમાં આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાય.એસ.આર. રેડ્ડી પણ સામેલ હતા.

બી.પી. આચાર્યઃ વર્ષ 1983ની બેચના આચાર્ય સામે હૈદરાબાદમાં ઔદ્યોગિક માળખા સંબંધિત ભ્રષ્ટાચારનો આરોપ છે. તેઓ આંધ્રપ્રદેશના ગૃહ સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે જાન્યુઆરી 2012માં તેમની ધરપકડ કરાઈ હતી.

વાય. શ્રીલક્ષ્મીઃ આંધ્રપ્રદેશના વર્ષ 1988ની બેચના અધિકારી શ્રીલક્ષ્મી પર ઓબુલાપુરમ માઈનિંગ કંપનીને લાભ કરાવ્યા હોવાનો આરોપ છે. આ દરમિયાન તેઓ આંધ્રપ્રદેશના ઔદ્યોગિક સચિવ હતા.

ઓ.રવિઃ વર્ષ 1983ની બેચના આઈએએસ રવિએ દમણ અને દીવ સ્થિત દારૂની ભઠ્ઠીઓ પાસેથી રૂ. 25 લાખની લાંચ માંગતા સીબીઆઈએ તેમની ધરપકડ કરી હતી. સીબીઆઈએ તેમના પર આરોપ મૂક્યો છે કે, કેટલીક ભઠ્ઠીઓને લાભ કરાવી આપવાથી સરકારને રૂ. 340 કરોડનું નુકસાન થયું છે. તેમની ધરપકડ થઈ એ પહેલાં તેઓ કેન્દ્રીય ગૃહ ખાતામાં સંયુક્ત સચિવ તરીકે ફરજ બજાવતા હતા.

સદાકાંતઃ ઉત્તરપ્રદેશના વર્ષ 1983ની બેચના અધિકારી સદાકાંત સામે લેહમાં તૈયાર થઈ રહેલા મહત્ત્વાકાંક્ષી રોડ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટમાં શંકાસ્પદ કાર્યવાહી કરવા બદલ તપાસ ચાલી રહી છે. અગાઉ તેઓ ગૃહ ખાતામાં બોર્ડર મેનેજમેન્ટમાં સંયુક્ત સચિવ તરીકે ફરજ બજાવતા હતા.

મનોજકુમાર અગ્રવાલઃ પશ્ચિમ બંગાળના વર્ષ 1990ની બેચના અધિકારી મનોજકુમાર સામે અપ્રમાણસરની મિલકત મુદ્દે તપાસ ચાલી રહી છે.

રાકેશ મોહનઃ વર્ષ 1978ની બેચના અધિકારી રાકેશ મોહન દિલ્હીમાં ફાઈનાન્સિયલ કમિશનર હતા ત્યારે તેમણે પ્રાઈવેટ કંપની પાસેથી રૂ. ત્રણ કરોડની લાંચ લીધી હતી. આ લાંચ લઈને તેમણે કંપનીને દિલ્હી જળ બોર્ડની પાઈપલાઈની મરમ્મત કરવાનો રૂ. 35.84 કરોડનો ઓવર-વેલ્યૂ કોન્ટ્રાક્ટ આપી દીધો હતો.

પરિમલ રાયઃ વર્ષ 1985ની બેચના અધિકારી રાય સામે કોમનવેલ્થ કૌભાંડના આરોપીઓ પૈકીના એક છે. આ કૌભાંડ આચરાયું ત્યારે તેઓ નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ હતા. કોમનવેલ્થ કોમ્પ્લેક્સમાં કન્વેન્શન સેન્ટર બાંધવામાં તેમની અનિયમિતતાના કારણે સરકારી તિજોરીને રૂ. 15 કરોડનું નુકસાન થયું હતું.

વિનોદકુમારઃ વર્ષ 1989ની બેચના અધિકારી વિનોદકુમાર ઓરિસ્સા રૂરલ હાઉસિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હતા. તેમની સામે કુલ રૂ. 475 કરોડના ગોટાળાના સાત કેસમાં તપાસ ચાલી રહી છે. 

પ્રદીપ શુકલાઃ વર્ષ 1981ની બેચના આઈએએસ પ્રદીપ શુકલા સામે ઉત્તર પ્રદેશના નેશનલ રૂરલ હેલ્થ મિશનના કૌભાંડમાં સંડોવણીનો આરોપ છે. પોતાની બેચના ટોપર શુકલા ઉત્તરપ્રદેશમાં અનેક મહત્ત્વના હોદ્દા સંભાળી ચૂક્યા છે. તેમની પત્ની અનુરાધા શુકલા પણ ઉત્તરપ્રદેશના આઈએએસ અધિકારી છે.

કે. ધનલક્ષ્મી ગૌડાઃ વર્ષ 2000ની બેચના આઈએએસ ગૌડા ઉત્તરપ્રદેશ સ્ટેટ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના જમીન કૌભાંડના આરોપી છે. તેમની સામે અપ્રમાણસરની મિલકતના આરોપ છે.

ડૉ. પ્રદીપકુમારઃ ઝારખંડના પૂર્વ આરોગ્ય સચિવ પ્રદીપકુમારનું નામ નેશનલ રૂરલ હેલ્થ મિશન કૌભાંડમાં ગાજ્યા બાદ તેઓ મહિનાઓ સુધી ભાગતા ફરતા હતા. વર્ષ 1991 બેચના અધિકારી પ્રદીપકુમાર રૂ. 130 કરોડ કરતા પણ વધુ રકમના કૌભાંડના આરોપી છે. તેમની પર રૂ. 4.85 કરોડની લાંચ લેવાનો અને અપ્રમાણસરની મિલકતના આરોપ છે.

દેબાદિત્ય ચક્રબોર્થીઃ પશ્ચિમ બંગાળની વર્ષ 1976ની બેચના અધિકારી ચક્રબોર્થીની કોલકાતામાં રૂ. 125 કરોડના કૌભાંડમાં સીબીઆઈએ ધરપકડ કરી હતી. તેમના પર એક ચાઈનીઝ કંપની સાથે કાચું લોખંડ નિકાસ કરવાનો સોદો કરીને કટકી કરવાનો આરોપ છે.

આર.એમ. જમીરઃ પશ્ચિમ બંગાળના વર્ષ 1977ની બેચના અધિકારી જમીર ચક્રબોર્થી સાથેના કૌભાંડમાં સહ-આરોપી છે.

શિવશંકર શર્માઃ બિહારના વર્ષ 1981ની બેચના અધિકારી શર્મા સામે અપ્રમાણસરની મિલકતનો કેસ ચાલી રહ્યો છે.

આ લેખની શરૂઆતમાં જ્હોન ડાલબર્ગનું ક્વૉટ ટાંક્યું છે કે, “સત્તાનો ઝોક ભ્રષ્ટાચાર તરફ હોય છે, અને સંપૂર્ણ સત્તા સંપૂર્ણ ભ્રષ્ટાચાર પેદા કરે છે....” પરંતુ જ્યોર્જ બર્નાડ શૉએ પણ છેક 19મી સદીમાં એવું અવલોકન કર્યું હતું કે, “સત્તાના કારણે માણસ ભ્રષ્ટ નથી થતો. પરંતુ મૂર્ખાઓને સત્તા મળી જતા તેઓ સત્તાને ભ્રષ્ટ કરે છે.” ખરેખર તો આપણે દેશની શિક્ષણ વ્યવસ્થાને પણ વ્યાપક ભ્રષ્ટાચાર માટે દોષી ઠેરવવી જોઈએ. કારણ કે, આજની શિક્ષણ વ્યવસ્થા વિદ્યાર્થીમાં દેશપ્રેમ, નૈતિકતા જેવા મૂલ્યોનું સિંચન કરવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. વિદ્યાર્થી જાતભાતની પરીક્ષાઓમા પાસ થઈને અમુક-તમુક હોદ્દા પર પહોંચી જાય તેના કરતા વધુ મહત્ત્વનું તે એક સારો વ્યક્તિ બને. તાજા અહેવાલો મુજબ, એક આરટીઆઈમાં જાણવા મળ્યું છે કે જાન્યુઆરી 2009થી નવેમ્બર 2011 દરમિયાન વિવિધ રાજ્ય સરકારો અને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેઈનિંગે 312 આઈએએસ અધિકારી સામે વિવિધ ગુના બદલ તપાસ શરૂ કરી હતી. પરંતુ તેમાંથી 86 અધિકારી સામેની તપાસ રદ કરાઈ છે અથવા તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

નોંધઃ તસવીરો ઈન્ટરનેટ પરથી લીધી છે. 

16 August, 2012

કમાન્ડોથી ઘેરાયેલા રાજકારણીઓને હથિયારોનું બેફામ વેચાણ


આપણે છેલ્લાં કેટલાક દિવસથી હરિયાણાના સિરસાના અપક્ષ વિધાનસભ્ય ગોપાલ કાંડાના સમાચારો વાંચી અને સાંભળી રહ્યા છીએ. ગીતિકા શર્મા નામની પૂર્વ એર હોસ્ટેસના આત્મહત્યાના કેસમાં તેમની ભૂમિકા અત્યંત શંકાસ્પદ છે. ગોપાલ કાંડાએ વર્ષ 2009માં હરિયાણાની ચૂંટણી વખતે 63 કરોડની જંગી સંપતિ જાહેર કરી હતી અને એ વખતે તેમની સામે 10 ગંભીર ગુના નોંધાયેલા હતા. નવાઈની વાત તો એ છે કે, આ દરમિયાન તેઓ પોતાની માલિકીની રાઈફલ અને પિસ્તોલ પણ ધરાવતા હતા. કાંડાએ ચૂંટણી વખતે આ હથિયારો જાહેર કર્યા એનો અર્થ એ છે કે, તેમની પાસે આ હથિયારોનું લાઈસન્સ હતું. તેમને ફક્ત સુરક્ષા માટે આ લાઈસન્સ આપવામાં આવ્યું હતું. આખરે 10 ગંભીર ગુનામાં સંડોવાયેલી વ્યક્તિ પોતાની સુરક્ષા માટે ચિંતિત હોય એ સમજી શકાય એવી બાબત છે. આપણી કમનસીબી છે કે, વિશ્વના સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં રાજકારણીઓ તમામ પ્રકારના નીતિનિયમોમાંથી બાકાત છે. સામાન્ય માણસ તો કદાચ એવું પણ વિચારતો હશે કે, રાજકારણીઓને પોતાના મત વિસ્તારમાં સિક્યોરિટી સ્ટાફ સાથે શૂટિંગ પ્રેક્ટિસ કરવાની છૂટ અપાઈ હશે. કદાચ એટલે જ તેઓ ચૂંટણીમાં જીતની હવામાં ફાયરિંગ કરીને ઉજવણી કરતા હોય છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, બિહાર, રાજસ્થાન અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં પણ આ દૃશ્ય સામાન્ય છે. આ જીતના જશ્નમાં ગોળી વાગવાથી ક્યારેક કોઈનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ જાય છે, અને કદાચ તેણે પણ પોતાના નેતાને મત આપ્યો હોય છે!

તાજેતરમાં જ આરટીઆઈ એક્ટિવિસ્ટ અંબરીશ પાંડેએ કસ્ટમ વિભાગના એન્ટી સ્મગલિંગ યુનિટમાં અરજી કરીને દેશના કયા સાંસદોને કેટલા હથિયારો વેચવામાં આવ્યા એના આંકડા માંગ્યા હતા. જેના આધારે એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ અને નેશનલ ઈલેક્શન વૉચ નામની સંસ્થાઓએ દેશના તમામ સાંસદોને વેચેલા હથિયારોનું પૃથક્કરણ કરતા કેટલીક ચોંકાવનારી માહિતી બહાર આવી છે. આ અભ્યાસમાં માલુમ પડ્યું છે કે, 31 ઓગસ્ટ, 2001થી 12 એપ્રિલ, દરમિયાન ભારત સરકાર પાસેથી 82 સાંસદોએ બંદૂકો ખરીદી છે, અને તેમાંના 18 સાંસદોને તો તેમની સામે વિવિધ ગુનાની તપાસ ચાલતી હતી ત્યારે જ  હથિયારો વેચાયા હતા. વળી, આ સાંસદો સામે સામાન્ય નહીં પણ હત્યા, હત્યાની કોશિષ કે અપહરણ જેવા ગંભીર ગુના નોંધાયેલા છે. ઉત્તરપ્રદેશના સમાજવાદી પક્ષના સાંસદ આતિક અહેમદ સામે હત્યા, હત્યાની કોશિષ સહિત સૌથી વધુ 44 ગુના નોંધાયેલા છે. ત્યાર પછીના ક્રમે સમાજવાદી પક્ષના જ સાંસદો મહારાષ્ટ્રના અબુ આસિમ આઝમી અને ઉત્તરપ્રદેશના રાકેશ સાચન છે, જેમની સામે સાત જેટલા ગંભીર ગુનાની તપાસ ચાલી રહી છે. ગુનેગાર સાંસદોને વેચેલા હથિયારો કસ્ટમ વિભાગે જપ્ત કર્યા હતા, અને બાદમાં વીઆઈપી, સાંસદોને ‘વહેલા તે પહેલા’ના ધોરણે બજારમૂલ્ય કરતા ઘણાં ઓછા ભાવે વેચી માર્યા હતા.

આતિક અહેમદ
અબુ આસિમ આઝમી
રાકેશ સાચન

હવે, સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે, દેશમાં નિયમ પ્રમાણે લગભગ તમામ સાંસદોને પોલીસ સુરક્ષા આપવામાં આવે છે. આમ છતાં તેમને હથિયારો કેમ વેચવામાં આવ્યા? એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના અહેવાલમાં પણ આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે. વળી, 18 સાંસદો તો ગુનેગાર છે અને તેમની સામે હજુ પણ તપાસ ચાલી રહી છે ત્યારે તેમને હથિયારો વેચવામાં આવ્યા એ મુદ્દે પણ સરકાર સમક્ષ ખુલાસો માંગવામાં આવ્યો છે. જો કોઈ સામાન્ય વ્યક્તિ પાસે લાયસન્સ હોય તો પણ તેને આવી રીતે હથિયાર આપવામાં આવતા નથી. આપણે એવું ક્યારેય સાંભળ્યુ નથી કે, કોઈ રાજકારણી પર હુમલો થયો, રસ્તામાં તેમને લૂંટી લેવાયા કે પછી તેમના ઘરે ચોરી થઈ. પરંતુ આપણે રોજેરોજ સમાચારો વાંચીએ, સાંભળીએ છીએ કે, કોઈ વ્યક્તિ પર લૂંટના ઈરાદે હુમલો થયો કે કોઈના ઘરમાં, દુકાનમાં ચોરી થઈ ગઈ વગેરે. આમ છતાં સરકાર સામાન્ય વ્યક્તિ પાસે લાયસન્સ હોય તો પણ તેની સાથે ભેદભાવભર્યું વર્તન કરે છે. બીજી તરફ, જેમને હથિયારો વેચવામાં આવ્યા છે તેવા રાજકારણીઓ કે વીઆઈપી પાસે હથિયાર છે કે નહીં એની પણ સમયાંતરે યોગ્ય તપાસ કરવામાં આવતી નથી. પરિણામે આજે પણ દેશના અનેક વિસ્તારોમાં બ્લેક માર્કેટમાં ખૂબ ઊંચી કિંમતે હથિયારોનું વેચાણ કરવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, મોટા ભાગના રાજકારણીઓ પોતાનું હથિયાર ખોવાઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાવી દે છે, અને સરકાર પાસેથી સસ્તામાં ખરીદેલા હથિયારોનું ઊંચી કિંમતે વેચાણ કરી દે છે.

અંબરીશ પાંડે કહે છે કે, “નાણાં મંત્રાલય હેઠળના સેન્ટ્રલાઈઝ્ડ સેલ પોઈન્ટ હેઠળ સરકાર વીઆઈપીઓને અનૌપચારિક, અબાધિત અને અપારદર્શક વેચાણ કરી શકે છે. જેમ કે, સેન્ટ્રલ ઈકોનોમિક ઈન્ટેલિજન્સ બ્યુરોના નિવૃત્ત ડીજી કક્ષાના અધિકારી એસ.પી.એસ. પુંડિરને વિવિધ કેસની તપાસ દરમિયાન જોખમ રહેતું હોવા છતાં બંદૂક આપવાની ના પાડી દેવાઈ હતી, અને ડેસ્ક જોબ કરતા અન્ય એક અધિકારીને હથિયારની ફાળવણી કરાઈ હતી. અમારી પાસેના પુરાવા દર્શાવે છે કે, કુલ 800માંથી આવી રીતે 40 જેટલી અપવાદરૂપ વ્યક્તિને હથિયારો વેચવામાં આવ્યા છે.” ઉપરોક્ત બંને સંસ્થાઓના અભ્યાસમાં એ પણ બહાર આવ્યું છે કે, સાંસદોએ ખરીદેલા હથિયારોમાં રજર રાઈફલ M-77 માર્ક 11, બેરેટા પિસ્તોલ, 0.22બોર આસ્તા પિસ્તોલ, 7.65mm ઝેક પિસ્તોલ, 7.65mm વૉલ્ધર પિસ્તોલ, કોલ્ટ રિવોલ્વર, રેમિંગ્ટન રાઈફલ વગેરેનો સમાવેશ થાય છે. વિધિની વક્રતા તો એ છે કે, ચારેય તરફ સુરક્ષા કવચથી ઘેરાયેલા નેતાઓને અત્યંત સહેલાઈથી હથિયારોના લાયસન્સ અને હથિયારોની બેફામ ફાળવણી થઈ રહી છે. બીજી તરફ, સામાન્ય પ્રજા અને મહિલાઓ છડેચોક લૂંટાઈ રહી છે. વર્ષ 2011માં નવી દિલ્હી પોલીસ સમક્ષ આશરે 500 જેટલી મહિલાઓએ બંદૂકનું લાયસન્સ લેવા અરજી કરી હતી. પરંતુ દિલ્હી પોલીસે તેમાંથી ફક્ત 33 મહિલાના લાયસન્સ મંજૂર કર્યા હતા. જોકે, આ પૈકી કેટલીક મહિલાઓ પેલા રાજકારણીઓ જેવી પણ હશે, જે ફક્ત શોખ ખાતર બંદૂક રાખતી હશે, અને પછી કદાચ બ્લેક માર્કેટમાં વેચી દેતી હશે!

ગંભીર ગુનાના આરોપી સાંસદોને વેચાયેલા હથિયારો 

  1. આતિક અહેમદ, ઉત્તરપ્રદેશ, રજર રાઈફલ M-77 માર્ક 11, 30.6mm 782-22893
  2. અબુ આસિમ આઝમી, મહારાષ્ટ્ર, 9mm પિસ્તોલ, પીપીકે, 0.380 બોર 156987
  3. રાકેશ સાચન, ઉત્તપ્રદેશ, પી. બેરેટા પિસ્તોલ
  4. પી.ડી.એલાનગુઆન, તમિળનાડુ, 0.22 બોર આસ્તા પિસ્તોલ
  5. અફઝલ આઝમી, ઉત્તરપ્રદેશ, 0.32 બોર પિસ્તોલ
  6. બ્રજેશ પાઠક, ઉત્તરપ્રદેશ, 7.65mm ઝેક પિસ્તોલ 047251
  7. કપિલ મુનિ, ઉત્તરપ્રદેશ, રજર રિવોલ્વર, 0.357 મેગ્નમ
  8. સંગીતાકુમારી દેવ, ઓરિસ્સા, 7.65mm બેરેટા પિસ્તોલ
  9. રાકેશ પાંડે, ઉત્તરપ્રદેશ, S&W રિવોલ્વર, કેલ 0.44LR
  10. આર.કે.સિંઘ પટેલ, ઉત્તરપ્રદેશ, બ્રાઉનિંગ પિસ્તોલ, 0.32 બોર
  11. ધરમરાજ સિંઘ, ઉત્તરપ્રદેશ, 0.32 બોર રિવોલ્વર
  12. એસ. સૈદુઝ્ઝામન, ઉત્તરપ્રદેશ, 7.65mm વૉલ્ધર પિસ્તોલ
  13. દયાભાઈ વી. પટેલ, દીવ-દમણ, 0.32 બોર રિવોલ્વર
  14. સી.કુપ્પુસ્વામી, તમિળનાડુ, 7.65mm વૉલ્ધર પિસ્તોલ
  15. જુઆલ ઓરમ, ઓરિસ્સા, 0.32 બોર રિવોલ્વર
  16. આર.કે. પાંડે, ઝારખંડ, 0.32 બોર રિવોલ્વર
  17. યશવીરસિંઘ, ઉત્તરપ્રદેશ, કાર્લ વૉલ્ધર પિસ્તોલ 9mm કુર્ઝ
  18. રવિન્દ્રસિંઘ પાંડે, ઝારખંડ, પાર્કર હૉલ રાઈફલ 30.06 બોર
આ તમામ સાંસદો સામે કોઈને કોઈ ગંભીર ગુનાની તપાસ ચાલી રહી હતી ત્યારે તેમને સરકાર દ્વારા હથિયારો વેચવામાં આવ્યા હતા. આ યાદીમાં ઓરિસ્સાના મહિલા સાંસદ સંગીતાકુમારી દેવનો પણ સમાવેશ થાય છે, જેમની સામે આઈપીસી 294 મુજબ ત્રણ ગુનાની તપાસ ચાલી રહી છે. નોંધનીય છ કે, જાહેરમાં અશ્લીલ હરકત કરવા બદલ આઈપીસી 294 મુજબ ગુનો નોંધવામાં આવે છે.


નોંધઃ દેશના કયા પક્ષના, કયા સાંસદોને, કયા હથિયારો ફાળવાયા અને તેમની સામે કઈ કલમ હેઠળ   કયા ગુના નોંધાયેલા છે વગેરે વિસ્તૃત માહિતી મેળવવા આપ આ લિંક પરથી પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. http://adrindia.org/content/analysis-guns-sold-mps