Showing posts with label Green Revolution. Show all posts
Showing posts with label Green Revolution. Show all posts

18 October, 2016

દાલ સે દાલ મિલા...


વિશ્વને કઠોળનું મહત્ત્વ સમજાવવા યુનાઈટેડ નેશન્સે વર્ષ ૨૦૧૬ને 'ઈન્ટરનેશનલ યર ઓફ પલ્સ' જાહેર કર્યું છે. ભારત જેવા કુપોષણથી પીડાતા અને જેની ૩૭ કરોડથી પણ વધુ વસતી શાકાહારી છે તેમના માટે તો કઠોળ બીજા કોઈ પણ દેશ કરતા ઘણાં મહત્ત્વના હોવા જોઈએ, પરંતુ એવું નથી. કેમ?

વારતહેવારે આપણે સમાચારો વાંચીએ સાંભળીએ છીએ કે, કઠોળના ભાવમાં ફરી તોતિંગ વધારો... ભાવવધારો કાબૂમાં લેવા સરકાર કઠોળની આયાત કરશે... વગેરે. આમ છતાં, કઠોળનો ભાવવધારો ડુંગળી જેટલો રાજકીય રીતે સંવેદનશીલ મુદ્દો નથી બની શકતો. આમ આદમી આ સમાચારો ઉપરછલ્લા વાંચીને ભૂલી જાય છે. ખરેખર તો ડુંગળીના ભાવવધારા વખતે થાય છે એના કરતા પણ વધારે હોબાળો કઠોળના ભાવ વધે ત્યારે થવો જોઈએ, પરંતુ એવું થતું નથી. એનું કારણ એ છે કે, આપણને જીભના ચટાકા વગર નથી ચાલતું પણ પોષક દ્રવ્યોથી ભરપૂર આહાર વિના ચાલી જાય છે.

જસ્ટ કિડિંગ, જોક અપાર્ટ.

તુવેર, મગ, અડદ, ચણા, વાલ, અને ચોળા જેવા તમામ કઠોળનું જન્મસ્થાન ભારતીય ઉપખંડ છે. એટલે જ ભારતના તમામ વિસ્તારોના મુખ્ય ભોજનમાં સદીઓથી જુદા જુદા સ્વરૂપે કઠોળ ખવાય છે. ગુજરાત અને મહારાષ્ટ્રનું મુખ્ય ભોજન દાળ-ભાત-શાક-રોટલી છે અને મ્હોં મીઠું કરવા પૂરણપોણી ખવાય છે, ઉત્તર ભારતમાં રાજમા-ચાવલની બોલબાલા છે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં દાલ-બાટી, સ્ટફ્ડ દાળની પૂરી અને દાળ કચોરી વધારે ખવાય છે તો દક્ષિણ ભારતની ઈડલી હોય કે દોસા- સાંભર વિના ભોજન અધૂરું છે. ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં દાલમાની બોલબાલા છે તો સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર અને નાગાલેન્ડ જેવા રાજ્યો માંસાહારી હોવા છતાં અનેક વાનગીની ગ્રેવીમાં કઠોળનો મોટા પાયે ઉપયોગ થાય છે. આમ છતાં, ભારતમાં કઠોળનું ઉત્પાદન અનાજ કરતા અનેકગણું ઓછું થાય છે અને મુખ્ય ભોજનમાંથી કઠોળનું મહત્ત્વ ધીમે ધીમે ભૂંસાતુ ગયું છે. આવું કેમ?

આ સ્થિતિના મૂળિયા હરિયાળી ક્રાંતિમાં પડેલા છે.

કેવી રીતે? ચાલો ટૂંકાણમાં સમજીએ.
* * *

કટ ટુ ૧૯૬૦. આઝાદી પછીના એ વર્ષો હતા. વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ કોઈ પણ સંજોગોમાં દેશને અન્ન ઉત્પાદન બાબતે પગભર બનાવવા માગતા હતા. આ દરમિયાન ભારતીય કૃષિ વિજ્ઞાની એમ. એસ. સ્વામીનાથન અને અમેરિકન કૃષિ નિષ્ણાત નોર્મન બર્લોએ વધુને વધુ ઉત્પાદન કરી આપે એવા ઘઉંના બીજ વિકસાવ્યા. એવી જ રીતે, લેબોરેટરીઓમાં વધુ ઉત્પાદન આપતા ચોખાના બીજ પણ વિકસાવાયા. પ્રાથમિક તબક્કે ઘઉં અને ચોખાનું વધુને વધુ ઉત્પાદન કરવાની યોજનાઓ ઉત્તરપ્રદેશ, પંજાબ અને હરિયાણામાં લાગુ કરાઈ. એ દિવસોમાં આવી રીતે શરૂ થયેલો ઘઉં અને ચોખા પ્રેમ અત્યારે આપણને ભારે પડી રહ્યો છે.




હરિયાળી ક્રાંતિ વખતે ઘઉં અને ચોખાનું એટલું જંગી ઉત્પાદન થયું કે, અન્નની અછતનો પ્રશ્ન તો ઉકેલાઈ ગયો, પરંતુ એ પછી આપણે કઠોળની હરિયાળી ક્રાંતિ કરવા પર ભાર જ ના આપ્યો. અત્યારે દેશમાં લાખો લોકો ભૂખે-તરસે મરે છે એનું કારણ અનાજ-પાણીની અછત નહીં પણ તેનું 'ક્રિમિનલ મિસમેનેજમેન્ટ' જવાબદાર છે. એવી જ રીતે, લાખો ભારતીયો કુપોષણથી પીડાય છે એનું કારણ કઠોળ જેવા પોષક દ્રવ્યોથી ભરપૂર અન્ન મોંઘું છે, એ પણ છે. હરિયાળી ક્રાંતિ પછીના ૫૬ વર્ષમાં અનાજનું ઉત્પાદન સાડા આઠસો (૮૫૦) ગણું વધ્યું છે, જ્યારે કઠોળના ઉત્પાદનમાં માંડ ૫૦ ટકાનો વધારો નોંધાયો છે. દેશમાં અનાજનો પાક લેવાતી ૫૮ ટકા જમીનને સિંચાઈ પહોંચી ગઈ છે, જ્યારે કઠોળનો પાક લેવાય છે એવી માંડ ૧૬ ટકા જમીન પર સિંચાઈની સુવિધા છે. આ સ્થિતિના કારણે જ સરકારે કરોડો રૂપિયા ખર્ચીને તુવેર જેવા મુખ્ય કઠોળની જંગી આયાત કરવી પડે છે. ભારતમાં એક કરોડ, ૮૦ લાખ ટન તુવેર દાળનું ઉત્પાદન થાય છે, જે વિશ્વના કુલ ઉત્પાદનના ૨૫ ટકા બરાબર છે. આમ છતાં, સરકારે ૫૫ લાખ ટન તુવેર દાળની આયાત કરવી પડે છે. આટલી આયાત કરવા ભારત સરકારની તિજોરીમાંથી દર વર્ષે આશરે ચાર અબજ ડૉલરનો ખર્ચ થાય છે.

હવે અડધી સદી પછી કેન્દ્ર સરકારો કુપોષણ જેવી મહા મુશ્કેલી સામે લડવા કઠોળનો શસ્ત્રની જેમ ઉપયોગ કરવા મથામણ કરી રહી છે. વર્ષ ૨૦૦૯થી રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અભિયાન હેઠળ કઠોળનું ઉત્પાદન વધારવા તનતોડ પ્રયાસ શરૂ કરાયા હતા, પણ તેમાં હજુ મોટી સફળતા મળી નથી. આ અભિયાન હેઠળ જ મધ્યાહ્ન ભોજન અને આંગણવાડી યોજનાઓમાં ચણા ચિક્કી અને લચકો-દાળભાતનું વિતરણ કરવાની યોજનાઓ ચાલી રહી છે. જો કઠોળનું જંગી ઉત્પાદન કરીને તેને 'મધ્યમ અને ગરીબ વર્ગ માટે પણ સસ્તું' બનાવી શકાય તો જ દેશભરના યુવાનોનું આરોગ્ય વિકસિત દેશોની પ્રજા જેવું થઈ શકે! આ વાત બોલવામાં જેટલી સહેલી છે એટલી જ અઘરી છે. હાલ દેશમાં કરોડો લોકો કુપોષણથી પીડાઈ રહ્યા છે, જેમાં ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યોનો પણ સમાવેશ થાય છે. જે લોકોને બે ટંક ખાવાનું જ નસીબ નથી એમના આરોગ્યનો મુદ્દો સરકાર પર છોડી દઈએ પણ મધ્યમ અને શ્રીમંત વર્ગમાં પણ કુપોષણ વકર્યું છે, એનું શું? એ માટે આર્થિક સંકડામણ નહીં પણ ખાણીપીણીની કુટેવો અને અસંતુલિત ડાયેટ જવાબદાર છે.

આ વર્ગ ખરીદ શક્તિ ધરાવે છે પણ 'પહેલું સુખ તે જાતે નર્યા'નું હાર્દ નથી સમજતો. તેઓ કઠોળ, શાકભાજી-ફળો, સૂકામેવા જેવા પોષણક્ષમ આહારના બદલે હોટેલ ફૂડ પાછળ વધારે ખર્ચ કરે છે. બીજી તરફ, મધ્યમ વર્ગે એક મહત્ત્વની વાત સમજવા જેવી છે. શાકભાજી અને ફળોના ઊંચા ભાવના કારણે કઠોળ હવે તેમના માટે ‘વાસ્તવિક અર્થમાં’ મોંઘા નથી રહ્યા. કેમ કે, મધ્યમ વર્ગીય લોકો પણ દર મહિને શાકભાજી-ફળફળાદિ માટે ચોક્કસ બજેટની ફાળવણી કરતા જ હોય છે. જો તેઓ સમગ્ર પરિવારનું ડાયેટ સંતુલિત કરવા ઈચ્છતા હોય તો અઠવાડિયામાં બે-ચાર દિવસ શાકભાજી, ફળો કે જંક ફૂડની બાદબાકી કરીને કઠોળનો ઉમેરો કરી શકે છે. એટલે આર્થિક દૃષ્ટિએ વિચારીએ તો પણ આઝાદી પછીના છ દાયકામાં આપણા ડાયેટમાં કઠોળનું મહત્ત્વ ઓછું થયું એ સ્થિતિ સામે લડવું બહુ અઘરું નથી. ટૂંકમાં કઠોળ સરવાળે મોંઘા નહીં પડે એની ગેરંટી કારણ કે, નિયમિત કઠોળ ખાવા એ લાંબા ગાળાના આરોગ્ય માટે પણ ઉત્તમ છે.

કઠોળમાં પ્રોટીનની સાથે ફાયબર, આયર્ન, ફોલિક એસિડ, મેગ્નેશિયમ, સેલેનિયમ અને વિટામિન સી, ઈ જેવા એન્ટિ-ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં પોટેશિયમ પણ પ્રચુર માત્રામાં હોય છે, જે સોડિયમની અસર ઘટાડીને બ્લડ પ્રેશન નીચું રાખવામાં મદદ કરે છે. શરીર માટે હાનિકારક સોડિયમ 'રેડી ટુ ઇટ' નમકીન અને બ્રેડની વાનગીઓમાં મોટા પ્રમાણમાં હોય છે. જો અત્યાર સુધી 'પડીકા'થી જ પેટ ભર્યું હોય તો તેની આડઅસરો રોકવા કઠોળ ઉત્તમ છે. કઠોળમાં આઈસોફ્લેવોન્સ અને ફાયટોસ્ટેરોલ્સ નામના કેન્સરનું જોખમ ઘટાડતા તત્ત્વો પણ હોય છે. આ ઉપરાંત કઠોળમાં કોલેસ્ટ્રોલ ઘટાડીને હૃદયરોગનું જોખમ ઘટાડતું લાયઝિન નામનું તત્ત્વ પણ હોય છે. કઠોળ રોજેરોજ ખાવામાં આવે તો થોડા જ સમયમાં લોહીની નળીઓમાં જમા થયેલો કોલેસ્ટ્રોલ જેવો કચરો સાફ થવા લાગે છે.

જો કઠોળને અનાજ સાથે રાંધવામાં આવે તો પ્રોટીનની ગુણવત્તા ઓર સુધરે છે. કઠોળ વિટામિન સી સાથે (વાંચો લીંબુ નીચોવીને) લેવામાં આવે તો લોહીમાં ખૂબ ઝડપથી આયર્ન અને ફોલિક એસિડ ભળે છે. અનાજ અને કઠોળ બંનેનો ઉપયોગ કરીને બનાવાતી ભારતની અનેક સંસ્કૃતિની વાનગીઓમાં આ બધા જ તત્ત્વોનો ભરપૂર (જો યોગ્ય રીતે બનાવામાં આવે તો) લાભ મળે છે. જેમ કે, દાળભાત, દાળઢોકળી, ખીચડી, રાજમા ચાવલ, બેસન ભાખરી, ભેળપુરી, ઈડલી સંભાર અને વરણ ભાત વગેરે. વરણ ભાત મહારાષ્ટ્ર-ગોઆની જાણીતી વાનગી છે. વરણ ભાતનો દેખાવ અને સ્વાદ ગુજરાતી લચકો-દાળભાત જેવો હોય છે. ગણેશચતુર્થીના નૈવેધમાં પણ વરણ ભાતનો સમાવેશ થાય છે. એકના બદલે બે-ચાર દાળ ભેગી કરીને તૈયાર કરેલી આવી વાનગીઓ તો પોષક દ્રવ્યોનો ઉત્તમ સ્રોત છે.

કઠોળ અન્ન સુરક્ષા અને પોષણની દૃષ્ટિએ તો ખરા જ, પર્યાવરણની દૃષ્ટિએ પણ એટલા જ મહત્ત્વના છે. ઘઉં અને ચોખા જેવી વધારે ઉપજ આપતી પેદાશો કરતા કઠોળનો પાક ઓછા પાણીએ લઈ શકાય છે. ચોખા માટે તો ખેતર પાણીમાં ડૂબાડેલું રાખવું પડે છે. માંસની સરખામણીએ પણ કઠોળનું ઉત્પાદન ૫૦ ટકા ઓછા પાણીએ કરી શકાય છે. આમ, કઠોળનો પાક પાણી બચાવવામાં પણ ઉપયોગી છે. વળી, કઠોળને પ્રતિ એકર ઓછામાં ઓછા ખાતર અને જંતુનાશકોની જરૂર પડે છે. કઠોળમાં કુદરતી રીતે જ પ્રચૂર માત્રામાં નાઈટ્રોજન તત્ત્વો આવેલા છે, જેના કારણે નાઈટ્રોજનયુક્ત ખાતરની જરૂર પડતી નથી. નાઈટ્રોજનયુક્ત ખાતરનું ઉત્પાદન કરતી વખતે કાર્બન પ્રદૂષણ થાય છે. એ રીતે કઠોળનો વધુને વધુ પાક લઈને હવાઈ પ્રદૂષણ ઘણું ઘટાડી શકાય છે. આ ઉપરાંત અનાજના પાક સાથે કઠોળની ફેરબદલી અને એક જ ખેતરમાં બીજા પાક સાથે કઠોળનું ઊભા પટ્ટામાં ઉત્પાદન જેવા સીધાસાદા ઉપાયો અજમાવીને દર વર્ષે કઠોળનું ઉત્પાદન વધારી શકાય છે. પાક લેવાની આ પદ્ધતિથી જમીનની ગુણવત્તા પણ સુધરે છે. એ માટે બહુ ખેડૂતોને બહુ ખર્ચ કરવાની જરૂર નથી પડતી.

આમ, કઠોળ ફક્ત માણસજાત માટે જ નહીં પણ પર્યાવરણના ત્રણેય મહત્ત્વના તત્ત્વો હવા, પાણી અને જમીન માટે પણ અત્યંત લાભદાયી છે.

16 May, 2016

નશે મેં ‘ઉડતા પંજાબ’


મકડી, મકબૂલ (આસિસ્ટન્ટ ડિરેક્ટર), ધ બ્લુ અમ્બ્રેલા, ઓમકારા (આસિસ્ટન્ટ ડિરેક્ટર, રાઈટર), કમીને (રાઈટર), ઈશ્કિયા, દેઢ ઈશ્કિયા (ડિરેક્ટર) જેવી ઓફ બીટ ફિલ્મો પછી ૧૭મી જૂન, ૨૦૧૬ના રોજ અભિષેક ચૌબેની ડિરેક્ટર તરીકે ઉડતા પંજાબઆવી રહી છે. આ ફિલ્મના ટ્રેલરની શરૂઆતમાં જ અંગ્રેજી ભાષામાં અને પંજાબી ઉચ્ચારોમાં ચેતવણી આપતો એક સંદેશ અપાયો છે : ‘‘જો પંજાબના યુવાનો આવી જ રીતે ડ્રગ્સનો નશો કરતા રહેશે તો પંજાબ થોડા સમયમાં મેક્સિકો બની જશે.’’ એક સમયે પંજાબ શબ્દ બોલતા જ હરિયાળી ક્રાંતિ, સરસવના પીળા ખેતરો, પંજાબી ભોજન અને લસ્સી યાદ આવતી હતી, જ્યારે આજનું પંજાબ હરિયાળી ક્રાંતિની આડઅસરમાંથી પેદા થયેલા કેન્સરના દર્દીઓ અને ડ્રગ્સના દુષણનો ગઢ બની ગયું છે. હાલ ભારતના બીજા રાજ્યોમાં, પશ્ચિમી દેશોમાં કે સિંગાપોર-મલેશિયા જેવા એશિયાઇ દેશોમાં હેરોઇન વાયા પંજાબ પહોંચે છે. જોકે, પંજાબ ડ્રગ્સની ચુંગાલમાં રાતોરાત નથી ફસાયું પણ છેલ્લાં ૩૬ વર્ષમાં થયેલી કેટલીક રાજકીય અને સામાજિક ઘટનાઓની ધીમે ધીમે થયેલી ભયાનક અસર એ માટે જવાબદાર છે.

પંજાબમાં ડ્રગ્સની હેરાફેરી થવાનું સૌથી મોટું કારણ છે વર્ષ ૧૯૮૦માં ઈરાન-ઈરાક વચ્ચે થયેલું યુદ્ધ. આ યુદ્ધ ૨૨મી સપ્ટેમ્બર, ૧૯૮૦થી ૨૦મી ઓગસ્ટ, ૧૯૮૮ સુધી એટલે કે સાત વર્ષ, ચાર અઠવાડિયા અને એક દિવસ ચાલ્યું હતું. આ યુદ્ધમાં બંને પક્ષે જોરદાર ખુવારી થઈ હતી. એ પછી ઈરાન-ઈરાકે બાલ્કન રૂટ ઘણાં લાંબા સમય સુધી બંધ કરી દીધો હતો. આ રસ્તો બાલ્કન ઉપખંડમાં આવેલો છે. દક્ષિણ પૂર્વીય યુરોપમાં આવેલા બાલ્કન ઉપખંડમાં અલ્બેનિયા, બલ્ગેરિયા, બોસ્નિયા, મોન્ટેનગ્રો, મેસેડોનિયા અને કોસોવો જેવા આખેઆખા દેશો આવી જાય છે. આ ઉપરાંત યુરોપના ગ્રીસ, ઈટાલી, તુર્કી, સર્બિયા, ક્રોએશિયા, સ્લોવેનિયા અને રોમાનિયા જેવા દેશોના અમુક હિસ્સો પણ બાલ્કન ઉપખંડનો એક ભાગ છે. હાલ આતંકવાદથી પીડિત ઈરાક, સીરિયા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના હજારો શરણાર્થીઓ યુરોપમાં બાલ્કન રૂટ થકી જ યુરોપિયન દેશોમાં પ્રવેશે છે. એક સમયે પશ્ચિમી દેશોમાં ડ્રગ્સ પહોંચાડવા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનના ડ્રગ્સ માફિયા બાલ્કન રૂટને સૌથી ઉત્તમ અને સુરક્ષિત ગણતા હતા. જોકે, હવે પશ્ચિમી દેશોમાં વાયા પંજાબ હેરોઇન નામનું ડ્રગ્સ પહોંચાડવામાં આવે છે.



ભારત-પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ડ્રગ્સ માફિયાઓની સિન્ડિકેટે પંજાબના ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓને આ ધંધામાં જોતરી દીધા છે. ટૂંકા રસ્તે લખલૂટ રૂપિયા કમાવવાની લાલચમાં પંજાબના અનેક યુવાનો પોલીસ અને રાજકારણીઓ હેન્ડલર બની ગયા છે. હવે અહીં ડ્રગ્સ સહેલાઈથી ઉપલબ્ધ છે. એટલે જ પંજાબના યુવાનોમાં ડ્રગ્સની નશાખોરી સતત વધી રહી છે. એક અંદાજ પ્રમાણે, પંજાબમાં ૧૬થી ૩૫ વર્ષની વયના ૭૦ ટકા યુવાનો ડ્રગ્સના બંધાણી છે અથવા ડ્રગ્સ લઈ ચૂક્યા છે. પંજાબમાં આર્થિક અસમાનતાના કારણે મધ્યમવર્ગીય યુવાનોમાં અસંતોષનું પ્રમાણ પણ વધારે છે. આ યુવાનોને પણ હરિયાળી ક્રાંતિ વખતે સમૃદ્ધ થયેલા ખેડૂત પુત્રોની જેમ ધૂમ પૈસા કમાઈને ‘સફળ’ થવું છે.  

આ સ્થિતિમાં ભારતમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ ૧૯૮૫ હેઠળ નોંધાયેલા અડધા ગુના પંજાબના છે. મીડિયામાં રોજેરોજ પંજાબ, જમ્મુ-કાશ્મીર કે રાજસ્થાનની સરહદો નજીક કરોડોનું હેરોઈન ઝડપાયુંજેવા સમાચારો ચમકે છે. દેશમાં પાંચમાં ભાગનું હેરોઇન એકલા પંજાબમાંથી પકડાય છે અને બાકીના ચાર ભાગના છેડા પંજાબ સુધી જાય છે. ડ્રગ્સની સૌથી વધારે ઘૂસણખોરી પંજાબની પાકિસ્તાન સાથેની સરહદેથી થાય છે.  આ સરહદો પર આવેલા પંજાબના અનેક અંતરિયાળ ગામો ડ્રગ્સની હેરાફેરીના ગઢ છે. પાકિસ્તાનના ડ્રગ હેન્ડલરોએ ભારતમાં સુરક્ષિત રીતે ડ્રગ્સ પહોંચાડવાની અનેક પદ્ધતિઓ વિકસાવી છે. પાકિસ્તાન તરફથી સીલબંધ પેક કવરમાં ડ્રગ્સના પેકેટ ભારતની સરહદમાં ફેંકવામાં આવે છે. આ ઉપરાંત સરહદોની ફેન્સિંગથી થોડે દૂર અન્ડરગ્રાઉન્ડ ટનલોમાં રબર ટ્યૂબ ફિટ કરીને પણ ડ્રગ્સની હેરાફેરી થાય છે. આ ટનલોમાં લાંબી સૂતળી જેવી દોરીઓ હોય છે, જેની મદદથી ભારતીય હેન્ડલરો ડ્રગ્સના પેકેટ ખેંચી લે છે.

એકવાર પંજાબમાં હેરોઈન ઘૂસી જાય પછી તે મુંબઈ અને કોલકાતા જેવા મોટા બંદરો સુધી પહોંચે છે. અહીંથી ડ્રગ્સના શિપમેન્ટ સીધા પશ્ચિમી દેશોમાં અથવા તો પાકિસ્તાનના અન્ય બંદરોથી પશ્ચિમી દેશોમાં પહોંચાડવામાં આવે છે. સિંગાપોર અને મલેશિયા જેવા દેશોમાં જતું હેરોઇન પણ પહેલાં પંજાબ પહોંચે છે. એ પછી તેને બેંગલુરુથી જતી ફ્લાઇટોમાં ડિલિવર કરાય છે. પંજાબમાં આવતું હેરોઇન મોટા ભાગે અફઘાનિસ્તાનનું હોય છે, જેનો મટા ભાગનો જથ્થો ભારત-પાકિસ્તાન થઈ અમેરિકા પહોંચે છે. છેલ્લાં ઘણાં સમયથી અમેરિકામાં હેરોઇનનો નશો કરવાનું દુષણ વધ્યું છે. આ પહેલાં અમેરિકામાં મેક્સિકન હેરોઇન અને બીજા ડ્રગ્સનો ઉપયોગ વધારે થતો હતો, પરંતુ અમેરિકન સરકારે  મેક્સિકો સરહદે ધોંસ બોલાવ્યા પછી ડ્રગ્સ માફિયાઓએ અફઘાનિસ્તાનના હેરોઇનનો સહારો લીધો છે.

પંજાબમાં પણ ડ્રગ્સનું સ્મગલિંગ નેટવર્ક ઉઘાડું પડી જ ગયું છે પણ વ્યાપક ભ્રષ્ટાચારના કારણે એ તૂટવાના બદલે વધારે ફૂલ્યુંફાલ્યું છે. પંજાબમાં ડ્રગ્સનું નેટવર્ક ઊભું થઈ શક્યું એ માટે ભ્રષ્ટ પોલીસ અને રાજકારણીઓની સાથે લશ્કરનો ભ્રષ્ટાચાર પણ વત્તેઓછે અંશે જવાબદાર છે. કેટલાક લાલચુ જવાનો રાષ્ટ્રીય સુરક્ષાની પણ પરવા કર્યા વિના ટૂંકા રસ્તે બિંદાસ પૈસા કમાવા ડ્રગ્સ માફિયાઓનો હાથો બની જાય છે. પઠાણકોટ એરબેઝ હુમલા પહેલાં આતંકવાદીઓએ જે આઈપીએસનું અપહરણ કર્યું હતું, એ સલવિન્દર સિંઘની ડ્રગ્સ માફિયાઓ સાથે સાંઠગાંઠ હોવાની શંકા સેવાઈ હતી. પંજાબમાં સુપરિન્ટેન્ડન્ટ સ્તરના અનેક પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓના નામ ડ્રગ્સની હેરાફેરીમાં ચમકી ચૂક્યા છે. એક સમયે પંજાબના જાણીતા રેસલર અને ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ જગદીશસિંઘ ભોલાને પણ ડ્રગ્સની હેરાફેરીમાં જ સસ્પેન્ડ કરાયા હતા. જાન્યુઆરી ૨૦૧૪માં ભોલાએ કબૂલ્યું હતું કે, પંજાબમાં સરકારી મશીનરીનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે થાય છે. હું તો પ્યાદું છું. આ કામમાં પંજાબના મહેસૂલ મંત્રી બિક્રમસિંઘ મજિઠિયા પણ સામેલ છે...

જોકે, ભોલાની કબૂલાતના બે વર્ષ પછીયે મજિઠિયાનો વાળ પણ વાંકો નથી થયો. ઊલટાનું થોડા દિવસ પહેલાં તેમણે ડ્રગ્સ કેસને લઈને બીજા નેતાઓ સાથે ટ્વિટર વૉર છેડ્યું હતું. જગદીશસિંઘ ભોલાના નિવેદનોના આધારે પંજાબ પોલીસે શિરોમણી અકાલી દલના નેતા મનીન્દર સિંઘ ઔલાખની પણ પૂછપરછ કરી હતી. ઔલાખે ચોંકાવનારો ઘટસ્ફોટ કરતા કહ્યું હતું કે, પંજાબમાં ડ્રગ્સની હેરાફેરી કરવા રાજ્ય સરકારના વાહનોનો ઉપયોગ કરાય છે... ભોલાના જ નિવેદનોના આધારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઔલાખ અને પંજાબના પ્રવાસન મંત્રી સરવણસિંઘ ફિલ્લુરના પુત્ર દમનવીર સિંઘની પણ પૂછપરછ કરી હતી. આ બંને પર રૂ. પાંચ હજાર કરોડના ડ્રગ્સ હેરાફેરીના નેટવર્કમાં સામેલ હોવાનો આરોપ છે. આ કેસમાં રાજકારણીઓની સાથે કેટલાક બિઝનેસમેનના નામ પણ ખૂલ્યા હતા, જેમાં મંથર ગતિએ તપાસનું નાટક ચાલી રહ્યું છે. પંજાબના ડ્રગ્સ નેટવર્ક વિશે પતિયાલાના સિનિયર સુપરિન્ટેડન્ટ હરદયાલ સિંઘે જાહેરમાં કહ્યું હતું કે, પંજાબમાં ડ્રગ્સનું મજબૂત નેટવર્ક છે, જે ચૂંટણીઓમાં રાજકારણીઓને આર્થિક મદદ કરે છે...

પંજાબના યુવાનો ડ્રગ્સના નશાખોર બન્યા એ પાછળ બીજો પણ એક સામાજિક ઘટનાક્રમ જવાબદાર છે. અહીં હરિયાળી ક્રાંતિ વખતે જંતુનાશકોનો બેફામ ઉપયોગ કરીને કમાયેલા અનેક સદ્ધર ખેડૂત પરિવારના સંતાનો અમેરિકા, કેનેડા અને યુરોપના બીજા દેશોમાં સ્થાયી થયા હતા. આવા અનેક યુવાનો ત્યાંથી ડ્રગ્સનું દુષણ લઈને ભારત પાછા ફર્યા છે. આ દેશોમાં સ્થાયી થયેલા પંજાબી યુવાનોમાં પણ ડ્રગ્સનો નશો કરવાનું દુષણ સખત વધ્યું છે. બીજી તરફ, હરિયાળી ક્રાંતિ વખતે કુદરતી રીતે સૂકા વિસ્તારોમાં મોટા ખેડૂતોએ ડાંગરની બેફામ ખેતી કરી હતી, જેને પાણીની વધારે જરૂર પડતી. વર્ષો સુધી ડાંગર જેવો વધુ પાણી પીતો પાક લેવાના કારણે જમીનમાં ક્ષારનું સ્તર ઘણું વધી ગયું અને ભૂગર્ભ જળનું સ્તર ૮૦ ટકા જેટલું નીચે જતું રહ્યું. આ કારણસર અનેક સ્થળોની ખેતીલાયક જમીન નકામી થઈ ગઈ. આ જમીનો ઉપયોગી નહીં રહેતા મોટા ખેડૂતો બેકાર બની ગયા. જોકે, તેમાંના અનેક ખેડૂતો આર્થિક રીતે સદ્ધર છે અથવા ખુવાર થઈ ગયા છે. આ ખેડૂતો પણ અત્યારે ડ્રગ્સના બંધાણી છે. એક અંદાજ પ્રમાણે, પંજાબના કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલી ૫૦ ટકા વસતી ડ્રગ્સની બંધાણી છે.

છેલ્લાં ઘણાં સમયથી મીડિયામાં ચમકી રહેલા આ પ્રકારના અહેવાલો સાબિત કરે છે કે, પોલીસ અને તમામ રાજકારણીઓએ પંજાબમાં ડ્રગ્સનું મજબૂત નેટવર્ક ડિઝાઈન કર્યું છે. આશા રાખીએ કે, ‘ઉડતા પંજાબની રિલીઝ પછી આ મુદ્દાની દેશભરમાં ગંભીરતાથી ચર્ચા થાય!

નોંધઃ તસવીર પ્રતીકાત્મક છે. 

07 December, 2015

ઔર દેખતે દેખતે પંજાબ કે સારે અંગ કાલે ઔર નીલે પડ ગયે


આજ મૈં વારિસ શાહ સે કહતી હું અપની કબ્ર મેં સે બોલો
ઔર ઈશ્ક કી કિતાબ કા, કોઈ નયા પૃષ્ઠ ખોલો
પંજાબ કી એક બેટી રોઈ થી, તુને એક લંબી દાસ્તાન લિખી
આજ લાખો બેટિયા રો રહી હૈ, વારિસ શાહ તુમસે કહ રહી હું
એ દર્દમંદો કે દોસ્ત, પંજાબ કી હાલત દેખો
ચૌપાલ લાશો સે અટા પડા હૈ, ચિનાબ લહુ સે ભરી પડી હૈ
કિસી ને પાંચો દરિયા મેં, એક ઝહર મિલા દિયા હૈ
ઔર યહી પાની, ધરતી કો સિંચને લગા હૈ
ઈસ જરખેજ ધરતી સે, ઝહર ફૂટ નિકલા હૈ
દેખો સુર્ખી કહાં તક આ પહુંચી, ઔર કહર કહાં તક આ પહુંચા
ફિર ઝહરીલી હવા ઈન જંગલો મેં ચલને લગી
ઉસમેં હર બાંસ કી બાંસુરી, જેસે એક નાગ બના દી
નાગો ને લોગો કે હોઠ ડંસ લિયે, ઔર ડંખ બઢતે ચલે ગયે
ઔર દેખતે દેખતે પંજાબ કે સારે અંગ કાલે ઔર નીલે પડ ગયે
હર ગલે સે ગીત ટૂટ ગયા, હર ચરખે કા ધાગા છૂટ ગયા
સહેલિયાં એકદૂસરે સે છૂટ ગઈ
ચરખો કી મહેફિલ વીરાન હો ગઈ
મલ્લાહોં ને સારી કશ્તિયાં, સેજ કે સાથ હી બહા દી
પીપલો ને સારી પેંગે, ટહનિયો કે સાથ તોડ દીં
જહાં પ્યાર કે નગ્મે ગૂંજતે થે, વહ બાંસુરી જાને કહાં ખો ગઈ
ઔર રાંઝે કે સબ ભાઈ, બાંસુરી બજાના ભૂલ ગયે
ધરતી પર લહૂ બરસા, કબ્રેં ટપકને લગી
ઔર પ્રીત કી શહજાદિયાં, મજારો મેં રોને લગી
આજ સબ કૈદો બન ગયે, હુસ્ન ઈશ્ક કે ચોર, મૈં કહાં સે ઢૂંઢ લાઉં
એક વારિસ શાહ ઔર...

હૃદય ચીરી નાંખતા આ શબ્દો વિખ્યાત પંજાબી લેખિકા અમૃતા પ્રીતમના છે. વર્ષ ૧૯૪૭માં દેશના ભાગલા થયા ત્યારે પંજાબના પણ ભાગલા થયા, અને એ વખતની દર્દનાક સ્થિતિ જોઈને અમૃતા પ્રીતમે ચિશ્તી પરંપરાના પંજાબી સૂફી કવિ પીર સૈયદ વારિસ શાહને સંબોધીને આ અપીલ કરી હતી. વારિસ શાહ અઢારમી સદીમાં પંજાબી લોકસાહિત્યની લોકપ્રિય લવ-ટ્રેજેડી હીર-રાંઝાના આધારે કાવ્યાત્મક વાર્તા લખીને અમર થઈ ગયા. આમ તો આ કવિતા ભાગલાના દર્દમાંથી જન્મી છે પણ અત્યારના પંજાબની સ્થિતિ જોઈને પણ આ કાવ્યાત્મક શબ્દો યાદ આવી રહ્યા છે.


પંજાબના બળતા ખેતરોની નાસાએ જારી કરેલી તસવીર

થોડા દિવસ પહેલાં જ અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ ધુમાડામાં લપેટાયેલા ઉત્તર ભારતની તસવીરો પ્રસિદ્ધ કરી હતી. એક સમયે આખા દેશની હરિયાળી ક્રાંતિનું પ્રતીક ગણાતું પંજાબ આજે આવી વગર વિચાર્યે કરેલી 'ક્રાંતિ'ના કારણે જ આ મુશ્કેલીમાં સપડાયું છે. આ મુશ્કેલીના મૂળ કેટલા ઊંડા છે એ સમજવા જેવું છે. વર્ષ ૧૯૫૩થી ભારત સરકારે જંગી ઉત્પાદન આપતા હાઈબ્રિડ બિયારણોનો ઉપયોગ કરવા ખેડૂતોને પ્રોત્સાહન આપવાનું શરૂ કરી દીધું હતું. એ વખતે પંજાબના ખેડૂતોએ હાઈબ્રિડ કોટન બિયારણોનો બેફામ ઉપયોગ કર્યો. આ બિયારણોનો પંજાબ સહિત દેશમાં જ્યાં પણ ઉપયોગ થયો ત્યાં કપાસનું ઉત્પાદન અનેકગણું વધ્યું. હવે ખેડૂતો પૈસાદાર થઈ રહ્યા હતા અને ખુશ હતા. જોકે, આ ખુશી બહુ લાંબુ ના ટકી અને ખેડૂતોએ અમેરિકન બોલવોર્મ નામના દુશ્મનનો સામનો કરવાનો આવ્યો. અમેરિકન બોલવોર્મ કપાસમાં થતી ફૂદ્દા જેવી જીવાત છે, જેને ખેડૂતો સફેદ માખી તરીકે ઓળખે છે. નેવુંના દાયકાથી આ જીવાતના કારણે પંજાબમાં કપાસના પાકની બરબાદી વધવા લાગી. જોકે, થોડા સમય પછી આ માખીની જનીનિક સિસ્ટમે જંતુનાશકોનો સામનો કરવાનું શીખી લીધું હતું. પરિણામે તેના પર લાખો ટન જંતુનાશકોની પણ કોઈ જ અસર થતી નહોતી અને જમીન વધુને વધુ ઝેરી થઇ રહી હતી.

હાઈબ્રિડ બિયારણોના ઉપયોગ પહેલાં કપાસમાં થતી જીવાતો આટલી ખાઉધરી અને બેકાબૂ નહોતી. એ પહેલાં પણ પાક પર જીવાત હુમલા કરતી જ હતી, પણ ખેડૂતો માટે ય ઘણું બધું બચતું હતું. અમેરિકન બોલવોર્મે પંજાબમાં કપાસના પાકને ખદેડવાનું ચાલુ કર્યું એ પછી રાજ્ય સરકારે ખરીદીની ખાતરી અને ટેકાના ભાવની જાહેરાતો કરીને ત્યાંની જમીનમાં 'એલિયન' કહેવાય એવો ડાંગરનો પાક લેવા ખેડૂતોને લલચાવ્યા. ખેડૂતો તો આમ પણ કપાસના પાકની બરબાદીથી કંટાળ્યા હતા એટલે તેમણે ડાંગરનો પાક લેવાનું શરૂ કર્યું. અહીં કપાસનો પાક કુદરતી રીતે જ વધારે થતો હતો પણ ડાંગર અહીંની ઈકોલોજી (પરિસ્થિતિવિજ્ઞાન) માટે નવો પાક હતો. ડાંગરને કપાસ કરતા પાંચ ગણું વધારે પાણી વધારે જોઈતું હતું. કપાસનો પાક તો કેનાલના પાણીથી પણ લઈ શકાતો હતો પણ ડાંગર 'પિયક્કડ' હતી. એટલે ખેડૂતોએ ટ્યૂબ વેલોથી જમીનનું પાણી બેફામ ખેંચવાનું ચાલુ કર્યું. અત્યારે પણ દેશભરમાં જમીન નીચે પાણીનું સૌથી વધારે ઊંડું સ્તર (ઓછામાં ઓછા ૮૦ ફૂટથી વધુમાં વધુ ૫૦૦ ફૂટ) પંજાબમાં છે. ૨૯મી નવેમ્બર, રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'માં પંજાબ સરકાર અને રાજકીય પક્ષોને અપીલ કરી હતી કે, તમે ખેડૂતોને ડાંગર સિવાયના પાક લેવા માટે પ્રોત્સાહિત કરો કારણ કે, જમીન નીચેના પાણીનું સ્તર સતત નીચું જઈ રહ્યું છે.

આખરે ખેડૂતો ખેતરો બાળે છે કેમ એ સમજવા આટલું જાણવું જરૂરી હતું. હવે વાંચો આગળ. પહેલાં ઓછા ખર્ચે કપાસનો પાક લેવાતો અને ખેડૂતો નફો કરતા, પરંતુ ડાંગરનો પાક લેવા સિંચાઈ, ખાતર અને જંતુનાશકો સહિતનો ખર્ચ વધારે થાય છે. ખેડૂતોના બજેટ પર ચોખા બજારના નકારાત્મક પરિબળો પણ હાવી રહે છે. આ સ્થિતિમાં ડાંગરનો પાક લેતા ખેડૂતોની નફાકારકતા ઘટી રહી હોવાથી તેઓ ખરીફ પાક લેતા ખેતરોનું નીંદણ બાળી નાંખે છે. હાલ પંજાબમાં જ્યાં પણ ખેડૂતો ખેતરો બાળીને છેક દિલ્હી સુધી પ્રદૂષણ કરી રહ્યા છે, એ મોટા ભાગે ડાંગરનું નીંદણ બાળવાથી થયેલું છે. ખેડૂતોના આ પગલાં પાછળ 'ડાંગરનું આગવું અર્થતંત્ર' જવાબદાર છે, એ વાત ઉદાહરણથી સમજીએ.

જેમ કે, હરિયાળી ક્રાંતિમાં કમાયેલા અને પૂર્વજોની મસમોટી જમીન ધરાવતા અનેક જમીનદાર ખેડૂતો ડાંગરનો પાક લેવામાં નિષ્ણાત હોય એવા ખેડૂતોને પોતાની જમીન પ્રતિ એકર ભાડાપટ્ટે આપે છે. ધારો કે, મોટા ખેડૂતે પ્રતિ એકર ભાડું રૂ. ૪૫ હજાર નક્કી કર્યું છે. હવે નાનો ખેડૂત કે ભાગીદાર બાસમતી ચોખાનો પાક લેવા પ્રતિ એકર બીજા રૂ. ૧૦ હજાર ખર્ચે છે. જે તે વર્ષે બાસમતીનો બજાર ભાવ ઓછો હોય તો પણ પ્રતિ એકર રૂ. ૩૦-૩૫ હજાર મળી જાય છે. આ કમાણીમાંથી પણ જેની પાસે જમીન નથી એ ખેડૂતે પ્રતિ એકર રૂ. ૨૫ હજાર જેટલી બચત કરવાની છે કારણ કે, ડાંગરનો પાક લેવાઈ જાય પછી એણે ઘઉં વાવીને ગુજરાન ચલાવવાનું છે. આ સ્થિતિમાં નીંદણને ફરી જમીનમાં દાટીને જમીન વધુ ફળદ્રુપ બનાવી શકાય છે. જોકે, ખેડૂત પોતાની માલિકીની જમીન ધરાવતો હોય તો પણ આવું નથી કરતો કારણ કે, નીંદણને પાછું જમીનમાં દાટવા પ્રતિ એકર રૂ. પાંચેક હજારનો ખર્ચ આવે છે. જો ખેડૂતે જમીન ભાડા પટ્ટે લીધી હોય તો તેણે જમીન ખોદવા ટ્રેક્ટર ભાડે લેવું પડે છે અને નીંદણ જમીનમાં દાટવા મજૂરી ચૂકવવી પડે છે. એટલે ખેડૂતો બચત કરવા આખેઆખું ખેતર જ બાળી નાંખે છે. ભલે પછી દિલ્હીમાં ગમે એટલા લોકો શ્વાસોચ્છવાસના રોગોથી મરે કે આખો તાજમહેલ કાળો થઈ જાય. આ બાબતોની ખેડૂતો પરવા કરતા નથી. 

પહેલાં હાઈબ્રિડ કપાસ અને પછી ડાંગરનો પાક અવૈજ્ઞાનિક રીતે લેવાથી પંજાબની ઈકોલોજીમાં ભંગાણ પડી ચૂક્યું છે. પંજાબ જ નહીં, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં પણ વત્તેઓછે અંશે આવી  રીતે ખેતરો બાળવાનું ચાલુ છે. ખેતરો બાળવાનું અટકે એ માટે રાજ્ય સરકારો છ મહિનાની જેલથી લઈને દંડ ફટકારવાના નિયમો બનાવી ચૂકી છે, જેની ખાસ કોઈ અસર થઈ નથી. આ બરબાદી અહીં અટકી નથી પણ કદાચ વધારે ભયાવહ્ રીતે શરૂ થઈ છે. વર્ષ ૨૦૦૦ની શરૂઆતમાં ભારત  સરકારે બીટી કોટન બિયારણોને મંજૂરી આપી. હાઈબ્રિડ બિયારણોથી અમેરિકન બોલવોર્મ બેકાબૂ બની એટલે ડાંગરનો પાક લેવાનું શરૂ કરાયું, ડાંગરથી ઈકોલોજી ખોરવાઈ એટલે આવ્યા બીટી કોટન બિયારણો. સ્વાભાવિક રીતે જ ડાંગરથી કંટાળેલા ખેડૂતોએ કપાસમાંથી નફો કરવાની લાલચે બીટી કોટન હોંશેહોંશે અપનાવ્યા. મોન્સાન્ટો કંપનીએ અમેરિકન બોલવોર્મને મારવાનું ઝેર વનસ્પતિ પોતે જ પેદા કરે એવા બિયારણો વિકસાવ્યા હતા. એટલે કે, આ બિયારણોમાંથી જીવાત પોષણ મેળવે એવા જ તેના રામ રમી જાય. મોન્સાન્ટોનો દાવો હતો કે, આ બિયારણો જોરદાર ઉત્પાદન કરશે અને જીવાતને મારવા જે ઝેર ઉત્પન્ન કરે છે તેનાથી આપણને બીજું કોઈ નુકસાન નથી. જોકે, એવું કશું થયું નહીં.

ઊલટાનું હાઈબ્રિડ બિયારણોમાં જીવાત પડવાથી જંતુનાશકોનો તેમજ ડાંગરનું ઉત્પાદન વધારવા કરેલા રાસાયણિક ખાતરોના બેફામ ઉપયોગથી પંજાબના જમીન-હવા-પાણી 'કાળા અને નીલા' પડી ગયા છે. હવે બીટી કોટન બિયારણોમાં પણ અમેરિકન બોલવોર્મ ત્રાટકે છે અને પાક બરબાદ થઈ જાય છે.  આ 'વિષચક્ર'ના કારણે જ અત્યારે દેશમાં કેન્સરના સૌથી વધારે દર્દીઓ પંજાબમાં છે. દેશમાં કપાસ પકવતા સૌથી મોટા ત્રણ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશનો સરેરાશ ૯૦ ટકા ઉત્પાદનમાં બીટી કોટન બિયારણોનો ઉપયોગ થયો છે. ખોટા નિર્ણયોએ પંજાબના સામાજિક, આર્થિક અને આરોગ્ય માળખા પર ઊંડો ઘા કર્યો છે. જો હવેની સરકારો બિયારણો અને જંતુનાશકોના ઉપયોગમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે આગળ નહીં વધે તો કદાચ પંજાબની જેમ આખો દેશ કલ્પના બહારની મુશ્કેલીઓનો સામનો કરશે. 

હરિયાળી ક્રાંતિમાં આપણે સિંચાઈ, ટપક સિંચાઈ, જમીન સુધારા, કૃષિ લોન, કૃષિને લગતા વિવિધ ખાતાનું એકીકરણ, ટેક્નોલોજી પર પણ ભાર મૂક્યો હતો. આપણે હજુયે આ દિશામાં વધુ સારી રીતે આગળ  વધી શકીએ છીએ અને એવું કરવું એ પંજાબ જ નહીં આખા દેશના હિતમાં છે.