Showing posts with label રુડયાર્ડ કિપલિંગ. Show all posts
Showing posts with label રુડયાર્ડ કિપલિંગ. Show all posts

29 October, 2018

ઈન્ડિયન ગ્રે વુલ્ફ : મોગલીના પરિવાર પર ખતરો


રુડયાર્ડ કિપલિંગની 'ધ જંગલ બુક'માં મોગલીનો ઉછેર વરુઓના એક ઝૂંડમાં થાય છે. મોગલીનો ઉછેર રક્ષા નામની એક માદા વરુ કરે છે, જે મોગલીને શેર ખાનથી કેવી રીતે બચવું અને જંગલી કૂતરાઓને કેવી રીતે ગેરમાર્ગે દોરવા એ શીખવે છે. આ શેર ખાન એટલે રોયલ બેંગાલ ટાઈગર અને મોગલીનો ઉછેર કરતા વરુ એટલે ઈન્ડિયન ગ્રે વુલ્ફ. (કિપલિંગે મોગલીની વાર્તાઓમાં રોયલ બેંગાલ ટાઈગરને 'શેર' પરથી શેર ખાન નામ આપ્યું છે, પરંતુ હિંદીમાં શેરનો અર્થ સિંહ અને બાઘનો અર્થ વાઘ થાય). મોગલીની વાર્તાઓમાં વરુઓને વાઘનો ભય છે, પરંતુ અસલી જિંદગીમાં પણ વાઘ-સિંહના કારણે જ વરુઓના માથે ખતરો તોળાઈ રહ્યો છે. 'ધ જંગલ બુક'માં કહેવાયું છે એવી રીતે નહીં પણ જરા જુદી રીતે.

ભારતમાં 'સેવ વાઈલ્ડ લાઈફ'ની વાત આવે એટલે મુદ્દો વાઘ-સિંહ સુધી આવીને અટકી જાય છે, જેના કારણે ઈકો સિસ્ટમમાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવતા બીજા અનેક સસ્તન પ્રાણીઓ પર 'સરકારી ધોરણે' પણ ધ્યાન અપાતું નથી. ઈન્ડિયન ગ્રે વુલ્ફ સાથે પણ આવું જ થયું છે, જે ભારતમાં વરુ જેવા સીધાસાદા નામે ઓળખાય છે. આ વરુ જ ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડતા હરણ, સસલાં, ઉંદરો, મોટા પક્ષીઓ, પહાડી બકરા-ઘેંટા વગેરેનો શિકાર કરીને તેમની વસતી કાબૂમાં રાખે છે. ભારતીય સંસ્કૃતિમાં એટલે જ વરુનો શિકાર કરવો અપશુનિયાળ મનાતો. ખેડૂતો એવું માનતા કે, વરુનો શિકાર કરવાથી પાક સારો નથી ઉતરતો.

મોગલી અને રક્ષાનું ફિલ્મી દૃશ્ય 

આજકાલ ખેડૂતોની જેમ વરુની સ્થિતિ પણ બદતર છે. ૨૦૦૪માં કરાયેલા અંદાજ પ્રમાણે, દેશભરમાં વરુઓની વસતી માંડ બે-ત્રણ હજાર રહી ગઈ છે. આપણી પાસે તેનો પણ ચોક્કસ આંકડો નથી. એક સમયે ઈન્ડિયન ગ્રે વુલ્ફ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ સુધી ફેલાયેલા હતા. આ જ પ્રજાતિ નેપાળ અને ભુતાનમાં પણ જોવા મળતી હતી પણ અત્યારે આ પ્રદેશોમાં તે હયાત છે કે નહીં એ વિશે કોઈ માહિતી નથી. ભારત સરકારે ૧૯૭૨માં ઈન્ડિયન ગ્રે વુલ્ફને ઝડપથી લુપ્ત થઈ રહેલી પ્રજાતિમાં મૂકીને સંરક્ષણ આપ્યું હતું. છેલ્લાં કેટલાક વર્ષોમાં જંગલો વધુને વધુ પાંખા થઈ રહ્યા છે, જેના કારણે વરુનો ખોરાક ગણાતા નાના અને મધ્યમ કદના તૃણાહારી પ્રાણીઓની સંખ્યા પણ ઘટી રહી છે. આ સ્થિતિમાં વરુ કેવી રીતે બચે? 

ભારતમાં પશ્ચિમ ઘાટથી છેક સામે છેડે પૂર્વ ઘાટ સુધી પથરાયેલો વિસ્તાર 'ડેક્કન પ્લેટો' તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં વરુને બચાવવા સારું કામ થઈ રહ્યું છે. સરકારી નહીં, પણ સ્વૈચ્છિક ધોરણે. આ વિશે વિગતે વાત કરીએ. તમે હમ્પીનું નામ સાંભળ્યું હશે. કર્ણાટકમાં આવેલા આ ઐતિહાસિક સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરાઈ છે. ૧૪મી સદીમાં સોળે કળાએ ખીલેલા વિજયનગર સામ્રાજ્યની રાજધાની હમ્પી હતી. આધુનિક કર્ણાટકના બેલ્લારી અને કોપ્પલ જિલ્લાના અમુક વિસ્તારમાં હમ્પીના ઐતિહાસિક સ્થાપત્યો પથરાયેલા છે. દેશી-વિદેશી પ્રવાસીઓમાં આ સ્થળ ખૂબ લોકપ્રિય છે. રોપ અને હાર્નેસ વિના નાનકડા ખડકો પર ક્લાઇમ્બિંગ કરવાની 'બુલ્ડરિંગ' નામની એડવેન્ચર સ્પોર્ટ્સના કારણે પણ હમ્પી જાણીતું છે. જોકે, એક વાત બહુ ઓછી જાણીતી છે. અહીંની વાઈલ્ડ લાઈફ.

વેળાવદરમાં આવેલા બ્લેકબક નેશનલ પાર્કમાં ઈન્ડિયન ગ્રે વુલ્ફ


હમ્પી નજીક આવેલા રેલવે સ્ટેશનથી માંડ ત્રીસેક કિલોમીટર દૂર કોપ્પલની વચ્ચે ચારેય તરફ પર્વતમાળા પથરાયેલી છે. આ વિસ્તારમાં સ્લોથ બેર અને દીપડા સારી એવી સંખ્યામાં વસે છે. હમ્પીની બાજુમાં જ દારોજી બેર સેન્ચુરી છે અને ત્યાં પણ સ્લોથ બેર જોવા મળે છે. આ ઉપરાંત અહીંના છુટાછવાયા વેરાન વિસ્તારોમાં જળ બિલાડી, ચટાપટાવાળા ઝરખ, કાળિયાર, શાહુડી, શિયાળ, એશિયન પામ સિવેટ (એક પ્રકારની નાની બિલાડી) અને ઈન્ડિયન ગ્રે વુલ્ફ જોવા મળે છે. પોષણકડીમાં ખૂબ જ મહત્ત્વના મનાતા આ તમામ દુર્લભ સસ્તન પ્રાણીઓની વસતી અત્યારે ઝડપથી ઘટી રહી છે. હજુ એકાદ દાયકા પહેલાં અહીં ધ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ નામના પક્ષી પણ ઠેર ઠેર જોવા મળતા. ગુજરાતીમાં આ પક્ષીને આપણે ઘોરાડ તરીકે ઓળખીએ છીએ. પીળા રંગનું ગળું ધરાવતી બુલબુલ અને તેતર પણ અહીં જોવા મળતા. જોકે, ખડકાળ વિસ્તારોમાં ઝાડીઝાંખરા ઘટવાના કારણે આ પક્ષીઓ પણ હવે લુપ્ત થઈ રહ્યા છે.

હમ્પીથી એક કલાકના અંતરે વેરાન જંગલમાં રાજવી પરિવારની માલિકીની એક લૉજ છે, જે ઈન્દ્રજીત ઘોરપડેનું નિવાસ સ્થાન છે. તેઓ છ સદીનો ઈતિહાસ ધરાવતા ગજેન્દ્રગઢ રાજવી પરિવારના વંશજ છે. મરાઠી ભાષામાં મોનિટર લિઝાર્ડ (એક પ્રકારની ઘો) 'ઘોરપડે' તરીકે ઓળખાય છે, જેના પરથી રાજવી પરિવારને આ અટક મળી હતી. ઈન્દ્રજીત ઘોરપડે કોપ્પલની વાઈલ્ડ લાઈફના માનદ્ સંરક્ષક છે. તેઓ ડેક્કન કન્ઝર્વેશન ફાઉન્ડેશન હેઠળ ઈન્ડિયન ગ્રે વુલ્ફ સહિતના સસ્તન પ્રાણીઓને બચાવવા પ્રયત્નશીલ છે. ઈન્દ્રજીત ઘોરપડે અહીં ફોટોગ્રાફી કે સફારી કરવા આવતા વાઈલ્ડ લાઈફના રસિયાઓને અંતરિયાળ વિસ્તારમાં ઊંડે સુધી લઈ જઈને સમજાવે ત્યારે અહેસાસ થાય છે કે, વિકાસની દોડમાં જમીન, પાણી અને હવાના પ્રદૂષણના કારણે અત્યંત સમૃદ્ધ જંગલ વિસ્તારોનો કેવી રીતે સફાયો થઈ રહ્યો છે!


હમ્પીનું વિખ્યાત વિરુપક્ષા મંદિર


જેમ કે, થોડા સમય પહેલાં અહીં જંગલી ફૂલો સારા એવા પ્રમાણમાં થતા, જેના કારણે અહીં જાતભાતના પતંગિયા જોવા મળતા, પરંતુ હવે ફૂલોનું વૈવિધ્ય પણ ઘટી રહ્યું છે. હમ્પીની આસપાસના જંગલોમાં ઝાડીઝાંખરા ધરાવતા ખડકાળ જંગલો વધારે છે. આ પ્રકારના પ્રદેશોમાં કુરુબા નામની જાતિના પશુપાલકો ખૂબ મોટી સંખ્યામાં ઘેંટા-બકરા ચરાવતા જોવા મળે, જે ઈન્ડિયન ગ્રે વુલ્ફનો સૌથી મહત્ત્વનો ખોરાક છે. કદાચ એટલે જ અહીં ઈન્ડિયન ગ્રે વુલ્ફે રહેવાનું પસંદ કર્યું હશે! ગીરના માલધારીઓ સિંહ સાથે જેવો સંબંધ રાખે છે, એવો જ સંબંધ અહીંના પશુપાલકોને વરુ સાથે છે. પરંતુ ઘાસિયા મેદાનો ધરાવતા વેરાન વિસ્તારોને કર્ણાટકની સરકાર 'બહુ મહત્ત્વનો નહીં એવો વિસ્તાર' ગણીને દુર્લક્ષ સેવે છે. આ કારણસર ત્યાં વસતા સજીવો સરકારી યોજનાઓથી વંચિત રહી જાય છે. પક્ષીઓ, સરિસૃપો અને જીવડાંની હજારો પ્રજાતિઓ પણ વાઈલ્ડ લાઈફ છે, એ વાત તો જાણે સરકાર ભૂલી જ ગઈ છે.

આપણે વરુની વાત કરીએ. વરુ કોઈ સામાન્ય પ્રાણી નથી. પૃથ્વી પર વિચરતા સૌથી જૂના સસ્તન પ્રાણીઓમાં વરુનો સમાવેશ થાય છે. હમણાં સુધી એવું મનાતું કે, ભારતમાં જોવા મળતા ઈન્ડિયન ગ્રે વુલ્ફ યુરેશિયા (યુરોપ-એશિયાને જોડતા પ્રદેશો) અને ઉત્તર અમેરિકામાં દેખાતા ગ્રે વુલ્ફની જ પેટા પ્રજાતિ છે. જોકે, વિજ્ઞાનીઓની એ માન્યતા પણ ખોટી પડી. તાજેતરના ડીએનએ સંશોધનો અને વિવિધ અશ્મિઓની શોધ પછી એવું જાણવા મળ્યું કે, પાછલા ૪૦ હજાર વર્ષમાં ભારતીય વરુનું બીજી કોઈ જાતિ સાથે ક્રોસ બ્રિડિંગ થયું નથી. એ પછી ગ્રે વુલ્ફની આગળ 'ઈન્ડિયન' લગાડીને તેની જુદી જાતિ તરીકે નોંધ લેવાઈ.  રસપ્રદ વાત એ છે કે, અરેબિયન ઉપખંડ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં દેખાતા વરુ ગ્રે વુલ્ફની જ પેટા પ્રજાતિ મનાય છે, પરંતુ ભારતીય વરુ નહીં. એ પ્રદેશોમાં જોવા મળતા વરુ 'ઈરાનિયન વુલ્ફ' તરીકે ઓળખાય છે, જ્યારે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં જોવા મળતા વરુ 'હિમાલયન વુલ્ફ' તરીકે ઓળખાય છે. હિમાલયન વુલ્ફ મોટા ભાગે તિબેટિયન ઉપખંડમાં ફેલાયેલા છે. વરુ આઈસ એજમાં પણ ટકી ગયા હતા કારણ કે, અત્યંત કપરી સ્થિતિમાં જીવન ટકાવવાની પદ્ધતિઓ શોધી કાઢવામાં તેઓ માહેર છે.

હમ્પીના ખડકો પર બુલ્ડરિંગ

આ સુંદર જીવ એક સમયે ખેડૂતમિત્ર મનાતા પણ છેલ્લી બે-ત્રણ સદીમાં તેની ક્રૂરતાપૂર્વક કત્લેઆમ કરાઈ છે. બ્રિટીશ રાજમાં અંગ્રેજ અધિકારીઓ શિકાર કરવા નીકળે ત્યારે વરુને નહોતા મારતા, પરંતુ બાદમાં જંગલો ઘટતા વરુ માનવ વસતી તરફ આવવા લાગ્યા. વરુના ઢોરો અને બાળકો પર હુમલા વધી ગયા. એક અંદાજ પ્રમાણે, ૧૮૭૧થી ૧૯૧૬ વચ્ચે રાજા-મહારાજાઓ, અંગ્રેજો અને સ્થાનિકોએ ફક્ત બક્ષિસ માટે એક લાખ વરુનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો હતો. ભારત સરકારના આંકડા પ્રમાણે, ૧૮૭૮માં વરુએ ઉત્તર પ્રદેશમાં ૬૨૪ માણસોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. મધ્ય ભારતમાં ઈસ. ૧૯૦૦માં ૨૮૫ લોકો વરુના હુમલામાં મરી ગયા. ૧૮૭૬માં બિહારમાં ઢોરો અને માણસો પર વરુના ૭૨૧ હુમલા નોંધાયા. આ હુમલાને પગલે સ્થાનિકોએ ૨,૮૨૫ વરુની હત્યા કરી નાંખી. એ પછીના વર્ષે વરુના ૬૨૪ હુમલા નોંધાયા, જેની પ્રતિક્રિયા રૂપે ૨,૬૦૦ વરુની હત્યા કરાઈ।

ઈસ. ૧૯૦૦ પછી સતત વીસેક વર્ષ સુધી ઉત્તર ભારતના વિવિધ વિસ્તારોમાં વરુ સંખ્યાબંધ બાળકોને ઉઠાવી ગયા અથવા હુમલા કર્યા. આ જ પ્રકારની વાતોમાંથી વરુના ટોળામાં મોટા થયેલા બાળકની સાચી-ખોટી વાતો ફેલાઈ અને રુડયાર્ડ કિપલિંગે મોગલી નામના મહાન કાલ્પનિક પાત્રનું સર્જન કર્યું. 

રાજા-મહારાજાઓના સમયમાં ઈન્ડિયન ગ્રે વુલ્ફ ડેક્કન પ્લેટનો આત્મા ગણાતા. આશા રાખીએ કે, ભારતીય ઉપખંડના સૌથી જૂની ભૌગોલિક રચના ગણાતા આ વિસ્તારનો આત્મા અમર રહે!

02 May, 2017

'જંગલ બુક'ના સફેદ ટુકડાની બરફ ગોલા સુધીની સફર


એ મહાકાય હોડીમાંથી તેઓ સફેદ રંગના મોટા ટુકડા કાઢી રહ્યા હતા. પણ થોડીક જ વારમાં એ પાણીમાં ફેરવાઈ જતા. એ વખતે થોડા સફેદ ટુકડા તૂટ્યા, થોડા નદી કિનારે પડ્યા અને બાકીના તેમણે હળવેકથી બોક્સમાં મૂકી દીધા. એ વખતે હોડીનો કપ્તાન અમારી તરફ જોઈને હસ્યો, તેણે નાનકો સફેદ ટુકડો મારી તરફ ફેંક્યો. આ સફેદ ટુકડો ફેંકાતા જ મેં અને મારા સાથીદારોએ એ મ્હોંમાં ઝીલ્યો અને તેનો કેટલોક ભાગ ગળી ગયા. એ ટુકડો ગળતા જ હું ઠંડીથી ઠુંઠવાઇ ગયો. શરૂઆત મારા ગળાથી થઈ અને પછી તો પગના અંગુઠા સુધી ઠંડીનો ચમકારો ફરી વળ્યો. એ સફેદ ટુકડો ગળ્યા પછી મારા ગળામાંથી અવાજ પણ ગાયબ થઈ ગયો હતો. એ વખતે પેલી હોડીનો કપ્તાન મારી સામે જોઈને હસતો હતો. મેં જીવનમાં ક્યારેય આટલી ઠંડી અનુભવી ન હતી. મારા શ્વાસ સામાન્ય થયા ત્યાં સુધી હું દુ:ખ અને અચંબાની લાગણી વચ્ચે નાચતો રહ્યો. એ પછી પણ આ પ્રપંચી દુનિયાથી દુ:ખી થઈને હું રડતા રડતા નાચ્યો. આમ છતાં, હોડીના કપ્તાન લોથપોથ થયો ત્યાં સુધી મારી હાંસી ઉડાવતો રહ્યો. મને ઠંડી લાગી એ બરાબર, પણ આશ્ચર્યની વાત એ છે કે મારું રુદન પૂરું થયું ત્યારે મારા ગળામાં એ સફેદ ટુકડો ન હતો.

કિપલિંગની વાર્તામાં બર્ફીલો સંવાદ

બગલાના મ્હોંમાં મૂકાયેલો ઉપરોક્ત સંવાદ મોગલીની વાર્તાઓના અમર સર્જક રુડયાર્ડ કિપલિંગની 'ધ અન્ડરટેકર્સ' વાર્તામાંથી લેવાયો છે. 'જંગલ બુક'ની સિક્વલ 'ધ સેકન્ડ જંગલ બુક'માં સમાવિષ્ટ આ વાર્તામાં બગલો, મગર અને શિયાળ એ ત્રણ મુખ્ય પાત્રો છે. બગલો જે સફેદ ટુકડાની વાત કરી રહ્યો છે, એ બીજું કશું નહીં પણ બરફ છે. ખાવાનો બરફ. આ વાર્તામાં કિપલિંગે દર્શાવ્યું છે કે, બગલો, મગર અને શિયાળ એ ત્રણેય જણા અમેરિકાના માસાચ્યુસેટ્સના બેવરલીમાં આવેલા વેનહામ તળાવમાં રહે છે. કિપલિંગે 'જંગલ બુક'ની ભારતીય માહોલ ધરાવતી વાર્તાઓ પણ અમેરિકાના ન્યૂ ઇંગ્લેન્ડ રાજ્યના વેરમોન્ટમાં બેસીને લખી હતી, જે વેનહામ તળાવથી આશરે ૩૪૦ કિલોમીટર દૂર આવેલું છે.

રુડયાર્ડ કિપલિંગ

'ધ અન્ડરટેકર્સ' વાર્તામાં વેનહામ તળાવની પૃષ્ટભૂમિમાં બરફની વાત એમ જ નથી ઉપજાવાઈ. માસાચ્યુસેટ્સ રાજ્ય શુદ્ધ પાણીના ભંડારસમા એટલાન્ટિકના પૂર્વીય કિનારે આવેલું છે, જેથી વેનહામ તળાવમાં પણ કુદરતી રીતે જ ખાઈ શકાય એવો આરોગ્યપ્રદ બરફ બનતો. કદાચ એટલે જ દુનિયામાં બરફની નિકાસનો પહેલવહેલો ધંધો વેનહામ તળાવથી શરૂ થયો હતો. ૧૮૯૫ની સાલમાં પહેલીવાર 'ધ સેકન્ડ જંગલ બુક' પ્રકાશિત થઈ ત્યારે અમેરિકામાં બરફનો ધંધો ફૂલીફાલી ચૂક્યો હતો. એટલે આ વાતથી કિપલિંગ પૂરતા વાકેફ હોવા જોઈએ! ૧૯મી સદીમાં ભાગ્યેજ કોઈ સાહિત્યકારે કિપલિંગની જેમ બરફનો આવા રૂપક તરીકે ઉપયોગ કર્યો છે.

રુડયાર્ડ કિપલિંગે ફક્ત ૪૨ વર્ષની વયે નોબેલ પુરસ્કાર જીત્યો હતો, જે રેકોર્ડ હજુયે અકબંધ છે. વળી, નોબેલ જીતનારા પહેલા અંગ્રેજી લેખક પણ કિપલિંગ છે.

અમેરિકાથી ઇંગ્લેન્ડ સુધી બરફની નિકાસ

ઈ.સ. ૧૮૩૦માં જ વેનહામ તળાવના બરફનો ધંધો કરવાના મૂળ નંખાઈ ગયા હતા અને ૧૮૪૪માં અહીંથી પહેલું આઇસ કાર્ગો ઇંગ્લેન્ડ પણ પહોંચી ગયું હતું. લેન્ડર્સ અટક ધરાવતા એક પરિવારે 'વેનહામ લેક આઈસ કંપની' શરૂ કરીને રીતસર બરફનો ધંધો શરૂ કર્યો હતો. તેઓ વેનહામ તળાવ નજીક બેથી ત્રણ એકર જમીનમાં ખાડા કરીને બરફની રીતસરની 'ખેતી' કરતા. અહીં બરફની મહાકાય પાટ તૈયાર કરીને કારીગરો કટરની મદદથી બરફના ચોસલા તૈયાર કરતા. આ કંપનીએ બરફના ચોસલાનો સંગ્રહ કરવા ખાસ પ્રકારના આઈસ હાઉસ પણ તૈયાર કર્યા હતા. તેની બે ફૂટ જાડી દીવાલો દેવદારના વૃક્ષોના ભૂંસામાંથી બનાવાઈ હતી. આ ઉપરાંત કંપનીએ એક જ કલાકમાં બરફના ચોસલા બોસ્ટન સુધી પહોંચાડવા રેલવે ટ્રેક પણ બનાવડાવ્યો હતો. બોસ્ટન સુધી જતા તો બરફ પીગળતો ન હતો, પરંતુ બોસ્ટનથી બ્રિટનના લંડન સુધી બરફ પહોંચાડવામાં ત્રીજા ભાગનો બરફ પીગળી જતો. 

વેનહામ તળાવમાં બરફના ચોસલા પાડતા કારીગરો 

આજે તો ઉનાળો આવતા ગમે તેવા અંતરિયાળ વિસ્તારોમાં પણ બરફ ગોલા મળી જાય છે, પરંતુ સવા સો વર્ષ પહેલાં બરફનો ધંધો કરવો એ બહુ મોટું ઉદ્યોગસાહસ હતું. જોકે, શરૂઆતના વર્ષોમાં બરફનો ઉપયોગ ફક્ત ઠંડા પાણી પૂરતો મર્યાદિત હતો. બ્રિટનની રાણી વિક્ટોરિયાના મહેલમાં પણ વેનહામ તળાવના બરફનું જ ઠંડુ પાણી પીવાતું. બ્રિટીશ રાજવી પરિવારે વેનહામ લેક આઈસ કંપનીને 'રોયલ વૉરન્ટ ઓફ એપોઇન્ટમેન્ટ' પણ આપી હતી. રાજવી પરિવારને ઉચ્ચ પ્રકારની ચીજવસ્તુઓ અને સેવા વેચનારા વેપારીઓને લંડનના મહેલ સુધી નિકાસ કરવામાં કોઈ અડચણો ના આવે, એ માટે આ સન્માન અપાતું.

અમેરિકાનો બરફ ઇંગ્લેન્ડમાં લંડન સુધી નિકાસ થતો હતો, એ વાતની નોંધ વિખ્યાત વિજ્ઞાની માઇકલ ફેરાડેએ પણ લીધી હતી. ફેરાડેએ નોંધ્યું હતું કે, ''વેનહામ તળાવનો શુદ્ધ બરફ પીગળવામાં થોડો વધારે સમય લે છે કારણ કે, તેમાં મીઠાનું અને હવાના પરપોટાનું પ્રમાણ ઓછું હોય છે...''

ફ્રેડરિક ટુડોર નામના આઇસ કિંગની એન્ટ્રી

અત્યારે આપણે જાતભાતની અમેરિકન બ્રાન્ડ વાપરીએ છીએ, પરંતુ બ્રિટીશ કાળના ભારતમાં આશરે ત્રણ દાયકા સુધી અમેરિકન બ્રાન્ડના બરફની પણ આયાત થઈ હતી. જોકે, એ વખતે બરફ લક્ઝરી આઇટમ હોવાથી ચુનંદા ધનવાન લોકોને જ તેનો લાભ મળતો. ખાવાના બરફનો પહેલવહેલો ધંધો શરૂ કરવાનો શ્રેય વેનહામ લેક આઇસ કંપનીને અપાય છે, પરંતુ ભારત સહિત દુનિયાભરમાં બરફની નિકાસ કરવાનો શ્રેય બોસ્ટનના ઉદ્યોગસાહસિક ફ્રેડરિક ટુડોરને જાય છે.


ફ્રેડરિક ટુડોર

ટુડોરનો જન્મ અમેરિકાના બોસ્ટન સ્થિત ધનાઢ્ય અને પ્રતિષ્ઠિત પરિવારમાં થયો હતો, પરંતુ પારિવારિક ધંધામાં ખોટ જતા ટુડોરે દેવાળિયા તરીકે જેલની હવા ખાવી પડે એવી સ્થિતિ સર્જાઈ હતી. દેવું ઉતારવાના ચક્કરમાં ટુડોરે કોફીનો ધંધો શરૂ કર્યો પણ એમાંય દેવું થયું. આ સ્થિતિમાં ટુડોરે બરફની નિકાસ કરવાના એનાથી પણ વધારે જોખમી ધંધામાં ઝંપલાવ્યું. ઈ.સ. ૧૮૩૦થી જ તેણે બરફના ધંધામાં ખણખોદ કરવાનું શરૂ કરી દીધું હતું. વેનહાન તળાવનો બરફ લંડન સુધી પહોંચાડવા બોસ્ટન લાવવો પડતો, એટલે બોસ્ટનમાં રહેતો ટુડોર બરફના ધંધાથી પહેલેથી જ પરિચિત હોવો જોઈએ.

ટુડોરે ૧૮૩૩થી ૧૮૭૦ એમ સતત ૩૭ વર્ષ સુધી અમેરિકાથી બ્રિટીશ ઈન્ડિયામાં બરફની નિકાસ કરીને ધરખમ કમાણી કરી હતી. આજેય એ દુનિયાના સૌથી મોટા ઉદ્યોગસાહસો પૈકીનું એક ગણાય છે. આ ધંધો ચાલુ કર્યો ત્યારે ટુડોરને ખ્યાલ પણ ન હતો કે, ઈતિહાસમાં તે 'આઈસ કિંગ' તરીકે અમર થઈ જવાનો છે. આ ઉદ્યોગસાહસની તમામ ઐતિહાસિક વિગતો 'આઈસ કિંગ ઓફ ધ વર્લ્ડ' નામના ટુડોરના જીવનચરિત્રમાં મોજુદ છે.

અમેરિકન બ્રાન્ડ બરફનું કોલકાતામાં આગમન

ટુડોરે શરૂઆતમાં બોસ્ટનથી દક્ષિણ અમેરિકાના રાજ્યોમાં બરફ વેચવાનું શરૂ કર્યું હતું પણ તેમાં ખાસ નફો નહોતો થતો. આ દરમિયાન ટુડોર ઓછામાં ઓછો બરફ પીગળે અને વધુ નફો થાય એવી પદ્ધતિઓ વિચારી રહ્યો હતો. એ જ વખતે તેણે અમેરિકાથી બ્રિટીશ ઈન્ડિયાના કોલકાતામાં બરફની નિકાસ કરવાનો ક્રાંતિકારી વિચાર કર્યો. અમેરિકાથી છેક ભારત સુધી બરફની નિકાસ કરવાનો વિચાર કોઈ વિચક્ષણ બુદ્ધિ ધરાવતો ઉદ્યોગપતિ જ કરી શકે! અમેરિકા જઈને વસેલા અનેક બ્રિટીશરોએ ઈ.સ. ૧૭૭૮માં જ ભારતમાં નિકાસ કરવાની શરૂઆત કરી દીધી હતી, પરંતુ બરફની નિકાસ એ અલગ મુદ્દો હતો. કારણ કે, ટુડોર બરફની નિકાસ કરવાનું વિચારતો હતો ત્યારે ૧૮૩૩નું વર્ષ ચાલી રહ્યું હતું. એ વખતે એટલાન્ટિકથી હિંદ મહાસાગરની દરિયાઈ મુસાફરી કરતા ચાર મહિનાનો સમય થઈ જતો. આટલા સમયમાં મોટા ભાગનો બરફ ઓગળી જવાની પૂરેપૂરી સંભાવના હતી.

વેનહામ તળાવ, જેના કિનારે બેસીને થોરોએ લેખન કર્યું હતું 

આ મુશ્કેલીઓના ઉપાયરૂપે ટુડોર અને તેના સાથીદારોએ બરફની મહાકાય પાટોને ઘોડાગાળી સાથે  બાંધેલી કટરની મદદથી ઝડપથી કાપવાની, સંગ્રહ કરવાની તેમજ વહાણમાં લૉડ કરીને ઓછામાં ઓછા સમયમાં આઈસ હાઉસમાં પહોંચાડવાની પદ્ધતિઓ શોધી. વહાણમાં બરફનો સંગ્રહ કરવા લાકડાના ભૂંસાની દીવાલો ધરાવતા બોક્સ બનાવ્યા. આ બોક્સ ઉપરથી ખૂલી શકે એવા હતા, જેથી જે તે સ્થળે બરફ પહોંચ્યા પછી બોક્સ આડું કરીને બરફના ચોસલાને સીધો આઈસ હાઉસમાં પહોંચાડી શકાય.

છેવટે ૧૨મી મે, ૧૮૩૩ના રોજ બોસ્ટનથી ૧૮૦ ટન બરફ ભરેલું મહાકાય વહાણ છઠ્ઠી સપ્ટેમ્બર, ૧૮૩૩ના રોજ કોલકાતામાં લાંગર્યું. આટલી લાંબી મુસાફરી કરીને આવેલું વહાણ કોલકાતા આવ્યું ત્યારે પણ તેમાં ૧૦૦ ટન જેટલો બરફ હેમખેમ હતો. કોલકાતા બંદરે કસ્ટમને લગતી ઔપચારિકતાઓ કરવામાં પણ બરફ પીગળી જાય એમ હતો, પરંતુ ટુડોર એ ઔપચારિકતાઓ ‘પછી કરી લઈશું’ એવું બ્રિટીશ અધિકારીઓને સમજાવી શક્યો હતો. એ પછી તો ટુડોરનો ધંધો એટલો જાન્યો કે, તેણે માસાચ્યુસેટ્સના કોન્કોર્ડમાં આવેલા વૉલ્ડન તળાવમાં પણ બરફની ખેતી શરૂ કરી.

ગાંધીજી, લિયો ટોલ્સટોય અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયર જેવી હસ્તીઓને ‘સવિનય કાનૂનભંગ’નો વિચાર આપનારા અમેરિકન વિચારક, કવિ અને પ્રકૃતિવાદી હેનરી ડેવિડ થોરોએ વૉલ્ડન તળાવ નજીક ઝૂંપડી બાંધીને બે વર્ષ સુધી લેખન કર્યું હતું. એ વખતે થોરોએ પણ વૉલ્ડન તળાવમાં બરફની ખેતી થતી જોઈ હતી. એટલે જ તેમણે એકવાર કહ્યું હતું કે, ''ચાર્લ્સટન, ન્યૂ ઓર્લિયન્સથી માંડીને મદ્રાસ, બોમ્બે અને કોલકાતાના ગરમ પ્રદેશના રહેવાસીઓ મારા કૂવાનું પાણી પીવે છે...''

***

એવું નથી કે, ભારતીયો બ્રિટીશ યુગ પહેલાં બરફથી પરિચિત ન હતા. ભારતમાં હિમાલયના બરફનો ઠંડા પાણીમાં કે આઈસક્રીમ જેવી વાનગી બનાવવામાં ઉપયોગ થતો જ હતો. ઈ.સ. પૂર્વે ૪૦૦માં પર્શિયન વેપારીઓએ હિમાલયનો બરફ સંગ્રહ કરવાના લાકડા-ભૂંસાની જાડી દીવાલો ધરાવતા કન્ટેઇનર્સ બનાવ્યા હતા, જેને ઠંડા સ્થળે ઊંડા ખાડા કરીને દાટી દેવાતા જેથી કુદરતી ઠંડક મળે અને બરફને પીગળતા વાર લાગે. મોગલ કાળમાં પણ હિમાલયના બરફનો કંઈક આવી જ રીતે ઉપયોગ થતો, પરંતુ આ ખાડામાં પાણી થીજાવીને બરફની ખેતી કરવાની અને તેની નિકાસ કરવાની શરૂઆત અમેરિકાથી થઈ હતી.

એ પછી તો અમેરિકામાં પણ ઔદ્યોગિકીકરણની શરૂઆત થઈ, પાણીના સ્રોતો નજીક કારખાના સ્થપાયા અને તળાવોમાં કુદરતી બરફની ખેતી કરવી અશક્ય થઈ ગઈ. જોકે, ત્યાં સુધી બરફ બનાવવાની આધુનિક પદ્ધતિ શોધાઈ ગઈ હતી. ઈ.સ. ૧૮૭૮માં ભારતમાં બેંગાલ આઈસ કંપની નામે બરફનું પહેલું કારખાનું સ્થપાયું અને ભારતમાં પણ બરફની આયાત સંપૂર્ણ બંધ થઈ.

આજના બરફ ગોળાની શોધ પાછળ આવો સુવર્ણ ઇતિહાસ રહેલો છે.

07 April, 2016

જંગલ જંગલ બાત ચલી હૈ, પતા ચલા હૈ...


'જંગલ જંગલ બાત ચલી હૈ, પતા ચલા હૈ, ચડ્ડી પહન કે ફૂલ ખિલા હૈ... 

નેવુંના દાયકામાં એક જાપાનીઝ કાર્ટૂન સિરીઝ પરથી બની રહેલી હિન્દી કાર્ટૂન સિરીઝનું ટાઈટલ સોંગ લખવાનું કામ ગુલઝાર સાહેબને સોંપાયું. એ વાર્તા સાંભળીને તેમણે આ શબ્દો ટપકાવ્યાં અને એ ગીત આખા દેશની જીભે ચડી ગયું. બોલો, કહેવાની જરૂર છે કે અહીં 'ધ જંગલ બુક'ના ગીતની વાત થઈ રહી છે? આ ગીતનું સંગીત વિશાલ ભારદ્વાજે આપ્યું હતું. જુલાઈ ૧૯૯૩માં દૂરદર્શન પર બપોરે બાર વાગ્યે આ ગીત સંભળાય એટલે નાના બાળકો જ નહીં, મોટા લોકો પણ ટીવી સામે ગોઠવાઈ જતા. હોલિવૂડમાં બનતી બીજી બાળફિલ્મો કરતા મોગલીની ફિલ્મો ભારતીયોને વધુ અપીલ કરે છે એનું એક મહત્ત્વનું કારણ 'ધ જંગલ બુક'માં આવતા ભારતીય જંગલોના વર્ણન હોઈ શકે! આમ છતાં, અત્યાર સુધી ‘જંગલ બુક’ના આધારે બનેલી ઢગલાબંધ ફિલ્મો અને ટીવી એપિસોડમાં એકેય સંપૂર્ણ ભારતીય નથી. રશિયા અને જાપાન પણ મોગલીની વાર્તાઓના આધારે કાર્ટૂન ફિલ્મો બનાવી ચૂક્યા છે, પણ આપણે નહીં. આ તમામ ફિલ્મોમાં ભારતીય એક્ટર્સ કે વોઈઝ આર્ટિસ્ટ્સનું કામ પણ નહીંવત છે. અત્યાર સુધી ફક્ત ત્રણ જ ફિલ્મમાં મોગલીની ભૂમિકા ભારતીય કલાકારે કરી છે, જેમાંની એક ફિલ્મ છેક ૧૯૪૨માં આવી હતી, બીજી કાલે આવી રહી છે અને ત્રીજી આવતા વર્ષે આવશે.

બે દિવસ પછી રિલીઝ થઈ રહેલી 'ધ જંગલ બુક'નું બજેટ મોગલીની પહેલાંની કોઈ પણ ફિલ્મ કરતા ઘણું વધારે છે. આ ફિલ્મમાં મૂળ ભારતના અમેરિકન બાળક નીલ સેઠીએ મોગલીને જીવંત કર્યો છે, તો વોઈઝ આર્ટિસ્ટ્સ તરીકે નાના પાટેકર (શેરખાન), પ્રિયંકા ચોપરા (કા- અજગર), ઈરફાન ખાન (બાલુ), ઓમ પુરી (બગીરા) અને શેફાલી શાહ (રક્ષા-વરુ) જેવા ધુરંધર કલાકારો છે. આ પહેલાં પણ નાના પાટેકર દૂરદર્શનની મોગલી કાર્ટૂન સિરીઝમાં શેરખાનનો અવાજ આપી ચૂક્યા છે. વોલ્ટ ડિઝની પિક્ચર્સ અને ડિરેક્ટર જોન ફાવરુએ બે હજાર છોકરામાંથી ૧૨ વર્ષના નીલની પસંદગી કરી હતી. આ પહેલાં નીલે 'દિવાલી' નામની ફક્ત એક શોર્ટ ફિલ્મમાં કામ કર્યું હતું. મોગલી બન્યા પછી ન્યૂયોર્ક સિટીમાં જન્મેલો અને ત્યાં જ ઉછરેલો નીલ રાતોરાત સ્ટાર છે. જો આપણને નીલની સ્ટોરી ફેસિનેટિંગ લાગતી હોય તો છેક ૧૯૪૨માં ભારતમાં જન્મેલો-મોટો થયેલો એક છોકરો મોગલીની બનીને રાતોરાત હોલિવૂડ સ્ટાર બન્યો હતો અને આજે ભૂલાઈ પણ ગયો, એ કહાની ય ઈન્ટરેસ્ટિંગ લાગશે!


સાબુ દસ્તગીર

વર્ષ ૧૯૩૪-૩૫ની આસપાસ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ મેકર રોબર્ટ ફ્લાહર્ટી રુડયાર્ડ કિપલિંગની 'ધ જંગલ બુક'ની એક વાર્તા 'તુમાઈ ઓફ ધ એલિફન્ટ્સ' પરથી ફિલ્મ બનાવવા માગતા હતા. એ ફિલ્મ માટે ફ્લાહર્ટી અને તેમનો કેમેરામેન ભારતમાં મૈસુરની આસપાસ લોકેશન શોધવા રઝળપાટ કરતા હતા ત્યારે તેમની નજર 'મોગલી' જેવા એક છોકરા પર પડી. સાબુ દસ્તગીર નામના આ છોકરાને લઈને ફ્લાહર્ટી લંડન ગયા અને વર્ષ ૧૯૩૭માં ‘જંગલ બુક’ સંગ્રહની એક વાર્તા ‘તુમાઈ ઓફ ધ એલિફન્ટ્સ’ના આધારે 'ધ એલિફન્ટ બોય' નામની ફિલ્મ બનાવી. આ ફિલ્મ મેગા હીટ રહી અને ફ્લાહર્ટીને વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો. ફિલ્મની સફળતાના કારણે સાબુ દસ્તગીરને પણ ફાયદો થયો. એ પછી સાબુએ 'ધ ડ્રમ' (૧૯૩૭) અને 'ધ થિફ ઓફ બગદાદ' (૧૯૪૦) જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યું. આ ત્રણ ફિલ્મો કર્યા પછી સાબુએ વર્ષ ૧૯૪૨માં 'ધ જંગલ બુક'માં મોગલીની ભૂમિકા ભજવી. આ ફિલ્મ પણ સુપરડુપર હીટ રહી.

આ દરમિયાન બીજા વિશ્વયુદ્ધના કારણે સાબુને બ્રિટીશ ફિલ્મોમાં કામ મળતું બંધ થઈ ગયું, એટલે સાબુ વર્ષ ૧૯૪૪માં અમેરિકા જઈ ત્યાંનો નાગરિક બની ગયો અને હોલિવૂડમાં કામ કરવા લાગ્યો. રસપ્રદ વાત તો એ છે કે, અહીં સાબુ અમેરિકન એરફોર્સમાં જોડાયો અને વર્ષ ૧૯૬૪ સુધી ફિલ્મોમાં પણ કામ કરતો રહ્યો. સાબુ હોલિવૂડમાં ઝળહળતી સફળતા મેળવનારો પહેલો ભારતીય અભિનેતા ગણાય છે. એટલું જ નહીં, અમેરિકા વતી અનેક યુદ્ધ મિશનોમાં ભાગ લઈ સાબુ લશ્કરી કારકિર્દીમાં પણ સફળ રહ્યો હતો. વર્ષ ૧૯૪૦-૫૦ના ગાળામાં સાબુની ગણના અમેરિકા જઈને લખલૂટ પૈસો અને લોકપ્રિયતા મેળવનારા પહેલવહેલા બિન-નિવાસી ભારતીયોમાં થતી હતી. અમેરિકાના સફળ બિન-નિવાસી ભારતીયોના ઈતિહાસમાં સાબુનું નામ સુવર્ણ અક્ષરે કોતરાયેલું છે. યાદ રાખો, એ વખતે એશિયન કલાકારોની ભૂમિકા પણ પશ્ચિમના ગોરા કલાકારો ભજવતા હતા. સાબુને કુદરતી અભિનય ક્ષમતા અને શારીરિક સૌષ્ઠવના કારણે હોલિવૂડમાં માન-સન્માન મળ્યું હતું. જોકે, હોલિવૂડના એક્શન-એડવેન્ચર સ્ટાર ગણાતા સાબુનું વર્ષ ૧૯૬૩માં ફક્ત ૩૯ વર્ષની વયે હાર્ટ એટેકથી અવસાન થયું હતું.

જેમ્સ સ્ટુઅર્ટ અને રોનાલ્ડ રેગન જેવા હોલિવૂડ સ્ટાર સાબુના મિત્રો હતા. રોનાલ્ડ રેગન જાન્યુઆરી ૧૯૮૧માં અમેરિકાના ૪૦મા પ્રમુખ બન્યા હતા અને સતત બે ટર્મ સુધી તેમણે અમેરિકન પ્રમુખપદ સંભાળ્યું હતું. કંઈક એવી જ રીતે, સાબુએ પણ અમેરિકન એરફોર્સ અને ફિલ્મો, એમ બે જુદા જુદા ક્ષેત્રમાં ઝળહળતી સફળતા મેળવી હતી. સાબુએ અમેરિકન એરફોર્સના અનેક મહત્ત્વના યુદ્ધ અભિયાનોમાં ગનમેન તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી હતી. સાબુ પછી બીજો ભારતીય મોગલી આવતા સાત દાયકાથી પણ વધારે સમય વીતી ગયો છે. વર્ષ ૨૦૧૭માં વોલ્ટ ડિઝનીની કટ્ટર હરીફ કંપની વોર્નર બ્રધર્સ 'જંગલ બુકઃ ઓરિજિન્સ' લઈને આવી રહી છે. આ ફિલ્મમાં પણ મોગલીની ભૂમિકા માટે 'લોન સર્વાઈવર' ફેઇમ ભારતીય બાળકલાકાર રોહન ચાંદને સાઇન કરાયો છે.

રુડયાર્ડ કિપલિંગ અને તેમના પિતા જ્હોન લોકવૂડ કિપલિંગ

સર રુડયાર્ડ કિપલિંગની 'ધ જંગલ બુક'માં ભારત અને ભારતીયતા છલકાતી હોવા છતાં આપણે તેના પરથી સફળ ફિલ્મો બનાવી નથી. આજેય કિપલિંગે લખેલી મોગલીની વાર્તાઓ વાંચવાની એટલી જ મજા આવે છે, જેટલી એકાદ સદી પહેલાંના બાળકોને આવી હશે! આમ છતાં, દુનિયામાં સૌથી વધારે ફિલ્મો બનાવવાનું ગૌરવ લેતી ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ આવી અનેક ભારતીય વાર્તાઓ પરથી હજુ સુધી ફિલ્મો કે ટીવી સિરીઝ બનાવી નથી, એ ખરેખર આશ્ચર્યની વાત છે. (વીડિયો ગેમ્સની તો વાત જ દૂર છે) મોગલીની વાર્તાઓ કહેતું કિપલિંગનું પહેલું પુસ્તક 'જંગલ બુક' ઇસ. ૧૮૯૪માં પ્રકાશિત થયું હતું. એ વખતે તેમની ઉંમર ફક્ત ૨૯ વર્ષ હતી. આ પુસ્તકને સફળતા મળી એટલે તેમણે એ પછીના વર્ષે 'ધ સેકન્ડ જંગલ બુક' જેવું સીધુસાદું નામ આપીને બીજું એક પુસ્તક લખી નાંખ્યું.

આ વાર્તાઓ તેમણે અમેરિકાના વર્મોન્ટ સ્ટેટમાં ગાળેલા દિવસોમાં લખી હતી. રુડયાર્ડનો જન્મ ૩૦મી ડિસેમ્બર, ૧૯૬૫માં બ્રિટીશ ઈન્ડિયાની બોમ્બે પ્રેસિડેન્સીમાં થયો હતો અને તેમના બાળપણના શરૂઆતના છ વર્ષ બોમ્બેમાં વીત્યા હતા. બોમ્બેમાં નાનકડા રુડયાર્ડની દેખભાળ રાખવા તેમના પિતા જ્હોન લોકવૂડ કિપલિંગે એક પોર્ટુગીઝ આયા અને મીતા નામની એક ભારતીય નોકરાણી રાખી હતી. આ બંને પાસેથી રુડયાર્ડ અને તેમની બહેન એલિસે અનેક વાર્તાઓ સાંભળી હતી. કિપલિંગે કબૂલ્યું છે કે, આ વાર્તાઓ સાંભળીને તેમની કલ્પનાસૃષ્ટિ ખીલી હતી. રુડયાર્ડ કિપલિંગને ગુજરાતના સાપુતારા (અપભ્રંશ શબ્દ, મૂળ નામ સાતપુરા)ના જંગલોમાંથી પણ 'જંગલ બુક'ના વર્ણનો કરવાની પ્રેરણા મળી હતી. 

આ વાત જરા વિગતે કરીએ. ઈસ. ૧૮૮૭માં રોબર્ટ આર્મિટેજ સ્ટર્નડેલ નામના બ્રિટીશ પ્રકૃતિશાસ્ત્રી, લેખક અને બિઝનેસમેને  મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સુધી ફેલાયેલી સાપુતારા પર્વતમાળામાં રઝળપાટ કરીને 'સિઓની એન્ડ કેમ્પ લાઈફ ઓફ સાતપુરા રેન્જ' નામનું સુંદર પુસ્તક લખ્યું હતું. (મધ્યપ્રદેશના સિઓની જિલ્લામાં સિઓની ટેકરીઓ આવેલી છે.) કિપલિંગને વરસાદી જંગલોનું વર્ણન કરવાની પ્રેરણા આ પુસ્તકમાંથી મળી હતી. મોગલીની વાર્તાઓમાં રોયલ બેંગાલ ટાઇગર પણ મહત્ત્વનું પાત્ર છે. એક સમયે આ પ્રજાતિના વાઘ સાપુતારામાં પણ જોવા મળતા હોવાના પુરાવા છે. શું કિપલિંગને શેરખાનનું પાત્ર રચવાની પ્રેરણા આવી રીતે મળી હશે?


રુડયાર્ડ કિપલિંગના મુંબઈના બંગલૉ બહાર નીલ સેઠી

આ સિવાય પણ કિપલિંગે બે અત્યંત મહત્ત્વના પુસ્તકોની પહેલવહેલી આવૃત્તિનો અભ્યાસ કર્યો હોવાની માહિતી મળે છે. એક, તેમના પિતા જ્હોન લોકવૂડ કિપલિંગનું 'ધ બિસ્ટ્સ એન્ડ મેન'. આ પુસ્તકમાં માણસો અને પશુ-પંખીઓના સંબંધનો વિકાસ, હિંદુ સંસ્કૃતિમાં પશુ-પંખીઓનું મહત્ત્વ તેમજ તેના સાથે જોડાયેલા રીતરિવાજોની ઊંડી છણાવટ કરાઈ છે. તેમાં સિનિયર કિપલિંગે એક એકથી ચડિયાતા રેખાચિત્રો દોર્યા છે. બીજું પુસ્તક છે, જ્યોર્જ સેન્ડરસનનું 'થર્ટીન યર્સ એમોંગ ધ વાઈલ્ડ બિસ્ટ્સ ઓફ ઈન્ડિયા'. સેન્ડરસન પ્રિન્સલી સ્ટેટ ઓફ મૈસૂરના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા અને જાણીતા પ્રકૃતિશાસ્ત્રી હતા. ખેતરોના પાકને જંગી નુકસાન પહોંચાડતા જંગલી હાથીઓને પકડીને તેમને કેવી રીતે કાબૂમાં લેવા અને પાળવા એ વિશે તેમણે વૈજ્ઞાનિક પદ્ધતિ વિકસાવી હતી. આ કારણસર બ્રિટીશ ઈન્ડિયામાં તેઓ 'એલિફન્ટ કિંગ' તરીકે જાણીતા હતા. એવું કહેવાય છે કે, કિપલિંગની 'તુમાઈ ઓફ ધ એલિફન્ટ્સ' વાર્તાના પીટરસન સાહેબ એટલે આ જ્યોર્જ સેન્ડરસન. ટૂંકમાં, ‘જંગલ બુક’ના વર્ણનોમાં આવતા ભારતીય જંગલોમાં રુડયાર્ડ ક્યારેય ગયા જ ન હતા! એટલે કે રુડયાર્ડની કલ્પનાશક્તિ પણ ગજબની હતી અને તેમણે વાંચેલા પુસ્તકો પણ આલા દરજ્જાના હતા, જેની મદદથી તેઓ ભારતીય જંગલોના વર્ણનો કર્યા હતા. 

કિપલિંગના મૃત્યુ પછી થયેલા સંશોધનો દરમિયાન તેમણે લખેલી એક નોંધ મળી આવી હતી. આ નોંધ પ્રમાણે કિપલિંગે સૌથી નાની પુત્રી જોસેફાઈન માટે 'ધ જંગલ બુક'ની વાર્તાઓ લખી હતી... જોસેફાઈન ફક્ત છ વર્ષની વયે ન્યુમોનિયાના કારણે મૃત્યુ પામી હતી. આ દરમિયાન કિપલિંગે લખેલો એક પત્ર પણ મળી આવ્યો હતો, જેમાં તેમણે 'ધ જંગલ બુક' વિશે ચોંકાવનારી, પણ નિખાલસ કબૂલાત કરતા કહ્યું છે કે, ''... મેં મારી જાતને અનૈતિક રીતે મદદ કરી હોય એવી પૂરેપૂરી શક્યતા છે, પણ અત્યારે મને કશું યાદ નથી કે મેં કોની વાર્તાઓ ચોરી હતી...''

જોકે, કિપલિંગ પર પ્લેજિયારિઝમ (સાહિત્યચોરી)નો ગંભીર આરોપ મૂકી શકાય કે નહીં એ આજેય ચર્ચાનો વિષય છે. ખેર, વર્ષ ૧૯૦૭માં આ મહાન લેખક નોબલ પુરસ્કાર જીતીને નોબલ જીતનારા પહેલા બ્રિટીશ લેખક બન્યા હતા. કહેવાય છે ને કે, ક્યારેક સત્ય કલ્પના કરતા પણ વધારે રોમાંચક હોય છે.

નોંધઃ તસવીરો ગૂગલ પરથી લીધી છે.