Showing posts with label કેગ. Show all posts
Showing posts with label કેગ. Show all posts

06 March, 2014

હજુ કેટલા સૈનિકોની શહીદી જોઈશે?


એક તરફ ભારતીય સેનામાં હુંસાતુંસી, આત્મહત્યા જેવા દુષણો અને હત્યા જેવી ગંભીર ગુનાખોરીએ જોર પકડ્યું છે અને બીજી તરફ, જૂનીપુરાણી ટેક્નોલોજીના કારણે અકસ્માતોનું પ્રમાણ પણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. એવું કહેવાય છે કે, ભારતીય સેના અત્યારે સૌથી ખરાબ કાળમાંથી પસાર થઈ રહી છે. નવી દિલ્હીમાં 14મી ઓગસ્ટ, 2013ના રોજ 67માં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારી ચાલી રહી હતી ત્યારે જ આઈએનએસ સિંધુરક્ષક નામની સબમરિને જળસમાધિ લઈ લીધી હતી અને હવે 26મી ફેબ્રુઆરીએ સિંધુ ફેમિલીની આઈએનએસ સિંધુરત્ન સબમરિન સાથે પણ આવો અકસ્માત થતા રહી ગયો. નવાઈની વાત એ છે કે, આ બંને સબમરિનના બેટરી કમ્પાર્ટમેન્ટમાં ખામી સર્જાઈ હતી, પરંતુ સદનસીબે સિંધુરત્ન ડૂબી જતા બચી ગઈ અને મોટી જાનહાનિ ના થઈ.

સિંધુરક્ષક સબમરિન દરિયામાં ડૂબી ગઈ ત્યારે ઓન બોર્ડ હાજર નૌકા દળના 18 અધિકારીઓના મૃત્યુ થયા હતા. જ્યારે સિંધુરત્ન સબમરિનના બેટરી કમ્પાર્ટમેન્ટમાં ગેસ લિકેજની દુર્ઘટના થઈ ત્યારે બે અધિકારીના ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયા પણ ત્યાં હાજર અન્ય સાત અધિકારીને હેલિકોપ્ટરની મદદથી બચાવી લેવાયા હતા. સિંધુરક્ષકે જળસમાધિ લીધી ત્યારે સંરક્ષણ મંત્રી એ.કે. એન્ટની હતા અને અત્યારે પણ એ.કે. એન્ટની જ સંરક્ષણ મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. ભારતીય સેનાના વડાઓ આધુનિકીકરણની વાત કરે છે ત્યારે રાજકારણીઓ તેમની વાતને સિફતપૂર્વક ભૂલાવી દે છે. સેનાના વિમાન, સબમરિન કે વહાણ સાથે થયેલો અકસ્માત મોટો છે કે નાનો તેને માપવાની ફૂટપટ્ટી તેમાં કેટલા સૈનિકોનું મૃત્યુ થયું એ નથી હોતો એ વાત કદાચ રાજકારણીઓ ભૂલી જાય છે.

એ.કે. એન્ટની અને ડી.કે. જોશી 

સિંધુરત્નમાં ભલે બે સૈનિકોનું મૃત્યુ થયું એ પણ અત્યંત ગંભીર વાત છે. કારણ કે, છેલ્લાં અનેક વર્ષોથી ભારતીય સેનામાં જૂનાપુરાણી ટેક્નોલોજીના કારણે જવાનો કમોતે મરી રહ્યા છે. સિંધુરત્ન અને સિંધુરક્ષક પહેલાં ભારતીય સેના આઈએનએસ એરાવત, ગાઈડેડ મિસાઈલ ફ્રિગેટ આઈએનએસ બેટવા, આઈએનએસ સિંધુઘોષ, આઈએનએસ તલવાર અને આઈએનએસ કોંકણ જેવા અનેક વાહનોમાં નાના-મોટા અકસ્માતોનો સામનો કરી ચૂકી છે. આ મુદ્દાની મીડિયામાં ચર્ચા થાય અને જાડી ચામડીના રાજકારણીઓના પેટનું પાણી હલે એટલા માટે જ નૌકા દળના વડા એડમિરલ ડી.કે. જોશીએ ‘નૈતિક જવાબદારી’ સ્વીકારીને  તાત્કાલિક રાજીનામું આપી દીધું છે. ડી. કે. જોશીની છાપ નૌકા દળના બાહોશ અને ગંભીર અધિકારી તરીકેની છે અને એક સૈનિક તરીકે પણ તેઓ ઉજ્જવળ રેકોર્ડ ધરાવે છે. નવાઈની વાત તો એ છે કે, એ.કે. એન્ટનીએ ભારતીય સેનાના અધિકારીઓ અને જવાનોનું મનોબળ વધારતા બે શબ્દો કહેવાના બદલે ડી.કે. જોશીનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે અને ગોખેલું નિવેદન આપીને ઘરભેગા થઈ ગયા છે.

હજુ નવેમ્બર 2013માં સંરક્ષણ મંત્રી એ.કે. એન્ટનીએ ભારતીય સેનામાં અકસ્માતોને પગલે કમોતે મરતા સૈનિકો અંગે કહ્યું હતું કે, દેશની આ મૂલ્યવાન સંપત્તિ (સૈનિકો)ને આવી રીતે વેડફવા નહીં દેવાય... જોકે, બધા જ સંરક્ષણ મંત્રીઓ આવા નિવેદન તો આપે છે પણ પછી કેન્દ્ર સરકાર કે સંરક્ષણ મંત્રાલય દ્વારા ભારતીય સેનાને આધુનિક વાહનો અને અન્ય શસ્ત્રસરંજામ આપવા માટે કોઈ ગંભીર પ્રયાસ કરાતા નથી. એટલું જ નહીં, છેલ્લાં કેટલાક વર્ષોમાં તો કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયાના અહેવાલોમાં પણ કહેવાયું છે કે, સૈન્યના આધુનિકીકરણમાં મોડું થઈ રહ્યું હોવાથી ભારતીય નૌકા દળની તાકાત સતત ઘટી રહી છે. ભારતમાં સેના માટે વિવિધ પ્રકારના શસ્ત્રસરંજામની ખરીદીની મંજૂરી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ આપે છે અને આ કાઉન્સિલના અધ્યક્ષ હોદ્દાની રૂએ સંરક્ષણ મંત્રી જ હોય છે. આ કાઉન્સિલની મંજૂરી પછી જ ભારતીય સેનાની ત્રણેય પાંખ માટેના શસ્ત્રસરંજામની ખરીદી કરવામાં આવે છે.

કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના વર્ષ 2008-09ના અહેવાલમાં પણ સબમરિનની બેટરીમાં સર્જાતી ખામીને ગંભીરતાથી લેવામાં આવી હતી. આ અહેવાલમાં કહેવાયું હતું કે, “સબમરિન માટેની બેટરી મોનિટરિંગ સિસ્ટમની ખરીદ પ્રક્રિયા ઝડપથી થવી જોઈએ અને આ કામમાં અયોગ્ય રીતે મોડું થઈ રહ્યું છે...” આ અહેવાલને સંરક્ષણ મંત્રાલયે ગંભીરતાથી કેમ ના લીધો? સિંધુરત્ન સબમરિનમાં પણ બેટરી કમ્પાર્ટમેન્ટમાં જ આગ લાગી હતી અને તેના કારણે થયેલા ધુમાડામાં ગુંગળાઈ જવાના કારણે નૌકા દળે બે બાહોશ જવાનો ગુમાવવાનો વારો આવ્યો છે. ગયા વર્ષે સિંધુરક્ષકની જળસમાધિ પછી ભારતીય નૌકા દળે સુરક્ષાના કારણોસર સિંધુરત્નને ફરજમાંથી મુક્ત કરવાનું આયોજન કર્યું હતું, પરંતુ એ પહેલાં જ આ અકસ્માતમાં વધુ બે અધિકારીનો ભોગ લેવાઈ ગયો છે.

ભારતીય નૌકા દળના આધુનિકીકરણ માટે તૈયાર કરાયેલો સ્કોર્પેન પ્રોજેક્ટ પણ ભારતની ઢીલી અને ભ્રષ્ટ અમલદારશાહીનું ઉત્તમ ઉદાહરણ છે. સ્કોર્પેન પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ 2005માં મુંબઈના મઝગાંવ ડોક્સ લિમિટેડમાં છ ફ્રેન્ચ-સ્પેનિશ ડીઝલ-ઈલેક્ટ્રિક સબમરિન વિકસાવવાના કાર્યક્રમને મંજૂરી આપી દેવાઈ હતી. આ કાર્યક્રમ પછી આવી વધારાની છ સબમરિન વિકસાવવાનું પણ આયોજન છે, પરંતુ અત્યાર સુધી એક પણ સબમરિનને ભારતીય નૌકા દળમાં સમાવી શકાઈ નથી. આ સબમરિનની ડિલિવરી વર્ષ 2012થી ચાલુ કરી દેવાની હતી પણ હવે તે વર્ષ 2016 સુધી પાછી ઠેલવવામાં આવી છે. સિંધુ ફેમિલીની સિંધુરક્ષક અને સિંધુરત્ન સોવિયેત યુગની સબમરિનો હતી અને 25-30 વર્ષનું તેનું આયુષ્ય પણ લગભગ પૂરું થઈ ગયું છે. આ પ્રોજેક્ટમાં મોડું થવા પાછળનું કારણ ગોકળગાય ગતિએ ચાલતી અમલદાર પ્રક્રિયા જ જવાબદાર છે.

જોકે, વાત ફક્ત સબમરિનોની નથી. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે 24મી ફેબ્રુઆરીએ જ ચાર એમ્ફિબિયસ વહાણો અને એન્ટિ-સબમરિન વૉરફેરની સુવિધા ધરાવતા 16 મલ્ટી-રોલ હેલિકોપ્ટરો ખરીદવાના નૌકા દળના સૂચનને ફગાવી દીધું છે. આ દરમિયાન ભારતીય સેના અને ભારતીય વાયુ સેનાએ પણ કેટલોક શસ્ત્રસરંજામ ખરીદવાની કાઉન્સિલને ભલામણ કરી હતી. એવું કહેવાય છે કે, આ સૂચન ફગાવી દેવાયું ત્યારે પણ એડમિરલ ડી.કે. જોશીએ સવાલ ઉઠાવ્યા હતા. સંરક્ષણ મંત્રાલયે વર્ષ 2005માં 126 મીડિયમ મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટની ખરીદી માટે એક ટેન્ડર બહાર પાડ્યું હતું. આ ટેન્ડર બહાર પડ્યાના બે વર્ષ પછી એટલે કે વર્ષ 2007માં અમલદારો છ ઉત્પાદકોની ફક્ત એક યાદી બનાવી શક્યા હતા. ત્યાર પછી વર્ષ 2012માં થોડી ચહલપહલ થઈ અને ફરી એકવાર કિંમત અને મેઈન્ટેન્સ મુદ્દે ખરીદીમાં ગૂંચવણો ઊભી થઈ. અમલદારશાહી-બાબુશાહીના કારણે સીધી કે આડકતરી રીતે સૈનિકોની જિંદગી સાથે કેવો ખિલવાડ થઈ રહ્યો છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.

રસપ્રદ વાત એ છે કે, મીડિયમ મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટ તરીકે ઓળખાતા આ મિલિટરી પ્લેન ભારતીય વાયુસેનાના મિગ વિમાનોનું સ્થાન લેવાના હતા. વર્ષ 1960થી ભારતીય વાયુ સેના મિગ કોમ્બેટ જેટ વિમાનોનો ઉપયોગ કરી રહી છે પણ આટલા વર્ષો પછી આ વિમાનોમાં ઉડવું અત્યંત જોખમી થઈ ગયું છે. મિગ વિમાનોના અકસ્માતોમાં અત્યાર સુધી ભારતીય સેનાના અનેક જવાનો કમોતે માર્યા ગયા છે અને એટલે જ તે ‘ફ્લાઈંગ કોફિન’ નામે કુખ્યાત છે. છેલ્લાં વીસેક વર્ષમાં અનેક મિગ વિમાનો અકસ્માતોનો ભોગ બન્યા હોવા છતાં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે વાયુ સેનાને અત્યાધુનિક વિમાનો આપવા કોઈ ગંભીરતા દર્શાવી નથી. નવાઈની વાત તો એ છે કે, ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે બી-737 બોઈંગ બિઝનેસ જેટની ખરીદીને મંજૂરી આપી દીધી છે, જેનો ઉપયોગ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રીની લાવવા-લઈ જવા માટે કરાય છે. વળી, આ જેટ વિમાનોની ખરીદી સિંગલ વેન્ડર સિસ્ટમ આધારિત હોય છે. આ સિસ્ટમ પ્રમાણે એક જ ઉત્પાદકને પસંદ કરીને ખરીદી કરી લેવાય છે. એક જ ઉત્પાદક પાસેથી કરાતી ખરીદીમાં અન્ય ઉત્પાદકો પસંદ કરીને તેની યાદી બનાવવાની ‘લાંબી પ્રક્રિયા’માંથી પસાર જ નથી થવું પડતું.

ભારતીય સેના માટે થતી ખરીદી હંમેશાં શંકાસ્પદ હોય છે અને એટલે જ તેની સામે સવાલો ઉઠતા રહે છે. ભારત સરકારે આઈએલ-78 નામના હેવી-લિફ્ટ એરક્રાફ્ટ માટે ત્રણ ફાલ્કન એરબોર્ન વૉર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમની પણ ખરીદી છે. આ સામે ભારતીય સેનાના જ કેટલાક અધિકારીઓ અને સુરક્ષા નિષ્ણાતોએ સવાલ ઉઠાવ્યા છે કે, આ સિસ્ટમની ભારત સરકારને ખરેખર જરૂર હતી? તાજેતરમાં જ ઓગસ્ટા વેસ્ટલેન્ડ નામની ઈટાલિયન કંપની પાસેથી 12 હેલિકોપ્ટર ખરીદવાનું લાંચ કૌભાંડ ચગ્યું હતું. આ કૌભાંડના કારણે જ ઓગસ્ટા વેસ્ટલેન્ડ સાથેનો કરાર ભારત સરકારે રદ કરી દીધો હતો. આ હેલિકોપ્ટરની ખરીદીનો કરાર પણ સિંગલ વેન્ડર સિસ્ટમ આધારિત હતો.

ભારતીય સેનાનું આધુનિકીકરણ કરવાનો સંરક્ષણ મંત્રી એ.કે. એન્ટનીનો રેકોર્ડ અત્યંત નબળો સાબિત થયો છે. ભારતીય સેનાની ત્રણેય પાંખનું આધુનિકીકરણ કરવા માટે હજુ કેટલાક સૈનિકોની શહીદીની રાહ જોવાઈ રહી છે? ભારતીય સેના માટે કરાતી ખરીદીમાં પારદર્શકતા આવે એ પણ એટલો જ ગંભીર મુદ્દો છે. નહીં તો શસ્ત્રોની ખરીદીમાંથી રાજકારણીઓ રોકડી કરતા રહેશે અને દેશ માટે ખડે પગે રહેતા નિર્દોષ સૈનિકો કમોતે મરતા રહેશે. આપણે યાદ રાખવુ જોઈએ કે, ગમે તેવા શૂરવીર યોદ્ધાને પણ સારા શસ્ત્રોની જરૂર હોય જ છે.

નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગુગલ પરથી લીધી છે. 

25 November, 2012

‘કેગ’માં ચૂંટણી પંચની એક્શન રિપ્લે?


(નોંધઃ આ લેખ લખ્યો ત્યારે હજુ આર. પી. સિંગે ‘કેગ’ વિશે વિવાદાસ્પદ નિવેદન કર્યું ન હતું.  જોકે, આર. પી. સિંગનું નિવેદન પણ વિવિધ પ્રકારની શંકાઓથી પર નથી. વળી, તેમના નિવેદનથી કોંગ્રેસને ક્લિન ચિટ પણ નથી મળી જતી. ખરેખર તો આર. પી. સિંગ જવાબદાર અધિકારી હોય તો પછી તેમણે છેક અત્યારે કેમ આ નિવેદન કર્યું? વળી, કોઈના દબાણમાં આવીને  ‘કેગ’ના અહેવાલમાં ફેરફાર કરાયા હોય એ વાત જ બકવાસ છે.)

વડાપ્રધાન કાર્યાલયમાં ફરજ બજાવતા રાજ્યમંત્રી નારાયણસામીએ ‘કેગ’ને બહુ-સભ્યક સંસ્થા (મલ્ટી મેમ્બર બોડી) બનાવવાની વાત કરતા જ રાજકીય ભૂકંપ સર્જાયો છે. કોમનવેલ્થ, કોલ બ્લોક અને સ્પેક્ટ્રમ ખામીયુક્ત ફાળવણીને લગતા વિવિધ કૌભાંડો અને રાજકારણીઓની ઉદ્યોગપતિઓ સાથેની મિલિભગત મુદ્દે ‘કેગ’ના આક્રમક વલણની ચોતરફ ચર્ચા થઈ રહી છે, એવા જ સમયે વડાપ્રધાન કાર્યાલયના મંત્રી ‘કેગ’ને બહુ-સભ્યક બનાવવાની વાત કરે ત્યારે હોબાળો થવો સ્વાભાવિક છે. નારાયણસામીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ‘કેગ’ને બહુ-સભ્યક સંસ્થા બનાવવા સક્રિયપણે વિચારી રહી છે. આ નિવેદનને વિરોધ પક્ષો અને સિવિલ સોસાયટી સાચી કે ખોટી રીતે ‘કેગ’ની બંધારણીય સત્તા પરની તરાપ માની રહ્યા છે. જોકે, જોરદાર વિરોધ વચ્ચે યુપીએ સરકારે ‘કેગ’ને બહુ-સભ્યક સંસ્થા બનાવવાનો પ્રસ્તાવ હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. પરંતુ નારાયણસામીના નિવેદન પરથી રાજકીય વિશ્લેષકો અનુમાન કરી રહ્યા છે કે, નજીકના ભવિષ્યમાં કેન્દ્ર સરકાર ચૂંટણી પંચની જેમ ‘કેગ’ને પણ બહુ-સભ્યક બનાવી દેશે એ વાતમાં કોઈ શંકા નથી.

છેલ્લાં કેટલાક વર્ષોમાં વિવિધ કૌભાંડો મુદ્દે જવાબ આપીને થાકી ગયેલી યુપીએ સરકારના મંત્રીઓ ‘કેગ’ વિશે બેફામ નિવેદનો કરી ચૂક્યા છે. જેમાં, ‘કેગ’ ફક્ત સનસનાટી ફેલાવવા આ બધું કરી રહ્યા છે એવા મનઘડંત નિવેદનનો પણ સમાવેશ થાય છે. કદાચ એટલે જ 2G સ્પેક્ટ્રમની હરાજી નિષ્ફળ ગયાની જોરશોરથી જાહેરાત કરીને મનીષ તિવારી અને કપિલ સિબ્બલ જેવા સિનિયર કોંગ્રેસી મંત્રીઓ દોષનો ટોપલો ‘કેગ’ પર ઢોળ્યો હતો. ત્યારે એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે આટઆટલા કૌભાંડો બાદ જ કેન્દ્ર સરકાર ‘કેગ’ને બહુ-સભ્યક સંસ્થા બનાવવા કેમ સક્રિય થઈ ગઈ? યુપીએના સાથી પક્ષ દ્રવિડ મુનેત્ર કઝગમે (ડીએમકે) પણ ‘કેગ’ને ચૂંટણી પંચની જેમ બહુ-સભ્યક સંસ્થા બનાવવા તરફેણ કરી છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે, 2G સ્પેક્ટ્રમ કૌભાંડના આરોપીઓ એ. રાજા અને કનીમોઝી ડીએમકેને નેતાઓ છે. વળી, કનીમોઝી તો કરુણાનિધિના પુત્રી છે.

‘કેગ’ વિનોદ રાય 

જો વર્તમાન ‘કેગ’ સારી રીતે કામ કરી રહ્યા હોય તો સરકારને આવું વિચારવાની જરૂર જ શું કામ પડી રહી છે? જો, કોઈ કંપની સારી રીતે કામ કરતી ન હોય તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેની ખામીઓ શોધીને તેને ઉકલેવાના પ્રયાસો કરશે. પરંતુ કંપનીનો ઓડિટર નહીં બદલી નાંખે. એવી જ રીતે, કેન્દ્ર સરકારે પણ ‘કેગ’માં કંઈ સુધારાવધારા કરવાના બદલે પોતાનું ગવર્નન્સ સુધારવાની જરૂર છે. બીજી તરફ, ‘કેગ’ પણ અત્યાર સુધી ક્યારેય વિવાદમાં સપડાઈ નથી કે તેની કાર્યવાહી પણ શંકાસ્પદ રહી નથી.

આમ છતાં કેટલાક બંધારણીય નિષ્ણાતો ઉદાર મત વ્યક્ત કરતા કહે છે કે, જો સરકાર ખરેખર કોઈ સુધારો કરવા માંગતી હોય તો ‘કેગ’ની નિમણૂકની પ્રક્રિયામાં ફેરફાર કરવો જોઈએ. જેમ કે, ‘કેગ’ને પસંદ કરતી સમિતિમાં વડાપ્રધાન કે ગૃહ મંત્રાલયની સાથે, લોકસભા અને રાજ્યસભાના વિરોધ પક્ષના નેતાઓનો પણ તેમાં સમાવેશ કરવો જોઈએ. આવી કોઈ સિસ્ટમ ન હોય તો સરકાર કોઈ માનીતા અધિકારીને વફાદારીની ‘ભેટ’ આપવા ખાતર ‘કેગ’ તરીકે નિમણૂક કરે એવી શંકા રહે છે. એ વાત અલગ છે કે, કેન્દ્ર સરકારે નિયુક્ત કરેલા ‘કેગ’ પ્રામાણિકતાથી કામ કરે છે. પરંતુ એક વાત નક્કી છે કે, ‘કેગ’ની પસંદગી પ્રક્રિયામાં હજુ પણ સુધારાને અવકાશ છે. કારણ કે, આ પ્રક્રિયામાં કોઈનેય ખાતરી નથી હોતી કે, ‘કેગ’ તેમનું કામ કરવા સ્વતંત્ર છે કે નહીં?

ખરેખર પૂર્વ ‘કેગ’ વી. કે. શૂંગ્લુના વડપણ હેઠળ નિમાયેલી સમિતિએ એક અહેવાલ રજૂ કરીને ‘કેગ’ને બહુ-સભ્યક સંસ્થા બનાવવાની ભલામણો કરી હતી. આ દરમિયાન યુપીએ સરકાર વિવિધ કૌભાંડોથી ઘેરાયેલી હોવાથી ‘કેગ’ને બહુ-સભ્યક બનાવવાનું વિચારી શકે એમ પણ ન હતી. નવાઈની વાત એ છે કે, કેબિનેટ સેક્રેટરિયેટે એપ્રિલ 2011માં જ ‘કેગ’ વિનોદ રાયને પત્ર લખીને શૂંગ્લુ સમિતિની ભલામણો મુદ્દે તેમનું મંતવ્ય માંગ્યું હતું. આ પત્રથી ‘કેગ’ વિનોદ રાય અને તેમના સહકર્મચારી ડેપ્યુટી ‘કેગ’ને સ્વાભાવિક રીતે જ ભારે આશ્ચર્ય થયું હતું. કારણ કે, તેમનું અનુમાન હતું કે કેન્દ્ર સરકારે ‘કેગ’ને બહુ-સભ્યક બનાવવાનો વિચાર હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. જોકે, વિનોદ રાયે કેબિનેટ સેક્રેટરિયેટને વળતો પત્ર લખી સ્પષ્ટ જણાવ્યું હતું કે, “આવી બંધારણીય સંસ્થામાં ફક્ત એક જ વડો હોવો જોઈએ. એક જ વડાનો અર્થ આપખુદશાહી નથી થતો. તેની સમગ્ર કામગીરી વિવિધ સભ્યોની બનેલી સમિતિને જવાબદાર હોય છે.”

‘કેગ’ને પાંચ ડેપ્યુટી ‘કેગ’ પણ ફાળવવામાં આવ્યા હોય છે. ‘કેગ’ દ્વારા તૈયાર કરાયેલા તમામ ઓડિટ રિપોર્ટની ઝીણવટપૂર્વક તપાસ કરવાનું અને તેને અંતિમ રૂપ આપવાનું કામ આ પાંચેય ડેપ્યુટી ‘કેગ’ કરે છે. વર્ષ 2008માં જ કેન્દ્ર સરકારે ‘કેગ’ની પાંચ ડેપ્યુટી ‘કેગ’ની ભલામણોનો સ્વીકાર કર્યો છે. આટલા હોદ્દેદારોની નિમણૂક પછી આ વિભાગને કોઈ વધારાના ફેરફારોની જરૂર જ નથી. એટલું જ નહી, ‘કેગ’માં સરકાર દ્વારા નિમાતા તમામ હોદ્દેદારો વિવિધ પ્રકારની સંસ્થાઓનું ઓડિટ કરવા માટે પૂરતી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય છે. ‘કેગ’ વિનોદ રાયે પણ કેબિનેટ સેક્રેટરિયેટને લખેલા પત્રમાં ઉપરોક્ત તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો છે.

‘કેગ’ને બહુ-સભ્યક સમિતિ બનાવવા માંગતા લોકોને જડબાતોડ જવાબ આપતા વિનોદ રાયે આ પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, આશરે 34 કોમનવેલ્થ દેશોમાં ‘કેગ’ જેવી સંસ્થામાં ફક્ત એક જ વડો છે. જ્યારે બંધારણીય નિષ્ણાત સુભાષ કશ્યપ જણાવે છે કે, “એક સભ્ય હોય કે ત્રણ, તેનાથી કોઈ ફર્ક પડતો નથી. બધો જ આધાર આ ઉચ્ચ બંધારણીય હોદ્દા પર નિમાયેલી વ્યક્તિના વ્યક્તિત્વ પર આધારિત છે. ફક્ત એક જ સભ્ય ધરાવતી ‘કેગ’ પણ ત્રણ સભ્યોની ‘કેગ’ કરતા વધુ સારું કામ કરી શકે છે.” પરંતુ મૂળ વાત એ છે કે, જો હાલની વ્યવસ્થા સારી રીતે કામ કરતી હોય તો તેને બદલવા માટે સરકારને ‘સક્રિય’ કેમ થઈ છે. આ સક્રિયતા પાછળ શૂંગ્લુ સમિતિની ભલામણો નહીં પણ વર્તમાન ‘કેગ’ પ્રત્યે યુપીએ સરકારનો ગુસ્સો કારણભૂત છે.

પૂર્વ ચૂંટણી કમિશનર ટી. એન. શેષાન પણ આવી જ રીતે રાજકારણીઓના ગુસ્સાનો ભોગ બન્યા હતા. પોતાને મળેલી બંધારણીય સત્તાને સારી રીતે ઓળખતા શેષાને ભારતમાં આક્રમક રીતે ચૂંટણી સુધારા કર્યા હતા. બાદમાં કેન્દ્ર સરકારે ચૂંટણી પંચમાં બે નાયબ ચૂંટણી કમિશનરોની નિમણૂક કરી હતી. એ વાત અલગ છે કે, ચૂંટણી પંચને બહુ-સભ્યક બનાવ્યા પછી પણ તેની કામગીરી ઘણી અસરકારક રહી છે. જોકે, આપણે ચૂંટણી વખતે ચૂંટણી કમિશનરો વચ્ચે પણ સર્જાતા મતભેદોને પણ ન ભૂલવા જોઈએ. આ અંગે કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે, ચૂંટણી પંચ અને ‘કેગ’ની સરખામણી બિલકુલ અયોગ્ય છે. કારણ કે, તે બંનેનું કામ બિલકુલ અલગ છે. એક ‘કેગ’ 1.76 લાખ કરોડ, બીજા ‘કેગ’ ફક્ત રૂ. 50 કરોડ અને ત્રીજા ‘કેગ’ બિલકુલ નુકસાન નહીં થયાનો અહેવાલ આપે એ શક્ય છે?

‘કેગ’ના અહેવાલમાં પણ એકથી વધુ રીતે ગણતરી કરીને અંદાજિત આંકડા આપવામાં આવ્યા હોય છે. જેમ કે, 2G સ્પેક્ટ્રમ મુદ્દે કેગએ રજૂ કરેલા અહેવાલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, એ. રાજાના સમયગાળામાં કરાયેલી 2G સ્પેક્ટ્રમની ફાળવણીમાં થયેલા અંદાજિત નુકસાનની ગણતરી ચાર રીતે ગણતરી કરી શકાય એમ છે. આ ચારેય રીતથી કરેલી ગણતરીના આંકડા અનુક્રમે રૂ. 67,364 કરોડ, રૂ. 69,626 કરોડ, રૂ. 57,666 કરોડ અને રૂ. 1,76,645 કરોડ છે. વિનોદ રાયે વિવિધ કૌભાંડોમાં આપેલા ચોક્કસ અહેવાલોની જેમ જ પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, “ઓડિટ રિપોર્ટને ‘કેગ’ અંતિમ રૂપ આપે તે પહેલાં તે વિવિધ તબક્કામાંથી પસાર થયો હોય છે. એનો અર્થ એ છે કે, હાલની સિસ્ટમમાં કોઈ ખામી નથી. કારણ કે, તમામ ઓડિટ રિપોર્ટમાં એક વ્યક્તિનું નહીં પણ સરકારે નિમેલી સમિતિએ જ નિર્ણય લીધા હોય છે.”

વિવાદ કેવી રીતે શરૂ થયો?

વી. નારાયણસામી
વડાપ્રધાન કાર્યાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ફરજ બજાવતા નારાયણસામીએ 11મી નવેમ્બરે પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ‘કેગ’ને બહુ-સભ્યક સંસ્થા (મલ્ટી-મેમ્બર બોડી) બનાવવા અંગે ગંભીરતાથી વિચાર કરી રહી છે. એક પછી એક કૌભાંડો તરફ સફળતાપૂર્વક આંગળી ચીંધનારી ‘કેગ’ની આક્રમક કાર્યવાહીથી યુપીએ સરકાર રીતસરની કંટાળી ગઈ છે. આવા સમયે કેન્દ્ર સરકારના ‘કેગ’ વિશેના ‘ગુપ્ત એજન્ડા’નો નારાયણસામીએ ‘પર્દાફાશ’ કરી દેતા હોબાળો મચી જવો સ્વાભાવિક હતો. પરંતુ નારાયણસામીએ પણ દોષનો ટોપલો મીડિયા પર ઢોળતા કહ્યું કે, “હું આવું કશું બોલ્યો જ નથી. મારું નિવેદન તોડી-મરોડીને રજૂ કરાયું છે.”

જોકે, નારાયણસામીને જવાબ આપતા પીટીઆઈએ ઈન્ટરવ્યૂ લીધાના બીજા જ દિવસે 12મી નવેમ્બરે પ્રેસ રિપોર્ટર સાથે થયેલી વાતચીતની ટેપ જાહેર કરી હતી. જેમાં પૂર્વ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વી. કે. શૂંગ્લુના ‘કેગ’ને મલ્ટી-મેમ્બર બોડી બનાવવાના પ્રસ્તાવ વિશે પૂછતાં કેન્દ્રીય મંત્રી સ્પષ્ટ કહે છે કે, “કેન્દ્ર સરકાર ‘કેગ’ને એકથી વધુ સભ્યવાળું બનાવવાના પ્રસ્તાવ પર સક્રિયતાથી વિચારે છે.” એટલું જ નહીં, નારાયણસામીએ એમ પણ કહ્યું હતું કે, “‘કેગ’ ખૂબ અધીરા થઈ ગયા છે. તેઓ એમ માને છે કે, આ બંધારણીય સંસ્થા તેમના માપદંડ પ્રમાણે ચાલવી જોઈએ.” નોંધનીય છે કે, પૂર્વ ‘કેગ’ વી. કે. શૂંગ્લુએ ‘કેગ’માં પારદર્શકતા લાવવા માટે ત્રણ સભ્યની ભલામણ કરી હતી. 

નોંધઃ તસવીર ઈન્ટરનેટ પરથી લીધી છે. 

19 November, 2012

‘કેગ’ને શૂળીએ ચડાવવા કોંગ્રેસના હવાતિયાં


રાજકારણીઓ પોતાની નિષ્ફળતા કે કૌભાંડોને છુપાવવા માટે મરણિયા પ્રયાસ કરતા હોય છે ત્યારે ખૂબ હાસ્યાસ્પદ લાગતા હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત 2G સ્પેક્ટ્રમની હરાજી નિષ્ફળ જતાં જ કોંગ્રેસના અગ્રણી નેતાઓએ નિષ્ફળ હરાજીનો દોષનો ટોપલો કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ પર નાંખવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ પણ કંઈક આવા જ લાગતા હતા. 2G સ્પેક્ટ્રમની હરાજી નિષ્ફળ જતાં જ નવા નવા માહિતી અને પ્રસારણ મંત્રી બનેલા મનીષ તિવારીએ ગેલમાં આવી જઈને કહ્યું કે, “મિ. કેગ, ક્યાં છે રૂ. 1,76,000 કરોડ.” જાણે 2G સ્પેક્ટ્રમના કૌભાંડ માટે એ. રાજા નહીં પણ ‘કેગ’ વિનોદ રાય જવાબદાર હોય!

યુપીએ સરકારના કાર્યકાળમાં એક પછી એક કૌભાંડો બહાર આવતા હતા ત્યારે મનીષ તિવારી જ પ્રવક્તા તરીકે બખૂબી ‘ડેમેજ કંટ્રોલ’ કરતા હતા. કદાચ એટલે જ કોંગ્રેસ સુપ્રીમોએ ખૂબ સમજી વિચારીને જ તેમને માહિતી અને પ્રસારણ મંત્રી બનાવ્યા હશે! નવાઈની વાત તો એ છે કે, ટેલિકોમ મંત્રી કપિલ સિબ્બલ પણ પ્રેસ કોન્ફરન્સમાં તિવારી જેવા મૂર્ખામીભર્યા નિવેદનો કરી રહ્યા હતા. સિબ્બલે કહ્યું હતું કે, “‘કેગ’ના સનસનીખેજ અહેવાલના કારણે જ દેશની ‘ટેલિકોમ સ્ટોરી’ને જંગી નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.” જ્યારે પી. ચિદમ્બરમે શાણી ભાષામાં વાત કરતા કહ્યું કે, “હવે, ભારત દુનિયાને પોતાની ‘ટેલિકોમ સ્ટોરી’ બતાવી નહીં શકે. કારણ કે, હવે તેના પર સનસનીખેજ સમાચારો હાવી થઈ ગયા છે.”

આ બંને સિનિયર મંત્રીઓ એમ કહેવા માંગતા હતા કે, હવે ભારત સરકાર ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં ભરેલી હરણફાળની વાત વિશ્વ સમક્ષ નહીં વહેંચી શકે. યુપીએ સરકારના આ બંને સિનિયર મંત્રીઓ ખૂબ હોંશિયાર છે અને તેઓ સારી રીતે જાણે છે કે, લોકો સુધી વાસ્તવિકતાને તોડી-મરોડીને પોતાની અને પક્ષની તરફેણમાં કેવી રીતે રજૂ કરવી. શું મનીષ તિવારી, કપિલ સિબ્બલ અને પી. ચિદમ્બરમ એ નથી જાણતા કે, 2G સ્પેક્ટ્રમનું કૌભાંડ બહાર આવ્યા પછી સર્વોચ્ચ અદાલતે પણ સ્પેક્ટ્રમની ફાળવણીને લગતા 122 લાયસન્સ રદ કર્યા હતા. એટલું જ નહીં, ‘કેગ’ જેવી જવાબદાર સંસ્થા ફક્ત સનસનાટી ફેલાવવા માટે જ કોઈ અહેવાલ રજૂ ન કરે તે વાત પણ તેઓ બરાબર જાણે છે. પરંતુ કૌભાંડોમાં થયેલી બદનામીથી વ્યથિત થઈને યુપીએ સરકારના મંત્રીઓ બેફામ નિવેદનબાજી પર ઉતરી આવ્યા ત્યારે ખૂબ ભદ્દા લાગતા હતા.

કપિલ સિબ્બલ, પી. ચિદમ્બરમ અને મનીષ તિવારી

2G સ્પેક્ટ્રમની હરાજી નિષ્ફળ ગયા મુદ્દે વધુ એક ખુલાસો આપતા કપિલ સિબ્બલે કહ્યું હતું કે, અમે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)એ આપેલી લઘુતમ કિંમતોના આધારે હરાજી કરી હતી. પરંતુ જો ટ્રાઈએ કિંમતો થોડી ઓછી રાખી હોત તો આ હરાજી સફળ રહી હોત! આમ કહીને સિબ્બલ હરાજીની નિષ્ફળતા માટે ટ્રાઈને પણ જવાબદાર ઠેરવે છે. બીજી તરફ, કપિલ સિલ્લબ એ. રાજાએ કરેલી 2G સ્પેક્ટ્રમ ફાળવણીને પણ આડકતરી રીતે યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કપિલ સિબ્બલ કંઈક એવું ઠસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, વર્ષ 2008માં ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં જબરદસ્ત તેજી હતી અને વર્ષ 2010થી ટેલિકોમ ક્ષેત્રના કપરા સંજોગોની શરૂઆત થઈ હતી. વર્ષ 2008માં તત્કાલીન ટેલિકોમ મંત્રી એ. રાજાના કાર્યકાળમાં થયેલા 2G સ્પેક્ટ્રમના સોદા અંગે ‘કેગ’ દ્વારા 3G સ્પેક્ટ્રમની હરાજીમાંથી થયેલી આવકને આધાર તરીકે લેવાઈ હતી. નોંધનીય છે કે, ટેલિકોમ મંત્રાલયે વર્ષ 2010માં 3G સ્પેક્ટ્રમની હરાજી કરીને રૂ. 67,719 કરોડની કમાણી કરી હતી. આ આર્થિક ફેરફારો સમજવામાં ‘કેગ’ થાપ ખાઈ ગયું અને એ. રાજાના સમયમાં થયેલી સ્પેક્ટ્રમ ફાળવણીને મોટું કૌભાંડ માની લેવાયું!

જોકે તેમની આ વાતનો છેદ ઉડાડતા સીપીઆઈ-એમના નેતા નિલોત્પલ બાસુએ એક ટીવી કાર્યક્રમમાં દલીલ કરી હતી કે, “તત્કાલીન ટેલિકોમ મંત્રી એ. રાજાએ માત્ર રૂ. 9,200 કરોડમાં 2G સ્પેક્ટ્રમના 122 લાયસન્સની લ્હાણી કરી હતી. પરંતુ આ વખતે માત્ર 22 લાયસન્સની હરાજીમાંથી જ રૂ. 9,200 કરોડ કરતાં વધુ આવક થઈ છે.” જો ટેલિકોમ ક્ષેત્રમાં મંદી હોવા છતાં આટલી રકમ મેળવી શકાઈ હોય તો આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે, યુપીએ સરકારના મંત્રી એ. રાજાએ 2G સ્પેક્ટ્રમની ફાળવણીમાં કેવા ગોટાળા કર્યા હશે! અહીં એ પણ યાદ રાખવું જોઈએ કે, વર્ષ 2008માં એ. રાજાએ હરાજીથી નહીં, પણ ‘વહેલાં તે પહેલાં’ના ધોરણે 2G સ્પેક્ટ્રમની ફાળવણી કરી દીધી હતી.

આ કેસમાં સીબીઆઈએ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં ફાઈલ કરેલી ચાર્જશીટમાં એ. રાજા પર જાહેર સેવક તરીકે લોકોના વિશ્વાસનો ભંગ, ગુનાઈત કાવતરું, છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો બનાવવા વગેરે આરોપો લગાવ્યા હતા. છેવટે ફેબ્રુઆરી 2011માં એ. રાજાની પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. હવે, આવા ‘રાજા’ને બચાવવા પડેલા યુપીએ સરકારના મંત્રીઓને એક સવાલ પૂછવાનું મન થાય છે કે, શું તમે 2G સ્પેક્ટ્રમના સમગ્ર કૌભાંડમાં એ. રાજાના બદલે ‘કેગ’ વિનોદ રાયને ગુનેગાર ઠેરવવા માંગો છો?

કદાચ એટલે જ મનીષ તિવારીએ 2G સ્પેક્ટ્રમની હરાજીની નિષ્ફળતા બાદ ખુશખુશાલ થઈને ‘કેગ’ને સવાલ કર્યો હતો કે, “મિ. કેગ, ક્યાં છે રૂ. 1,76,000 કરોડ?” તો તેમના આ મૂર્ખામીભર્યા સવાલનો જવાબ તેમના સાથીદાર કપિલ સિબ્બલે આપી જ દીધો છે. કપિલ સિબ્બલ કહે છે તેમ વર્ષ 2008ની તેજીને વર્ષ 2010 સાથે સરખાવી ન શકાય. કારણ કે, વર્ષ 2010માં ટેલિકોમ ઈન્ડસ્ટ્રીના વળતા પાણી શરૂ થયા હતા. એટલે મનીષ તિવારીએ પણ સમજી લેવું જોઈએ કે, હાલ ટેલિકોમ ઈન્ડસ્ટ્રી કપરા સંજોગોમાંથી પસાર થઈ રહી હોય તો હરાજીમાંથી રૂ. 1,76,000 કરોડ ઉપજે કેવી રીતે? તેમણે વર્ષ 2010ની સરખામણી વર્ષ 2012 સાથે ન કરવી જોઈએ.

જોકે, કેટલાક આર્થિક નિષ્ણાતો આ હરાજીને નિષ્ફળ નથી ગણી રહ્યા. તેમનું કહેવું છે કે, ટેલિકોમ મંત્રાલયે નેશનલ સ્પેક્ટ્રમ 5 મેગા હર્ટ્ઝની બેઝ પ્રાઈઝ રૂ. 14,000 કરોડ નક્કી કરી હતી. તેઓને આશા હતી કે, બેઝ પ્રાઈઝના 48 ટકા રકમ તો દિલ્હી, મુંબઈ અને કર્ણાટક એમ ફક્ત ત્રણ જ સર્કલમાંથી મળી જશે! આમ સરકારે આ ત્રણેય સર્કલને અગાઉથી જ ‘ઓવરપ્રાઈઝ’ રાખ્યા હતા. પરંતુ તેમાં ધાર્યા મુજબની હરાજી ન થઈ. જોકે આ ત્રણેય સર્કલ સિવાયની હરાજીને નિષ્ફળ ન ગણી શકાય. કારણ કે, ટેલિકોમ મંત્રાલય કુલ બેઝ પ્રાઈઝના 67.9 ટકા રકમ તો મેળવી જ ચૂક્યું છે. બીજી તરફ, ઉપરોક્ત ત્રણેય સર્કલમાં બીજી વાર હરાજી કરવાનો વિકલ્પ તો ખુલ્લો છે જ.

આ પરથી એવું કહી શકાય કે, યુપીએ સરકારના નેતાઓએ હરાજીની નિષ્ફળતા માટે ‘કેગ’ને જવાબદાર ઠેરવીને ‘ડેમેજ કંટ્રોલ’ કરવાનું આગોતરું આયોજન કર્યું હોઈ શકે છે!  જોકે, તેઓ એ. રાજાને ક્યારેય નિર્દોષ સાબિત નહીં કરી શકે. કારણ કે, ખુદ વડા પ્રધાન મનમોહન સિંહ અને તત્કાલીન નાણાં મંત્રી પી. ચિદમ્બરમ પણ ઈચ્છતા હતા કે, 2G સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવે. પરંતુ છેવટે તેઓ પણ એ. રાજાની ‘યોજના’માં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી બન્યા હતા. તેઓની આ બેદરકારીના કારણે જ દેશની તિજોરીને રૂ. 1,76,000 કરોડ (‘કેગ’ના અહેવાલ મુજબ)નું જંગી નુકસાન ભોગવવું પડ્યું હતું. નિષ્ણાતોના મતે, વર્ષ 2008માં 2G સ્પેક્ટ્રમની હરાજી કરાઈ હોત તો આ અંદાજિત આંકડા કરતા ઓછામાં ઓછી અડધી રકમ તો મેળવી જ શકાઈ હોત!

2G સ્પેક્ટ્રમ મુદ્દે ‘કેગ’એ રજૂ કરેલા અહેવાલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, એ. રાજાના સમયગાળામાં કરાયેલી 2G સ્પેક્ટ્રમની ફાળવણીમાં થયેલા અંદાજિત નુકસાનની ગણતરી ચાર રીતે ગણતરી કરી શકાય એમ છે. આ ચારેય રીતથી કરેલી ગણતરીના આંકડા અનુક્રમે રૂ. 67,364 કરોડ, રૂ. 69,626 કરોડ, રૂ. 57,666 કરોડ અને રૂ. 1,76,645 કરોડ છે. ‘કેગ’ વિનોદ રાયે આખરી અભિપ્રાય તરીકે રૂ. 1,76,645 કરોડના અંદાજિત નુકસાનનો આંકડો નહોતો આપ્યો. આમ છતાં, કોંગ્રેસના સિનિયર મંત્રીઓ ‘કેગ’ જેવી સન્માનીય સંસ્થા પર કાદવ ઉછાળીને તેમની બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે.

જોકે, મનીષ તિવારી કે કપિલ સિબ્બલ પણ આ વાત સારી રીતે જાણે છે, પરંતુ તેઓ લાફો મારીને ગાલ લાલ રાખી રહ્યા છે. કારણ કે, કદાચ તે જ કોંગ્રેસ પક્ષના ‘હિત’માં છે. જો, મનીષ તિવારીનું ચાલે તો તેઓ ‘કેગ’ને જ તેમના ‘જઘન્ય’ અપરાધ બદલ શૂળીએ ચઢાવી દે. વળી, મનીષ તિવારી એ. રાજાએ કરેલી 2G સ્પેક્ટ્રમની ફાળવણીને કૌભાંડ ગણતા જ થી. ઊલટાનું તેઓ બેશરમીથી કહી રહ્યા છે કે, વિપક્ષોએ 2G સ્પેક્ટ્રમ મુદ્દે કરેલા અપપ્રચાર બદલ દેશની માફી માંગવી જોઈએ. તથાસ્તુ.

નોંધઃ તસવીર ઈન્ટરનેટ પરથી લીધી છે. 

06 September, 2012

‘કેગ’નો અહેવાલ: કોણ સાચું, કોણ ખોટું?


યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલે (કેગ) એક પછી એક જંગી રકમના કૌભાંડના આંકડા જાહેર થતાં એવું લાગી રહ્યું છે કે
, કોંગ્રેસ ભારે નિરાશ થઈ ગઈ છે. હજુ થોડા વર્ષ પહેલાં કૌભાંડની વ્યાખ્યા કટકી કે લાંચ લઈને ચોક્કસ હક્કો નિશ્ચિત કંપનીને ફાળવી દીધા ત્યાં સુધી મર્યાદિત અને સીધીસાદી હતી. પરંતુ એ. રાજાએ કરેલી 2G સ્પેક્ટ્રમની અયોગ્ય ફાળવણી, એસ બેન્ડ ફાળવણીમાં થયેલું નુકસાન અને હવે કોલસાના બ્લોકની ફાળવણીમાં સરકારને થયેલા નુકસાન મુદ્દે કેગદ્વારા જાહેર થયેલા અહેવાલો અને આંકડા સામાન્ય માણસની સમજ બહારના અને અત્યંત નિરાશા પ્રસરાવે એવા છે.

કેગના અહેવાલ બાદ ચોતરફથી ભીંસમાં મૂકાયેલી કોંગ્રેસે કેગની સામે જ પ્રહારો કરવા માંડ્યા છે. દરમિયાન ત્રણ મહિનાની આંતરિક તપાસ બાદ આ કૌભાંડમાં સીબીઆઈ તપાસનો ધમધમાટ પણ શરૂ થયો છે. સીબીઆઇએ ચાર ઓગસ્ટ, મંગળવારે દેશના 10 અલગ-અલગ શહેરના 30 સ્થળે દરોડા પાડીને પાંચ કંપની સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. સીબીઆઈ તપાસનો દોર આગળ વધતો જાય તેમ કંપનીઓની સાથે રાજકારણીઓ અને અધિકારીઓ પણ આરોપીના પાંજરામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. કદાચ આ કેસની તપાસ કોંગ્રેસ માટે 2G કેસ કરતાં પણ વધારે ઘાતક સાબિત થઈ શકે છે. કારણ કે, 2G સ્પેક્ટ્રમ કૌભાંડ વખતે તો ટેલિકોમ મંત્રી એ. રાજા હતા અને કોલસા કૌભાંડ દરમિયાન આ મંત્રાલય તો ખુદ વડાપ્રધાન પાસે હતું. 

‘કેગ’ વિનોદ રાય 

કેગના અહેવાલ મુજબ સરકારે જે રકમ વસૂલીને કંપનીઓને કોલસા બ્લોકની ફાળવણી કરી છે તેનાથી રૂ. 1.86 લાખ કરોડનું નુકસાન થયું છે. પરંતુ કોંગ્રેસનો વાંધો એ છે કે, આ આંકડા નોશનલએટલે કે, અંદાજિત છે. તેથી આ વખતે કોંગ્રેસે કંટાળીને ખુદ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વિનોદ રાયને જ આડે હાથ લીધા છે, અને તેમના પર રાજકીય મહત્ત્વકાંક્ષાના આરોપ લગાવ્યા છે. વળી, કોલસા કૌભાંડમાં તો પ્રામાણિક છબી ધરાવતા ડૉ. મનમોહન સિંઘ કેન્દ્રસ્થાને છે. કારણ કે, ‘કેગના અહેવાલ મુજબ કોલસા બ્લોકની અયોગ્ય ફાળવણી થઈ ત્યારે આ ખાતું ખુદ વડાપ્રધાન સંભાળી રહ્યા હતા. પરંતુ આ વખતે તો સામાન્ય રીતે શાંત છબી ધરાવતા અને બહુ ઓછું બોલતા વડાપ્રધાને પણ કોલસા કૌભાંડ મુદ્દે સંસદમાં 32 મુદ્દાનું વિસ્તૃત નિવેદન આપીને કેગના અહેવાલને ખામીભરેલો ગણાવ્યો. તેમણે કહ્યું હતું કે, “આ અહેવાલ મુજબ, કોલસાના બ્લોકની હરાજી કરવામાં મોડું થવાથી અનેક પ્રાઈવેટ કંપનીઓને જંગી ફાયદો થયો છે. વળી, ‘કેગની ધારણાઓ અને વિવિધ આંકડા મુજબ મોડું થવાથી પ્રાઈવેટ કંપનીઓને 1.86 લાખ કરોડનો ફાયદો થયો છે. પરંતુ કેગનું આ અવલોકન તદ્દન વિવાદાસ્પદ છે.” (બીજી તરફ, માધ્યમો પણ કેગના અહેવાલને ટાંકીને 1.86 લાખ કરોડનું કોલસા કૌભાંડકે સરકારી તિજોરીને નુકસાન 1.86 લાખ કરોડજેવા શીર્ષકો હેઠળ સતત સમાચારો પ્રસિદ્ધ કરે છે. ખરેખર કેગના અહેવાલમાં સ્પષ્ટ લખ્યું છે કે, સરકારની યોગ્ય નીતિના અભાવના કારણે કેટલીક કંપનીઓને રૂ. 1.86 લાખ કરોડનો લાભ થયો છે.) 

વડાપ્રધાનની જેમ કેગની ટીકા કરનારા મુખ્ય ત્રણ મુદ્દાના આધારે આ અહેવાલને પાયાવિહોણો ગણાવે છે. જેમાં પહેલો મુદ્દો કોલસાના બ્લોકની ફાળવણીથી સરકારને કોઈ નુકસાન નથી ગયું એ હોય છે. બીજો મુદ્દો કેગનીતિવિષયક પ્રશ્નોમાં માથું મારે છે અને તેના બંધારણીય હક્કોનું ઉલ્લંઘન કરે છે એ હોય છે. જ્યારે ત્રીજો મુદ્દો સૌથી આઘાતજનક છે, જેમાં કોંગ્રેસના દિગ્વિજય સિંઘ જેવા નેતાઓ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, ‘કેગઆ બધું પ્રસિદ્ધિ માટે કરે છે!

કેગજેવી સ્વતંત્ર સંસ્થા બેજવાબદારીથી અહેવાલ તૈયાર કરે અને બંધારણીય મર્યાદાની બહાર જઈને કામ કરે એ વાત માનવી ઘણી અઘરી છે. જે લોકો આવા મુદ્દાના આધારે કેગના અહેવાલને ખામીયુક્ત કહી રહ્યા છે તેનું વિશ્લેષણ કરીએ તો પણ એટલું તો સ્પષ્ટ જણાય છે કે, ક્યાંકને ક્યાંક ગરબડ જરૂર થઈ છે. જેમ કે, કોંગ્રેસના મતે કોલસાના બ્લોકની ફાળવણીમાં સરકારી તિજોરીને એક પૈસાનું નુકસાન થયું નથી, એ ખુલાસો જ પાયાવિહોણો છે. પરંતુ કોંગ્રેસ પોતાની ભૂલોથી જ એટલી ત્રસ્ત છે કે, પી.ચિદમ્બરમ અને કબિલ સિબ્બલ જેવા કોંગ્રેસની થિંક ટેંકગણાતા નેતાઓ હજુ પણ 2G સ્પેક્ટ્રમ કે કોલસાના બ્લોકની ફાળવણીમાં સરકારી તિજોરીને નુકસાન નહીં થયાની પિપૂડી વગાડી રહ્યા છે.

આ ઉપરાંત કોંગ્રેસ કેગપર નીતિવિષયક પ્રશ્નોમાં માથું મારવાનો અને બંધારણીય મર્યાદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવે છે. પરંતુ ઓડિટિંગના વિદ્યાર્થીઓને એક સિદ્ધાંત શીખવવામાં આવે છે કે, “ઓડિટર વૉચડૉગ છે, પણ તેમણે કરડવાનું નથી.બસ, ભારતમાં કેગની સ્થાપના પણ આ કામ માટે જ થઈ છે. કેગએ સરકાર દ્વારા કેટલો ખર્ચ થાય છે એની સાથે એ ખર્ચની ‘ગુણવત્તા’ શું છે તેનું પણ ધ્યાન રાખવાનું છે. તેથી એક અર્થમાં કેગવ્હિસલ બ્લૉઅરનું પણ કામ કરે છે. હા, 2G સ્પેક્ટ્રમની અને હવે કોલસા બ્લોકની ફાળવણીમાં કેગએ જાહેર કરેલા કૌભાંડના આંકડા અંદાજિત છે. પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે, તાજેતરમાં કેન્દ્ર સરકારે સ્પેક્ટ્રમ ફાળવણીના થયેલા નુકસાનના કેગના અંદાજિતઆંકડાને યોગ્ય ઠેરવ્યા હતા. ખરેખર આટલા ઝીણવટપૂર્વકના કામ માટે તો કેગને અભિનંદન આપવા જોઈએ. વળી, આ અહેવાલના આધારે એટલું તો કહી જ શકાય કે, આપણે અપૂરતા કુદરતી સ્રોતોની ફાળવણી કરવા માટે કાયદેસરની અને તટસ્થ સિસ્ટમની જરૂર છે, જેનાથી સરકારી તિજોરીને મહત્તમ ફાયદો થાય. સર્વોચ્ચ અદાલત 2G સ્પેક્ટ્રમના ચુકાદા દરમિયાન હરાજી પદ્ધતિ કાયદેસરની ગણાવી ચૂકી છે. ખાણ અને ખનીજ (વિકાસ અને નિયમન) કાયદાનું વિસ્તરણ કરીને આ પદ્ધતિનો તેમાં પણ સમાવેશ કરવો જોઈએ.

કેગના અહેવાલના ટીકાકારો ત્રીજો મુદ્દો એ ઉઠાવે છે કે કેગની કાર્યશૈલી જોતા લાગે છે કે તે પ્રસિદ્ધિ માટે આ બધું કરે છે. કોંગ્રેસના બકબકિયા નેતા દિગ્વિજય સિઁધે તો કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વિનોદ રાય પર જ આરોપ લગાવ્યો છે કે, તેઓ પણ પૂર્વ કેગ ટી.એન. ચર્તુવેદીના જેમ રાજકીય મહત્વકાંક્ષા ધરાવે છે. (ટી.એન.ચર્તુવેદી નિવૃત્તિ બાદ ભાજપમાં જોડાયા હતા.) પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે, ધારો કે વિનોદ રાય રાજકીય મહત્ત્વકાંક્ષા ધરાવતા હોય તો પણ આપણે ઉપર જોઈ ગયા તેમ તાજેતરમાં જ કેન્દ્ર સરકારે સ્પેક્ટ્રમ ફાળવણીમાં કેગદ્વારા જાહેર કરેલા આંકડાને યોગ્ય ઠેરવ્યા હતા. શું દિગ્વિજય સિંઘ પાસે આ વાતનો જવાબ છે? વળી, કોલસાના બ્લોકની ફાળવણી કરવામાં પણ કોઈ પારદર્શિતા રખાઈ નથી એ પણ દેખીતું છે. જો, ‘કેગએ અંદાજેલા આંકડા બહુ મોટા હોય તો પણ આ અહેવાલ બિલકુલ પાયાવિહોણો નથી થઈ જતો. આ ઉપરાંત કોંગ્રેસ કહે છે તેમ કેગસનસનીખેજ આંકડા આપીને અહેવાલને જાણી જોઈને જાહેર કરે છે એવું માની લઈએ તો પણ રાજકારણીઓને ઘેરી નિદ્રામાંથી જગાડવા આ વ્યૂહ અકસીર સાબિત થયો છે.

આવા કોઈ પણ કારણોસર કેગના અહેવાલોની ટીકા સરકારની નબળાઈ જ છતી કરે છે. સ્વામિનાથન ઐયરે તાજેતરમાં જ લખ્યું હતું કે, “આજે, ‘કેગએક એક્ટિવિસ્ટ બની ગઈ છે... એક એક્ટિવિસ્ટ તરીકે કેગઅતિરેક કરતી હોવા છતાં તે લોકશાહીનું સાચું મૂલ્ય દર્શાવે છે. સર્વોચ્ચ અદાલતની જેમ કેગએ પણ ખાતરી આપી છે કે, હવે ભવિષ્યમાં તમામ કુદરતી સ્રોતોની હરાજી થશે. વહેલા તે પહેલાના ન્યાયે લહાણીની કુટેવ ચલાવી લેવાશે નહીં.

ભારત સરકારના પૂર્વ સોલિસિટર જનરલ ગોપાલ સુબ્રમણ્યમ જણાવે છે કે, “ફક્ત કેગજ એવી સંસ્થા છે જે ડર રાખ્યા વિના સરકારને પ્રશ્નો પૂછીને ઝીણવટપૂર્વકની તપાસ કરી શકે છે. તેથી જ બંધારણના ઘડવૈયાઓએ કેગને દૂર કરવાની સત્તા નથી આપી, અને કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ સામે પણ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની જેમ વિધિસરનું તહોમતનામું દાખલ કરીને જ કાર્યવાહી કરી શકાય છે...તેઓ ઉમેરે છે કે, “હા, સંસદ પાસે કેગના કોઈ કામ અંતર્ગત ખુલાસો માંગવાનો અધિકાર છે. સંસદ તેમને હાજર રહેવા હુકમ કરી શકે છે અને પ્રશ્નો પણ પૂછી શકે છે, અને આ માટે જ આપણા પાસે પબ્લિક એકાઉન્ટ્સ કમિટી છે જ.” 

દેશમાં કૌભાંડોની મોસમ જોતા લાગે છે કે, રાજકારણીઓ લોકપાલ આવવા ન દે ત્યાં સુધી હાલની બંધારણીય સંસ્થાઓને મહત્ત્વનો દરજ્જો મળવો જ જોઈએ.