Showing posts with label સાયન્સ. Show all posts
Showing posts with label સાયન્સ. Show all posts

05 October, 2016

પેપર બેગ, પડીકું અને લુગડાની થેલી


યુએસ પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક અમેરિકન ઈન્વેન્ટરને 'ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ' આપવાનું કામ કરે છે. માર્ચ ૨૦૧૬માં આ સંસ્થામાં 'પેપર બેગ'ની પેટન્ટ માટે અરજી આવી હતી. બે અઠવાડિયા પહેલાં જ આ અરજી સ્વીકારી લેવાઈ અને હવે પેપર બેગની પેટન્ટ આપવી કે નહીં એની વિચારણા થઈ રહી છે. દુનિયા માટે પેપર બેગ પેટન્ટેડ થઈ જશે એ તો સમાચાર છે જ, પરંતુ એનાથીયે વધારે રસપ્રદ વાત એ છે કે પેપર બેગની પેટન્ટ માટેની અરજી એપલે કરી છે. હા, એ જ 'એપલ' જે દુનિયાભરમાં આઈ ફોન, આઈ પોડ, આઈ પેડ, મેક બુક, એપલ વૉચ અને એપલ ટીવી જેવી હાઈટેક પ્રોડક્ટ્સ માટે જાણીતી છે. સ્ટિવ જોબ્સ (ફાઉન્ડર), ટિમ કૂક (સીઈઓ), જોનાથન ઈવ (ચિફ ડિઝાઈન ઓફિસર), કેવિન લિન્ચ (એપલ વૉચ સોફ્ટવેર હેડ) અને એલન ડાય (હ્યુમન ઈન્ટરફેસ ગૂ્રપ હેડ) જેવા ટેક્નોલોજિસ્ટો સાથે જે કંપનીનું નામ જોડાયેલું હોય એ કંપની હવે પેપર બેગ બનાવશે? એપલે માર્ચ ૨૦૧૬માં પેપર બેગની પેટન્ટ મેળવવા અરજી કરી ત્યારે સિલિકોન વેલીના અનેક ધુરંધરોને પણ આ પ્રશ્ન થયો હતો!

આ સમાચાર પછી ટેક્નોલોજિસ્ટો તો ઠીક, સામાન્ય માણસોએ પણ બે ઘડી એવી કલ્પના કરી હતી કે, એપલ હવે હાઈટેક પેપર બેગ બનાવશે, જેમાં વાયરલેસ ચાર્જિંગ થતું હશે! બ્લૂટૂથ પણ હશે! મ્યુઝિક પણ વાગતું હોઈ શકે છે! ભલું પૂછવું. જોકે, પેપર બેગમાં આવું કશું નથી. આ પેટન્ટની અરજીમાં એપલે પેપર બેગની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, ''એક રિટેઇલ પેપર બેગ કે જે ૬૦ ટકા રિ-સાયકલ કરી શકાય એવા પેપરમાંથી બનાવાઈ હશે... આવી રિટેઇલ બેગનો ઉપયોગ ચીજવસ્તુ મૂકવા માટે થાય છે... ગ્રાહકો રિટેઇલ સ્ટોરમાંથી ખરીદી કર્યા પછી જેનો ઉપયોગ કરે એ માટે રિટેઇલ બેગનો ઉપયોગ કરે છે...''

એપલે  રજૂ કરેલી ટેકનિકલ વિગતો સાથેની એપલ બેગનો મેપ


એપલે પેપર બેગની આવી 'સરળ' વ્યાખ્યા કરી એટલે કેટલાક લોકોએ તેની મજાક પણ ઉડાવી છે. જોકે, બેગ આટલી સીધીસાદી હોય તો તેની પેટન્ટ શક્ય જ નથી. એપલે તેની અરજીમાં 'હાઈટેક' પેપર બેગની વ્યાખ્યાની સાથે ઊંડી ટેકનિકલ વિગતો પણ આપી છે અને એટલે જ તેની અરજી સ્વીકારાઈ છે. એપલે એક એવી પેપર બેગની પેટન્ટ માટે અરજી કરી છે, જે એસબીએસ (સોલિડ બ્લિચ્ડ બોર્ડ) પેપરમાંથી બનાવાઈ હશે અને તેનું ૬૦ ટકા મટિરિયલ રિસાયકલ થઇ શકે એવું હશે. એટલે કે, એકવાર પેપર બેગ કચરામાં ફેંકી દીધા પછી, ભીની થઈ ગયા પછી અને ગમે એટલા દિવસ દરબદર ઠોકરો ખાધા પછીયે તે રિસાયકલિંગ કરવાને લાયક રહેશે. કાગળનો ટુકડો પ્લાસ્ટિકની સરખામણીથી જમીનમાં ઝડપથી ઓગળી જાય એટલા માત્રથી ઈકો ફ્રેન્ડ્લી નથી થઈ જતો. જે મટિરિયલનો વારંવાર ઉપયોગ શક્ય હોય એટલું એ વધારે ઈકો ફ્રેન્ડ્લી ગણાય. એપલની પેપર બેગનું મટિરિયલ આવું હશે! 

આ તો ઈકો ફ્રેન્ડ્લી મટિરિયલની વાત થઈ, પણ એપલની પેપર બેગ સામાન્ય બેગ કરતા મજબૂત અને ટકાઉ હશે. સામાન્ય પેપર બેગ જ્યાંથી ફાટી જાય છે ત્યાં વધારે જાડા કદનો પેપર હશે. આ ઉપરાંત પેપર બેગના હેન્ડલ માટે પાડેલા કાણાં આગળથી પણ પેપર ફાટશે નહીં કારણ કે, ત્યાં પણ એપલના પ્રોડક્ટ એન્જિનિયરોએ જાડા કાગળ, રિવેટ અને દોરીના હેન્ડલની કારીગરી કરી છે. આ બેગને ગડી કરીને મૂકી રાખવાથી પણ કાગળ સહેલાઈથી ફાટશે નહીં. એકવાર બેગમાં ચીજવસ્તુ મૂક્યા પછી પેપર પર ક્યાં દબાણ આવે છે એનું પણ પૂરતું ધ્યાન રાખીને પેપર બેગ ડિઝાઈન કરાઈ હશે. એટલે કે પેપર બેગનો કાગળ બધે જ એકસરખી જાડાઈ ધરાવતો નહીં હોય પણ જ્યાં જેટલી જરૂર હશે એવી જ રીતે તેનું ડિઝાઈનિંગ કરાયું હશે. છેલ્લાં ઘણાં મહિનાથી એપલના પસંદગીના સ્ટોરમાં ગ્રાહકોને આવી બેગ આપીને પૂરતી ચકાસણી પણ કરી લેવાઈ છે.

પ્રોડક્ટ ડિઝાઈનિંગમાં ક્યાં, શું, કેટલું મહત્ત્વનું છે એ વાત ઘણી મહત્ત્વની છે. આઈ ફોનનું જ ઉદાહરણ લો. દુનિયાભરની કંપનીઓએ સ્માર્ટફોનમાં ૨ જીબી અને ૩ જીબી રેમ આપતી હતી ત્યારે આઈ ફોન ૬ સુધી એપલ ફક્ત એક જીબી રેમ આપતી હતી. અત્યારના લેટેસ્ટ આઈફોન ૭માં એપલે પહેલીવાર ૨ જીબી રેમ આપી છે. આ મુદ્દે સવાલ પૂછતા સ્ટિવ જોબ્સે કહ્યું હતું કે, નાનકડા સ્માર્ટફોનમાં અત્યારે વધારે રેમની નહીં પણ સ્માર્ટ એન્જિનિયરિંગની જરૂર છે. એકદમ સાચી વાત. આઈ ફોનમાં ઓછી રેમ હોવા છતાં તે ક્યારેય હેંગ નથી થતો. આજેય આઈફોનની સ્પિડ કે હીટિંગ જેવા મુદ્દે કોઈ સવાલ નથી ઊઠાવી શકતું. કોઈ ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટની જેમ કાગળની સીધી સાદી બેગ બનાવવામાં પણ એપલે ઝીણામાં ઝીણી બાબતોનું ધ્યાન રાખ્યું છે. આ લેખ સાથેની તસવીર પર નજર કરો.


 ફ્રાન્સિસ વૉલ અને તેમણે બનાવેલું મશીન, વિખ્યાત ઈન્વેન્ટર માર્ગારેટ નાઈટ અને ચાર્લ્સ સ્ટિલવેલ 

આ પહેલાં ક્યારેય કોઈએ પેપર બેગ વિશે આટલો ઝીણવટપૂર્વક વિચાર નથી કર્યો. દુનિયાભરમાં દાયકાઓથી પેપર બેગનો ઉપયોગ થાય છે પણ આટલા વર્ષોમાં તેની ડિઝાઈનમાં ખાસ ફેરફારો નોંધાયા નથી. અમેરિકામાં શૉપિંગ કલ્ચર અસ્તિત્વમાં આવ્યું ત્યારથી પેપર બેગનું માસ પ્રોડક્શન કરવાની દિશામાં સંશોધનો શરૂ થઈ ગયા હતા. ઈસ. ૧૮૫૨માં અમેરિકાના પેન્સિલવેનિયાના ફ્રાન્સિસ વૉલે નામના ઈન્વેન્ટરે પેપર બેગ બનાવવાનું મશીન બનાવ્યું હતું, જેને સહેલાઈથી પેટન્ટ મળી ગઈ હતી. આ મશીનના કારણે જ પેપર બેગનું માસ પ્રોડક્શન શક્ય બન્યું હતું. આ મશીન પર ભરોસો કરીને જ વૉલ અને તેના ભાઈએ યુનિયન પેપર બેગ મશીન કંપનીની સ્થાપના કરી હતી. આ મશીનના આધારે વૉલ બ્રધર્સ એક જ વર્ષમાં ૪૦ લાખ ડૉલર કમાયા હતા. આ આંકડા પરથી કલ્પના થઈ શકે છે કે, અમેરિકામાં આટલા વર્ષો પહેલાં પેપર બેગની કેટલી બધી ખપત થતી હશે! બાદમાં વૉલ બ્રધર્સની કંપની ઈન્ટરનેશનલ પેપર્સે ખરીદી લીધી હતી. ટેનેસીના મેમ્ફિસમાં હેડ ક્વાર્ટર ધરાવતી ઈન્ટરનેશનલ પેપર્સ ફક્ત પેપર અને પલ્પ ક્ષેત્રે કાર્યરત હોવા છતાં તેમાં ૬૫ હજાર લોકો કામ કરે છે. ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં પણ આ કંપની નોંધાયેલી છે.

જોકે, આ પેપર બેગની ડિઝાઈન એક મોટા પરબીડિયા જેવી સીધીસાદી હતી. એટલે ઈસ. ૧૮૭૧માં ૧૯મી સદીના વિખ્યાત મહિલા ઈન્વેન્ટર માર્ગારેટ નાઈટે તળિયામાં ચીજવસ્તુઓ મૂકવા લંબચોરસ જગ્યા મળે એવી પેપર બેગ બનાવવાનું મશીન બનાવ્યું. આજેય વૉશિંગ્ટન ડીસીના સ્મિથસોનિયન મ્યુઝિયમમાં આ મશીન સચવાયેલું છે. એ પછી ઈસ. ૧૮૮૩માં ચાર્લ્સ સ્ટિલવેલ નામના અમેરિકન ઈન્વેન્ટરે ચોરસ તળિયું હોવા છતાં સહેલાઈથી વાળીને-ગડી કરીને મૂકી શકાય એવી પેપર બેગ ડિઝાઈન કરી. એ બેગનું માસ પ્રોડક્શન કરવા સ્ટિલવેલે પણ મશીન તૈયાર કર્યું. આ એકેય પેપર બેગમાં હેન્ડલ ન હતા. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને વર્ષ ૧૯૧૨માં વૉલ્ટર ડ્યુબનર નામના ઈન્વેન્ટરે દોરીના હેન્ડલ ધરાવતી પેપર બેગ બનાવી. વળી, આ બેગ ૩૪ કિલો જેટલું વજન ઉઠાવી શકવા સક્ષમ હતી. આ કારણસર વર્ષ ૧૯૧૫ સુધી તો અમેરિકામાં લાખોની સંખ્યામાં આ બેગનું વેચાણ થયું.

એટલું જ નહીં, વૉલ્ટરના કારણે જ અમેરિકા-યુરોપના સ્ટોર્સ-મૉલમાં કાગળની બેગની હેન્ડલવાળી બેગ ધીમે ધીમે પ્રચલિત થઈ ગઈ. યાદ રાખો, પેપર બેગ ઈકો ફ્રેન્ડ્લી હોવાના કારણે નહીં પણ માસ પ્રોડક્શન કરતા મશીનો અસ્તિત્વમાં આવ્યા હોવાથી લોકપ્રિય થઈ હતી. એટલે જ વર્ષ ૧૯૭૦માં પ્લાસ્ટિક બેગ બજારમાં આવી અને થોડા જ સમયમાં દુનિયાભરમાં લોકપ્રિય થઈ ગઈ. વજનમાં હલકી, મજબૂત, ટકાઉ તેમજ જાતભાતના રંગ અને ડિઝાઈનમાં ઉપલબ્ધ હોવાના કારણે પ્લાસ્ટિક બેગે ખૂબ ઝડપથી પેપર બેઝનું સ્થાન લઈ લીધું. આજેય દુનિયાભરમાં છુટક અપવાદોને બાદ કરતા પ્લાસ્ટિક બેગની જ બોલબાલા છે.

જો એપલ પેપર બેગ ઈન્ડસ્ટ્રીમાં ધમાકેદાર સફળતા મેળવી શકશે તો ફરી એકવાર દુનિયામાં પેપર બેગનો ઉપયોગ વધશે. લોકો પર્યાવરણની ચિંતા કરીને નહીં પણ બ્રાન્ડ અને ફેશન સ્ટેટમેન્ટ ધ્યાનમાં રાખીને એપલ પેપર બેગનો ઉપયોગ કરશે. પશ્ચિમી સંસ્કૃતિમાં સિસ્ટમ, સ્ટાઈલ અને આર્ટની બોલબાલા છે, જ્યારે ભારતમાં એવું નથી. આજેય અહીં ભજીયા, પાપડીથી માંડીને અનાજ, કઠોળ અને લોટ સહિતની ચીજવસ્તુઓ પડીકામાં મળે છે, જે પેપર બેગનું જ એક સ્વરૂપ છે પણ તેમાં સ્ટાઈલ નથી, કળા નથી. પશ્ચિમમાં ખરીદી કર્યા પછી પ્લાસ્ટિકની થેલી અપાય છે એવી જ રીતે, ભારતમાં ખરીદી કરવા જતી વખતે ઘરેથી લુગડાની થેલી લઈ જવાતી. નકામા કપડામાંથી બનાવાયેલી આવી થેલીનો આજેય અનેક લોકો ઉપયોગ કરે છે. દાદી કે નાનીએ સીવેલી એ થેલીનો ત્રણ-ચાર પેઢી સુધી ઉપયોગ થતો. આ પ્રકારની થેલીમાં નાના-મોટા તમામ પ્રકારના પડીકા અને સરસામાન સમાઈ જતો. એ લુગડાની થેલીનું આયુષ્ય પૂરું થયા પછી તેના લુગડાનો પણ બીજા કામમાં ઉપયોગ કરાતો.

પેપર બેગ કરતા પણ કદાચ વધારે ઈકો ફ્રેન્ડ્લી એ લુગડાની થેલી હતી, રાધર છે.

13 April, 2015

'એપલ વૉચઃ કાંડા ઘડિયાળ નહીં પણ ક્રાંતિકારી વિચાર


સ્માર્ટફોને આપણા જીવનમાં વિનાશ વેર્યો છે. સ્માર્ટફોનમાં બઝ થયું નથી કે સ્ક્રીનમાં મ્હોં ઘુસાડયું નથી. દરેક વ્યક્તિ સતત નોટિફિકેશન ચેક કર્યા કરે છે. લોકો સતત મોબાઈલ સ્ક્રીનમાં જોયા કરે છે. ડિનર ટેબલ પર બઝ થાય તો પણ સીધો ખિસ્સામાં હાથ નાંખીને સ્ક્રીન ચેક કરાય છે. લોકોને આ લેવલનું એન્ગેજમેન્ટ જોઈએ છે એ વાત સાચી પણ આપણે કોઈની સાથે હોઈએ ત્યારે આ ટેક્નોલોજીમાં થોડી વધુ 'ઉપયોગી' કેવી રીતે બનાવી શકાય? આપણે એવું કોઈ ડિવાઈસ બનાવી શકીએ કે જેનો લોકો કલાકો સુધી ઉપયોગ જ ના કરે? એ ડિવાઈસ બધા નોટિફિકેશનને ફિલ્ટર કરીને ફક્ત જરૂરી માહિતી જ આપે તો કેવું!

આવા વિચારો સમાજશાસ્ત્રીઓને આવે ત્યાં સુધી ઠીક છે પણ એપલના ધુરંધર એન્જિનિયરોને આ વિચારો આવી રહ્યા હતા. એટલે તેમણે વિચાર્યું કે, સ્માર્ટફોનને ટક્કર મારે એવું કોઈ ડિવાઈસ બનાવીએ તો ટેક્નોલોજીની દુનિયામાં મોટી ક્રાંતિ આવી જાય. આજના સ્માર્ટફોનનો વિકાસ થતા વિજ્ઞાન અને ટેક્નોલોજીની દુનિયાએ 30 કરતા પણ વધારે વર્ષ ખર્ચ્યા છે અને વર્ષ ૨૦૧૧માં એપલ સ્માર્ટફોન સામે લડવાનું વિચારી રહ્યું હતું. આ જ વિચારમાંથી જન્મ થાય છે, એપલ વૉચનો. સામાન્ય રીતે, એપલ કંપનીમાં નવા પ્રોજેક્ટની ગુપ્તતા અને ઉચ્ચ અધિકારીઓના પર્ફોર્મન્સને ધ્યાનમાં રાખીને મીડિયાથી સલામત અંતર રાખવાનો નિયમ પાળવામાં આવે છે. એપલ વૉચ ૨૪મી એપ્રિલે બજારમાં મૂકાઈ રહી છે ત્યારે એપલ વૉચના સોફ્ટવેર એન્જિનિયર કેવિન લિન્ચે પરંપરાથી વિરુદ્ધ જઈને એપલ વૉચ કેમ અને કેવી રીતે બનાવાઈ એ વિશે અત્યંત રસપ્રદ માહિતી આપી છે.

'વિયરેબલ સ્માર્ટફોન' નહીં

એપલના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ ઓફ ડિઝાઈન જોનાથન ઇવ, હ્યુમન ઈન્ટરફેસ ગ્રૂપના વડા એલન ડાય અને એપલ વૉચના સોફ્ટવેર હેડ કેવિન લિન્ચ સ્માર્ટફોનની મર્યાદાઓ પર સતત વિચાર કરી રહ્યા હતા. હ્યુમન ઈન્ટરફેસ ગ્રૂપના વડા એલન ડાયનું કામ એપલની દરેક પ્રોડક્ટનો યુઝર્સ અત્યંત સરળતાથી ઉપયોગ કરી શકે એ જોવાનું છે. ડાયને વિચાર આવ્યો કે, સ્માર્ટફોન સામે ઝીંક ઝીલી શકે એવું ડિવાઈઝ બનાવવા તે વિયરેબલ એટલે કે પહેરી શકાય એવું હોય તો યુઝર્સ તેની સાથે નેચરલી જોડાઈ શકે. આ કારણોસર એપલે રિસ્ટ વૉચ બનાવવાનો નિર્ણય કર્યો. જોકે, એપલ વૉચ ડેવલપ કરવાનો હેતુ સ્માર્ટફોનનો ઉપયોગ મર્યાદિત થાય એ હતો. આ માટે તેમાં સમય જોવા સિવાય મોબાઈલમાં હોય એ ફિચર્સ ઉમેરવા પડે. જેમ કે, એપલ વૉચમાં આઈ ફોન સાથે કનેક્ટ હોય ત્યારે કોલ રીસિવ, મેસેજિંગ સહિત ફિટનેસ એપ, વોકી ટોકી, જીપીએસ, વ્યૂ ફાઈન્ડર, સિરિ (પર્સનલ આસિસ્ટન્ટ) વગેરે સુવિધા ઉમેરવામાં આવી. એપલ વૉચનો આઈ ફોનની જેમ ક્રેડિટ કાર્ડ તરીકે અને મ્યુઝિક સાંભળવા પણ ઉપયોગ થઈ શકે છે.

સ્પોર્ટ્સ, એલ્યુમિનિયમ અને ગોલ્ડ એપલ વૉચ

હવે એન્જિનયરોને વિચાર આવ્યો કે આટલા ફિચર્સ ઉમેર્યા પછી એ જ મુશ્કેલી થશે. સ્માર્ટફોનમાં નોટિફિકેશન આવ્યા કરે છે એમ એપલ વૉચમાં પણ સતત નોટિફિકેશન આવશે. એપલનું માનવું  હતું કે, કોઈ સામે હોય ત્યારે સ્માર્ટફોન સ્ક્રીન પર નજર કરી લેવી દરેક સમાજે સ્વીકારી લીધું છે. એ અસભ્યતાની નિશાની નથી, પણ કોઈ સામે હોય ત્યારે કાંડે પહેરેલી ઘડિયાળમાં જોવું એ અસભ્યતામાં ખપી શકે છે. એપલ કોઈ પણ સંજોગોમાં એપલ વૉચને 'વિયરેબલ સ્માર્ટફોન' નહોતી બનાવવા માગતી. કારણ કે, લોકોને એવું લાગે કે આ હાથે પહેરવાનો મોબાઈલ ફોન છે તો એપલ વૉચ સરેઆમ નિષ્ફળ જાય.

સમય બચાવતી મોડર્ન ટેક્નોલોજી

એન્જિનિયરો નહોતા ઈચ્છતા કે, હવે લોકો ચોરે ને ચૌટે સ્માર્ટફોનને બદલે એપલ વૉચ મચેડતા જોવા મળે. જો લોકો લાંબો સમય હાથ આડો કરીને આવું કર્યા કરે તો એપલ વૉચથી વહેલા કંટાળી જાય. આ મુશ્કેલીના ઉપાયરૂપે સોફ્ટવેર હેડ કેવિન લિન્ચ અને તેમની ટીમે ક્વિકબોર્ડ ટેક્નોલોજી વિકસાવી છે. ક્વિકબોર્ડ એક પ્રકારનો રોબોટ છે, જે મેસેજ વાંચીને વિકલ્પ આપે છે. જેમ કે, મેસેજ આવે કે આજે ડિનરમાં પંજાબીની ઈચ્છા છે કે પિઝા પાર્ટી કરવી છે? તો ક્વિકબોર્ડમાં તુરંત જ બે વિકલ્પ આવશે, પંજાબી કે પિઝા? આ માટે યુઝર્સ ફક્ત ટચ કરીને જવાબ આપી શકશે. એટલે કે ટાઈપ કરવાની અને મેસેજ કરીને સેન્ડ કરવા માટે વધારાના કોઈ બટન દબાવવાની જરૂર જ નહીં રહે.

એપલના ચિફ ટેક્નોલોજી ડિઝાઈનર જોનાથન ઈવ

એપલ વૉચમાં શોર્ટ લુક ફિચર પણ છે, જેની મદદથી એપલ વૉચ યુઝર્સના રસ અને ગમા-અણગમાને ધ્યાનમાં રાખીને કામ કરે છે. યુઝર્સને કાંડા પર પલ્સ (નોર્મલ વાઇબ્રેશન) મળે તો તેનો અર્થ છે કે, મેસેજ આવ્યો. મેસેજ જોવા યુઝર્સ કાંડુ ઊંચુ કરીને જુએ કે, 'મેસેજ ફ્રોમ હોમ' અને તુરંત જ કાંડુ નીચું કરી દે તો નોટિફિકેશન જતું રહેશે અને મેસેજ અનરીડ રહેશે. એવી જ રીતે, યુઝર્સ કાંડુ બે સેકન્ડ ઊંચુ રાખશે તો મેસેજ આપોઆપ સ્ક્રીન પર આવી જશે. શોર્ટ લુક ટેક્નોલોજી યુઝર્સની પ્રતિક્રિયા સમજીને કામ કરે છે. એપલે ટચ સ્ક્રીન માટે ફોર્સ ટચ ટેક્નોલોજી શોધી છે. આ ટેક્નોલોજી યુઝર્સને ક્યાં ટેપિંગ કરવાનું છે એ તો ઠીક, કેટલા ફોર્સથી ટચ કરવાનું છે એ પણ કહે છે. જેમ કે, ઈમોજિસ (સ્માઈલી) પર લાંબુ પ્રેસ કરીને તેનો કલર બદલી શકાય છે. આ સિવાય 'ગ્લાન્સ' નામનું ફિચર પણ છે, જેમાં ન્યૂઝથી લઈને સ્પોર્ટ્સ સ્કોર એક જ જગ્યાએ જોઈ શકાશે. 

આ ટેક્નોલોજીનો હેતુ સ્માર્ટફોનની જેમ વૉચમાં વારંવાર જોઈને સમય ના બગડે એ છે. આમ, બિનજરૂરી નોટિફિકેશનને કાબૂમાં રાખવા તેમજ જવાબ આપવા માટે વૉચમાં ઓછામાં ઓછો સમય જોવું પડે એ માટે હાઈ ટેક ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે.

સફળતાનો આધાર હ્યુમન ઈન્ટરફેસ

જો સોફ્ટવેર જટિલ હોય તો એપલ વૉચ પણ 'એલિયન' જેવી લાગત. જે વસ્તુ હાથ પર પહેરવાની છે એમાં 'ફેશન'નું તત્ત્વ જેટલું જરૂરી હતું એટલું જ જરૂરી હતું હ્યુમન ઈન્ટરફેસ. કોઈ પણ ડિવાઈસને મેસેજ આપવા સોફ્ટવેરને કમાન્ડ આપવો પડે અને સોફ્ટવેરને કમાન્ડ આપવા ટચ સ્ક્રીન, માઉસ, માઈક્રોફોન કે જોયસ્ટિક વગેરે ટેક્નોલોજી કામમાં આવે. સાદી ભાષામાં કહીએ તો હ્યુમન ઈન્ટરફેસ એટલે ડિવાઈસમાં સોફ્ટવેર, હાર્ડવેર અને યુઝર્સને પરસ્પર જોડતી ટેકનિક. એપલ વૉચ સાથે યુઝર્સ કેવી રીતે અત્યંત સરળતાથી કનેક્ટ થઈ શકે એ મુદ્દે ભેજામારી ચાલતી હતી ત્યારથી જ એપલ જાણતી હતી કે, એપલ વૉચની સફળતાનો આધાર ઈન્ટરફેસ પર છે. એપલ વૉચમાં નોટિફિકેશન માટે પલ્સ એટલે કે નોર્મલ વાઇબ્રેશન મળે એ અયોગ્ય છે કારણ કે, કાંડા પર વારંવાર નોટિફિકેશનના વાઇબ્રેશન મળે તો યુઝર્સ કંટાળી જાય. આ મુશ્કેલીનો ઉપાય શોધવાનું કામ હ્યુમન ઈન્ટરફેસ ગ્રૂપના વડા એલન ડાય અને તેમની ટીમનું હતું.

હ્યુમન ઈન્ટરફેસ ગ્રૂપના વડા એલન ડાય

આ માટે ડાય અને તેમની ટીમે કાંડા પર હળવેકથી આંગળી અડકાવવા જેવી ફિલ આપે એવી ટેક્નોલોજી ડેવલપ કરી છે. આ ટેક્નોલોજીને ટેક્ટિક એન્જિન નામ અપાયું છે, જે કાંડા પર ફોન કૉલ કે ટ્વિટ કે ન્યૂઝ નોટિફિકેશન માટે જુદી જુદી ઝડપે અને જુદી જુદી શક્તિથી વાઇબ્રેશન આપે છે. કેટલાક નોટિફિકેશન માટે બે કે તેથી વધારે વાઇબ્રેશન પણ છે. જેમ કે, એક જ વાઇબ્રેશન મળે તો ફોન કૉલ અને લાં..બુ વાઇબ્રેશન મળે તો જરૂરી મીટિંગમાં જવાનો સમય થઈ ગયો છે એમ. આ કામ બોલવામાં જેટલું સહેલું છે એટલું જ કરવામાં અઘરું હતું. ફેસબુક કે ટ્વિટરનું નોટિફિકેશન મળે તો તેનું વાઇબ્રેશન  કેવું હોઈ શકે? બહુ જ અગત્યનો મેસેજ આવે તો તેના વાઇબ્રેશન કેવા હોય? આ માટે એલન ડાય અને તેમની ટીમે જુદા જુદા અવાજો રેકોર્ડ કર્યા અને તેને વાઇબ્રેશનનું રૂપ આપ્યું. આ ઉપરાંત નાનકડા ડાયલમાં સ્પષ્ટ વાંચી શકાય અને વાંચવામાં ભૂલ ના પડે એ માટે અક્ષરોને હળવા ખૂણાવાળા ચોરસાકાર (સ્ક્વેર) રખાયા છે.

જોબ્સના મૃત્યુ પછીનું સપનું

એપલના સ્થાપક સ્ટિવ જોબ્સનું ઓક્ટોબર ૨૦૧૧માં મૃત્યુ થયું એ પછી તુરંત જ ચિફ ટેક્નોલોજી ડિઝાઈનર જોનાથન ઇવે એપલ વૉચનું સપનું જોયું હતું. જોબ્સના મૃત્યુ પછી ઇવ એલન ડાય અને બીજા કેટલાક એન્જિનિયરોને બોલાવીને આ વાત કરે છે. એ વખતે એપલના ખેરખાં એન્જિનિયરો એપલની ઓપરેટિંગ સિસ્ટમ સેવન (આઈઓ-૭) પર કામ કરી રહ્યા હતા અને ૨૪ કલાક ડિઝાઈન સ્ટુડિયોમાં જ રહેતા હતા. દિવસે આઈઓ-૭ પર કામ કરીને રાત્રે એપલ વૉચના ફંકશનની ચર્ચા થતી. એપલ વૉચ બનાવવાનો નિર્ણય કર્યા પછી ઇવ હોરોલોજી (ઘડિયાળ શાસ્ત્ર)માં ઊંડો રસ લે છે અને નાનામાં નાની વાતોની ચર્ચા કરીને ભવિષ્યના આકાર લેનારા ડિવાઈસના આખરી સ્વરૂપ પર મ્હોર મારે છે.

એપલ વૉચના મેકિંગની કેવિન લિન્ચે આપેલી માહિતી એક બ્રાન્ડનો જન્મ કેવી રીતે થાય છે એની પણ વાત કરે છે. લોકો કોઈ ફિલ્મ, મ્યુઝિક આલબમ કે કોઈ પુસ્તકની આતુરતાથી રાહ જોતા હોય એવું આપણે ઘણી વાર સાંભળ્યું છે, જોયું છે પણ એપલ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ બનાવતી બ્રાન્ડ હોવા છતાં વિશ્વભરના કરોડો લોકો તેની આતુરતાથી રાહ જુએ છે એના પાછળ વિઝનરી લીડર સ્ટિવ જોબ્સે ઊભું કરેલું અનોખું કોર્પોરેટ કલ્ચર અને ટ્રેડિશન છે.

લિન્ચ અને જોબ્સ વચ્ચે ઐતિહાસિક મતભેદ

કેવિન લિન્ચ એપલમાં જોડાયા એ પહેલાં એડોબમાં ચિફ ટેક્નોલોજી ઓફિસર હતા. એડોબનું લોંગ ટર્મ ટેક્નોલોજિકલ પ્લેટફોર્મ ઊભું કરવા ઈનોવેટિવ સોફ્ટવેર એન્જિનિયરિંગની જવાબદારી લિન્ચ પાસે હતી. લિન્ચ ઈચ્છતા હતા કે, મોબાઈલમાં એનિમેશન અને વીડિયો સ્ટ્રીમિંગ માટે એડોબની ફ્લેશ પ્લેયર ટેક્નોલોજીનો ઉપયોગ થાય. આઈ ફોન માટે ફ્લેશ પ્લેયર ટેક્નોલોજી ઉત્તમ છે એવું સ્ટિવ જોબ્સને ઠસાવવા એડોબ અને કેવિન લિન્ચે ઘણાં પ્રયાસ કર્યા હતા. આ દરમિયાન એપ્રિલ ૨૦૧૦માં સ્ટિવ જોબ્સ એપલની વેબસાઈટ પર 'થોટ્સ ઓન ફ્લેશ' નામનો ૧,૭૦૦ શબ્દોનો એક લેખ લખીને સાબિત કરે છે કે, ફ્લેશ ટેક્નોલોજી મોબાઈલમાં ના ચાલે કારણ કે, આ ટેક્નોલોજી બેટરીખાઉ છે, ટચસ્ક્રીનની મુશ્કેલીઓ છે અને પાર વગરના બગ્સ છે. આ ટેક્નોલોજી કમ્પ્યુટર યુગમાં શોધાઈ હતી અને ફક્ત કમ્પ્યુટર માટે યોગ્ય છે, નાનકડા મોબાઈલ માટે નહીં. મોબાઈલ યુગમાં ઓછો પાવર વાપરતા ડિવાઈઝ અને ટચ ઈન્ટરફેસની જરૂર હોય અને ત્યાં ફ્લેશ ટૂંકુ પડે છે...

એપલ વોચના સોફ્ટવેર ડિઝાઈનર કેવિન લિન્ચ

આમ છતાં, એડોબ પોતાની વાતને વળગી રહે છે અને ફ્લેશના લાઈટ વર્ઝન બજારમાં મૂકે છે. આ ટેક્નોલોજીને ગૂગલ, બ્લેકબેરી અને નોકિયા સ્વીકારે છે. જોકે, તમામને ફ્લેશના કારણે પર્ફોર્મન્સની મુશ્કેલી પડે છે અને સ્ટિવ જોબ્સ દરેક બાબતમાં સાચા સાબિત થાય છે. આ દરમિયાન જોબ્સના મૃત્યુ પછી વર્ષ ૨૦૧૩માં કેવિન લિન્ચને એપલમાં નોકરીની ઓફર મળે છે. આ ઓફર લિન્ચ સ્વીકારી લે છે પણ એપલમાં તેમણે શું કરવાનું છે, તેમનો પગાર અને હોદ્દો શું રહેશે એવી કોઈ માહિતી અપાતી નથી. લિન્ચને ફક્ત એટલો જ ખ્યાલ હોય છે કે તેમનો હોદ્દો વાઈસ પ્રેસિડેન્ટ ઓફ ટેક્નોલોજી કે એવો કંઈક છે અને તેમણે એકદમ નવા પ્રોજેક્ટ પર કામ કરવાનું છે. નોકરીના પહેલાં દિવસે એપલમાં અન્ય અધિકારીઓ સાથે તેમની ઓળખાણ પણ કરાવાતી નથી અને સીધા ડિઝાઈન સ્ટુડિયોમાં લઈ જવાય છે.

આ પ્રોજેક્ટ શરૂ કરાય છે ત્યારે એપલ પાસે આઈડિયા સિવાય કંઈ જ નથી હોતું પણ કેવિન લિન્ચ સાબિત કરે છે કે, એપલે તેને લાવીને કોઈ ભૂલ નથી કરી.

નોંધઃ એપલે દસમી એપ્રિલે એપલ વૉચનું પ્રિ-ઓર્ડર બુકિંગ શરૂ કર્યાના પહેલા જ દિવસે દસ લાખ પીસ વેચાઈ ગયા હતા.