Showing posts with label Flood. Show all posts
Showing posts with label Flood. Show all posts

04 September, 2018

પૂરગ્રસ્ત કેરળની દિલધડક કહાની: ઓપરેશન કુટ્ટાનાડ


કેરળના લોકો છેલ્લાં ૧૦૦ વર્ષમાં ના આવ્યું હોય એવા ભયાવહ્ પૂરનો ભોગ બન્યા છે કારણ કે, ત્યાંના લોકો ગૌમાંસ ખાય છે. મલયાલી લોકો શાકાહારી હોત તો પૂ ના આવ્યું હોત! આ તેમનું જ પાપ છે.

કેરળના સબરીમાલા મંદિરમાં પાપીઓ મહિલાઓને પ્રવેશ આપવાની જિદ કરી રહ્યા છે એટલે ખુદ ભગવાન કુદરતી પ્રકોપનું રૂપ લઈને મલાયલીઓ પર તૂટી પડ્યા છે.

કેરળના પૂરમાં ફક્ત ધનિકોને જ નુકસાન થયું છે કારણ કે, ત્યાં તો ગરીબો છે જ નહીં. કેરળમાં ગરીબો નથી એટલે તમારે મદદ કરવી હોય તો પૈસા નહીં મજૂરો મોકલો, અને છતાં તમે પૈસા મોકલો તો ફલાણી સંસ્થાને જ મોકલજો.

કેરળમાં લાખો લોકો 'નાસ્તિક' ડાબેરીઓને મત આપે છે, એટલે ઈશ્વર તેમને સજા કરી રહ્યો છે...

કેરળમાં પૂ આવ્યા પછી ફૂલ ફ્લેજમાં બચાવકાર્ય શરૂ થતાં જ સોશિયલ મીડિયામાં કંઈક આ પ્રકારનો અત્યંત નિમ્ન કક્ષાનો 'રાજકીય એજન્ડા' શરૂ થઈ ગયો હતો. રાજકારણીઓના હાથા બનીને સામાન્ય લોકો પણ કુદરતી હોનારતને 'રાજકીય ચશ્મા' ચઢાવીને જોવા લાગ્યા હતા. કોઈ દરેક બાબતને 'કેસરી' ચશ્માથી જોવા લાગ્યું તો કોઈએ 'લીલા' કે 'લાલ' ચશ્મા પહેરી લીધા. આ બધી ભાંગજડ વચ્ચે પણ કેરળના પૂરમાં અનેક 'અનસંગ હીરો'એ માણસાઈના જોરે આવા રાક્ષસોને હરાવ્યા. કેરળના આવા જ એક કેટલાક હીરોની વાત કરીએ, જેમણે ફક્ત ત્રણ દિવસમાં ત્રણ લાખથી પણ વધુ લોકોને સલામત સ્થળે ખસેડવાનું દિલધડક ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. 

***

આખો દેશ ૧૫મી ઓગસ્ટની 'રજાનો આરામ' ભોગવીને ૧૬મી ઓગસ્ટે ફરી એકવાર દોડી રહ્યો હતો ત્યારે કેરળ થંભી ગયું હતું. એ દિવસે કેરળના અલપ્પુઝા જિલ્લાના કુટ્ટાનાડ અને ચેંગનુર તાલુકાના બે બંધ ભારે વરસાદના કારણે છલોછલ ભરાઈ ગયા હતા. અનરાધાર વરસાદના કારણે બંને બંધ ખોલવા પડે એવી સ્થિતિ સર્જાઈ ચૂકી હતી. વળી, કુટ્ટાનાડ નીચાણવાળો વિસ્તાર. દુનિયામાં બહુ ઓછા સ્થળે દરિયાઈ સપાટીથી નીચેના પ્રદેશોમાં ખેતી થાય છે. કુટ્ટાનાડ એ પૈકીનું એક. અહીં દરિયાઈ સપાટીથી ૦.૬થી બે મીટર જેટલી નીચી સપાટીએ ખેતી થાય છે. આશરે ૨.૬૦ લાખ જેટલી વસતી ધરાવતા કુટ્ટાનાડમાં બે બંધના પાણી ફરે વળે તો મકાનો ધરાશાયી થાય, વૃક્ષો તૂટી પડે, ઊભો પાક પણ નષ્ટ થઈ જાય અને હજારો લોકોના મોતનું તાંડવ ખેલાવાની પૂરેપૂરી શક્યતા! આ સ્થિતિમાં પણ બે બંધના દરવાજા થોડી વારમાં ખૂલવાના જ હતા. કરવું શું? કુટ્ટાનાડમાંથી એકસાથે હજારો લોકોને રાહત છાવણીમાં કેમ લઈ જવા? આવું રેસ્ક્યૂ ઓપરેશન કરવાનો તો સમય જ નથી. માંડ ત્રણેક દિવસ બચ્યા છે.

નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીએ ઉપગ્રહમાંથી લીધેલી પૂર પહેલાની અને
પૂર પછીની કેરળની તસવીર. બીજી તસવીરમાં દેખાતો કાળો ભાગ
પૂરના કારણે થયેલી ખાનાખરાબી અને નષ્ટ થઈ ગયેલી ખેતી દર્શાવે છે.

૧૬મી ઓગસ્ટની એક સવારે કેરળના નાણા મંત્રી થોમસ આઈઝેક અને અલપ્પુઝાના સબ કલેક્ટર ક્રિશ્ના તેજા માયલાવારાપુ આ જ સવાલની આસપાસ ગંભીર ચર્ચા કરી રહ્યા હતા. માંડ અર્ધો કલાક ચર્ચા કરીને યુવાન આઈએએસ અધિકારી ક્રિશ્ના તેજાએ ક્ષણનોય વિલંબ કર્યા વિના મક્કમ અવાજમાં કહી દીધું કે, આખું કુટ્ટાનાડ અને ચેંગનુર ખાલી કરાવીશું... આ પ્રકારના નિર્ણય લેવા જબરદસ્ત સાહસ અને ઈચ્છાશક્તિ જોઈએ. નાણા મંત્રી આઈઝેક અને સબ કલેક્ટર ક્રિશ્ના તેજા વચ્ચેની ચર્ચા પૂરી થઈ ત્યાં જ સવારે દસેક વાગ્યે કલેક્ટર કચેરીમાં માહિતી મળી કે, બે બંધ ખોલી નાંખવામાં આવ્યા છે. આગામી ૪૮ કલાકમાં જ કુટ્ટાનાડમાં પાણીનું સ્તર જોખમી સ્તરે વધી જશે.

ક્રિશ્ના તેજાએ પૂરમાં પણ ફરજ બજાવવા આવેલા અમુક જિલ્લા અધિકારીઓની મીટિંગ બોલાવી. એ વખતે સવારના ૧૧:૦૦ વાગ્યા હતા. ક્રિશ્ના તેજાએ તેમનાથી ઘણી મોટી ઉંમરના અધિકારીઓને આદેશના સૂરમાં કહ્યું: ૪૮ કલાકમાં કુટ્ટાનાડમાંથી તમામ ઘર ખાલી કરાવવાના છે. જેમ બને તેમ ઝડપથી કામ ચાલુ કરો. આ દરમિયાન મોટા ભાગના અધિકારીઓને શંકા હતી કે, આવું ઓપરેશન શક્ય જ નથી. એ માટે પૂરતી સુવિધાઓ પણ નથી. અનેક લોકોએ ક્રિશ્ના તેજા સમક્ષ નારાજગી પણ દર્શાવી, પરંતુ નાણા મંત્રી આઈઝેક અને ક્રિશ્ના તેજા ઓપરેશન ચાલુ કરવા મક્કમ હતા. તેમનું કહેવું હતું કે, આપણે કોઈ પણ સંજોગોમાં આટલા બધા લોકોના જાન જોખમમાં ના મૂકી શકીએ. કુટ્ટાનાડ પહોંચવા માટે રસ્તા હોત તો બધાને સલામત સ્થળે ઝડપથી લઈ જઈ શકાય, પરંતુ રસ્તા તૂટી ગયા હતા અથવા પાણીમાં ડૂબેલા હતા. એટલે એક જ વિકલ્પ હતો, નાની-મોટી હોડીઓ લઈને ઘરે ઘરે પહોંચવું.

ક્રિશ્ના તેજાએ સવારે ૧૧:૦૦ વાગ્યે બોલાવેલી મીટિંગ મધરાત્રે ૩:૦૦ વાગ્યે પૂરી થઈ, ત્યાં સુધી તેઓ પોતાની ટીમ સમક્ષ એક ફૂલપ્રૂફ પ્લાન રજૂ કરી ચૂક્યા હતા. છેવટે મહા મુશ્કેલીઓ વચ્ચે ૧૭મી ઓગસ્ટના પરોઢિયે ૫:૩૦ વાગ્યે 'ઓપરેશન કુટ્ટાનાડ' શરૂ થયું. 'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'ના અહેવાલ પ્રમાણે, ઓપરેશન કુટ્ટાનાડ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના ૨૨૦ જવાનોની સાત ટીમ બનાવાઈ હતી. આ ઉપરાંત ચેંગાનુરમાં ભારતીય નૌસેનાની દસ અને સેનાની બે ટીમને સુકાન સોંપાયું. ફાયર બ્રિગેડ અને બીજી રેસ્ક્યૂ ટીમ પણ ૨૩ બોટ લઈને આવી પહોંચી, પરંતુ આટલી ઓછી હોડીઓથી કશું થઈ શકે એમ ન હતું.

કેરળના નાણા મંત્રી થોમસ આઈઝેક. પૂર દરમિયાન તેમણે ન્યૂઝ ચેનલો
પર આપેલા અનેક ઈન્ટરવ્યૂ યુ ટ્યૂબ પર અવેલેબલ છે

આ સ્થિતિમાં ઓપરેશન માટે વધુમાં વધુ હોડીઓ ભેગી કરવાનું કામ પણ ક્રિશ્ના તેજાએ શરૂ કર્યું. તેમણે કુટ્ટાનાડમાં ૨૫૦ હાઉસ બોટ, ૧૩૦ મોટર બોટ, ૫૦ સ્પિડ બોટ, નાના-મોટા તરાપા અને માછીમારોની હોડીઓ તેમજ આ હોડીઓ ચલાવી શકે એવા માણસો ભેગા કર્યા. દરેક હોડીમાં એક ટીમ લીડર નિમ્યો અને તેમને ઘરે ઘરે મોકલવાનું શરૂ કર્યું. કેટલાક લોકોએ રેસ્ક્યૂ ઓપરેશન માટે પોતાની હાઉસ બોટ આપવાની ના પાડી દીધી, પરંતુ સરકારે એલર્ટ જાહેર કરીને પોલીસને હાઉસ બોટ જપ્ત કરવાની સત્તા આપી દીધી હતી. એ સત્તાનો પણ લોકોને બચાવવા માટે ઉપયોગ કરાયો. આ દરમિયાન ક્રિશ્ના તેજાએ વધુ હોડીઓ માટે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને ડિસ્ટ્રિક્ટ ટુરિઝમ પ્રમોશન કાઉન્સિલ્સની મદદ માંગી, અને, બચાવ કામગીરી માટે તબક્કાવાર કુલ ૨૦૦ નાની-મોટી હોડીઓ મળી ગઈ.

જોકે, આ ઓપરેશનની સૌથી મોટી મુશ્કેલી એ હતી કે, લોકો પોતાના ઘર છોડીને સલામત સ્થળે જવા તૈયાર ન હતા. દોઢ ડાહ્યા વડીલો રટણ કરતા હતા કે, કુટ્ટાનાડમાં ક્યારેય પૂરના પાણી આવ્યા જ નથી. આ પૂ અમને અસર નહીં કરે. ક્રિશ્ના તેજા બોટ મેનેજમેન્ટમાં વ્યસ્ત હતા, ત્યારે આવા જિદ્દી લોકોને સલામત સ્થળે લઈ આવવાનું કામ નાણા મંત્રી આઈઝેકે સંભાળી લીધું. તેમણે સલામત સ્થળે નહીં જવાની જિદ કરતા લોકોને ઘરોમાંથી કાઢવા દરેક હોડીમાં એક પોલીસ કે સેનાના જવાનને મોકલવાનું શરૂ કર્યું. યુનિફોર્મ જોઈને સામાન્ય લોકો 'હુકમ' માનવા લાગ્યા અને બચાવ ટીમનું કામ હળવું થઈ ગયું. આ કામગીરી ચાલુ હતી ત્યાં બંધના પાણી પણ ઘરોમાં ઘૂસવા માંડ્યા હતા, જેથી લોકો બચાવ ટીમ સાથે ફટાફટ હોડીઓમાં બેસીને સલામત સ્થળોએ જવા લાગ્યા. અમુક સ્થળે બચાવ કામગીરી માટે એરલિફ્ટિંગ પણ શરૂ કરાયું. આ ઓપરેશનમાં માછીમારો પણ હીરો સાબિત થયા. ફક્ત કુટ્ટાનાડમાં જ માછીમારોએ નિઃસ્વાર્થભાવે ૧૬ હજાર લોકોને સલામત સ્થળે ખસેડ્યા.

અલપ્પુઝાના સબ કલેક્ટર ક્રિશ્ના તેજા (છેક ડાબે)

સામાન્ય રીતે, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફત વખતે નેતાઓ હેલિકોપ્ટરમાંથી સર્વેક્ષણ કરતા હોય છે, ફૂડ પેકેટ ફેંકતા હોય છે, આઈએએસ અધિકારીઓ એસી ઓફિસમાં બેસીને હુકમો છોડતા હોય છે અને આમ આદમી લાચાર બનીને સ્વકેન્દ્રિત બની જતો હોય છે. જોકે, ઓપરેશન કુટ્ટાનાડમાં ગંગા ઊલટી વહી રહી હતી. ભારતના ઈતિહાસમાં કદાચ પહેલીવાર એક મંત્રી ઘૂંટણસમા પાણીમાં ઉતરીને લોકોને સલામત સ્થળે જતા રહેવા સમજાવતો હતો, એક આઈએએસ અધિકારી પાણીમાં ઉતરીને બોટ મેનેજમેન્ટમાં વ્યસ્ત હતો અને માછીમારો જેવા સામાન્ય માણસો પણ 'સરકાર'ના હુકમનો ઉત્સાહથી અમલ કરી રહ્યા હતા. એક મંત્રી અને એક આઈએસ અધિકારીએ આ યોજના ફક્ત 'કાગળ' પર નહોતી બનાવી, પરંતુ 'ગ્રાઉન્ડ' પર તેનો જડબેસલાક અમલ પણ કર્યો. તેમણે સાબિત કરી દીધું હતું કે, ઈચ્છાશક્તિ હોય તો ગમે તેવું અશક્ય લાગતું કામ પણ સહેલાઈથી પાર પાડી શકાય છે!

આ ઓપરેશનને મીડિયાથી ગુપ્ત રખાયું હતું કારણ કે, તેઓ નહોતા ઈચ્છતા કે અફવા કે ગભરાટ ફેલાવાના કારણે ધક્કામુક્કી થાય અને લોકોના જાન જાય! અલ્લપુઝાના જ રહેવાસી ધ્રુવ પંડ્યા નામના એક વકીલે આ ઓપરેશન વિશે ફેસબુક પર માહિતી આપી ત્યારે આ વાત માંડ અખબારો સુધી પહોંચી. ૧૮મી ઓગસ્ટની સાંજ સુધી કુટ્ટાનાડમાંથી અઢી લાખ અને ચેંગનુરમાંથી એક લાખ લોકો (ચોક્કસ આંકડો હજુ આવ્યો નથી) સલામત સ્થળે ખસેડાઈ ચૂક્યા હતા. હવે બધા જ સલામત સ્થળે હતા.

જોકે, બધા જ માટે ઓપરેશન કુટ્ટાનાડ પૂરું થઈ ગયું હતું ત્યારે પણ નાણા મંત્રી થોમસ આઈઝેક અને સબ કલેક્ટર ક્રિશ્ના તેજાએ જાહેર કર્યું કે, હજુ થોડું કામ બાકી છે. તેઓ કુટ્ટાનાડ અને ચેંગનુરમાં ફસાયેલા પ્રાણીઓને પણ સલામત સ્થળે પહોંચાડવા માગતા હતા. આ કામ પણ તેમની જ આગેવાનીમાં પૂરું થયું. પ્રાણીઓને પણ ઊંચાઈવાળા અને સલામત વિસ્તારોમાં લઈ જઈને ભોજન અપાયું.  

કુવૈતમાંથી ૧.૭૦ લાખ ભારતીયોને સલામત રીતે ભારત લાવવાની સત્ય ઘટના આધારિત 'એરલિફ્ટ' ફિલ્મ તમે જોઈ હશે! પૂરગ્રસ્ત કેરળની આ ઘટના પણ આવી જ એક સુંદર ફિલ્મને લાયક છે. શું કહો છો?

નોંધઃ પૂર વિશે વધુ કેટલીક માહિતી માટે ઉપરના લેખમાં મૂકેલી હાયપર લિંક અથવા લેખના અંતે મૂકેલા લેબલ્સ પર ક્લિક કરો. 

07 September, 2016

પૂરની ન્યૂઝ સ્ટોરી પાછળની 'સ્ટોરી'


સુપરપાવર બનવાના સપનાં જોઈ રહેલા ભારતમાં દર વર્ષે ફક્ત ઋતુચક્રમાં ફેરફાર થતાં જ હજારો લોકો કમોતે મરી જાય છે. ભારતમાં ઠંડીને 'કાતિલ' કહે છે કારણ કે, શિયાળામાં હજારો લોકો ઠુંઠવાઈને મરી જાય છે. ગરમી 'કાળઝાળ' અને 'રેકોર્ડબ્રેક' હોય છે અને એ પણ અનેકનો ભોગ લે છે. શિયાળા-ઉનાળા પછી ચોમાસું આવે છે. ચોમાસું પણ અનેકના જીવ લે છે અને લાખો લોકોને ખેદાનમેદાન કરતું જાય છે. એટલે પૂર માટે પણ 'ભયાનક' અને 'પ્રકોપ' જેવા શબ્દો વાપરવામાં આવે છે. આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા દસ જણા કરતા ઠંડી, ગરમી કે પૂરમાં મૃત્યુ પામેલા ૧૦૦ માણસની 'ન્યૂઝ વેલ્યૂ' ઘણી ઓછી હોય છે કારણ કે, આપણે ઋતુઓમાં આવતા બદલાવથી થતાં મોતને સહજતાથી સ્વીકારી લીધા છે. જોકે, અહીં ફક્ત પૂરની વાત કરવી છે.

પૂરનું 'પૂરબહાર'માં મીડિયા કવરેજ 

આ વર્ષે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, આસામ અને મધ્યપ્રદેશમાં પૂરના કારણે ૪૦૦થી વધુ લોકોના મોત થયા અને લાખો લોકો બેઘર થયા. દર વર્ષે મોતનો આવો ખેલ ખેલાતો રહે છે. આમ છતાં, આપણી પાસે પૂરથી થતું જાનમાલના નુકસાન રોકવાનો એક્શન પ્લાન નથી. આપણે સ્વીકારી લીધું છે કે, પૂર તો આવશે જ અને લોકો મરશે જ. પૂર આવે છે ત્યારે મીડિયા કવરેજ 'પૂરબહાર'માં ખીલે છે. વધુને વધુ ભયાનક તસવીરો ક્લિક કરીને મોતનું તાંડવ બતાવવાની હોડ જામે છે. લાલ લાઈટવાળી ગાડીઓમાં 'ઉડતા નેતાઓ' માટે હેલિકોપ્ટરમાં ઉડવાના દિવસો શરૂ થાય છે. ક્યારેક કોઈ નેતા, ભૂલથી, હવામાંથી જમીન પર પણ આવી જાય છે. જોકે, ગુલામી માનસિકતા ધરાવતા જીહજુરિયાઓ નેતાજીના પગ મેલા ના થઈ જાય એટલે તેમને ખભે ઉઠાવવા તૈયાર જ હોય છે. 

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે

પૂરગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાતે જાય એ તો સારો નેતા કહેવાયએમને તો માથે જ ચઢાવવાના હોય ને! બિલકુલ સાચી વાત. પૂરમાં ફસાયેલા લોકો માટે સરકાર રાતોરાત 'માઈબાપ' થઈ જાય છે. પૂરથી ગભરાયેલા લોકો વારંવાર આકાશમાં નજર કરતા હોય છે. ના, ઈશ્વર માટે નહીં. ખરેખર તેઓ હેલિકોપ્ટરની રાહ જોતા હોય છે. હેલિકોપ્ટર આવશે અને ફૂડપેકેટ ફેંકશે તો ભૂખ્યા નહીં મરીએ. અન્નના એક એક દાણા માટે મોહતાજ લોકો ફૂડપેકેજ માટે ધક્કામુક્કી અને ઝૂંટાઝૂંટ કરે છે. આ પ્રકારની તસવીરો ખરેખર ભયાનક હોય છે. પૂરની 'ન્યૂઝ સ્ટોરી'માં ફક્ત જાનહાનિ અને જાનમાલના નુકસાનની વાત કરવામાં આવે છે પણ એની પાછળ બીજી અનેક 'સ્ટોરી' હોય છે.

લોકો માટે 'જાનલેવા' પૂર નદીઓની જાન

આપણે ભૂલી ગયા છીએ કે, પૂર એ કુદરતી પ્રક્રિયા છે. કોઈ પણ નદી પૂર વિના અધૂરી છે. આપણા માટે 'જાનલેવા' પૂર નદીઓની જાન છે. પૂર આવ્યા પછી જ નદીઓ ફરી બે કાંઠે વહેવા માંડે છે. પહાડી વિસ્તારના કાંપ નદીઓમાં પથરાય છે. ફરી એકવાર કાંપ વિસ્તારોની જમીનમાં પોષક તત્ત્વોની પરત બને છે, જે ખેતી માટે અત્યંત ફળદ્રુપ હોય છે.



હાલનું ઉત્તર ભારતનું પૂર ગંગા-યમુના અને તેની પેટા નદીઓના પાણીને આભારી છે. દેશની ૧૨૫ કરોડમાંથી ૫૦ કરોડ જેટલી વસતી તો ગંગા અને યમુનાના મેદાની વિસ્તારોની આસપાસ જ વસે છે. વિચાર કરો, આ બંને નદીઓનો વ્યાપ કેટલો હશે! આ નદીઓના કાંપ વિસ્તારમાં થતી ખેતીના આધારે સીધી અને આડકતરી રીતે કરોડો લોકોનું ગુજરાન ચાલે છે. પૂર આવે છે ત્યારે આવી લાખો હેક્ટર જમીન રિચાર્જ થઈ જાય છે. જમીની પાણીનું સ્તર ઊંચું આવે છે. નાની-નાની નદીઓ કાંપ અને પથ્થર ખેંચી લાવે છે. આ બધું જ નદીકિનારે જમા થાય છે, જેના કારણે નદીઓનો માર્ગ સાંકડો થતા પાણીના વહેણનો માર્ગ ઓછો થઈ જાય છે.

જોકે, મોટી નદીઓમાં પૂર આવે છે ત્યારે નાની-મોટી બધી જ નદીઓનો માર્ગ સાફ થઈ જાય છે. નાળું થઈ ગયેલી નદી ફરી એકવાર જીવંત થઈ જાય છે. રેતી માફિયાઓએ કબજો કર્યો હોય તો એમાંથી પણ પૂર મુક્તિ અપાવે છે. જે કામ સરકાર માઈબાપ નથી કરી શકતી એ કામ પૂર એકઝાટકે કરી નાંખે છે.

તો પૂરનો ઉત્સવ કેમ નથી મનાવાતો?

જો પૂર આટલું સારું હોય તો આપણે તેનો ઉત્સવ કેમ નથી મનાવતા? આ સવાલનો વિગતે જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ. હાલ ભારતમાં આવતા પૂર મુદ્દે અધિકારપૂર્વક વાત કરી શકે એવા ગણ્યાગાંઠયા લોકો છે. આવું એક નામ એટલે દિનેશકુમાર મિશ્ર. એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં બિહારના પૂર મુદ્દે મિશ્ર કહે છે કે, પૂર એ કુદરતી આપત્તિ નથી. જો પૂર કુદરતી આફત હોય તો એનાથી ફાયદો ના થાય. ઊલટાનું પૂરના કારણે જ બિહારની જમીન ઉપજાઉ છે. ખેતી સાથે સંકળાયેલા લોકો સારું કમાય છે અને એટલે જ પૂર પછી તેઓ વતન છોડીને જતા નથી રહેતા. અહીં પાણીનું સ્તર સારું છે એટલે જ હરિયાણા-રાજસ્થાનની જેમ બિહારમાં માથે બેડા મૂકીને દૂર સુધી પાણી ભરવા જતી મહિલાઓ જોવા નથી મળતી. બિહારમાં નવ વર્ષ પછી આવું પૂર આવ્યું છે, જેનાથી કૃષિ અર્થતંત્રને ફાયદો થશે...




દિનેશકુમાર મિશ્રએ કહેલા મુદ્દા વિચારવા જેવા છે. પૂર કુદરતી આપત્તિ નથી પણ કુદરતની મહેરબાની છે. પૂર કુદરતની દેન છે પણ વગર વિચાર્યે કરેલા વિકાસના કારણે પૂર વખતે મોતનું તાંડવ ખેલાય છે. આ કારણસર આપણી સામે પૂરનો ફક્ત બેહુદો ચહેરો જ સામે આવે છે. આ પૃથ્વી પર માણસો નહોતા ત્યારે પણ પૂર આવતા જ હતા. પૂર કોઈના રસ્તામાં નથી આવ્યું પણ આપણે પૂરના રસ્તામાં 'વિકાસ' કર્યો છે.

આપણે ધસમસતા પૂર સામે વિકાસકૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાથી જ પૂર આવે ત્યારે ઉત્સવ નથી મનાવી શકતા. આપણે નદીઓની જમીન પર અતિક્રમણ કરીને વિકાસ કર્યો છે. હજુ થોડા સમય પહેલાં જ કેદારનાથમાં 'વિકાસના કારણે સર્જાયેલી ભયાનકતા' આપણે જોઈ ચૂક્યા છે.

પૂરથી થતી જાનહાનિ રોકવા ટેક્નોલોજીની જરૂર

દેશમાં ૧૭૫ સ્થળે નદીઓ-બંધોમાં ખતરાની નિશાનીઓ લગાવાઈ છે, જેની ઉપર પાણી આવે એટલે એલર્ટ જાહેર કરાય છે. આ સિસ્ટમને ગેજ ટુ ગેજ કોરિલેશન કહે છે. ભારતમાં સેન્ટ્રલ વૉટર કમિશન દ્વારા જળસ્તરની આગાહી (વૉટર લેવલ ફોરકાસ્ટિંગ) કરાય છે. આપણે ઘણીવાર સાંભળ્યું છે કે, ફલાણી નદી કે ફલાણા બંધનું પાણી ખતરાની નિશાનીથી ઉપર વહી રહ્યું છે. આ નિશાનીથી પૂર આવશે કે નહીં એ જાણી શકાય છે. સામાન્ય વ્યક્તિથી લઈને સરકારી નિષ્ણાતો આ સિસ્ટમમાં વિશ્વાસ કરે છે. આમ છતાં, પૂર ચૂપચાપ આવે છે અને તબાહી મચાવીને જતું રહે છે. આવું કેમ થાય છે? કારણ કે, આપણે જળસપાટી વધી રહી હોય એના આધારે ખતરાની આગાહી કરીએ છીએ. એ જળસ્તર જાણવાની સિસ્ટમ છે, પૂરની આગાહીની નહીં. જરા વિગતે સમજીએ.

નદી કે બંધમાં ખતરાની નિશાનીના આધારે ૫૦-૧૦૦ કિલોમીટર સુધીના દાયરામાં એલર્ટ આપી શકાય છે, પરંતુ આ પાણી કેટલા દૂર સુધીના વિસ્તારમાં ઉત્પાત મચાવી શકે છે એ જાણવાની આપણી પાસે સિસ્ટમ નથી. આ ટેક્નોલોજી ફ્લડ વૉટર ફોરકાસ્ટિંગ તરીકે ઓળખાય છે. જળસ્તરથી પૂરનું ભવિષ્ય ભાખવાની ઘણી મર્યાદા છે. એવી જ રીતે, આકાશમાંથી વરસતું પાણી ગીચ વિસ્તારોમાં ફેલાય એનું શું? વરસાદી પાણી માપવાની સિસ્ટમને સ્ટોર્મ વૉટર ફોરકાસ્ટિંગ કહે છે. જે સ્થળોએ નદીઓ નહીં, પણ વરસાદી પાણી પૂર લાવતી હોય ત્યાં આ ટેક્નોલોજીની જરૂર હોય છે. વરસાદી પાણીથી પૂર આવતા હોય એવા વિસ્તારોમાં ગટર વ્યવસ્થા સહિતના કંગાળ શહેરી આયોજનનો વાંક કાઢવામાં આવે છે. આ ટેક્નોલોજીના આધારે આપણે એવું કહી શકીએ કે, વરસાદના કારણે જે તે શહેરના કોઈ વિસ્તારમાં તમારી કાર ડૂબી જઈ શકે છે! આ ઉપરાંત પૂરનું પાણી કેટલો સમય એ વિસ્તારમાં રહેશે એની પણ આગાહી થઈ શકે છે.

આપણે પૂરને સ્વીકારી લેવાના બદલે આ ક્ષેત્રના નિષ્ણાતો પેદા કરવા, યુનિવર્સિટી સ્તરે સંશોધનો કરવા અને સરકારી યોજનાઓમાં તેમને સામેલ કરવાના પ્રયાસ કરવા જોઈએ. આમ થશે તો જ પૂર 'પ્રકોપ' નહીં રહે!

*** 

દ. ગુજરાત યુનિવર્સટીમાંથી પીએચ.ડી. કરનારા પૂર નિષ્ણાત

દિનેશકુમાર મિશ્ર
દેશમાં ગણ્યાગાંઠયા પૂર નિષ્ણાતોમાં દિનેશકુમાર મિશ્રનું નામ પહેલી હરોળમાં મૂકવું પડે. ઉત્તર ભારતમાં તેઓ 'બાઢ મુક્તિ અભિયાન' નામની સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકર્તા તરીકે જાણીતા છે. આ સંસ્થા થકી  મિશ્ર ભારતની ફ્લડ કંટ્રોલ પોલિસીમાં ફેરફાર કરવા પાયાનું આંદોલન ચલાવી રહ્યા છે. દિનેશકુમારે (જન્મ ૧૯૪૮) વર્ષ ૧૯૬૮માં આઈઆઈટી-ખરગપુરમાંથી સિવિલ એન્જિનિયરિંગ અને વર્ષ ૧૯૭૦માં એમ.ટેક. કર્યું. નેવુંના દાયકામાં મિશ્રની પ્રોફેશનલ એન્જિનિયર તરીકે પ્રેક્ટિસ ધમધોકાર ચાલી રહી હતી. આ દરમિયાન બિહારમાં વર્ષ ૧૯૮૪માં પૂર આવ્યું, જેમાં ૮૦ સ્ક્વેર કિલોમીટરમાં પાંચેક લાખ લોકો રઝળી પડ્યા. એક મિત્રના કહેવાથી મિશ્રએ આ પૂરનો અહેવાલ તૈયાર કરવાનું બીડું ઝડપ્યું અને એ માટે તેઓ હોડીમાં બેસીને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયા. એ વખતે તેમણે ઠેર ઠેર મોતનું તાંડવ જોયું. એ દૃશ્યો જોઈને તેઓ રીતસરના હેબતાઈ ગયા હતા.  

આ ઘટના પછી મિશ્રએ ભારતના પૂરના ઈતિહાસનો અભ્યાસ શરૂ કર્યો. ભારતમાં પૂરના ઈતિહાસનું યોગ્ય દસ્તાવેજીકરણ થયું નહીં હોવાથી તેમને પારાવાર તકલીફ પડી. જોકે, તેમણે સામે પાણીએ તરીને પૂર વિશે જાણકારી મેળવવાનું નક્કી કર્યું. એ પછી તેઓ એક વર્ષ માટે રીતસર કોલકાતાની નેશનલ લાઈબ્રેરીમાં રહેવા જતા રહ્યા. ત્યાં તેમણે બિહારના વિવિધ અખબારોના ૪૦ વર્ષના અંકોમાં આવેલા પૂર, વૉટર મેનેજમેન્ટ, પૂરને લગતા વિવાદો, વિવિધ કમિશનોના અહેવાલો અને નિષ્ણાતોની ચર્ચાના સમાચારો-અહેવાલો અને પુસ્તકોનો ઊંડો અભ્યાસ કર્યો. પૂર વિશે પૂરતી માહિતી મેળવીને મિશ્રએ પૂરના અસલી અને સત્તાવાર દસ્તાવેજો માટે બિહારની સરકારી કચેરીઓના ધક્કા પણ ખાધા.

આટલી મહેનત પછી તેમણે પહેલું પુસ્તક લખ્યું, 'બાઢ સે ગ્રસ્ત'. આ પુસ્તક અને તેમના અહેવાલોને એટલો જોરદાર આવકાર મળ્યો કે, વર્ષ ૧૯૮૬માં મિશ્રએ પ્રોફેશનલ એન્જિનિયર તરીકે નોકરી છોડીને વૉટર મેનેજમેન્ટ અને ફ્લડ એક્સપર્ટ તરીકે કામ શરૂ કર્યું. હાલ તેઓ પૂરગ્રસ્ત વિસ્તારમાં કામ કરી રહેલા સરકારી એન્જિનિયરો અને પોલિસી મેકર્સ સાથે મળીને ચૂપચાપ એક આંદોલન ચલાવી રહ્યા છે.

દેશભરમાં સંશોધનના નામે હાસ્યાસ્પદ વિષયોમાં પીએચ.ડી. કરીને 'સેટલ' થવાનો જુવાળ ચાલી રહ્યો છે ત્યારે દિનેશકુમાર મિશ્રએ વર્ષ ૨૦૦૬માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી 'ઈમ્પેક્ટ ઓફ ફ્લડ કંટ્રોલ પોલિસીઝ ઓન ધ પીપલ ઓફ સહર્સ ડિસ્ટ્રિક્ટ ઓફ નોર્થ બિહાર' વિષયમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવીને દેશને એક મહામુશ્કેલીમાંથી ઉગારવાનું પાયાનું કામ કરી રહ્યા છે. 

27 June, 2013

કુદરતના તાંડવ અને મનુષ્યની બર્બરતા વચ્ચે શિવજીનું પ્રાગટ્ય


એવું કહેવાય છે કે, ટ્રેજેડી એટલે કે કરુણ ઘટના વખતે માણસનું સારામાં સારું રૂપ પ્રગટ થાય છે, પરંતુ ટ્રેજેડી ક્યારેક માણસનું ખરાબમાં ખરાબ રૂપ પણ પ્રગટ કરી દે છે. અત્યારે ઉત્તરાખંડમાં કંઈક આવુ જ થઈ રહ્યું છે. ઉત્તરાખંડની ઘાટીઓમાંથી અત્યારે વીરતા, હિંમત, માનવતા, લાલચ, દુષ્ટતા અને બર્બરતા એમ બધા જ પ્રકારના પડઘા સંભળાઈ રહ્યા છે. ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ અને આભ ફાટવાની ઘટના પછી આવેલા વિકરાળ પૂરને કારણે મુશ્કેલીમાં મુકાયેલા યાત્રાળુઓને બચાવવા ભારતીય લશ્કરના જવાનો ટાંચા સાધનોની મદદથી રાત-દિવસ ખડે પગે રાહત અને બચાવકાર્ય કરી રહ્યા છે. પરંતુ આ જ ‘દેવભૂમિ’ પર એવા પણ કેટલાક દુષ્ટાત્માઓ છે જેમણે કપરી પરિસ્થિતિમાં મૂકાયેલા યાત્રાળુઓની મજબૂરીનું આર્થિક, માનસિક અને શારીરિક શોષણ કરવામાં પણ કશું જ બાકી રાખ્યું નથી.  

ઉત્તરાખંડમાં પૂર આવ્યા પછી લશ્કરના જવાનોએ હજારો લોકોને હેમખેમ બચાવી લીધા છે. આ કામમાં સ્વાભાવિક રીતે જ કેદારનાથ સહિતના વિસ્તારોમાં આવેલા મંદિરો અને આશ્રમોના સાધુઓ તેમજ સ્થાનિક લોકો પણ મદદરૂપ થતા હતા. આ ઉપરાંત અન્ય યાત્રાળુઓ કરતા પ્રમાણમાં મજબૂત બાંધાના અને તંદુરસ્ત યાત્રાળુઓને પણ એકબીજાને મદદ કરીને કુદરતી આપત્તિ વખતે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઉત્તરાખંડમાં પર્વતારોહણ કરવા આવેલા ઉત્સાહી યુવાનોએ પણ બચાવકાર્યમાં લશ્કરને મદદ કરી હતી. લશ્કરી જવાનો અને નિસ્વાર્થ ભાવે સેવા કરતા લોકોની મદદથી જ હજારો યાત્રાળુઓ તેમના સ્વજનો પાસે હેમખેમ પહોંચી શક્યા છે. જોકે, આ સ્થિતિમાં કેટલાક બર્બર લોકોએ એવા કૃત્યો આચર્યા છે, જે જોઈને ભારતીયોની જ નહીં, પણ ખુદ શિવજીની આંખો શરમથી ઝુકી ગઈ હશે!

બદ્રીનાથમાં પોતાની માતાને આર્મી હેલિકોપ્ટરમાં લઈ જવા
જવાનને વિનંતી કરતી એક મહિલા

ઉત્તરાખંડથી હેમખેમ પરત ફરેલા યાત્રાળુઓ મીડિયાને જણાવી રહ્યા છે કે, કેટલાક લોકોએ પીડિતોને બચાવવા કે શોધી લાવવાનો ‘ધંધો’ શરૂ કરી દીધો હતો. કેદારનાથથી મોતના મુખમાંથી બચીને આવેલા કેટલાક પીડિતો ન્યૂઝ ચેનલોને માહિતી આપતા હતા કે, અમે સ્વજનોને બચાવવા માટે બેથી પાંચ હજારનો ખર્ચ કર્યો હતો. પરંતુ આ લોકો પૈસા મળી ગયા પછી છૂ થઈ જતા હતા. આ ઉપરાંત સમાચારો જોઈ-વાંચીને ચિંતામાં ઝૂરી રહેલા સ્વજનો સાથે અમુક સેકન્ડ વાત કરાવવાના પણ એકાદ હજાર રૂપિયા વસૂલાતા હતા. ઉત્તરાખંડમાં ભૂખ્યા-તરસ્યા અને થાકેલા યાત્રાળુઓ પાસે એક ચમચો ભાતના રૂ. 120 પડાવી લેવાતા હતા. કેટલીક હોટેલોએ પૂર પીડિતોને એક રોટલીના રૂ. 180 અને એક ભાતની પ્લેટના રૂ. 500નું બિલ પકડાવ્યું હતું. એવી જ રીતે, ઉત્તરાખંડ દુર્ઘટના વખતે એક પરાઠાના રૂ. 250 અને એક વેફરના પેકેટના રૂ. 100 આપીને પેટ ભરનારા યાત્રાળુઓની પણ કમી ન હતી. કમનસીબી તો એ હતી કે, ચોતરફ પાણીથી ઘેરાયેલા વિસ્તારોમાં અનેક યાત્રાળુઓ પાણીના એક એક ટીપાં માટે તરસતા હતા અને નાના-મોટા દુકાનદારો પાણીની એક બોટલના 400 રૂપિયા વસૂલતા પણ શરમાતા ન હતા.

ઉત્તરાખંડમાં હજારો લોકો ફસાયેલા હતા ત્યારે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી હતી. તેથી ભારતીય લશ્કરે ભારે વરસાદની આગાહીના કારણે ઓછામાં ઓછા 22 હજાર લોકોને બચાવવા માટે સમય સામે પણ સ્પર્ધા કરવાની હતી. બીજી તરફ, પૂરગ્રસ્ત વિસ્તારોમાં ભૂખ-તરસથી પીડાતા અને થાકેલા યાત્રાળુઓ તૂટેલા રસ્તા, પૂરના પાણી અને કુદરતી આપત્તિના ઓઠા હેઠળ સક્રિય થયેલા અસામાજિક તત્ત્વોના ભય હેઠળ સુરક્ષિત વિસ્તારોમાં પહોંચવાનો પ્રયાસ કરતા હતા. આ સંજોગોમાં પણ લાલચુ લોકોએ યાત્રાળુઓને અન્નના એક એક દાણાના મોહતાજ બનાવી દીધા હતા. અહેવાલ તો એવા પણ છે કે, કેટલાક લોકો તો અન્ન માટે કચરાપેટીઓ ફેંદતા જોવા મળ્યા હતા. આ ઘટનામાંથી આપણે પ્રકૃતિની ઈજ્જત કરતા પણ શીખવાનું છે. અન્નનો બગાડ થતો અટકાવવાનો છે. આપણે યાદ રાખવાનું છે કે, ખેતરમાં અન્નનો એક દાણો ઉગાડવા પ્રકૃતિએ ઘણો સમય લીધો હોય છે અને કોઈ ખેડૂતે લોહી-પાણી એક કર્યા હોય છે.

કુદરતના આ તાંડવ વચ્ચે સૌથી જઘન્ય અપરાધ મહિલાઓ પર થતા અત્યાચારનો હતો. આ દુર્ઘટના પછી ‘સમાધાન’ એનજીઓના કર્તાહર્તા રેણુ સિંઘે સમગ્ર ઉત્તરાખંડમાં ‘મોનિટરિંગ સેન્ટર’ ઊભા કર્યા છે. આ સંસ્થા વેશ્યાવૃત્તિમાં ધકેલાયેલી સ્ત્રીઓ માટે કામ કરે છે. હાલ આ મોનિટરિંગ સેન્ટરો બેઘર મહિલાઓને શોધીને તેમને આશ્રય આપી રહી છે. આ સ્ત્રીઓએ તેમના પતિ કે પિતા પણ ગુમાવી દીધા હોઈ શકે છે. રેણુ સિંઘે મીડિયા સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “અમે નોંધ લીધી છે કે, આવી કોઈ પણ કુદરતી આપત્તિ પછી બળાત્કારનું પ્રમાણ વધી જાય છે તેમજ વેશ્યાવૃત્તિમાં ધકેલાતી સ્ત્રીઓના પ્રમાણમાં પણ ખૂબ વધારો થાય છે.” નવાઈની વાત તો એ છે કે, કુદરતી આપત્તિ વખતે અનેક કુટુંબો તેમની પુત્રીઓને ત્યજી દે છે, તો કેટલાક પતિઓ તેમની પત્નીને તરછોડી દે છે. આ અંગે રેણુ સિંઘ કહે છે કે, “આ કૃત્ય પણ બળાત્કારથી ઓછું નથી.” ઉત્તરાખંડની દુર્ઘટના પછી ‘સમાધાન’ સંસ્થા આવી સ્ત્રીઓ વતી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

ઉત્તરાખંડમાં મહિલાઓ પર બળાત્કાર અને લૂંટફાટની ઘટનાઓને અફવામાં ખપાવીને ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ થયો હતો પણ ખરેખર એ અહેવાલો જ ‘અફવા’ હતા. કેદારનાથ વેલીના ગૌરીકુંડ વિસ્તારમાં એક મહિલા અને તેની પુત્રી પર બળાત્કાર થયાના અહેવાલો ચમક્યા હતા. આ ઉપરાંત બિહારની એક મહિલા પણ બળાત્કારનો ભોગ બની હતી. એવી જ રીતે, કેદારનાથ ધામમાં ખચ્ચરોનું ટ્રેડિંગ કરતા ત્રણ સગા ભાઈની હત્યા કરીને લૂંટારુઓએ 17 લાખ રૂપિયાની લૂંટ કર્યાની ફરિયાદ પણ પોલીસ ચોપડે નોંધાયાના અહેવાલ છે. ઉકીમઢ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા ગોંધલુ ગામમાં પણ અજાણ્યા શખસોએ મહિલા પર બળાત્કાર અને હત્યા કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે સ્થાનિકોએ જ મીડિયા અને પોલીસને માહિતી આપી હતી અને આખરે પોલીસ ચોપડે આ ગુનો નોંધાયો હતો. આ બધા સમાચારોથી કરોડો દેશવાસીઓની આંખ શરમથી ઝુકી ગઈ છે અને આપણે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, આપણે સૌથી મોટા દંભીઓ છીએ.

ખુદ ઉત્તરાખંડના પોલીસ વડા સત્યવ્રત બંસલે આવી ઘટનાઓની કબૂલાત કરી છે. તેમણે કહ્યું હતું કે, “હું એ વાત નકારતો નથી કે, કેટલાક અસામાજિક તત્ત્વો આ સ્થિતિનો અયોગ્ય લાભ લઈ રહ્યા છે. પરંતુ આવી ઘટનાઓ એકલદોકલ છે, છડેચોક આવી ઘટનાઓ નથી થઈ રહી.” જો રાજ્ય પોલીસવડા આવી એકલદોકલ ઘટનાની કબૂલાત કરતા હોય તો બચી ગયેલા યાત્રાળુઓ કેવા ભયના ઓથારમાંથી પસાર થયા હશે તે સમજી શકાય એમ છે. સ્થાનિકોએ તો ત્યાં સુધી કહ્યું છે કે, આ સ્થિતિમાં કેટલીક લૂંટારુ ગેંગો સક્રિય થઈ હતી અને તેઓ લાશો પરથી ઘરેણાં ચોરતા હતા. ઘરેણાં માટે તેઓ લાશોની કાપકૂપ કરતા પણ ખચકાતા ન હતા. ઉકીમઠ પોલીસે જ લાશો પરથી ઘરેણાં અને તેમની ચીજવસ્તુઓ ચોરી રહેલા એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પોતાને સાધુ કહેતી આ વ્યક્તિ પાસેથી પોલીસે રોકડ અને કેટલીક ચીજવસ્તુઓ કબજે કરી હતી જે તેણે લાશો પરથી ચોરી હતી. ઉત્તરાખંડમાં સાધુના વેશમાં આવા તકસાધુઓએ લૂંટ ચલાવી હોય તો નવાઈ નહીં. લૂંટારુઓએ વૃદ્ધો અને મહિલાઓ પાસેથી પૈસા અને તેમના ચંપલ પણ પડાવી લીધા હતા.

ઉત્તરાખંડના જંગલો, વેરાન અને અંતરિયાળ વિસ્તારોમાં ફસાયેલા યાત્રાળુઓના દિવસ તો ગમે તેમ કરીને પસાર થઈ જતા હતા, પરંતુ લૂંટારુઓના ભયે એક એક રાત તેમને એક મહિના જેટલી લાંબી લાગતી હતી. રાલ્ફ વાલ્ડો ઈમર્સને ‘ધ કન્ડક્ટ ઓફ લાઈફ’ નામના તેમના નિબંધ સંગ્રહમાં કહ્યું હતું તેમ “અંધારું માણસની ઓળખ છુપાવી દે છે અને તેથી માણસમાં અપ્રામાણિકતાની લાગણી જન્મે છે.” અંધારી રાત્રે સ્ત્રીઓ અને પુરુષો બંનેને સૌથી મોટો ભય સ્ત્રીઓની શોધમાં નીકળતા ‘ગીધો’નો લાગતો હતો. જોકે, લશ્કરના જવાનોએ ઉત્તરાખંડ જેવા પહાડી અને જંગલ વિસ્તારોમાં ફસાયેલા યાત્રાળુઓ માટે પાર પાડેલું રાહત અને બચાવકાર્ય ખરેખર કાબિલેદાદ છે. સામાન્ય સંજોગોમાં એરફોર્સના જવાનોએ ‘પાઈલોટ રૂલ બુક’નું ચુસ્ત રીતે પાલન કરવું પડે છે, પરંતુ આ બચાવ અભિયાન માટે તેમણે ચોક્કસ મર્યાદા કરતા વધુ કલાકોનું ઉડાન કરીને બચાવકાર્ય સતત ચાલુ રાખ્યું હતું. આમ જવાનોએ સમયસર પહોંચી જઈને યાત્રાળુઓને ફક્ત કુદરતી આપત્તિથી નહીં પણ ગીધોથી પણ બચાવ્યા છે.

કદાચ એટલે જ શારીરિક, માનસિક અને મનોવૈજ્ઞાનિક રીતે થાક્યા-હાર્યા બાદ બચી ગયેલા અનેક યાત્રાળુઓ મીડિયાને કહેતા હતા કે, અમને જવાનોના રૂપમાં સાક્ષાત શિવજીના દર્શન થયા હતા. કેટલાક જવાનો રજા પર હતા તેઓ પણ રાહત અને બચાવ કાર્ય માટે પરત આવી ગયા હતા. ગોરખા રાઈફલના મેજર મહેશ કિરકી પણ આવા જ એક જવાન છે, જે 12મી જૂનથી સાતમી જુલાઈ સુધી રજા પર હતા. ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’માં અહેવાલ હતો કે, 15મી જૂને મુશળધાર વરસાદ વરસ્યો ત્યારે મેજર મહેશ પોતાની એસયુવી કારમાં પત્ની, સાસુ અને બે બાળકો સાથે દહેરાદૂનથી બદ્રીનાથ જતી વખતે કર્ણપ્રયાગમાં ફસાઈ ગયા હતા. આમ છતાં, જોખમ ખેડીને તેઓ બીજા દિવસે સાંજે જોશીમઠ પહોંચ્યા. અહીં તમામ માર્ગો તૂટી ગયા હોવાથી તેમને જવાનોએ પરત જતા રહેવા જણાવ્યું. હવે તેમની પાસે બે વિકલ્પ હતા. એક, પાછા ફરીને સલામત સ્થળે જતા રહેવું અને બીજું, એ વિસ્તારની આસપાસ ફસાયેલા લોકો માટે કંઈક કરવું. કહેવાની જરૂર નથી કે, મેજર મહેશ કિરકી પત્નીને રાહ જોવાનું કહીને જતા રહ્યા હતા અને ફસાયેલા યાત્રાળુઓ સામે ‘શિવજી’ બનીને પ્રગટ થયા હતા. 

નોંધઃ લેખમાં લીધેલી તસવીર રોયટરની છે.