Showing posts with label Guest Column. Show all posts
Showing posts with label Guest Column. Show all posts

25 June, 2013

શ્રીનગરમાં લાલચોકની મુલાકાતનું સાહસ


કાશ્મીર પ્રવાસ ભાગ-1માં આપણે પટનીટોપ, શ્રીનગર, ગુલમર્ગ અને સોનમર્ગમાં પડેલી મુશ્કેલીઓ વિશે જાણ્યું. હવે ભાગ-2માં વાંચો નફરત અને ધિક્કારના પાટનગર શ્રીનગર પ્રવાસનું વર્ણન...

શ્રીનગરમાં અમે બે રાત્રિ હાઉસબોટમાં રોકાવાના હતા. દૂરથી જોયું તો દાલ સરોવર ખૂબ જ મનોહર લાગતું હતું, પરંતુ હાઉસબોટમાં રોકાયા ત્યારે ખબર પડી કે આપણે જો શહેરોને કોંક્રિટનું જંગલ કહેતા હોઈએ તો દાલ સરોવરને શિકારા અને હાઉસબોટનું જંગલ કહેવું પડે. પાણી પર તરતી શિકારા અને હાઉસબોટ આપણને જાણે કે નવા જ શહેરમાં આવી ગયા હોઈએ તેવો અનુભવ કરાવે છે. શરૂઆતમાં થોડી વાર આ દૃશ્ય જોવામાં કદાચ સારું લાગે, પરંતુ બાદમાં સરોવરનું શહેરીકરણ થયું હોવાનું લાગ્યા વગર રહેતું નથી. હાઉસબોટના રૂમ ખૂબ જ સાંકડા અને બંધિયાર હોય છે અને હવા-ઉજાસ માટે બારીઓ ખોલવામાં આવે તો મચ્છર અને અન્ય જીવજંતુઓનું જોખમ રહે છે. વળી, હાઉસબોટમાં બાથરૂમ-સંડાસનો કચરો ક્યાં ઠલવાય છે અને ન્હાવા-ધોવા માટેનું પાણી ક્યાંથી આવે છે તે પણ એક પ્રશ્ન છે. કારણ કે અહીં ક્યાંય ડ્રેનેજ લાઈનો નંખાઈ હોય એવું જણાતું નથી. આ બાબતનો પુરાવો એ વાત પરથી મળે છે કે હાઉસબોટમાં પીવાના પાણીની વ્યવસ્થા સુદ્ધાં હોતી નથી. હાઉસબોટમાં રહેનાર વ્યક્તિએ બજાર કરતાં બમણા ભાવે લોકલ કંપનીનું મિનરલ વોટર ખરીદવું પડે છે.

ગુલમર્ગથી થાકીને આવ્યા હોવાથી હાઉસબોટમાં પહેલી રાત ખૂબ સરસ રીતે પસાર થઈ ગઈ. બીજા દિવસે વહેલી સવારે અમે શ્રીનગર લોકલમાં ફરવા ગયા. સૌપ્રથમ અમે શ્રીનગરના પ્રખ્યાત મુઘલ ગાર્ડન-નિશાતમાં ગયા. ઉનાળો  હોવાથી અહીં ફૂલોનું પ્રમાણ ઘટી ગયું હતું, પરંતુ વિશાળ જગ્યામાં પથરાયેલો નિશાત ગાર્ડન ધોમધખતા તાપમાં પણ ઠંડક આપતો હતો. આ બગીચામાં પાંગરેલા ફૂલોના ખજાના અને તેની સુંદરતા વિશે જે વાંચ્યું હતું તેમાંથી નહીંવત વસ્તુઓ અમે માણી શક્યા. જોકે અમે ઉનાળામાં ગયા હોવાથી આવી પરિસ્થિતિ સર્જાઈ હોવાનું બાદમાં અમને સમજાયું. નિશાત ગાર્ડનમાંથી અમે બહાર નીકળ્યા ત્યારે પે એન્ડ પાર્કના એક કર્મચારી સાથે કોઈ વ્યક્તિ ઝઘડી રહી હતી. ખૂબ મોટા અવાજે ઝઘડો થતો હોવાથી અમે કુતુહલવશ ત્યાં પહોંચ્યાં અને ઝઘડો કરી રહેલી વ્યક્તિને આ અંગેનું કારણ પૂછ્યું. તે વ્યક્તિએ કહ્યું કે હું અહીંનો સ્થાનિક ડ્રાઈવર છું અને પ્રવાસીઓને લઈને આવ્યો છે. પાર્કિંગના સ્ટાફનો કર્મચારી મને પ્રવાસી સમજીને કાશ્મીરી ભાષામાં ગંદી ગાળો (ગાળો અહીં લખી શકાય તેમ નથી) આપતો હતો. તે વ્યક્તિની હિંમત કઈ રીતે થઈ મને ગાળો આપવાની

દાલ સરોવરમાં હાઉસ બોટ

ડ્રાઈવરની વાત સાંભળીને મને થયું કે અત્યાર સુધી અમે જેટલી જગ્યાએ ફર્યા છીએ તે દરેક જગ્યાએ સ્થાનિક લોકોએ અમને તેમની ભાષામાં આવી જ ગાળો આપી હશે ને! અમારા જેવા કેટલાય પ્રવાસીઓને તેઓ આ રીતે ગાળો આપતા હશે! પ્રવાસીઓને તેઓ આટલી બધી નફરત શા માટે કરે છે? જે પ્રવાસીઓના કારણે કાશ્મીરનું અર્થતંત્ર ચાલે છે, તે જ પ્રવાસીઓ પ્રત્યે આટલો બધો અણગમો હોય તો પ્રવાસીઓએ શા માટે કાશ્મીર જવું જોઈએ? નિશાત ગાર્ડન, શાલિમાર ગાર્ડન અને ચશ્મ-એ-શાહી બાદ અમે શ્રીનગરના પ્રખ્યાત લાલ ચોકમાં જવાનું વિચાર્યું. આ દરમિયાન બપોર થઈ ગઈ હોવાથી અમે દાલ સરોવર પાસે આવેલી એક શાકાહારી હોટલમાં ભોજનની વિધિ આટોપી અને લાલ ચોક જવા નીકળી ગયા. અમારી કારના કેપ્ટને સ્પષ્ટ શબ્દોમાં લાલ ચોક નહીં જવાની સલાહ આપી હોવા છતાં અમે નવું સાહસ ખેડવા નીકળ્યા.

રીક્ષા કરીને અમે લાલ ચોકના બજારની એકદમ મધ્યમાં ઉતર્યા. અમારા ઉતરતાની સાથે જ સેંકડો નજરો અમારા તરફ તાકવા લાગી. શરૂઆતમાં અમને આ સાહજિક લાગ્યું, પરંતુ ધીમે-ધીમે સમજાયું કે આ નજરોમાં અમારા જેવા પ્રવાસીઓ માટે ભારોભાર અણગમો હતો. નજરોની ભાષા સમજવામાં કદાચ અમારી ભૂલ થઈ હશે તેવું વિચારી અમે આગળ વધ્યા. એક દુકાનદારને કાશ્મીરી ડ્રેસનો ભાવ પૂછ્યો, તે વ્યક્તિએ એટલી તોછડાઈથી જવાબ આપ્યો કે અમે તેની દુકાનમાં જવાની હિંમત કરી નહીં. બાદમાં ડ્રાયફ્રુટની દુકાનમાં પણ અમને તેવો જ અનુભવ થયો. અમારે લાલ ચોકમાંથી ખરીદી કરવી હતી અને કાશ્મીરની પ્રખ્યાત વસ્તુઓ ઘરે લાવવી હતી, પરંતુ અમારી સાથે વાત કરવા કોઈ તૈયાર થતું ન હતું. આખરે અમે લાલ ચોકમાંથી રવાના થવાનું જ ઉચિત સમજ્યું. શ્રીનગરના લાલ ચોકમાં નહીં જવાની અમને શા માટે સલાહ અપાઈ હશે તે અમને હવે સમજાઈ ગયું હતું.

લાલ ચોકના બજારનું એક દૃશ્ય

આ સમયે મને અમારા એક પરિચિત ટુર ઓપરેટર સાથે બનેલી ઘટના યાદ આવી. આ ટુર ઓપરેટર ગાંધીનગરમાં રહે છે અને તેઓ દર વર્ષે કાશ્મીરમાં પોતાની ટુર લઈને જાય છે. તેમના વ્યાપારિક હિતને ધ્યાનમાં રાખીને અહીં તેમનું નામ લખતો નથી. આ ટુર ઓપરેટર ફેબ્રુઆરી મહિનામાં લક્ઝરી લઈને પ્રવાસે ગયા હતા. કુખ્યાત આતંકવાદી અફઝલને ફાંસી અપાઈ ત્યારે તેઓ શ્રીનગરમાં ફરતા હતા. નવમી ફેબ્રુઆરીએ અફઝલને ફાંસી અપાયા બાદ શ્રીનગરનું વાતાવરણ ખૂબ જ તંગ થઈ ગયું હતું પણ આટલી હદે સ્થિતિ ખરાબ હશે તેની તેમને ખબર ન હતી. દાલ સરોવર સ્થિત રાજ્ય પોલીસ વડાની ઓફિસ અને સીઆરપીએફના કેમ્પની નજીકથી તેમની બસ પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ બસ પર પથ્થરમારો થયો. આગળ જઈ શકાય તેવી સ્થિતિ ન હતી. જેમ-તેમ કરીને તેમણે બસને સીઆરપીએફના કેમ્પમાં ઘૂસાડી દીધી અને ફરજ પરના જવાનોને રક્ષણ આપવા વિનંતી કરી. સ્થિત પારખીને જવાનોએ બસના તમામ યાત્રીઓનું રક્ષણ કર્યું અને સ્થિતિમાં સુધારો આવ્યા બાદ તેમને સુરક્ષિત રીતે હોટલ સુધી પહોંચાડી દીધા. અફઝલને ફાંસી અપાયા બાદ સરકારે સલામતી બંદોબસ્ત વધારી દીધો હતો, પરંતુ અમે ગયા ત્યારે લશ્કર અને સીઆરપીએફની મોટા ભાગની ટુકડીઓ ખસેડી લેવાઈ હતી. આ ટુકડીઓ ખસેડીને સ્થાનિક અને કેન્દ્રીય નેતાઓએ લોકસભા ચૂંટણીના દાવ-પેચ રમવાની શરૂઆત કરી દીધી હોય તેવું લાગ્યું.

કાશ્મીરનું મોટાભાગનું અર્થતંત્ર પ્રવાસીઓ પર નિર્ભર છે અને તેમાં પણ મોટાભાગના પ્રવાસીઓ ગુજરાતના હોય છે. આ પ્રવાસીઓની સલામતી માટે સ્થાનિક પોલીસ પૂરતી નથી. આ કામ આર્મી કે સીઆરપીએફને જ સોંપી દેવું જરૂરી છે. એક વર્ષ અગાઉ શ્રીનગરમાં લશ્કર અને સીઆરપીએફના જવાનોને ઠેર-ઠેર તૈનાત કરાયા હતા. અમદાવાદ રહેતા મારા સાળા મનીષભાઈ ગત સપ્ટેમ્બરમાં શ્રીનગર ગયા ત્યારે તેમને કોઈ વાતનો ભય ન હતો. શિકારામાં બેઠા બાદ શિકારાના ચાલકે તેમની પાસેથી વધારે પૈસા પડાવવાનો પેંતરો ગોઠવવા માંડ્યો હતો. તેણે અગાઉ નક્કી કરેલા રૂ. ૫૦૦ ઉપરાંત વધારાના રૂ. ૫૦૦ ચૂકવવા માટે શિકારા ચાલક દર બે મિનિટે મનીષભાઈને આગ્રહ કરતો હતો. શિકારાની મજા ધીમે-ધીમે સજામાં બદલાતી હોવાનું જાણીને મનીષભાઈએ તેને કહ્યું કે, “હવે તુ મને કિનારા પર જ લઈ જા. મારે તારી સાથે નથી ફરવું. હું આર્મીને તારી ફરિયાદ કરીશ. આર્મીનું નામ સાંભળતા જ તે વ્યક્તિએ હોઠ સીવી લીધા અને કિનારા પાસે પહોંચ્યા બાદ વિનંતી કરી કે, આર્મીને મારી ફરિયાદ કરશો તો તેઓ મને મારશે.કોઈ પ્રવાસી સાથે ખરાબ વર્તન થયાની ફરિયાદ કરવામાં આવે તો આર્મીના જવાનો તેને ગંભીરતાથી લે છે.

કાશ્મીરમાં લશ્કર-સીઆરપીએફની હાજરી હોય તો શું થઈ શકે છે અને તેમને હટાવી લેવામાં કેટલું જોખમ રહેલું છે તે દર્શાવતા બે વાસ્તવિક કિસ્સા ઉપર જણાવ્યા છે. અમારા પ્રવાસના સમયગાળા દરમિયાન શ્રીનગર, સોનમર્ગ, ગુલમર્ગ સહિતના મોટા ભાગના સ્થળોએ લશ્કર કે સીઆરપીએફના જવાનોની હાજરી નહીંવત હતી. રાજ્ય સરકારે પ્રવાસીઓની સલામતી માટે ટુરિસ્ટ પોલીસ નામનો અલાયદો વિભાગ શરૂ કર્યો છે, પરંતુ આ વિભાગના જવાનો ભાગ્યે જ ક્યાંક નજરે ચડ્યા હતા. કદાચ લશ્કરના જવાનો સોનમર્ગ અને ગુલમર્ગમાં હોત તો અમને જે દુઃખદ અનુભવો થયા તે ન થયા હોત.

લાલ ચોકમાંથી પરત ફર્યા બાદ અમે દાલ સરોવરની આસપાસની દુકાનોમાં ફર્યા અને રાત્રે ભરાતા બજારમાં ખરીદી કરી. આ ખરીદી વખતે અમને કેટલાક ગુજરાતી પ્રવાસીઓ મળ્યા, જેઓ સોનમર્ગ અને ગુલમર્ગ જઈને આવ્યા હતા. આ તમામ પ્રવાસીઓને પણ અમારા જેવા જ અનુભવ થયા હતા. શ્રીનગરમાં અમારી તે છેલ્લી રાત હતી અને તે ક્યારે સવાર પડે તેની રાહ જોતાં અમે સૂઈ ગયા. શ્રીનગરથી પહેલગામ, વૈશ્નોદેવી થઈને અમે જમ્મુ પહોંચ્યા અને જમ્મુથી ટ્રેન પકડીને ભારે હૈયે કાશ્મીરમાં ફરી નહીં આવવાનો સંકલ્પ કર્યો. અમારી સાથે ટ્રેનમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતના કેટલાક પ્રવાસીઓ હતા. આ તમામ પ્રવાસીઓને તેમના કાશ્મીર પ્રવાસ અંગે પૂછ્યું તો તેઓ પણ પોતાના આ પ્રવાસ દુઃખદ ગણાવતા હતા અને ફરીથી કાશ્મીર નહીં જવાની ઈચ્છા ધરાવતા હતા.
                                                                                                    (સંપૂર્ણ)
નોંધઃ લાલ ચોકના બજારની તસવીર ગૂગલ પરથી લીધી છે.

13 June, 2013

યહાં હમારા કાનૂન ચલતા હૈ


છાપાઓની પૂર્તિ અને ટેલિવિઝન શૉમાં દેખાડવામાં આવતા પ્રવાસ અને અસલી પ્રવાસમાં કેટલીકવાર બહુ મોટો ફર્ક હોય છે. અહીં આપણે કાશ્મીરની વાત કરવી છે. કાશ્મીર વિશે વાંચ્યાસાંભળ્યા અને ટીવીમાં જોયા પછી આપણા માનસપટલ પર કાશ્મીરની એક રોમેન્ટિક છબી રચાઈ જાય છે. પરંતુ ગુજરાત ગાર્ડિયન’ દૈનિક સાથે જોડાયેલો પત્રકાર મિત્ર શ્રેયસ પંડિત તેના પરિવાર સાથે (શ્રેયસના માતા-પિતાપત્નીભાઈ-ભાભી અને બંને ભાઈના બે બાળકો) કાશ્મીર ફરવા ગયો અને ત્યાં તેને કેવા કડવા અનુભવો થયા તેનું બયાન કરતો એક લેખ ગુજરાત ગાર્ડિયનની ટ્રાવેલ પૂર્તિ (13મી જૂનનો અંક) માટે લખ્યો. આ લેખ વાંચીને સ્વાભાવિક રીતે જ અનેક લોકો ચોંકી ગયા. અમને બંનેને આ વાત વધુને વધુ લોકો સુધી પહોંચે એ જરૂરી લાગી અને એટલે આ બ્લોગ પર પણ હું એ લેખ મૂકી રહ્યો છું.

વાંચો શ્રેયસ પંડિતના કાશ્મીર પ્રવાસના રસપ્રદ અહેવાલનો ભાગ-1 

ધરતી પરનું સ્વર્ગ એટલે કે કાશ્મીર. પ્રાચીન કાળના ઋષિઓથી માંડીને આધુનિક સમયના અનેક સાહિત્યકારોને ઉત્તમ વિચારો માટેની પવિત્ર ઊર્જા પૂરી પાડનારી સ્વપ્નભૂમિ એટલે કાશ્મીર. કાશ્મીર અંગે સાંભળેલી અને વાંચેલી આવી અનેક કથાઓના મીઠા સંસ્મરણને યાદ કરીને અમે મે મહિનાના ત્રીજા અને ચોથા સપ્તાહ દરમિયાન સપરિવાર કાશ્મીરને માણવા અને જાણવાનો કાર્યક્રમ બનાવ્યો. ટ્રેનમાં જમ્મુ પહોંચ્યા બાદ અમે સીધા પટનીટોપ ગયા અને અહીં રાતવાસો કર્યો. હરિયાળા પર્વતોની વચ્ચે વસેલું પટનીટોપ વહેલી સવારે જાણે કે વાદળો સાથે વાતો કરવામાં ગુલતાન હતું. પટનીટોપની ખુશનુમા આબોહવા અમને અહીં રોકાવા માટે લલચાવી રહી હતી, પરંતુ અમારે ખૂબ ઝડપથી સોનમર્ગ અને ગુલમર્ગ જવું હતું એટલે પટનીટોપમાં વધારે રોકાયા નહીં.

પટનીટોપથી સીધા શ્રીનગર પહોંચ્યા. શ્રીનગરથી વહેલી સવારે નીકળીને અમે સોનમર્ગ ગયા. બરફના ગોળા બનાવીને તોફાન-મસ્તી કરવા માગતા કે સ્કીઈંગ, ઘોડેસવારી કરવા માગતા લોકો માટે સોનમર્ગ એક આદર્શ સ્થળ છે. ફિલ્મોમાં જોયેલા દૃશ્યો અને કાશ્મીરીઓના આતિથ્યભાવના ઊંચા ખ્યાલને મનમાં રાખીને અમે સોનમર્ગ પહોંચ્યા અને કાશ્મીરીઓની મહેમાનનવાઝીની વાતો સાંભળીને કરેલી કલ્પનાઓ પત્તાના મહેલની જેમ કડડભૂસ તૂટી પડે એના દુઃખદ અનુભવોની શરૂઆત થઈ. સોનમર્ગમાં બરફની વચ્ચે જતાં પહેલાં ઠંડીથી બચવા માટેના ખાસ પ્રકારના કોટ અને બૂટ ભાડેથી લેવા પડે છે. એક જગ્યાએ અમે કોટ અને બૂટ ભાડે લેવા ઊભા રહ્યા. દુકાનદારે ચાર વ્યક્તિ માટેના સૂટનું ભાડું રૂ. 600 નક્કી કર્યું અને કપડાં પહેરાવી દીધા. અમે જેવા કપડાં પહેર્યા કે તરત જ તેણે રૂ. 600ના બદલે રૂ. 800 ભાડું માગ્યું. અમે તેને પૂછ્યું કે આવું કેમ? રૂ. 600 નક્કી કર્યા પછી તમારી જબાન ફરી કેમ ગઈ? દુકાનદાર કહે, “અહીં તો આ જ ભાવ ચાલે છે અને હવે તમે કપડાં પહેરી લીધા એટલે પૈસા તો આપવા જ પડશે. અમારી કારના ડ્રાઈવર સાથે જ હતા, પરંતુ સ્થાનિકોની સામે બોલવાની હિંમત નહીં હોવાનું જણાવીને તેણે હાથ ઊંચા કરી દીધા. આસપાસમાં ટુરિસ્ટ પોલીસ કે લશ્કરના જવાનો પણ હતા નહીં એટલે દુકાનદારની વાત માન્યા સિવાય છુટકો ન હતો. કાશ્મીર સરકારે સહેલાણીઓની સલામતી માટે ટુરિસ્ટ પોલીસ નામનો અલાયદો વિભાગ બનાવ્યો છે, પરંતુ આ વિભાગના કર્મચારીઓ હકીકતમાં શું કરે છે તેનો જવાબ અમને બાદમાં મળી ગયો.

શ્રેયસ પંડિત પત્ની અને તેના પુત્ર સાથે

કપડાંવાળાની મનમાનીને તાબે થયા બાદ અમે સોનમર્ગ પહોંચ્યા. સોનમર્ગમાં કાર પાર્ક થતાની સાથે જ એક ઘોડાવાળો અમારી પાસે આવ્યો અને એક વ્યક્તિના રૂ. ૩૫૦૦ લેખે ઘોડેસવારી કરવા જણાવ્યું. જોકે અમારી ઈચ્છા પગપાળા જવાની હોવાથી અમે ઘોડા પર બેસવાની ના પાડી. ઘોડા ભાડે લેવાની ના પાડતા જ ઘોડામાલિકે કહ્યું કે, તમે અહીંયા પૈસા ખર્ચવા આવ્યા છો અને તમારે અમારા માટે જ પૈસા ખર્ચવાના છે, તો ના કેમ કહો છો? તમારે જો ઘોડા પર ના બેસવું હોય તો અહીંથી જતા રહો. પૈસા ખર્ચવા તૈયાર ના હોય એવા લોકોની અહીં કોઈ જરૂર નથી. અમે ફરી એકવાર અમારા ડ્રાઈવર અને ટુર કેપ્ટન દર્શનભાઈને બોલાવ્યા. અહીં પણ દર્શનભાઈ કશું ન કરી શક્યા. આ દરમિયાન પાંચ-છ ઘોડાવાળા અમને ઘેરી વળ્યા અને રીતસરના ધમકાવતા હોય તેવી ભાષામાં વાત કરવા લાગ્યા. આ સમયે અમે આસપાસ ટુરિસ્ટ પોલીસને શોધવા ફાંફા માર્યા પણ કોઈ દેખાયું નહીં. ઘોડાવાળાઓની આક્રમકતા વધતી જોઈને અમને અમારી સલામતીની ચિંતા થઈ અને ચૂપચાપ ઘોડા પર બેસી ગયા. ઘોડા પર બેઠા બાદ અમે રસ્તામાં જોયું કે છેક સુધી પાકો રસ્તો બનેલો હતો અને ગાડી લઈને ત્યાં સુધી જઈ શકાયું હોત. આ અંગે અમે અમારા કેપ્ટનને પૂછ્યું કે તેઓ શા માટે અમને લઈ ગયા ન હતા? તો તેમણે જણાવ્યું કે, કોઈ પણ ટેક્સી કે બસવાળો ત્યાં સુધી લઈ જશે નહીં. ભૂલેચૂકે કોઈ ત્યાં જાય તો ઘોડાવાળા તેમના પર હુમલો કરી દે છે. કેપ્ટનની આ વાત સાંભળીને અમને ઘણી નવાઈ લાગી અને થયું કે, ભલા પોલીસ આટલી બધી નઠારી હોઈ શકે! જો કે તેમની વાત કેટલી સાચી હતી તે અમને બીજા દિવસે ગુલમર્ગમાં જાણવા મળી ગયું.

ગુલમર્ગ પહોંચતાની સાથે જ ગાઈડ હોવાનો દાવો કરતો એક દાઢીધારી યુવાન અમારી ગાડી સાથે લટકી ગયો અને તેણે અમને પૂછ્યું કે, તમારે ગાઈડ જોઈએ છે? અમે ના પાડી તો કહે કે, “તમારી મરજી, પણ હું તો તમારી સલામતી માટે કહેતો હતો. ગાઈડની વાતને અવગણીને અમે આગળ વધ્યા. ગુલમર્ગમાં રાજેશ ખન્નાના પ્રખ્યાત ગીત જય જય શિવ શંકર, કાંટા લગે ના કંકરનું શુટિંગ જે મંદિર પર થયું હતું ત્યાં દર્શન કરીને અમે રોપ-વેનો આનંદ માણવા ગંડોલા પહોંચ્યા. અહીં રોપ-વેની ટિકિટ માટે બે લાંબી લાઈન હતી. એક પ્રવાસીઓની અને બીજી ગાઈડની. નિયમ મુજબ બંને લાઈનમાંથી એક-એક વ્યક્તિનો વારો આવવો જોઈએ. જોકે ગાઈડ અને ટિકિટ આપનારા સ્ટાફ વચ્ચે સાંઠગાંઠ હોવાના કારણે માત્ર ગાઈડને જ ટિકિટ અપાતી હતી. એક-એક ગાઈડ ૨૦-૨૫ ટિકિટ લઈ જતો હતો અને રૂ. ૪૦૦માં લીધેલી એક-એક ટિકિટ બાજુમાં જ ઊભેલા પ્રવાસીને રૂ. ૬૦૦માં વેચી દેતો હતો. સમય બચાવવા માટે પ્રવાસીઓ પણ ટિકિટોના કાળાબજારને પ્રોત્સાહન આપતા હતા. આ સમગ્ર ઘટના બનતી હતી ત્યારે ટુરિસ્ટ પોલીસનો એક જવાન થોડે દૂર ઊભો હતો, પણ તે ગંડોલાની ટિકિટબારી બાજુ નજર રાખવાના બદલે પીઠ બતાવીને ઊભો હતો અને મસ્તીથી સિગારેટના કશ ખેંચતો હતો.

પોલીસ, ગાઈડ અને સ્ટાફની આ મિલિભગતથી કંટાળેલા એક પ્રવાસીએ જ્યારે ક્રમ મુજબ પોતાનો વારો હોવાનો દાવો કર્યો ત્યારે ગાઈડો ઉશ્કેરાઈ ગયા અને અમારા આશ્ચર્ય વચ્ચે તેમણે એ પ્રવાસીને પીટવાનું શરૂ કર્યું. પ્રવાસીને માર મારવાની શરૂઆત કરતાં પહેલા ગાઈડે ખૂબ જ મોટો ઘાંટો પાડીને તમામ પ્રવાસીઓ સમક્ષ એલાન કર્યું કે, “યહ હમારી ઝમીન હૈ ઔર યહાં પે હમારા કાનૂન ચલતા હૈ.જોકે નસીબજોગે અન્ય પ્રવાસીએ આ ઘટનાને સાક્ષીભાવે જોવાના બદલે વળતો પ્રતિકાર કર્યો. પોતાના માનીતા ગાઈડને માર પડતો જોઈને ટુરિસ્ટ પોલીસનો કર્મચારી દોડતો-દોડતો આવ્યો અને તેણે પણ પ્રવાસીઓને ધમકાવ્યા. ગુલમર્ગના ઘોડાવાળા અને પોલીસની સાંઠગાંઠ ખૂબ કુખ્યાત છે એવું અમને બાદમાં જાણવા મળ્યું. અમે પહેલગામમાં જે હોટલમાં રોકાયા હતા તે હોટલના માલિકે અમારો કિસ્સો સાંભળીને કહ્યું કે, “તમે પ્રવાસી હતા એટલે સસ્તામાં પતી ગયું, પણ જો કોઈ ડ્રાઈવર હોત તો મામલો બગડ્યો હોત!” બાદમાં તેણે અમને એક કિસ્સો કહ્યો. તેણે માર્ચ મહિનામાં પોતાના એક ડ્રાઈવરને ગુલમર્ગ મોકલ્યો હતો. ગુલમર્ગ પહોંચ્યા બાદ આ ડ્રાઈવરે પોતાના પ્રવાસીને સલાહ આપી કે, તમે પહેલા ગંડોલામાં રોપ-વેમાં બેસી આવો અને પછી ઈચ્છા હોય તો ઘોડેસવારી કરજો. એક ઘોડાવાળાએ આ સંવાદ સાંભળી લીધો અને પછી તો અનેક ઘોડાવાળાઓએ ભેગા થઈને તે ડ્રાઈવરને ઢોર માર માર્યો. ગુલમર્ગમાં જાહેરમાં આ ઘટના બની હોવા છતાં ઘોડાવાળાઓને રોકનારું કોઈ ન હતું. સરકારે કોઈ કારણોસર લશ્કરને ખસેડી લીધું હતું અને પોલીસ વાહનચાલકો પાસેથી દંડ ઉઘરાવવાનો હોય ત્યારે જ નજરે પડતી હતી.

સોનમર્ગની ધમકીભરી ભાષા અને ગુલમર્ગની મારામારીને જોયા બાદ અમે રીતસરના ગભરાઈ ગયા હતા, પણ પછી એવું વિચાર્યું કે હવે આપણે બે રાત શ્રીનગરમાં રોકાવાનું છે અને શ્રીનગર એ રાજ્યનું પાટનગર હોવાથી અહીંની પરિસ્થિતિ ચોક્કસ જુદી જ હશે! આમ પણ કાશ્મીરના પ્રવાસન પ્રધાને જ્યારે આપણને, ગુજરાતીઓને ભાવભર્યું આમંત્રણ આપ્યું છે અને સલામતીની ખાતરી આપી છે એટલે અહીં તો ચિંતા કરવા જેવું કશું હશે જ નહીં. જોકે, શ્રીનગરમાં ફરતી વખતે અમને જાણવા મળ્યું કે કાશ્મીરના સ્થાનિક લોકો આપણા જેવા પ્રવાસીઓને હિન્દુસ્તાનીકહે છે અને પોતાની ઓળખ કાશ્મીરીતરીકેની આપે છે. શ્રીનગરના બહુચર્ચિત લાલ ચોક, દાલ સરોવર અને મુઘલ ગાર્ડનની મુલાકાત વખતે અમારા અનુભવ કેવા રહ્યા તે અંગેની વાત આવતા અંકમાં...

નોંધઃ કાશ્મીર અહેવાલના ભાગ-2 વાંચવા અહીં ક્લિક કરો.