Showing posts with label સોશિયલ મીડિયા. Show all posts
Showing posts with label સોશિયલ મીડિયા. Show all posts

17 December, 2018

ફેસબૂકની દુનિયામાં ડીલિટ ડેટાનો પણ ધીકતો ધંધો


ફેસબૂક, ગૂગલ, ટ્વિટર કે એમેઝોન જેવી શૉપિંગ સાઈટ્સ યુઝર્સના ડેટા ચોરી લે છે એ તો જૂની વાત થઈ ગઈ. હવે બીજી એક મુશ્કેલી શરૂ થઈ છે. ઈન્ટરનેટ જગતની ફેસબૂક જેવી તમામ લોકપ્રિય કંપનીઓ યુઝર્સે ડીલિટ કરી દીધેલા ડેટાનો પણ ધીકતો ધંધો કરે છે. આ પ્રકારના ધંધાના પ્રકાર જ ફક્ત જુદા જુદા હોય છે. કમ્પ્યુટરમાં તમે તમારો ડીલિટ કરેલો ડેટા રિસાઇકલ બિનમાં જાય, અને, તમે ત્યાંથી પણ તેને ડીલિટ કરી દો તેનો અર્થ એ થાય કે એ ડેટા હવે હંમેશા માટે નેસ્તનાબૂદ થઈ ગયો. જોકે, આ વાત કમ્પ્યુટર સિસ્ટમ સુધી જ લાગુ પડે છે. જો તમે ફેસબૂક કે ગૂગલ કે ટ્વિટર જેવા કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ પર સક્રિય હોવ તો આ નિયમ લાગુ પડતા નથી.

દુનિયામાં અનેક આઈટી એન્જિનિયર્સ કે હેકરો સાબિત કરી ચૂક્યા છે કે, તમે સોશિયલ મીડિયામાં ફિડ કરેલો ડેટા ડીલિટ કરી દીધો હોય તો પણ એ જ ડેટા 'ગૂગલિંગ' કરતા બીજી વાર પણ દેખાઈ શકે છે. એરિક સ્મિટ્સ ગૂગલના ચેરમેન હતા ત્યારે એકવાર જાહેરમાં એવું બોલ્યા હતા કે, 'ઈન્ટરનેટની દુનિયામાં ડીલિટના બટનનો અભાવ એ ચિંતાનો વિષય છે.' સ્મિટ્સનું આ નિવેદન જ સાબિત કરે છે કે, યુઝર્સ ડેટા ડીલિટ કરીને ભ્રમમાં રહે છે. થોડું ઘણું ટેકનિકલ જ્ઞાન ધરાવતો કોઈ પણ યુઝર 'પ્રયોગો' કરીને ફેસબૂક જેવી સાઈટ પરથી ડીલિટ કરેલો ડેટા પાછો લાવી શકે છે. 





આપણે સોશિયલ મીડિયામાં કોઈ પણ વેબસાઈટ પર એકાઉન્ટ બનાવીએ ત્યારે મોટા ભાગે 'પ્રાઈવેસી પોલિસી' વાંચતા નથી. ફેસબૂકની વાંચજો. ફેસબૂકે તેમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, 'અમે ડીલિટ કરેલું કન્ટેન્ટ ચોક્કસ સમય સુધી બેકઅપ કોપી તરીકે સચવાયેલું હોઈ શકે છે...' આ વાક્યમાં ફેસબૂકે 'ચોક્કસ સમય' માટે 'રિઝનેબલ પીરિયડ' શબ્દનો ઉપયોગ કર્યો છે. આ રિઝનેબલ પીરિયડ એટલે કેટલો સમય? આ વાતનો ફોડ પાડવાનું ફેસબૂકને જરૂરી નથી લાગતું. કેટલી ગંભીર વાત છે! સોશિયલ મીડિયાની સૌથી જાયન્ટ કંપની યુઝર્સનો ડેટા ડીલિટ નથી કરતી અને કહેતી પણ નથી કે, એ ડેટા તેમની પાસે ક્યાં સુધી રહેશે! એ ડેટાનું તેઓ શું કરે છે એ પણ આપણને ક્યારેય જાણવા મળતું નથી. જોકે, ફેસબૂક આપણી પર દયા કરતી હોય એમ લખે છે કે, 'જોકે, તમારો ડીલિટ કરેલો ડેટા બીજા માટે ઉપલબ્ધ નથી...'

ટૂંકમાં, ફેસબૂક આડકતરી રીતે એમ કહે છે કે, તમારો ડેટા બીજા નહીં જોઈ શકે પણ અમે તેનો 'ઉપયોગ' કરી શકીએ છીએ. ફેસબૂકની પ્રાઈવેસી પોલિસી કેટલી વિવાદાસ્પદ છે તેનું બીજું એક ઉદાહરણ જોઈએ. ફેસબૂક લખે છે કે, 'યુઝર્સ ફેસબૂક પરથી તેમનો ડેટા ડીલિટ કરે ત્યારે કેટલીક માહિતી અમારા સર્વર પરથી કાયમ માટે ડીલિટ થઈ જાય છે, પરંતુ કેટલીક માહિતી ત્યારે જ ડીલિટ થાય છે જ્યારે તમે તમારું ફેસબૂક એકાઉન્ટ ડીલિટ કરો...' 

બોલો! કેટલીક માહિતી ડીલિટ નથી થતી તેનો અર્થ શું? કેટલીક એટલે કેટલી? ફેસબૂક કઈ માહિતી ડીલિટ નથી કરતું? આ કોઈ સવાલનો જવાબ આપણો પણ ફેસબૂકને જરૂરી નથી લાગતો. આ વાત પરથી એવી શંકા થાય છે કે, ફેસબૂક યુઝર્સની નહીંવત માહિતી જ ડીલિટ થવા દે છે, જ્યારે મોટા ભાગની માહિતીનો તે કાયમ માટે સંગ્રહ કરી લે છે! ફેસબૂક અહીં નથી અટકતી. એ બિન્દાસ કહે છે કે, કેટલીક માહિતી ત્યારે જ ડીલિટ થાય છે, જ્યારે તમે તમારું એકાઉન્ટ કાયમ માટે ડીલિટ કરો. આ વાત સમજો. ફેસબૂક એકાઉન્ટ કાયમ માટે ડીલિટ કર્યા પછી પણ 'કેટલીક' માહિતી જ ડીલિટ થાય છે. વળી, ફેસબૂક એકાઉન્ટ તાત્કાલિક ડીલિટ થઈ શકતું નથી. તમે ફેસબૂક એકાઉન્ટ ડીલિટ કરો ત્યારે તે થોડા દિવસનો સમય લે છે. આ દરમિયાન યુઝર ફરી લોગ-ઇન કરે તો એકાઉન્ટ ડીલિટ થતું નથી.

પશ્ચિમી દેશોમાં ડેમોક્રેસી, પ્રાઈવેસી અને ફ્રિડમ ઓફ એક્સપ્રેશન જેવા મુદ્દે સોશિયલ મીડિયાને કેન્દ્રમાં રાખીને વિચારવાની ક્યારનીય શરૂઆત થઈ ગઈ છે. ફેસબૂકનો ઉદય થયા પછી પશ્ચિમી મીડિયા સતત એ સવાલ ઉઠાવી રહ્યું છે કે, ફેસબૂક એકાઉન્ટ ડીલિટ કરવાની પ્રક્રિયા આટલી ધીમી કેમ? જોકે, ફેસબૂક પર તેની કોઈ અસર નથી. ફેસબૂક અને બ્રિટનની કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીનું ડેટા ચોરી કૌભાંડ બહાર આવ્યા પછી માર્ક ઝકરબર્ગ પર તવાઈ આવશે એવું લાગ્યું હતું, પરંતુ એવું કશું થયું નથી. ફેસબૂક જેવા પ્લેટફોર્મ પર થર્ડ પાર્ટી ઘૂસણખોરી કરીને યુઝર્સનો ડેટા ચોરે ત્યારે આ મુદ્દો વધારે જટિલ થઈ જાય છે. જેમ કે, ફેસબૂક અને બ્રિટીશ કંપની કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીનું કૌભાંડ. આ કંપનીએ અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રચાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ફેસબૂક પર આવી અનેક થર્ડ પાર્ટી ડેટાની લાલચમાં વિચરતી હોય છે. 

કેમ્બ્રિજ એનાલિટિકા ફેસબૂક પર ઓનલાઈન સર્વે અને એપ સર્વિસ આપીને શું કરતી હતી એ વાત ફેસબૂક જાણતી જ ના હોય એવું હોઈ શકે? માર્ક ઝકરબર્ગ સામે તવાઈ આવી એટલે તેમણે ફેસબૂક પરથી કેમ્બ્રિજ એનાલિટિકાનું એકાઉન્ટ ડીલિટ કરવાનો આદેશ આપી દીધો અને એક સત્તાવાર નિવેદન ફટકારી દીધું કે, ફેસબૂકની ડિજિટલ ફોરેન્સિક ટીમ કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીની એક્ટિવિટીનું ઓડિટ કરશે. બસ, રાત ગઈ, બાત ગઈ. એ પછી આ કેસમાં શું થયું એ વિશે શંકાસ્પદ રીતે કશું બહાર આવ્યું જ નહીં. 

આપણું ઓનલાઈન બિહેવિટર ગૂગલ કે ફેસબૂક પૂરતું મર્યાદિત નથી. આ બે પ્લેટફોર્મ સિવાય પણ આપણી ઓનલાઈન હાજરી હોય છે. આપણા મોબાઈલ નંબરો, બેંકોના ડેબિટ-ક્રેડિટ કાર્ડ, આધાર અને લાયસન્સ જેવા અનેક પુરાવાની મદદથી થર્ડ પાર્ટી ડેવલપર્સ કે એડવર્ટાઈઝર્સ સતત આપણો ડેટા ભેગો કરે છે. આ ડેટાનો તેઓ પોતે ઉપયોગ કરે છે અથવા વેચે છે. યાહૂ અને ટમ્બલર જેવી કંપનીઓ યુઝર્સનો ડેટા ડીલિટ કરવાની ખાતરી આપીને પોતાનું માર્કેટિંગ કરે છે, અને, આવી ખાતરી આપ્યા પછી પણ  તેઓ કહે છે કે, તમે ડીલિટ કરેલી માહિતીનો બીજા દ્વારા ઉપયોગ થતો હોઈ શકે છે. 

કોઈ પણ આઈટી કંપની થર્ડ પાર્ટી તમારા ડેટાનો ઉપયોગ નહીં કરે એવી ગેરંટી આપી શકતી નથી. પશ્ચિમી દેશો પણ આ દુષણને કાબૂમાં રાખી શકતા નથી કારણ કે, આ ૨૧મી સદીમાં અસ્તિત્વમાં આવેલા નવા પ્રકારના અનૈતિક કામ છે અને તેને રોકવાના કાયદા જ નથી. આ કંપનીઓ સાબિત કરી દે છે કે, ડેટા એનાલિસિસ કરવું એ અમારો હક છે અને કાયદો એ સાબિત નથી કરી શકતો કે, ડેટા એનાલિસિસ એ કાયદા વિરોધી છે. તમને જાણીને નવાઈ લાગશે. ઈન્ટરનેટની દુનિયામાંથી તમારો ડેટા ડીલિટ કરવાની સર્વિસ આપતી કંપનીઓ પણ છે. આ કંપનીઓનું કહેવું છે કે, અમારા ગ્રાહકો અમને ડેટા ડીલિટ કરવાના પૈસા નથી ચૂકવતા, પરંતુ ડેટા હંમેશા માટે ડીલિટ થઈ ગયો છે એવી ખાતરી આપવાના પૈસા ચૂકવે છે. 

આ પ્રકારના સર્વિસ પ્રોવાઈડર ફેસબૂક જેવી કંપનીઓની પ્રાઈવેસી પોલિસીને અદાલતોમાં પડકારીને ડેટા ડીલિટ કરાવી આપે છે. ભારત જેવા દેશોમાં લોકો પ્રાઈવેસીને લઈને ગંભીર નથી, પરંતુ અમેરિકા અને યુરોપિયન દેશોમાં એવું નથી. આ દેશોના નાગરિકો તો 'રાઈટ ટુ બી ફોરગોટન'ને લઈને પણ અતિ સંવેદનશીલ છે. રાઈટ ટુ બી ફોરગોટન એટલે ભૂલવાનો અધિકાર. હા, ગૂગલ અને ફેસબૂક જેવી વેબસાઈટો તમને તમારો ખરાબ ભૂતકાળ યાદ કરાવ્યા કરે તો તમે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકો છો. 

મારિયો કોસ્ટેજા ગોન્ઝાલેસ નામના એક સ્પેનિશે ૨૦૦૯માં ગૂગલ પર કેસ કર્યા પછી રાઈટ ટુ બી ફોરગોટનની બોલબાલા વધી ગઈ હતી. એકવાર મારિયો ગૂગલિંગ કરી રહ્યો હતો ત્યારે તેને જાણવા મળ્યું કે, સોળ વર્ષ પહેલાં તે આર્થિક તંગી અનુભવતો હતો ત્યારે તેણે તેનું ઘર વેચી દીધું હતું. એ પછી તો મારિયોએ સારી એવી કમાણી કરી પણ ગૂગલમાંથી હજુ એ માહિતી ભૂંસાઈ ન હતી. એટલે તેણે સ્પેનના રાઈટ ટુ બી ફોરગોટન કાયદા હેઠળ ગૂગલ પર કેસ કર્યો. યુરોપિયન ડેટા પ્રોટેક્શનની કલમ ૧૭ પણ તમામ વ્યક્તિને રાઈટ ટુ બી ફોરગોટન આપે છે. આ કેસનો ચુકાદો આપતી વખતે યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસે કહ્યું હતું કે, લોકોનો ડેટા કંટ્રોલ કરતી ગૂગલ જેવી કંપનીઓ કોઈ વ્યક્તિની વિનંતી પછી ડેટા ડીલિટ નહીં કરે તો તેમને આકરો દંડ ફટકારવામાં આવશે.

પ્રાઈવેસી મુદ્દે અત્યંત સંવેદનશીલ અમેરિકા અને યુરોપિયન દેશોએ આ ચુકાદાને વધાવી લીધો હતો. જોકે, ફ્રી સ્પિચ અને ફ્રી ઈન્ફોર્મેશનના કટ્ટર સમર્થકોએ યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસના ચુકાદાની આકરા શબ્દોમાં ટીકા કરતા કહ્યું હતું કે, જે માહિતી અખબારોમાં આવી ગઈ તેને ગૂગલ પરથી દૂર કરવાનો શું અર્થ? આ દલીલને ફગાવી દેતા યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસે કહ્યું હતું કે, આ પ્રકારની માહિતી અખબારોમાં ભલે આવી, એ માહિતી સહેલાઈથી મળતી નથી, પરંતુ ગૂગલ જેવા સર્ચ એન્જિન કોઈની જૂની અપ્રસ્તુત માહિતીને શોધવાનું કામ વધારે સરળ બનાવે છે. એટલે યુઝરની વિનંતી પછી તે દૂર કરવી જ જોઈએ. 

પશ્ચિમી દેશો આઈટી કંપનીઓને સાણસામાં લેવા એકબીજાના કાયદાનો અભ્યાસ કરીને નવા કાયદા ઘડવાની તૈયારી કરી રહ્યા છે. ભારતમાં પણ ફેસબૂકના ૫૦ કરોડથી વધારે યુઝર્સ છે. અહીં પણ ફેસબૂક જેવા માધ્યમોની મદદથી લોકશાહી સાથે ખિલવાડ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વિદેશી કંપનીઓ ભારતીયોના ડેટા વેચી રહી છે, ચોરી રહી છે અને તેનો દુરુપયોગ કરી રહી છે, પરંતુ આપણને કેમ ચિંતા નથી?

06 August, 2018

મોબ લિન્ચિંગના જમાનામાં 'કાબુલીવાલા'ની પ્રસ્તુતતા


રહેમત કાબુલી માટે પણ તે સાવ નિશ્ચિંત ન હતી. એટલે તે મને કાબુલી તરફ ખાસ નજર રાખવાનો આગ્રહ કર્યા કરતી. હું તેના વહેમને હસી કાઢું, તો તે મારા પર પ્રશ્નોની ઝડી વરસાવતી.

કદીયે શું કોઈના છોકરા ચોરાયા નથી?, શું કાબુલમાં ગુલામોનો વેપાર નથી ચાલતો?, આવડા મોટા કાબુલી માટે નાનકડી છોકરીને ઉપાડી જવી એ સાવ અશક્ય છે?

છેવટે મારે પણ કબૂલ કરવું પડ્યું કે, એવું બિલકુલ અશક્ય તો નથી પણ આ વાત મારા માન્યામાં નથી આવતી. જોકે, મારા શબ્દોની તેના પર કોઈ અસર નહોતી થતી. કાબુલીને લઈને તેનો ભય યથાવત્ રહેતો, પરંતુ મારી પત્નીને લઈને હું કાબુલીને વગર વાંકે ઘરે આવવાની મનાઈ ના ફરમાવી શક્યો અને તેઓ વચ્ચેની આત્મીયતાને રોકી ના શકાઈ.

આ લખાણ રવીન્દ્રનાથ ટાગોરની જાણીતી વાર્તા 'કાબુલીવાલા'માંથી લેવામાં આવ્યું છે. 'કાબુલીવાલા' વાર્તા એક નવલકથાકારના મોંઢે કહેવાઈ છે, જેને ટાગોરે નામ નથી આપ્યું. ઉપરોક્ત લખાણમાં એ નવલકથાકાર તેની પત્નીની વાત કરે છે. તેની પત્ની રહેમત કાબુલીને લઈને ખૂબ જ શંકાશીલ હોય છે કારણ કે, અફઘાનિસ્તાનથી આવતા કાબુલીઓ છોકરાઓને ઉપાડી જાય એવી તેને શંકા છે. જોકે, પત્નીની ટકટક પછી પણ નવલકથાકાર તેને ઘરે આવતા રોકી નથી શકતો, અને, છેવટે રહેમત કાબુલી અને નવલકથાકારની પાંચ વર્ષની દીકરી મિની વચ્ચે ગાઢ આત્મીયતા બંધાઈ જાય છે.



સોશિયલ મીડિયાની બદોલત બાળકોને ચોરી જવાની અફવાઓનું બજાર ગરમ છે અને ટોળા હત્યા કરી રહ્યા છે ત્યારે ફરી એકવાર 'કાબુલીવાલા' વાંચતી વખતે અત્યારનો માહોલ પડઘાય છે. આ વાર્તાના નામ  પરથી જ ખ્યાલ આવે છે કે, તેનું મુખ્ય પાત્ર 'કાબુલીવાલા' છે. કાબુલીવાલા ઉર્ફે રહેમત કાબુલી. કાબુલીવાલા દર વર્ષે કાબુલથી સૂકામેવા લઈને કોલકાતા વેચવા આવતો. એટલે તેના નામ પાછળ કાબુલીવાલાનું લટકણિયું લાગી ગયું હતું. તે મોટો વેપારી ન હતો, પરંતુ છૂટક સૂકોમેવો વેચીને ગુજરાન ચલાવતો. કાબુલી લોકોને ઉધાર માલ પણ આપતો અને વતન જતી વખતે ઉઘરાણી કરી લેતો.

નવલકથાકારના ઉચ્ચ મધ્યમવર્ગીય બંગાળી પરિવાર સાથે કાબુલીનો પરિચય પણ આ જ રીતે થયો હતો. નવલકથાકારનું ઘર પણ રસ્તા પર હતું. તેઓ ત્યાં બેસીને જ લખતા. કાબુલી નવલકથાકારના ઘર નજીકથી જાય ત્યારે મિનીને અચૂક યાદ કરે. મિની ખૂબ જ બોલબોલ કરતી બાળકી હતી, જે એકાગ્રચિત્તે નવલકથા લખતા લેખક પિતાને જાતભાતના સવાલો પૂછીને પરેશાન કરતી, અને, એવું જ વર્તન કાબુલી સાથે પણ કરતી. નવલકથાકાર અને કાબુલીની ઉંમર લગભગ સરખી હતી. આ વાર્તામાં ટાગોરે નવલકથાકાર અને મિની (પિતા-પુત્રી)ના કાબુલી સાથેના સંબંધને આબાદ રીતે ઉપસાવ્યો છે. એવી જ રીતે, ટાગોરે કાબુલીનું વર્ણન પણ વાચક સામે દૃશ્ય ખડું થઈ જાય એ રીતે કર્યું છે. જુઓ, ટાગોરના જ શબ્દોમાં.

મિની ઓચિંતી અગડમ બગડમ રમવાનું છોડીને બારી પાસે દોડી અને જોરથી બૂમો મારવા લાગી. કાબુલીવાલા, એ ઈ કાબુલીવાલા.

મેલા ઢીલા કપડાં પહેર્યાં છે, માથે પાઘડી છે, ખભા પર ઝોળી છે અને હાથમાં બે ચાર સૂકામેવાની પેટીઓ છે. એવો એક ઊંચો કાબુલી ધીમે પગલે રસ્તા પરથી જતો હતો. તેને જોઈને મારી દીકરી કેટલી ખુશખુશાલ થઈ ગઈ એ કહેવું અઘરું છે. તેણે શ્વાસભેર બોલવાનું શરૂ કર્યું. મને થયું કે, હમણાં જ મારા પર આફત આવી સમજો અને મારું સત્તરમું પ્રકરણ અધૂરું રહી જશે.

જોકે, મિનીની બૂમો સાંભળીને કાબુલીએ હસીને મારા ઘર તરફ મોં ફેરવ્યું અને એ તરફ આવવા લાગ્યો. ત્યાં તો મિની અદ્ધર શ્વાસે ઘરની અંદર દોડીને ક્યાંક સંતાઈ ગઈ. તેના મનમાં એવું હતું કે, કાબુલીવાલાની ઝોળીની અંદર મિની જેવી બીજી બે-ચાર છોકરીઓ પૂરેલી છે...

આ વર્ણનમાં ટાગોરે કહી દીધું છે કે, કાબુલીનો પહેરવેશ અને દેખાવ બંગાળીઓથી અલગ છે. મિનીની માન્યતા છે કે, તેની ઝોળીમાં બીજી બે-ચાર બાળકી છે. આ વાત હળવાશથી કહેવાઈ છે પણ મિનીના મગજમાં આવો ખ્યાલ આવ્યો ક્યાંથી? એ વિશે ટાગોરે કોઈ ફોડ પાડ્યો નથી. નવલકથાકારની શંકાશીલ પત્નીએ જ કદાચ મિનીને આવું કહ્યું હતું કારણ કે, તે નહોતી ઈચ્છતી કે મિની કાબુલી સાથે વાતો કરે. જોકે, કાબુલીવાલાનો નવલકથાકાર ખૂબ જ ખુલ્લા વિચારો ધરાવતો સમજદાર પુરુષ છે. તેને કાબુલી અને મિનીના સંબંધને લઈને કોઈ તકલીફ નથી. આ રીતે ટાગોરે કલમના જોરે માનવતામાં આશા જીવંત રાખી છે.

તપન સિંહાએ બનાવેલી બંગાળી ફિલ્મ ‘કાબુલીવાલા’નું દૃશ્ય

ટાગોર લખે છે કે: દર વર્ષે જાન્યુઆરી અડધો પૂરો થાય કે તરત જ રહેમત કાબુલી વતન જતો રહેતો. આ દરમિયાન તે ઉધાર માલનું લેણું વસૂલવામાં ખાસ્સો વ્યસ્ત રહેતો. એ માટે તેને ઘરે ઘરે ફરવું પડતું. આમ છતાં, તે એકાદવાર તો મિનીને મળવા આવી જ પહોંચતો. એ જોઈને એમ લાગે કે, એ બંને વચ્ચે કોઈ ષડ્યંત્ર ચાલી રહ્યું છે. કોઈ વાર કાબુલી સવારે આવી ન શકે, તો સાંજે આવતો. અંધારિયા ઓરડામાંથી એ ખુલ્લા-પહોળા પાયજામા અને ઝોળીવાળા એ કદાવર માણસને જોઈને મનમાં કંઈક આશંકા પેદા થતી, પરંતુ મિનીને 'કાબુલીવાલા, એ...ઈ કાબુલીવાલા...' કહીને હસતી દોડતી જતી જોઉં ત્યારે એ જુદી જુદી ઉંમરના મિત્રો વચ્ચે હસીમજાક ચાલુ થાય ત્યારે મારું મન પ્રફૂલ્લિત થઇ જતું.

કાબુલી અફઘાનિસ્તાનનો પશ્તુન હતો. ઊંચો અને કદાવર હતો, પરંતુ મિનીને મળે ત્યારે બાળક સાથે બાળક જેવો નિર્દોષ બનીને મજાકમસ્તી કરતો. ત્યાર પછી વાર્તામાં ટાગોર કાબુલી માટે થોડા ક્રૂર થયા છે. થયું એવું કે, કોઈ વ્યક્તિએ કાબુલી પાસેથી રામપુરી શાલ લીધી હતી, પરંતુ તેણે જૂઠ્ઠું બોલીને પૈસા આપવાનો ઈનકાર કર્યો. આ બાબતે ઉગ્ર ઝગડો થતા કાબુલીએ તેને છરો ભોંકી દીધો. કાબુલીના હાથે હત્યા થઈ ગઈ. આ દરમિયાન પોલીસ કાબુલીને લઈને જઈ રહી હતી ત્યારે પણ મિની આવીને બૂમો મારે છે, 'કાબુલીવાલા, એ...ઈ કાબુલીવાલા...'  અને મિનીને જોતા જ કાબુલી ખુશ થઈ જાય છે. જેલ જતો હોય છે તો પણ!

કાબુલી વારંવાર મિનીને કહેતો હોય છે કે, તું સાસરે ના જતી. મિનીને ખબર નહોતી કે, સાસરું એટલે શું, પરંતુ તે કાબુલીને સામો સવાલ કરતી કે, તમે સાસરે જવાના છો? પોલીસ કાબુલીને લઈને જતી હતી ત્યારે પણ મિનીએ આ જ સવાલ કર્યો અને કાબુલીએ જવાબ આપ્યો કે, 'ત્યાં જ જઉં છું...' આ વાત કરીને ટાગોરે કાબુલીની બેફિકરાઈ દર્શાવી છે. રહેમત કાબુલીને ખૂન કેસમાં આઠેક વર્ષની જેલ થઈ. નવલકથાકાર પણ કાબુલીને ભૂલી ગયો અને મિની પણ મોટી થઈ ગઈ. મિનીની બહેનપણીઓની સંખ્યા વધતી ગઈ. નવલકથાકાર અને તેની પુત્રી વચ્ચે અંતર વધી ગયું છે, પરંતુ મિની લગ્ન કરીને સાસરે જશે એ વાતથી જ પિતા દુ:ખી છે.

આ વાત  પણ ટાગોરે મજબૂત રીતે રજૂ કરી છે, વાંચો : ...ત્યાં તો મારા મારા ઘર આગળ શરણાઈ વાગવી શરૂ થઈ ગઈ હતી. તેનો અવાજ જાણે મારી છાતીના હાડપિંજરમાંથી ધબકીને બહાર નીકળતો, અને, ભૈરવીના કરૂણ સૂરમાં નજીક આવી રહેલી વિયોગની વ્યથાને શરદના તડકાની સાથે આખી પૃથ્વી પર ફેલાવી દેતો હતો. આજે મારી મિનીના લગ્ન હતા. સવારથી ઘરમાં ભારે ધમાલ હતી. માણસોનું આવનજાવન ચાલુ હતું. આંગણામાં વાંસ નાંખી મંડપ બંધાઈ રહ્યો હતો. ઘરના તમામ ઓરડા અને પરસાળમાં તોરણો લટકાવવાનો અવાજ થઈ રહ્યો હતો. બૂમાબૂમ-દોડધામનો પાર ન હતો...

બિમલરોયે બનાવેલી ‘કાબુલીવાલા’નું પોસ્ટર, જેમાં કાબુલીની
ભૂમિકા બલરાજ સહાનીએ ભજવી હતી  

આમ, નવલકથાકારના ઘરમાં લગ્નપ્રસંગનો માહોલ બરાબર જામ્યો હતો ત્યાં જ રહેમત કાબુલી જેલમાંથી છૂટીને મિનીને મળવા આવી પહોંચ્યો. મિનીના પિતા શુભ દિવસે એક 'ખૂની'ને ઘરમાં જોઈને થોડા હલબલી ગયા અને તેને પાછા જવાનું કહ્યું, પરંતુ કાબુલીએ ડરતા ડરતા પૂછી લીધું કે, 'મિનીને જરા મળી શકાશે ખરું?' કાબુલીને અંદાજ ન હતો કે, મિની હવે બાળકી નથી. એ સાસરે જઈ રહી છે. તેને હતું કે, હમણાં જ મિની 'કાબુલીવાલા, એ...ઈ કાબુલીવાલા...' એવી બૂમો મારતી આવશે. જોકે, નવલકથાકાર કાબુલીને ભારપૂર્વક કહી દે છે કે, ઘરમાં ધમાલ હોવાથી મિનીને મળી નહીં શકાય. એ પછી કાબુલી સ્તબ્ધ થઈને થોડી વાર ઊભો રહી ગયો. સલામ, કહીને ભગ્ન હૃદયે પાછો વળી ગયો અને ફરી પાછા વળીને કહ્યું: આ અંગૂર-કિસમિસ અને બદામ મિની મારી કિકી માટે લાવ્યો છું. એને આપવાની કૃપા કરજો.

નવલકથાકારે એ લઈ લીધું અને પૈસા આપવા હાથ લંબાવ્યો ત્યારે તેણે એ પૈસા ના લીધા અને કહ્યું કે, 'મારે પણ દેશમાં આવી જ એક દીકરી છે. એનું મોં યાદ કરીને હું તમારી કિકી માટે જરાતરા સૂકોમેવો લઈ આવું છું. હું કંઈ વેપાર કરવા નથી આવતો.' આટલું બોલીને તેણે પહોળા અંગરખામાં છાતી પાસે રાખેલો એક ચોળાયેલો કાગળ કાઢીને નવલકથાકારને બતાવ્યો. કાગળ પર ફક્ત એક નાનકડા હાથની છાપ હતી. એ તેણે હાથ પર કાજળ લગાવીને લીધી હતી. દીકરીનું સ્મરણ આ રીતે છાતીસરસું રાખીને તે કોલકાતાના રસ્તાઓ પર સૂકોમેવો વેચવા આવતો. એ કાગળ જોઈને નવલકથાકારની આંખ ઊભરાઈ ગઈ. નવલકથાકાર ભૂલી ગયો કે કાબુલી મેવાવાળો છે અને તે બંગાળના ઉચ્ચ વંશનો સંસ્કારી પુરુષ છે. નવલકથાકારને અહેસાસ થયો કે, કાબુલી પણ તેના જેવો જ એક પિતા છે.

નવલકથાકારે તુરંત જ મિનીને અંદરના ઓરડામાંથી બોલાવી. કુટુંબની બીજી સ્ત્રીઓએ વિરોધ કર્યો પણ નવલકથાકારે તેને ધરાર બોલાવી. લાલ-રેશમી સાડીમાં સજ્જ મિની કપાળમાં ચંદન સાથે બહાર આવી. વધૂના વેશમાં તે શરમાતી સંકોચાતી આવીને ઊભી રહી અને કાબુલી તેને જોઈને ચોંકી ગયો. એ બંને વચ્ચે પહેલાની જેમ નિર્દોષ વાર્તાલાપ જામ્યો નહીં. તેણે મિનીને પૂછી લીધું કે, તું સાસરે ચાલી? મિની પહેલાની જેમ જવાબો આપી ના શકી. રહેમત કાબુલીનો સવાલ સાંભળીને શરમાઈને બસ ઊભી રહી.

મિનીના ગયા પછી કાબુલીને પણ ભાન થયું કે, કાબુલમાં તેની પુત્રી પણ સાસરે જવા લાયક થઈ ગઈ હશે. તે જમીન પર બેસી ગયો. આઠ વર્ષમાં તે પણ મોટી થઈ ગઈ હશે અને હવે કાબુલ જઈને તેની સાથે નવેસરથી ઓળખાણ કરવી પડશે. એ કોલકાતાની કોઈ ગલીમાં જઈને બેઠો એ પહેલાં નવલકથાકારે તેને પૈસાની એક મોટી નોટ હાથમાં પકડાવી દીધી અને કહ્યું કે, રહેમત તુ પણ દેશમાં તારી છોકરી પાસે પહોંચી જા. તમે બાપ-બેટી સુખેથી મળો તો મિનીનું કલ્યાણ થશે.

લગ્ન માટે બચાવેલા રૂપિયા કાબુલીને આપી દેવાથી નવલકથાકાર લગ્નમાં વીજળીનો ભપકો અને બેન્ડનો ખર્ચ કરી ના શક્યા. કેટલીક સ્ત્રીઓએ બબડાટ પણ કર્યો, પરંતુ છેલ્લી લીટીમાં ટાગોર પેલા નવલકથાકારના મોંઢે કહે છે કે: ...પરંતુ કોઈ અનેરા મંગલ પ્રકાશમાં મારો શુભ ઉત્સવ ઝળહળી ઉઠ્યો.
***

'કાબુલીવાલા' આશરે સવાસો વર્ષ પહેલાં, ૧૮૯૭માં, પ્રસિદ્ધ થઈ હતી. આ વાર્તા વાંચતી વખતે માલુમ પડે છે કે, એ વખતે કાબુલીઓ ગુલામીના વેપારમાં સંડોવાયેલા હશે! એક સરેરાશ બંગાળી તેમના પહેરવેશ, ખાન-પાન અને દેખાવના કારણે તેમને જુદી રીતે જોતો, પરંતુ ટાગોરે તેમની વાર્તામાં કાબુલીને 'ખૂની' દર્શાવીને ગુનેગાર નથી દર્શાવ્યો. આ ટાગોરના શબ્દોની તાકાત છે. ગુનાખોરી અટકાવવાનું કામ કાયદાનું છે અને માનવીય મૂલ્યોમાં વિશ્વાસ જીવંત રાખવાનું કામ સાહિત્યનું. ટાગોરે આ કામ બખૂબી કરી બતાવ્યું છે.

'કાબુલીવાલા'નો ગુજરાતી સહિત અનેક ભાષામાં અનુવાદ થયો છે. ગુજરાતીમાં આ વાર્તા રમણલાલ સોની અને મહાદેવ દેસાઈ જેવા બે ધુરંધર સહિત અનેક લોકોએ અનુવાદ કરી છે. 'કાબુલીવાલા' પરથી આ જ નામે ૧૯૫૭માં બંગાળી અને ૧૯૬૧માં હિન્દી ફિલ્મ પણ બની ચૂકી છે, પરંતુ ટાગોરની વાર્તામાંથી પસાર થવાનો અનુભવ કંઈક ઓર જ છે.

નોંધઃ પ્રતીકાત્મક તસવીરો ગૂગલ પરથી લીધી છે. 

13 February, 2018

યસ, વૉટ કેન વી ડુ ફોર યુ?


શું તમે તમારા પેટની ટ્રીટમેન્ટ કરાવવા ઈચ્છો છો? શું તમારી પાસે સમય નથી? શું તમને ઘરથી દૂરના પેટ સલૂનમાં જવાનો કંટાળો આવે છે?

ચિંતા ના કરો... ફક્ત અમને આ નંબર પર કૉલ કરો. અમારા પેટ સ્પેશિયાલિસ્ટ તમારા ઘરે આવીને તમારા વ્હાલા શ્વાનની તમે ઈચ્છો એ ટ્રીટમેન્ટ કરવા પહોંચી જશે.

ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેખાતી આ પ્રકારની એડ્સ સાબિત કરે છે કે, ટેક્નોલોજીના કારણે ભારતમાં ઉચ્ચ અને મધ્યમ વર્ગની સોશિયો-ઇકોનોમિક લાઇફ સ્ટાઇલમાં ધરખમ પરિવર્તન આવી રહ્યું છે. આજકાલ મોબાઇલ એપમાં એક 'યસ' કહેતા જ પેટ સ્પેશિયાલિસ્ટ ઘરે પહોંચી જાય છે. આ સ્પેશિયાલિસ્ટ પાલતુ કૂતરાને શેમ્પૂ કરી આપે છે, વાળ ટ્રીમ કરી આપે છે, હેર સ્ટાઇલ કરી આપે છે અને નખ પણ કાપી આપે છે. આ ઉપરાંત પેટને કોઈ શારીરિક-માનસિક તકલીફ હોય તો 'સારા વેટરિનરી ડૉક્ટર'નો સંપર્ક પણ કરાવી આપે છે. અત્યાર સુધી માણસોના ડૉક્ટરોને જ આવા 'ધંધા'નો લાભ મળતો હતો. આ પ્રકારની પેટ સર્વિસની એક વિઝિટ માટે રૂ. બેથી અઢી હજાર વસૂલાય છે, પરંતુ વક્રોક્તિ (આઇર્ની) જુઓ. આજેય દેશમાં લાખો મજૂરોને મહિને માંડ અઢી હજાર મળે છે અને એટલામાંથી જ તેઓ ગુજરાન ચલાવે છે અને કદાચ એટલે જ દેશમાં લાખો બાળકો રાત્રે ભૂખ્યા સૂઇ જાય છે અને કુપોષણના કારણે કમોતે મરે છે.



મુંબઈ, દિલ્હી કે બેંગલુરુના અનેક પરિવારો પાસે પાલતુ કૂતરાને લઈને સલૂનમાં જવાનો સમય નથી. તેઓ નથી ઈચ્છતા ટ્રાફિકમાં સમય બગાડીને તેઓ પેટ સલૂનમાં પહોંચે અને ત્યાં જઈને પણ તેમણે પોતાના વ્હાલા ડોગીની ટ્રીટમેન્ટ માટે રાહ જોવી પડે. આ દેશમાં બધે જ લાઇનો લાગેલી હોય છે અને પેટ સલુન પણ તેમાંથી બાકાત નથી. સ્માર્ટફોનનો ઉપયોગ વધવાના કારણે શહેરોમાં હોમ સર્વિસ આપવાના માર્કેટિંગની તરાહ ધરમૂળથી બદલાઈ ગઈ છે. હજુ તો ભારતમાં માંડ ૧૪ ટકા લોકો પાસે સ્માર્ટફોન છે અને એમાંય સ્માર્ટફોનમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા તો બહુ ઓછી છે. મોટા ભાગના લોકો ફેસબુક અને ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સનો ઉપયોગ કરવા, નવી નોકરી શોધવા કે ઓનલાઈન શોપિંગ કરવા માટે જ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે, પરંતુ મોબાઇલ એપ્લિકેશન  (બોલે તો, એપ્સ) મોટા શહેરોમાં રહેતા અનેક પરિવારોના જીવનનું અભિન્ન અંગ છે.

સોશિયલ મીડિયામાં પેટ સર્વિસ સિવાય પ્લમ્બરિંગ, સુથારી કામ, કડિયા કામ, લુહારીકામ, કચરા-પોતા, નોકરાણી કે રસોઇયાની જરૂરિયાત, વૉલ પેઇન્ટ, પડદાનું ફિટિંગ તેમજ કાર-એર કંડિશન્ડ-બારીઓ-સોફાસેટનું સફાઈ કામ જેવી જાતભાતની સર્વિસ આપતી એડ્સ વાંચવા મળે છે. આ પ્રકારની કંપનીઓ વચ્ચે એર કન્ડિશન્ડ, માઈક્રોવેવ, રેફ્રિજરેટર અને ટેલિવિઝનની રીપેરિંગની સર્વિસ આપવામાં પણ ગળાકાપ સ્પર્ધા થાય છે. છેલ્લાં અમુક વર્ષોમાં મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ જેવા શહેરોમાં તો હોમ સર્વિસ આપતી ઓનલાઈન કંપનીઓનો રાફડો ફાટ્યો છે. જેક ઓન બ્લોક, મિ. રાઈટ, ઝિમ્બર, ગેટ માય પ્યૂન, હેમર એન્ડ મોપ, હાઉસ જોય, ટાસ્ક બોબ, ઈઝી ફિક્સ.કોમ અને અર્બન કેપ જેવી મોબાઇલ એપ્લિકેશન આ જ પ્રકારની સર્વિસ આપી રહી છે.



અરે, તમારી પાસે ફોર્મ લેવા જવાનો કે ભરવા જવાનો સમય નથી, લેબોરેટરીમાંથી રિપોર્ટ તૈયાર થઈ ગયો છે પણ લેવા જવાનો સમય નથી કે પછી ઘરના માળિયામાં સાફસફાઈ કરવાનો કંટાળો આવે છે- તો પણ આ કંપનીઓ તમારી સેવામાં હાજર છે. આ પ્રકારની હોમ સર્વિસનો ચાર્જ પણ રૂ. ૩૦૦થી લઈને ત્રીસ હજાર સુધીનો હોય છે. દિવાળી જેવા તહેવારોમાં ઘરની સાફસફાઇનો મહિમા હતો, પરંતુ હવે એવું નથી. આજકાલ લાખો પરિવારો દિવાળીની રજાઓમાં વેકેશન કરવા ઉપડી જાય છે કારણ કે, આખું વર્ષ નોકરીમાંથી ઊંચા નથી આવતા. મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં કામવાળી બાઈ કે રામલા ગમે ત્યારે નોકરી છોડીને જતા રહે છે એવી અનેક લોકોને ફરિયાદ હોય છે. રાજકારણીઓ, બિઝનેસમેન તેમજ ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારોથી માંડીને ઓફિસ, ફેક્ટરી માલિકોને પણ નાનું-મોટું કામ કરનારાની ભારે અછત હોય છે. હોમ સર્વિસ કંપનીઓ વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન પર આ પ્રકારના 'દુ:ખી ગ્રાહકો'ને શોધી શોધીને સર્વિસ આપે છે.

ચીનમાં ૨૦૧૨માં એક અબજ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હતા, પરંતુ ભારતમાં હજુયે કુલ વસતીના માંડ દસેક ટકા એક્ટિવ ઇન્ટરનેટ યુઝર્સ છે. આ ઉપરાંત માંડ ત્રીસેક ટકા લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને તેમાંય સ્માર્ટફોનનો 'સ્માર્ટ' ઉપયોગ કરનારા એક્ચ્યુઅલ યુઝર્સ કેટલા? આ બધા ચોક્કસ આંકડા ના મળે પણ એટલો અંદાજ તો મળે જ કે, ભારતમાં ઈન્ટરનેટ અને સ્માર્ટફોન ખૂબ ઝડપથી સોશિયો-ઇકોનોમિક ચેન્જ લાવી રહ્યા છે. આ પહેલાં પણ ભારતમાં હોમ સર્વિસ આપતી નાની-મોટી કંપનીઓ હતી જ, પરંતુ અત્યારની કંપનીઓ પાસે માર્કેટિંગ માટે ઈન્ટરનેટ નામનું બ્રહ્માસ્ત્ર છે. કોઈ પણ પ્રકારની હોમ સર્વિસ ઇચ્છતો ગ્રાહક પણ ઈન્ટરનેટ યુઝર છે. ઈન્ટરનેટ પર માર્કેટિંગ કરવાના કારણે સામાન્ય હોમ સર્વિસ આપતી કંપનીઓનો વ્યાપ પહેલાની નાની કંપનીઓ કરતા અનેક ગણો મોટો થઈ ગયો છે. આ કંપનીઓ પહેલાની કંપનીઓ કરતા ઈનોવેટિવ અને સ્માર્ટ છે. જેમ જેમ ઈન્ટરનેટનો વપરાશ વધશે તેમ તેમ હોમ સર્વિસ આપતી કંપનીઓનું કદ વધતું જશે, એમાં પણ કોઇ શંકા નથી.  

શહેરોમાં પ્લમ્બરિંગ, સુથારી કામ, ફર્નિચર ઇન્સ્ટોલેશન, ઇલેક્ટ્રિકલ ફિટિંગ-રીપેરિંગ, પેસ્ટ કંટ્રોલ અને ક્લિનિંગ જેવી સર્વિસ આપતી મોટી કંપનીઓને રોજના ૨૦૦-૩૦૦ ઓર્ડર મળે છે. આ કંપનીઓ હવે બેથી ત્રણ જ મહિનામાં રોજના એકાદ હજાર ઓર્ડર મળે એ માટે માર્કેટ ખોજી રહી છે. આ સર્વિસ ઇન્ડસ્ટ્રીમાંથી ભવિષ્યમાં લાખો-કરોડો ડૉલર મળશે એવી આશાએ ઓનલાઇન વેબસાઇટ્સ પણ હોમ સર્વિસમાં ઝંપલાવવા થનગની રહી છે. ઓનલાઈન શોપિંગની માર્કેટ કિંગ ગણાતી એમેઝોને પણ અમેરિકાના અનેક શહેરોમાં હોમ સર્વિસ બિઝનેસમાં ઝંપલાવ્યું છે. એક અંદાજ પ્રમાણે, ભારતમાં હોમ સર્વિસનું બજાર ૧૫ અબજ ડોલરનું છે. આ શક્યતાઓ જોતા એમેઝોન જેવી કંપનીઓ ભારતમાં હોમ સર્વિસ ક્ષેત્રે ના ઝંપલાવે તો જ નવાઈ!



અમુક માર્કેટ રિસર્ચ પ્રમાણે, ભારતના ૧૮ મોટા શહેરોના આશરે પાંચ હજાર ઘરોમાં રોજેરોજ પ્લમ્બરિંગ, સુથારી કામ અને ઈલેક્ટ્રિકલ સર્વિસની જરૂર પડે છે. જો આ દરેક ઘરમાંથી ફક્ત રૂ. ૫૦૦ની કમાણી કરવા મળે તો પણ કંપની રોજનો રૂ. ૨૫ લાખનો વકરો કરી શકે. આ ઉપરાંત ભારતના બધા જ શહેરોમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર ઝડપથી વિકસી રહ્યું છે અને તેથી હોમ સર્વિસને તેની પણ મદદ મળી રહે એમ છે. આઈઆઈટી અને આઈઆઈએમના વિદ્યાર્થીઓ પણ પોતાની તગડા પગારવાળી નોકરીઓ છોડીને હોમ સર્વિસ સ્ટાર્ટ-અપમાં કૂદી રહ્યા છે. જેમ કે, અર્બન ક્લેપ કંપની શરૂ કરનારા વરુણ ખેતાન, રાઘવ ચંદ્રા અને અભિરાજ ભાલ જેવા આઈઆઈટી-આઈઆઈએમના વિદ્યાર્થીઓનો પગાર આઠ આંકડામાં હતો, પરંતુ આ ત્રણેય યુવાનોએ અર્બન ક્લેપ કંપની શરૂ કરી. આ કંપની હોમ ડેકોરેશનથી લઈને લગ્નની ફોટોગ્રાફી અને બાળકોના જન્મ દિવસની ઉજવણીનું આયોજન કરવા સુધીની સર્વિસ આપે છે.

એવી જ રીતે, સરથ વત્સ બેંગલુરુ ગયા ત્યારે તેમણે જોયું કે, આટલા મોટા શહેરમાં પ્લબમ્બર અને સુથારી કામ માટે માણસો શોધવા અઘરા પડે છે. આ વિચારમાંથી જ 'જેક ઓન ધ બ્લોક' કંપનીની શરૂઆત થઈ હતી. પશ્ચિમી દેશોમાં બે દાયકા પહેલાં આ પ્રકારની સેવા આપતી કંપનીઓની શરૂઆત થઈ ગઈ હતી.  વિશ્વમાં સૌથી વધારે યુવાનો ભારતમાં છે અને એટલે જ લગ્નો પણ ભારતમાં જ સૌથી વધારે થાય છે. આ સંજોગોમાં દેશમાં વર્કિંગ કપલની સંખ્યા પણ સતત વધી રહી છે. અન્ય શહેરોમાં નોકરી કરવા સ્થાયી થયેલા વર્કિંગ કપલ પાસે સમયનો સતત અભાવ હોય છે. આવા કપલ અવિશ્વસનિય લોકો ઘરમાં આવે એવું નથી ઈચ્છતા, પરંતુ હોમ સર્વિસ આપતી કંપનીઓ સુરક્ષાની ખાતરી આપતી હોવાથી તેઓ થોડા વધુ પૈસા ખર્ચતા ખચકાતા નથી. હોમ સર્વિસ કંપનીઓ દાવો કરતી હોય છે કે, તેઓ પોલીસ વેરિફિકેશન પછી જ માણસોની ભરતી કરે છે. આ ઉપરાંત કંપનીમાં તેમને બેઝિક એટિકેટ અને અંગ્રેજી બોલવાની પણ તાલીમ અપાય છે.

જોકે, હોમ સર્વિસમાં નકલબાજી કરીને ધંધામાં આવનારા ઊંધે માથે પછડાયાના પણ દાખલા છે. ઈન્ટરનેટના જમાનામાં નકલબાજીની નહીં, આઈડિયાઝ અને સ્મૂથ ઇમ્પિમેન્ટેશનની બોલબાલા છે. આઈડિયાઝ ચંગા તો ખિસ્સેમેં ધંધા. અત્યાર સુધી ભારતમાં ઇન્ટરનેટ સ્પિડના પ્રશ્નો હતા અને સ્માર્ટફોનનો સ્માર્ટ ઉપયોગ થતો નહોતો, પરંતુ હવે સમય બદલાઇ રહ્યો છે. હવે પછીના નિયો-ઇન્ટરનેટ યુગમાં મેન્યુફેક્ચરિંગની સાથે સર્વિસ ઈન્ડસ્ટ્રીનું ભવિષ્ય પણ ઉજ્જવળ છે. 

20 December, 2017

ગૂગલ કે ફેસબૂક જેવા 'ડિજિટલ દેશો'નો સુપરપાવર


લોકશાહીમાં પ્રજાને મત આપવાનો હક મળે છે. એ 'મત' પ્રજાનો અભિપ્રાય (ઓપિનિયન) અને અવાજ (વોઇઝ) છે. લોકતાંત્રિત પદ્ધતિમાં રાજ કરવા નેતાઓને પ્રજાની સંમતિ મળે છે પણ એ 'અધકચરી' હોય છે. એટલે જ લોકશાહી શાસનની સર્વોત્તમ પદ્ધતિ નથી, પરંતુ શાસન કરવાનો તેનાથી સારો વિકલ્પ પણ બીજો કોઈ નથી. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા હોવા છતાં ઈન્ટરનેટ પર હજારો લોકો તેમને કેમ ધિક્કારી રહ્યા છે? અમેરિકાની જ થિંક ટેન્ક પ્યૂ રિસર્ચે કરેલા સર્વેક્ષણ પ્રમાણે, ફક્ત વીસ ટકા અમેરિકનોને વ્હાઈટ હાઉસમાંથી ચાલતી સરકારમાં વિશ્વાસ છે. આવું કેમ? આ પ્રકારના પ્રશ્નોના કારણે લોકશાહી સામે પણ આંગળી ચીંધાવી સ્વાભાવિક છે, અને ચીંધાવી જ જોઈએ. જાહેર ચર્ચાવિમર્શથી જ લોકશાહી વધુ પરિપક્વ બને છે.

આ તો સ્ટેટ, નેશન એટલે કે ભારત, ચીન, અમેરિકા અને બ્રિટન જેવા દેશોની વાત થઈ, પરંતુ ઈન્ટરનેટ યુગમાં ફેસબૂક અને ટ્વિટર જેવા 'નેટ સ્ટેટ' કે 'ડિજિટલ સ્ટેટ' પણ અસ્તિત્વમાં આવ્યા છે. હવે દુનિયામાં ફક્ત સ્ટેટ-નેશનનો ઈજારો નથી. આપણે ડિજિટલ દેશોના યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ. ભારત જેવા દેશો પૃથ્વી પર છે, જ્યારે ફેસબૂક, ટ્વિટર કે ઈન્સ્ટાગ્રામ જેવા દેશો ઈન્ટરનેટ પર. પાયાનો ફર્ક આટલો જ છે, બાકી બંને પ્રકારના દેશ વચ્ચે ઘણી સામ્યતાઓ છે. સાચુકલા દેશોની જેમ ડિજિટલ દેશમાં પણ જુદા જુદા અભિપ્રાયો આપતા લોકો છે. ત્યાં પણ રાજકીય પક્ષો છે, જૂથો (ગ્રૂપ્સ) છે, વાડાબંધી છે, સમાજ છે, વિચારોનું આદાનપ્રદાન છે અને અસામાજિક તત્ત્વો પણ છે.




એક સીધાસાદા ઉદાહરણથી આ મુદ્દો સમજીએ. જેમ કે, ફેસબૂક એક નેટ સ્ટેટ કે ડિજિટલ સ્ટેટ છે. ફેસબૂકના કુલ યુઝર્સ બે અબજ છે, જેને ફેસબૂક નામના દેશની વસતી ધારી લઈએ. ચીનની વસતી ૧.૪૦ અબજ છે એટલે ફેસબૂક પર મૂકાતા અભિપ્રાયો કેટલા મહત્ત્વના છે એ સમજી શકાય એમ છે. ફેસબૂક પર પણ દેશમાં હોય છે એવો ‘બોલકો વર્ગ’ છે. આ વર્ગનો અવાજ બુલંદ છે અને વત્તે-ઓછે અંશે તેની અસર ચૂંટણીઓ પર પડે છે. ઈન્ટરનેટના કારણે આખું વિશ્વ એક ગામડું (ગ્લોબલ વિલેજ-વિશ્વગ્રામ) બની રહ્યું હોવાથી ડિજિટલ દેશોની અવગણના ના કરી શકાય. ડિજિટલ દેશમાં કોમ્યુનિકેશન અત્યંત ઝડપી છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતની અસર ફ્રાંસ, બ્રિટન કે ભારત પર પણ પડી શકે છે. અત્યારે એ અસર ઓછી હશે, પરંતુ ભવિષ્યમાં એ વધશે. 

ડિજિટલ દેશમાં અલ કાયદા, ઇસ્લામિક સ્ટેટ જેવા આતંકવાદી જૂથો પણ છે. આ પ્રકારના નાના-મોટા વિધ્વંસક જૂથો વાંદરા જેવા છે, જે ઈન્ટરનેટની નિસરણી પર ચઢીને દુનિયાભરમાં આતંક-અરાજકતા ફેલાવી રહ્યા છે. ઈન્ટરનેટના કારણે જ શસ્ત્રો વિનાનું યુદ્ધ વધુ ગંભીર બની ગયું છે. સોશિયલ મીડિયામાં ખેલાતા યુદ્ધમાં ગોળીઓ નથી છૂટતી પણ વિધ્વંસક વિચારોની મિસાઇલો છૂટે છે. આ વિચારો ગમે ત્યાં ગોળીઓ છોડાવી શકે છે. ઇસ્લામિક સ્ટેટે ફેસબૂક, ટ્વિટર અને યુ ટ્યૂબ પર કરેલા કુપ્રચારના કારણે જ અમેરિકાથી લઈને યુરોપ સુધી કત્લેઆમ થઈ રહી છે. કટ્ટરવાદી વિચારધારાનો ફેલાવો પણ પરમાણુ હથિયારો જેટલો જ ખતરનાક છે.

કટ્ટરવાદી વિચારો એક દેશ માટે જેટલા ખતરનાક છે, એનાથી પણ વધુ જોખમી ડિજિટલ દેશોમાં છે કારણ કે, આ દેશો ખુદ એક ‘કોમ્યુનિકેશન ચેનલ’ છે. કટ્ટરવાદના ઝેરની અસર પેઢી દર પેઢી આગળ વધતી રહે છે અને ડિજિટલ દેશમાં તો તે જંગલની આગની જેમ ફેલાય છે. જોકે, ડિજિટલ દેશના ‘નેટિઝન’ આવું કંઈ વિચારતા નથી. ત્યાં તો લાઈક્સ, હીટ્સ, કોન્ટેક્ટ્સ, બિઝનેસ અને ફાસ્ટફૂડિયા વિચારોની બોલબાલા છે. સત્ય, આદર્શ, સિદ્ધાંતોનું પાલન કરવા હિંમત અને ધીરજ જોઈએ પણ એ બધું બોરિંગ છે, જ્યારે ઘાંટા પાડીને કહેવાતા જૂઠમાં થ્રીલ છે. તેમાં દલીલબાજી કરીને સામેવાળાને ચૂપ કરી દેવાનો વિકૃત આનંદ પણ મળે છે. બાવા, બાપુ, બાબા અને ક્યારેક પત્રકારોનું હળવું ચિંતન મમળાવતી પ્રજા લાંબુ વિચારવાની તસ્દી ના લેતી હોય તો એમાં નવાઈ ના લાગવી જોઈએ. આ પ્રકારની પ્રજા મનલુભાવન અને ઉપરથી તાર્કિક લાગતી જૂઠી દલીલો ગોખીને પલાયનવાદ સ્વીકારી લે છે. કમનસીબે, તેમાં મીડિયોકર લેખકો-કોલમકારો (પત્રકારો નહીં)નો પણ સમાવેશ થાય છે. જાહેરમાં શાબ્દિક હિંસા પર ઉતરવાને મર્દાનગી સમજતા એ કલમઘસુઓના કારણે જ સામાન્ય નાગરિકો પણ તેમના જેવું જ (મીડિયોકર) બોલતા અને વિચારતા શીખતા જાય છે. 





જોકે, ડિજિટલ દેશની એક વાત સારી છે. ત્યાં ખેલાતા યુદ્ધ મોટા ભાગે અહિંસક હોય છે, જેથી વિધવાઓ અને અનાથોની સંખ્યા વધતી નથી. ગૂગલ, ફેસબૂક અને ટ્વિટર જેવા ડિજિટલ દેશની સરખામણી અમેરિકા જેવા સુપરપાવર સાથે પણ કરી શકાય કારણ કે, તેઓ પણ વિકસિત દેશોની જેમ બીજા દેશોમાં બિઝનેસ કરવા શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવતા ખચકાતા નથી. આ દેશોમાં પણ નાના-નાના જૂથો હોય છે. એ લોકોને પાર્ટી-શાર્ટી અને ફન, ફિલ્મ્સ સિવાય બીજા કશામાં રસ નથી. ઈન્ટરનેટ પર આવેલા ઈન્સ્ટાગ્રામ કે સ્નેપચેટ કંઈક એવા જ ડિજિટલ દેશો છે. આ પ્રકારના દેશો પૃથ્વી પરના સંપૂર્ણ વિકસિત દેશો જેવા છે, જ્યાં લગભગ બધું જ સુંદર અને સારું છે અને ત્યાંની લાઈફ સ્મૂધ એન્ડ સ્લો છે. જેમ કે, અત્યંત સુખી-સમૃદ્ધ સ્કેન્ડેનેવિયન દેશો. યુરોપના સ્કેન્ડેનેવિયા નામના પ્રદેશમાં આવેલા ડેનમાર્ક, નોર્વે, સ્વિડન, ફિનલેન્ડ અને આઈસલેન્ડ વગેરે સ્કેન્ડેનેવિયન દેશો તરીકે ઓળખાય છે.

એ દેશોમાં બધાને બધુ સહેલાઈથી મળી ગયું છે, પરંતુ મુશ્કેલી ભારત કે અમેરિકા જેવા દેશોની છે. એટલે જ આ દેશોમાં એક્ટિવિઝમ છે. ડિજિટલ સ્ટેટની સાથે ડિજિટલ એક્ટિવિઝમનો પણ જન્મ થયો છે. વિકિલિક્સ અને એનોનિયમ્સ જેવા હેક્ટિવિસ્ટ (હેકર+એક્ટિવિસ્ટ) અમેરિકા જેવા સુપરપાવરની સાથે ગૂગલ જેવા ડિજિટલ દેશોને પણ આડકતરી રીતે ભીંસમાં રાખે છે. તંદુરસ્ત લોકશાહીમાં એ પણ આવકાર્ય છે. ડિજિટલ દેશોના 'નાગરિકો'ની રાષ્ટ્રીયતા જુદી જુદી હોય છે. જેમ કે, ફેસબૂક કે ટ્વિટર જેવા ડિજિટલ સ્ટેટના યુઝર્સ ફક્ત એક જ દેશમાં નથી રહેતા પણ દુનિયાભરમાં ફેલાયેલા છે. આ બધા જ નાગરિકો જુદા જુદા દેશ, ધર્મ, જાતિ, રંગના હોવા છતાં સહેલાઈથી એકબીજા સાથે જોડાઈને 'એક' થઈ રહ્યા છે, જે ભવિષ્યના સોશિયલ મીડિયાની સૌથી મોટી તાકાત હશે!

આ વાત પણ એક ઉદાહરણથી સમજીએ. ઈન્ટરનેટની દુનિયાના સુપરપાવર ગણાતા ગૂગલે ૨૦૧૩માં  સારું કામ કરતી નાની-નાની ન્યૂઝ વેબસાઇટને સાયબર હુમલાથી બચાવવા 'પ્રોજેક્ટ શિલ્ડ' ચાલુ કર્યો હતો. આ યોજનાનો હેતુ ચૂંટણીઓ વખતે મતદારો જાગૃત થાય એવું કન્ટેન્ટ પીરસતી, માનવાધિકારોને પ્રોત્સાહન આપતી તેમજ વાણી સ્વાતંત્ર્ય જેવા મૂલ્યોની તરફેણ કરતી ન્યૂઝ વેબસાઈટને ઓનલાઈન ગુંડાગીરી સામે ફ્રીમાં સુરક્ષા પૂરી પાડવાનો હતો. એ માટે ગૂગલે કેટલાક ધારાધોરણો બનાવીને અમુક વેબસાઇટ પસંદ કરી. એ પસંદગી કરતી વખતે ગૂગલે એ વેબસાઇટ કયા દેશની છે એ ના વિચાર્યું, પણ ગૂગલે ફક્ત કન્ટેન્ટના આધારે એ વેબસાઇટોની પસંદગી કરી હતી. આમ પણ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર તરાપ મારવામાં આવે ત્યારે સ્પિરિટ બતાવવામાં મેઇન સ્ટ્રીમ કરતા સોશિયલ મીડિયા વધુ આક્રમક પુરવાર થાય છે કારણ કે, તેનો ઢાંચો જ લોકતાંત્રિક છે. છાપા કે ચેનલમાં સામાન્ય વ્યક્તિનો સીધો કોઈ અવાજ નથી હોતો, પરંતુ સોશિયલ મીડિયામાં એ ખામી નથી. 




ગૂગલના પ્રોજેક્ટ શિલ્ડ સામે અમેરિકા કે યુરોપિયન દેશોને વાંધો ન હતો, પરંતુ આફ્રિકા, એશિયાના દેશોએ આ યોજનાને ગેરકાયદે ગણાવી હતી. એટલું જ નહીં, કેટલાક દેશોમાં પ્રોજેક્ટ શિલ્ડને ગૂગલનું કાવતરું કે ગોરખધંધા પણ ખપાવી દેવાઈ હતી. જોકે, હજુયે આ યોજના ચાલુ છે કારણ કે, પ્રોજેક્ટ શિલ્ડ સાથે ગૂગલનો પાયાનો સામાજિક પરિવર્તનનો ખ્યાલ પણ વણાયેલો છે. આ પ્રકારની યોજનાઓથી ગૂગલને ખાસ કોઈ આર્થિક ફાયદો છે જ નહીં. એવી જ રીતે, ઇન્ટરનેટ પર એનોનિયમ્સ નામનો ડિજિટલ દેશ ઘણાં સમયથી સાયન્ટોલોજી નામના વિજ્ઞાન આધારિત ધર્મ વિરુદ્ધ આક્રમક અભિયાન ચલાવી રહ્યો છે. આ ડિજિટલ દેશ ગૂગલથી ઘણો અલગ છે. સાયન્ટોલોજીના વિરોધ મુદ્દે બધાનો અભિપ્રાય અલગ હોઈ શકે છે, પરંતુ એનોનિયમ્સે ગેરકાયદે રીતે સારું કામ કરીને સારી એવી લોકપ્રિયતા હાંસલ કરી છે. 

ઈસ્લામિક સ્ટેટે નવેમ્બર ૨૦૧૫માં પેરિસમાં આતંકવાદી હુમલો કર્યો એ પછી એનોનિયમ્સના યુઝર્સે (નાગરિકો) આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા વીસ હજાર ટ્વિટર એકાઉન્ટ હેક કરી દીધા હતા. એનોનિયમ્સની ઓનલાઈન આર્મીએ આ કામ ફક્ત ૪૮ કલાકમાં પાર પાડ્યું હતું. જે કામ માટે સરકારે ચોક્કસ ગાઇડલાઇન અનુસરવી પડે, પેપર વર્ક કરવું પડે અને ઘણો બધો સમય બરબાદ કરવો પડે, એ જ કામ એનોનિયમ્સના ‘બળવાખોર નાગરિકોએ’ ગણતરીના કલાકોમાં પૂરું કરી દીધું. પૃથ્વી પરના દેશોની જેમ ડિજિટલ દેશો પણ આ પ્રકારની ગુપ્ત સત્તા-શક્તિનો દુરુપયોગ કરી શકે છે. ભવિષ્યમાં એ બધું વિચારીને પણ કાયદા-કાનૂન બનશે. 

આજે ભારત કે અમેરિકા જેવા દેશો પણ બિનસત્તાવાર રીતે હેકરોની મદદ લે જ છે, પરંતુ તેની અનેક મર્યાદા છે. આ પ્રકારના કામમાં વિવિધ દેશો સાથે થયેલી આંતરરાષ્ટ્રીય સંધિઓનો ભંગ થવાનું જોખમ રહે છે અને ક્યાંક કાચું કપાય તો જવાબ આપવો ભારે પડી શકે છે, જ્યારે ડિજિટલ દેશોને 'પવિત્ર ગાય' જેવું બંધારણ કે કાયદા-કાનૂનનો ડર હોતો જ નથી. આ સ્થિતિનો ફાયદો ઉઠાવવા જ અમેરિકા, ચીન અને રશિયા જેવા દેશોએ ઈન્ટરનેટના વિકસિત ડિજિટલ દેશોનો વ્યૂહાત્મક લાભ લેવાનું શરૂ કરી દીધું છે. 

ગૂગલ કે ફેસબૂક જેવા ડિજિટલ દેશો ઈન્ટરનેટ પર ‘મોટી 'જમીનો' કબજે કરીને અમેરિકા, યુરોપ, એશિયા અને આફ્રિકાના કરોડો લોકો સુધી પહોંચી ગયા છે, જેની માહિતી યુગમાં અવગણના ના કરી શકાય. 

નોંધઃ પ્રતીકાત્મક તસવીરો ગૂગલ પરથી લીધી છે.