આ વર્ષના ગ્લોબલ ટીચર પ્રાઈઝ માટે ૧૭૩ દેશમાંથી ૩૦ હજાર શિક્ષકના નામ આવ્યા
હતા. આ યાદીમાંથી દુનિયાના ફક્ત ૫૦ શિક્ષકને શોર્ટલિસ્ટ કરાયા છે,
જેમાં ઉત્તરાખંડના
હરિદ્વાર જિલ્લાની ગવર્મેન્ટ ઈન્ટરમીડિયેટ કોલેજ-રાણીપુર કોલેજના શિક્ષક પ્રદીપ
નેગીનું નામ પણ છે. આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનારા શિક્ષકને એક મિલિયન ડૉલરનો ચેક
પણ ભેટમાં મળે છે. ગ્લોબલ ટીચર પ્રાઈઝ માટે નોમિનેટ થતાં જ પ્રદીપ નેગી ચર્ચામાં
આવ્યા છે, પરંતુ ઉત્તરાખંડના ક્રાંતિકારી શિક્ષક તરીકે તેઓ ઠીક ઠીક જાણીતા છે. પ્રદીપ
નેગી આશ્રમોની નગરી હરિદ્વારના રાણીપુરમાં આવેલી 'ભેલ' (ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિ.) ટાઉનશિપની ગવર્મેન્ટ
ઈન્ટરમીડિયેટ કોલેજમાં નોકરી કરે છે. જોકે, તેઓ 'સરકારી નોકરી' જ નથી કરી ખાતા પણ સ્કૂલ પોતાની જ હોય એમ ચલાવવામાં
યથાશક્તિ ખર્ચી કાઢે છે.
દેશના અનેક રાજ્યોમાં ધોરણ ૧૨ સુધીની હાયર સેકન્ડરી સ્કૂલો 'ઈન્ટરમીડિયેટ કોલેજ' તરીકે ઓળખાય છે. ધો.૧૨ સુધીની રાણીપુર સરકારી સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓ
ધો.૧૦ પછી વિજ્ઞાન શાખામાં પ્રવેશ લઈ શકે છે, પરંતુ સ્કૂલમાં લેબોરેટરી જ નથી. ધો.૬થી આઠના વિદ્યાર્થીઓ માટે બેન્ચ નથી એટલે હિમાલયન સ્ટેટમાં
વિદ્યાર્થીઓ નીચે બેસીને ભણે છે. સ્કૂલમાં દસ ટોઇલેટની જરૂર છે પણ ફક્ત બે છે. આ
બધી ખામીઓ હોવા છતાં ઉત્તરાખંડ સરકારે ગયા વર્ષે આ સ્કૂલને 'મોડેલ સ્કૂલ' જાહેર કરી હતી. આ સ્કૂલના દરેક ક્લાસમાં વિદ્યાર્થીઓની
સંખ્યા પણ સારી એવી છે. ગયા વર્ષે ધો.૧૨માં સ્કૂલનું રિઝલ્ટ પણ ૮૮ ટકા હતું.
સરકારી ધારાધોરણો પ્રમાણેની ડિગ્રી ધરાવતા શિક્ષકોનો ફૂલ સ્ટાફ પણ છે. શિક્ષકો,
વિદ્યાર્થીઓ અને વાલીઓ
બધા જ ખુશ છે. બધુ બરાબર ચાલે છે પણ અર્થશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન અને કમ્પ્યુટર સાયન્સ ભણાવતા શિક્ષક પ્રદીપ
નેગીને ચૈન નથી.
કોઈ પણ દેશ-સમાજ કે કાળમાં પરિવર્તન લાવવા શિક્ષણ સૌથી મજબૂત માધ્યમ છે એ
સિદ્ધાંત યાદ રાખીને તેઓ સ્કૂલમાં એડમિનિસ્ટ્રેશનથી લઈને એજ્યુકેશન સુધીની ખામીઓ
સુધારવા સતત પ્રયત્નશીલ છે. ધો. ૧૧ અને ૧૨ના શિક્ષક તરીકે પ્રદીપ નેગી વિદ્યાર્થીઓને
ભણાવવા ઈન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરે છે. નોકરીના
કલાકો પૂરા થઈ ગયા પછી પણ વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ રસ પડે એ માટે અભ્યાસક્રમનું
પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અને સ્લાઈડ્સ તૈયાર કરે છે. પ્રદીપ નેગીએ સ્કૂલની
સીધીસાદી વેબસાઇટ પણ બનાવી છે અને વેબ મેગેઝિન પણ શરૂ કર્યું છે. વેબસાઈટ પર તેઓ
મલ્ટીમીડિયા ફોર્મેટમાં ટેક્સ્ટ બુક્સ મટિરિયલ પણ અપલોડ કરે છે. સ્કૂલ વેબસાઈટ પર
હોમ વર્ક, ક્વિઝ અપલોડ કરવાનું અને વૉટ્સએપ પર મોકલવાની જવાબદારી પણ તેઓ જ નિભાવે છે.
પ્રદીપ નેગી |
કદાચ એવો સવાલ થઈ શકે કે, જે સ્કૂલમાં બેન્ચ ના હોય ત્યાં આવતા વિદ્યાર્થીઓના
માતાપિતા પાસે સ્માર્ટફોન ક્યાંથી હોય! જો આવું વિચારતા હોવ તો તમે ખોટા છો. મોટા
ભાગના વિદ્યાર્થીઓના ઘરે સ્માર્ટફોન છે. આ વાતને ધ્યાનમાં રાખીને જ પ્રદીપ નેગીએ
મોબાઈલ ફોનનો એજ્યુકેશન કોમ્યુનિકેશન ટૂલ તરીકે ઉપયોગ શરૂ કર્યો હતો. રાણીપુર
ગવર્મેન્ટ ઈન્ટરમીડિયેટ કોલેજ અને પ્રદીપ નેગી વિશે સાંભળીને દુ:ખ અને સુખની લાગણી
એકસાથે થાય છે. જે સ્કૂલમાં પૂરતા ટોઇલેટ નથી ત્યાં એક શિક્ષકે એજ્યુકેશનલ વીડિયોઝ
અને પ્રોગ્રામ્સની સીડીનું કલેક્શન તૈયાર કર્યું છે. આ બધું જ મટિરિયલ તેમણે
અત્યાર સુધી એટેઇન કરેલા વર્ક શોપ્સ અને ટ્રેઇનિંગ સેશનમાં હિસ્સો લઈને ભેગું
કર્યું છે. આ ઉપરાંત તેમણે ઈન્ટરનેટના વિવિધ ઓપન સોર્સમાંથી એજ્યુકેશનલ મટિરિયલ
ડાઉનલોડ કરીને એક લાઇબ્રેરી પણ બનાવી છે.
આ કામ શરૂ કરતા જ પ્રદીપ નેગીને અંદાજ આવી ગયો હતો કે, નવી નવી પદ્ધતિઓથી
ભણાવવાનું શરૂ કર્યા પછી વિદ્યાર્થીઓની બધી જ પરીક્ષાના રિઝલ્ટ્સ સુધર્યા છે. તેમની
આ યાત્રા વર્ષ ૨૦૦૩માં શરૂ થઈ હતી. ઉત્તરાખંડ સરકારે માઇક્રોસોફ્ટ સાથે ભાગીદારી
કરીને રાજ્યના પસંદગીના શિક્ષકોને કમ્પ્યુટરની તાલીમ આપવાની યોજના બનાવી હતી,
જેમાં પ્રદીપ નેગીની પણ
પસંદગી થઈ હતી. માઇક્રોસોફ્ટે પ્રદીપ નેગીનો ઉત્સાહ જોઈને તેમને માસ્ટર ટ્રેઇનર પણ
બનાવ્યા હતા. આ જવાબદારી હેઠળ તેઓ રાણીપુર સરકારી સ્કૂલના શિક્ષકો સહિત રાજ્યના ૧,૨૦૦ જેટલા શિક્ષકોને કમ્પ્યુટરની તાલીમ આપી ચૂક્યા છે.
શિક્ષણમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવા બદલ તેમને ૨૦૦૪, ૨૦૦૫ અને ૨૦૦૬માં ઉત્તરાખંડ સરકારનો ટેક્નોલોજી એવોર્ડ
મળ્યો હતો. વર્ષ ૨૦૦૭માં તેમને 'ઈનોવેટિવ ટીચર્સ લિડરશીપ એવોર્ડ'થી સન્માનિત કરાયા હતા. વિશ્વભરમાં દર વર્ષે ફક્ત દસ
શિક્ષકને આ પુરસ્કાર આપવામાં આવે છે.
પ્રદીપ નેગીને ‘એજ્યુકેશન ઈનોવેટર’ પણ કહી શકાય. ક્લાસમાં તુરંત જ સવાલ નહીં
કરી શકતા, ઝડપથી સમજી નહીં શકતા અને ગેરહાજર હોય એવા વિદ્યાર્થીઓ કમ્પ્યુટરની મદદથી વારંવાર
અભ્યાસક્રમ રિફર કરી શકે, એ માટે તેમણે કમ્પ્યુટરને પણ શિક્ષક બનાવી દીધું છે. વિદ્યાર્થીઓ
કમ્પ્યુટરની મદદથી જાતે જ અભ્યાસક્રમ જોઈ શકે છે. એ માટે વિદ્યાર્થીઓને વારંવાર
શિક્ષક પર આધાર નથી રાખવો પડતો. વિદ્યાર્થીઓને ભણાવવા ટેક્નોલોજીના આ પ્રયોગની ઉત્તરાખંડ
સરકારે પણ 'ગંભીર' નોંધ લીધી છે. પ્રદીપ નેગીના આ સીધાસાદા ઈનોવેશનને પગલે ઉત્તરાખંડ સરકારે
સ્કૂલોને ટેક્નોલોજી ઇક્વિપમેન્ટ્સ આપવાની યોજના તૈયાર કરી છે. અત્યારે કેન્દ્ર
સરકારની ઈન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી (આઈસીટી) ઈન સ્કૂલ યોજના હેઠળ
ઉત્તરાખંડના દરેક જિલ્લાની પાંચથી છ સ્કૂલને કમ્પ્યુટર,
પ્રોજેક્ટર,
પ્રિન્ટર અને ઈન્ટરનેટ
કનેક્શન મળી ગયું છે. આ યોજનાનો યોગ્ય અમલ કરવા રાજ્ય સરકારે પ્રદીપ નેગીની જ
સલાહકાર તરીકે નિમણૂક કરી હતી. આ કામ પાર પાડવા બદલ ૨૦૧૩માં તેમને આઈસીટી નેશનલ
એવોર્ડનું સન્માન પણ મળ્યું હતું.
પ્રદીપ નેગીએ એકવાર દુ:ખદ કબૂલાત કરી હતી કે, ''આ યોજનાનો અમલ તો સારી રીતે થયો પણ વખતોવખત તેનું મોનિટરિંગ
કરનારું કોઈ ન હતું. એટલે અનેક સ્કૂલોમાં સરકારે આપેલા મશીનો ધૂળ ખાઈ રહ્યા છે.
જોકે, મારી
સ્કૂલમાં બધી જ સરકારી મશીનરી વેલ મેઇન્ટેઇન્ડ છે. ખુદ શિક્ષક જ બેદરકાર હોય એ
શોભતું નથી...'' જો દરેક સ્કૂલમાં એક પ્રદીપ નેગી હોય તો કેવું પરિવર્તન આવી શકે! અહીંના દરેક
વિદ્યાર્થીને પ્રાઈવેટ કમ્પ્યુટર ઈન્સ્ટિટયુટ જેવો અનુભવ થાય એ માટે તેઓ વીડિયો
કૉલિંગથી દુનિયાના અનેક દેશોના શિક્ષકોને રાણીપુરની સરકારી સ્કૂલના ક્લાસમાં લઈ
આવે છે. વિદ્યાર્થીઓને કમ્પ્યુટર પર વર્ચ્યુઅલ ટૂર કરાવે છે અને તેમને મોટા
સ્વપ્નો જોતા શીખવે છે. એ માટે તેઓ ધો. ૯થી બધા જ વિદ્યાર્થીઓ પાસેથી દર મહિને દસ રૂપિયા
ફી પણ લે છે.
કમ્પ્યુટર ટેક્નોલોજીથી પ્રદીપ નેગીને વ્યક્તિગત લાભ પણ થયો છે. તેઓ બે વર્ષના
હતા ત્યારે જ પોલિયોના ભોગ બન્યા હતા. નાનપણથી જ તેમના શરીરનો ૭૬ ટકા હિસ્સો કામ
કરતો બંધ થઈ ગયો હતો. સ્કૂલમાં બ્લેક બોર્ડ પર લખીને વિદ્યાર્થીઓને ભણાવવામાં
તેમને તકલીફ પડતી હતી કારણ કે, ઊભા રહેવા પણ તેમણે ઘોડીનો ઉપયોગ કરવો પડતો. હવે તેઓ
કમ્પ્યુટર અને પ્રોજેક્ટરની મદદથી ખુરશીમાં બેસીને પણ વિદ્યાર્થીઓને સહેલાઈથી
ભણાવી શકે છે. પોલિયોનો ભોગ બન્યા પછી તેમને પૂણેની આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયા
હતા, પરંતુ
ત્યાં તેમની માતાને કહેવામાં આવ્યું કે, પ્રદીપનો ઈલાજ નહીં થઈ શકે. હવે તેમને ફક્ત સારું શિક્ષણ
મળે તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરો. આ વાત સાંભળતા જ માતા પર જાણે આભ તૂટી પડયું
હતું પણ તેમણે પ્રદીપની દેખભાળ અને શિક્ષણ માટે નોકરી છોડી દીધી. પ્રદીપના માતા પણ
પ્રાઈમરી સ્કૂલમાં શિક્ષિકા હતા, જ્યારે પિતા ભારતીય સેનામાં ફરજ બજાવતા.
પિતાની બદલીઓના કારણે જ પંજાબ, મેઘાલય અને ઉત્તરાખંડ એમ ત્રણ રાજ્યોમાં પ્રદીપ નેગીનું
શિક્ષણ થયું. ત્યાર પછી ઈકોનોમિક્સ, પોલિટિકલ સાયન્સ અને હિસ્ટરીમાં બેચલર કરીને ૧૯૯૨માં રૂરકી
કોલેજમાંથી ઈકોનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને શિક્ષક બનવાનો નિર્ણય કર્યો.
શિક્ષક બનવા રૂરકીની જ કન્હૈયાલાલ ડીએવી કોલેજમાંથી બી.એડ. કર્યું. તેમણે ૧૯૯૬માં
હિસ્ટરી અને ૨૦૦૪માં ઇંગ્લિશ લિટરેચરમાં એમ.એ. કરીને બે માસ્ટર્સ ડિગ્રી પણ મેળવી છે. પ્રદીપ નેગીએ અભ્યાસમાં હોનહાર
હતા. જો તેમણે ધાર્યું હોત તો પ્રોફેસર પણ બની શકે એમ હતા પરંતુ તેમણે હાયર
સેકન્ડરીના વિદ્યાર્થીઓને ભણાવવાનો નિર્ણય લીધો. કુલ ૨૧ વર્ષનો શૈક્ષણિક અનુભવ
ધરાવતા પ્રદીપ નેગી ૨૦૦૮માં રાણીપુર સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા હતા.
અને છેલ્લે. વાર્કી ગ્લોબલ ટીચર પ્રાઈઝ દુબઈસ્થિત એનઆરઆઈ ઉદ્યોગપતિ અને દાનવીર
સની વાર્કીના ફાઉન્ડેશન દ્વારા અપાય છે. વાર્કી જૂથના માલિક સની વાર્કીએ વર્ષ
૨૦૦૦માં જેમ્સ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી, જે કિન્ડરગાર્ટનથી લઈને ધો.૧૨ સુધીની ૧૩૦ પ્રાઈવેટ સ્કૂલ
ઓપરેટ કરે છે. તેઓ વાર્કી અને જેમ્સ ફાઉન્ડેશન હેઠળ શિક્ષણની મદદથી સામાજિક
પરિવર્તન લાવવા પ્રયત્નશીલ છે. સની વાર્કી યુનેસ્કોના ગુડવિલ એમ્બેસેડર પણ રહી ચૂક્યા
છે. ૨.૩ અબજ ડૉલરની સંપત્તિના માલિક સની વાર્કીએ ૨૦૧૫માં ગિવિંગ પ્લેજ હેઠળ સહી
કરીને અડધી સંપત્તિ દાન કરી દીધી હતી. અત્યાર સુધી ગિવિંગ પ્લેજ પર ૧૬ દેશના ૧૫૪
ધનવાનોએ સહી કરી છે, જેમાં ભારતનું નાગરિકત્વ ધરાવતા ફક્ત ત્રણ જ ધનવાન સામેલ
છે.
शिक्शक समाजना धडतरमां मोटो फालो आपे छे। दिलथी शिक्शक बनेला लोको अनेक छात्रोनां जीवन घडतर करी जाय छे, बाकी तो सुविधाओ होवा छतां बस पगार-रजा अने इजाफाओ ज गणी खास छे, आवाा शिक्शको होय तो गुणोत्सव योजवानी पण जरुर ना पडे।
ReplyDelete