અમેરિકામાં 'દબંગ' ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા એટલે આતંકવાદનો
સફાયો થઈ જશે. ખાસ કરીને સીરિયા અને ઈરાકમાં પાંગરીને છેક યુરોપ અને અમેરિકા સુધી પોતાની
પાંખો પ્રસરાવી ચૂકેલા ઈસ્લામિક સ્ટેટનો ખાત્મો તો નક્કી જ છે. આ ઉપરાંત ઈસ્લામિક સ્ટેટ
જેવા આતંકવાદી જૂથોની વિચારધારાથી પ્રભાવિત અમેરિકામાં રહેતા કોઈ એકલદોકલ યુવકોના લૉન વુલ્ફ એટેકનો પણ ખતરો નહીં રહે. કારણ? કારણ કે, ટ્રમ્પ ગેરકાયદે
મુસ્લિમ વસાહતીઓ, ગુનેગારો અને શંકાસ્પદોને અમેરિકામાં
રહેવા દેશે તો લૉન વુલ્ફ એટેક થશે ને!
જો રિપબ્લિકન ઉમેદવાર
ટ્રમ્પની જીત પછી તમે આવું કંઈ માનતા હોવ તો તમે હજુયે 'બોર્નવિટા બોય' (કે ગર્લ) છો. અમેરિકા હોય કે ભારત,
બ્રિટન હોય કે ફ્રાંસ- કોઈ પણ દેશની માસ સાયકોલોજીના પાયાના નિયમો અફર
હોય છે. લોકોને ડરાવી-બીવડાવીને અને કાલ્પનિક ભય બતાવીને થોડો ઘણો સમય મૂર્ખ બનાવી
શકાય છે. આ પ્રકારની સ્થિતિ દેશે-દેશે બદલાતી હોય છે અને એમાંય એકસાથે અનેક પરિબળો
કામ કરતા હોય છે. આવા રાજકીય
સંજોગોના નિર્માણ પાછળ સત્તાધારી પક્ષોની નબળાઈ,
કૌભાંડો, પ્રજાની પરેશાની અને અસંતોષ, સ્થાનિક વેપારી નીતિઓમાંથી સર્જાયેલો અન્યાય બોધ અને તેમાંથી ઊભા થયેલા બેકારી
જેવા પ્રશ્નો જવાબદાર હોઈ શકે છે. હાલના અમેરિકાની સ્થિતિ કંઈક આવી છે. આ સંજોગોની રોકડી કરીને ટ્રમ્પે
સાબિત કરી નાંખ્યું છે કે, 'બોલ બચ્ચનગીરી'
કરીને ગમે તેવા શિક્ષિત અને મુક્ત વિચારધારા ધરાવતા સમાજને પણ 'ટોળા'માં પરિવર્તિત કરી શકાય છે અને દમ હોય તો અમેરિકાના
પ્રમુખ પણ બની શકાય છે.
![]() |
ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સામે લડવા ઈરાકી મહિલાને તાલીમ આપી રહેલો અમેરિકન સૈનિક |
ટ્રમ્પ પ્રમુખ તો બની
ગયા પણ હવે તેઓ ચૂંટણીમાં કહેલી વાતોનો કેટલો અને કેવી રીતે અમલ કરશે એની અમેરિકામાં
જ નહીં, દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે.
આ ચૂંટણી પહેલાં (અને પછીયે) જ રાજકીય નિષ્ણાતો સોઈ ઝાટકીને કહી ચૂક્યા છે કે,
ટ્રમ્પ પ્રમુખ બનશે તો દુનિયાભરના રાજકીય અને સમીકરણો બદલાશે. વેપારી
નીતિઓની વાત છે ત્યાં સુધી ટ્રમ્પ બહુ બહુ તો ઘરઆંગણે થોડી ઘણી રોજગારી ઊભી કરશે,
ચીની માલની આયાત રોકવા થોડાઘણાં હથકંડા અજમાવશે, મેક્સિકો જેવા દેશોના ગેરકાયદે નાગરિકો સામે થોડું ઘણું આકરાપણું દાખવશે અને
આતંકવાદ સામે ટ્રમ્પ આક્રમકતા બતવાશે અથવા તો એવી છબિ ઊભી કરવાનો પ્રયાસ કરશે. બીજું
બધું તો ઠીક છે
પણ આતંકવાદને લગતી નીતિમાં ટ્રમ્પના ‘ટ્રમ્પ કાર્ડ’ ઊંધા પડ્યા તો અમેરિકા અને
યુરોપ જ નહીં, ભારત જેવા દેશોએ પણ ભોગવવાનું આવશે. કેવી રીતે?
જો ટ્રમ્પ ઈરાક અને સીરિયામાં
ઈસ્લામિક સ્ટેટનો ખાત્મો કરવાની લ્હાયમાં કોઈ દુ:સાહસ કરશે તો તેના આફ્ટર શૉક્સ કેવા
હશે એ સમજવા અલ કાયદા અને ઈસ્લામિક સ્ટેટ ઉત્તમ ઉદાહરણ છે. અફઘાનિસ્તાનમાં સિત્તેર-એંશીના
દાયકામાં સોવિયેત યુનિયનના સૈનિકોનો ખાત્મો કરવા અમેરિકાએ અલ કાયદાના લડવૈયાઓને શારીરિક
અને શૈક્ષણિક તાલીમ આપવા ભરપૂર મદદ કરી હતી. એ વખતે અમેરિકાને અંદાજ પણ નહોતો કે,
આ લડવૈયાઓને અપાતી તાલીમ ફક્ત અમેરિકા જ નહીં, આખી દુનિયા માટે ખતરનાક સાબિત થવાની છે! શસ્ત્રોની તાલીમ તો ફક્ત શારીરિક હતી
પણ શૈક્ષણિક તાલીમમાં 'વિચારધારાના ફેલાવા'નો સમાવેશ થતો હતો. શસ્ત્રોની તાલીમ પામેલા અને ‘શિક્ષણ’ મેળવીને ચોક્કસ વિચારધારાથી પ્રભાવિત
આ લડવૈયાઓએ જ અમેરિકાના 'ટ્વિન ટાવર પર હુમલો કર્યો હતો,
જે ૯/૧૧ તરીકે જાણીતો છે. એ ઘટના પછી સોવિયેત યુનિયન સામે લડતા અલ કાયદાના
'લડવૈયા' અમેરિકા માટે રાતોરાત 'આતંકવાદી' થઈ ગયા હતા.
૯/૧૧ પછી અમેરિકાએ રાષ્ટ્રીય
સુરક્ષા તેમજ વિદેશ અને ઈમિગ્રન્ટ નીતિમાં ધરખમ ફેરફારો કર્યા. બાદમાં અફઘાનિસ્તાનને
ધમરોળીને હજારો તાલીબાનોને ખતમ કરી અલ કાયદાને પણ નબળું પાડી દીધું. જોકે,
અફઘાનિસ્તાનમાં અલ કાયદા નબળું પડ્યું એ પછીયે આતંકવાદ ખતમ ના
થયો, ઊલટાનો વધ્યો. તાલીબાનો ખતમ થયા પણ ઓસામા બિન
લાદેન નામે ઊભો થયેલો 'વિચાર' ના મર્યો.
અમેરિકાએ જ તૈયાર કરેલા આ આતંકવાદીઓ અફઘાનિસ્તાન, આફ્રિકા અને
યુરોપના દેશોમાં નાના-મોટા જૂથોમાં વહેંચાઈ ગયા, જે હજુયે સક્રિય
છે. આ ઉપરાંત અનેક 'તૈયાર લડવૈયા' ઈસ્લામિક
સ્ટેટ જેવા નવા આતંકવાદી જૂથો સાથે જોડાઈ ગયા અને તેઓ પણ અનેક દેશોમાં સક્રિય થયા.
બેલ્જિયમ અને ફ્રાંસ જેવા દેશોમાં થયેલા હુમલા એની સાબિતી છે. અહીં એ વાત પણ નોંધવી
પડે કે, ટ્વિન ટાવરના હુમલા પછી અમેરિકામાં નાના-મોટા છમકલાંને બાદ કરતા કોઈ મોટો આતંકવાદી
હુમલો સફળ થઈ શક્યો નથી. આ વાત દર્શાવે છે કે, અમેરિકાની
રાષ્ટ્રીય સુરક્ષા નીતિ જડબેસલાક છે.
હવે સિક્કાની બીજી બાજુ
જોઈએ. અમેરિકામાં કોઈ હુમલો નથી થયો એ કબૂલ પણ અમેરિકન નાગરિકો વિશ્વભરમાં ફેલાયેલા
છે અને તેઓ દુનિયાભરના દેશોનો પ્રવાસ કરે છે. આતંકવાદીઓ અમેરિકામાં ઘૂસી નથી શકતા તો
શું, હવે તેઓ દુનિયાભરના પ્રવાસન સ્થળોએ અમેરિકનો-યુરોપિયનોને
લક્ષ્યાંક બનાવે છે. અમેરિકનો પણ મુસ્લિમ દેશો સહિત દુનિયાભરમાં વેપાર-ધંધો કરે છે.
આ સ્થિતિમાં ઈરાક, સીરિયા કે
આફ્રિકાના કોઈ દેશમાં માથાફરેલ ઈસ્લામિક સત્તા આવે
તો અમેરિકાનો વાળ પણ વાંકો ના થાય એ શક્ય નથી. એટલે જ અમેરિકા આ બંને દેશમાંથી ઈસ્લામિક સ્ટેટને ખતમ કરવા સમજી વિચારીને ખેલ ખેલી રહ્યું છે. આ બંને દેશમાં આતંકવાદ સામે લડવા
અમેરિકાએ વિવિધ સ્તરે લાંબા ગાળાની વ્યૂહાત્મક નીતિઓ અમલમાં મૂકી છે. પરંતુ ઈરાકમાં સદ્દામ હુસૈનને
ખતમ કરવા 'પોલિટિકલી ઈનકરેક્ટ' પગલું લીધા પછી જ ઈસ્લામિક સ્ટેટ નામનું ‘જીન’ બાટલીમાંથી બહાર આવ્યું છે
અને આતંકવાદ વધ્યો છે, જેનો અમેરિકાને પણ ભય છે. અફઘાનિસ્તાન
અને ઈરાકનો ઈતિહાસ ગવાહ છે કે, અમેરિકાની ભૂલોના કારણે તેમણે તો ઠીક, આખી દુનિયાએ આતંકવાદનો
સામનો કરવો પડ્યો છે! અત્યારે અલ કાયદા અને ઈસ્લામિક સ્ટેટ ભારતને નડી જ રહ્યા છે ને?
આ 'જો અને તો'ના
અનુમાનો સાથે બીજા પણ કેટલાક મુદ્દા ધ્યાનમાં રાખવા જેવા
છે. સૌથી પહેલી વાત એ કે, અમેરિકામાં ૯/૧૧
હુમલો થયો ત્યારે રિપબ્લિકન પાર્ટીની સરકાર હતી અને પ્રમુખ હતા જ્યોર્જ બુશ. આ જાણકારી
આપવાનો અર્થ એ નથી કે, આતંકવાદ વધ્યો એ માટે રિપબ્લિકન પાર્ટી
જવાબદાર છે. ટ્વિન ટાવરના હુમલાની તૈયારી તો અલ કાયદાએ ઘણાં વર્ષો પહેલાં શરૂ કરી દીધી
હતી. જ્યોર્જ બુશ અગાઉ અમેરિકન પ્રમુખપદે ડેમોક્રેટિક પાર્ટીના બિલ ક્લિન્ટન હતા. સિત્તેર-એંશીના
દાયકામાં અમેરિકાએ સોવિયેત યુનિયન સામે અફઘાનિસ્તાનના મુજાહિદ્દિનનોને મદદ કરવાનું
શરૂ કર્યું ત્યારે ડેમોક્રેટિક પાર્ટીના જિમી કાર્ટર અમેરિકન પ્રમુખ હતા. કાર્ટરની
વિદાય પછી વર્ષ ૧૯૮૧માં અમેરિકન પ્રમુખપદે રિપબ્લિકન પાર્ટીના રોનાલ્ડ રેગન આવ્યા અને
એમણે પણ એ જ નીતિઓ ચાલુ રાખી.
આ તમામ અમેરિકન પ્રમુખોના
કાર્યકાળમાં અમેરિકાની આતંકવાદ
સામેની લડાઈ ચાલી જ રહી હતી અને હજુયે ચાલી રહી છે.
એ વખતે પણ અમેરિકા જે
કરવું હોય તે કરતું જ હતું, પણ અમેરિકાની મુક્ત અને ખુલ્લું મન ધરાવતા અમેરિકન સમાજની
છબિને નુકસાન પહોંચાડ્યા વિના. એ અસલી અમેરિકા હતું. ૯/૧૧
પછી અમેરિકાને ફૂલપ્રૂફ કરવાનું કામ કોઈ શોરબકોર વિના શરૂ થઈ જ ગયું હતું. એ પછી તો અમેરિકાએ
આતંકવાદ વિરોધી અભિયાનમાં ઘણી મોટી સફળતાઓ મેળવી છે. આતંકવાદી જૂથો દ્વારા મુસ્લિમ દેશોમાં અમેરિકા વિરોધી જુવાળ
ઊભો કરવાના સફળ પ્રયાસ પછીયે અમેરિકા આતંક વિરોધી અભિયાનમાં મુસ્લિમ દેશો અને મુસ્લિમ
નાગરિકોનો સાથ મેળવી
શક્યું છે. દુશ્મનના મગજમાંથી 'દુશ્મની'
જ ખતમ કરી નાંખવી એ જ યુદ્ધની અસલી જીત છે અને આજના જમાનામાં દેશ કે સમાજને એ વાત વધારે લાગુ પડે છે. અમેરિકા
અને યુરોપિયન દેશોના સૈનિકો ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સાથે સીધી લડાઈ નથી લડી રહ્યા,
પરંતુ ઈરાક અને સીરિયાના સૈનિકોને સાથે રાખીને આ કામ કરી રહ્યા છે. આ
એક વ્યૂહ છે, સ્પેશિયલ ફોર્સનું ઓપરેશન છે, માસ્ટર સ્ટ્રોક છે. આ ખ્રિસ્તીઓ વિરુદ્ધ ઈસ્લામની લડાઈ નથી, એવું સાબિત કરવામાં
આ પ્રકારનો જ ‘ઈતિહાસ’ જ કામમાં આવે છે.
ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી
ક્લિન્ટન માટેના ચૂંટણી પ્રચારમાં અમેરિકન પ્રમુખ બરાક ઓબામા કિર્ઝ ખાનના પુત્ર હુમાયુ
ખાનની શહીદીનો ખાસ ઉલ્લેખ કરતા હતા. પાકિસ્તાની મૂળના કિર્ઝ ખાનનો પુત્ર હુમાયુ ખાન
અમેરિકન લશ્કરમાં કેપ્ટન હતો અને ઈરાક યુદ્ધ મોરચે આતંકવાદીઓ સામે લડતી વખતે શહીદ થયો
હતો. કિર્ઝ
ખાને ટ્રમ્પ વિરુદ્ધ આપેલું ભાષણ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. ધર્મ,
જાતિ, ઓળખ અને પ્રદેશોની ઓળખના આધારે યુદ્ધો લડવા
એ જૂનીપુરાણી પદ્ધતિ છે. યુદ્ધનો આ 'આઉટડેટેડ' પ્રકાર છે, જે 'સો કૉલ્ડ મોડર્ન સિવિલાઈઝ્ડ' લોકો નથી લડતા.
અમેરિકામાંથી દરેક મુસ્લિમને
હાંકી કાઢવો શક્ય નથી એ વાત યાદ રાખીને ઓબામા સરકાર ઈસ્લામિક સ્ટેટ સામે લડી જ રહી
હતી, એ વાત ટ્રમ્પના સમર્થકો સમજે તો ઘણું. ઈરાક
અને સીરિયામાં ઈસ્લામિક સ્ટેટ નબળું પડવું જ જોઈએ, પણ જો ઈસ્લામિક સ્ટેટનો ટ્રમ્પ સ્ટાઈલમાં ખાત્મો થશે તો અમેરિકા અને યુરોપ પર ખતરો વધશે. કદાચ ઓબામા
આ વાત સમજી ગયા હતા.
શું ટ્રમ્પ આ વાત સમજશે?
No comments:
Post a Comment