જમ્મુ કાશ્મીરના પેમ્પોરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આપણા પાંચ જવાનો
શહીદ થઈ ગયા. એ પાંચમાં ત્રણ તો સ્પેશિયલ ફોર્સના કમાન્ડો હતા. પહેલા પઠાણકોટ અને
હવે પેમ્પોરની ઘટના પછી સ્પેશિયલ ફોર્સના બેજવાબદારીભર્યા ઉપયોગ અને ઓપરેશન ટેક્ટિક્સ
સામે અત્યંત ગંભીર સવાલો ઊભા થયા છે. પેમ્પોરનો આતંકવાદી હુમલો પણ પાકિસ્તાને ઊભા
કરેલા લશ્કર એ તૈયબાની દેખરેખમાં જ થયો હોવાના અહેવાલ છે. કદાચ આ પ્રકારની
ઘટનાઓમાં પાકિસ્તાને તો કશું ગુમાવવાનું નથી પણ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામેના
યુદ્ધમાં ભારતના એલિટ કમાન્ડોઝ સતત શહીદ થઈ રહ્યા છે. એક તરફ પાકિસ્તાને ભારત સામે
લડવા આતંકવાદનું હથિયાર અજમાવ્યું છે અને બીજી તરફ, ચીન સ્પેશિયલ ફોર્સનો વ્યૂહાત્મક ઉપયોગ કરીને ભારતથી સતત
આગળ નીકળી રહ્યું છે. આ વાતનું તાજું ઉદાહરણ છે, તિબેટમાં સતત ફૂલીફાલી રહેલો પ્રવાસન ઉદ્યોગ. આ વાત થોડી
વિગતે સમજીએ.
ભારતની જેમ ચીન પણ સંરક્ષણ બજેટ પાછળ ધૂમ ખર્ચ કરી રહ્યું છે. જોકે,
ચીને ભારત સહિતના તમામ
દેશોની સરહદો પર માળખાગત સુવિધાઓ વિકસાવીને પ્રવાસન ઉદ્યોગને ધક્કો મારવા એક બજેટ
બનાવ્યું છે, જે ખરેખર 'સંરક્ષણ બજેટ' જ છે. આ ચાઈનીઝ સ્ટાઈલ છે. વર્ષ ૨૦૧૫માં ચીન નાનકડા તિબેટમાં બે કરોડ અને
તિબેટન પ્લેટુમાં ૨.૩૦ કરોડ પ્રવાસી આકર્ષવામાં સફળ રહ્યું હતું. તિબેટની ભૌગોલિક
સ્થિતિથી તો આપણે વાકેફ છીએ પણ આ તિબેટન પ્લેટુ પણ સંરક્ષણની રીતે મહત્ત્વનો
ભૌગોલિક વિસ્તાર છે. તિબેટન પ્લેટુ મધ્ય એશિયાથી લઈને છેક પૂર્વ એશિયા સુધીનો ઉચ્ચ
ખડકાળ પ્રદેશ છે, જે ઉત્તરથી દક્ષિણ એક હજાર કિલોમીટર અને પશ્ચિમથી પૂર્વ અઢી હજાર કિલોમીટર
લાંબો પટ્ટો છે. દરિયાઈ સપાટીથી ૧૪,૮૦૦ ફૂટ ઊંચાઈએ આવેલો આ પ્રદેશ ૨૫ લાખ સ્ક્વેર કિલોમીટરમાં
પથરાયેલો છે. તિબેટન પ્લેટુ વિશ્વનો સૌથી ઊંચો પ્રદેશ હોવાથી રૂફ ઓફ ધ
વર્લ્ડ-દુનિયાનું છાપરું તરીકે પણ ઓળખાય છે. તિબેટન પ્લેટુમાં લગભગ આખું તિબેટ,
પશ્ચિમ ચીનનો કિન્ઘાઈ
પ્રોવિન્સ અને લદ્દાખનો પણ ઘણો વિસ્તાર આવી જાય છે.
![]() |
તિબેટની પચાસમી વર્ષગાંઠ નિમિત્તે ચીનની ભપકાદાર પરેડમાં ચીનના બસ્સો સૈનિકો આવી રીતે ચીની ધ્વજ લઈને આવ્યા હતા |
તિબેટન પ્લેટુની આસપાસ યુનનાન, સિચુઆન અને ગાન્સુ પ્રોવિન્સ આવેલા છે. ગયા વર્ષે આ ત્રણેય
પ્રોવિન્સમાં દોઢેક કરોડ પ્રવાસી ફરવા આવ્યા હતા. આમ,
ચીન વર્ષ ૨૦૧૫માં તિબેટ,
તિબેટન પ્લેટુ અને
તિબેટન પ્લેટુની આસપાસ છ કરોડ પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યું હતું. ભારત સાથેના
સાંસ્કૃતિક યુદ્ધની દૃષ્ટિએ ચીનની આ બહુ મોટી સફળતા છે. તિબેટમાં પ્રવાસીઓને
આકર્ષવા ચીન તિબેટની સંસ્કૃતિ, કુદરતી સૌંદર્ય, લોકસંગીત, બર્ફીલા પર્વતો, આધ્યાત્મિક સ્પર્શ, પવિત્ર સરોવરો અને તિબેટિયનો જેનું ગૌરવ લે છે એ બધાનો
પ્રચાર કરે છે. આ માટે ચીન ધૂમ પૈસા ખર્ચી રહ્યું છે પણ બદલામાં તેને ઊંચું
ચક્રવૃદ્ધિ વ્યાજ પણ મળી રહ્યું છે. ચીને એક જ કાંકરે બહુ બધા પક્ષીઓ માર્યા છે.
જેમ કે, ચીને પ્રવાસનના નામે તિબેટમાં મહાકાય રસ્તા, એરપોર્ટ, ટનલ અને પાઈપલાઈન બનાવ્યા છે. આ બધી જ માળખાગત સુવિધાનો
ઉપયોગ ચીનનું લશ્કર પણ કરી રહ્યું છે. હવે ચીને સંરક્ષણ માટે વધારાના યુઆન (ચીનનું
ચલણ) ફાળવવાની જરૂર જ નથી. ઊલટાનું પ્રવાસનમાંથી જે કંઈ આવક થાય છે એનો જ ચીન
વ્યૂહાત્મક ઉપયોગ કરે છે. વર્ષ ૨૦૧૫માં પશ્ચિમ તિબેટમાં કૈલાશ પર્વતની આસપાસના
વિસ્તારોમાં ૪.૭૦ લાખ પ્રવાસી આવ્યા હતા, જે ૨૦૧૩ કરતા ૫૦ ટકા વધારે છે. પ્રવાસન ઉદ્યોગ વિકસાવીને
ચીને તિબેટન પ્લેટુને રાજકીય-સાંસ્કૃતિક રીતે સંતુલિત (પોતાની તરફેણમાં) કર્યું છે,
તિબેટમાં પોતાના પાયા
વધુ ઊંડા કર્યા છે અને સરહદી વિસ્તારમાં રહેતા લોકોનો વિશ્વાસ જીતી લીધો છે.
શું સ્થાનિકોનો વિશ્વાસ જીત્યા વિના સરહદી સુરક્ષા જડબેસલાક કરવી શક્ય છે?
ના,
બિલકુલ નહીં.
ભારત-પાકિસ્તાનની સરહદો કેમ આટલી પોલી છે? આ સવાલનો ટૂંકમાં એવો જવાબ આપી શકાય કે,
આપણે સ્થાનિકોને આપણી
તરફેણમાં નથી કરી શક્યા. આતંકવાદ સામે સ્પેશિયલ ફોર્સીસની મદદથી લડાતા સાંસ્કૃતિક
યુદ્ધનું મહત્ત્વ ભારત બહુ મોડું સમજ્યું છે. જમ્મુ અને કાશ્મીરની પ્રજાનો વિશ્વાસ
જીતવામાં ભારત સરેઆમ નિષ્ફળ ગયું છે એ વાત ભારત સરકાર અને લશ્કર બંને સારી રીતે
જાણે છે. આ હકીકતોને ધ્યાનમાં લઈને જ વર્ષ ૧૯૯૮માં ભારત સરકારે લેફ્ટનન્ટ જનરલ
અર્જુન રેની દેખરેખ હેઠળ જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન સદ્ભાવના શરૂ કર્યું હતું. આ
યોજના હેઠળ અહીં ૧૩ સદભાવનાના સ્કૂલ, ૧૧ મહિલા સશક્તિકરણ કેન્દ્ર અને અભણ સ્ત્રીઓ માટે ૬૦
શૈક્ષણિક કેન્દ્ર શરૂ કરાયા છે. જમ્મુ અને કાશ્મીરના વધુને વધુ યુવાનોને ભારતીય
લશ્કરમાં નોકરી અપાઈ રહી છે. અહીંના યુવાનોને આઈઆઈટી જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં
અભ્યાસ કરવો હોય તો લશ્કરના ફ્રી કોચિંગ કેમ્પ પણ મોજુદ છે. આ પ્રકારના 'યુદ્ધ' સ્પેશિયલ ફોર્સીસની દેખરેખ હેઠળ થતા હોય છે એટલે તેનું
મહત્ત્વ કેટલું હોય એ સમજી શકાય છે. ટૂંકમાં સ્પેશિયલ ફોર્સીસનું કામ સાંસ્કૃતિક
યુદ્ધ કરવાનું છે. શારીરિક હુમલો તેમના માટે સૌથી છેલ્લો વિકલ્પ હોય છે. પઠાણકોટ
હુમલાની ઘટના વખતે આ કોલમમાં સ્પેશિયલ ફોર્સીસનું માળખું અને તેનું વાસ્તવિક કામ
શું છે એ વિશે વિસ્તૃત માહિતી અપાઈ હતી.
ચીને પણ સ્પેશિયલ ફોર્સીસની દેખરેખ હેઠળ જ તિબેટમાં 'વિકાસનું હથિયાર' અજમાવ્યું છે. ચીન સારી રીતે જાણે છે કે,
તિબેટમાં લશ્કરને
સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં જોખમ છે, બંદૂકનો ઉપયોગ કરીશું તો લાંબા ગાળે મુશ્કેલીઓ વધશે અને
છેવટે હારી-થાકી જઈશું. આ બધું સમજ્યા પછી જ ચીને તિબેટના થોલિંગ,
સાપારંગ અને રુતોક જેવા
ઐતિહાસિક શહેરોના વિકાસની યોજનાઓ બનાવી છે. આ બધા જ શહેરોની સરહદો લદ્દાખ,
હિમાચલ પ્રદેશ અને
ઉત્તરાખંડ સાથે છે. ચીને લ્હાસા અને નિંગચીને જોડતી ૪૦૨ કિલોમીટર લાંબી રેલવે લાઈન
મંજૂર કરી છે. ચીનના સિચુઆન પ્રોવિન્સની રાજધાની ચેંગડુ અને તિબેટની રાજધાની
લ્હાસાને જોડતી ૧,૬૨૯ કિલોમીટર લાંબી રેલવે લાઈનનું કામ પણ શરૂ થઈ ગયું છે. વર્ષ ૨૦૨૦ સુધીમાં
ચીને નેપાળ સાથેની સરહદો સુધી રેલવે લાઈનો નાંખવાની પણ યોજના બનાવી છે. આ યોજનાનો
હેતુ નેપાળના લોકો ચીનની પ્રજા સાથે વધુ સાંસ્કૃતિક ઐક્ય અનુભવે એ છે. ચીનને
ભવિષ્યમાં બ્રહ્મપુત્રા એટલે કે તિબેટની સાંગપો નદી પર આકાર લેનારા હાઈડ્રોપાવર
પ્રોજેકટ્માં પણ આ રેલવે લાઈનોની મદદ મળશે. હાલમાં જ નેપાળમાં મધેશીઓના આંદોલન
વખતે જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે નેપાળનો ભારત કરતા ચીન તરફ વધારે ઝુકાવ જોવા મળ્યો
હતો.
કદાચ થોડા સમય પછી તિબેટમાં 'ચીનના વિકાસ'નો વિરોધ કરનારા તિબેટિયનો તિબેટના દુશ્મનો,
વિકાસના વિરોધીઓ અને
દેશદ્રોહીઓ ગણાવા લાગે તો ભારતને આશ્ચર્ય ના થવું જોઈએ. ભારતની મુશ્કેલી એ છે કે,
નેપાળ,
તિબેટ તેમજ અરુણાચલ
પ્રદેશ, મણિપુર, લદ્દાખના લોકો ચહેરા-મ્હોરાની રીતે પણ ચીનના લોકો સાથે વધારે જોડાણ અનુભવે છે.
ચીન માટે ઘણાં વર્ષો સુધી તિબેટની અલગતાવાદી ચળવળ માથાના દુઃખાવા સમાન હતી. જમ્મુ
અને કાશ્મીરમાં ભારતની સ્થિતિ પણ આવી જ છે. જોકે, ચીને વર્ષો પહેલાં સમજી વિચારીને એ મુશ્કેલીઓને જડમૂળમાંથી
ઉખેડવા એક સાંસ્કૃતિક યુદ્ધની શરૂઆત કરી દીધી હતી. સપ્ટેમ્બર ૨૦૧૫માં તિબેટની ૫૦મી
જ્યંતિ નિમિત્તે તો ચીને રાજધાની લ્હાસામાં પીપલ્સ લિબરેશન આર્મીની ભવ્યાતિભ્ય
પરેડ યોજીને એક સાંસ્કૃતિક યુદ્ધ છેડાઈ ગયાની આડકતરી કબૂલાત પણ કરી હતી. આ દરમિયાન
પોલિટ બ્યુરોના પ્રતિનિધિ મંડળે તિબેટમાં તૈનાત ચીની લશ્કરના ઉચ્ચ અધિકારીઓને
કહ્યું હતું કે, તમે અલગતાવાદી સંગઠનોને કડક હાથે દાબી દો અને ૧૪મા દલાઈ લામા સામે એક લાંબા
યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ... આ લાંબુ યુદ્ધ એટલે જ ચીનનું તિબેટમાં ચાલી રહેલું
સાંસ્કૃતિક યુદ્ધ. આ પ્રકારના યુદ્ધોમાં ગોળી છોડવી એ અંતિમ વિકલ્પ હોય છે. એટલે જ
તે 'બુલેટલેસ
વૉર' તરીકે
ઓળખાય છે, જે સ્પેશિયલ ફોર્સીસની દેખરેખ હેઠળ લડાતા હોય છે. આપણે સાંસ્કૃતિક લડાઈ તો ઠીક,
પઠાણકોટ-પેમ્પોર જેવા
કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશનમાં પણ સ્પેશિયલ ફોર્સીસની ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ નથી કરી
શક્યા, એ કડવી
હકીકત છે.
નોંધ ઃ ચીન સોફ્ટ પાવર વધારવામાં પણ ભારતથી સતત આગળ નીકળી રહ્યું છે. એ મુદ્દે લખેલો લેખ અહીં વાંચી શકો છો.
No comments:
Post a Comment