જે સજીવો વાતાવરણ
અનુકૂળ ના થાય ત્યાં સુધી બિલકુલ નિષ્ક્રિય થઈને સુષુપ્તાવસ્થામાં જતા રહે એ
સ્થિતિને હાઈબરનેશન પીરિયડ એટલે કે શીતનિદ્રા કાળ કહે છે.
સોવિયત યુનિયનથી લઈને અત્યારના રશિયાનું સરવૈયું જોતા એવું લાગે છે કે,
લાંબી શીતનિદ્રા ભોગવ્યા પછી રશિયા ફરી એકવાર સક્રિય થઈ રહ્યું છે.
સોવિયત યુનિયનના ભાગલા અને એ પછી સુપરપાવરની દોડમાંથી ફેંકાઈ ગયાનું અપમાન સહન કરી
ચૂકેલા રશિયાની ઈસ્લામિક સ્ટેટ સામેની આક્રમક કાર્યવાહી દર્શાવે છે કે, રશિયાને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાની બરાબરી કરી પોતાનું વજન
વધારવાની ચાનક ચઢી છે. આ સ્થિતિ રશિયાના જૂના મિત્ર ભારત માટે પણ વ્યૂહાત્મક રીતે
અત્યંત મહત્ત્વની છે કારણ કે, વાજપેઈ કાળથી ભારતે રશિયા
સાથેના સંબંધો જાળવી રાખીને અમેરિકા સાથે પણ એક નવો અધ્યાય લખવાની શરૂઆત કરી દીધી
હતી. ભારત-રશિયાના ઊંડા વ્યૂહાત્મક સંબંધોના કારણે જ અમેરિકા અને પાકિસ્તાનના
સંબંધો છેક નેવુંના દાયકા સુધી વધારે ‘મજબૂત’ હતા. છેલ્લાં ત્રણ દાયકામાં આ ચારેય દેશો વચ્ચેના સંબંધોમાં આહિસ્તા
આહિસ્તા જે બદલાવ આવ્યો છે એ ખૂબ જ રસપ્રદ છે.
હવેના યુદ્ધો
હથિયારોની સાથે વ્યૂહાત્મક નીતિઓ અને વેપારી નીતિઓથી પણ લડાઈ રહ્યા છે. ૨૧મી
સદીમાં એક ગોળી છોડ્યા વિના પણ કોઈ દેશની ખાનાખરાબી કરવાના સંજોગો ઊભા કરી શકાય
છે. હજુ થોડા સમય પહેલાં જ રશિયાએ આવો જ માર ખાધો હોવાથી ઈસ્લામિક સ્ટેટ સામેની
લડાઈ અત્યંત આક્રમકતાથી લડી રહ્યું છે. આ વાત ટૂંકમાં સમજીએ. વર્ષ ૨૦૧૪ના અંતમાં
રશિયાનો રૂબલ સતત ધોવાઈ રહ્યો હતો. એવું લાગતું હતું કે,
રશિયાના હાલ સોવિયત યુનિયન જેવા થશે. રૂબલનું ધોવાણ થવાનું એકમાત્ર
કારણ ક્રૂડ ઓઈલના સતત નીચા જઈ રહેલા ભાવ હતા. ક્રૂડનું અર્થતંત્ર અત્યંત જટિલ છે.
ક્રૂડના ભાવ નીચા જાય ત્યારે ભારત જેવા ક્રૂડની જંગી આયાત કરતા દેશને ફાયદો થાય છે
પણ રશિયા જેવા અનેક દેશોનું અર્થતંત્ર ડામાડોળ થઈ જાય છે. જે ખાડી દેશોનું
અર્થતંત્ર જ ક્રૂડ પર નિર્ભર છે ત્યાં ક્રૂડનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું
હોવાથી ક્રૂડના ભાવ ઘટી રહ્યા હતા. આમ છતાં, અમેરિકાએ ફક્ત
રશિયાનું અર્થતંત્ર ડામાડોળ કરવા પોતે પણ ક્રૂડનું જંગી ઉત્પાદન ચાલુ રાખ્યું,
જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ વધારે ઘટે અને રશિયાની સ્થિતિ
વધારે ખરાબ થાય. ક્રૂડનું ઉત્પાદન કરવા અમેરિકાને ખાસ કોઈ આર્થિક નુકસાન નહોતું
જતું. એને ફક્ત રશિયાને હેરાન કરવામાં રસ હતો.
![]() |
વ્લાદિમીર પુતિન |
હવે મહત્ત્વનો સવાલ એ
છે કે, અમેરિકાને અચાનક રશિયા સામે શું વાંધો
પડ્યો? વાત એમ હતી કે, યુક્રેનની પૂર્વ અને ઉ. પૂર્વીય
સરહદે રશિયા છે, જ્યારે દક્ષિણ પૂર્વે ઓટોનોમસ રિપબ્લિક ઓફ
ક્રિમિયા છે. સોવિયત યુનિયનના પ્રમુખ નિકિતા ખુશ્ચોવે વર્ષ ૧૯૫૪માં કેટલાક કરારો
કરીને ક્રિમિયાનો હવાલો યુક્રેનને સોંપી દીધો હતો. હાલના ક્રિમિયામાં ૫૮ ટકાથી
વધારે વસતી રશિયનોની છે અને બાકીની પ્રજામાં યુક્રેનિયનો સહિતની લઘુમતીઓનો સમાવેશ
થાય છે. આ લઘુમતીઓને સતત રશિયનોની દાદાગીરી સહન કરવી પડે છે. અહીં મોટા ભાગના
રશિયનો ક્રિમિયાને આજેય રશિયાનો હિસ્સો મનાવવા આતુર છે. ક્રિમિયાના રશિયન સમર્થકો
અને યુક્રેન સાથે જ જોડાઈ રહેવા માગતા લોકો વચ્ચે અહીં સંઘર્ષ ચાલતો રહે છે. આ
સંઘર્ષ વખતે રશિયા રશિયનોની સુરક્ષાનું બહાનું આગળ ધરીને લશ્કરી કાર્યવાહી કરતું
રહે છે. ફેબ્રુઆરી-માર્ચ ૨૦૧૪માં તો રશિયાએ આવા બહાના આગળ ધરીને આખેઆખા ક્રિમિયા
પર જ કબજો કરી લીધો. એટલું જ નહીં, રશિયન સરકારે કાયદો અને
વ્યવસ્થા જાળવવાના નામે યુક્રેનમાં પણ લશ્કર ખડકી દીધું. રશિયાનું કહેવું હતું કે,
અમને યુક્રેનના પ્રમુખે જ તેમના દેશની કાયદો અને વ્યવસ્થા સ્થિતિ
જાળવવા વિનંતી કરી છે...
આ વાત જગત જમાદાર
અમેરિકા અને યુરોપિયન દેશોથી સહન ના થઈ અને તેણે મિત્રરાષ્ટ્રો સાથે મળીને રશિયા
પર આર્થિક પ્રતિબંધો લાદી દીધા. અમેરિકા સ્પષ્ટપણે માને છે કે,
વિશ્વના દરેક દેશમાં લોકશાહી, માનવાધિકાર અને
વાણી સ્વાતંત્ર્ય જેવા મૂલ્યોની રક્ષા કરવાનો 'હિંસક'
અધિકાર ફક્ત તેને જ છે. યુક્રેન મુદ્દે રશિયાએ અમેરિકાના અહંકાર પર
ઘા કર્યો હતો. એટલે અમેરિકાએ પણ ક્રૂડ ઓઈલ અર્થતંત્રના આટાપાટાનો લાભ લઈને રશિયાને
થોડો સમય ધૂળ ચાટતું કરી દીધું હતું. એ અપમાન સહન કર્યા પછી રશિયાએ લાલઘૂમ થઈને
ક્રૂડ ઓઈલના ભાવ સતત નીચા જવા બદલ અમેરિકાને ખુલ્લેઆમ જવાબદાર પણ ઠેરવ્યું હતું. આ
દરમિયાન એવા યોગાનુયોગ સર્જાયા કે, રશિયા નામના અજગરને આળસ
ખંખેરવાની બહુ મોટી તક મળી ગઈ. સૌથી પહેલી ઘટના રશિયાનું ઈજિપ્તથી સેન્ટ પિટ્સબર્ગ
જઈ રહેલું પ્લેન ઈસ્લામિક સ્ટેટે તોડી પાડ્યું એ હતી. આ પ્લેન પોતે જ ફૂંકી માર્યું
છે એવો ઈસ્લામિક સ્ટેટે દાવો પણ કર્યો, જે આડેધડ હુમલા કરવા
રશિયા માટે બહુ મહત્ત્વનો હતો. બીજી ઘટના હતી પેરિસ પર થયેલો આતંકવાદી હુમલો,
જ્યારે ત્રીજી અને સૌથી મહત્ત્વની વાત ઈસ્લામિક સ્ટેટનો ગઢ સીરિયા
છે, એ હતી.
ઈરાન અને સીરિયા
છેલ્લાં ઘણાં સમયથી અમેરિકાની નીતિઓના વિરોધી રહ્યા છે. આ તકનો લાભ લઈને રશિયાએ
બહુ વર્ષો પહેલાં આ બંને દેશો સાથે મજબૂત દોસ્તી કરી લીધી હતી. આ સ્થિતિ રશિયા
માટે 'ભાવતું હતું અને વૈદે કહ્યું' સમાન હતી. હવે રશિયા સીરિયાના પ્રમુખ બશર અલ અસદની ‘મંજૂરી’થી ઈસ્લામિક સ્ટેટના અડ્ડા ધમરોળી રહ્યું છે. આ વાત અમેરિકા અને યુરોપિયન
દેશોને ખૂંચે છે પણ પેરિસ હુમલા પછી ઈસ્લામિક સ્ટેટ એટલે કે આતંકવાદ સામેની
લડાઈમાં અજાણતા જ એક નવી ધરી સર્જાઈ હોવાથી અમેરિકા સહિતના દેશો રશિયાનો સજ્જડ
વિરોધ કરી શકતા નથી. રશિયા અત્યાધુનિક એરક્રાફ્ટથી ઈસ્લામિક સ્ટેટ પ્રભાવિત
વિસ્તારોમાં હવાઈ હુમલા કરી રહ્યું છે. એટલું જ નહીં, રશિયાએ
ભૂમધ્ય મહાસાગરમાં સબમરિન ખડકીને મિસાઈલો પણ ઝીંકી રહ્યું છે. અમેરિકા અને યુરોપના
કેટલાક દેશો કોરસ ગાન કરી રહ્યા છે કે, રશિયા ઈસ્લામિક
સ્ટેટનો ખાત્મો બોલાવવાના નામે સીરિયન પ્રમુખના વિરોધીઓને પણ ખતમ કરી રહ્યું છે.
રશિયા તેના અત્યાધુનિક હથિયારો પશ્ચિમને બતાવવા આવા હુમલા કરી રહ્યું છે...
જોકે,
આ બધા આરોપો વચ્ચે દ્વિતિય વિશ્વયુદ્ધ પછી પહેલીવાર વિશ્વમાં
અત્યાધુનિક હથિયારોનો આટલા મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. ઈસ્લામિક સ્ટેટ
સામેની કાર્યવાહીમાં રશિયાએ સમજી વિચારીને ‘ગેંગલીડર’ની ભૂમિકા અપનાવી છે. સીરિયામાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ હોવાથી ખરેખર શું
રંધાઈ રહ્યું છે એ પણ અમેરિકા અને યુરોપિયન દેશો કળી શકતા નથી. આમ, ઈસ્લામિક સ્ટેટ સામેની અત્યંત આક્રમક લડાઈના મૂળમાં યુક્રેન કટોકટી વખતે
જે પલિતો ચંપાયો હતો એ પણ જવાબદાર છે. ઈસ્લામિક સ્ટેટનો ખાત્મો કરવા નીકળેલા રશિયન
જેટને તૂર્કીએ તોડી પાડ્યું ત્યારે પણ રશિયાનું વલણ 'સુપરપાવર'
જેવું હતું. રશિયાએ કહ્યું હતું કે, અમે કોઈ
પણ સંજોગોમાં 'આ કૃત્ય કરનારાને' માફ
નહીં કરીએ...
બીજી તરફ,
અમેરિકાના તમામ વિરોધી અને મિત્ર રાષ્ટ્રો સાથે પણ રશિયા વ્યૂહાત્મક
સંબંધ આગળ વધારી રહ્યું છે. ઈસ્લામિક સ્ટેટ સામે યુદ્ધ છેડતા પહેલાં રશિયા અણુ
ઊર્જા આધારિત યોજના પૂરી કરવામાં ઈરાનને મદદ કરી ચૂક્યું હતું. એ પહેલાં આખા મધ્ય
પૂર્વમાં અણુ ઊર્જા આધારિત પ્લાન્ટ ન હતો. ઈરાન સામેના અમેરિકાના આર્થિક પ્રતિબંધોનો
રશિયા સતત વિરોધ કરે છે. ઈરાન, સીરિયા અમેરિકા પાસેથી નહીં
પણ રશિયા પાસેથી શસ્ત્રો ખરીદી રહ્યા છે. રશિયાએ ચીન, જાપાન
અને કોરિયા સાથેના સંબંધોમાં પણ નવી ઊંચાઈ હાંસલ કરી છે. ચીન-રશિયાએ ક્રૂડના વેપાર
માટે સાઇબેરિયન ઓઈલ પાઈપલાઈન પ્રોજેક્ટ પૂરો કર્યો છે. રશિયાના સંબંધ ભારત સાથે પણ
એવા જ છે, જેવા નહેરુકાળમાં હતા. આજેય સંરક્ષણથી લઈને અવકાશ
ટેક્નોલોજીમાં ભારત-રશિયા પરસ્પર સહકાર આપી રહ્યા છે.
આ આખાય 'ફિલ્મી' ઘટનાક્રમોમાં સૌથી મહત્ત્વની ભૂમિકા રશિયન
પ્રમુખ વ્લાદિમિર પુતિનની છે. પુતિને રશિયન જાસૂસી સંસ્થા કેજીબીમાં ૧૬ વર્ષ કામ
કર્યા પછી વર્ષ ૧૯૯૧માં રાજકારણમાં ઝંપલાવ્યું હતું. વર્ષ ૧૯૯૬માં પુતિને બોરિસ
યેલત્સિન સાથે કામ શરૂ કર્યું હતું અને વર્ષ ૧૯૯૯માં યેલત્સિને અચાનક રાજીનામું
આપતા તેઓ કાર્યકારી પ્રમુખ બન્યા હતા. પુતિને સ્થાનિક સ્તરે બધા જ બળવાખોરોને ચૂપ
કરીને લોકપ્રિયતા પણ હાંસલ કરી છે. આજે તેઓ રશિયાનો પર્યાય બની ગયા છે. દર થોડા
દિવસે વિશ્વભરના અખબારોમાં પુતિનના છરહરા બદનની તસવીરો છપાય છે, જેમાં તેઓ જુડોના દાવ ખેલતા, જંગલમાં રઝળપાટ કરતા કે
આઈસ હોકી ખેલતા નજરે પડે છે.
No comments:
Post a Comment