મલેશિયન એરલાઈન્સની આઠમી માર્ચ, 2014ના રોજ ગૂમ થયેલી બોઈંગ એમએચ 370 ફ્લાઈટના 227 મુસાફરો તેમજ વિમાનના ભંગારનું શોધ અભિયાન હજુ પણ ચાલી રહ્યું છે. અમેરિકા સહિતના દેશો આ શોધ અભિયાનમાં ડૂબેલા છે ત્યાં જ અમેરિકા અને અન્ય યુરોપિયન દેશોએ બીજું એક શોધ અભિયાન શરૂ કરવાનો વારો આવ્યો છે. નાઈજિરિયાના બોર્નો રાજ્યના ચિબોક શહેરમાં 14-15મી એપ્રિલ, 2014ના રોજ સ્થાનિક આતંકવાદી જૂથે 276 યુવતીઓનું અપહરણ કરતા અમેરિકા સહિતના દેશો આ યુવતીઓને શોધવામાં લાગી ગયા છે. આ ઘટનાને અમેરિકન પ્રમુખ બરાક ઓબામા અને ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાએ પણ અત્યંત ગંભીરતાથી લીધી છે અને તેઓ યુવતીઓને શોધવા સોશિયલ મીડિયાની મદદથી વિશ્વને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કારણોસર નાઈજિરિયાની અપહ્યત યુવતીઓનું શોધ અભિયાન સોશિયલ મીડિયા પર પણ વાઈરલ થઈ ગયું છે.
જોકે, એમએચ 370ના શોધ અભિયાન કરતા આ યુવતીઓને શોધવી કદાચ સહેલી છે કારણ કે, ઉત્તર નાઈજિરિયામાં વર્ચસ્વ ધરાવતા બોકો હરામ નામના આતંકવાદી જૂથે આ તમામ યુવતીઓનું અપહરણ કર્યાની જવાબદારી સ્વીકારી લીધી છે. એ વાત અલગ છે કે, નાઈજિરિયન સરકાર આંતરરાષ્ટ્રીય મદદ મળવાની શરૂઆત થઈ હોવા છતાં 12થી 15 વર્ષની આટલી બધી યુવતીઓ ક્યાં છે, કેવી હાલતમાં છે તેની પ્રાથમિક માહિતી સુદ્ધાં મેળવી શકી નથી. બોકો હરામ આફ્રિકાનું ખૂબ જ કુખ્યાત આતંકવાદી સંગઠન છે અને તેમનું માનવું છે કે, “પશ્ચિમી શિક્ષણ પાપ છે.” ઉત્તર-પૂર્વીય નાઈજિરિયામાં વર્ચસ્વ ધરાવતા બોકો હરામ જૂથે પાંચ વર્ષ પહેલાં સરકાર સામે યુદ્ધ જાહેર કર્યું હતું અને તેમનો હેતુ રાજકીય અસ્થિરતા સર્જીને સરકારને પાડી દેવાનો છે. આ જૂથના વડા અબુબકર શેકાઉએ એક વીડિયો જાહેર કરીને જાહેર કર્યું છે કે, “મેં તમારી છોકરીઓનું અપહરણ કર્યું છે. હું તેમને બજારમાં ગુલામ તરીકે વેચી દઈશ. અલ્લાહે મને કહ્યું છે કે, મારે તેમને વેચી દેવી જોઈએ. અલ્લાહે જ મને વેચવાનો આદેશ આપ્યો છે.”
મિશેલ ઓબામાએ ટ્વિટર પર અપલોડ કરેલી તસવીર |
નાઈજિરયાના પ્રમુખ ગુડલક જોનાથન |
આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં નાઈજિરિયાના પ્રમુખ ગુડલક જોનાથનની આતંકવાદીઓ સાથે વાતચીત કરીને યુવતીઓને છોડાવવાની કામગીરી અત્યંત ધીમી છે. બોકો હરામે યુવતીઓના બદલામાં પોતાના કેદીઓને છોડવાની માગ કરી છે. નવાઈની વાત તો એ છે કે, અપહરણની ઘટનાના બે અઠવાડિયા સુધી પ્રમુખ જોનાથને ઉચ્ચ સરકારી અધિકારીઓ અને સરકારી સ્કૂલના સ્ટાફ સાથે બેઠક પણ કરી ન હતી. યુવતીઓનું અપહરણ થયાને લગભગ એક મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતાં તેઓ યુવતીઓને સુરક્ષિત પાછી લાવવા માટે કોઈ કૌવત બતાવી શક્યા નથી. નાઈજિરિયામાં સરકાર વિરુદ્ધ આટલી ગંભીર કામગીરી આજ સુધી ક્યારેય થઈ નથી અને છતાં નાઈજિરિયન પ્રમુખે અપહરણના એક અઠવાડિયા સુધી પ્રજાજોગ જાહેર નિવેદન કરવાની તસ્દી પણ લીધી નહોતી. એક અઠવાડિયા પછી પ્રજાજોગ નિવેદ કરતા તેમણે કહ્યું હતું કે, દેશ માટે આ ખૂબ જ કપરો સમય છે.... આટલું કહીને તેમણે યુવતીઓને સહીસલામત પાછી લાવવા માટે આંતરરાષ્ટ્રીય મદદ માગી હતી.
અમેરિકાના પ્રમુખ અને ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાએ તમામ યુવતીઓને છોડાવવા માટે અંગત પ્રયાસ હાથ ધર્યા છે. અમેરિકન રેડિયો દ્વારા દર અઠવાડિયે પ્રસારિત કરાતા સંદેશામાં મિશેલ ઓબામાએ કહ્યું છે કે, “હું અને બરાક આ તમામ છોકરીઓમાં અમારી પુત્રીઓને જોઈએ છીએ. અમે તેમની આશાઓ, તેમના સપનાંને સમજી શકીએ છીએ અને અમે તેમના માતાપિતા અત્યારે કેટલા ગુસ્સે હશે એ પણ સમજીએ છીએ. આ મધર્સ ડે નિમિત્તે વિશ્વનું ધ્યાન આ ઘટના તરફ ધ્યાન ખેંચાય એમ હું ઈચ્છું છું...” સામાન્ય રીતે, અમેરિકન રેડિયોમાં દર અઠવાડિયે અમેરિકન પ્રમુખ સંદેશ આપતા હોય છે, પરંતુ આ ઘટનાને ધ્યાનમાં રાખીને મિશેલ ઓબામાએ આ સંદેશ આપ્યો હતો. આ દરમિયાન મિશેલ ઓબામાએ ‘બ્રિંગ બેક અવર ગર્લ્સ’ જેવું લખાણ ધરાવતું પોસ્ટર બતાવતી પોતાની એક તસવીર પણ ટ્વિટર પર અપલોડ કરી છે. આ હાઈ-પ્રોફાઈલ પ્રયાસો પછી સોશિયલ મીડિયા પર સ્વાભાવિક રીતે જ નાઈજિરિયન યુવતીઓને છોડાવવાનું અભિયાન છેડાઈ ગયું છે અને અમેરિકા અને યુરોપના તમામ દેશોએ નાઈજિરિયાને યુવતીઓને છોડાવવા માટે જોઈતી તમામ મદદ કરવાની તૈયારી બતાવી છે.
બોકો હરામનો વડો અબુબકર શેકાઉ |
બીજી તરફ, પ્રમુખ ઓબામાએ આતંકવાદીઓ સાથે વાટાઘાટો કરીને યુવતીઓને છોડાવવા માટે મિલિટરી ઈન્ટેલિજન્સ અને આતંકવાદીઓ સાથે વાટાઘાટો કરી શકે એવા નિષ્ણાતોની એક ટીમ નાઈજિરિયા મોકલી છે. બોકો હરામ જૂથમાં એટલા સભ્યો નથી કે તેઓ સરકારની સામે યુદ્ધ છેડી શકે અને તો પણ નાઈજિરિયન સિક્યોરિટી ફોર્સીસ તેમની સામે લડી શકતી નથી, જે શંકાસ્પદ છે. આ દરમિયાન પ્રમુખ જોનાથને એવો પણ દાવો કરવો પડ્યો છે કે, નાઈજિરિયાની સિક્યોરિટી ફોર્સીસ સરકારના કાબૂમાં છે, પરંતુ આવી આતંકવાદી ઘટના વખતે પ્રમુખે આવો દાવો કરવો પડે એનાથી અમેરિકા જેવા દેશોના ભવાં ચડી ગયા હતા. આફ્રિકાના આતંકવાદી સંગઠનોની નીતિરીતિથી સારી રીતે વાકેફ નિષ્ણાતોનું માનવું છે કે, પ્રમુખ ગુડલક જોનાથન સાતમીથી નવમી મે દરમિયાન નાઈજિરિયાના અબુજા શહેરમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમનું આયોજનમાં વ્યસ્ત હતા એ પહેલાં સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચવા જ બોકો હરામે આ પગલું લીધું છે.
વિધિની વક્રતા તો એ છે કે, વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં વિશ્વભરમાંથી આવનારા નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓની સુરક્ષા માટે પ્રમુખ જોનાથને છ હજાર સુરક્ષા જવાનો તૈનાત કરી દીધા હતા, પરંતુ પોતાના જ નાગરિકોની સુરક્ષા કરવામાં નાઈજિરિયન સરકાર હંમેશાં ઉણી ઉતરી છે. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલના આંકડા પ્રમાણે, આ વર્ષના પહેલાં ત્રણ મહિનામાં જ બોકો હરામ અને નાઈજિરિયન સિક્યોરિટી ફોર્સ વચ્ચેની અથડામણમાં 1,500 જેટલા લોકોનો મૃત્યુ થયા છે, જેમાંથી અડધાથી પણ વધારે તો નિર્દોષ નાગરિકો છે. નાઈજિરિયાને આંતરરાષ્ટ્રીય મદદ મળ્યા પછી એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે, બોકો હરામે તમામ યુવતીઓને નાના નાના જૂથમાં વહેંચીને પાડોશી દેશોમાં મોકલી દીધી હોઈ શકે છે. આ યુવતીઓ નાઈજર, ચાડ અને કેમરૂન જેવા નાનકડા અને પછાત દેશોમાં હોઈ શકે છે. અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં નાઈજિરિયાના પાડોશી દેશોમાં પણ શોધ અભિયાન આદર્યું છે. જોકે, નાઈજિરિયન સરકાર યુવતીઓને શોધવા વિદેશી ઈન્ટેલિજન્સને પણ કોઈ મદદ કરી શકતી નથી. આતંકવાદીઓ અને અપહ્યત યુવતીઓની માહિતી આપનારને 3.10 લાખ ડૉલરનું ઈનામ જાહેર કરવા સિવાય પ્રમુખ જોનાથન હજુ સુધી કશું જ કરી શક્યા નથી.
ખેર, અમેરિકા સહિતના દેશોની મદદ મળવાના કારણે નાઈજિરિયન સરકારનો પણ આત્મવિશ્વાસ વધ્યો છે. આ પગલાંથી પશ્ચિમી દેશોને નાઈજિરિયાની ‘અંગત’ બાબતમાં દખલગીરી કરવાની તક મળી છે, પરંતુ આંતરરાષ્ટ્રીય દખલગીરીની સાથે એવી આશા પણ છે કે, યુવતીઓના અપહરણની ઘટના એ બોકો હરામ જેવા આતંકવાદી સંગઠનના વિનાશની શરૂઆત છે.
યુવતીઓએ શિક્ષણ નહીં, લગ્ન કરવા જોઈએ...
મોહમ્મદ
યુસુફ નામના કટ્ટરપંથી વિચારધારા
ધરાવતા એક મુસ્લિમ નેતાએ વર્ષ
2002માં બોકો હરામની સ્થાપના
કરી હતી. આ સંગઠનનું
ઉત્તર-પશ્ચિમ
નાઈજિરિયા, નાઈજર, કેમરૂન અને ચાડ જેવા દેશોમાં વર્ચસ્વ
છે. આ સંગઠનનો હેતુ નાઈજિરિયામાં ઈસ્લામિક
શરિયા કાનૂન લાગુ કરાવવાનો
છે અને કોઈ પણ પ્રકારના પશ્ચિમીકરણના
તેઓ કટ્ટર વિરોધી છે. આ સંગઠન ખ્રિસ્તીઓ, ચર્ચ, પોલીસ સ્ટેશન
અને સરકારી
કચેરીઓ પર બોમ્બ વિસ્ફોટો
કરવા કુખ્યાત
છે. આ ઉપરાંત તેઓ પોતાની શરતો મનાવવા વિદેશી
પ્રવાસીઓનું અપહરણ કરવાની પણ પૂરતી કાબેલિયત
ધરાવે છે. બોકો હરામની
હિંસક ચળવળના
કારણે વર્ષ 2002થી
2013 સુધીમાં દસેક હજાર લોકોના
મૃત્યુ થઈ ચૂક્યા છે. આ સંગઠન એટલું મજબૂત નથી,
પરંતુ તેનું કામકાજ કેવા માળખાના આધારે ચાલે છે તેના વિશે આધારભૂત માહિતી
પણ નાઈજિરયન
સરકાર પાસે નથી.
હાલ, આ જૂથ જુદા જુદા વિભાગોમાં
વહેંચાઈને આતંકવાદી
પ્રવૃત્તિઓને અંજામ આપતું રહે છે અને આ જૂથોનો
વડો અબુબકર
શેકાઉ છે.
આ જૂથ અલ કાયદા જેવા આતંકવાદી
સંગઠનો સાથે સંબંધ ધરાવે છે કે નહીં એ વિશે પણ મતભેદ છે. નાઈજિરિયામાં પશ્ચિમી
નાગરિકો અને ચર્ચ પર નાના-મોટા હુમલા પછી
13મી નવેમ્બર,
2013ના રોજ અમેરિકાએ બોકો હરામને આતંકવાદી
સંગઠન જાહેર કર્યું હતું. આ સંગઠન બાર વર્ષના
બાળકોનો પણ આતંકવાદી પ્રવૃત્તિમાં
ઉપયોગ કરે છે.
બોકો હરામનો 276 યુવતીઓનું અપહરણ કરવા પાછળનો
ઈરાદો એ પણ છે કે,
નાઈજિરિયામાં યુવતીઓને
શિક્ષણ આપવામાં
ના આવે. આ સંગઠનનું
માનવું છે કે,
“પશ્ચિમી શિક્ષણ
પાપ છે. યુવતીઓએ શિક્ષણ
નહીં લેવું જોઈએ,
પરંતુ ઝડપથી લગ્ન કરવા જોઈએ...”
બોકો હરામ નાઈજિરિયામાં યુવતીઓ
માટે શિક્ષણની
પ્રથા જ બંધ કરાવવા
માગે છે. જોકે,
આ યુવતીઓને
અબુબકર શેકાઉ વીડિયો ક્લિપિંગમાં
કહે છે એમ વેચી દેવાઈ કે નહીં એ વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.
નિષ્ણાતોનું માનવું
છે કે, આતંકવાદીઓ યુવતીઓ
સાથે લગ્ન કરીને તેમનો ‘સેક્સ સ્લેવ’ તરીકે ઉપયોગ કરી શકે છે,
સરકાર પાસેથી
ખંડણી વસૂલીને
તેમને મુક્ત પણ કરી શકે છે અથવા મિલિટરી
ઓપરેશન પાર પાડવા યુવતીઓનો
ઢાલ તરીકે પણ ઉપયોગ કરી શકે છે.
ખેર, અલ કાયદા અને બોકો હરામ જેવા આતંકવાદી સંગઠનો ભલે મહિલાઓ શિક્ષણ લે એનો વિરોધ કરતા રહે, પરંતુ આવા હિંસક વિરોધ વચ્ચે પણ મલાલા યુસુફઝાઈ જેવી બાહોશ યુવતીઓ પેદા થતી રહેશે અને વિશ્વની લાખો યુવતીઓને હિંમતથી શિક્ષણ લેવાની અને આતંકવાદીઓથી નહીં ડરવાની પ્રેરણા આપતી રહેશે.
ખેર, અલ કાયદા અને બોકો હરામ જેવા આતંકવાદી સંગઠનો ભલે મહિલાઓ શિક્ષણ લે એનો વિરોધ કરતા રહે, પરંતુ આવા હિંસક વિરોધ વચ્ચે પણ મલાલા યુસુફઝાઈ જેવી બાહોશ યુવતીઓ પેદા થતી રહેશે અને વિશ્વની લાખો યુવતીઓને હિંમતથી શિક્ષણ લેવાની અને આતંકવાદીઓથી નહીં ડરવાની પ્રેરણા આપતી રહેશે.
This story is way beyond appreciation. Enjoyed reading.
ReplyDeleteThx... :)
DeleteVery very Good Story..
ReplyDeleteThx... But this is not Story.. its a reality ;)
ReplyDelete