ઇશ્વરે વૃક્ષોની કાળજી લીધી. તેમણે વૃક્ષોને દુકાળ, રોગચાળો, હિમપ્રપાતો અને હજારો વાવાઝોડા,
પૂરોથી પણ બચાવ્યા,
પરંતુ ઇશ્વર મૂર્ખ
લોકોથી તેમને બચાવી ના શક્યો.
આ ક્લાસિક ક્વૉટ જ્હોન મુઇરનું છે. કોણ હતા જ્હોન મુઇર? જ્હોન મુઇર કોઇ વ્યક્તિ નહીં, પણ એક ઘટના હતી. જ્હોન મુઇર એક એવા પ્રવાસી હતા, જેમને પ્રકૃતિવિદ્, પર્યાવરણવાદી વિચારક, પર્યાવરણવાદી આંદોલનકારી, રાજકીય ચળવળકાર અને આધ્યાત્મિક પ્રવાસી જેવી અનેક ઓળખો મળી છે. માણસને કુદરતની કેટલી
જરૂર છે એ વિશે તેમણે લખેલા લેખો, નિબંધો અને પ્રવાસવર્ણનો વીસમી સદીના અમેરિકામાં લાખો લોકોએ
વાંચ્યા હતા અને આજેય વંચાઈ રહ્યા છે. ઈ.સ. ૧૮૫૦ના અમેરિકામાં ઔદ્યોગિકીકરણની ગાડી તેજ ગતિએ દોડી રહી
હતી. એ વખતે જ્હોન મુઇરના લખાણો વાંચીને અનેક લોકોએ ‘વિકાસની દોડ’માં કુદરતને મહત્ત્વ આપવા અમેરિકન સરકાર સામે અવાજ
ઉઠાવ્યો હતો. આ લખાણો વાંચીને લાખો અમેરિકનો માનતા થયા હતા કે,
વિકાસ કરો પણ કુદરતની જાળવણી થવી જ જોઈએ. જોકે, જ્હોન મુઇરે ક્યારેય ‘એક ઘા અને બે કટકા’ જેવું ફાલતુ ‘તાળી ઉઘરાઉ’ અને ‘અલ્પજીવી’ નહીં પણ ‘કલ્ટ ક્લાસિક’ લખ્યું હતું અને ખૂબ લખ્યું હતું.
આજેય અનેક લેખકો કહે છે
કે, મુઇરે
બહુ જ બધું લખ્યું એ નહીં, પણ આટલું બધું ગુણવત્તાસભર લખ્યું, એ આશ્ચર્યની વાત છે.
અમેરિકાની ધરતી પર જંગલો, પર્વતો અને વેરાન પ્રદેશોની જાળવણી કરવા જ્હોન મુઇરે
બુદ્ધિમાન અધ્યાપક અને ઉચ્ચ કોટિના સંતને છાજે એવી દલીલો સાથે અમેરિકન કોંગ્રેસને
અરજી કરી હતી. આ અરજીને પગલે જ અમેરિકન કોંગ્રેસે વર્ષ ૧૮૯૦માં નેશનલ
પાર્ક બિલ પાસ કર્યું હતું. આ બિલ પાસ થતા જ અમેરિકાના વિશ્વ વિખ્યાત યોસેમાઈટ નેશનલ
પાર્કની શરૂઆત થઈ હતી અને એટલે જ જ્હોન મુઇર ‘ફાધર ઓફ નેશનલ પાર્ક્સ’ તરીકે જાણીતા છે. અમેરિકનોએ તેમને ‘જ્હોન ઓફ ધ માઉન્ટેઇન્સ’ એવું હુલામણું નામ પણ આપ્યું છે કારણ કે,
તેમણે પર્વતીય
પ્રદેશોમાં રઝળપાટ કરીને સુંદર પ્રવાસવર્ણનો લખ્યા હતા.
જોકે,
તેઓ સામાન્ય પર્યટક (ટુરિસ્ટ) નહીં, અસામાન્ય પ્રવાસી (ટ્રાવેલર) હતા. જ્હોન મુઇરે કરેલા પ્રવાસ વર્ણનો આજના ટ્રાવેલ જંકી માટે પણ
પ્રેરણાદાયી છે. આ લખાણોએ અમેરિકાની એકાદ પેઢી પર નહીં પણ આખા અમેરિકાના
રાજકારણ અને સામાજિક જીવન પર ઊંડી છાપ છોડી હતી કારણ કે,
જ્હોને કુદરતમાં ઓળઘોળ
થઈને પ્રવાસ કર્યો હતો અને એટલે જ તેમના લખાણોમાં ભારોભાર આધ્યાત્મિકતા છલકાતી હતી.
![]() |
જ્હોન મુઇર |
જ્હોનનો જન્મ ૨૧મી એપ્રિલ, ૧૮૩૮ના રોજ સ્કોટલેન્ડના નાનકડા ડુનબાર શહેરમાં થયો હતો.
વર્ષ ૧૮૪૯માં મુઇર
દંપત્તિ તેમના આઠ બાળકોને લઈને અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યની પોર્ટેજ કાઉન્ટીમાં
રહેવા આવી ગયા હતા. જ્હોન મુઇર તેમનું ત્રીજું સંતાન હતા.
અહીં જ્હોને
વિસ્કોન્સિકનની કોલેજમાં બોટની વિષય સાથે પ્રવેશ મેળવ્યો.
જોકે,
યુવાન જ્હોન કોલેજના
વર્ગો ભરવામાં નિયમિત રીતે અનિયમિત હતો પણ બોટની (વનસ્પતિશાસ્ત્ર),
જિયોલોજી (ભૂસ્તરશાસ્ત્ર) અને કેમેસ્ટ્રી (રસાયણશાસ્ત્ર) જેવા વિષયોમાં ઊંડો રસ લઈને જાતે જ ઘણું બધું શીખ્યો.
આ રીતે અભ્યાસ કરવાના
કારણે જ્હોન સ્નાતક ના થઈ શક્યો. યુવાનીના એ દિવસોમાં જ્હોન પૈસા કમાવવા ફેક્ટરીમાં કામ કરતો.
અહીં પણ તેણે જાતભાતના
ઈન્વેન્શન કરીને લોકોને ચોંકાવી દીધા હતા. આ દરમિયાન માર્ચ ૧૮૬૭માં મિકેનિકલ કામ કરતી વખતે થયેલા એક
અકસ્માતમાં જ્હોને થોડો સમય આંખોની દૃષ્ટિ ગુમાવી દીધી હતી.
આ અકસ્માતમાં તેણે છ
અઠવાડિયા અંધારિયા ઓરડામાં ચિંતાતુર થઈને વીતાવ્યા હતા કે,
મને દૃષ્ટિ પાછી મળશે કે
નહીં...
આ ઘટના અંગે જ્હોને નોંધ્યું છે કે, ‘‘... મેં નવું વિશ્વ જોયું.
નવા પ્રકાશમાં,
નવું લક્ષ્ય જોયું.
આ દુઃખ મને મીઠામધુર
મેદાનોમાં ખેંચી ગયું. કેટલીકવાર ઈશ્વર આપણને પાઠ ભણાવવા લગભગ મારી નાંખતો હોય છે...
પછી મેં મારી જાત સાથે
ઈમાનદાર રહેવાનું નક્કી કર્યું અને મારા સપનાં પૂરા કરવા,
દુનિયા જોવા અને
ફૂલછોડનો અભ્યાસ કરવા નીકળી પડ્યો...’’ જ્હોને સપ્ટેમ્બર ૧૮૬૭માં ૨૯ વર્ષની વયે અમેરિકાના કેન્ટુકીથી
ફ્લોરિડા વચ્ચે ૧,૬૦૦ કિલોમીટર લાંબા પગપાળા પ્રવાસની શરૂઆત કરી.
જ્હોન મુઇર ટ્રાવેલિંગ
કરવા માગતા હતા એટલે ઘરેથી નીકળતી વખતે રૂટ નક્કી નહોતો કર્યો. બસ,
તેઓ જંગલો,
ઉજ્જડ-વેરાન પ્રદેશો, પર્વતો, નદીઓ અને ઝરણાંની શાંતિને પોતાનામાં ભરીને આગળ વધવા માગતા
હતા. આ દરમિયાન જાન્યુઆરી ૧૮૬૮માં તેઓ ફ્લોરિડાના સિડર કી નામના શહેરમાં પહોંચ્યા.
અહીં તેમણે લાકડાની
મિલમાં કામ શરૂ કર્યું અને ત્રણેક દિવસમાં જ મેલેરિયામાં પટકાયા.
એક દિવસ તેઓ સૂર્યાસ્ત
જોવા મિલના ધાબે ગયા અને દરિયામાં ક્યુબા જતું વહાણ જોયું.
આ વહાણમાં જ તેઓ
ક્યુબાની રાજધાની હવાના પહોંચ્યા અને ત્યાંના બોટનિકલ ગાર્ડનમાં ફૂલછોડનો ઊંડો
અભ્યાસ કર્યો. દરિયાકિનારે રખડપટ્ટી કરીને શંખ-છીપલાની વિવિધ નોંધ કરી.
અહીંથી તેઓ ન્યૂયોર્ક
અને ત્યાર પછી કેલિફોર્નિયા પહોંચ્યા. જ્હોન મુઇરે ‘એ થાઉઝન્ડ માઈલ વૉક ટુ ધ ગલ્ફ’
નામના પુસ્તકમાં આ
પ્રવાસવર્ણન કર્યું છે.
કેલિફોર્નિયાની ઉત્તરે આવેલી સિયેરા નેવાડા પર્વતમાળાઓમાં યોસેમાઈટ વેલી આવેલી
છે. આ વેલીની જીવસૃષ્ટિ વિશે જ્હોને ઘણું વાંચ્યું હતું પણ કેલિફોર્નિયા પહોંચીને
તેમણે પહેલીવાર એ બધું નજરોનજર જોયું. જ્હોને યોસેમાઈટ વેલીમાં એક અઠવાડિયું રઝળપાટ કરી.
અહીંના પર્વતો,
નદીઓ,
તળાવો,
ઝરણાં,
વૃક્ષો અને જંગલ જોઈને
જ્હોન મુઇરને ગજબની શાંતિ મળી. સિયેરા નેવાડાના પર્વતીય સૌંદર્યના ઘૂંટડા ભરીને જ્હોન
મુઇરે સંખ્યાબંધ લેખો લખ્યા. ઈ.સ. ૧૮૭૪-૭૫માં ‘ઓવરલેન્ડ મન્થલી’ નામના સામાયિકમાં આ લેખો છપાયા હતા,
જેમાં તેમણે હિમપર્વતો-નદીઓને કેવી રીતે નુકસાન થઈ રહ્યું છે એની થિયરી આપી હતી.
રસપ્રદ વાત એ છે કે,
આજના વિજ્ઞાનીઓએ આ થિયરી
સ્વીકારી લીધી છે. એ દિવસોમાં જ્હોન પૈસા કમાવવા જ્યાં કામ મળે ત્યાં કામ કરી
લેતા પણ અનેક દિવસો બેકારીમાં વીતતા. જીવનમાં ચોક્કસ કોઈ લક્ષ્યાંક વિનાની એ
સ્થિતિ જ્હોન માટે ખૂબ જ હતાશાભરી હતી. આ નિરાશાભર્યા દિવસોમાં તેઓ શારીરિક વેદના
પણ અનુભવતા. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આવા દિવસોમાં પણ જ્હોન મુઇર પોતાના પ્રવાસોને ક્રાંતિકારી લખાણોમાં પરિવર્તિત કરતા રહ્યા હતા.
આ સ્થિતિમાંથી બહાર આવવા જ્હોન મુઇર વિખ્યાત લેખક રાલ્ફ વાલ્ડો એમર્સનના પુસ્તકો વાંચતા. ગાંધીજી, માર્ટિન લ્યુથર કિંગ-જુનિયર અને લિયો ટોલ્સટોય જેવી હસ્તીઓને હેનરી ડેવિડ થોરોના પુસ્તકોમાંથી ‘વિચારબીજ’ મળ્યા હતા, જ્યારે થોરોના ગુરુ રાલ્ફ વાલ્ડો એમર્સન હતા. જ્હોન યોસેમાઈટના જંગલોમાં એક કપ, થોડી ચ્હા, બ્રેડ અને એમર્સનનું એકાદું પુસ્તક લઈને સખત રઝળપાટ કરીને અભ્યાસ કર્યા કરતા. આ દરમિયાન જ્હોન મુઇરે ‘સિયેરા ક્લબ’ની સ્થાપના કરી હતી, જેના સભ્યોએ ઔદ્યોગિકીકરણ સામે કુદરતનું સંવર્ધન કરવા અમેરિકન સરકાર સામે ચળવળ ચલાવી હતી. જ્હોન મુઇરે કરેલા પ્રવાસોની યાદમાં અમેરિકાના અનેક સ્થળોને તેમનું નામ અપાયું છે. અમેરિકામાં મુઇર માઉન્ટેઇન, મુઇર પિક, મુઇર બિચ, મુઇર ગ્લેશિયર, મુઇસ વુડ્સ નેશનલ મોન્યુમેન્ટ, જ્હોન મુઇર વાઇલ્ડરનેસ, જ્હોન મુઇર નેશનલ હિસ્ટોરિક સાઇટ, કેમ્પ મુઇર, મુઇર પાસ અને જ્હોન મુઇર હાઇ-વે જેવા અનેક સ્થળ આવેલા છે. જે ક્યારેય સ્નાતક ના થઈ શક્યા એના નામ પરથી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાની એક કોલેજનું નામ જ્હોન મુઇર કોલેજ રખાયું છે. આ પ્રવાસોના નિચોડમાંથી જ આપણને ‘જ્હોન મુઇરઃ સ્પિરિચ્યુઅલ રાઇટિંગ્સ’, ‘સ્ટડીઝ ઈન સિયેરા’, ‘ધ માઉન્ટેઇન્સ ઓફ કેલિફોર્નિયા’, ‘માય ફર્સ્ટ સમર ઈન સિયેરા’ અને ‘ધ યોસેમાઈટ’ જેવા સુંદર પુસ્તકો મળ્યા છે.
આ સ્થિતિમાંથી બહાર આવવા જ્હોન મુઇર વિખ્યાત લેખક રાલ્ફ વાલ્ડો એમર્સનના પુસ્તકો વાંચતા. ગાંધીજી, માર્ટિન લ્યુથર કિંગ-જુનિયર અને લિયો ટોલ્સટોય જેવી હસ્તીઓને હેનરી ડેવિડ થોરોના પુસ્તકોમાંથી ‘વિચારબીજ’ મળ્યા હતા, જ્યારે થોરોના ગુરુ રાલ્ફ વાલ્ડો એમર્સન હતા. જ્હોન યોસેમાઈટના જંગલોમાં એક કપ, થોડી ચ્હા, બ્રેડ અને એમર્સનનું એકાદું પુસ્તક લઈને સખત રઝળપાટ કરીને અભ્યાસ કર્યા કરતા. આ દરમિયાન જ્હોન મુઇરે ‘સિયેરા ક્લબ’ની સ્થાપના કરી હતી, જેના સભ્યોએ ઔદ્યોગિકીકરણ સામે કુદરતનું સંવર્ધન કરવા અમેરિકન સરકાર સામે ચળવળ ચલાવી હતી. જ્હોન મુઇરે કરેલા પ્રવાસોની યાદમાં અમેરિકાના અનેક સ્થળોને તેમનું નામ અપાયું છે. અમેરિકામાં મુઇર માઉન્ટેઇન, મુઇર પિક, મુઇર બિચ, મુઇર ગ્લેશિયર, મુઇસ વુડ્સ નેશનલ મોન્યુમેન્ટ, જ્હોન મુઇર વાઇલ્ડરનેસ, જ્હોન મુઇર નેશનલ હિસ્ટોરિક સાઇટ, કેમ્પ મુઇર, મુઇર પાસ અને જ્હોન મુઇર હાઇ-વે જેવા અનેક સ્થળ આવેલા છે. જે ક્યારેય સ્નાતક ના થઈ શક્યા એના નામ પરથી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાની એક કોલેજનું નામ જ્હોન મુઇર કોલેજ રખાયું છે. આ પ્રવાસોના નિચોડમાંથી જ આપણને ‘જ્હોન મુઇરઃ સ્પિરિચ્યુઅલ રાઇટિંગ્સ’, ‘સ્ટડીઝ ઈન સિયેરા’, ‘ધ માઉન્ટેઇન્સ ઓફ કેલિફોર્નિયા’, ‘માય ફર્સ્ટ સમર ઈન સિયેરા’ અને ‘ધ યોસેમાઈટ’ જેવા સુંદર પુસ્તકો મળ્યા છે.
આજેય અનેક પુસ્તકો, સંશોધન પેપરો અને જર્નલોમાં આ લખાણોનો ઉપયોગ કરાય છે. અમેરિકનોમાં
કુદરત પ્રત્યે પ્રેમ-સંવેદના જગાવવામાં તેમજ હાઇકિંગ,
ટ્રેકિંગ અને કેમ્પિંગ જેવી
પ્રવૃત્તિને લોકપ્રિય બનાવવામાં પણ આ લખાણોએ ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
અત્યારે લાખો અમેરિકનોને
કુદરતી સૌંદર્યના જે કંઈ લાભ મળી રહ્યા છે એ પાછળ પણ જ્હોન મુઇરનું જબરદસ્ત પ્રદાન
છે. આજે જ્હોન મુઇરને યાદ કરવાનું કારણ ભારતમાં પડી રહેલી પ્રચંડ ગરમી છે.
અમેરિકામાં માથાદીઠ
વૃક્ષોની સંખ્યા ૭૧૬ છે, જે બીજા વિકસિત દેશો કરતા ઓછી હોવા છતાં પૂરતી છે.
સામાન્ય ગણતરી પ્રમાણે,
એક ૧૨ ફૂટ ઊંચું અને બે
ટન જેટલું વજન ધરાવતું વૃક્ષ એક વર્ષમાં ૧૦૦ કિલો ઓક્સિજન આપે છે,
જ્યારે એક સ્વસ્થ
વ્યક્તિને વર્ષે ૭૪૦ કિલો જેટલો ઓક્સિજન જોઈએ.
એટલે કે,
એક વ્યક્તિને સ્વસ્થ
જીવન જીવવા સાતથી આઠ વૃક્ષની જરૂર પડે. આ સામે ભારતમાં માથાદીઠ વૃક્ષોની સંખ્યા ૨૮ છે.
વર્લ્ડ બેંકના આંકડા
પ્રમાણે ભારતમાં કુલ વિસ્તાર પૈકી ૨૩.૮ ટકા વિસ્તારમાં જંગલો છે.
જોકે,
આ આંકડા ખોટા હોવાનો
વિવાદ થયો હતો! આ સિવાય પણ ભારતમાં અનેક પ્રશ્નો છે.
જેમ કે,
વૃક્ષો શહેરોથી દૂર હોય
તો તેનો લોકોને લાભ કેવી રીતે મળે? ટૂંકમાં જ્યાં માનવ વસતી વધારે હોય ત્યાં વૃક્ષોની જરૂર હોય.
વળી,
શહેરોમાં સતત ધુમાડા ખાઈ
રહેલા વૃક્ષોની તંદુરસ્તી એટલે કે, તેમની ઓક્સિજન આપવાની શક્તિ કેટલી?
શહેરોમાં ક્યાંક રસ્તા વચ્ચે રોપવામાં આવતા છોડ અને ઘાસફૂસ એ ‘ગ્રીન કવર’ નથી એ પણ આપણે યાદ રાખવાની જરૂર છે.
આ ‘લીલોતરી’ની ઓક્સિજન આપવાની ક્ષમતા વૃક્ષો જેટલી ના હોય.
વૃક્ષો શહેરોના કુદરતી
એર કન્ડિશનરનું કામ કરે છે. જમીન પર સૂર્યના કિરણોનું પરાવર્તન ગરમી પેદા કરે છે.
શહેરોના કાળા ડામરના
રસ્તા, સ્થાનિક
વાતાવરણને ધ્યાનમાં રાખ્યા વિના ઊભી કરાયેલી મહાકાય બિલ્ડિંગો,
તેની કાચની દીવાલો તેમજ
શહેરોના હજારો એર કન્ડિશનરોમાંથી વછૂટતો કાર્બન ડાયોક્સાઈડ ગરમીમાં ઘી હોમવાનું
કામ કરે છે. આ મુશ્કેલી સામે લડવાનો એક જ ઉપાય છે, વૃક્ષો. વૃક્ષો જેટલા
વધારે હોય એટલા સૂર્યના આકરા કિરણો જમીન પર પડતા રોકાય અને આખા શહેરનું તાપમાન
નીચું રહે. વૃક્ષોના પાંદડામાં રહેલા પાણીનું બાષ્પીભવન પણ વાતાવરણની ગરમી ઓછી કરે
છે. એક પરિપક્વ વૃક્ષ વીસ કલાક સુધી દસ એર કંડિશનર જેટલી ઠંડક આપી શકે છે. પર્યાવરણ
સિવાય પણ વૃક્ષોના અનેક સામાજિક ફાયદા (એ વાત ફરી ક્યારેક) છે, જેનો આજે વિશ્વના
દરેક વિકસિત દેશે સ્વીકાર કર્યો છે. આખે વૃક્ષોની કેમ જરૂર છે એ વાત જ્હોન મુઇરના
જ એક ક્વૉટ સાથે પૂરી કરીએ.
દરેક વ્યક્તિને રોટલીની સાથે કુદરતના સૌંદર્યની પણ જરૂર હોય છે,
જ્યાં તે આનંદપ્રમોદ અને
પ્રાર્થના કરીને કુદરતની ઊર્જાથી શરીર અને આત્માને શક્તિ પૂરી પાડી શકે.