મોહનદાસ ઈ.સ. ૧૮૯૩માં દક્ષિણ આફ્રિકા ગયા, ત્યાં તેમણે બે દાયકા રાજકીય-સામાજિક આંદોલનમાં ગાળ્યાં,
અને ઈ.સ. ૧૯૧૫માં ૪૬
વર્ષની ઉંમરે ભારત પરત ફર્યા. ગાંધીજી (એ વખતે ગાંધીભાઈ) દ. આફ્રિકાથી ભારત આવ્યા
એ પહેલાં જ અહીંના રાજકીય-સામાજિક અને બૌદ્ધિક વર્તુળોમાં જાણીતા થઈ ગયા હતા. સોશિયલ
મીડિયાના ઉદ્ભવની એક સદી પહેલાં ભારતમાં પ્રચંડ લોકપ્રિયતા હાંસલ કરી ચૂકેલા
ગાંધીભાઈને જાહેર સમારંભોમાં જોવા-સાંભળવા ઊમટતી ભીડ જોઈને ત્યારના અનેક નેતાઓને
આશ્વર્ય થતું. એ વખતે તેઓ ‘મહાત્મા’ તરીકે નહીં પણ દ. આફ્રિકામાં વસતા હિંદીઓના અધિકાર માટે
સત્યાગ્રહ કરનારા બારિસ્ટર તરીકે જાણીતા હતા. એક એવા બારિસ્ટર જેમણે સત્ય અને
અહિંસાના માર્ગે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો. એ પહેલાં વિશ્વએ આવું વિશિષ્ટ
પ્રકારનું આંદોલન જોયું ન હતું. હવે સવાલ એ છે કે, ગાંધીજી દ. આફ્રિકામાં હતા ત્યારે તેમના વિચારો ભારતના
રાજકીય-સામાજિક અને બૌદ્ધિક વર્તુળોમાં કેવી રીતે પહોંચ્યા હતા?
જવાબઃ ભારતીય સમાજમાં
પત્રકારત્વ અને પુસ્તકો થકી ગાંધીવિચારનો પ્રચાર-પ્રસાર કરનારી વ્યક્તિ હતી,
ગણપતિ અગ્રાહરમ
અન્નાદુરાઈ અય્યર નટેસન. ભારતીય સ્વતંત્રતા આંદોલનના એ રસપ્રદ પ્રકરણ પર બાઝી
ગયેલી ધૂળ ખંખેરવાનો પ્રયાસ કરીએ.
ગણપતિ નટેસન તમિળનાડુના પત્રકાર, લેખક, પુસ્તક પ્રકાશક અને સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમનો જન્મ
૨૫મી ઓગસ્ટ, ૧૮૭૩ના રોજ તમિલનાડુના તાંજોર જિલ્લાના અગ્રાહરમ અન્નાદુરાઈ ગામે થયો હતો.
મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાંથી આર્ટ્સમાં સ્નાતકની પદવી લીધા પછી નટેસને ૨૧
વર્ષની વયે ‘મદ્રાસ ટાઈમ્સ’માં નોકરી શરૂ કરી દીધી હતી. ઉદ્યોગસાહસિકતાના ભરપૂર ગુણ ધરાવતા નટેસને ઈ.સ. ૧૮૯૭માં
નોકરી છોડીને ‘જી.એ. નટેસન એન્ડ કંપની’ નામે પ્રકાશન સંસ્થા શરૂ કરી. નટેસનની પ્રકાશન કંપનીનું કામ
સારું ચાલતું હતું, પરંતુ ઈ.સ. ૧૯૦૦માં તેમણે ‘ધ ઈન્ડિયન રિવ્યૂ’ નામનું અંગ્રેજી માસિક શરૂ કરી ફરી એકવાર પત્રકારત્વમાં
ઝંપલાવ્યું. આ માસિકમાં નટેસને ધર્મ, રાજકારણ, આર્થિક-સામાજિક પ્રવાહો, અર્થતંત્ર, કૃષિ, સાહિત્યિક સમીક્ષાઓની સાથે ગાંધીજી વિશે પણ ઘણું છાપ્યું. આ
સામાયિકના કવરપેજ પર નટેસન ‘તમામ વિષયોની ચર્ચાને વરેલું માસિક’
એ મતલબની જાહેરખબર પણ
મૂકતા. ‘ધ ઈન્ડિયન રિવ્યૂ’ના શરૂઆતના અંકો પ્રાપ્ય નથી પણ વર્ષ ૧૯૧૦ અને એ પછીના અંકોમાં ગાંધીજીના અનેક
ઉલ્લેખ મળે છે.
ગાંધીજી ‘ગાંધીભાઈ’ હતા ત્યારથી જ નટેસનનો તેમના સાથે નાતો જોડાઇ ગયો હતો. ‘ગાંધીજીનો અક્ષરદેહ’માં નટેસનનો સૌથી પહેલો ઉલ્લેખ ૩૦મી જુલાઈ,
૧૯૦૯ના રોજ ગાંધીજીએ દ.
આફ્રિકાના આંદોલનમાં તેમના સાથીદાર હેનરી પોલાકને લખેલા પત્રમાં મળે છે. એ પત્રમાં
ગાંધીજીએ પોતાના વિચારો અને અભિપ્રાયોનો પ્રચાર કરવા નટેસન સાથે ચોક્કસ પ્રકારની
સમજૂતી થાય એવી પોલાક સમક્ષ આશા સેવી હતી. જોકે, ગાંધીજી નટેસનની કામગીરીથી કેવી રીતે પરિચિત થયા એ વિશે
માહિતી મળતી નથી, પરંતુ જુલાઈ ૧૯૦૯ પછી નટેસને ગાંધીજીના વિચારોનો પ્રચાર-પ્રસાર કરવામાં મદદ
કરી હતી, એ સાબિતીઓ ગાંધીજીના પત્રો અને લખાણોમાં મળે છે. ગાંધીજીના ભારત આગમન પહેલાં વર્ષ
૧૯૦૯માં નટેસને ‘ધ ઈન્ડિયન્સ ઓફ સાઉથ આફ્રિકા, હેલોટ્સ વિથિન ધ એમ્પાયર એન્ડ હાઉ
ધે ટ્રીટેડ’ નામનું હેનરી પોલાકનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું. એ પછીના વર્ષે તેમણે
‘એમ.
કે. ગાંધી એન્ડ ધ સાઉથ આફ્રિકા ઈન્ડિયન પ્રોબ્લેમ’ નામનું પ્રાણજીવન જગજીવન મહેતા લિખિત પુસ્તક પ્રકાશિત
કર્યું હતું. આ પુસ્તકોના કારણે અંગ્રેજી જાણતા-બોલતા ભારતીયો ગાંધીજીના દ.
આફ્રિકાના આંદોલનના વધુ નિકટ પરિચયમાં આવ્યા હતા.
![]() |
‘સ્પિચિઝ એન્ડ રાઈટિંગ્સ ઓફ એમ. કે. ગાંધી’ની વર્ષ ૧૯૧૫માં પ્રકાશિત પ્રથમ આવૃત્તિનું કવર અને બાજુમાં એ જ પુસ્તકમાં ગાંધીજી અને કસ્તુરબા સાથે જી.એ. નટેસનની તસવીર. |
ગાંધીજી અને કસ્તુરબા દ. આફ્રિકાથી ભારત આવ્યા એ જ વર્ષે ૧૭મી એપ્રિલ,
૧૯૧૫ના રોજ મદ્રાસની
મુલાકાતે ગયા, ત્યારે તેમનો ઉતારો નટેસનના ઘરે હતો. ગાંધીજી અને કસ્તુરબા મદ્રાસ સેન્ટ્રલ
સ્ટેશને પહોંચ્યા ત્યારે તેમને જોવા-સાંભળવા અને તેમનું સ્વાગત કરવા આશરે બે હજાર
લોકો ભેગા થયા હતા. ગાંધી દંપતીના મદ્રાસ આગમનનો ‘ધ હિંદુ’માં અહેવાલ છપાયો હતો, જેની નોંધ ‘ગાંધીજીનો અક્ષરદેહ’માં છે. આ અહેવાલ પ્રમાણે, ‘‘... શ્રી ગાંધી દૂબળા પાતળા દેખાતા હતા. એમણે એક ખૂલતું પહેરણ
અને પાયજામો પહેર્યાં હતા, જે બંને ચાર દિવસની સતત મુસાફરીને લીધે મેલાં થઈ ગયાં હતાં.
લોકો એ ડબા ઉપર ધસી ગયા અને ભીડ એટલી બધી હતી કે ત્યાં ઊભેલા ડઝનેક પોલીસ એને
કાબૂમાં રાખી શક્યા નહીં. એટલે આખરે તેઓ એ ટોળાને એની મરજી પર છોડી દઈ ત્યાંથી હઠી
ગયા... ટોળામાંથી ‘ગાંધી દંપતી ઝિંદાબાદ’, ‘અમારા વીર ઝિંદાબાદ’, ‘વન્દે માતરમ’ના પોકારો ગાજી ઊઠ્યા. શ્રી ગાંધીએ નમસ્કાર કરી એ પોકારો
ઝીલ્યા. પછી તેમને ઘોડાગાડી નજીક લઈ જવામાં આવ્યા. વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં
આવ્યા હતા. એમણે ગાડીને જોડેલા ઘોડાને છૂટો કરી નાખ્યો અને પોતે ગાડી ખેંચવા આગળ
આવ્યા. તેઓ ગાડીને ખેંચીને સુનકુરામ ચેટ્ટી સ્ટ્રીટમાં આવેલા મેસર્સ નટેસન એન્ડ
કંપનીના મકાને લઈ ગયા. આખે રસ્તે લોકો શ્રી ગાંધીનો હર્ષનાદથી જયજયકાર કરતા હતા...’’
ગાંધીજી અને નટેસનની એ પહેલી મુલાકાત હતી. ગાંધીજી આઠમી મે,
૧૯૧૫ સુધી એટલે કે ત્રણ
અઠવાડિયા નટેસનના ઘરે રોકાયા. આ દરમિયાન તેમણે મદ્રાસમાં કેટલાક સ્થળોએ ભાષણો
આપ્યા તેમજ અનેક સંસ્થાઓના આમંત્રણો સ્વીકારીને ત્યાં જાહેર બેઠકો યોજી. ગાંધીજીનો
મદ્રાસ જવાનો મુખ્ય હેતુ દ. આફ્રિકાથી હદપાર (ડિપોર્ટ) કરાયેલા સત્યાગ્રહીઓને
મળવાનો હતો કારણ કે, દ. આફ્રિકાના મોટા ભાગના હિંદી વસાહતીઓ દક્ષિણ ભારતીયો હતા. દ.
આફ્રિકાના ટ્રાન્સવાલથી હદપાર કરાયેલા દ. ભારતીયોને નટેસને ખૂબ મદદ કરી હતી. એ
મુદ્દે ગાંધીજીએ ૧૬મી જુલાઈ, ૧૯૧૦ના ‘ઈન્ડિયન ઓપિનિયન’માં નોંધ્યું હતું કે, ‘‘... મિ. નટેસનની સેવાઓની પ્રશંસા કરતા ઘણા પત્રો અમને મળ્યા છે.
હદપારીઓની દશા સહ્ય બને તે માટે તેમણે ઘણું ઘણું કર્યું છે. મદ્રાસના વર્તમાનપત્રોએ
પણ તેમના વખાણનાં પાનાંના પાનાં ભર્યાં છે. તેમની મહાન લોકલાગણી માટે અમે મિ.
નટેસનને અભિનંદન આપીએ છીએ.’’ આમ, દ. આફ્રિકાના આંદોલનોથી શરૂ થયેલો ગાંધીજી-નટેસનનો સંબંધ
તેમના ભારત આગમન પછી વધારે ગાઢ બન્યો હતો. એ પછી નટેસને વધુ આક્રમક રીતે પુસ્તકો પ્રકાશિત કરીને ગાંધીવિચારોનો દેશભરમાં ફેલાવો કર્યો હતો.
ગાંધીજીના ભારત આગમન પછી નટેસને વર્ષ ૧૯૧૮માં ‘સ્પિચિઝ એન્ડ રાઈટિંગ્સ ઓફ એમ. કે. ગાંધી’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું, જેના શીર્ષક નીચે ‘ઓથોરાઈઝ્ડ. અપ ટુ ડેટ, કોમ્પ્રિહેન્સિવ.’ એવું ઝીણું લખાણ મૂકાયું હતું. આ પુસ્તકની પ્રસ્તાવનામાં નટેસને નોંધ્યું છે કે, ગાંધીજીના ભાષણો અને લખાણો ધરાવતું આ સંપૂર્ણ, અધિકૃત અને અપ-ટુ-ડેટ પુસ્તક છે... ગાંધીજી દ. આફ્રિકામાં હતા ત્યારે તેમના વિચારો-અભિપ્રાયો તોડી-મરોડીને રજૂ કરાતા હતા એટલે નટેસને એવું લખાણ રાખ્યું હોઈ શકે! આ જ કારણસર દ. આફ્રિકાના આંદોલન વખતે ગાંધીજીને પોતાનું અખબાર હોવું જોઈએ એવો વિચાર આવ્યો હતો. દ. આફ્રિકામાં ગાંધીજીએ વિવિધ અખબારોમાં લેખો-ચર્ચા પત્રો લખીને તેમજ ઈન્ટરવ્યૂ આપીને લોકમત ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ પ્રયાસ અપૂરતા લાગતા તેમણે વર્ષ ૧૯૦૩માં ‘ઈન્ડિયન ઓપિનિયન’ અખબાર શરૂ કર્યું. આ અખબાર અંગ્રેજી, હિન્દી, ગુજરાતી અને તમિલ એમ ચાર ભાષામાં પ્રકાશિત થતું હતું. એટલે એવું અનુમાન થઈ શકે કે, દ. આફ્રિકા સ્થિત તમિલભાષીઓ થકી તેમજ પોતાના વિચારો યોગ્ય રીતે લોકો સુધી પહોંચે એવી મથામણમાંથી ગાંધીજી નટેસનના પરિચયમાં આવ્યા હશે! ગાંધીજીએ તમિલ શીખવાની શરૂઆત કર્યા પછી તમિલમાં સૌથી પહેલો પત્ર નટેસનને લખ્યો હતો, જે આજેય તમિલનાડુના મદુરાઈસ્થિત ગાંધી મ્યુઝિયમમાં જોવા મળે છે. દિલ્હીના ગાંધી મ્યુઝિયમમાં પણ ગાંધી-નટેસનના સંબંધની અમુક યાદો સચવાયેલી છે, જે નટેસન પરિવારે ભારત સરકારને ભેટ આપી હતી.

એ પછી નટેસને વર્ષ ૧૯૨૨માં ગાંધીજીનું ‘હિંદ સ્વરાજ’ પુસ્તક ‘હિંદ સ્વરાજ ઓર ઈન્ડિયન હોમ રૂલ’
નામે અંગ્રેજીમાં પ્રકાશિત
કર્યું. એ જ વર્ષે ‘સ્પિચિઝ એન્ડ રાઈટિંગ્સ ઓફ એમ. કે. ગાંધી’ની ત્રીજી આવૃત્તિ પણ પ્રકાશિત થઈ હતી,
જેના કવરપેજ પર ‘વિથ એન ઈન્ટ્રોડક્શન બાય સી. એફ. એન્ડ્રુઝ એન્ડ એ
બાયોગ્રાફિકલ સ્કેચ’ એવું લખાણ જોવા મળે છે. સી. એફ. એન્ડ્રુઝ ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ
વતી ભારતમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા આવેલા પાદરી હતા. ગોપાલકૃષ્ણ ગોખલેએ ગાંધીજીને દ. આફ્રિકાથી ભારત પાછા આવી જવાનો સંદેશ એન્ડ્રુઝ થકી જ મોકલ્યો હતો. ગાંધીજીને ભારત આવી જવા સફળતાપૂર્વક સમજાવવાનો શ્રેય એન્ડ્રુઝને જાય છે. અહીં એક બીજો મુદ્દો પણ ધ્યાન ખેંચે છે. નટેસને ઈ.સ. ૧૮૯૮માં એટલે કે
પ્રકાશન સંસ્થા શરૂ કર્યાના બીજા જ વર્ષે, ‘સ્પિચિઝ ઓફ ધ ઓનરેબલ મિ. જી. કે. ગોખલે’
પુસ્તક પ્રકાશિત કર્યું
હતું. શું ગાંધીજી અને નટેસનનો પરિચય ગોખલે થકી થયો હશે?
વર્ષ ૧૯૩૧માં નટેસનની કંપનીએ હેનરી પોલાકના ‘મહાત્મા ગાંધી, એન્ડ એન્લાર્જ્ડ એન અપ-ટુ-ડેટ એડિશન ઓફ હિઝ લાઈફ એન્ડ ટીચિંગ્સ’ નામના પુસ્તકની નવમી આવૃત્તિ પ્રકાશિત કરી હતી. એક પુસ્તકની આટલી આવૃત્તિઓ પરથી ગાંધીવિચારો ફેલાવવામાં નટેસનનું યોગદાન કેવું હશે, એ સમજી શકાય એમ છે. આજે આપણે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે ગણપતિ અગ્રાહરમ અન્નાદુરાઈ અય્યર નટેસનને એક ક્રાંતિકારી પુસ્તક પ્રકાશક તરીકે પણ યાદ કરવા જોઈએ. તેમણે ઇ.સ. ૧૯૦૦થી ૧૯૩૦ વચ્ચે ‘સ્પિચિઝ એન્ડ રાઈટિંગ્સ’ અને ‘જીવનચરિત્રો’ જેવી શ્રેણી અંતર્ગત મદનમોહન માલવિયા, ગોપાલકૃષ્ણ ગોખલે, મહાદેવ ગોવિંદ રાનડે, સર દિનશા એડલજી વાચા, દાદાભાઈ નવરોજી, જગદીશચંદ્ર બોઝ, સુરેન્દ્રનાથ બેનરજી, રામક્રૃષ્ણ પરમહંસ, એમિનન્ટ મુસલમાન્સ, લીડર્સ ઓફ બ્રહ્મોસમાજ, ચૈતન્ય ટુ વિવેકાનંદ અને ફેમસ પારસીઝ જેવા પુસ્તકોની એકથી વધારે આવૃત્તિઓ પ્રકાશિત કરી હતી.
નટેસનની કંપનીએ છાપેલા પુસ્તકોમાં વિષય વૈવિધ્ય અને મોટા ભાગના પુસ્તકોની સંખ્યાબંધ આવૃત્તિઓની સંખ્યા ઊડીને આંખે વળગે છે. તેમણે હિંદુ ધર્મ, સંપ્રદાયો, ભારત અને રાષ્ટ્રવાદ, ઈતિહાસ, અર્થતંત્ર, શિક્ષણ, ખેતી, ભારતીય કળા, તેલુગુ લોકસાહિત્ય, શંકરાચાર્ય, ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ, ઈશાન ભારતીયો, ભારતીય ઉત્પાદકો, ઉદ્યોગો, બ્રિટન તેમજ બ્રિટનની એશિયાઇ કોલોની જેવા વિષયોના કિંમતમાં સસ્તા પણ ‘મૂલ્યવાન’ પુસ્તકો પ્રકાશિત કર્યા હતા. નટેસને પ્રકાશિત કરેલા પુસ્તકોની રેન્જ શેક્સપિયરથી લઈને તેનાલીરામન સુધીની છે. નટેસને ગાંધીવિચાર જ નહીં, ભારતીય સ્વતંત્રતા આંદોલન વખતે લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના જાગૃત કરવા તેમજ જ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરવા એક ક્રાંતિકારીને છાજે એવી રીતે પુસ્તક પ્રકાશનનું કામ કર્યું હતું.

નટેસને સ્વતંત્રતા આંદોલન વખતે ગાંધીજીને તેમના વિચારો ફેલાવવાની સાથે આર્થિક મદદ
પણ કરી હતી. ‘ગાંધીજીનો અક્ષરદેહ’માં નોંધ્યા પ્રમાણે, ૨૮મી મે,
૧૯૧૫ના રોજ ગાંધીજીએ
નટેસનને ‘તમારો રૂ. ત્રણ હજારનો ચેક મળી ગયો છે’ એવો ઉલ્લેખ કરતો પત્ર લખ્યો હતો, જે કદાચ તેનો એકમાત્ર અધિકૃત પુરાવો છે.