આચાર્ય રજનીશ કહેતા હતા કે, ભારત એક તરસ છે. આ વાત મારા જેવા સીધાસાદા બ્રિટિશરને સમજાઈ ન હતી પણ ઉત્તર અને ઉત્તર પૂર્વીય ભારતમાં એક મહિનો રખડપટ્ટી કર્યા પછી વાયા રાજસ્થાન ગુજરાત જતી વખતે સહન કરેલી ગરમીથી આ વાત થોડી થોડી ગળે ઉતરી. પહેલાં તો હું ઈન્ડિયા તરસ કેમ છે એ સમજવા છેક રજનીશના પૂણે આશ્રમમાં જવા ઉતાવળો હતો પણ નોર્થ અને નોર્થ-ઈસ્ટના મેટ્રોથી લઈને નાના શહેરોની મુલાકાત પછી મને કંઈક અજબ પ્રકારની લાગણી થઈ હતી. ભારતમાં આટલા બધા વૈવિધ્ય અને અસમાનતા સાથે જીવતા લોકો, ગરીબાઈ, કુદરતની અપાર સુંદરતામાં પ્રદૂષણનું કલંક, આધ્યાત્મિક સંસ્કૃતિ, કુટુંબ વ્યવસ્થા અને સાંસ્કૃતિક ધરોહરોના હાલહવાલ થયેલા જોઈને હું સ્થિતપ્રજ્ઞ થઈ ગયો હતો. હવે મારે થોડો સમય બધાથી ક્યાંક દૂર જવું હતું. મારે શારીરિક અને માનસિક રીતે ફરી એકવાર તરોતાજા થવું હતું. એટલે જ મેં, જેમ્સે અને એની ગર્લફ્રેન્ડ વેસ્પરે થાક ઉતારવા સૌથી છેલ્લે પૂણે જવાનું નક્કી કર્યું.
જેમ્સ નામ જેવા જ ગુણ ધરાવે છે. અમદાવાદમાં તકલીફ ના પડે એટલે જેમ્સે 'ડેઈલી મેઈલ'ના દિલ્હીના કોરસપોન્ડન્ટ શાન્તનુ મુખરજી સાથે વાત કરી હતી.
શાન્તનુની જેમ જેમ્સ પણ 'ડેઈલી મેઈલ'માં દિલ્હીનો કોરસપોન્ડન્ટ રહી ચૂક્યો છે. મુખરજી બિઝી
હોવાથી અમને જોઈન કરી શકે એમ ન હતો પણ મુખરજીનો અમદાવાદી ફ્રેન્ડ રાજુ પટેલ અમારી
સાથે રહ્યો હતો. આ વખતનું અમારું ટ્રાવેલિંગ થોડું અલગ હતું. લાઈક,
કલ્ચરલ ટુર જેવું.
સૌથી પહેલાં અમારી ઈચ્છા જૂના અમદાવાદમાં રખડપટ્ટી કરવાની હતી. યુરોપ જાઓ કે
ભારત, કોઈ પણ
મોટા શહેરોમાં જાઓ ત્યારે જૂના વિસ્તારો હોય તો અચૂક મુલાકાત લો. જૂના શહેરોના
બજારો જોવા જેવા હોય છે અને એ જ મુખ્ય બજાર હોય છે. અમદાવાદમાં પણ જૂના શહેરમાં
સંખ્યાબંધ બજારો છે. અમે જાણતા હતા કે, ભારતમાં લગભગ બધે જ અમારા જેવા વિદેશીઓને જોઈને દુકાનદારો બહુ
ઊંચા ભાવ વસૂલે છે. બાર્ગેઇન કરીએ ત્યારે પણ દુકાનદારો એક બોર્ડ બતાવતા. અમદાવાદમાં પણ અમને આવો અનુભવ
થયો. ત્યાં પણ ઘણી દુકાનોમાં ગુજરાતીમાં આવા બોર્ડ માર્યા હતા. રાજુ ગાઈડે અમને કહ્યું કે,
એ બોર્ડ પર 'એક જ ભાવની દુકાન' અથવા 'મહેરબાની કરીને ભાવમાં રકઝક કરવી નહીં'
એવું લખ્યું હશે!. હા,
અમે એને રાજુ ગાઈડ કહેતા
હતા. મુખરજીએ કહ્યું હતું કે, રાજુ તમારો ગાઈડ છે, રાજુ ગાઈડ. રાજુ ગાઈડ બોલી બોલીને એ બંને જોરજોરથી હસ્યા
હતા પણ અમને એમની વાત ખાસ સમજાઈ ન હતી. પછી એકવાર રાજુએ એ રહસ્યનો ઘટસ્ફોટ કર્યો
હતો અને અમે ફરી વાર ખૂબ હસ્યા હતા.
રાજુ ગાઈડ કહેતો કે, ભારત આવો ત્યારે બાર્ગેઇન કરી શકાય એવી દુકાનોમાંથી ખરીદી
કરવાનું ટાળવું અને એક જ ભાવની દુકાનમાંથી શોપિંગ કરવું કારણ કે, ‘એક જ ભાવ’માં વિશ્વાસ ધરાવતા દુકાનદારો પડતર પર વ્યાજબી નફો લેવામાં વિશ્વાસ રાખતા હોય છે. એ લોકો પાસે છેતરાઈ જવાની શક્યતા ઓછી રહે છે. અમે દિલ્હીમાં એક ગાઈડની મદદથી બાર્ગેઇન શોપિંગ કર્યું હતું. અમે સાત હજારનું જેકેટ ફક્ત ૭૦૦ રૂપિયામાં લીધું હતું.
આ જેકેટ ખરીદ્યા પછી હું અને જેમ્સ થોડી વાર સુધી બોલી પણ શક્યા ન હતા. જોકે,
બાર્ગેઇન કરીને ખરીદી
કરવાનો નક્કામો અનુભવ લેવાનો ચસકો વેસ્પરને વધારે હતો, પણ હવે એ હોશિયાર થઈ ગઈ છે. વેસ્પરે જૂના અમદાવાદના
પાનકોરનાકામાં જૂતાથી લઈને રીલિફ રોડ પર ઈલેક્ટ્રોનિક્સ અને ઢાલગરવાડ,
રતનપોળમાં ટ્રેડિશનલ
ઈન્ડિયન ડ્રેસીસની ધૂમ ખરીદી કરી હતી.
રતનપોળની એન્ટ્રી? અંદર જવાનું ક્યાંથી? આવા પ્રશ્નો વિદેશીને થાય, આપણને નહીં ;) |
અહીંના બજારોમાં કપડાંની કે જૂતાની નાની-નાની દુકાનોમાં લાખો રૂપિયાનો સામાન
ભર્યો હોય છે. દુકાનદારો સામાનને માલ કહે છે. રાજુ ગાઈડ દુકાનદારોને પૂછી પૂછીને
કહેતો કે, આ દુકાનમાં ૨૫ લાખનો માલ છે, ફલાણી દુકાનમાં ૫૦ લાખનો માલ છે. ઢાલગરવાડ અને પાનકોરનાકાની
નાનકડી દુકાનોમાં ઊંડા માળિયા હોય છે, જેમાં માલ ભર્યો હોય છે. ઘરાકી વધારે હોય તો એક સેલ્સમેન
સીધો માળિયામાં જતો રહે અને નીચેથી બીજો સેલ્સમેન જે કહે એ ખોખા ઉપરથી સીધા નીચે
નાંખે. એક પણ ખોખાનો કેચ ના થયો હોય એવું અમે ક્યારેય જોયું નથી. આટલી નાની
દુકાનોમાં દસેક યુવકો નોકરી કરતા હોય એ બહુ સામાન્ય વાત છે. આ યુવકો મોટા ભાગે
વારાફરતી જમવા બેસે છે પણ ચ્હા એકસાથે જ પીવે છે. તેઓ ખૂબ જ નાનકડી સ્ટિલની
પ્યાલીમાં ચ્હા પીતા હોય છે. એ પ્યાલીની સાઈઝ જોઈને અમને એવું લાગ્યું હતું કે,
એ ચ્હા બહુ જ સ્ટ્રોંગ
હશે, એસપ્રેસો
જેવી.
ટ્રેડિશનલ ડ્રેસ ખરીદ્યા પછી વેસ્પર માટે ટ્રેડિશનલ જ્વેલરી ખરીદવા અમે ત્રણ
દરવાજા ગયા હતા. અહીંના સાંકડા રોડ અને ગલીઓમાં ઈમિટેશન જ્વેલરીના સંખ્યાબંધ
સ્ટોલ્સ છે. બધા જ લોકોએ પોતાનો માલ દીવાલ પર લટકાવ્યો હોય છે. ત્રણ દરવાજા
ઐતિહાસિક સ્થાપત્ય છે પણ તેમાંય લોકોએ ખીલ્લાં માર્યા છે. આ ગલીઓનું તાપમાન બહાર
કરતા ઘણું ઓછું હોય છે કારણ કે, ત્યાં સૂર્યના કિરણો પણ બહુ ઓછા પહોંચી શકે છે. ઢાલગરવાડ કે
પાનકોરનાકાની દુકાનોમાં ઘરાકી હોય ત્યારે દુકાનનો માલિક એ.સી. ચાલુ કરે છે. અહીંના
લોકો ગરમીથી પરેશાન થાય છે પણ તેઓ ટેવાઈ ગયા છે. કાળઝાળ ગરમીમાં પણ મહિલાઓ ફૂલ
મેકઅપ અને ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને શોપિંગ કરવા આવે છે.
મોટા ભાગની દુકાનોમાં બિલિંગ ખુદ માલિક કરે છે. દુકાનના માલિક દુકાનના
પ્રવેશદ્વારની બાજુમાં જ બેસે છે. તેમના બેસવાની જગ્યાએ તેમના પૂર્વજો અને ભગવાનની
તસવીરો હોય છે. આ તસવીરોની તેઓ રોજ સવારે દુકાન ખોલતી વખતે અને સાંજે પૂજા કરે છે,
જેને તેઓ દીવાબત્તી પણ
કહે છે. રાજુ ગાઈડ કહેતો કે, અખબારોની ઓફિસમાં પણ દીવાબત્તી થાય છે. અખબારોમાં એક
દીવાબત્તી પાનું પણ હોય છે એમ કહીને એ હસ્યો હતો. પછી એણે કહ્યું હતું કે,
શ્રદ્ધાંજલિની જાહેરાતો
જે પાને સૌથી વધારે આવતી હોય એને દીવાબત્તી પાનું કહે છે... રાજુ ગાઈડ તેના
છાપામાં સેટાયર કોલમ પણ લખે છે એટલે અમે તેની વાત પર બહુ વિશ્વાસ નહોતા કરતા પણ આ
વાત સાચી છે. ભારતીય અખબારોમાં દીવાબત્તીની જાહેરાતો પુષ્કળ હોય છે અને પ્રાદેશિક અખબારોનો
ફેલાવો માપવાનો સૌથી સરળ ઉપાય આવી જાહેરાતો છે.
![]() |
ત્રણ દરવાજા સ્ટ્રીટ માર્કેટ |
આ પ્રકારના બજારોમાં રોડ ટચ દુકાનોના ભાવ સૌથી ઊંચા હોય છે. ભારતમાં લગભગ બધે
જ રોડ ટચ કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ભાવ ઊંચા હોય છે. ભારતીયો કદાચ
રોડને બહુ પ્રેમ કરતા હશે! ભારતમાં રોડ બનાવીને ચૂંટણી પણ જીતી શકાય છે એવું રાજુ
ગાઈડ કહેતો હતો. રોડ ટચ પ્રોપર્ટીના ભાવ ઊંચા હોવા છતાં ત્યાં પાર્કિંગની જગા ના
હોય એવું હોઈ શકે છે. ખાણીપીણીની રોડ ટચ દુકાનો અને કિટલીઓની સામે રોડ પર જ લોકો
પાર્કિંગ કરે છે. પાર્કિંગ નથી હોતું એનો વાંધો નહીં પણ લોકોને ટ્રાફિક અને
પાર્કિંગ સેન્સ પણ નથી. કદાચ એટલે જ આ મુશ્કેલીએ વધારે મોટું અને ગંભીર રૂપ ધારણ
કર્યું છે.
જોકે, દુકાનોમાં ખરીદી કરવા જઈએ ત્યારે દુકાન સામે જ કાર પાર્ક કરીએ તો કોઈ વાંધો
ઉઠાવતું નથી. કદાચ પાર્કિંગનો ચાર્જ ખરીદીમાંથી જ વસૂલાતો હશે! જૂના અમદાવાદમાં
લાઈનબંધ દુકાનોની સાથે મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સ પણ છે. આ કોમ્પ્લેક્સમાં
અમારા જેવા ટુરિસ્ટને ફ્રેશ થવું હોય તો સ્વચ્છ વોશ રૂમ નથી હોતા,
જે બહુ ખૂંચે એવી વાત
છે. સ્વચ્છ પબ્લિક ટોઈલેટ નહીં હોવાથી ખાસ કરીને વેસ્પરને વધારે તકલીફ પડી હતી. જે
કોમ્પ્લેક્સમાં ભોંયરામાં પણ દુકાનો હોય ત્યાં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. ઉપર
દુકાન ધરાવતા લોકો પાનમસાલા ખાઈને નીચે થૂંકે છે. કોમ્પ્લેક્સમાં લોકો થૂંકે નહીં
એટલે ભગવાનની તસવીરો લગાવાઈ હોય છે પણ કોઈક જગ્યાએ તો ગંદકીના કારણે તસવીરો પણ
દેખાતી નથી. આ કોમ્પ્લેક્સો અને તેની આસપાસ બ્રેકફાસ્ટની સંખ્યાબંધ દુકાનો હોય છે
અને લોકો રોડ પર જ હોંશે હોંશે ખાય છે.
જૂના અમદાવાદમાં રખડપટ્ટી કરવા સીદી સૈયદની જાળીની આસપાસની બજેટ હોટેલોમાં
સ્ટે કરવો હિતાવહ છે. જૂના અમદાવાદના ખાનપુર વિસ્તારની થ્રી સ્ટાર હોટેલો પણ સારો
વિકલ્પ છે. હોટેલ નક્કી કરતી વખતે બપોરની ગરમી સહન કરવી ના પડે એ માટે ઝડપથી હોટેલ
પર પાછા આવી શકાય એ વાતનું ધ્યાન રાખવું. જો થ્રી સ્ટાર હોટેલમાં સ્ટે કરો તો પણ
એકવાર વહેલી સવારે લકી રેસ્ટોરન્ટમાં અચૂક બ્રેકફાસ્ટ લો. અહીં બ્રેકફાસ્ટ લઈને
જૂના અમદાવાદમાં રખડપટ્ટી કરવા નીકળી જવું જોઈએ, જેથી દિવસની ગરમી સહન ના કરવી પડે. ભારતની ‘મોસ્ટ અનયુઝુઅલ’ કે ‘વિયર્ડ’ હોટેલમાં આ હોટેલના રિઝલ્ટ્સ મળે છે કારણ કે,
આ હોટેલ કબરોની આસપાસ
ડિઝાઈન કરાઈ છે.
![]() |
માણેકચોકનો એરિયલ વ્યૂ |
એ પછી રાત્રે ફરવા નીકળો ત્યારે અહીંના માણેકચોક સ્ટ્રીટ ફૂડ માર્કેટમાં અચૂક
જાઓ. આ માર્કેટ પણ સીદી સૈયદની જાળીથી વોકિંગ ડિસ્ટન્સ પર છે. ખરેખર આ બજાર રાત્રે
સ્ટ્રીટ ફૂડ માર્કેટ હોય છે પણ વહેલી સવારે તો એ ગોલ્ડ-સિલ્વર માર્કેટ હોય છે. આ
માર્કેટ માણેકચોકના સોના-ચાંદી બજાર તરીકે ઓળખાય છે. બપોરે અહીં વેજિટેબલ માર્કેટ
ભરાય છે. અહીંની દુકાનો પણ ખૂબ નાની છે. અહીં અમે રાત્રે ભાજી ખાધી હતી,
જે બધા જ શાકભાજીને ક્રશ
કરીને બનાવાય છે. અમદાવાદીઓ ભાજી સાથે પાંઉ ખાય છે. ભાજી પાંઉ એ ગુજરાતી ફૂડ નથી
પણ મુંબઈથી આવેલું એક ફાસ્ટફૂડ છે. આપણા જેવા યુરોપિયનો માટે સ્પાઈસી ભાજી પછી
ડેઝર્ટમાં પાઈનેપલ કેડબરી સેન્ડવિચ બેસ્ટ ઓપ્શન છે.
અને હા, અહીં દેશી આઈસક્રીમ પણ મળે છે, જેને તેઓ મટકા આઈસક્રીમ કે ‘કુલ્ફી’ કહે છે. સામાન્ય રીતે સ્ટ્રીટ ફૂડ માર્કેટમાં વાહનો પર
પ્રતિબંધ હોય છે પણ અહીં લોકો વાહનો લઈને જોખમી રીતે અવરજવર કરે છે. અહીં પણ
ટ્રાફિક અને પાર્કિંગના પ્રશ્નો છે. આ પ્રશ્નોની વચ્ચે રખડતા ઢોરોનો પ્રશ્ન છે.
રાજુ ગાઈડ કહેતો હતો કે, આ તો ગાય માતા છે, એેને કેટલ નહીં કહેવાનું. બજારની થોડે દૂર જ બધો જ કચરો
ડમ્પ કરાય છે. ક્યારેક અહીંની વાસ આખા માણેકચોકમાં આવે છે. ખાસ કરીને ચોમાસામાં
એવું વધારે થાય છે. ગાયો અહીં જ ખાઈ લે છે. કદાચ ગાયનું વિચારીને જ લોકો ડિશમાં
થોડું ફૂડ બાકી રાખતા હશે! અહીં પશ્ચિમ વિસ્તારમાં લો ગાર્ડન નામના વિસ્તારમાં પણ
ટ્રેડિશનલ ડ્રેસ અને સ્ટ્રીટ ફૂડના સ્ટોલ્સ છે. અહીં પણ સિવિક સેન્સને લગતા ગંભીર
પ્રશ્નો છે. અહીંનું ફૂડ માર્કેટ જોઈને એવું લાગ્યું કે,
ગુજરાતીઓ સાંજનું ભોજન
મોટા ભાગે બહાર જ લેતા હશે!
જોકે, ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો ગરમીની જેમ બધી જ મુશ્કેલીઓથી ટેવાઈ ગયા છે. અમે એક
સામાન્ય લગ્નથી લઈને મોડર્ન પાર્ટીપ્લોટમાં યોજાયેલા લગ્ન એટેન્ડ કર્યા હતા.
લગ્નોમાં અમે ગુજરાતી ડિશનો સ્વાદ માણ્યો હતો. હોટેલોમાં ઓથેન્ટિક ગુજરાતી ફૂડ
ખાવા જઈએ ત્યારે એક મોટી ડિશમાં બહુ બધા શાક, કચુંબર, ફરસાણ અને રોટી સર્વ કરાય છે. એમાં મીઠાઈથી લઈને દાળ,
કઢી અને છાશ પણ હોય છે.
આ પ્રકારની ડિશમાં બહુ ઓછા ફૂડનો સ્વાદ એન્જોય કરી શકાય છે. રાજુ ગાઈડે કહ્યું
હતું કે, આવી ગુજરાતી ડિશ તમારા જેવા વિદેશી એન્જોય નહીં કરી શકે. એટલે અમે અમુક
હેરિટેજ રેસ્ટોરન્ટ અને લગ્નોમાં જવાનું નક્કી કર્યું હતું. ગુજરાતીઓના લગ્નોમાં
ભીડ બહુ જ હોય છે અને કદાચ એટલે જ ડિશ લઈને લાઈનોમાં ઊભું રહેવું પડે છે. ગુજરાતી
લગ્નોમાં મેઇન કોર્સ લેતા પહેલાં ખાણીપીણીના સ્ટોલ રાખવાની ફેશન છે,
જ્યાં જબરદસ્ત ભીડ હોય
છે. એક સરેરાશ ગુજરાતી ખૂબ ઝડપથી ખાય છે. તેઓ ખાતી વખતે પરસેવે રેબઝેબ થઈ જાય છે.
ફૂડ અને ટેબલ એટિકેટ સમાજના અમુક જ વર્ગ પૂરતી મર્યાદિત છે. પાણી પીવાની જગ્યાએ
ગંદકી ખૂબ જ સામાન્ય છે, જે સભ્ય ગુજરાતી સમાજે પણ સ્વીકારી લીધી છે. આજેય ભારતમાં
અનેક લોકો ભૂખથી મૃત્યુ પામે છે પણ લગ્નો હોય કે સ્ટ્રીટ ફૂડ માર્કેટ- બધે જ હજારો
ટન ફૂડ સીધું ગટરમાં જાય છે.
અમદાવાદમાં અમે સરખેજ રોજા, કેલિકો મ્યુઝિયમ, સંસ્કાર કેન્દ્ર અને નગીના વાડીની અછડતી મુલાકાત લીધી હતી.
નગીના વાડી કાંકરિયા તળાવની વચ્ચે છે. અહીં બાળકોના એન્ટરટેઈનમેન્ટ ઝોન અને
સ્ટ્રીટ ફૂડ મુખ્ય આકર્ષણો છે. અમે બાઈક લઈને વસ્ત્રાપુર લેક પણ ગયા હતા. અમે
ત્યાં લાંબો સમય રોકાઈ શક્યા ન હતા. અમદાવાદને મેટ્રો કહેવાય છે પણ અહીં નાઈટ લાઈફ
નથી. રાત્રે ચ્હા પીતા લોકોને પણ ક્યારેક દંડા પડે છે એવું રાજુ ગાઈડ કહેતો હતો.
વર્લ્ડ ફેમસ 'લોન્લી પ્લેનેટ' ટ્રાવેલ ગાઈડમાં લખ્યું છે કે,
અમદાવાદમાં ઓલ્ડ એજ
ચાર્મ છે પણ આ શહેર ૨૧મી સદીના ટ્રાફિક, ગિરદી, પ્રદૂષણ તેમજ અમર્યાદ સંપત્તિ અને ગરીબી વચ્ચે ઝોલા ખાઈ
રહ્યું છે. મોટા ભાગના ટ્રાવેલર્સ રાજસ્થાન કે મુંબઈ જતી વખતે ત્યાં નાનકડી
મુલાકાત લે છે. ખાસ કરીને સાબરમતી આશ્રમ (ગાંધી'ઝ ફોર્મર હેડ ક્વાર્ટર) જોવા. જોકે,
આ શહેરને સમજવા તમારી
પાસે પૂરતો સ્ટેમિના હોવો જરૂરી છે...
અમે પણ ચિત્ત શાંત કરવા સૌથી છેલ્લે ગાંધી આશ્રમ ગયા હતા.
નોંધઃ તસવીરો ગૂગલ પરથી લીધી છે.