'બાહુબલી' ફિલ્મ બોક્સ ઓફિસ કલેક્શનના રેકોર્ડ સિવાય પણ ઘણી બધી રીતે
અનોખી છે. રૂ. ૨૫૦ કરોડનું બજેટ ધરાવતી આ ફિલ્મ માટે રૂ. ૮૫ કરોડ તો ફક્ત હાઈટેક કમ્પ્યુટર જનરેટેડ ઈમેજરી અને વિઝ્યુઅલ
ઈફેક્ટ્સ પાછળ જ વાપરવામાં આવ્યા છે. ફિલ્મમાં આશરે પાંચ હજાર કમ્પ્યુટર જનરેટેડ દૃશ્યો
છે, જે કામ
હોલિવૂડ બ્લોકબસ્ટર 'જુરાસિક વર્લ્ડ'ની ટીમે પાર પાડ્યું છે. આ પહેલાં પણ કેટલીક ફિલ્મોમાં આપણે આ ટેક્નોલોજીનો
ઉપયોગ જોઈ ચૂક્યા છીએ પણ 'બાહુબલી' એ ફિલ્મો કરતા અલગ પડે છે. આ અલગ પડવાનું સૌથી મહત્ત્વનું
કારણ છે ફિલ્મ માટે તૈયાર કરાયેલા સેટ. સિલ્વર સ્ક્રીન પર 'બાહુબલી'ની ભવ્યતા જોઈને આશ્ચર્યથી આંખો પહોળી થઈ જાય છે એનું સૌથી
મહત્ત્વનું કારણ સ્પેશિયલ ઈફેક્ટ્સ અને સેટનું કિલર કોમ્બિનેશન છે.
હિસ્ટોરિકલ ફિક્શન, હિસ્ટોરિકલ ફેન્ટસી, હિસ્ટરી અને એક્શન જેવા વિવિધ જોનરમાં મૂકાયેલી 'બાહુબલી'માં એસ.એસ. રાજામૌલીએ ઐતિહાસિક કલ્પના,
પૌરાણિક કથાઓ અને
લોકવાર્તાઓમાં કલ્પનાના રંગ ઉમેરીને પડદા પર મહાકાવ્યનું સર્જન કર્યું છે. 'બાહુબલી'ના સર્જન પાછળની કથા પણ ફિલ્મની વાર્તાની જેમ જ ભારે રસપ્રદ
છે. 'બાહુબલી'ની વાર્તા ઈસ ૫૦૦ની આસપાસ માહિષ્મતિ સામ્રાજ્યમાં આકાર લે
છે. મહાભારત અને બૌદ્ધ ધર્મની કૃતિ 'દિઘા નિકાયા'માં પણ માહિષ્મતિ સામ્રાજ્યનો ઉલ્લેખ છે. માહિષ્મતિ દક્ષિણ
ભારતના અવંતિ સામ્રાજ્યનું અત્યંત મહત્ત્વનું શહેર હતું,
જે પાછળથી અનુપ
સામ્રાજ્યની પણ રાજધાની બન્યું હતું. આ કાળની ફિલ્મ માટે એ વખતની સંસ્કૃતિ અને
સ્થાપત્યને ધ્યાનમાં રાખીને સેટ તૈયાર કરવા પડે પણ 'બાહુબલી' કાલ્પનિક કથા હોવાથી રાજામૌલીએ સેટ ડિઝાઈનિંગમાં ભરપૂર
છૂટછાટ લીધી છે. રાજામૌલીએ સેટ તૈયાર કરવાનું કામ આર્ટ ડિરેક્ટર સાબુ સિરિલને
સોંપ્યું હતું પણ સેટને લગતા નાનામાં નાના કામમાં રાજામૌલીની ચોક્કસ ડિમાન્ડ
રહેતી. ફિલ્મની ઓપનિંગ સિક્વન્સમાં જ બાહુબલી ૧૦૦ ફૂટ ઊંચા ધોધ નજીક ખડકો પર લટકે
છે એ દૃશ્ય છે. ફિલ્મ શરૂ થાય ત્યારે જ દર્શકોના મનમાં બાહુબલીના પાત્રની શક્તિ
અને માહિષ્મતિ સામ્રાજ્યની રાજાશાહી સંસ્કૃતિનો પ્રભાવ દર્શાવવા આ દૃશ્ય ખૂબ જ
મહત્ત્વનું છે. સાબુ સિરિલ એક ઈન્ટરવ્યૂમાં કહે છે કે,
''રાજામૌલીએ આશરે ૧૦૦ ફૂટ
ઊંચા ધોધના દૃશ્યનું વર્ણન કર્યું. પછી મને કમ્પ્યુટર ટેકનિકનો આઈડિયા આપ્યો.
તેમણે કહ્યું કે, આ મારું વિઝન છે. મને નથી ખબર આ દૃશ્ય આપણે કેવી રીતે શૂટ કરીશું પણ આ દૃશ્ય
ફિલ્મમાં જરૂર હશે.''
![]() |
સાબુ સિરિલ |
આ દૃશ્યમાં સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે, ધોધ અને ખડક કેટલો અસલી હોય તો દૃશ્ય વધારે વાસ્તવિક અને
ભવ્ય લાગે? છેવટે આ દૃશ્ય એકદમ 'અસલી' લાગે એ માટે રાજામૌલીએ કેરળના ૮૨ ફૂટ ઊંચા અથિરાપિલ્લી
ધોધનું શૂટિંગ કર્યું હતું. ત્યાર પછી સાબુ સિરિલે સેટ ડિઝાઈનિંગ અને કમ્પ્યુટર
ટેકનિકની મદદથી બાકીનો ધોધ અને ખડકો તૈયાર કર્યા હતા,
જેથી પડદા પરનો ધોધ વધુ
ઊંચો અને ભવ્ય બનાવી શકાય! નકલી ધોધમાં પણ પાણીનો પ્રચંડ પ્રવાહ અનુભવી શકાય એ માટે પાંચ
હાઈ પ્રેશર પંપનો ઉપયોગ કરાયો હતો. રસપ્રદ વાત એ છે કે,
આ દૃશ્યમાં પાણી વેડફાઈ
ના જાય એ માટે સેટ પર રિસાઈકલિંગ સિસ્ટમ પણ તૈયાર કરાઈ હતી. એવી જ રીતે,
ધોધની બાજુમાં ખડકોની
ઊંચાઈનું સંતુલન જાળવવા ફાયબરના નકલી ખડકો તૈયાર કરાયા હતા. આ દૃશ્યના શૂટિંગ માટે
રામોજી ફિલ્મ સિટીમાં ધોધ અને ખડકોના આઠ ભાગ બનાવાયા હતા. આ આઠેય ભાગનું શૂટિંગ
કરીને તેને અસલી ધોધ અને ખડકોના વિઝ્યુઅલ સાથે જોડી દેવાયા હતા. આમ,
ધોધના દૃશ્યનું શૂટિંગ
કરતા ૧૦૯ દિવસનો સમય લાગ્યો હતો. સ્પેશિયલ ઈફેક્ટ્સ અને સેટ પાછળ કરેલા ખર્ચને
ધ્યાનમાં રાખીને 'બાહુબલી' ૧૬:૯ રેશિયોમાં શૂટ કરાઈ છે, જેથી ઉત્તમ ગુણવત્તાનું પિક્ચર મળી શકે.
ધોધ અને ખડકોના દૃશ્યની જેમ હિમ આચ્છાદિત ફૂલોની વેલીનું દૃશ્ય પણ એક મોટો
પડકાર હતું. નવાઈની વાત તો એ છે કે, આ દૃશ્ય આઉટડોર શૂટિંગ કરીને નહીં પણ ઈન્ડોર ટેક્નિકથી
તૈયાર કરાયું છે. એના માટે રાજામૌલીએ ચીનથી રૂ. ૬૦ લાખના નકલી ફૂલો મંગાવ્યા હતા. 'બાહુબલી' એક યુદ્ધ કથા હોવાથી પૌરાણિક કાળનો શસ્ત્ર-સરંજામ તૈયાર
કરવો અને સાચવવો એ એક મોટો પડકાર હતો. જેમ કે, યુદ્ધના દૃશ્યો માટે દસ હજાર 'હેન્ડ મેડ' તલવારો તૈયાર કરાઈ હતી. આ તલવારો તૈયાર કરવા રામોજી ફિલ્મ
સિટીમાં જ મેન્યુફેક્ચરિંગ યુનિટ ઊભું કરાયું હતું. યુદ્ધના દૃશ્યનું શૂટિંગ પૂરું
થઈ જાય એ પછી તલવારો પાછી એક સુરક્ષિત રૂમમાં મૂકી દેવાતી હતી. આ ઉપરાંત મહેલ,
મૂર્તિઓ,
મુગટો,
બખ્તરો,
પહેરવેશ,
રથ અને અન્ય
શસ્ત્રસરંજામમાં ઈસ ૫૦૦ની આસપાસ અસ્તિત્વ ધરાવતા માહિષ્મતિ સામ્રાજ્યની છાંટ
દેખાવી જરૂરી હતી. આ માટે સાબુ સિરિલે મહારાષ્ટ્રની અજન્ટા ઈલોરાની ગુફાઓ અને
તમિલનાડુની મહાબલિપુરમની ગુફાઓમાંથી પ્રેરણા લીધી છે. ફિલ્મના સેટ પર પથ્થરના મહાકાય સ્ટ્રક્ચરમાં
કોતરણી ઓછી હોવાનું કારણ તેનું મહાકાય કદ છે. જોકે, જે કોઈ થોડી ઘણી કોતરણી છે તે ગૂઢ અને જટિલ છે એનું કારણ
અજન્ટાની બૌદ્ધ, ઈલોરાની હિંદુ-બૌદ્ધ-જૈન તેમજ મહાબલિપુરમના શિવ મંદિરો એમ વિવિધ સ્થળેથી
લીધેલી પ્રેરણા છે. વળી, તેમાં રાજામૌલી અને સાબુ સિરિલે ગ્રીક સામ્રાજ્ય અને 'રામોજી સ્ટાઈલ' ફેન્ટસી પણ ઉમેરી છે.
પાંચમીથી દસમી સદી દરમિયાન ભારતમાં સ્હેજ છીંકણી ઝાંય ધરાવતા પથ્થરના મહાકાય
સ્થાપત્યોની બોલબાલા હતી. આ કારણોસર માહિષ્મતિ સામ્રાજ્યની વાર્તા કહેતી ફિલ્મની
કલર સ્કીમ પણ રેડ કે ગોલ્ડ નહીં પણ વૉર્મ અને છીંકણી શેડની પસંદ કરાઈ છે. આ
પ્રકારની ફિલ્મો માટે મોટા ભાગે ગોલ્ડ કલર સ્કીમ પસંદ કરાઈ છે. જોકે,
કલર સ્કીમની પ્રેરણા
તમિલનાડુના તાંજોરના મંદિરોમાંથી લેવાઈ છે. બીજા સામ્રાજ્યોની સરખામણીમાં ચડિયાતું
દેખાવા અને ધાક ઊભી કરવા પથ્થરના સ્ટ્રક્ચરમાં દેખાતી ભવ્યતાનો આધાર ગ્રીક અને
રોમન સામ્રાજ્યમાંથી લેવાયો છે. આ માટે સાબુ સિરિલે ગ્રેનાઈટ અને ધાતુની પટ્ટીઓથી
ડિઝાઈન તૈયાર કરી છે. સિંહાસનો, શસ્ત્રો અને કવચમાં દેખાતું સીધુસાદું મેટલ વર્ક પણ મજબૂતાઈ
દર્શાવવા માટે કરાયું છે. પ્રભાસ (બાહુબલી) અને રાણા દગ્ગુબાટી (ભલ્લાલા દેવ)ના
વ્યક્તિત્વને અનુરુપ તેમના મુગટ પણ જુદા જુદા છે. ભવ્ય મુગટો અને રાજવી પહેરવેશમાં
'વજન'
ઉમેરવા પ્રભાસ અને રાણા
દગ્ગુબાટીને પણ ૧૦૦ કિલો જેટલું વજન કરવાનો અને શરીરને યોગ્ય શેપમાં રાખવાનો હુકમ
કરાયો હતો. જોકે, બંનેની ઊંચાઈ છ ફૂટથી વધુ અને વજન ૯૦ કિલો જેટલું હોવાથી તેમણે દસ કિલો વજન
વધારવું પડ્યું હતું. જોકે, વજન વધ્યા પછીયે શરીર યોગ્ય શેપમાં રાખવા બંનેએ આકરું
ડાયેટ ફોલો કરવું પડ્યું હતું. આ માટે બંને કલાકારોએ શૂટિંગના મહિનાઓ પહેલા
રોજેરોજ પાંચ વાર નક્કી કરેલું નોન-વેજ ભોજન લેવાનું શરૂ કર્યું હતું કારણ કે,
પાત્રની માગ પ્રમાણે
યોગ્ય શેપમાં આવવા તેમણે રોજની ત્રણથી ચાર હજાર કેલરી લેવી જરૂરી હતી. કલાકારોને
યુદ્ધ કૌશલ્ય, તલવારબાજી અને હાથોહાથની લડાઈના દાવપેચ શીખવવા વિયેતનામના માર્શલ આર્ટિસ્ટની
મદદ લેવાઈ હતી.
'બાહુબલી'નું મોટા ભાગનું શુટિંગ હૈદરાબાદ-તેલંગાણામાં ૧,૬૬૬ એકરમાં પથરાયેલા વિશ્વના સૌથી મોટા ફિલ્મ કોમ્પ્લેક્સ
રામોજી ફિલ્મ સિટીમાં થયું છે. રામોજી ફિલ્મ સિટી પર ઊભા કરાયેલા એક પણ સેટમાં
ખામી ના રહી જાય એ માટે સાત કોન્સેપ્ટ આર્ટિસ્ટને કામ સોંપાયું હતું. ફિલ્મનું
શૂટિંગ ફૂલ ફ્લેજ્ડમાં ચાલી રહ્યું હતું ત્યારે એક પણ દિવસ એવો ન હતો કે જ્યારે
ફિલ્મના ઓછામાં ઓછા એક સેટ પર ૨૦૦થી ઓછા કારીગરો કામ ના કરતા હોય! આ તમામ કામ સાબુ
સિરિલની સીધી દેખરેખ હેઠળ થતું હતું. સાબુ મુંબઈવાસી છે પણ ત્રણ વર્ષ પહેલાં આ
ફિલ્મ માટે હૈદરાબાદની એક હોટેલમાં રહેવા જતા રહ્યા હતા. હોટેલમાં સતત સાત મહિના
કામ કર્યા પછી તેમને એપાર્ટમેન્ટમાં મૂવ થવાનો સમય મળ્યો હતો. 'બાહુબલી'ના સેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા તેમણે વર્ષ ૨૦૧૨ પછી 'લિંગા' સિવાય એક પણ ફિલ્મમાં કામ નથી કર્યું. 'બાહુબલી' ભારતીય સિનેમાની પહેલી ફિલ્મ છે,
જેના સેટનું મ્યુઝિયમ
તૈયાર થઈ રહ્યું છે.
'બાહુબલી'ના બીજા ભાગના આર્ટ ડિરેક્શનનું કામ સાબુ સિરિલ સપ્ટેમ્બરથી શરૂ કરવાના છે. આ ફિલ્મની વાર્તા સાથે મતભેદ હોઈ શકે છે પણ સાબુ સિરિલનું આર્ટ ડિરેક્શન હોલિવૂડની બરાબરી કરી શકે એવું છે એમાં શંકાને કોઈ સ્થાન નથી.
ચાર નેશનલ એવોર્ડ વિનર
સાબુ સિરિલે અત્યાર સુધી ૨૩ મલયાલમ, ૪૭ હિન્દી, ૧૪ તમિલ, ત્રણ તેલુગુ અને એક કન્નડ ફિલ્મમાં આર્ટ ડિરેક્ટર તરીકે કામ
કર્યું છે. 'ગરદીશ', 'વિરાસત', 'સાત રંગ કે સપને', 'હે રામ', 'હેરાફેરી', 'અશોકા', 'યુવા', 'ગુરુ', 'ઓમ શાંતિ ઓમ', 'રોબોટ' 'તિસ માર ખાં', 'રા-વન', 'સન ઓફ સરદાર' અને 'ક્રિશ-૩' સહિતની અનેક ફિલ્મોના સેટ સાબુ સિરિલે ડિઝાઈન કર્યા હતા. બે
મલયાલમ, એક હિન્દી (ઓમ શાંતિ ઓમ) અને એક તમિલ એક ચાર ફિલ્મો માટે તેઓ બેસ્ટ પ્રોડક્શન
ડિઝાઈનર તરીકેના નેશનલ એવોર્ડ પણ જીતી ચૂક્યા છે. આ સિવાય બેસ્ટ આર્ટ ડિરેક્શનના
પાંચ ફિલ્મફેર અને બીજા પણ અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય એવોર્ડ તેમના નામે બોલે છે.