કાશ્મીર ખીણમાં ઈન્ડિયન આર્મીની પોસ્ટ નજીક પહોંચો ત્યારે પૂછવામાં આવે એટલું જ બોલો, આઈડી માંગે તો બતાવો, બહુ ફ્રેન્ડ્લી થવાની કોશિષ ના કરો. એ વાત કરે તો ઠીક છે, નહીં તો સલામ મારીને ચાલતી પકડો અને કેમેરા ભૂલથીયે ના કાઢો...
***
મેહુલને
જોતા જ હું એલર્ટ થઈ ગયો કારણ કે, તેની સામે હું મજબૂત દેખાવા માંગતો હતો. મારી
નકારાત્મક અસર બીજા પર થાય એવી સ્થિતિ હું સર્જવા નહોતો માંગતો. મેં મેહુલને
કહ્યું, બહુ ઠંડી લાગે છે યાર, અને ભૂખ પણ લાગી છે. ચલ, અહીં તો ચોકલેટ્સ ખાઈ જ
લઈએ. આટલું બોલીને મેં રકસેકમાંથી હાઈ કેલરી હોમ મેડ ચોકલેટ્સ કાઢી. એ ચોકલેટ્સ પણ
મેહુલની વાઈફે જ બનાવી હતી. ચોકલેટ્સ ખાઈને ફરી અમે ચાલવાનું ચાલુ કર્યું. રણપ્રદેશ જેવા એ લીલાછમ અફાટ મેદાનનો અંત હજુયે નજીક દેખાતો ન હતો. અમને ખબર હતી કે,
આ રૂટ પર ઈન્ડિયન આર્મીની પોસ્ટ આવશે. એટલે અમારી નજર દૂર દૂર સુધી ત્રિરંગો શોધી
રહી હતી, પરંતુ વરસાદ, ધુમ્મસ અને થાકના કારણે અમે માનસિક સંતુલન સાધીને દૂર સુધી
જોઈ પણ શકતા ન હતા.
આ સ્થિતિમાં અમે હારી-થાકીને ચાલતા હતા, ત્યાં જ અચાનક ઈન્ડિયન આર્મીની એક પોસ્ટ દેખાઈ. એ પોસ્ટ જાણે અમારો રસ્તો રોકવા જ જમીનમાંથી બહાર આવી હોય એવો અમને અનુભવ થયો. અમારામાં સ્ફૂર્તિ આવી અને અમે ઝડપથી પોસ્ટ સુધી પહોંચી ગયા. પોસ્ટ બહાર ભારતીય સેનાનો એક જવાન ઊભો હતો. તેણે અમને કહ્યું, ‘કમ ઓન, આજા આજા, અંદર આજા...’ સામાન્ય રીતે, કાશ્મીર વેલી એરિયામાં તહેનાત ભારતીય સેનાનો એકેય જવાન ટ્રેકર્સ કે લોકલ્સ સાથે ફ્રેન્ડ્લી બિહેવ નથી કરતો. ટ્રેકર્સને પણ સલાહ અપાય છે કે, ઈન્ડિયન આર્મીની પોસ્ટ નજીક પહોંચો ત્યારે તમને પૂછવામાં આવે એટલું જ બોલો, આઈડી માંગે તો બતાવી દો, બહુ ફ્રેન્ડ્લી થવાની કોશિષ ના કરો, એ કંઈ વાત કરે તો ઠીક છે, નહીં તો સલામ મારીને ચાલતી પકડો અને કેમેરા કાઢીને ફોટોગ્રાફ્સ તો ભૂલથીયે ક્લિક ના કરો...
આ સલાહ મને બરાબર યાદ હતી. જોકે, અહીં તો જવાન સામેથી અમને અંદર બોલાવી રહ્યો હતો. અમારી હાલત જોઈને કદાચ તેને દયા આવી હશે! એ જવાનનું આમંત્રણ મળતા જ અમે સીધા પોસ્ટમાં ઘૂસ્યા. અંદર નજર કરતા જ ખબર પડી કે, ત્યાં અમારા ગાઇડ અશફાકની સાથે રાહુલ, નિશી અને લક્ષ્મીનાથને પણ અંદર ઊભા રહેવાની મંજૂરી અપાઈ છે. એ બધા અમારા ગ્રૂપના જ ટ્રેકર હતા. એ જ લોકોએ પેલા જવાનને કહ્યું હતું કે, બીજા બે ટ્રેકર પાછળ આવી રહ્યા છે. આશરે ચાર બાય ચાર ફૂટની એ પોસ્ટમાં એક જવાન સહિત અમે સાત જણાં ઊભા હતા અને છતાં ઠંડીથી થર થર કાંપી રહ્યા હતા. અમારો સુપરફિટ કાશ્મીરી ગાઈડ અશફાક પણ તેમાંથી બાકાત ન હતો.
હિમાલયના લીલાછમ અફાટ મેદાનો અને તેના સરોવરોના સૌંદર્યને ઘૂંટડે ઘૂંટડે માણીને આગળ વધી રહેલા ટ્રેકર્સ. |
એ
વખતે બીજો એક જવાન આર્મી પોસ્ટ નજીક બનાવેલી ખોલીમાંથી એક બોટલ લઈ આવ્યો. ના, તમે
વિચારો છો એવું ન હતું. એ કેરોસીનની બોટલ હતી. તે ખાસ અમારા માટે કેરોસીન લેવા પોસ્ટની
સામે બનાવેલા એક બંકર જેવા સ્ટોરમાં ગયો હતો. એ કેરોસીનથી એક જવાને પ્રાયમસ
સળગાવ્યો અને અમારા બધાની વચ્ચે મૂક્યો. નાનકડી ખોલીમાં ભડભડ જ્વાળાઓ ફેંકી રહેલા
પ્રાયમસની આસપાસ સાત-આઠ જણા ઊભા હોવા છતાં અમે સખત અને સતત ધ્રુજતા હતા. અમે
પ્રાયમસની આગમાં હાથ નાંખતા હતા ત્યારે એક જવાને અમને ટોક્યા પણ ખરા. છેવટે અશફાકે
બધા જ ટ્રેકરને નજીક આવવાનું કહી પોતાનું જેકેટ કાઢ્યું અને તેનાથી બધાના માથા કવર
કરીને ગરમી આપવાનો પ્રયાસ કર્યો. થોડીવાર પછી અમે રાહત અનુભવી અને બહાર વરસાદ પણ
બંધ થઈ ગયો હતો.
ત્યાં
જ એક જવાને કહ્યું, ‘અભી આપ નીકલ જાઓ, બારિશ ભી રૂક ગઈ હૈ. જલદી સે બેઝ કેમ્પ તક કા
ડિસ્ટન્સ કવર કર લો.’ અમે બધા જ અત્યંત ઈમોશનલ થઈ ગયા હતા. જવાનોનો કેવી રીતે આભાર
માનવો એ ખબર પડતી ન હતી. બધાની આંખ ભીની હતી. ત્યાં જ રાહુલ નામનો એક કોલેજિયન
જવાનના પગમાં જ પડી ગયો. વરસાદના કારણે અનેક ટ્રેકરની ધીરજ ખૂટી ગઈ હતી. રાહુલ પણ
તેમાંનો જ એક હતો. હિમાલયની હાડમારીઓમાં તેણે માનસિક સંતુલન ગુમાવી દીધું હતું.
જોકે, જવાને તેને તરત જ ઊભો કરીને કહ્યું કે, ‘અરે યાર, હમે શરમાઓ મત. જાઓ ચલો અબ
આગે નીકલો. બારિશ રૂક ગઈ હૈ...’
અમે
પણ પોસ્ટમાંથી જવાનોનો આભાર માની ફરી એકવાર ચાલવાનું શરૂ કર્યું. આશરે દોઢ-બે
કલાકની થકવી નાંખતી સફર પછીયે બેઝ કેમ્પ દેખાતો ન હતો. હવે મારી સાથે રાહુલ અને
નિશી હતા, જ્યારે બાકીના ટ્રેકર પાછળ હતા. આ દરમિયાન રસ્તામાં અમને લોકલ કાશ્મીરી
ટ્રેકર્સનું એક ગ્રૂપ મળ્યું, એ બધા પણ ડેરા-તંબૂ સાથે લઈને ટ્રેક કરવા જ નીકળ્યા
હતા. અમારી સાથે થોડી વાતચીત કર્યા પછી એ ગ્રૂપમાંના એક યુવકે મને પૂછ્યું ‘સુબહ
સે બારિશ મેં નીકલે હો તો ભૂખ લગી હોગી, સહી ના?’ મેં કહ્યું, ‘હા. બહોત ભૂખ લગી હૈ, લેકિન હમે પહેલે બેઝ
કેમ્પ તક પહુંચના હૈ. હમારે પાસ પિછલે બેઝ કેમ્પ કા પેક ફૂડ ભી હૈ, લેકિન ઠંડ કી
વજહ સે વો અબ ખાને લાયક નહીં રહા’
આ
વાત સાંભળીને તેણે હસીને કહ્યું ‘હમારે પાસ થોડા ખાના હૈ. બહોત નહીં હૈ, લેકિન
જિતના ભી હૈ વો મિલ બાંટ કે ખાયેંગે.’ આટલું બોલીને તેમણે રકસેકમાંથી ડ્રાયફ્રૂટ્સ
અને ચોકલેટ્સ કાઢીને અમને ઓફર કર્યા. તેમણે જે કંઈ અમને આપ્યું એ અમે હાથમાં
લીધું, પરંતુ આ શું?
હું, રાહુલ કે નિશી ડ્રાયફ્રૂટ્સ આંગળીમાં પકડીને ખાઈ પણ ના શક્યા. ચોકલેટનું રેપર
પણ નીકળતું ન હતું કારણ કે, સતત ઠંડા પાણીના મારના કારણે અમારી આંગળીઓ થીજીને કડક
થઈ ગઈ હતી અને કોણીથી હાથ વળવામાં પણ મુશ્કેલી પડતી હતી. અમે હથેળીઓ ઘસવાનું ચાલુ
કર્યું અને થોડી વાર પછી એકબીજાને ખવડાવ્યું. કેલરી લઈને અમે ફરી ઝડપથી ચાલવાનું
શરૂ કર્યું. ત્યાં થોડી વારમાં બીજી એક મુશ્કેલી આવી. અમે માંડ થોડા આગળ વધ્યા
ત્યાં અમારા જ ગ્રૂપની નિકીતા નામની એક ટ્રેકર રસ્તામાં મળી. ખડકાળ જમીનમાં માનસિક
સંતુલન નહીં રહેવાના કારણે તેના દાંત વચ્ચે જીભ આવી ગઈ હતી. એ વખતે અમારા ગાઈડે તેને
ખભા પર ઊચકીને થોડો રસ્તો પાર કરાવ્યો.
રસ્તામાં દેખાયેલા અખરોટના વૃક્ષો (ઈનસેટ તસવીરમાં લીલા કોચલામાં દેખાતું અખરોટ), જ્યારે બીજી તસવીરોમાં હિમાલયના ઝરણાંનું પાણી પીને તરસ છીપાવતો હું. |
એ પછીનું કામ અમારા ટીનએજર ગાઇડ અશફાકે સંભાળી લીધું. અમારા ગ્રૂપના બધા જ ટ્રેકરને સહીસલામત બેઝ કેમ્પ સુધી પહોંચાડવામાં અશફાકનો રોલ ખૂબ જ મહત્ત્વનો હતો. હું તેને બહુ સવાલો પૂછતો. આ ઉપરાંત હું તેને તકલીફ ના પડે એનું ધ્યાન રાખતો કારણ કે, તેણે મેહુલને ટ્રેક પૂરો કરવામાં પણ ખૂબ મદદ કરી હતી. અમારી ઉંમરમાં ઘણો ફર્ક હતો, પરંતુ અમારી દોસ્તી જામી ગઈ હતી. પહાડો પર એ મારો ‘પાર્ટનર ઈન ક્રાઈમ’ હતો. એક અઘરા રૂટ પર અશફાકે એક સિનિયર સિટીઝનને પીઠ પર ઊંચકીને રસ્તો ક્રોસ કરાવ્યો હતો. તેઓ પાછા જઈ શકે એમ નહીં હોવાથી અશફાકે એ નિર્ણય લીધો હતો. એકવાર તેણે મને વાતવાતમાં કહ્યું હતું કે, મેરા કામ કિસી કો ઉઠા કે ટ્રેક પૂરા કરાના નહીં હૈ, ગાઈડ કા કામ સિર્ફ આગે આગે ચલકે ટ્રેકર્સ કો રાસ્તા દિખાના ઓર છોટી-મોટી હેલ્પ કરના હૈ. ફિર ભી, કોઈ ઈન્સાન પીછે છુટના નહીં ચાહિયે, હમારી જિમ્મેવારી હૈ, સબકો સાથ લેકે ચલને કી. યહી તો ઈન્સાનિયત હૈ...
અશફાક
ડૉક્ટર બનવા માંગતો હતો અને ફક્ત પોકેટ મની માટે ટ્રેકિંગ ગાઈડ તરીકે કામ કરતો
હતો. જોકે, તેને સારા માઉન્ટેઇનિયર બનવાની પણ લાલચ હતી. એટલે તેણે આ કામ પસંદ
કર્યું હતું. આશરે 12 કિલોમીટરનો ટ્રેક કરીને અમે 11860 ફૂટની ઊંચાઈએ આવેલા સતસર
બેઝ કેમ્પ પહોંચ્યા ત્યાં સુધી અશફાક સાથે ઘણી વાતો થઈ. સતસરમાં અમારા કેમ્પ લીડર
ભાવનગરના એક ગુજરાતી હતા, રાવલ સાહેબ. એ દિવસે મારા દોસ્ત નીશિતને ગુલાબજાંબુ
ખાવાની ઈચ્છા થયા કરતી હતી, અને, રાવલ સાહેબે ટ્રેકર્સ માટે ખરેખર ગુલાબજાંબુ
બનાવડાવ્યા હતા. ધેટ વોઝ મોસ્ટ શૉકિંગ મોમેન્ટ ઓફ હૉલ ટ્રેક.
તમે
સમજી શકો છો, અમે કેટલા ખુશ થયા હોઈશું! થાકેલા-પાકેલા અને ભૂખ્યા ડાંસ ટ્રેકર્સને રાવલ સાહેબે
ગુલાબજાંબુ બનાવ્યા હોવાની વાત કરી ત્યારે કોઈ બે ઘડી માની પણ નહોતું શક્યું કે,
હિમાલયમાં આટલી ઊંચાઈ પર અમને ગરમાગરમ ગુલાબજાંબુ ખાવા મળશે! કોઇ ટ્રેકરનો અવાજ
પણ આવ્યો કે, ‘આને કહેવાય ગુજરાતી...’ દરેક ટ્રેકરને ફક્ત બે ગુલાબજાંબુ અપાયા.
મને પહેલા ક્યારેય ગુલાબજાંબુ આટલા બધા ટેસ્ટી નહોતા લાગ્યા. એ દિવસે અમે ભીના
કપડાં બદલીને ડિનર લીધું અને સ્લિપિંગ બેગમાં ઘૂસીને ઘસઘસાટ સૂઈ ગયા. સવારે વહેલા
ઊઠતા જ અમે ઝડપથી સવારના કામ પતાવ્યા.
સાતમા દિવસે અમારે 12 કિલોમીટરનો ટ્રેક કરીને 11482 ફૂટ ઊંચાઈએ આવેલા ગંગાબલ પહોંચવાનું હતું. ગંગાબલ અને નંદકોલ તળાવ સંયુક્ત રીતે ગંગાબલ તરીકે વધુ જાણીતા છે. આ જોડિયા સરોવર 16,870 ફિટ ઊંચા હરમુખ પર્વતની તળેટીમાં આવેલા છે. હરમુખ અપભ્રંશ શબ્દ છે. તેનું મૂળ નામ છે ‘હરમુકુટ’, એટલે કે ‘હરિનો, ભગવાન શિવનો મુકુટ’. સ્થાનિકો એમ પણ કહે છે કે, ‘ઈસકા મુખ હર તરફ સે દિખતા હૈ, ઇસલિયે ઇસકા નામ હૈ, હરમુખ.’ હરમુખની તળેટીમાં સાક્ષાત શિવજીના ચરણોમાં આશરો મળ્યો હોય એવી અનુભૂતિ થાય છે. કાશ્મીરી હિંદુઓની માન્યતા પ્રમાણે, હરમુખમાં જ શિવજીનો વાસ છે. ગંગાબલ અને નંદકોલ પહોંચવા ટ્રેકર્સ 13,428 ફૂટ ઊંચાઈએ આવેલો ઝાક પાસ ક્રોસ કરે ત્યારે હરમુખની ગોદમાં આવેલા આ બે સુંદર સરોવર એકસાથે જોવા મળે છે.
ગંગાબલ-નંદકોલ નામના જોડિયા સરોવરો અને અમારો બેઝ કેમ્પ. ત્યાંથી હિમાલયની તળેટી તરફ નીચે ઉતરતી વખતે દેખાયેલા પાલતુ પશુઓ અને અંતરિયાળ વિસ્તારોમાં દેખાયેલા મકાનો. |
ગંગાબલ
નંદકોલથી થોડું મોટું સરોવર છે, જેને ગ્લેશિયર્સ અને વરસાદ થકી પાણી મળે છે.
ગંગાબલ નાની નાની ધારાઓ થકી નંદકોલને પાણી આપે છે, જ્યારે નંદકોલ વાંગથ નાલા
તરીકે ઓળખાતા એક કુદરતી વહેણને પાણી આપે છે અને એ વહેણમાંથી એક મહાકાય નદીનું
સર્જન થાય છે, સિંધ. સિંધ નદી નજીકથી પસાર થતી વખતે ગુજ્જર જાતિના વણઝારા પશુપાલકો
અને તેમના ઘરો પણ જોવા મળે છે, જે ભારતથી લઈને છેક અફઘાનિસ્તાન સુધી ફેલાયેલા છે.
કાશ્મીર
ગ્રેટ લેક્સમાં ગંગાબલ છેલ્લો બેઝ કેમ્પ છે. એ દિવસે ટ્રેકર્સ સામાન્ય રીતે મોડા
સૂએ છે અને કેમ્પ પર ગીત-સંગીત, અંતાક્ષરીની રમઝટ જામે છે. આટઆટલી મુશ્કેલીઓ પછી
પણ એવું થાય છે કે, અહીંથી ક્યારેય પાછા જવાનું જ ના હોય તો કેવું! હિમાલયની ગોદમાં ગાઢ નિદ્રાની લક્ઝરી માણવાનો એ છેલ્લો
દિવસ હતો. એ વિચારથી મન ખિન્ન થઇ ગયું હતું. આઠમા દિવસની વહેલી સવારે ટેન્ટની બહાર
આવીને હું હિમાલયને મનમાં ને મનમાં શાંતચિત્તે કહું છું કે, હું આવીશ, ફરી એકવાર,
તને મળવા. એ દિવસે હું થોડા ભારે મન સાથે હું તૈયાર થયો.
આઠમા
દિવસે અમે હિમાલયની તળેટીમાં આવેલા નારંગ ગામ પહોંચવા દસ કિલોમીટરનો ટ્રેક શરૂ કર્યો. નારંગ જતી વખતે
હિમાલયની દુર્ગમ, રહસ્યમય અને હવે પોતીકી લાગી રહેલી વાદીઓ આહિસ્તા આહિસ્તા પાછળ
છૂટતી જતી હતી. પાંચ-છ કિલોમીટરનું અંતર કાપ્યા પછી ચારો કરવા આવેલા ઢોર દેખાવાનું
શરૂ થયું. એ પછી એકલદોકલ પશુપાલકો, દુકાનો, નાનકડા ગામ, રસ્તામાં
પડેલા ફૂડ પેકેટના પાઉચ અને પ્લાસ્ટિકની બોટલો દેખાવાનું શરૂ થયું. બધા જ ટ્રેકર્સ
ધીમે ધીમે નારંગ પહોંચ્યા. નારંગમાં અમે જુદી જુદી કારમાં બેસીને સોનમર્ગ બેઝ
કેમ્પ જવા રવાના થયા. એ વખતે કારમાં પેલું ગીત વાગતું હતું:
બિચ
રાહ મેં દિલવર, બિછડ જાયે કહીં હમ અગર
ઓર
સુની સી લગે તુમ્હેં, જીવન કિ યે ડગર
હમ
લોટ આયેંગે, તુમ યૂંહી બુલાતે રહેના
કભી
અલવિદા ના કહેના...
સંપૂર્ણ.