23 May, 2016

રેડ ટેલિફોન : માર્ક ટ્વેઇનથી દોસ્તોયવસ્કી સુધી...


વિદેશ નીતિની તકલીફ એ છે કે, બે દેશે પરસ્પર સંબંધ સુધારવા, ટકાવી રાખવા કે પછી કમસેકમ એવું બતાવીને આર્થિક હિતો જળવાઈ રહે એ રીતે આગળ વધવા અમુક પગલાં લેવા જરૂરી હોય છે. હમણાં સમાચાર હતા કે, ભારત અને ચીનના લશ્કરી વડા વચ્ચે થોડા સમયમાં રેડ ટેલિફોનશરૂ થઈ જશે! ચીન ભારત ફરતે લશ્કરી તાકાત વધારી રહ્યું છે ત્યારે કોઈ મોટી દુર્ઘટનાટાળવા રેડ ટેલિફોન મહત્ત્વનો સાબિત થઈ શકે છે! જોકે, રેડ ટેલિફોન એ લાલ રંગનું ટીપિકલ ટેલિફોન ડબલું નથી પણ કટોકટીના સમયમાં બે દેશ એકબીજાનો ઝડપથી સંપર્ક કરી શકે એ માટે શરૂ કરાતી હોટલાઈનછે. આ હોટલાઈનની મદદથી વાતચીતની સાથે કોઈ પણ પ્રકારના ફોર્મેટની ફાઈલો, ઓડિયો અને વીડિયો ક્લિપની આપ-લે થઈ શકે છે. આવી હોટલાઈન બે દેશના મિલિટરી વડા અથવા બે દેશના વડાપ્રધાનો, વિદેશ મંત્રીઓ અને વિદેશ સચિવો વચ્ચે પણ હોઈ શકે છે. આ હોટલાઈનને રેડ ટેલિફોનકહેવાની શરૂઆત કેમ થઈ એ જાણતા પહેલાં હોટલાઈનનું બેકગ્રાઉન્ડ જાણીએ.  

વાત નહીં કરવાહોટલાઈન શરૂ કરાઈ હતી!

સોવિયેત યુનિયને ઓક્ટોબર ૧૯૬૨માં અમેરિકાને પાઠ ભણાવવા ક્યુબા નજીક સમુદ્રમાં પરમાણુ મિસાઈલો તૈનાત કરી હતી. એ પહેલાં વર્ષ ૧૯૪૫માં દુનિયા હીરોશીમા અને નાગાસાકી પરનો પરમાણુ હુમલો જોઈ ચૂકી હતી. અમેરિકા અને સોવિયેત યુનિયનને ખબર હતી કે, પરમાણુ હુમલો કેવી ખાનાખરાબી સર્જી શકે છે! આમ છતાં, સોવિયેત યુનિયને અમેરિકા પર પરમાણુ હુમલો કરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી. એ વખતે સોવિયેત યુનિયનના પ્રમુખ નિકિતા ખુશ્ચોવે અમેરિકન પ્રમુખ જ્હોન એફ. કેનેડીને ત્રણ હજાર શબ્દોમાં એક ટેલિગ્રામ મોકલ્યો હતો, જેનો અંગ્રેજી અનુવાદ કરાવીને અને તેના પર વિચાર કરીને ખુશ્ચોવને જવાબ આપવામાં અમેરિકાને ૧૨ કલાકનો સમય લાગ્યો હતો. આ ટેલિગ્રામનો અમેરિકા જવાબ મોકલે એ પહેલાં સોવિયેત યુનિયનથી બીજો એક ટેલિગ્રામ આવી ગયો હતો. વળી, જાસૂસીથી બચવા આ પત્રવ્યવહાર એક સુરક્ષિત કુરિયર ચેનલ થકી કરાતો હતો, જેથી એકબીજાને જવાબ આપવામાં બહુ મોડું થતું હતું. સદ્નસીબે આ બધી મથામણ પછી પરમાણુ હુમલો અટકી ગયો હતો.

અમેરિકાની જિમી કાર્ટર લાઈબ્રેરીમાં અમેરિકા-સોવિયેત યુનિયનની હોટલાઈનને
પ્રતીકાત્મક રીતે દર્શાવવા મૂકાયેલો ડાયલ વિનાનો ‘રેડ ટેલિફોન’

આ પરમાણુ યુદ્ધ ટળ્યાના એક જ વર્ષ પછી બંને દેશે બોધપાઠ લીધો અને ૨૦મી જૂન, ૧૯૬૩ના રોજ સ્વિત્ઝર્લેન્ડમાં મેમોરેન્ડ ઓફ અન્ડસ્ટેન્ડિંગ કરીને હોટલાઈન શરૂ કરવા કરાર કર્યા. ત્યાર પછી ૩૦મી ઓગસ્ટ, ૧૯૬૩ના રોજ અમેરિકા-સોવિયેત યુનિયન વચ્ચે હોટલાઈન શરૂ થઈ. આ હોટલાઈનનું ટેસ્ટિંગ કરવા અમેરિકાએ સૌથી પહેલા ‘‘The quick brown fox jumped over the lazy dog’s back 1234567890.’’ એવો સંદેશ મોકલ્યો હતો. આ વાક્યમાં એબીસીડીના તમામ મૂળાક્ષરો, આંકડા અને એપોસ્ટ્રોફી આવતો હોવાથી તેનો ઉપયોગ કરાયો હતો.

રસપ્રદ વાત એ છે કે, અમેરિકા અને સોવિયેત યુનિયનના વડાને એકબીજા સાથે સીધી વાત ના કરવી પડે એ માટે હોટલાઈન શરૂ કરાઈ હતી. એટલે કે, હોટલાઈનનો મુખ્ય હેતુ એકબીજા સાથે વાત કરવાનો નહીં પણ ફક્ત લેખિત સંદેશ મોકલવાનો હતો. કોલ્ડ વૉરના દિવસોમાં અમેરિકા અને રશિયા વચ્ચેનો અણગમો અને અવિશ્વાસ ચરમસીમાએ હતો. આ સ્થિતિમાં અમેરિકા-રશિયાના સુરક્ષા નિષ્ણાતોએ વિચાર્યું કે, બંને દેશના વડા કટોકટી વખતે એકબીજા સાથે વાત કરે ત્યારે ગેરસમજ થવાની કે સામેની વ્યક્તિના ટોનનું ખોટું અર્થઘટન કરીને ભૂલભરેલો નિર્ણય લેવાઈ જાય એવી પૂરેપૂરી શક્યતા છે. એ ગેરસમજ વિશ્વને પરમાણુ યુદ્ધ તરફ લઈ જઈ શકે છે. આવું ના થાય એ માટે અમેરિકા અને સોવિયેત યુનિયનના વડા એકબીજા સાથે વાત કરે એ પહેલાં લેખિતમાં સંદેશ મોકલે એ જ વધારે હિતાવહ છે. વળી, લેખિત સંદેશા લશ્કરી પુરાવા પણ છે.

અમેરિકા-સોવિયેત યુનિયનની હોટલાઈન શરૂ થવા પાછળ આ વિચારો કારણભૂત હતા.

હોટલાઈનને રેડ ટેલિફોનકેમ કહે છે?

આ હોટલાઈનમાં લાલ રંગના ટેલિફોનનું અસ્તિત્વ જ નથી તો પણ વિશ્વભરમાં તે રેડ ટેલિફોનતરીકે જ ઓળખાય છે. વર્ષ ૧૯૭૦ સુધી તો હોટલાઈનમાં ટેલિફોનિક વાતચીત થઈ શકે એવા મશીનનું પણ અસ્તિત્વ ન હતું. રશિયાએ અમેરિકાને તાત્કાલિક સંદેશ પહોંચાડવા મોસ્કોમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથેનું ટર્મિનલ ઊભું કર્યું હતું. આ ટર્મિનલને રશિયનોએ સામ્યવાદના લાલ રંગ સાથે જોડીને રેડ ટેલિફોનનામ આપ્યું હતું. આ કારણસર એ વખતની કેટલીક નવલકથાઓ અને ફિલ્મોમાં પણ હોટલાઈનને રેડ ટેલિફોનતરીકે દર્શાવાઈ હતી.

ડૉ. સ્ટ્રેન્જલવ (૧૯૬૪) ફિલ્મનું એક દૃશ્ય 

વર્ષ ૧૯૫૮માં બ્રિટીશ લેખક પીટર જ્યોર્જે કોલ્ડ વૉર પર આધારિત રેડ એલર્ટનામની થ્રીલર નવલકથા લખી હતી. પીટર જ્યોર્જ દ્વિતીય વિશ્વયુદ્ધમાં બ્રિટીશ રોયલ એરફોર્સ વતી યુદ્ધમાં ભાગ લઈ ચૂક્યા હોવાથી રેડ એલર્ટવાસ્તવિકતાની ઘણી નજીક હતી. જોકે, આ નવલકથામાં પણ હોટલાઈનને ફિલ્મી સ્ટાઈલમાં રેડ ટેલિફોનતરીકે જ દર્શાવાઈ હતી. આ દરમિયાન ન્યુક્લિયર વૉરનો પ્લોટ ધરાવતી વાર્તાની શોધ કરી રહેલા વીસમી સદીના ધુરંધર ફિલ્મસર્જકો પૈકીના એક સ્ટેન્લી કુબ્રિકે રેડ એલર્ટવિશે સાંભળ્યું, જેના પરથી તેમણે વર્ષ ૧૯૬માં ઑલ ટાઈમ ક્લાસિક ગણાતી ડૉ. સ્ટ્રેન્જલવનામની આંતરરાષ્ટ્રીય રાજકારણ પર વ્યંગ કરતી ફિલ્મ બનાવી. આ જ નવલકથાની ઉતરતી નકલ કરીને અમેરિકન લેખક યુજિન બુર્ડિકે ફેઇલ સેફનામની નવલકથા લખી હતી, જેના પરથી એ જ વર્ષે ફેઇલ સેફનામની ફિલ્મ બની હતી. આ બંને ફિલ્મમાં હોટલાઈનને ટીપિકલ વન ટચ રેડ ટેલિફોનતરીકે દર્શાવાઈ હતી. આ સિવાય પણ કેટલીક નવલકથાઓ, ફિલ્મો, ટીવી સિરીઝ અને વીડિયો ગેમમાં અમેરિકા-રશિયાની હોટલાઈનને બંને દેશના વડા રેડ ટેલિફોનપર વાત કરતા હોય એવી રીતે રજૂ કરાઈ.

આમ, પોપ કલ્ચરના કારણે આજેય લોકો હોટલાઈનને રેડ ટેલિફોનજ સમજે છે.

અમેરિકા-સોવિયેત હોટલાઈન : એ વખતની અને અત્યારની

સિત્તેરના દાયકામાં અમેરિકા અને રશિયાના લશ્કરોમાં પણ આજના જેવા હાઇટેક કમ્પ્યુટરોનો વ્યાપક ઉપયોગ નહોતો એટલે બંને દેશ ટેલિપ્રિન્ટર પર સંદેશની આપ-લે કરતા. કોલ્ડ વૉર વખતે અમેરિકા અંગ્રેજીમાં અને રશિયા રશિયનમાં જ માહિતી મોકલતું હતું. આ કારણસર બંને દેશે વિવિધ સંદેશનો પોતપોતાની ભાષામાં અનુવાદ કરાવવા ગુપ્ત તંત્ર પણ ઊભું કરવું પડ્યું હતું કારણ કે, એ સંવાદો લિક થઈ જવાનું જોખમ રહેતું. જોકે, વર્ષ ૧૯૮૬માં અમેરિકા-રશિયાએ ટેલિપ્રિન્ટર કાઢીને ફેક્સ મશીનથી હોટલાઈન અપડેટ કરી અને વર્ષ ૧૯૭૧માં તો આ હોટલાઈન કોમ્યુનિકેશન ઉપગ્રહોથી પણ સજ્જ થઈ ગઈ.

જોકે, આજના અમેરિકા-રશિયાની હોટલાઈન ખાસ્સી બદલાઈ ગઈ છે. વર્ષ ૨૦૦૮થી બંને દેશ વચ્ચે ઉપગ્રહો સાથે જોડાયેલી હાઈટેક કમ્પ્યુટર સોફ્ટવેર સિક્યોરિટી ધરાવતી હોટલાઈન છે. આ હોટલાઈન પર અમેરિકન અને રશિયન પ્રમુખ એકબીજાને કોઈ પણ સમયે તાત્કાલિક સંદેશ પહોંચાડી શકે છે, જેમાં ટેક્સ્ટ મેસેજની જેમ ઓડિયો, વીડિયો અને લાઇવ મેપ વગેરેનો સમાવેશ થઈ જાય છે. અમેરિકા કે રશિયાના પ્રમુખ વિશ્વમાં ક્યાંય પણ હોય એ સંદેશ તેમને પહોંચી જાય છે. અમેરિકાએ રશિયાના સંદેશ ઝીલવાનો ટેકનિકલ વિભાગ પેન્ટાગોનના નેશનલ મિલિટરી કમાન્ડ સેન્ટરમાં ઊભો કર્યો છે. અહીં આવતા સંદેશ હાઇટેકિ સિક્યોરિટીથી સજ્જ નેટવર્કની મદદથી ઓટોમેટિકલી વ્હાઈટ હાઉસ પહોંચે છે એટલે માહિતી લિક થવાની શક્યતા નહીંવત છે.

આ હોટલાઈનનું દર કલાકે ટેસ્ટિંગ થાય છે. અમેરિકા દર એકી કલાકે (એક, ત્રણ અને પાંચ વાગ્યે એમ) અને રશિયા દર બેકી કલાકે હોટલાઈનનું ટેસ્ટિંગ કરે છે. જોકે, આ હોટલાઈનમાં રુટિન કોમ્યુનિકેશન નહીં થઈ શકતું હોવાથી અમેરિકનો ટેસ્ટિંગ કરવા રશિયનોને માર્ક ટ્વેઇન, વિલિયમ શેક્સપિયર જેવા લેખકોના લખાણો, એન્સાયક્લોપીડિયા કે રેસિપી મોકલે છે, તો રશિયનો અમેરિકનોને ફ્યોદોર દોસ્તોવયસ્કી અને એન્ટન ચેખોવના લખાણો મોકલતા રહે છે.

*** 

ભારત કયા દેશો સાથે હોટલાઈન ધરાવે છે?

ભારત અને પાકિસ્તાને પરમાણુ યુદ્ધ અટકાવવાના હેતુથી ૨૦મી જૂન, ૨૦૦૪ના રોજ અમેરિકાની મદદથી પોતપોતાના વિદેશ સચિવો વચ્ચે હોટલાઈન શરૂ કરી છે. ઓગસ્ટ ૨૦૧૫માં ભારત સરકારે ભારત-ચીન તેમજ ભારત-અમેરિકા વચ્ચે હોટલાઈન શરૂ કરવાની જાહેરાત કરી હતી. ભારત અને અમેરિકાની હોટલાઈન ભારતના વડાપ્રધાન અને અમેરિકન પ્રમુખ વચ્ચે છે, જે થોડા સમય પહેલાં ચાલુ થઈ છે. જોકે, ભારત અને ચીનની હોટલાઈન બંને દેશના વિદેશ મંત્રીઓ વચ્ચે છે, જે એક્ટિવ કરવાનું કામ હજુ ચાલી રહ્યું છે.

બીજા દેશોની વાત કરીએ તો, અમેરિકા ચીન સાથે પણ હોટલાઈન ધરાવે છે. આ ઉપરાંત રશિયાની પણ ચીન, ફ્રાંસ અને યુ.કે  જેવા દેશો સાથે હોટલાઈન છે. ચીન-જાપાન અને ઉત્તર કોરિયા-દક્ષિણ કોરિયા વચ્ચે પણ હોટલાઈન છે.

અમેરિકા-બ્રિટન વચ્ચે સૌથી પહેલી હોટલાઈન

અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે હોટલાઈન શરૂ થયાના બે દાયકા પહેલાં દ્વિતિય વિશ્વયુદ્ધ વખતે  અમેરિકા અને બ્રિટન વચ્ચે હોટલાઈન શરૂ કરાઈ હતી. એ દિવસોમાં અમેરિકા-બ્રિટને હોટલાઈનનો સતત ઉપયોગ કર્યો હતો. ત્યાર પછી અમેરિકા અને સોવિયેત યુનિયને શરૂ કરેલી હોટલાઈન સૌથી વધારે ચર્ચામાં રહી. ૨૨મી નવેમ્બર૧૯૬૩ના રોજ અમેરિકન પ્રમુખ જ્હોન એફ. કેનેડીની હત્યા કરાઈ ત્યારે આ હોટલાઈનનો પહેલીવાર ઉપયોગ કરાયો હતોજ્યારે રશિયાએ પાંચમી જૂન૧૯૬૭ના રોજ ઈઝરાયેલ અને આરબ દેશો વચ્ચે થયેલા યુદ્ધ વખતે હોટલાઈનનો પહેલીવાર ઉપયોગ કર્યો હતો. રશિયાએ હોટલાઈન પર અમેરિકાને પૂછ્યું હતું કેઈજિપ્ત પરના હુમલામાં તમે ઈઝરાયેલને મદદ કરવાના છોઆ દરમિયાન બંને દેશે પોતપોતાની લશ્કરી ગતિવિધિની જાણકારી આપવા ૨૦ સંદેશની આપ-લે કરી હતી.

એ પછી વર્ષ ૧૯૭૧માં ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે અમેરિકન પ્રમુખ રિચર્ડ નિક્સને રશિયન પ્રમુખનો સંપર્ક કરવા હોટલાઈનનો ઉપયોગ કર્યો હતો. વર્ષ ૧૯૭૯માં અમેરિકન પ્રમુખ જિમી કાર્ટરે અફઘાનિસ્તાન પર રશિયન લશ્કરના હુમલા અટકાવવા રશિયન પ્રમુખનો હોટલાઈન પર સંપર્ક કર્યો હતો. એ પછી અમેરિકન પ્રમુખ રોનાલ્ડ રેગને અમેરિકન પત્રકારની જાસૂસીના કેસમાં ધરપકડથી માંડીને રશિયાની બીજા દેશોમાં દખલગીરી અટકાવવા અનેકવાર હોટલાઈનનો ઉપયોગ કર્યો હતો.

No comments:

Post a Comment