મકડી, મકબૂલ (આસિસ્ટન્ટ ડિરેક્ટર), ધ બ્લુ અમ્બ્રેલા, ઓમકારા (આસિસ્ટન્ટ ડિરેક્ટર, રાઈટર), કમીને (રાઈટર), ઈશ્કિયા, દેઢ ઈશ્કિયા (ડિરેક્ટર) જેવી ઓફ બીટ ફિલ્મો પછી ૧૭મી જૂન,
૨૦૧૬ના રોજ અભિષેક
ચૌબેની ડિરેક્ટર તરીકે ‘ઉડતા પંજાબ’ આવી રહી છે. આ ફિલ્મના ટ્રેલરની શરૂઆતમાં જ અંગ્રેજી ભાષામાં અને પંજાબી
ઉચ્ચારોમાં ચેતવણી આપતો એક સંદેશ અપાયો છે : ‘‘જો પંજાબના યુવાનો આવી જ રીતે ડ્રગ્સનો નશો કરતા રહેશે તો
પંજાબ થોડા સમયમાં મેક્સિકો બની જશે.’’ એક સમયે પંજાબ શબ્દ બોલતા જ હરિયાળી ક્રાંતિ,
સરસવના પીળા ખેતરો,
પંજાબી ભોજન અને લસ્સી
યાદ આવતી હતી, જ્યારે આજનું પંજાબ હરિયાળી ક્રાંતિની આડઅસરમાંથી પેદા થયેલા કેન્સરના દર્દીઓ
અને ડ્રગ્સના દુષણનો ગઢ બની ગયું છે. હાલ ભારતના બીજા રાજ્યોમાં,
પશ્ચિમી દેશોમાં કે
સિંગાપોર-મલેશિયા જેવા એશિયાઇ દેશોમાં હેરોઇન વાયા પંજાબ પહોંચે છે. જોકે,
પંજાબ ડ્રગ્સની
ચુંગાલમાં રાતોરાત નથી ફસાયું પણ છેલ્લાં ૩૬ વર્ષમાં થયેલી કેટલીક રાજકીય અને
સામાજિક ઘટનાઓની ધીમે ધીમે થયેલી ભયાનક અસર એ માટે જવાબદાર છે.
પંજાબમાં ડ્રગ્સની હેરાફેરી થવાનું સૌથી મોટું કારણ છે વર્ષ ૧૯૮૦માં ઈરાન-ઈરાક
વચ્ચે થયેલું યુદ્ધ. આ યુદ્ધ ૨૨મી સપ્ટેમ્બર, ૧૯૮૦થી ૨૦મી ઓગસ્ટ, ૧૯૮૮ સુધી એટલે કે સાત વર્ષ, ચાર અઠવાડિયા અને એક દિવસ ચાલ્યું હતું. આ યુદ્ધમાં બંને
પક્ષે જોરદાર ખુવારી થઈ હતી. એ પછી ઈરાન-ઈરાકે બાલ્કન રૂટ ઘણાં લાંબા સમય સુધી બંધ
કરી દીધો હતો. આ રસ્તો બાલ્કન ઉપખંડમાં આવેલો છે. દક્ષિણ પૂર્વીય યુરોપમાં આવેલા
બાલ્કન ઉપખંડમાં અલ્બેનિયા, બલ્ગેરિયા, બોસ્નિયા, મોન્ટેનગ્રો, મેસેડોનિયા અને કોસોવો જેવા આખેઆખા દેશો આવી જાય છે. આ ઉપરાંત યુરોપના ગ્રીસ, ઈટાલી, તુર્કી, સર્બિયા, ક્રોએશિયા, સ્લોવેનિયા અને રોમાનિયા જેવા દેશોના અમુક હિસ્સો પણ બાલ્કન
ઉપખંડનો એક ભાગ છે. હાલ આતંકવાદથી પીડિત ઈરાક, સીરિયા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના હજારો શરણાર્થીઓ યુરોપમાં
બાલ્કન રૂટ થકી જ યુરોપિયન દેશોમાં પ્રવેશે છે. એક સમયે પશ્ચિમી દેશોમાં ડ્રગ્સ
પહોંચાડવા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનના ડ્રગ્સ માફિયા બાલ્કન રૂટને સૌથી
ઉત્તમ અને સુરક્ષિત ગણતા હતા. જોકે, હવે પશ્ચિમી દેશોમાં વાયા પંજાબ હેરોઇન નામનું ડ્રગ્સ
પહોંચાડવામાં આવે છે.
ભારત-પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ડ્રગ્સ માફિયાઓની સિન્ડિકેટે પંજાબના ભ્રષ્ટ
પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓને આ ધંધામાં જોતરી દીધા છે. ટૂંકા રસ્તે લખલૂટ રૂપિયા
કમાવવાની લાલચમાં પંજાબના અનેક યુવાનો પોલીસ અને રાજકારણીઓ હેન્ડલર બની ગયા છે.
હવે અહીં ડ્રગ્સ સહેલાઈથી ઉપલબ્ધ છે. એટલે જ પંજાબના યુવાનોમાં ડ્રગ્સની નશાખોરી
સતત વધી રહી છે. એક અંદાજ પ્રમાણે, પંજાબમાં ૧૬થી ૩૫ વર્ષની વયના ૭૦ ટકા યુવાનો ડ્રગ્સના
બંધાણી છે અથવા ડ્રગ્સ લઈ ચૂક્યા છે. પંજાબમાં આર્થિક અસમાનતાના કારણે મધ્યમવર્ગીય યુવાનોમાં અસંતોષનું પ્રમાણ પણ વધારે છે. આ યુવાનોને પણ હરિયાળી ક્રાંતિ વખતે સમૃદ્ધ થયેલા ખેડૂત પુત્રોની જેમ ધૂમ પૈસા કમાઈને ‘સફળ’ થવું છે.
આ સ્થિતિમાં ભારતમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ ૧૯૮૫ હેઠળ નોંધાયેલા અડધા ગુના પંજાબના છે. મીડિયામાં રોજેરોજ પંજાબ, જમ્મુ-કાશ્મીર કે રાજસ્થાનની સરહદો નજીક ‘કરોડોનું હેરોઈન ઝડપાયું’ જેવા સમાચારો ચમકે છે. દેશમાં પાંચમાં ભાગનું હેરોઇન એકલા પંજાબમાંથી પકડાય છે અને બાકીના ચાર ભાગના છેડા પંજાબ સુધી જાય છે. ડ્રગ્સની સૌથી વધારે ઘૂસણખોરી પંજાબની પાકિસ્તાન સાથેની સરહદેથી થાય છે. આ સરહદો પર આવેલા પંજાબના અનેક અંતરિયાળ ગામો ડ્રગ્સની હેરાફેરીના ગઢ છે. પાકિસ્તાનના ડ્રગ હેન્ડલરોએ ભારતમાં સુરક્ષિત રીતે ડ્રગ્સ પહોંચાડવાની અનેક પદ્ધતિઓ વિકસાવી છે. પાકિસ્તાન તરફથી સીલબંધ પેક કવરમાં ડ્રગ્સના પેકેટ ભારતની સરહદમાં ફેંકવામાં આવે છે. આ ઉપરાંત સરહદોની ફેન્સિંગથી થોડે દૂર અન્ડરગ્રાઉન્ડ ટનલોમાં રબર ટ્યૂબ ફિટ કરીને પણ ડ્રગ્સની હેરાફેરી થાય છે. આ ટનલોમાં લાંબી સૂતળી જેવી દોરીઓ હોય છે, જેની મદદથી ભારતીય હેન્ડલરો ડ્રગ્સના પેકેટ ખેંચી લે છે.
આ સ્થિતિમાં ભારતમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ ૧૯૮૫ હેઠળ નોંધાયેલા અડધા ગુના પંજાબના છે. મીડિયામાં રોજેરોજ પંજાબ, જમ્મુ-કાશ્મીર કે રાજસ્થાનની સરહદો નજીક ‘કરોડોનું હેરોઈન ઝડપાયું’ જેવા સમાચારો ચમકે છે. દેશમાં પાંચમાં ભાગનું હેરોઇન એકલા પંજાબમાંથી પકડાય છે અને બાકીના ચાર ભાગના છેડા પંજાબ સુધી જાય છે. ડ્રગ્સની સૌથી વધારે ઘૂસણખોરી પંજાબની પાકિસ્તાન સાથેની સરહદેથી થાય છે. આ સરહદો પર આવેલા પંજાબના અનેક અંતરિયાળ ગામો ડ્રગ્સની હેરાફેરીના ગઢ છે. પાકિસ્તાનના ડ્રગ હેન્ડલરોએ ભારતમાં સુરક્ષિત રીતે ડ્રગ્સ પહોંચાડવાની અનેક પદ્ધતિઓ વિકસાવી છે. પાકિસ્તાન તરફથી સીલબંધ પેક કવરમાં ડ્રગ્સના પેકેટ ભારતની સરહદમાં ફેંકવામાં આવે છે. આ ઉપરાંત સરહદોની ફેન્સિંગથી થોડે દૂર અન્ડરગ્રાઉન્ડ ટનલોમાં રબર ટ્યૂબ ફિટ કરીને પણ ડ્રગ્સની હેરાફેરી થાય છે. આ ટનલોમાં લાંબી સૂતળી જેવી દોરીઓ હોય છે, જેની મદદથી ભારતીય હેન્ડલરો ડ્રગ્સના પેકેટ ખેંચી લે છે.
એકવાર પંજાબમાં હેરોઈન ઘૂસી જાય પછી તે મુંબઈ અને કોલકાતા જેવા મોટા બંદરો
સુધી પહોંચે છે. અહીંથી ડ્રગ્સના શિપમેન્ટ સીધા પશ્ચિમી દેશોમાં અથવા તો
પાકિસ્તાનના અન્ય બંદરોથી પશ્ચિમી દેશોમાં પહોંચાડવામાં આવે છે. સિંગાપોર અને
મલેશિયા જેવા દેશોમાં જતું હેરોઇન પણ પહેલાં પંજાબ પહોંચે છે. એ પછી તેને
બેંગલુરુથી જતી ફ્લાઇટોમાં ડિલિવર કરાય છે. પંજાબમાં આવતું હેરોઇન મોટા ભાગે
અફઘાનિસ્તાનનું હોય છે, જેનો મટા ભાગનો જથ્થો ભારત-પાકિસ્તાન થઈ અમેરિકા પહોંચે છે.
છેલ્લાં ઘણાં સમયથી અમેરિકામાં હેરોઇનનો નશો કરવાનું દુષણ વધ્યું છે. આ પહેલાં
અમેરિકામાં મેક્સિકન હેરોઇન અને બીજા ડ્રગ્સનો ઉપયોગ વધારે થતો હતો,
પરંતુ અમેરિકન
સરકારે મેક્સિકો સરહદે ધોંસ બોલાવ્યા પછી
ડ્રગ્સ માફિયાઓએ અફઘાનિસ્તાનના હેરોઇનનો સહારો લીધો છે.
પંજાબમાં પણ ડ્રગ્સનું સ્મગલિંગ નેટવર્ક ઉઘાડું પડી જ ગયું છે પણ વ્યાપક ભ્રષ્ટાચારના
કારણે એ તૂટવાના બદલે વધારે ફૂલ્યુંફાલ્યું છે. પંજાબમાં ડ્રગ્સનું નેટવર્ક ઊભું
થઈ શક્યું એ માટે ભ્રષ્ટ પોલીસ અને રાજકારણીઓની સાથે લશ્કરનો ભ્રષ્ટાચાર પણ
વત્તેઓછે અંશે જવાબદાર છે. કેટલાક લાલચુ જવાનો રાષ્ટ્રીય સુરક્ષાની પણ પરવા કર્યા
વિના ટૂંકા રસ્તે બિંદાસ પૈસા કમાવા ડ્રગ્સ માફિયાઓનો હાથો બની જાય છે. પઠાણકોટ એરબેઝ
હુમલા પહેલાં આતંકવાદીઓએ જે આઈપીએસનું અપહરણ કર્યું હતું,
એ સલવિન્દર સિંઘની
ડ્રગ્સ માફિયાઓ સાથે સાંઠગાંઠ હોવાની શંકા સેવાઈ હતી. પંજાબમાં સુપરિન્ટેન્ડન્ટ
સ્તરના અનેક પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓના નામ ડ્રગ્સની હેરાફેરીમાં ચમકી ચૂક્યા
છે. એક સમયે પંજાબના જાણીતા રેસલર અને ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ
જગદીશસિંઘ ભોલાને પણ ડ્રગ્સની હેરાફેરીમાં જ સસ્પેન્ડ કરાયા હતા. જાન્યુઆરી
૨૦૧૪માં ભોલાએ કબૂલ્યું હતું કે, પંજાબમાં સરકારી મશીનરીનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે થાય
છે. હું તો પ્યાદું છું. આ કામમાં પંજાબના મહેસૂલ મંત્રી બિક્રમસિંઘ મજિઠિયા પણ
સામેલ છે...
જોકે, ભોલાની કબૂલાતના બે વર્ષ પછીયે મજિઠિયાનો વાળ પણ વાંકો નથી થયો. ઊલટાનું થોડા
દિવસ પહેલાં તેમણે ડ્રગ્સ કેસને લઈને બીજા નેતાઓ સાથે ટ્વિટર વૉર છેડ્યું હતું.
જગદીશસિંઘ ભોલાના નિવેદનોના આધારે પંજાબ પોલીસે શિરોમણી અકાલી દલના નેતા મનીન્દર
સિંઘ ઔલાખની પણ પૂછપરછ કરી હતી. ઔલાખે ચોંકાવનારો ઘટસ્ફોટ કરતા કહ્યું હતું કે,
પંજાબમાં ડ્રગ્સની
હેરાફેરી કરવા રાજ્ય સરકારના વાહનોનો ઉપયોગ કરાય છે... ભોલાના જ નિવેદનોના આધારે
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઔલાખ અને પંજાબના પ્રવાસન મંત્રી સરવણસિંઘ ફિલ્લુરના
પુત્ર દમનવીર સિંઘની પણ પૂછપરછ કરી હતી. આ બંને પર રૂ. પાંચ હજાર કરોડના ડ્રગ્સ
હેરાફેરીના નેટવર્કમાં સામેલ હોવાનો આરોપ છે. આ કેસમાં રાજકારણીઓની સાથે કેટલાક
બિઝનેસમેનના નામ પણ ખૂલ્યા હતા, જેમાં મંથર ગતિએ તપાસનું નાટક ચાલી રહ્યું છે. પંજાબના
ડ્રગ્સ નેટવર્ક વિશે પતિયાલાના સિનિયર સુપરિન્ટેડન્ટ હરદયાલ સિંઘે જાહેરમાં કહ્યું
હતું કે, પંજાબમાં ડ્રગ્સનું મજબૂત નેટવર્ક છે, જે ચૂંટણીઓમાં રાજકારણીઓને આર્થિક મદદ કરે છે...
પંજાબના યુવાનો ડ્રગ્સના નશાખોર બન્યા એ પાછળ બીજો પણ એક સામાજિક ઘટનાક્રમ
જવાબદાર છે. અહીં હરિયાળી ક્રાંતિ વખતે જંતુનાશકોનો બેફામ ઉપયોગ કરીને કમાયેલા
અનેક સદ્ધર ખેડૂત પરિવારના સંતાનો અમેરિકા, કેનેડા અને યુરોપના બીજા દેશોમાં સ્થાયી થયા હતા. આવા અનેક
યુવાનો ત્યાંથી ડ્રગ્સનું દુષણ લઈને ભારત પાછા ફર્યા છે. આ દેશોમાં સ્થાયી થયેલા પંજાબી
યુવાનોમાં પણ ડ્રગ્સનો નશો કરવાનું દુષણ સખત વધ્યું છે. બીજી તરફ,
હરિયાળી ક્રાંતિ વખતે
કુદરતી રીતે સૂકા વિસ્તારોમાં મોટા ખેડૂતોએ ડાંગરની બેફામ ખેતી કરી હતી,
જેને પાણીની વધારે જરૂર
પડતી. વર્ષો સુધી ડાંગર જેવો વધુ પાણી પીતો પાક લેવાના કારણે જમીનમાં ક્ષારનું
સ્તર ઘણું વધી ગયું અને ભૂગર્ભ જળનું સ્તર ૮૦ ટકા જેટલું નીચે જતું રહ્યું. આ
કારણસર અનેક સ્થળોની ખેતીલાયક જમીન નકામી થઈ ગઈ. આ જમીનો ઉપયોગી નહીં રહેતા મોટા
ખેડૂતો બેકાર બની ગયા. જોકે, તેમાંના અનેક ખેડૂતો આર્થિક રીતે સદ્ધર છે અથવા ખુવાર થઈ ગયા છે. આ ખેડૂતો પણ અત્યારે ડ્રગ્સના
બંધાણી છે. એક અંદાજ પ્રમાણે, પંજાબના કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલી ૫૦ ટકા વસતી ડ્રગ્સની બંધાણી છે.
છેલ્લાં ઘણાં સમયથી મીડિયામાં ચમકી રહેલા આ પ્રકારના અહેવાલો સાબિત કરે છે કે,
પોલીસ અને તમામ
રાજકારણીઓએ પંજાબમાં ડ્રગ્સનું મજબૂત નેટવર્ક ડિઝાઈન કર્યું છે. આશા રાખીએ કે,
‘ઉડતા પંજાબ’ની રિલીઝ પછી આ મુદ્દાની દેશભરમાં ગંભીરતાથી ચર્ચા થાય!
નોંધઃ તસવીર પ્રતીકાત્મક છે.
નોંધઃ તસવીર પ્રતીકાત્મક છે.
Awesome and interesting
ReplyDeletewow... very informative and interesting article... keeep it up..
ReplyDeleteaa movie nu impact ..next year election ma padse...
ReplyDeleteBadal kahi kho jayenge.... :)