દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલા કોલમ્બિયા દેશની રાજધાની છે, બગોટા. આ શહેરના મેયર
એનરિક પેનાસોલા દુનિયાભરમાં બસ રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમ (બીઆરટીએસ)ના પિતામહ્ તરીકે
જાણીતી અને સન્માનીય હસ્તી છે. નવેમ્બર ૨૦૦૯માં અમદાવાદ બીઆરટીએસની સેવાને એક
મહિનો પૂરો થયો ત્યારે તેઓ અમદાવાદ આવ્યા હતા. અમદાવાદની મુલાકાત વખતે પેનાસોલાએ
શહેર કેવું હોવું જોઈએ એ વિશે વાત કરતા એક અંગ્રેજી અખબારના ઈન્ટરવ્યૂમાં કહ્યું
હતું કે, ગલીઓમાં રમતા બાળકને કોઈ કાર ટકરાઈને જતી રહેશે એવી તેમના માતાપિતાને ચિંતા ના
હોવી જોઈએ, એટલી શહેરોએ ખાતરી આપવી જોઈએ... પેનાસોલાએ ઉઠાવેલો મુદ્દો ભારત જેવા ત્રીજા
વિશ્વના દેશોને વધારે લાગુ પડે છે કારણ કે, અમેરિકા અને યુરોપના દેશોમાં બાળકો કે યુવાનો મેદાનો,
પ્લે એરિયા કે બગીચામાં
વધારે જોવા મળે છે, ગલીઓમાં નહીં. ભારતમાં રસ્તા પર યુવાનો ક્રિકેટ રમી રહ્યા
હોય એ દૃશ્ય ખૂબ જ સામાન્ય છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ જેવા મેટ્રોથી લઈને અમદાવાદ જેવા નાના-મોટા શહેરોના
યુવાનો માટે રસ્તા એ જ મેદાન છે. એનું કારણ છે, ભારતના શહેરોમાં વસતીના પ્રમાણમાં મેદાનોની બહુ ઓછી સંખ્યા.
ભારતમાં રસ્તા પર રમી રહેલા યુવાનોના કારણે રસ્તે જતા લોકોને તકલીફ પડે છે અને
અકસ્માતો પણ થાય છે! દેશની વસતી ઝડપથી વધી રહી હોય, વસતી વધારાના કારણે ટ્રાફિક-પાર્કિંગ-પ્રદૂષણના પ્રશ્નો
વિકરાળ બની રહ્યા હોય, જમીનના અભાવે ઘરની કિંમતો આસમાને જઈ રહી હોય અને આ બધાના
કારણે બાળકો-યુવાનોને સારું વાતાવરણ મળતું ના હોય ત્યારે યોગ્ય દિશામાં શહેરનો
વિકાસ થાય એ મુદ્દો સરકારના ટોપ પ્રાયોરિટી લિસ્ટમાં હોવો જોઈએ. આખા દેશમાં ચંદીગઢ
કે ગાંધીનગર જેવા પ્લાન્ડ સિટીને બાદ કરતા એકેય જગ્યાએ સારા મેદાનો,
જાહેર બગીચા અને
સ્પોર્ટ્સ એક્ટિવિટીની પૂરતી સુવિધા નથી. શહેરોમાં હવે બિલ્ડરો પ્લેઇંગ એરિયાના નામે
થોડી ઘણી જગ્યા ફાળવે છે પણ ત્યાં ફક્ત નાના બાળકો રમી શકે,
નહીં કે યુવાનો.
આવા પ્લેઇંગ એરિયામાં ગ્રાઉન્ડ સ્પોર્ટ્સ રમી શકાય એવું વાતાવરણ કે માળખાગત
સુવિધા હોતી નથી. પ્લેઇંગ એરિયા પણ થોડા સમય પછી પાર્કિંગ એરિયા બની જાય છે અથવા
પ્લેઇંગ એરિયાનું મેઇન્ટેન્સ જ ના થતું હોય એવું પણ હોઇ શકે છે! જો આ મુશ્કેલીઓમાંથી બચી ગયા તો કાચ ફૂટી
ના જાય કે વાહનોને નુકસાન ના થાય એ માટે યુવાનોને રમતા રોકવામાં આવે છે. મ્યુનિસિપાલિટીના બગીચાઓમાં પણ ક્રિકેટ સહિતની રમતો પર પ્રતિબંધ હોય છે. આ બધા
કારણસર થોડા સમય પછી સોસાયટીનો રસ્તો કે આસપાસની ગલીઓમાં જ ‘કોહલી અને સાઈના’ દેખાવા માંડે છે.
અમેરિકા કે યુરોપના દેશોમાં દરેક વિસ્તારની વસતીને ધ્યાનમાં રાખીને પ્લેઇંગ
ફિલ્ડ અને પબ્લિક પાર્ક હોવા જ જોઈએ એની પૂરેપૂરી તકેદારી રખાય છે. વિકસિત દેશોમાં
બાળકોના પ્લેઇંગ એરિયાની જમીન ઈજા પહોંચાડે એટલી કઠણ ના થઈ જાય એવી પણ તકેદારી
રખાય છે, જ્યારે આપણા પ્લેઇંગ એરિયાના સાધનો અને જમીન બાળકોને ઈજાગ્રસ્ત કરે એવી
સંભાવના પૂરેપૂરી હોય છે. સામાન્ય પ્લેઇંગ એરિયાની હાલત જ કંગાળ હોય ત્યાં યુવાનો
ગ્રાઉન્ડ સ્પોર્ટ્સની મજા લઈ શકે એવી સુવિધાની અપેક્ષા જ કેવી રીતે રાખી શકાય!
ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ હોવા છતાં ભવિષ્યની પેઢીનો ઉપયોગ કરવાનું આપણી સરકારો
પાસે કોઈ આયોજન નથી.
ભારત સરકારની તાજી વસતી ગણતરી પ્રમાણે, વર્ષ ૨૦૧૧માં દેશની કુલ વસતીમાં ૧૦થી ૨૪ વર્ષની ઉંમરના
યુવાનોની સંખ્યા ૩૬ કરોડ અને ૬૦ લાખ હતી. આજની અને આવનારી પેઢીઓ પાસેથી સરકારે અને
સમાજે કંઈક મેળવવું હોય તો પહેલાં તેમના માટે કંઈક કરવું પડે. જો યુવાનોનો સંપૂર્ણ
વિકાસ થાય એવું વાતાવરણ ઊભું કરાય તો જ તેનો ફાયદો દેશ અને સમાજને મળવાનો જ છે. જે
દેશમાં યુવાનોને ધ્યાનમાં રાખીને કશું જ કરાતું ના હોય એ લોકો તેમની પાસેથી
મોટી-મોટી અપેક્ષા કેવી રીતે રાખી શકે? એક પ્રજા તરીકે આપણે કે આપણી સરકારો આગામી પેઢીના ભવિષ્ય
માટે કેટલા જાગૃત છીએ?
વિકાસની રાહમાં યુવાનોની શક્તિનો દરેક સ્તરે ઉપયોગ કરવાનું આયોજન લાંબા ગાળાના
રોકાણો માગી લે છે. આ વાત ચીન પાસેથી શીખવા જેવી છે. આપણે સ્પોર્ટ્સનું જ ઉદાહરણ
લઈએ. ચીન પાસે ઓલિમ્પિયન યુવાનોની ફોજ છે, એનું કારણ લાંબા ગાળાનું વિચારીને અમલી કરેલી નીતિઓ છે.
આપણે પણ દેશભરની સ્કૂલોમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી ધમધમે એવું વાતાવરણ ઊભું કરી શકીએ
એમ છીએ. સારા સ્પોર્ટ્સપર્સન પેદા કરવાનો ઉત્તમ રસ્તો એ જ છે. જોકે,
ભારતની સ્કૂલોમાં મેદાનો
અને માળખાગત સુવિધાનો સદંતર અભાવ છે. નાના-મોટા શહેરો જ નહીં,
મુંબઈ અને દિલ્હીમાં પણ
સ્કૂલોમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની માર્ગદર્શિકા પ્રમાણે માળખાગત
સુવિધા તો ઠીક, મેદાન જ નહીં હોવાની ફરિયાદો થઈ ચૂકી છે. સીબીએસઈના નિયમ પ્રમાણે,
દરેક સ્કૂલમાં ૨૦૦
મીટરનો ટ્રેક અને વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે પૂરતું મેદાન હોવું જરૂરી છે.
એનરિક પેનાસોલા |
વર્ષ ૨૦૦૯માં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને માનવ સંસાધન મંત્રાલયે તમામ સ્કૂલોને નજીકના મેદાનો અને મ્યુનિસિપાલિટીના બગીચાઓનો વિદ્યાર્થીઓની શારીરિક પ્રવૃત્તિ માટે ઉપયોગ કરવાની છૂટ આપી હતી. આ નિયમનો દુરુપયોગ કરીને સ્કૂલ સંચાલકો મ્યુનિસિપાલિટીના મેદાનો કે બગીચા બતાવીને સ્કૂલો ચલાવવાના લાયસન્સ લઈ આવે છે. આ મેદાનોનો ઉપયોગ કરવા સ્કૂલે ભાડું ચૂકવવું પડે છે, પરંતુ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા સારી એવી થઈ જાય પછી ‘ભાડું પોસાતું નથી’ એવા સ્કૂલ સંચાલકોના નાટકો શરૂ થઈ જાય છે. બેંગલુરુ જેવા આઈટી હબની ઈન્ટરનેશનલ સ્કૂલોને મ્યુનિસિપાલિટીના મેદાનોના ભાડાં પોસાતા નથી એટલે સ્કૂલની ઓસરી કે નાનકડા કેમ્પસમાં જ વિદ્યાર્થીઓની સ્પોર્ટ્સ એક્ટિવિટી કરાવાય છે, એવી ફરિયાદો ઊઠી હતી. ભારતમાં પ્રાઈવેટ જ નહીં, અનેક સરકારી સ્કૂલોમાં પણ મેદાનો નહીં હોવાની ફરિયાદો થઈ ચૂકી છે. એટલે કે, સરકાર જ નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરે છે.
ભારતનું અર્બન પ્લાનિંગ ભયાનક ખરાબ છે એટલે લગભગ દરેક શહેરમાં મેદાનોની સંખ્યા નહીંવત છે. ગીચ શહેરોમાં સ્કૂલો ધમધમે છે પણ તેમાં મેદાનો હોતા નથી. પરિણામે આપણા શહેરોમાં સ્પોર્ટ્સ કોચિંગની પૂરતી સુવિધા મળતી નથી. મ્યુનિસિપાલિટીના
મેદાનોમાં અને સ્વિમિંગ પુલોમાં કીડીયારાં ઊભરાવાનું કારણ આ જ છે. વળી, મેદાનોની
સંખ્યા ઓછી હોવાથી મોટા ભાગના નાગરિકો માટે સ્પોર્ટ્સ કોચિંગ ક્લાસીસ ઘરથી દૂર હોય
છે. એટલે બાળકોને ત્યાં મોકલતા પહેલાં મા-બાપે વિચારવું પડે છે કે,
એ ત્યાં સુધી જશે-આવશે
કેવી રીતે? એ સવાલ સામે વર્કિંગ કપલે શરણાગતિ સ્વીકારી લેવી પડે છે. ચીન આંતરરાષ્ટ્રીય
ચેમ્પિયનશિપોમાં અને ઓલિમ્પિકમાં સ્વિમિંગ, જિમ્નાસ્ટિક, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, બિલિયર્ડ અને ડાઈવિંગ જેવી સ્પોર્ટ્સમાં ચંદ્રકો જીતવામાં વિકસિત
દેશોને પણ હંફાવી દે છે કારણ કે, ત્યાં સ્કૂલથી જ યુવાનોને સ્પોર્ટ્સમાં આગળ લઈ જવા તમામ સ્તરે તનતોડ પ્રયાસ કરાય છે.
ભારતમાં એવું નથી. ભારતમાં યુવાનો સ્પોર્ટ્સમાં કારકિર્દી બનાવવા આગળ આવે એવું
વાતાવરણ જ સર્જી શકાયું નથી. અહીં જંગી ખર્ચ અને તનતોડ મહેનત કરીને સ્પોર્ટ્સમાં આગળ
વધવું એ ‘ખોટનો સોદો’ છે. આ વાત ભારતીયો સારી રીતે જાણે છે. એટલે માતાપિતા જ ભણતરનું
બહાનું આગળ ધરીને બાળકોને સ્પોર્ટ્સમાં આગળ વધતા રોકે છે. આપણે ત્યાં પણ હજારો યુવાનો
ગ્રાઉન્ડ સ્પોર્ટ્સમાં સ્વમહેનતે આગળ વધવાનો ઉત્સાહ દાખવે જ છે પણ સ્કૂલોમાં એવી સ્પોર્ટ્સ
ઈવેન્ટનું આયોજન જ થતું નથી, જેમાં યુવાનોને સતત પ્રેક્ટિસ મળે તેમજ આંતરરાષ્ટ્રીય
સ્તરે જવાનું પ્રોત્સાહન મળે. સ્કૂલોમાં સ્પોર્ટ્સ એક્વિટિવિટી કરાવવા ખાતર થતી
હોય છે. અહીં સ્પોર્ટ્સ એ કારકિર્દી ઓછી અને ટાઈમ પાસ કે હેલ્થ રિલેટેડ એક્ટિવિટી
વધારે છે.
આ સ્થિતિમાં પણ છેલ્લાં ઘણાં વર્ષોથી ગ્રામીણ વિસ્તારોમાંથી યુવા પ્રતિભાઓ આપબળે આગળ વધી રહી છે. શું આ પ્રતિભાશાળી યુવાનોને શહેરોમાં બોલાવીને, સારું શિક્ષણ આપીને, સારા સ્પોર્ટ્સ પર્સન તરીકે તૈયાર કરવા અશક્ય છે? બિલકુલ નહીં. ભારતમાં તો ધર્મના નામે દાનનો ધોધ વહે છે. શું આપણે એ દાનનો થોડો ઘણો હિસ્સો પ્રતિભાવંત ખેલાડીઓ માટે વાપરી ના શકીએ? શું યુવાનો માટે આવી સુવિધા ઊભી કરવા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ ના થઈ શકે? જોકે, સ્પોર્ટ્સ માટે પાયાની માળખાગત સુવિધાઓ ઊભી કરવી હજુયે સહેલી છે પણ યુવાનો સ્પોર્ટ્સમાં પણ કારકિર્દી બનાવી શકે, સારી કમાણી કરી શકે અને ઈજ્જતથી રહી શકે એવું વાતાવરણ સર્જવા લાંબા ગાળાના જડબેસલાક આયોજનો કરવા પડે!
જે શહેરોમાં બાળકોના વિકાસ પ્રત્યે દુર્લક્ષ સેવાય છે એ શહેર, દેશ કે સમાજ ક્યારેય સાચા અર્થમાં વિકસતો નથી. શારીરિક પ્રવૃત્તિના અભાવે બાળકોનો માનસિક વિકાસ પણ રુંધાય છે. યુવાનો મેદસ્વિતા અને એનીમિયા (લોહીનો અભાવ) જેવા રોગોના કારણે હાંફી રહ્યા છે એનું સૌથી મોટું કારણ શારીરિક પ્રવૃત્તિનો અભાવ છે. પેનાસોલાએ કહ્યું હતું કે, બાળકો એ ખાસ પ્રજાતિ છે. જો આપણે બાળકો માટે સફળ શહેર બાંધી શકીશું તો જ દરેક વ્યક્તિ માટે સફળ શહેર બાંધી શકીશું...
આ સ્થિતિમાં પણ છેલ્લાં ઘણાં વર્ષોથી ગ્રામીણ વિસ્તારોમાંથી યુવા પ્રતિભાઓ આપબળે આગળ વધી રહી છે. શું આ પ્રતિભાશાળી યુવાનોને શહેરોમાં બોલાવીને, સારું શિક્ષણ આપીને, સારા સ્પોર્ટ્સ પર્સન તરીકે તૈયાર કરવા અશક્ય છે? બિલકુલ નહીં. ભારતમાં તો ધર્મના નામે દાનનો ધોધ વહે છે. શું આપણે એ દાનનો થોડો ઘણો હિસ્સો પ્રતિભાવંત ખેલાડીઓ માટે વાપરી ના શકીએ? શું યુવાનો માટે આવી સુવિધા ઊભી કરવા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ ના થઈ શકે? જોકે, સ્પોર્ટ્સ માટે પાયાની માળખાગત સુવિધાઓ ઊભી કરવી હજુયે સહેલી છે પણ યુવાનો સ્પોર્ટ્સમાં પણ કારકિર્દી બનાવી શકે, સારી કમાણી કરી શકે અને ઈજ્જતથી રહી શકે એવું વાતાવરણ સર્જવા લાંબા ગાળાના જડબેસલાક આયોજનો કરવા પડે!
જે શહેરોમાં બાળકોના વિકાસ પ્રત્યે દુર્લક્ષ સેવાય છે એ શહેર, દેશ કે સમાજ ક્યારેય સાચા અર્થમાં વિકસતો નથી. શારીરિક પ્રવૃત્તિના અભાવે બાળકોનો માનસિક વિકાસ પણ રુંધાય છે. યુવાનો મેદસ્વિતા અને એનીમિયા (લોહીનો અભાવ) જેવા રોગોના કારણે હાંફી રહ્યા છે એનું સૌથી મોટું કારણ શારીરિક પ્રવૃત્તિનો અભાવ છે. પેનાસોલાએ કહ્યું હતું કે, બાળકો એ ખાસ પ્રજાતિ છે. જો આપણે બાળકો માટે સફળ શહેર બાંધી શકીશું તો જ દરેક વ્યક્તિ માટે સફળ શહેર બાંધી શકીશું...
શહેરોમાં મેદાનો જ નહીં, ફૂટપાથ, ખુલ્લી જગ્યાઓ અને શક્ય હોય એ તમામ સ્થળોએ નદી-તળાવની આસપાસ
હરવા-ફરવાના સુંદર સ્થળો હોવા પણ જરૂરી છે, જ્યાં લોકો તાજામાજા થવા ઘરની બહાર નીકળી શકે. જોકે,
ભારતીયો આવા મુદ્દે
આંદોલન કરીને સરકારને ભીંસમાં લે કે દાનની નદીઓ વહાવી દે એવા ‘અચ્છે દિન’ હજુ એક સપનું છે.
નોંધઃ બંને તસવીર ગૂગલ પરથી લીધી છે.
ReplyDeleteઆપનો આ લેખ મોદીજી અને બીજા પ્રધાનો સુધી પહોંચવો જોઈએ. ભારતની વસ્તી જોતાં કહેવાય કે સમર ઓલિમ્પીકમાં ભારતના હજાર ઉપરાંત ખેલાડી હોવા જોઈએ. અમારા ગામ રાજપીપલામાં દેવજી નામનો માછીમારનો દીકરો હતો. તેને તો દસ ગોલ્ડ મેડલ મળે.દૂધવાળો થનજી ૧૫૦૦ મિટરમાં વર્લ્ડ ચેમ્પીયન બને. અમેરિકામાં દરેક હાઈસ્કુલોના આોલિમ્પીક સાઈઝ રમતના મેદાન હોય છે. તે ફરવિયાત હોય છે. દરેક શાળામાં સ્વિમીંગ પુલ હોય છે. લોકોએ અને સરકારે કાંઈ કરવું જોઈએ.
બાળકો માટે સરકાર મેદાન શું કામ આપે? બાળકો ક્યાં ૧૮ વર્ષના છે અને મતદાન કરવાના છે? મતદાન કરનારા માટે પણ સુવિધાઓ નથી અપાતી તો બાળકોનું તો કોણ વિચારે? અને આરટીઇ આપી દીધું. હવે આવા મેદાન-ફેદાનની વાતો નહીં કરનારી. અને સરકારે રમત-ગમતને પ્રોત્સાહન આપવા ‘રમે ગુજરાત’ની જાહેરાતો કરી છે. ક્યાં રમવું એ જાતે નક્કી કરી લેવાનું. જમીન કે મેદાન શબ્દ સાંભળીને ત્યાંથી ધનસંગ્રહ કેમ થઈ શકે એવી વાત કરો તો કોઈ નેતાને તરત રસ પડે. અરે મેદાન શબ્દ બોલાય કે તુરંત જ તેને બાંધકામ માટે કેમ લેવું એની યોજનાઓ તૈયાર થાય છે. ભાઈ, ગાયો માટે ગૌચર નથી બચતી, રસ્તા માટે જમીનો નથી મેદાન તો ક્યાંથી હોવાના? અને હા. સરકાર એવી નવો અભિગમ તૈયાર કરશે. જેમાં રમનારા અને સરકાર બંનેનું હિત સચવાશે. સરકાર એવી ઇનોવેટિગ રમતોનો મહાકુંભ કરશે, જેમાં મેદાનની જરૂર જ નહીં પડે. આ ગેમ્સ મોબાઇલ પર રમી શકાશે, જેમાં મોદીથી વિધ્ન દોડ પૂરી કરીને વિશ્વગુરુ બનતા દોડતા હોય એવું બધું આવશે.
ReplyDeleteસચોટ અવલોકન. મતબેંકને ધ્યાનમાં રાખીને જ બધી નીતિઓ બનાવાય છે. હોબાળો થાય એટલે દેખાડા ખાતર જાહેરાતો કરી દેવાની... પણ આ લેખનું ફોકસ બાળકો કરતા યુવાનોને-ગ્રાઉન્ડ સ્પોર્ટ્સ રમી શકે એવા-કિશોરવયના યુવાનો પર પણ છે. નવી સોસાયટીઓમાં સાવ નાના બાળકો રમી શકે એવી સુવિધા ધરાવતી અને એટલી જ જગ્યા હોય છે...
Delete