21 March, 2016

ટાઈટેનિક ડૂબતું હતું ત્યારે કઈ પ્રાર્થના ગવાતી હતી?


હોલિવૂડ બ્લોકબસ્ટર 'ટાઈટેનિક' ફિલ્મ આવ્યા પછી એ ભયાવહ્ દુર્ઘટના વિશે ભાગ્યેજ કોઈ અજાણ હશે પણ આજે એના સાથે સંકળાયેલી એક ઓછી જાણીતી વાત કરવી છે. ઈંગ્લેન્ડના સધમ્પ્ટનથી દસમી એપ્રિલ, ૧૯૧૨ના રોજ ૮૮૨ ફૂટ લાંબુ, ૭૫ ફૂટ ઊંચું અને ૫૨૩૧૦ ટન વજન ધરાવતું 'ટાઈટેનિક' આશરે ૨,૨૨૪ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને લઈને ન્યૂયોર્ક સિટી જવા નીકળ્યું. આ મુસાફરી શરૂ થયાના ચાર જ દિવસ પછી ૧૪મી એપ્રિલ, ૧૯૧૨ના રોજ તે કેનેડાના ન્યૂફાઉન્ડલેન્ડ ટાપુ નજીક સવારે ૧૧:૪૦ વાગ્યે એક હિમશીલાને અથડાયું. ટક્કરથી જહાજના ૧૬માંથી પાંચ વૉટરટાઈટ કમ્પાર્ટમેન્ટ ખૂલી ગયા અને તે ડૂબવાનું શરૂ થયું. ડૂબી રહેલા જહાજમાં બે હજારથી પણ વધુ લોકો એકસાથે મોતની રાહ જોતા હોય એ દૃશ્ય કેટલું ભયાવહ્ હશે! આ સ્થિતિમાં લોકો મૃત્યુનો શાંતિથી સ્વીકાર કરી શકે એ માટે અર્નેસ્ટ સી. કાર્ટર નામના પાદરીએ 'લીડ કાઈન્ડલી લાઈટ' નામની પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. ૧૫મી એપ્રિલ, ૧૯૧૪ના રોજ મધરાત્રે ૨:૨૦ વાગ્યે 'ટાઈટેનિક' ,૫૦૦ લોકોને લઈને દરિયામાં ગરકાવ થયું એ પહેલાં તમામે આ પ્રાર્થના સાંભળી હતી. આ 'લીડ કાઈન્ડલી લાઈટ' એટલે જ ગાંધીજીની અત્યંત પ્રિય 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ'-એ પ્રાર્થના, જેનો તેમણે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા પાસે અનુવાદ કરાવ્યો હતો. આ પ્રાર્થનાના શબ્દો જેટલા ભાવવાહી છે એટલો જ રોચક તેનો ઈતિહાસ છે. 

આ પ્રાર્થના ગાંધીજીના હૃદયની અત્યંત નજીક કેમ હતી એવો સવાલ થયો હોય તો મૂળ અંગ્રેજી પ્રાર્થનાના શબ્દો વારંવાર વાંચજો, સાંભળજો. ગાંધીજીના જન્મના આશરે ૩૬ વર્ષ પહેલાં ઈસ. ૧૮૩૩માં જ્હોન હેનરી ન્યૂમેન નામના યુવાન પાદરીએ (૧૮૦૧-૯૦) 'પિલાર્સ ઓફ ક્લાઉડ' શીર્ષક હેઠળ આ પ્રાર્થના લખી હતી. ન્યૂમેન દરિયાઈ માર્ગે વિવિધ દેશોમાં ધર્મસેવા કરવા પ્રવાસ ખેડી રહ્યા હતા ત્યારે ઈટાલીમાં સખત બિમાર પડ્યા. બિમારીમાં તેમને ઇંગ્લેન્ડની યાદ સતાવવા લાગી પરંતુ ત્રણેક અઠવાડિયા સુધી તેઓ પ્રવાસ કરી શકે એમ ન હતા. આ દરમિયાન માનસિક શાંતિ માટે તેમણે ઈટાલીના વિવિધ ચર્ચની મુલાકાતો લીધી. છેવટે ત્રણ અઠવાડિયા પછી ન્યૂમેનને ફ્રાંસના માર્સેલી જતા જહાજમાં રવાના થવાની તક મળી. દરિયાઈ વાતાવરણ અનુકૂળ નહીં હોવાથી આ જહાજે પણ ફ્રાંસના કોર્સિકા (હા, 'તમાશા' ફિલ્મવાળું) અને ઈટાલીના સાર્ડિનિયા વચ્ચેની બોનિફેસિયો સામુદ્રધુનીમાં એક અઠવાડિયું રોકાવું પડ્યું. આ રોકાણ વખતે યુવાન ન્યૂમેને 'લીડ કાઈન્ડલી લાઈટ'ના શબ્દો કાગળ પર ઉતાર્યા...

th'encircling gloom,
Lead Thou me on!
The night is dark, and I am far from home,
Lead Thou me on!
Keep Thou my feet; I do not ask to see
The distant scene; one step enough for me.

I was not ever thus, nor prayed that Thou
Shouldst lead me on;
I loved to choose and see my path; but now
Lead Thou me on!
I loved the garish day, and, spite of fears,
Pride ruled my will. Remember not past years!

So long Thy power hath blest me, sure it still
Will lead me on.
O'er moor and fen, o'er crag and torrent, till
The night is gone,
And with the morn those angel faces smile,
Which I have loved long since, and lost awhile!

Meantime, along the narrow rugged path,
Thyself hast trod,
Lead, Saviour, lead me home in childlike faith,
Home to my God.
To rest forever after earthly strife
In the calm light of everlasting life."

એ પછી આ પ્રાર્થના યુરોપિયન પાદરીઓમાં પણ લોકપ્રિય થઈ. જોકે, આ પ્રાર્થનાનો ચોથો શ્લોક ઇંગ્લેન્ડના એક્સેટર શહેરના બિશોપ એડવર્ડ બિકરસ્ટેથે પાછળથી ઉમેર્યો હતો. આજેય ભારત સહિત દુનિયાની હજારો અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં નિયમિત રીતે આ પ્રાર્થના ગવાય છે, જ્યારે ગુજરાતની અનેક સ્કૂલોમાં ‘પ્રેમળ જ્યોતિ’ નિયમિત રીતે ગવાતી હતી. 

યુવાનીમાં જ્હોન હેનરી ન્યૂમેન અને નરસિંહરાવ દિવેટિયા


ગાંધીજી 'લીડ કાઈન્ડલી લાઈટ'ના પરિચયમાં કેવી રીતે આવ્યા એનો પહેલવહેલો ઉલ્લેખ તેમના દક્ષિણ આફ્રિકાના દિવસોમાં મળે છે. ગાંધીજીએ સપ્ટેમ્બર, ૧૯૦૬માં દ. આફ્રિકા આવતા એશિયનોની ફરજિયાત નોંધણીના કાયદા સામે સત્યાગ્રહ શરૂ કર્યો હતો. આ મુદ્દે મિ. ગાંધી દ. આફ્રિકાના તત્કાલીન વડાપ્રધાન જનરલ સ્મટ્સ સાથે ભળી ગયા છે એવી ગેરસમજને પગલે એક ભારતીયે તેમના પર હુમલો કર્યો. આ હુમલા પછી પાદરી જોસેફ જે. ડૉક ગાંધીજીને આરામ કરવા પ્રેમપૂર્વક પોતાના ઘરે લઈ ગયા. એ વખતે ગાંધીજી ડૉકની પુત્રી ઓલિવ પાસે પોતાની પ્રિય પ્રાર્થના 'લીડ કાઈન્ડલી લાઈટ' ગવડાવતા હતા. ૧૯મી ડિસેમ્બર, ૧૯૨૭ના રોજ ગાંધીજીએ ઓલિવ ડૉકને લખેલા પત્રમાં આ વાતની નોંધ મળે છે. દ. આફ્રિકામાં ગાંધીજી અનેક ખ્રિસ્તી વિદ્વાનો અને પાદરીઓના સંપર્કમાં આવ્યા હતા. એટલું જ નહીં, પ્રિટોરિયા અને જોહાનિસબર્ગમાં પણ તેઓ ઘણીવાર ખ્રિસ્તી સેવા કેમ્પમાં ભાગ લેતા હતા. એ વખતે તેઓ 'લીડ કાઈન્ડલી લાઈટ'ના પરિચયમાં આવ્યા હશે એવું માની શકાય!

ગાંધીજી કહેતા કે, ‘‘ઈશ્વરે મારી પ્રાર્થનાનો જવાબ ન આપ્યો હોય એવું કદી બન્યું નથી.’’ ખાસ કરીને, હવે શું કરવું જોઈએ એવી મૂંઝવણ થાય ત્યારે ગાંધીજી પ્રાર્થનાનું શરણું લેતા હતા! પ્રાર્થનાની શક્તિ વિશે ગાંધીજીએ લખ્યું છે કે, ‘‘... રાજદ્વારી ક્ષિતિજમાં આજે મારી સામે નિરાશાનો ઘનઘોર અંધકાર હોવા છતાં, હું કદી શાંતિ ખોઈ બેઠો નથી. ઘણાં લોકોને મારી શાંતિની ઈર્ષા આવે છે. એ શાંતિ પ્રાર્થનામાંથી જન્મી છે એ તમે જાણી લેજો!...’’  દ. આફ્રિકામાં સત્યાગ્રહ શરૂ કર્યો ત્યારથી જ ગાંધીજી પ્રાર્થનાની શક્તિ વિશે આવા વિચારો ધરાવતા હતા. વર્ષ ૧૯૧૫માં ગાંધીજી ભારત આવ્યા ત્યારે તેમને અંગ્રેજોના જુલમી શાસન અને કરમાળખા સામે લડવા ગણોતિયા, ખેડૂતો અને મજૂરોને એક છત નીચે લાવવાનું કામ શરૂ કરવું હતું. દ. આફ્રિકાથી ટોલ્સટોય ફાર્મના અનુભવો લઈને આવેલા ગાંધીજી દૃઢપણે માનતા હતા કે, આ પ્રકારનું કામ આશ્રમજીવનમાં વધુ સારી રીતે થઈ શકે. વળી, આશ્રમજીવન યોગ્ય રીતે ચલાવવા સામૂહિક પ્રાર્થના જેવા નીતિનિયમો ઘણાં મહત્ત્વના છે એવું પણ તેઓ માનતા હતા. કંઈક આવા સામાજિક-રાજકીય હેતુથી તેમણે ૨૫મી મે, ૧૯૧૫ના રોજ અમદાવાદમાં જીવણલાલ દેસાઈના કોચરબ બંગલૉમાં આશ્રમજીવનની શરૂઆત કરી.

ચંદુલાલ ભગુભાઈ દલાલે 'ગાંધીજીની દિનવારી'માં કરેલી નોંધ પ્રમાણે ૧૫મી સપ્ટેમ્બર, ૧૯૧૫ના રોજ વહેલી સવારે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા (૧૮૫૯-૧૯૩૭) કોચરબ આશ્રમમાં મળવા આવ્યા ત્યારે ગાંધીજીએ તેમને 'લીડ કાઈન્ડલી લાઈટ'નું ભાષાંતર કરી આપવા વિનંતી કરી હતી. નરસિંહરાવને ભાષાંતર કરવાની વિનંતી કરી એના અઢી મહિના પછી ૨૩મી નવેમ્બર, ૧૯૧૫ના રોજ નરસિંહરાવ 'લીડ કાઈન્ડલી લાઈટ'નું ભાષાંતર લઈને આવ્યા. ગાંધીજી તેમના પાસે આ પ્રાર્થનાનો અનુવાદ કરાવી શક્યા એ ખરેખર તેમની સિદ્ધિ ગણાય કારણ કે, નરસિંહરાવ અંગ્રેજોની રંગભેદ નીતિનો ભોગ બન્યા હોવા છતાં પરદેશી રાજના વફાદાર અને ગાંધીજીની ચળવળના સખત વિરોધી હતા.

નરસિંહરાવ પિતાની ઈચ્છાથી વર્ષ ૧૮૮૪માં આસિસ્ટન્ટ કલેક્ટર બન્યા હતા. કદાચ આ કારણોસર તેમનો અભિગમ અંગ્રેજ સરકાર તરફી હોઈ શકે! તેઓ ગાંધીજી કરતા દસ વર્ષ મોટા હતા. ગાંધીજી દ. આફ્રિકાથી ભારત આવ્યા ત્યારે તેઓ મુંબઈમાં નિવૃત્ત જીવન ગાળતા અને ગુજરાતી સાહિત્યના અગ્રણી કવિ, વિવેચક અને ભાષાશાસ્ત્રી તરીકે સ્થાપિત થઈ ચૂક્યા હતા. રસપ્રદ વાત તો એ છે કે, આવા વિદ્વાન સામે ગાંધીજીએ 'લીડ કાઈન્ડલી લાઈટ'ના ભાષાંતરમાં પ્રયોજેલા 'પ્રેમલ' શબ્દ સામે હળવેકથી વાંધો ઉઠાવ્યો હતો. ગાંધીજી અને નરસિંહરાવે 'પ્રેમળ' નહીં પણ 'પ્રેમલ' શબ્દ પ્રયોજ્યો છે. પછીના વર્ષોમાં અપભ્રંશ થતા કે અન્ય કોઈ કારણસર 'પ્રેમલ'ને બદલે 'પ્રેમળ' શબ્દ ચલણી બન્યો હશે, એવું માની શકાય! 

નરસિંહરાવે (ગાંધીજીની દિનવારીની તારીખ પ્રમાણે જ) પણ ૨૩મી નવેમ્બર, ૧૯૧૫ના રોજ રોજનીશીમાં 'લીડ કાઈન્ડલી લાઈટ'નું ભાષાંતર લઈને આશ્રમે ગયાનું નોંધ્યું છે. આ નોંધ પ્રમાણે, એ દિવસે નરસિંહરાવે પહેલીવાર ગાંધીજી અને તેમના સાથીદારો સામે 'પ્રેમલ જ્યોતિ...' ગાઈ સંભળાવ્યું હતું. ગાંધીજીને ભાષાંતર ગમ્યું પણ 'પ્રેમલ' શબ્દ બહુ સંસ્કૃતમય હોવાથી ખૂંચ્યો હતો કારણ કે, પ્રાર્થનાની શરૂઆતમાં પરિચિત શબ્દ હોવો જોઈએ એવું તેઓ માનતા હતા. એટલે નરસિંહરાવે 'વત્સલ' શબ્દ પર વિચાર કરી જોયો પણ 'પ્રેમલ' જેટલું માધુર્ય એમાં નથી એવું તેમને લાગતું હતું. એ જ દિવસે ગાંધીજીએ નરસિંહરાવને જણાવ્યું હતું કે, આ પ્રાર્થનાનું ભાષાંતર કરવાનું કામ તેમણે કવિ ન્હાનાલાલને પણ સોંપ્યું છે. ત્યારે નરસિંહરાવે કહ્યું હતું કે, ‘‘એ સારું કરશે. હેમનામાં શબ્દો યોજવાની શક્તિ સારી છે. પછી કોકવાર વિચિત્રતા પણ થાય છે.’’ આ પ્રાર્થનાનું ન્હાનાલાલે ભાષાંતર કર્યું છે કે નહીં એ જાણવા મળતું નથી.

જોકે, નરસિંહરાવનો 'લીડ કાઈન્ડલી લાઈટ'નો અનુવાદ એટલો ઉત્કૃષ્ટ છે કે, એ વાંચીને ગમે તેવો કાવ્ય રસિક પણ કહી ના શકે કે, આ કોઈ અંગ્રેજી કૃતિનું ભાષાંતર છે! ખરેખર તો તે 'અનુવાદ' કે 'ભાવાનુવાદ' નહીં પણ નરસિંહરાવનું પોતીકું સર્જન જ ગણી શકાય! ગાંધીજી જીવિત રહ્યા ત્યાં સુધી આ શબ્દોમાંથી શક્તિ મેળવતા રહ્યા હતા!

પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ ... પ્રેમળ જ્યોતિ
દૂર પડ્યો નિજ ધામથી હું, ને ઘેરે ઘન અંધાર,
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ,
મારો જીવનપંથ ઉજાળ ... પ્રેમળ જ્યોતિ

ડગમગતો પગ રાખ સ્થિર મુજ, દૂર નજર છો ન જાય;
દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય,
મારે એક ડગલું બસ થાય ... પ્રેમળ જ્યોતિ

આજ લગી રહ્યો ગર્વમાં હું, ને માગી મદદ ના લગાર;
આપબળે માર્ગ જોઇને ચાલવા, હામ ધરી મૂઢ બાળ;
હવે માગું તુજ આધાર ... પ્રેમળ જ્યોતિ

ભભકભર્યા તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ,
વીત્યાં વર્ષો ને લોપ સ્મરણથી, સ્ખલન થયાં જે સર્વ,
મારે આજ થકી નવું પર્વ ... પ્રેમળ જ્યોતિ

તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ!, આજ લગી પ્રેમભેર
નિશ્ચે મને તે સ્થિર પગલેથી, ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમલ જ્યોતિની સેર ... પ્રેમળ જ્યોતિ

કર્દમભૂમિ કળણ ભરેલી, ને ગિરિવર કેરી કરાડ,
ધસમસતા જળકેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ,
મને પહોંચાડશે નિજ દ્વાર ... પ્રેમળ જ્યોતિ

રજની જશે, ને પ્રભાત ઊજળશે,
ને સ્મિત કરશે પ્રેમાળ, દિવ્ય ગણોનાં વદન મનોહર
મારે હૃદ્ય વસ્યાં ચિરકાળ, જે મેં ખોયા હતાં ક્ષણવાર ... પ્રેમળ જ્યોતિ

...જ્યારે 'લીડ કાઈન્ડલી લાઈટ'એ  ખાણિયાઓનો જીવ બચાવ્યો

આ પ્રાર્થના સાથે 'ટાઈટેનિક' સિવાય બીજી પણ એક રસપ્રદ ઘટના જોડાયેલી છે. ૧૬મી ફેબ્રુઆરી, ૧૯૦૯ના રોજ ઇંગ્લેન્ડની ડરહામ કોલસાની ખાણમાં બે ભયાનક વિસ્ફોટ થયા, જેમાં ૧૬૮ લોકોના મોત થયા. આ દુર્ઘટનામાં એક સ્થળે ઘણે ઊંડે દટાઈ ગયેલા ૩૪ ખાણિયાઓને એક એર પોકેટ મળી ગયું હતું, જેમાંથી તેઓ શ્વાસ લઈ શકતા હતા. આ ૩૪ પૈકીના એક ખાણિયાએ એર પોકેટના સહારે 'લીડ કાઈન્ડલી લાઈટ એમિડસ્ટ ધ એન્સર્કલિંગ ગ્લૂમ, લીડ ધાઉ મી ઓન. ધ નાઈટ ઈઝ ડાર્ક એન્ડ આઈ એમ ફાર અવે ફ્રોમ હોમ...' ગણગણવાનું શરૂ કર્યું. કહેવાની જરૂર નથી કે, આ અવાજ સાંભળીને થોડી જ વારમાં બીજા ખાણિયાઓએ પણ કોરસ ગાન શરૂ કરી દીધું. આ ૩૪માંથી ૩૦ને ૧૪ કલાકની જહેમત પછી બચાવી શકાયા હતા. હાલમાં જ સિઆચેનમાં થયેલા હિમપ્રપાતમાં લાન્સનાયક હનુમંતથપ્પા કોપ્પડ પણ આવા એર પોકેટના સહારે જ ૩૫ ફૂટ ઊંડે છ દિવસ સુધી જીવિત રહી શક્યા હતા.

નોંધઃ આ બંને પ્રાર્થના ઓનલાઈન સાંભળી શકાય છે.

1 comment:

  1. સુપર્બ આર્ટિકલ.. પ્રેમળ જ્યોતિ વિશેની એક્સક્લુસિવ માહિતી...

    ReplyDelete